Pratiksha - 38 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૩૮

“તારે બહુ જ ચોકસાઈથી એમનો ભરોસો જીતીને જાણવાનું છે કે સ્વાતી મજુમદારના મર્ડર વિષે કેટલા લોકો જાણે છે?”
“સ્વાતી... મજુમ..દાર. યુ મીન”
“યેસ કહાનના મમ્મીના મર્ડર વિષે. એન્ડ આ તારે જ કરવું પડશે.”
રચિત બહુ ખરાબ રીતે ડઘાઈ ગયો. તેણે હજુ ઉર્વાને કહ્યું નહોતું કે કહાન તેની સાથે છે. અને કહાનની મમ્મીના મર્ડર વિશે તેને જાણવાનું હતું!
“ઉર્વા! કહાન જાણે છે સ્વાતી મજુમદાર મર્ડર વિષે?” રચિતે પોતાના અવાજમાં ઉચાટ ના ભળે તેની ખાસ તકેદારી રાખતા અવાજ સાવ ધીમો કરી પૂછ્યું.
“ના, કહાનને ફક્ત એક્સીડન્ટની જ ખબર છે પણ દેવ અંકલને બધી હકીકત ખબર છે. અને હા, તને યાદ છે મેં રેવાની ડેથના થોડા દિવસો પછી તને એક ફાઈલ આપી તી સાચવીને રાખવા?” ઉર્વા ફોન પર પૂછી રહી.
“ઓહ યેસ!” રચિતને યાદ આવ્યું કે ઉર્વાએ એક ફાઈલ તો આપી હતી પણ રચિતે હજુ સુધી તે ખોલીને જોઈ નહોતી. અરે ઇવન તેને થેલીમાંથી બહાર પણ કાઢી નહોતી. તેણે તે ફાઈલ થેલી સહીત જ પોતાની ઓફીસના કબાટમાં મૂકી દીધી હતી.
“હા, એમાં રેવાની ડાયરીના ફાડેલા કાગળો મેં ફાઈલ કરેલા છે. એમાંથી તને બાકીની માહિતીઓ મળી જશે. બાકીનું તું આવે ને એ પછી સમજાવું તને.” ઉર્વા તદ્દન શાંત અવાજે આ બધું કહી રહી હતી.
રચિતે ત્રાંસુ થઇ પોતાની સીટ પર નજર નાંખી જોઈ લીધું. કહાનનું ધ્યાન એમ તો મોબાઈલમાં જ હતું પણ વારેઘડીએ તે પણ ત્રાંસો થઇ રચિત શું કરે છે તે જોઈ રહ્યો હતો.
“સારું ચલ હું પહોંચવા આવું એટલે રીંગ કરું.” રચિતે કહાનને કોઈ શક ના જાય એટલે વાત ફેરવી નાંખી.
“એન્ડ...” ઉર્વા બોલતા બોલતા અટકી ગઈ
“એન્ડ...?” રચિતે વાત પૂરી કરવા સામે સવાલ કર્યો
“એન્ડ... તને ખબર છે ને મનસ્વીએ મને અહીં રહેવા માટે પૂછ્યું છે એ!” ઉર્વા કંઇક અસમંજસમાં બોલી
“હા...”
“અને મારે અહીં રહેવું છે... તું સમજે છે હું શું કહેવા માંગુ છું રાઈટ?” ઉર્વાએ બહુ ઓછા શબ્દોમાં પોતાના મસ્તિષ્કના વિચારો કહી દીધા.
“યેસ. આઈ નો. જો કે હું પર્સનલી નથી ઈચ્છતો કે તું ત્યાં રહે! પણ તું ઈચ્છે છે એટલે આઈ વિલ મેક શ્યોર કે તું ત્યાં જ રહે. હમ્મ!” રચિતે તેની જ ભાષામાં જવાબ વાળી દીધો.
“સારું ચલ મળીએ!” ઉર્વા હવે નિશ્ચિંત થઇ ગઈ.
“ઓકે.”

***

“બસ બસ અહીં જ રોકી દો!” મનસ્વીના ઘરથી થોડું આગળ રીક્ષા ઉભી રખાવી પૈસા કાઢતા રચિતે કહ્યું.
“આવી ગયું આ?” નીચે ઉતરી અમદાવાદની સુક્કી હવામાં એડજસ્ટ થવાની કોશિશ કરતા કહાને પૂછ્યું.
“હા, અહીંથી આ ગલીમાં અંદર છે. ચાલીને જઈએ.” રચિતે બેગ્સ ઉઠાવી ચાલવા માંડ્યું. તેને હજુ ખબર તો નહોતી જ કે ઉર્વાને કહાન વિષે કહેશે શું?
“રચિત...!” કહાન ત્યાં રોડની સાઈડ પર જ ઉભો રહી ગયો.
“શું થયું?”
“તું જા! ઉર્વાને બધો સામાન આપ! એને કહેતો નહિ હું આવ્યો છું એ હજુ.” કહાન કંઇક વિચારી બોલ્યો
“તો ભાઈ અહીં સુધી આવ્યો છે ને ઉર્વાને મળીશ પણ નહિ?” રચિતને કંઇજ સમજાયું નહિ.
“કહું છું એમ કરને દોસ્ત!” કહાન આટલું બોલી ચુપ થઇ ગયો. રચિત ને કહાનને આમ પણ વધારે બનતું નહોતું. રચિતને વધારે લપ કરવી ઠીક ના લાગી તે પણ ચુપચાપ માથું ધુણાવી કહાનને ત્યાં જ મૂકી ચાલવા લાગ્યો. અંદર અંદર તેને પણ કહાનના ન આવવાથી રાહત થતી હતી કે ઉર્વાને કંઈ લાંબુ એક્સપ્લાનેશન તેને નહિ આપવું પડે.

