Kudarat ni krurta - 4 books and stories free download online pdf in Gujarati

કુદરત ની ક્રુરતા - 4

અગાઉ આપણે વાંચ્યું કે નવાપુર ગામનો એક ખેડૂત પુત્ર ભરત એસ.એસ.સી.પાસ થઈ ને પ્રિ.આર્ટસ માં એડમીશન લે છે.શહેર ની ચકાચૌંધ થી અંજાઈ ને ખોટા રસ્તે ચડી જાય છે. પ્રિ. આર્ટસ માં ફેઈલ થઇ ને પરત નવાપુર આવે છે. આગળ નો અભ્યાસ એક્સટર્નલ કરવો એવું નક્કી કર્યું. આ દરમિયાન ભરતના જીવન માં એક એવી વ્યક્તિ નું આગમન થાય છે, જેનાથી તેનું જીવન બદલાઈ ગયું. ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ ભરત વળી ગયો. ત્રિકાળ સંધ્યા, જુદી જુદી પૂજા વિધી કરતો થઈ જાય છે.સમયનો પ્રવાહ આગળ વધતો રહે છે. ભરતનો બી.એ. નો અભ્યાસ ચાલુ હોય છે તે દરમ્યાન તેના લગ્ન નવાપુર થી નજીક ના ગામની મનિષા નામની કન્યા સાથે થાય છે. ભરત ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે દાંપત્ય જીવનની ફરજો પણ નિભાવતો રહ્યો. ભરતનો બી. એ. નો અભ્યાસ પણ પૂર્ણ થયો. સ્પર્ધાત્મક પરીક્ષા ઓ માં સફળતા મેળવી શકે તેમ ન હોવાથી વિચારણાઓ ના અંતે બી. એડ્ માં
એડમિશનલીધું. હવે આગળ વાંચો.
******************************************
જીવન પ્રવાહ આગળ વધતો રહે છે.ભરતનો બી. એડ્. નો અભ્યાસ ચાલુ થઈ ગયો, આ તરફ મનિષા એ
પણ કુટુંબ ને નવા મહેેમાન ના આગમન ની ખુશ ખબર શરમાતા શરમાતા પોતાની નણંદ ને જણાવી.કુટુંબ માં ફરી એક વાર આનંદ ની હેલી છવાઈ ગઈ. ભરતને પણ આ ખબર પત્ર દ્વારા અપાઇ. ભરત ખુશી થી ઝુમી ઉઠ્યો.મનિષા પ્રેગનન્ટ હતી, કુટુંબ ના સભ્યો હવે તેનું વિશેષ ધ્યાન રાખવા લાગ્યા. મનિષા ના સાસુ, અને ફળીયા ની વડીલ સ્ત્રીઓએ શું ખાવું, શું ન ખાવું અને એવી જાત-જાત ની સલાહો આપી. મનિષા સ્મિત સાથે બધા ની વાત સાંભળતી. ખોળો ભરવાની વિધી (ગોદ ભરાઈ) ઉમંગ પૂર્વક થઈ અને મનિષા ને તેના પિયર માં પ્રથમ સુવાવડ માટે તેડી ગયા.એ જમાનામાં મોબાઈલ ફોન તો હતા નહિ, ગામડા માં કોઈ મોટા વેપારી ને ત્યાં લેન્ડલાઈન ફોન હોય અને ગામમાં જો સબ પોસ્ટ ઑફિસ હોય તો ત્યાં ફોન હોય. ખુબજ જરૂરી હોય તો જ ફોન નો ઉપયોગ કરવામાં આવતો. પત્ર દ્વારા સમાચાર ની આપ - લે થતી. ભરત પણ પત્ર દ્વારા મનિષા ના સંપર્ક માં રહેતો.મનિષા પણ ભવિષ્ય ને લઇને કંઈ કંઈ સપના સજાવતી હતી. મારા પતિ નો અભ્યાસ પૂર્ણ થશે, કયાંક સારી એવી નોકરી મળી જશે, આવનાર બાળક સાથે હસી ખુશીથી જીવન જીવશુ એવા ખ્યાલો માં ખોવાઈ જતી. ભવિષ્ય ના રંગીન સપનાઓ જોતા જોતા નવ મહિના ક્યારે વીતી ગયા તેની ખબર પણ ન પડી.