64 Summerhill - 79 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 79

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 79

ભેંકાર અંધારામાં તરાપાઓ સ્પષ્ટ ભળાવાનો સવાલ ન હતો. નાઈટવિઝન બાયનોક્યુલરને ય નદીના તોફાની વહેણ અને તીવ્ર વળાંકની મર્યાદા અધકચરા બનાવી દેતી હતી. તરાપામાં ભાગી રહેલો કાફલો બધી રીતે ચડિયાતી સ્થિતિમાં હતો.

તેઓ આ વિસ્તારની ભૂગોળથી માહિતગાર હતા. વળી, કેપ્ટને ભાગી રહેલા લોકો વચ્ચે રહેલા પોલિસ અફસરને બચાવવાનો હતો એટલે આડેધડ ફાયર કરવાની સ્થિતિમાં એ ન હતો. જ્યારે તરાપાવાળા લોકો તો મરણિયા બન્યા હતા. એ તો ગમે તેમ અને ગમે તેવો વાર કરી જ શકે એ કેપ્ટને કાંઠાની હાલત પરથી પારખી લીધું હતું. વળી, એ લોકો એન્જિનના અવાજને લીધે ડિંગીનું સ્થાન પણ આબાદ પારખી શકે તેમ હતા.

પોતાની નબળાઈ અને સામેના કાફલાની ચડિયાતી સ્થિતિ પારખીને કેપ્ટને તરત નિર્ણય લીધો. પહેલાં તેણે ડિંગીની ઝડપ વધારી. પૂરપાટ વેગે ડિંગીને દસેક મિનિટ ભગાવી ત્યારે બેય ડિંગીમાં બેઠેલા લોકો માટે સંતુલન જાળવવું કષ્ટપ્રદ થઈ પડયું હતું. આમતેમ ફંગોળાતા જઈને એકમેકના સહારે પરાણે જકડાયેલા રહીને બે વળાંક પસાર કર્યા પછી અચાનક જ ઉલ્હાસે બેય ડિંગીના એન્જિન બંધ કરાવી દીધા અને એન્જિનની ઘરઘરાટી શમે એ પહેલાં તો તેના જવાનોએ હલેસા મારવાના શરૃ કરી દીધા હતા.

તરાપાઓ સુધીનું મહત્તમ અંતર કાપીને હવે તે પોતે પણ તરાપાઓની માફક હલેસાના સહારે જ ફાંસલો કાપવા માગતો હતો. હાજરી છતી કર્યા વગર સાવ નજીક સરકીને તે પેલા અજાણ્યા હથિયારનો ભય ટાળવા મથતો હતો. તરાપો દેખાય એ સાથે જ ખભા પરથી દાગી શકાય એવો સેલ્ફ પ્રોપેલ્ડ બ્લાસ્ટ કરીને બેય તરાપાઓને ઊંધા વાળી દેવાનો તેનો વ્યુહ હતો. એ વખતે જાનહાનિ થાય તો ભલે થાય. એ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો, અને ઉલ્હાસને અહિંસાનો એવો કોઈ મુડ પણ ન હતો.

નદીનો બીજો મારકણો વળાંક હજુ પૂરો થાય એ પહેલાં અંધારઘેરી ક્ષિતિજ પરથી કોઈક ભેખડમાંથી ક્યાંક ચિબરી ઊડી હોય એવો કર્કશ, બિહામણો અવાજ થયો. ચોંકેલો ઉલ્હાસ કશું સમજે, તાગ મેળવે અને પ્રતિક્રિયા દાખવે એ પહેલાં આકાશમાં ડિંગીની બરાબર માથેથી કોઈકે ટોર્ચ સળગાવી હોય એવો ઉજાસ પથરાયો.

