Is love in first sight a reality - 1 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરનો પ્રેમ: હોય ખરો? થાય ખરો? ટકે ખરો? - ૧

“બસ એને જોઈ અને પ્રેમ થઇ ગયો!”

“વાઉ! કેટલો હેન્ડસમ છે?? મને તો આ જ જોઈએ!”

આ પ્રકારના વાક્યો માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ રીયલ લાઈફમાં પણ બોલાતા હોય છે અને આ વાંચતી વખતે તમને તમારા દ્વારા પર આ પ્રકારના બોલાયેલા વાક્યો યાદ આવી ગયા હશે, હેં ને? અને એ વાંચતી વખતે કદાચ તમારા ચહેરા પર લાલાશ આવી ગઈ હશે અને જો એ નહીં આવી હોય તો એક શરમાળ સ્મિત તો જરૂર આવી ગયું હશે.

એવું તે શું છે જે કોઈ અજાણી વ્યક્તિને પહેલી નજરમાં જ પોતાની હોય એવું લગાડવા માટે આપણને મજબૂર કરી દે છે? વેલ! જો તેની ખબર હોત તો તો પછી દુનિયામાં બીજું જોઈતું’તું જ શું? તો શું પહેલી નજરનો પ્રેમ હોય ખરો? ઘણા એવા લોકો છે જે પ્રેમમાં પડ્યા જરૂર હોય છે પરંતુ પહેલી નજરનો પ્રેમ હોવા અંગે કોઈ ખાસ ઉત્સાહ ધરાવતા નથી. આ પરિસ્થિતિ પણ શક્ય છે, કારણકે માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ અસલ જીન્દગીમાં પણ એ શક્ય છે કે ઘણાને પહેલી નફરત પછી પ્રેમ થયો હોય, તો ઘણા માટે કોઈ અન્ય સંબંધ પ્રેમમાં પરિણમ્યો હોય.

જ્યારે બીજો કોઈ સંબંધ પ્રેમમાં પરિણમે ત્યારે તેમાં મોટેભાગે મિત્રતા અથવાતો દોસ્તી કારણભૂત હોય છે. આ પ્રકારના પ્રેમમાં પહેલી નજરનો પ્રેમ શક્ય નથી હોતો કારણકે અહીં પહેલા બંને પાત્રો વચ્ચે વિશ્વાસ ઉભો થાય છે પછી તેમાંથી મિત્રતા બંધાય છે અને મિત્રતા એક એવા સ્તર પર પહોંચે છે જ્યાં બંનેને એવું લાગે છે કે આ મિત્રતા જીવનભરની રહેવી જોઈએ અને એ પણ એકસાથે એક છત નીચે રહીને. આથી મિત્રતામાંથી પ્રેમમાં પરિવર્તિત થયેલો સંબંધ મોટેભાગે પરિપક્વ હોય છે અને સંજોગોની કાળી-ધોળી બાજુઓ જોઇને આગળ વધ્યો હોય છે.

આનો મતલબ એવો નથી હોતો કે પહેલી નજરનો પ્રેમ પરિપક્વ નથી હોતો, પરંતુ તેમાં પરિપક્વતા પ્રેમની પરિપક્વતા સાથે જ આવતી હોય છે. વિચારો કોઈ એક છોકરાને કોઈ એક છોકરી સાથે પહેલી નજરનો પ્રેમ થઇ જાય છે પણ જો એ છોકરીને તેના પ્રત્યે આવી લાગણી ન હોય તો? પોતાના પ્રેમ સુધી પોતાની લાગણી પહોંચાડવા માટે અહીં ફરીથી દોસ્તી નામના સાધનની જરૂર પડે છે. પણ આવું દરેક જગ્યાએ શક્ય નથી હોતું. ઘણીવાર કોઇપણ નામ વગર એક સંબંધ બંધાઈ જતો હોય છે જેમાં બંને પાત્રોને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી હોય છે અને તેમ છતાં કોઈ કારણસર તેની અભિવ્યક્તિ એ બંને કરી શકતા નથી.

એનીવેઝ, આપણે ફરીથી આવીએ પહેલી નજરના પ્રેમના વિષય પર. આ પ્રકારના પ્રેમના ટીકાકારો કાયમ એમ કહેતા હોય છે કે “આ તો ઘડી બે ઘડીનું આકર્ષણ છે, અને જ્યારે આ આકર્ષણ પૂરું થઇ જાય છે ત્યારે આ સંબંધ તૂટી પડતો હોય છે.” વાત સાવ ખોટી નથી, પરંતુ સાવ સાચી પણ નથી. પ્રેમ થવા પાછળ પછી તે પહેલી, બીજી, ત્રીજી કે સાતમી નજરનો પ્રેમ કેમ ન હોય, મૂળ તત્વ કયું હોય છે? અફકોર્સ આકર્ષણ. મોટેભાગે સામસામી વ્યક્તિના લૂક્સ આ આકર્ષણ માટે જવાબદાર છે, આજે પણ આકર્ષણ જ પહેલી નજરના પ્રેમ માટે જવાબદાર છે, પરંતુ આજના યુવાનો અને યુવતીઓ ગઈ પેઢીઓ કરતા જરા વધુ મેચ્યોર થયા છે ખરા.