મનિષા એ સુંદર પુત્રરત્ન ને જન્મ આપ્યો. બધા ને ખુબ જ આનંદ થયો. આ તરફ ભરતનો બી. એડ્. નો અભ્યાસ પણ પૂર્ણ થઈ ગયો. ફરીથી યક્ષ પ્રશ્ર્ન સામે આવીને ઉભો રહ્યો. હવે શું? ભરત પણ માધ્યમિક શાળામાં શિક્ષક ની નોકરી મળી જાય તેવા પ્રયત્ન કરવા લાગ્યો. જયાં જયાં ભરતી ની જાહેરાત આવે ત્યાં ત્યાં અરજીઓ કરતો, પણ સફળતા બે કદમ દૂર જ રહેતી. એ જમાનામાં પ્રચલિત શિક્ષક ની ભરતી પ્રક્રિયા પ્રમાણે લાગવગ વાળા, ટ્રસ્ટીઓ ના સગાસંબંધી ઓ ગોઠવાઈ જતા.
અથવા તો પૈસો પૈસાનું કામ કરી જતો,ભરત હાથ ઘસતો રહી જતો. કુદરત જાણે કે ભરતથી રૂઠી હોય તેવું બધાયને લાગતું. પણ ભરત તો માતાજી ઉપર અતૂટ વિશ્વાસ થી પોતાની ધાર્મિક પ્રવૃત્તિઓ કરતો, અને કહેતો કે માતાજી જરૂર એક દિવસ મારી પ્રાર્થના સાંભળશે.સમય પસાર થતો હતો પણ ભરત ની નોકરી બાબત કંઈ ગોઠવાતું નહોતું. હજુ પણ તેની કસોટી નો અંત નહોતો, ભરત ના દોઢ વર્ષ ના પુત્રને પોલીયો થયો. ફરીથી કુટુંબ અને ભરત પતિપત્ની ઊંડી ચિંતા માં ગરકાવ થઇ ગયા. એ જમાનામાં આજના જેટલી તબીબી સુવિધાઓ પણ નહોતી, અને હતી તો ગામડા ના ગરીબ કુટુંબો માટે અપ્રાપ્ય હતી.ત્રેવડ બહારની વાત હતી. કુદરત ની મરજી સમજી ને સ્વીકારી લેવાતું અને એ જ ઘરેડમાં જીવન આગળ વધતું.
નરેન પણ એસ.એસ. સી.પાસ થઈ ને આગળ અભ્યાસ માટે શહેરમાં ગયો હતો. રજાઓ માં નવાપુર આવતો ત્યારે ભરત ને અચૂક મળતો. કારણ કે નરેન નું દિલ ભરત ના ફળીયા માં કયાંક ખોવાયુ હતુ.
( નરેન ની કહાની ફરી કયારેક આગળ વધારીશુ, પણ આ કહાની માં હવે આપણે ભરતને ભરતભાઈ અને મનિષા ને મનિષાભાભી કહેશુ.) નરેન ભરતભાઈ જોડે તેમના ધાર્મિક વિધીવિધાન તેમજ પૂજાપાઠ વિષે પણ ચર્ચા કરતો.ભરતભાઈને સમજાવવાની કોશિશ કરતો કે જીવનમાં ધર્મ નું સ્થાન જરૂરી છે. પણ જીવન માં કોઈ પણ બાબત ની અતિશયતા ના પરિણામો હંમેશા દુ:ખદાયક હોય છે. ખાન-પાન, રહેણીકરણી, ફેશન, રીતી રીવાજો હંમેશા દેશ કાળ ને અનુરૂપ હોય તો સરળતાથી જીંદગી પસાર થાય છે, પણ આ બાબતોમાં અતિશય રૂઢીચુસ્તતા કે બેફામ ખુલ્લાપણું (સ્વચ્છંદતા)દુ:ખ નું કારણ બને જ છે. ભરતભાઈ પણ માતાજી ની ભક્તિ માં અતિશય મગ્ન થઇ ગયા. ભરતભાઈ ના પોલીયોગ્રસ્ત પુત્ર માટે નરેન ખુબ જ ચિંતા દાખવતો અને સારવાર કરાવવા ના સૂચનો કરતો, પણ ભરતભાઈ પ્રભુ ઇચ્છા બલીયસી કહી ને વાત ને ટાળી દેતા.