'લેટ જાવ...' લાઈટ ક્લસ્ટરની તરકીબ પારખીને તરત ઉલ્હાસે ત્રાડ નાંખી દીધી. ક્લસ્ટર વડે પોતાનું સ્થાન લોકેટ થાય એ સાથે જ હુમલો થશે એવું સમજી લેવું તાલીમબધ્ધ કમાન્ડો માટે મુશ્કેલ ન હતું.

કેપ્ટને ત્રાડ નાંખી એટલી વારમાં તો ડિંગી પર બે પગ વચ્ચે માથું ઘાલીને જવાનોએ હલેસાને એકધારા એક જ દિશાએ વર્તુળાકાર ઘૂમાવીને ડિંગીને જાણે ફુદરડી ફરતી હોય તેવા ચકરાવે ચડાવી દીધી.

ક્લસ્ટરનો ઉજાસ શમે અને કાંઠા પરથી ફેંકાયેલો ગ્રેનેડ ફાટે એ પહેલાં બંને ડિંગીના એન્જિન સ્ટાર્ટ થઈ ગયા હતા. ભેંકાર સન્નાટાની છાતીમાં પહેલાં રાઉસ થતા એન્જિનની ઘરઘરાટી ભોંકાઈ અને પછી તરત ભોંકાયો આગળની ડિંગીથી વીસેક ફૂટ દૂર હવામાં જ ફાટેલા ગ્રેનેડનો કારમો ધડાકો...

સૈકાઓથી નિસર્ગનું લીલુછમ્મ મૌન ઓઢીને સમાધિએ ચડેલા જોગી જેવા બ્રહ્મપુત્રના કાંઠાના એ પહાડો એ દિવસે કારમું અટ્ટહાસ્ય કરવા લાગ્યા હતા.

હવામાં ગ્રેનેડ ફાટયો એ સાથે બે ઘટના બની.

બિરવા જેના પર સવાર હતી એ આગળની ડિંગીના કમાન્ડોએ એન્જિન રાઉસ થયું કે તરત ગિયરમાં નાંખી દીધું એટલે એ ડિંગી પૂરપાટ ચિચિયારી કરતી આગળની તરફ ભાગી. અહીં સુધી તો બધું લશ્કરી વ્યુહ મુજબ બરાબર હતું પણ ગ્રેનેડના ધડાકાએ ફેંકેલા છરા સુકાન સંભાળી રહેલા બેય કમાન્ડોના ચહેરા પર અને પડખામાં તીવ્ર વેગે ભોંકાયા હતા. તેમના હાથમાંથી પ્રોપેલરનો કન્ટ્રોલ અને સુકાન બેય છૂટી ગયા, અને ડિંગીએ પૂરપાટ વેગે લગામ વગરની ઘોડીની માફક દોટ મૂકી દીધી.

ઉલ્હાસની ડિંગી ઘૂમરાટા ખાતી નદીના વિરુધ્ધ દિશાના પ્રવાહમાં ફસાઈ. એન્જિન ભારે બળપૂર્વક રાઉસ થઈને ગિયરમાં મૂકાયું પણ હલેસાની ઘૂમરાટી બંધ કરવાના હોશ આવે એ પહેલાં ડિંગીએ મોટો ચકરાવો લઈ લીધો અને પછી સીધી કાંઠાની દિશામાં એન્જિન હણહણાવતી ધસી ગઈ.

તેનો ફાયદો એ થયો કે ગ્રેનેડ બ્લાસ્ટની સાથે જ શરૃ થયેલા ગોળીઓના ધડાકા નિશાન ચૂકી જવા લાગ્યા અને મહામુશ્કેલીએ સંતુલન જાળવવા મથતા ઉલ્હાસે અજાણતા જ ખભા પર તૈયાર રાખેલા સેલ્ફ પ્રોપેલ્ડનો બ્લાસ્ટ કરી નાંખ્યો.

