Shatranjna Mohra - 1 books and stories free download online pdf in Gujarati

શતરંજના મોહરા - 1

શતરંજના મોહરા

પ્રકરણ - ૧

જન્માક્ષર જોઈ લગ્ન મેળાપક માટે કુંડળીઓ મેળવી રહેલા જ્યોતિષે કહ્યું, ' મારું માનો તો બેન, આ લગ્ન રોકી લો. તમારી મોટી દીકરી આરઝૂ અને આ મુરતિયાના ગ્રહો બિલકુલ નથી મળતાં. '

બિચારી આરઝૂની માતાનો ચહેરો વિલાઈ ગયો. આરઝૂનાં ચહેરા પર ફીક્કુ સ્મિત આવી ગયું.

અને તમન્ના... ? એ ધગધગ થઇ ઉઠેલી.

' ઉઠ મમ્મી, આ જોશી મહારાજ પાસે બે - બે વાર જોવડાવીને નક્કી કરેલાં લગ્ન મોકૂફ રહ્યાં છે. હવે એ કહે છે કે આ લગ્ન મોકૂફ રાખો. તો ચોક્કસ હવે હું આ લગ્ન કરાવીને જ રહીશ. જોઉં છું કે આ વખતે એમનો રાહુ - કેતુ કે શનિ શું કરી લ્યે છે ? ' આટલું કહેતા - તમન્નાએ એની મમ્મીનો હાથ ખેંચીને ઉભી કરી દીધી.

તમન્નાનો કટાક્ષ પેલા જ્યોતિષને છાતી સોંસરવો નીકળી ગયેલો. એ બોલ્યો, ' બેટા તમન્ના, તારી બેન આરઝૂનો મંગળ બહુ ભારે છે. તમારા બંનેય બહેનોનાં જન્મ-સમય વચ્ચે માત્ર સાત મિનિટનો ફર્ક છે. તારી કુંડળી આ સમય ફર્કને લીધે બદલાઈ જતા તને મંગળ નથી નડતો એટલે તું બધી હેરાનગતિથી બાકાત છે. હકીકતે તો તારા ગ્રહો આ યુવક સાથે બરાબર મેચ થાય છે. બહેન, તમારી આ દીકરીનું નક્કી કર્યું કે ? '

બે જુડવા અને એય તે લગ્નવયસ્ક યુવતીઓની માતા બોલે તો શું બોલે ?

ઘરેથી નીકળતી વખતે જ તમન્ના તો જ્યોતિષનાં ચક્કરમાં પડવા રાજી ન હતી. એ તો અહીં ફકત માતાની લાગણીને માન આપીને આવી હતી.

તમન્ના ! એનાં સ્વભાવની તાસીર એ હતી કે અંતે તો એ એણે ધાર્યુ હતું એ કરીને જ રહેવાની હતી.

***

આરઝૂ અને તમન્ના બંનેય ટ્વિન્સ બહેનો હોવા છતાં બંનેયનાં સ્વભાવમાં જમીન - આસમાનનું અંતર હતું.

જિંદગીની શતરંજમાં - જો જિંદગી એક ચાલ ચાલતી, એ અનુકૂળ હોય કે ન હોય - તો તમન્ના બે ચાલ આગળ વધવામાં માનતી. જયારે આરઝૂ બે ચાલ પાછળ ખસતી.

તમન્ના એને ઠીક લાગે એમ કરતી અને આરઝૂ બીજાને ઠીક લાગે એમ કરતી, પણ બંનેય બહેનો વચ્ચે અને એમનાં પ્રેમની તોલે કંઈ નહીં એટલે કંઈ જ ન આવી શકે. એનાં એક નહીં - અનેક ઉદાહરણ મળી આવે.

છેલ્લું જ જોઈએ આપણે. લગભગ - મહિના પહેલાની આ વાત છે.

***

ધબ... ધબ... ધબાક.. ધબ...

તાલબદ્ધ ધડકતી ધડકન સાથે એક હળવી ઉત્તેજનાની લહર દોડી ગઈ તમન્નાનાં શરીરમાં !

એનાં કાને લાગેલો મોબાઈલ પોકારી રહેલો,' હેલો.. હેલો.. તમન્ના, સહજ સ્પીકિંગ. તું મને સાંભળી રહી છે ને ?'

ઓહ ! આ તો એ જ ચિરપરિચિત અવાજ અને લહેકો ! છતાંય ક્યારેય ન થઇ હોય એવી હાલત કેમ ? તમન્ના એની જાતને સંભાળી રહી.

