Jaane-ajane - 30 books and stories free download online pdf in Gujarati

જાણે-અજાણે (30)

નાચ ગાન અને ઢગલાબંધ વાતોથી રાત પછી આખરે લગ્નનો દિવસ દરવાજો ખટખટાવી રહ્યો હતો.
દરેકનાં મનમાં જ્યારે એ વાત ચાલતી હતી કે કાલે આમ કરીશું તેમ કરીશું ત્યારે કોઈ એકનાં મન ઉદાસ બેઠું હતું. બીજું કોઈ નહીં પણ રેવા. " કાલે દીદી ના લગ્ન છે. જાહોજલાલી અને મહેમાનો થી ચોક ઉભરાઈ પડશે. બધાં નવાં કપડાં પહેરી ફરતાં હશે પણ મારું શું? વંદિતાનાં પુછવા પર મેં બોલી દીધું હતું કે મારી પાસે છે કપડાં પણ ખરેખર તો એકપણ કપડાં એવાં નથી કે કાલે શોભે. હવે ભગવાન તમેં જ કશું ચમત્કાર કરો. શું એવું ના થઈ શકે કે કાલે સવારે હું આંખો ખોલું અને પેલી સાડી મારી સામે હોય!.. ખબર છે એવું કશું નથી થવાનું પણ કાશ એવું થઈ જાય." રેવા વિચારોમાં ને વિચારોમાં ઉંધી ગઈ.
સવારે જ્યારે આંખો ખુલી તે ખરેખર આશ્ચર્ય પામી. પોતાની આંખો પર ભરોસો જ નહતો થતો. લીલાં રંગની એ સાડી તેની સામે પડી હતી. રેવા તે સાડી જોઈ ઉત્સાહી બની ગઈ પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો " પણ આ સાડી અહીં કેમની! કોણ લાવ્યું? આ તો મોંઘી હતી એટલે મેં...." રેવા ફટાફટ દાદીમાં પાસે પહોચી પણ તેમને આ વાતની કોઈ જાણ નહતી. રેવાને તે સાડી ખોલીને જોયું. તેમાં એક ચીઠ્ઠી હતી જેમાં લખ્યું હતું " રંગ સારો છે , તારી પર શોભશે. મન નાનું કરવાની જરૂર ના હોય, કોઈકવાર હક્કથી માંગી લેવું જોઈએ " કોઈનું નામ નહતું. રેવાને લાગ્યું રચનાએ ખરીદી હશે. તે દોડીને રચના પાસે પહોચી પણ તે રચનાએ નહતું આપ્યું. એક એક કરી બધાને પુછ્યું પણ કોઈ પાસેથી તેને જવાબ ના મળ્યો. જવાબ ના મળવાથી નિરાશ બનેલી રેવા એક ઓટલે જઈને બેઠી. હાથમાં સાડી અને નજર તે સાડી પર. એટલામાં ત્યાથી કૌશલ પસાર થતો હતો હતો. રેવાને જોઈ તે પાસે જઈને બોલ્યો " રંગ સારો છે તારી પર સારો લાગશે. " રેવાને તે ચિઠ્ઠીમાં લખેલી વાત યાદ આવી. તેણે એકદમ નજર ઉઠાવી કૌશલ તરફ આશ્ચર્યથી જોયું.

રેવા: કૌશલે તેં આ...?

કૌશલ: હા, તારું મન આ જ કપડાંમાં અટક્યું હતું ને! મળવું તો જોઈએ જ ને.

રેવા: અરે પણ તને કેમની ખબર! અને તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? અને આ મારાં ઘરમાં કેવી રીતે પહોચી?