ગ્રેનેડનો ધડાકો અને ફાયરિંગની ધણધણાટી પછી તરત ગાજી ઊઠેલા ભીષણ પ્રહારે પહાડીઓની વેરાન સ્તબ્ધતાને ખળભળાવી મૂકી હતી. રોકેટના ફાયરમાં કાંઠા પર લેટેલા બે અને તેમની સ્હેજ ત્રાંસમાં લપાયેલા બે એમ મુક્તિવાહિનીના ચાર ગેરીલાઓ ચીસ નાંખવાની પણ તક મળે એ પહેલાં જ મોતને ભેટયા હતા.

પોતે અજાણતા જ દાગી દીધેલા રોકેટના અવાજથી ઘડીભર ઉલ્હાસ પણ હેબતાયો. એ જ ઘડીએ સુકાન વગર ભાગતી ડિંગી કાંઠાના વિકરાળ ખડક સાથે અથડાઈને ત્યાં જ ઘૂમરાવા લાગી.

રોકેટના પ્રહારથી ડઘાયેલા રાઘવ, ત્વરિત અને તાન્શી પણ થીજી ગયા હતા પણ પછી તરત પરિસ્થિતિ પારખીને તાન્શીએ એન્જિનના અવાજની દિશામાં બેફામ ધડાકા કરવા માંડયા. તેનું જોઈને ત્વરિતે ય ચટ્ટાનની બહાર લપકીને આખું મેગેઝિન ઠાલવી દીધું.

ચોક્કસ નિશાન વગરના એ ફાયરિંગમાં પણ આગળ બેઠેલો જવાન ઉથલી પડયો એ જોઈને ઉલ્હાસે અને બીજા કમાન્ડોએ વીજળીવેગે કાંઠા પર છલાંગ લગાવી અને લીલની ચીકાશથી ભરેલા કાંઠાના ખડકો પર જેમતેમ ક્રાઉલિંગ કરીને સલામત આડશ શોધી લીધી.

ઉલ્હાસની એક આંખમાં પોતાની ડિંગી અને તેમાં રહેલું એમ્યુનિશન સલામત હોવાનો હાશકારો હતો અને બીજી આંખમાં પારાવાર ઉચાટ હતો... ઘાયલ ઘોડીની માફક બેબાકળી બનીને અજાણ્યા પ્રવાહમાં આગળ ઘસડાઈ ગયેલી બીજી ડિંગી માટે, જેના પર બિરવા પણ હતી.

***

ગ્રેનેડનો ધડાકો સાંભળ્યો એ સાથે કેસી સાબદો બની ગયો હતો.

તાન્શીના આદમીઓએ પોતાનું કામ આરંભી દીધું હતું. હવે ખરાખરીનો જંગ હતો. પોતે હવે પાંચમો વળાંક કાપવાના આરે હતો. અહીં પ્રવાહ બેહદ વેગીલો અને તોફાની હતો. તેણે જોયું હતું, સૌની સાથે પ્રોફેસર અને છપ્પન પણ બાવડા ફાટી જાય એટલું બળ કરીને હલેસા મારવામાં જોતરાઈ ચૂક્યા હતા. હવે છઠ્ઠા વળાંકમાં પ્રવેશીને આગળ વધવું સર્વથા અશક્ય જ હતું.

ગ્રેનેડના ધડાકા સાથે તેણે તરાપાની ઝડપ ઘટાડવા સુચના આપી. ફક્ત અવાજના આધારે તેણે તારણ કાઢવાનું હતું. દૂર કાંઠા પર મચેલો જંગ દાયકાઓથી ચાલતા તિબેટની આઝાદીના જંગ માટે નિર્ણાયક બનવાનો હતો તેની વક્રતા તેના ચહેરા પર તીવ્રપણે અંકાઈ રહી હતી.

અચાનક તેના કાન સરવા થયા.

પાછળથી કશોક તીણો, કર્કશ અવાજ વધુ વેગ પકડી રહ્યો હતો. પવનની દિશામાં કાન માંડીને તે તરાપાની સમાંતરે આડો પડી ગયો.

