Sambandhni samjan - 5 books and stories free download online pdf in Gujarati

સબંધની સમજણ - ૫ અંતિમભાગ

સમય તેની રફ્તાર પકડે છે જયારે,
મુશ્કેલીમાં અનુકૂળતા મળે છે ત્યારે!

નેહા સમય સાથે ઢળતી ગઈ હતી. ધીરે ધીરે દિવસો, મહિનાઓ વીતતા ગયા હતા. એ ફરી ગર્ભવતી બની હતી. હવે આગળ...

નેહાની ફરી બધી સંવેદનાઓ જાગૃત થઈ ગઈ હતી. એ એના ભૂતકાળને પણ વર્તમાનમાં મહેસુસ કરી રહી હતી. પણ એ ફરી ખુશ થઈ રહી હતી. એ ફરી ઘણી આશાઓ બાંધીને બેસી હતી. ખુબ સારા અને આનંદિત દિવસો નેહાના અને આખા પરિવારના વીતી રહ્યા હતા.

દિનાંક ૧/૧૧/૨૦૦૪

આજ રોજ નેહાનું મન ખુબ આકુળવ્યાકુળ થઈ રહ્યું હતું. ન ઈચ્છવા છતાં મન ભૂતકાળના ૧ વર્ષ પહેલા વીતેલા એના દિવસોને જ વાગોળ્યા કરતુ હતું. હજુ એની પ્રસૂતિને ૨૦/૨૫ દિવસ જેટલો સમય બાકી હતો અને એને ચિંતિત જોઈને મિલન પણ આજ હોસ્પિટલ નહોતા ગયા. નેહાને પોતાના પુત્રની દરેક યાદ આજ તાજી થઈ ગઈ હતી. પોતે સહેલી એ આખી રાતની વેદના ત્યારબાદ પોતાના પુત્રની જે પરિસ્થિતિ હતી તે.. બધું જ વારા ફરતી યાદ આવી જતું હતું. મિલન અને તેના માતાપિતા નેહાના પરિવર્તન ને ખુબ સારી રીતે સમજી ગયા હતા. આથી આજ હરકોઈ નેહાને ખુશ રાખવા પ્રયત્ન કરતુ હતું.

વિધાતાના લેખ અલગ જ લખાયેલા હતા. નેહાને વધુ માનસિક તાણના લીધે તેની તબિયત બગડી હતી. તેને તુરંત હોસ્પિટલ લઇ ગયા હતા. ડોક્ટરે કીધું કે, નેહાને અને બાળકને બંનેને સારું છે પણ અત્યારે જ ડીલેવરી થશે એ સ્થિતિ છે, ઘણા કેસમાં આવું થતું હોય છે તમે ચિંતા ન કરશો. આ ડીલેવરી નોર્મલ જ થશે.

દિનાંક : ૨/૧૧/૨૦૦૪

આજરોજ નેહાએ એક ખુબ સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો. નેહા અને તેની બાળકી બંનેની તબિયત ખુબ સરસ હતી. આખો પરિવાર ખુબ ખુશ થયો હતો. જેટલું પણ દુઃખ ભગવાને આ પરિવારને આપ્યું હતું એ બધું જ હવે ખુશીમાં પરિવર્તિત થઈ ગયું હતું. દરેક સભ્ય ખુબ આનંદમાં હતા. હવે વાતાવરણ ખુશનુમા રાખવું પડતું નહોતું, પણ બધા દિલથી જ ખુશ રહેતા હતા.

નેહાની જિંદગી રાજી ખુશીમાં વીતવા લાગી હતી. જોતજોતામાં નેહાને ત્યાં કુદરતે બીજી પુત્રીના પણ પગલાં પાડ્યા હતા. બીજી પુત્રી જાણે બધાનું ભાગ્ય લઈને આવી હોય તેમ મિલનને સરકારી તબીબી વિભાગમાં દ્વારકા પાસેના એક ગામમાં સરકારી નોકરી મળી ગઈ હતી. એવું નહોતું કે, મિલનનું હોસ્પિટલ સારું ચાલતું નહોતું પણ સરકારી નોકરીમાં રજા અને અન્ય લાભ મળે, આથી મિલને એ નોકરી સ્વીકારી લીધી હતી.

નેહા અને તેના પરિવારના દરેક સભ્ય ખુશીથી રહે છે. આટલા વર્ષો વીતી ગયા પણ નેહાને કે નેહાના માતાપિતાને નેહાના સાસરી પક્ષથી કોઈ જ મેણાં કે કોઈ રકજક આજદિવસ સુધી આ બાબતમાં કરવામાં આવી નહીં કે, અમારા દીકરાને ત્યાં કોઈ પુત્ર નથી. નેહાના સાસુસસરા એમની પૌત્રીઓને પુત્ર જેમ જ ઉછેરે છે એ પણ ખુબ લાડકોડથી... ક્યારેક કદાચ સમાજના લોકો કંઈક બોલે કે નેહાને ભગવાને પુત્ર આપ્યો હોત તો બધું વધુ સારું હોત તો એમને પણ શાંતિથી તેઓ ઉત્તર આપી જ દે છે કે, આ દીકરીઓ અમારી દિકરાથી પણ વિશેષ છે.

નેહાની જેમ બીજી વહુઓને સાસરી પક્ષ આ રીતે રાખે તો કદાચ અમુક ઘરમાં થતા ઝગડા ઓછા થઈ જાય. દીકરો કે દીકરી જન્મે એ કુદરતના હાથમાં છે પણ જે પણ ભાગ્યમાં સંતાન મળ્યું એને કેમ પ્રેમથી મોટું કરવું એ પરિવારના હાથમાં છે.

મારો આ વાર્તા લખવાનો ઉદેશ્ય એજ હતો કે, અઘરી પરિસ્થિતિ પણ સાધારણ બની જાય છે, જો પરિવાર થોડું સમજીને ચાલે તો.. પોતાની દીકરી કેટલું સહન કરી શકે એ આપણે જાણતા હોઈએ છીએ તો વહુ કે જે કાયમી આપણી જ બનીને રહેવાની છે એને સમજતા કેમ ગડમથલ ઉદ્દભવે છે?? વહુને પણ સમજવી સહેલી જ છે જો આપણે ક્યારેક એના સ્થાને આપણી દીકરીની સ્થિતિ મૂકી જોઈએતો... પુત્ર મોહમાં વહુ સાથે અમુક સાસરાંવાળા ખુબ જુલ્મ અથવાતો માનસિક ત્રાસ દે છે તથા અમુક વહુ કે જે ખુદ માતા બનવામાં વંચિત રહી છે એમને પણ પરિવાર અવારનવાર ન કહેવાની વાત કહે છે. એમના આવા વર્તણુકમાં એ પૌત્ર સુખ તો ઠીક પણ દીકરાનું સુખ પણ શાંતિથી ભોગવી શકતા નથી એ બહુ દુઃખની વાત છે.

સબંધમાં આપણે ઘણીવાર ધાપ ખાઈએ છીએ પણ જયારે સ્થિતિને સમજણથી તરત ઉગારી લેતા આવડે એજ તો છે સાચી સબંધની સમજણ..

આ વાર્તા અહીં પૂર્ણ કરું છું. આપ દરેક વાચકમિત્રના સહકારથી હું વાર્તાને વધુ સારીરીતે લખી શકી તેથી હું આપની આભારી છું.