કૌશલ: બસ બસ એક એક કરી પ્રશ્ન પુછ. ( કૌશલે સમજાવતાં કહ્યું) ખરેખર વાત એમ છે કે મેં તને આ સાડીને જોતાં જોયું હતું. પછી મને વિચાર આવ્યો કે ગમે છે તો ખરીદી કેમ નહીં! પછી દુકાનદારે જણાવ્યું કે તેનો ભાવ તને ફાવ્યો નહીં. તે દિવસે જ્યારે મારી દાદીમાં સાથે વાત થતી હતી તો વાતોમાં ને વાતોમાં ખબર પડી કે તેમણે કોઈ જાતનો ડ્રેસ તને આપ્યો નથી. પણ તારાં કહેવાં મુબજ તે વાત યોગ્ય ના લાગી. થોડું વધારે વાતચીતમાં ખબર પડી કે દાદીમાં એ તને માત્ર એક હજાર રૂપિયા જ આપ્યાં હતાં. ત્યારે મને બધી વાત સમજાઈ. એટલે બીજે દિવસ જ્યારે હું બજારમાં ગયો તો મેં આ સાડી ખરીદી લીધી.

રેવા: અને આ પૈસા ક્યાંથી...?

કૌશલ: મેં રચના ને બહેન બનાવી છે. મારી તો કોઈ બહેન છે નહીં તો તેની બધી જવાબદારી મારી સમજી મેં બહું પહેલેથી તેમનાં લગ્નખર્ચ માટે બચત ચાલું રાખી હતી. અને તેમાંથી થોડું તારાં માટે પણ વાપરી લીધું.

રેવા: પણ તેનો હક્ક માત્ર રચનાદીદીનો છે. મારાં માટે કેમ?

કૌશલ: બધી વાતમાં પ્રશ્ન ના હોય. કેમ મારી દરેક વાતમાં તારાં પ્રશ્નો હાજર હોય છે? એટલો પણ ભરોસો નથી મારી પર?

રેવા: મને નથી ખબર .. પણ જ્યારે કોઈ મારી તરફ સારું બને છે તો મારું મન પ્રશ્નોથી ઉભરાઈ આવે છે. બધાં પ્રશ્નોનો જવાબ હોવું જરૂરી નથી.

કૌશલ: બસ તો. તારી જ વાતને માનીએ. બધાં પ્રશ્નોનો જવાબ હોવો જરૂરી નથી. તારાં માટે પણ વધારે કોઈ જવાબ નથી મારી પાસે.

રેવા: પણ હું આ ના લઈ શકું.

કૌશલ: તારી ઈચ્છા. બસ એટલું કહેવું છે કે દરેક વાતમાં સારું બનવું જરૂરી નથી. કોઈકવાર પોતાનાં માટે હક્ક જતાવતાં આવડવું જોઈએ. તારે આ સાડી પહેરવી હોય કે ના પહેરવી હોય તારી મરજી.

કૌશલ ત્યાંથી ચાલ્યો ગયો. રેવા પણ ઘર ભેગી થઈ. જાન આવવાનો સમય નજીક હતો. સ્વાગતની બધી તૈયારીઓ જોશમાં ચાલી રહી હતી. રેવા પાસે વધારે સમય નહતો. વંદિતા બે-ત્રણ વખત તેને મદદ માટે બોલાવી ચુકી હતી.

થોડીવારમાં જાનનું આગમન સંભળાયું. નાચતે ગાજતે જાનૈયાઓ દૂરથી આવતાં નજરે પડ્યાં. જાનને જોવાં દરેક ગામવાસી ચોતરે આવી ઉભાં રહ્યાં. વરરાજા ને જોવાં છોકરીઓની તો જાણે પડાપડી થવાં લાગી. વંદિતા, પ્રકૃતિ, અનંત અને કૌશલ દિવાળીબેન, રઘુવીરજી અને દાદીમાં સાથે સૌથી આગળ સ્વાગતનો થાળ પકડી ઉભાં હતાં. જાન ગામનાં ચોગાનમાં ફટાકડાંનાં શોર સાથે પહોચી. વિધિવત રીતે સ્વાગત કરાયું. રેવા ક્યાંય દેખાયી નહીં એટલે શેરસિંહ એ પુછ્યું " મારી દિકરી ક્યાં છે? દેખાતી નથી. તેનાં વગર અમારું સ્વાગત પુરું કેમ થાય! " ભીડની ઓથે એક અવાજ આવ્યો " જો મારાં વગર સ્વાગત પુરું નહીં થાય તો લો હું આવી જઉં. " બધાનું ધ્યાન પાછળ વળ્યું.