હા, એ એન્જિનનો જ અવાજ હતો. તેણે માથું ધૂણાવી નાંખ્યું. પૂરપાટ વેગે ડિંગી આ તરફ આવી રહી હતી. મતલબ કે, તાન્શીના આદમીઓના પ્રહારો છતાં ડિન્ગી ચકમો આપવામાં સફળ નીવડી હતી.

હવે?

તેણે બ્હાવરી આંખે પોતાની સ્થિતિનું ફરીથી આકલન માંડી દીધું. બીજા તરપા પર સવાર હિરન પણ પાછળ આવતો અવાજ ડિંગીનો જ હોવાનું પારખીને આતુર આંખે કેસીના હુકમની રાહ જોતી છેક નજીક ધસી આવી. ગમે તેમ કરીને હવે અહીં સામનો કરવો જ પડશે. જેમ જેમ આગળ જવાનું થશે તેમ પ્રવાહનો વેગ અને દિશા બેફામ બનતા જવાના છે. કાંઠા સુધી પહોંચવાના ય ફાંફા પડી જશે.

ડિંગીનો અવાજ હવે સાવ નજીક આવી રહ્યો હતો.

બેબાકળી ઝડપ અને પ્રવાહની અણધારી ઉછળકૂદ વચ્ચે બિરવા ડિંગીની વચ્ચોવચ ફસકાઈ પડી હતી. પાછળની હરોળના કમાન્ડો જેમતેમ કરીને સુકાન સંભાળવા મથતા હતા. હવે તરાપા સાવ નજીક જ હશે એમ પારખીને વચ્ચેની હરોળના કમાન્ડોએ ગન ધણધણાવવા માંડી હતી.

ગનના ધડાકા પારખીને કેસીએ બેય તરાપાને કાંઠાની શક્ય તેટલા નજીક લઈ જવા ઈશારો કર્યો. હજુ ય તે રેન્જમાં ન હતો પણ રેન્જમાં આવે એ પહેલાં તેણે સલામત મોરચો લઈ લેવો જોઈએ.

સાવ નજીક આવી ગયેલી ડિંગી હજુ સ્પિડ કેમ નથી ઘટાડતી, હજુ ય તેમાંથી ફાયર કરી રહેલાં આદમીઓ વ્યવસ્થિત નિશાન કેમ તાકી શકતા નથી તેની હિરનને ય તાજુબી થતી હતી.

તોફાની હિલોળા વચ્ચે પછડાતી ડિંગીના ઓળા પારખીને કેસીના મગજમાં ઝબકારો થયો...

'ઝુર્કા વેલાઆઆઆઆ...' હિરનના તરાપાને પાછળ ખસવાનો ઈશારો કરતાં તેણે મોટા અવાજે ત્રાડ નાંખી દીધી, 'ઝુર્કા વેલા... રસ્તો કરી આપો... તેનું સુકાન કદાચ કાબુમાં નથી...'

કેસીની ત્રાડ સાથે જ બેય તરાપામાં પારાવાર તાકાત વાપરીને હલેસા વિંઝાવા લાગ્યા. બેય તરાપાની વચ્ચે ખાસ્સી જગ્યા થઈ અને ભીષણ અંધારામાં કારમી ચિચિયારી નાંખતી મુદ્દલ રબ્બરની બનેલી તકલાદી ડિંગી ઘવાયેલા બેલગામ ઘોડાની માફક પસાર થઈને બ્રહ્મપુત્રના એવા પ્રવાહમાં પ્રવેશી ગઈ, જ્યાં આવી મામૂલી હોડી લઈને પ્રવેશવું એ આત્મહત્યાનું સમાનાર્થી ગણાતું હતું.