નવાપુર ની નજીક ના ગામની હાઈસ્કૂલ માં શિક્ષકો ની ભરતી ની જાહેરાત ન્યુઝપેપર માં આવી. ભરતભાઈ ના જીવન માં આશા નું કિરણ ફુટ્યુ. એડી ચોટી નુ જોર લગાવીને પ્રયત્નો શરૂ કરી દીધાં. જયાં જયાં થી ટ્રસ્ટીઓ ઉપર દબાવ બનાવી શકાય તેવા સ્ત્રોતો શોધવામાં લાગી ગયા.આખરે થોડું ડોનેશન આપી ને ભરતભાઈ એ નોકરી મેળવી લીધી. જીવન માં ફરીથી ખુશીઓનુ આગમન થયું.
ભરતભાઈ નવાપુર થી નજીક ના ગામની હાઈસ્કૂલ માં નોકરી માટે સાયકલ દ્વારા અપ-ડાઉન કરતા. જીવન થાળે પડતુ હોય તેવો અહેસાસ થવા લાગ્યો. હાઇસ્કૂલના આચાર્ય તરીકે ભરતભાઈ નું ગામમાં સારૂં માન-પાન હતુ. શાળાના અન્ય શિક્ષકો પણ ભરતભાઈ પ્રત્યે આદર ધરાવતા હતા. સમય તેની સ્વાભાવિક ગતિ થી સરી રહ્યો હતો. ભરતભાઈ દિવસે દિવસે માતાજી ની ભક્તિ માં મગ્ન રહેવા લાગ્યા. શ્રદ્ધા, અને અંધશ્રદ્ધા વચ્ચે ખુબ જ પાતળી લકીર હોય છે. ક્યારે શ્રદ્ધા માં થી અંધશ્રદ્ધા માં સરકી જવાય તેનો ખ્યાલ પણ રહેતો નથી. અતિશય પૂજા પાઠ અને ધાર્મિક વિધીવિધાન થી ભરતભાઈ ની વિચાર શક્તિ કુંઠિત થઈ ગઇ.વહી જતી જીંદગી ને જાણે કે નિર્લેપ ભાવે એક પ્રેક્ષક તરીકે જોતા હોય તેવું તેનું વર્તન થવા લાગ્યુ. ભરતભાઈ એકવિધતા થી ઉબાઇ ગયા હતા. પોતાની જાતને જ દોષી ગણીને અવઢવ માં હાલક ડોલક થતાં હતા.
માણસનું મન કેવું મર્કટ જેવું છે! ઘણી વાર માણસ એમ માનતો હોય છે કે મેં આ કર્યું, મારા થકી આમ થયુ, મેં કોઈ ને દુઃખ પહોંચાડ્યુ, મેં કોઈ ને આનંદીત કર્યા. આ આપણી ભ્રમણા છે. વિધાતાએ માણસના જીવનમાં દરેક પ્રવૃત્તિ, પ્રસંગો, ઘટનાઓ પહેલેથી જ નક્કી કરી રાખી હોય છે. આપણે બધા તો વિધાતા ના રંગમંચના પૂતળા માત્ર છીએ. જીંદગી ના નાટક નું દિગ્દર્શન તો બ્રહ્માંડ ના સર્જનહાર ના હાથમાં છે. તેના નચાવ્યા આપણે નાચવાનું, એ જે બોલાવે તે પ્રમાણે જ બોલવાનું, એની સૂચના પ્રમાણે જ દરેક કાર્ય કરવાનું, છતાં આપણે દુઃખી થઇ જઇએ છીએ. વિહ્વળ બની જઇએ છીએ. આનું નામ જ વિધાતા ની લીલા !