લીલાં રંગની સાડી પહેરી, માથાંમાં ગજરો અને કપાળે એક નાનો બિંદુ જેટલો ચાંલ્લો, કાજળ ભરેલી હસતી આંખો સાથે રેવા ઉભી હતી. જગ્યા થઈ એટલે રેવા આગળ આવી. કૌશલને તેણે આપેલી સાડીમાં રેવાને જોઈ ખુશી થઈ તેનાં મોં પર એક મુસ્કાન તેની સાબિતી આપી રહી હતી. રેવાએ ચાલતા ચાલતા કૌશલ તરફ નજર કરી અને એક મુસ્કાન આપી આગળ ચાલી ગઈ . શેરસિંહ ને પગે લાગી આશીર્વાદ લેતાં રેવા બોલી " માફ કરજો કાકા મારાં લીધે તમારે ઉભું રહેવું પડ્યું. " આશીર્વાદ અને મુખ પર રેવાને જોતાં આવેલું ઉત્સાહ સાથે શેરસિંહ બોલ્યા " તને કેટલાં દિવસથી જોઈ નહતી. મન ભરાઈ ગયું આજે તો. આ લગ્ન કરાવવામાં કારણ તો તું જ ને બેટાં. તને પહેલી યાદ કરવી પડે મારે. " રેવા બે હાથ જોડી ઉભી રહી અને કહ્યું પધારો. જાન અને જાનૈયાઓ અંદર પધાર્યા.

વંદિતા રેવા પાસે વાત કરવાં પહોંચી ત્યાં એકદમ અમી આવી રેવાને ગળે વળગી ગઈ. " દીદી.... કેટલાં દિવસો પછી મળ્યાં. તમને મારી યાદ આવી કે નહિ! " રેવા પર આટલો હક્ક કરતાં જોઈ વંદિતાને જીવ બળ્યો. " મારા દીદી છે. આટલું શું ગળે પડે છે આ અમી! " વંદિતાનું મન બળી રહ્યું હતું. અમીનો હાથ રેવા પરથી હટાવી નીચે કર્યો એટલે વંદિતા અને અમી વચ્ચે તણાવનો માહોલ સર્જાયો.

વંદિતા: રેવાદીદી નું કામ છે મારે. તું આદર સત્કારનો આનંદ લે.

અમી: મારે પણ રેવાદીદીની સાથે વાત કરવી છે. તું કોઈ બીજાની મદદ લે.

રેવા: ચુપ બન્ને જણા. એક એક કરીને બંનેને સમય મળશે મારો. ત્યાં સુધી તમેં એકબીજા સાથે ઓળખાણ વધારો હું આવું થોડી વારમાં.
રેવા ત્યાંથી છટકી ગઈ. પણ અમી અને વંદિતા એકબીજા સાથે વાત કરવાની બીલકુલ સહમત નહતાં. રેવા માટે તેમનો ઝઘડો તો જાણે એ જ ક્ષણથી શરૂ થઈ ચુક્યો હતો.