તે ઝડપથી મનસ્વીના ઘરે પહોંચ્યો અને ડોરબેલ વગાડી અને વળતી જ પળે દરવાજો ખુલી ગયો.
“અરે, મને તો એમ કે તું રેલવેસ્ટેશન પહોંચી ફોન કરીશ! તું તો સીધો જ આવી ગયો.” રચિતના અંદર દાખલ થતા જ મનસ્વી બોલી પડી.
“ના, ના. અમદાવાદમાં આમેય પબ્લિક ટ્રાન્સપોર્ટ સારા છે.” રચિત હસ્યો.
“ઉર્વા, રચિત આવી ગયો.” મનસ્વીએ બુમ પાડી અને પછી રચિતના હાથમાં બેગ્સ જોઈ પૂછ્યું. “આ આટલું બધું શું લઇ આવ્યો?”
“ઉર્વાનો સામાન બધો!” રચિતે ઉત્તર વાળ્યો અને પગથિયાં ઉતરતી ઉર્વા સાંભળે એમ બોલ્યો, “કહાન અને દેવ અંકલે મોકલાવ્યો છે.”
ઉર્વાના પગ એકક્ષણ માટે ત્યાંજ રોકાઈ ગયા અને પછી વળતી જ પળે વિચારો ખંખેરી તે રચિત પાસે આવી પહોંચી ને બેગ્સ લઇ સોફા પર બેસી ગઈ.

રચિત પણ તેની બાજુમાં ત્યાંજ સોફા પર ગોઠવાઈ ગયો. મનસ્વી પાણી લેવા અંદર ગઈ કે તરત જ રચિતની મેસેજ ટોન વાગી,
“ઘરે પહોંચી ગયો? ઉર્વાએ બેગ્સ જોયા?” કહાનનો ટેક્સ્ટ હતો.
“યા.” રચિતે એકાક્ષરી રીપ્લાય કરી ફોન સોફામાં ઉંધો મૂકી દીધો.
તે ઉર્વા સાથે આગળ વાત કરવા જ જતો હતો કે ઉર્વાનો ફોન રણક્યો. મોબાઈલ સ્ક્રીન પર પોતાનો જ જુનો નંબર જોઈ તેને થોડીક નવાઈ લાગી પણ બીજી જ પળે તેના હોઠ પર સ્મિત રમી ગયું. તે રચિતને હું આવું એવો ઈશારો કરી બગીચા તરફ જતી રહી.