ભરતભાઈ પોતાની જાતને હલકી અને દોષિત માનવા લાગ્યા. પુત્ર ને પોલીયો થયો એ પણ પોતાના દોષ ના કારણે છે તેવું કહેતા.માતાજી ની ભક્તિ માં પોતાનાથી કોઈ ભુલ થઈ હશે. પોતાની પત્ની અને કુટુંબ ના પોતે ગુનેગાર છે. પત્ની, પુત્ર અને કુટુંબે જે સ્થિતી માં થી પસાર થવુ પડ્યુ તે પોતાના કારણે જ છે તેવું માનવા લાગ્યા. ખરેખર તો કુટુંબ ની પરિસ્થિતિ માં એવી કોઈ ચડ ઉતર નહોતી.સરળતાથી જીવન વહેતુ હતુ. આ સમય દરમ્યાન બીજા ભાઇ બહેનો અભ્યાસ થી વિમુખ થઈ ગયા.બહેનો સાસરે સિધાવી ગઇ.બીજા ભાઈઓ ના પણ લગ્ન થઈ ગયા. ભરતભાઈ ના પિતાજી એ પોતાના બધા પુત્ર પુત્રીઓ ના પ્રસંગો પૂર્ણ કરી ને દરેક ભાઈઓ ને ભાગે આવતી મિલકતની વહેંચણી કરી આપી હતી. દરેકે પોતાના જુદા ઘર વસાવી લીધા હતા. પરંતુ ભરતભાઈ સતત પોતાની જાતને જ દોષ દેતા રહેતા.દાંપત્ય જીવન ની ફલશ્રુતિ રુપે ભરતભાઈ ને ત્યાં બીજા પુત્ર નો જન્મ થયો. મનિષાભાભી ને ખુબ જ આનંદ થયો. ભરતભાઈ આનંદ ની અનુભૂતિ જ ન કરી શકતા, હંમેશા પોતાને દુઃખી અને દોષિત માનતા. સમયની ગતિ સ્વાભાવિક જ હોય છે, આપણને તે ઝડપી કે ધીમી લાગતી હોય છે. સુખનો સમય ઝડપથી સરી જાય છે, અને દુઃખ ના દહાડા ખુટતા જ નથી તેવુ આપણને લાગે છે. ખરેખર તો દિવસના 24 કલાક અને વર્ષ ના 365 દિવસો જ છે.
આ બાજુ અવસ્થાએ પહોંચેેલા ભરતભાઈ ના પિતાજી નો સ્વર્ગવાસ થાય છે. કુટુંબ માં એક દુઃખદ પ્રસંગ આવી ગયો. કુટુંબીજનોએ મળી ને મરણોત્તર વિધીઓ પુરી કરી. પણ ભરતભાઈ પ્રભુ ઇચ્છા કહી ને અલિપ્ત રહેતા. પ્રસંગ ને અનુરુપ શોક કે હર્ષ કોઈ પ્રતિભાવ ન આપતા. સતત બેધ્યાનપણે હોઠ ફફડાવી ને કશુંક બોલતા, કંઈ સમજાય નહીં. કોઈ બોલાવે કે કશું પૂછે તો જાણે કે સાંભળ્યું જ નથી તેવુ ભરતભાઈ નું વર્તન જોવા મળતુ.
હવે પછીના પ્રકરણમાં ભરતભાઈ, મનિષા ભાભી અને તેના બંને પુત્રો નુ જીવન કુુુદરત ની કેવી કારમી થપાટો ઝીલે છે તે જોઈશું.