બીજી તરફ વિનય સાથે મંડપમાં વિધિ શરૂ થઈ ચુકી હતી. રચનાને બોલાવવામાં આવી. એટલે અનંત અને કૌશલ બંને રચનાને લેવા ગયાં. રીત અનુસાર કૌશલ અને અનંતે રચનાને ઉંચકી મંડપ સુધી પહોંચાડી. આજે રચનાનાં ચહેરાં પર એક અલગ પ્રકારનું તેજ હતું. લાલ રંગનાં પાનેતરથી સજ્જ રચના કોઈ ઐતિહાસિક રાણીથી ઓછી નહતી અંકાતી. માથાથી લઈને પગ સુધી સોળે શણગાર સજી બેઠી રચના પરથી વિનયની નજર ફેરવવી મુશ્કેલ બની હતી. એકીટશે રચનાને જોઈ રહેલો વિનય પોતાની કિસ્મત પર ગર્વ કરી રહ્યો હતો. વિનય સહિત ત્યાં હાજર દરેક રચનાનાં રૂપથી અંજાઈ રહ્યું હતું. સુંદરતામાં વધારો કરતી તેની શરમ સોળે કળાએ ખીલી હતી. ધીમે ધીમે સમય અનુસાર પંડિતજી વિધિ આગળ વધારવા લાગ્યાં. ફુલહારની વિધિ સંપન્ન કરાવી કન્યાદાન અને સાત ફેરા, મંગલસૂત્ર અને સિંદૂર દરેક એ દરેક વિધિઓ ચિવટતાથી આગળ વધીતી ચાલી અને સાથે વિનય અને રચનાને સામાજિક અને આંતરિક બંધનમાં બાંધતી ચાલી. મનથી આપેલાં મન, કર્મ વચન અને નિષ્ઠા સાથે અપાતાં પોતાનાં વચનો વિનય અને રચનાનાં મનને અતૂટ બંધનમાં બાંધી રહ્યાં. ખુશીઓની સાથે સાથે અનેક જવાબદારી પણ માથે આવી. નવું ઘર, નવું ગામ, નવાં ચહેરાં અને માહોલમાં પોતાને ઢાળવાની એક શ્રધ્ધા મનમાં રોપાઈ રહી હતી.

જમાઈ તરીકેની બધી ઠાઠ છોડી પત્નીનાં ઘર, પરિવાર અને સમાજને પોતાનાં સમજવાની નિસ્વાર્થ કોશિશનું બીજાંરોપણ થઈ રહ્યું હતું. લગ્નની બધી પ્રક્રિયા સુગમતાથી પુરી થઈ. વિનય અને રચના પતિ-પત્ની કહેવાયા. બીજી તરફ વંદિતા અને અમી આખાં લગ્ન દરમ્યાન વિનયની મોજડી ચોરવાની અને બચાવવાની કોશિશ કરતાં, ઝઘડામાં અને ઈર્ષા માં વિતાવ્યો.
દરેકનાં આશીર્વાદ અને ભેટ સાથે ઘણાં બધાં આંસુઓ આંખમાં ભરી વિદાયનો સમય નજીક આવી ગયો. રૂંવાડા ઉભા કરી દેવાં વાળું એક ક્ષણ કોઈપણ માં-બાપનાં કાળજાને ચીરીને બહાર નિકળતું હોય તેમ અસહ્ય પીડાકારક હોય છે. અને થોડું વધારે દુખ ત્યારે થાય જ્યારે પોતાનાં બાપનો પડછાયો માથે ના હોય. દિકરીને એ પ્રશ્ન ખૂંચી જાય કે માંને કોનાં સહારે મુકીને જાવું!... સમાજની રીત અનુસાર દરેકે પોતાનું ઘરનો ત્યાગ કરવો જ રહ્યો. સંસારને આગળ ધપાવવા સ્ત્રીની કુરબાની મહત્વનો ભાગ ભજવે છે.