“હા, કહાન...” ફોન ઉપાડીને તે સીધું જ બોલી.
“બેગ્સ મોકલી છે. જોઈ લીધી?” કહાનના અવાજમાં જરાપણ સ્વસ્થતા નહોતી.
“હા થેન્ક્સ કહાન. હજુ ખોલીને નથી જોઈ બેગ્સ પણ આઈ એમ શ્યોર તે ઈમ્પોર્ટન્ટ હશે એ બધું જ મોકલી આપ્યું હશે...” ઉર્વા કહી રહી.
“બધું નથી મોકલાવ્યું ઉર્વા...” કહાનના શબ્દે શબ્દથી લાગણીઓ નીતરી રહી હતી.
“એટલે?”
“એટલે તને યાદ છે? હું ચાચુંના ઘરે ૨૦ દિવસ માટે ગયો હતો ત્યારે પાછા આવીને સીધો તારા ઘરે આવ્યો તો તને સરપ્રાઈઝ આપવા. એ વખતે અચાનક મને જોઈને, ઉંબરે બે ઘડી માટે થોભી ગયેલા તારા શ્વાસ હજુ એ ઉંબરા પર જ પડ્યા છે...”
“કહાન...” ઉર્વા કહાનને રોકવાની કોશિશ કરી રહી પણ કહાને તેની વાત કાપી નાંખી.
“એટલે રેવાના ગયા પછી પહેલી વખત તને શરદી થઇ તી ત્યારે મારા ખભે માથું ઢાળીને તારી આંખોથી જે ચુપકેથી ૨ બુંદો ટપકી ગઈ તી ને એ આંસુને ઝીલેલું ટીશર્ટ હજુ ત્યાં બેડની બાજુમાં જ પડ્યું છે... એટલે ક્યારેય ભૂખી ના રહી શકવા વાળી તું મોટા ઉપાડે જયા પાર્વતી રહેવા ગઈ તી પહેલીવાર ત્યારે તારા હાથમાં મુકેલી મહેંદીની સુગંધ હજુ ત્યાં તારા હીંચકા પર જ રહી ગઈ છે...”
“કહાન પ્લીઝ...” ઉર્વા તેને ફરી રોકવા ગઈ.
“એટલે તને યાદ હોય તો તું મનાલી ટ્રીપ પર જવાની હતી તેની આગલી રીતે તને ૧૨ દિવસ ના જોઈ શકવાના આવેશમાં મેં તારા ગળે જોરથી બટકું ભર્યું હતું. ત્યારે થયેલી તારી એ વેદના ત્યાં રસોડાના પ્લેટફોર્મ પર જ બેઠી છે... તું ને હું એકદિવસ એક ઘરમાં રહેતા હોઈશું એવું સપનું અર્ધમૃત હાલતમાં હજુ એ ઘરમાં જ ક્યાંક છુપાયેલું પડ્યું છે. મળતું નથી ક્યાંય... તું ફક્ત મારી જ છે અને મારાથી ક્યારેય દુર નહિ જ જાય એ વિશ્વાસ પણ એ જ ઘરની કોઈ દીવાલમાં જડાઈ ગયો છે...” કહાન અટક્યો. ઉર્વા એકપણ શબ્દ બોલવાની પરિસ્થિતિમાં નહોતી.
“થોડા વાયદાઓ, થોડી મસ્તીઓ ને ક્યારેય જેની સવાર નથી પડી એવી અઢળક રાતો તો અહીં જ રહી ગઈ છે પણ હા, મારા અસ્તિત્વનો, મારા પ્રેમનો અને મારી આત્માનો અંશ તારા સામાન સાથે પેક કરીને મોકલી દીધો છે. એને ત્યાં તારા ઘરમાં કોઈ નાનકડો ખૂણો આપી દે જે...” કહાન હવે રડી પડ્યો.
“કહાન...” ઉર્વા પણ ત્યાં બગીચામાં રડી પડી.

“કહાન પ્લીઝ સંભાળ તારી જાતને.” ઉર્વા થોડી સ્વસ્થ થતા જ બોલી પડી.
“મોમ પછી રેવા હતી મને સંભાળવા માટે ને રેવા પછી તું.... તારા વિના કેમ જીવાય એ મને નથી ખબર યાર...” કહાન બોલી રહ્યો હતો તેમાં તેના ડુસકા સાફ સંભળાઈ રહ્યા હતા.
“કહાન.... જાન...” ઉર્વા આંખો મીંચી ગઈ. તેનાથી કહાનની આ હાલત સહન નહોતી થઇ રહી કોઈ રીતે.
“ઉર્વા મને એક વાર મળીશ?” કહાનના અવાજમાં વિનંતી હતી.
“યાર કેમ મારા માટે બધું અઘરું બનાવી રહ્યો છે!” ઉર્વાને આમ કહાનનું હેરાન થવું જરાપણ નહોતું ગમી રહ્યું.
“હા કે ના?”
“હા.” ઉર્વા વાત ખતમ કરવા માંગતી હતી.
“આંખ બંધ કર!”
“શું?” ઉર્વા ડઘાઈ ગઈ. તે ઝડપથી આજુબાજુ જોવા લાગી અને સામેથી બગીચાના રસ્તેથી કહાનને અંદર આવતા જોઈ અવાચક થઇ ગઈ. ખુબ રડેલી તેની આંખો અને નિસ્તેજ ચેહરાને જોઈ તેને પણ કમકમાં આવી ગયા. એક અઠવાડિયું પણ નહિ થયું હોય આ બધું થયું તેને અને કહાનની આ હાલત હતી. જો ઝીંદગી આખી આમજ રહ્યું તો!! ઉર્વા નખશીખ ધ્રુજી ગઈ.

“કહાન તું અહિયાં?” ઉર્વા તેની લગોલગ ગઈ.
“એકપણ સવાલ ના પૂછ. બસ આંખ બંધ કર.” કહાને તેનો હાથ પકડ્યો.
ઉર્વાના આંખ મીંચતા જ કહાને પેન્ટના પોકેટમાં રાખેલી વીંટી બહાર કાઢી ઉર્વાની આંગળીમાં સરકાવી દીધી.

“સ્વાતી મોમની રીંગ!!!” આંખ ખોલતા જ ઉર્વા બોલી પડી.
“યસ...”
“કહાન તને મતલબ ખબર છે ને આ વસ્તુનો? આર યુ ઇવન શ્યોર?” ઉર્વા અચંબામાં હતી.
“હું શ્યોર છું...”

***

(ક્રમશઃ)