આજકાલ લૂક્સ ઉપરાંત ઇન્ટેલિજન્સ એટલેકે અક્કલની કે કળાની કદર પણ થતી હોય એવું જોવા મળે છે. ટૂંકમાં લૂક્સ ઉપરાંતની કોઈ પોઝીટીવ લાક્ષણિકતાઓ કોઈ વ્યક્તિમાં હોય તો તે સામેની વ્યક્તિને તમારા તરફ આકર્ષી શકે છે. પણ છેવટે તો એ આકર્ષણ જ છેને? પણ એમાં ખોટું શું છે? આ તો એવું થયું કે પેપર સહેલું હતું એટલે ફર્સ્ટ ક્લાસ આવ્યો, જો અઘરું હોત તો તો ફેઈલ જ થાત. ઘણીવાર ઘણી બાબતો નસીબ પર છોડી દેવી પડતી હોય છે અને પ્રથમ નજરના પ્રેમમાં પણ એવું છે.

પહેલી નજરે કોઈને કોઈ ગમી જાય તો તે તેને કહેવું પડતું નથી, આ લાગણી એવી તો અનોખી છે કે તેની સાથે બીજી કોઇપણ લાગણી મેચ થતી નથી. આપણને ઘણીબધી વસ્તુઓ ખબર નથી પડતી હોતી અને આપણે તેના માટે કોઈની સલાહ લેતા હોઈએ છીએ. પરંતુ કોઈ જોતાની સાથેજ ગમી જાય તો પછી તેની સલાહ લેવા માટે કોઈજ સલાહકારની જરૂર પડતી નથી.

આ આર્ટીકલ વાંચનાર જે કોઈ વ્યક્તિને પણ પહેલી નજરે પ્રેમ થયો છે, વર્તમાનમાં કે ભૂતકાળમાં, તેને એટલો તો ખ્યાલ હશે જ કે એ વ્યક્તિ જે આપણને પહેલી નજરે જ ગમી ગઈ છે તે જ્યારે પણ આપણી સામે આવે છે ત્યારે આપણું હ્રદય ઉસેન બોલ્ટને હરાવી દે એટલી ઝડપથી દોડવા લાગે છે. ઘણાના તો ગળા ભરશિયાળામાં પણ સુકાઈ જતા હોય છે, તો ઘણાના હાથપગ ઢીલા થઇ જતા હોય છે, તો પરસેવો આવવો તો ઘણી કોમન ફીલિંગ છે નહીં?

તો ઘણા લોકો ગમી ગયેલી વ્યક્તિનો પીછો કરવામાં પણ ગભરાતા નથી કારણકે તેમને એ વ્યક્તિથી એક સેકન્ડ પણ દૂર થવું ગમતું નથી. એક બીજી હકીકત પણ એ છે કે આપણને ગમતી વ્યક્તિ જો સામે ચાલીને આપણી સાથે વાત કરવા આવે તો જે ગભરામણ થાય છે તે કદાચ એસએસસી અને એચએસસીના પરિણામો નેટ પર જોતા અગાઉ પણ નથી થતી હોતી.

તમે કહેશો કે ઉપરોક્ત લક્ષણો તો સામાન્ય રીતે થતા પ્રેમમાં પણ થતા હોય છે તો પહેલી નજરના પ્રેમ અલગ કેવી રીતે પડે. તો એનો જવાબ આ જ આર્ટીકલમાં અપાઈ ગયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઇપણ પ્રકારનો પ્રેમ હોય તેના મૂળમાં આકર્ષણ જ હોય છે અને પ્રથમ નજરના પ્રેમમાં લૂક્સ અથવાતો લાક્ષણિકતાઓ તો મૂળ જવાબદાર તત્વો હોય છે!

તો આપણા પહેલા સવાલ કે પહેલી નજરનો પ્રેમ હોય ખરો? તેનો જવાબ હા છે!

આ આર્ટીકલ સિરીઝના આગલા ભાગમાં જોઈશું પ્રથમ નજરના પ્રેમ અંગેના બાકીના સવાલોના જવાબો.

૧લી ઓક્ટોબર ૨૦૧૯, મંગળવાર

અમદાવાદ