*** *** ***

આડશમાં લપાયેલા કેપ્ટને તાન્શીની ધારણા કરતાં ય વધુ ઝડપથી તેને લોકેટ કરી લીધી હતી. ડિંગીમાંથી છલાંગ લગાવતી વખતે તેની બરાબર પાસેના ખડક પર સાવ ઊભી ગોળી વછૂટી હતી અને પથ્થરનો મોટો ગચ્ચો ઉખડયો હતો. ગોળીની દિશા અને વેગ જોતાં એ સાવ સામેની કરાડ પરથી જ છૂટી હોવી જોઈએ એમ ધારીને ઉલ્હાસે એ દિશામાં બે રાઉન્ડ ફાયર કર્યા. કારમા અંધારા તળે ખડકના પોલાણમાંથી આકાશનો થોડોક, જરાક અમથો ઉજાસ દેખાતો હતો ત્યાં કશોક ઓળો પારખીને તેણે તરત ટ્રિગર દાબી દીધું. એ સાથે બિહામણો ચિત્કાર સંભળાયો અને પાણીમાં કશોક છપાકો બોલી ગયો. કોઈક કરાડ પરથી નીચે ઝિંકાયું હતું.

એ તાન્શીની સાથેનો આદમી હતો.

તાન્શી માટે કરાડ પર લટકવું હવે બેહદ જોખમી હતું. કેળવાયેલા કાચિંડાની માફક પહાડના રંગથી ઓઝલ થયા વિના એ વિરુદ્ધ દિશાએ નીચે ઉતરી અને ત્વરિત-રાઘવની તરફ લપકી.

એન્જિન બંધ થયા પછી ત્વરિતને હવે લોકેશન પરખાતું ન હતું. એ જોખમ ઊઠાવીને બહાર નીકળ્યો એ જ વખતે કમાન્ડોએ તેની દિશામાં મશીનગન ધણધણાવી નાંખી એટલે તેણે ય પારોઠના પગલા ભરવા પડયા. મશીનગનના અવાજના આધારે ત્વરિત-રાઘવનું લોકેશન પારખીને તાન્શી આગળ વધી એ જ વખતે ઉલ્હાસના બીજો ફાયર ગાજી ઊઠયો. તાન્શીના માથા પરથી પસાર થયેલી બુલેટ ઉપરના ખડક સાથે ઝિંકાઈ અને ખડકનો વજનદાર પથ્થર તેના પર પછડાયો.

પ્રતિકારની કે પ્રતિક્રિયાની કોઈ તક મળે એ પહેલાં તાન્શી ત્યાં જ બેહોશ થઈ ગઈ.

તાન્શી પર છૂટેલી ગોળી અને તેના પર ઝિંકાયેલો વજનદાર પથ્થર એ બધું જ રાઘવ-ત્વરિતે આડશમાંથી જોયું હતું.

બેયના મોં પર પારાવાર તંગદીલી તરી આવી. આડશમાંથી ડોકું કાઢવું ય બેહદ મુશ્કેલ હતું તોય રાઘવે ભારે જોખમ ઊઠાવીને ક્રાઉલિંગ કરી લીધું અને એ જ રીતે હિપ ક્રાઉલ કરીને તાન્શીને ઊઠાવી લાવ્યો.

'આપણાં બીજા આદમી કેમ ફાયર નથી કરતાં?' પોતાની દિશાએ થતું ફાયરિંગ અટકતું ન હોવાથી ત્વરિત અકળાઈ રહ્યો હતો.

'એ બધા જ મરી પરવાર્યા છે...' રોકેટ પ્રોપેલરના ધડાકા સાથે જ ચૂપ થઈ ગયેલી બંદૂકોના આધારે રાઘવે અંદાજ માંડયો હતો.

'તો હવે?' ત્વરિતનો અવાજ બેબાકળો થઈ રહ્યો હતો.

'હવે...' રાઘવે ઊંડો શ્વાસ લીધો અને ઉમેર્યું, 'એક જ રસ્તો બચે છે...'

(ક્રમશઃ)

Share

NEW REALESED