રચનાની વિદાય સમયે પણ બધાંની આંખો અશ્રુભીની થઈ ચુકી. હ્રદય દર્દથી ભરાય ગયું. એક એક કરી રચનાએ બધાં પાસેથી અંતિમ સલામ લીધાં. આખરે વારો તેમનાં સૌથી મહત્વના માણસોને મળવાનો આવ્યો. રેવા, વંદિતા, અનંત, કૌશલ અને પ્રકૃતિ પાસે જતાં જ બધાં એકસાથે રચનાને વળગી પડ્યાં. રચનાએ માત્ર એક જવાબ આપ્યો " હવે તમેં સક્ષમ છો તમારી તરફ આવતી બધી બાધાઓને પાર કરવાં. બસ એટલું યાદ રાખજો ભલે જે પણ પરિસ્થિતિ હોય સાથે રહેજો અને એકબીજાના મનની વાત સમજજો. " રચનાએ આપેલી છેલ્લી શીખ દરેક માટે ઉપયોગી હતી. રચનાની વિદાય થઈ અને તે પોતાને સાસરીયે જવાં માંડી. એક નવું દામ્પત્ય જીવન તેની સામે પહાડ સમાણું ઉભું હતું. પણ વિનયનો હાથ રચનાનાં હાથમાં ઢાલ બની વિહરતો હતો. રચનાનાં જવાંથી કોઈની આંખમાં નિંદરનો એક અંશ માત્ર પણ હતો નહીં. રેવાને પણ રચનાને જવાથી ઘણું આઘાત પહોંચ્યું હતું. ઘેર બેસવાથી ગભરામણ થશે એટલે તે એ જ ચોકમાં આવીને બેઠી જ્યાં સુંદર મંડપ હતો. કંઈક વિચારવા લાગી " સાંજ સુધી કેટલી દોડધામ હતી અહીંયા. એક મંડપનાં નિર્માણથી લઈ તેમાં એક સુંદર જોડાંનુ બંધન. જોતજોતામાં આટલો સન્નાટો. એવું લાગે છે કે જાણે જીવન જ છીનવાઈ ગયું છે. પહેલેથી ખબર હતી કે રચનાદીદી એક દિવસ પોતાને ઘેર ચાલ્યા જવાનાં છે. પણ આજે આટલું દુઃખ કેમ થાય છે મને. જાણે હું ઈચ્છતી જ ના હોય કોઈપણ છોકરા જોડે મોકલવા. પણ કેમ! હું જાણું છું વિનય એક સારો માણસ છે. દીદીને ખુશ રાખશે પણ છતાં કેમ આવો વિચાર!....."

એકલતામાં બેઠેલી રેવાને જોતાં કૌશલ તેની પાસે આવ્યો. "રચનાદીદો વિશે વિચારે છે?!" રેવાએ માત્ર ઈશારાથી જવાબ આપ્યો. રેવાની હાલત થોડી નાજુક જણાતાં કૌશલે વાત બદલી " આજે સાડીમાં સુંદર લાગતી હતી. પણ તારું હ્રદય પરિવર્તન થયું કેમનું? " રેવાએ કહ્યું " મને એક જ્ઞાનીબાબાએ કહ્યું હતું કે પોતાની વસ્તુઓમાં હક્ક બતાવતાં શીખવું જોઈએ. તો બસ એ હક બતાવ્યો. " કૌશલ એ વાત ચાલું રાખી " ઓહ... બહું વધારે જ્ઞાની લાગે છે આ માણસ. મારી સાથે પણ ભેટ કરાવજે કોઈક દિવસ. " રેવાએ હસીને કૌશલ સામે જોયું. તું મારું મન શાંત કરવાં આવી વાતો કરે છે ને?" કૌશલે જવાબ આપ્યો " તો થયું શાંત? " રેવાની આંખી ભીની થઈ ગઈ અને બોલી " મારું મન તો જાણે જરાંક વાર પણ શાંત નથી થતું. બસ એ જ વિચાર્યા કરે છે કે મારું જીવન શું? મને ક્યારે મારી જિંદગી યાદ આવશે! મારાં માં-બાપને મળવું છે મારે! અને પેલું..." બોલતાં બોલતાં એકદમ અટકી ગઈ. કૌશલ તેની બધી વાત ધ્યાનથી સાંભળતો હતો. " શું પેલું?... " કૌશલે પુછ્યું. " કશું નહીં. તું નહીં સમજે. અને હું સમજાવી પણ નહીં શકું. " રેવાની વાતને કૌશલ સારી રીતે સમજતો હતો. એટલે વધારે ભાર આપ્યો નહીં. માત્ર બોલ્યો " રેવા.. એકવાત યાદ રાખજે. તને આગળ કોઈપણ વાર એવું લાગે કે તારે કોઈ વાત કહેવી છે. તો હું છું. તું મને કહી શકે છે. હું સમજું છું. "
આજે પહેલીવાર કૌશલ અને રેવા ઝઘડો કર્યાં વગર શાંતિથી વાત કરી રહ્યા હતાં.

રચનાનું લગ્ન રેવા અને કૌશલનાં નવાં પ્રકરણનો આરંભ કરી ગયું હતું. કેટલે દૂર સુધી ચાલશે અને ક્યારે અંત પામશે તે જોવું રહ્યું.


ક્રમશઃ