'તું મને સાંજે છ વાગ્યે ચર્ચગેટ સ્ટેશન મળી શકીશ ? મારે તને કંઈક કહેવું છે. ખાસ તને જ !'

'ખાસ તને જ !' એ ભારપૂર્વક બોલાયેલ સહજનાં શબ્દોએ તમન્નાને ફરી એક વાર વિચલિત કરી મૂકી. એક તીરછી નજર એણે ઓફિસ સ્ટાફ મેમ્બર્સ પર ફેરવી. બધા એમનાં કામમાં મશગુલ હતા.

'તમન્ના,પ્લીઝ કહે ને - આવીશ ને ? ' સહજનાં ફરી પુછાયેલા પ્રશ્ને અને આગ્રહભર્યા સૂરે તમન્નાને એનો જવાબ હકારમાં આપવા મજબૂર કરી દીધી.

એની 'હા'ની સાથે જ સહજે લીધેલો ઊંડો શ્વાસ એ મોબાઈલમાં પણ સાંભળી શકી.

સામા છેડે 'થૅન્ક્સ ' શબ્દ સાથે કોલ મુકાઈ ચૂકેલો. જો કે તમન્ના હજી એમ ને એમ મોબાઈલ કાને લગાડીને સ્થિર હતી. એની નજર સમક્ષ સહજનો મનોહર ચહેરો તરવરી ઉઠ્યો.

સહજ તમન્નાનો સહાધ્યાયી તેમ જ પાડોશી પણ ખરો. એ સમયે તેઓ ભુલેશ્વરમાં રહેતા. ઊંચો, ભીનેવાન અને હસમુખો સહજ તમન્નાને ખુબ ગમતો. હમણાં - હમણાં વળી છેલ્લા બે મહિનાથી તો સહજને વારંવાર મળવાનું થતા, એ એને વધુ ને વધુ ગમતો ચાલ્યો.

આજથી પાંચ વર્ષ પહેલાં - કોલેજનાં સહજીવનના મૈત્રી-મસ્તીભર્યા દિવસો પછી સહજ એકાએક એનાં બનેવીને એમનાં મોટેલનાં વ્યવસાયમાં મદદરૂપ થવા યુ. એસ જતો રહેલો તો તમન્નાને બહુ વસમું લાગ્યું હતું. પછી એ ધીરે ધીરે સામાન્ય થઇ ગઈ હતી.

આજે એ જ સહજ ઇન્ડિયા પાછો આવ્યો હતો, લગ્ન માટે.

ગઈકાલનો સંવાદ એનાં મનમાં તાજો હતો. સહજનાં મમ્મી એને કહી રહેલાં, ' જો ને તમન્ના, બે મહિના થવા આવ્યા ; પણ સહજની ડોક કોઈ છોકરી માટે હકારમાં ધૂણતી જ નથી. એક - એકથી ચડિયાતી એવી રૂપાળી કન્યાઓ એને બતાવી પણ એકેય એની નજરમાં નથી વસતી. '

તમન્ના જવાબમાં હસી પડી હતી. એ બોલી હતી, ' આંટી, ખાલી રૂપ ગમવા માટે પૂરતું ન હોઈ શકે. તમે સહજને પૂછી લ્યોને કે એને કેવી છોકરી ગમે છે ?'

એણે એ સમયે આડી નજરે સહજ સામે જોઈ પણ લીધેલું. એ સમયે સહજ એને જ તાકી રહેલો. સહજ સાથે નજર એક થતાં એ લજ્જાથી લાલઘૂમ થઇ ગયેલી. હવે આજે એ જ સહજનો અચાનક આવો કોલ આવે તો તમન્નાના તન-મનની હાલત આવી રીતે હિલ્લોળે ચડી ડામાડોળ ન થાય તો જ નવાઈ !

***

'આયમ અ ફ્રી બર્ડ... !' કોવલમ બીચ ખાતેનાં એક ખ્યાતનામ રિસોર્ટના પ્રાઇવેટ બીચ પર દેવયાની ચિલ્લાઈ રહેલી.

આખરે એણે માત આપી હતી, એ બધા જ મોહરાને જે એને એની રીતે જીવવામાં આડે આવી રહેલાં. એને મન તો એની જિંદગીની શતરંજમાં એને આગળ રોકતા કેટ -કેટલા મહોરાં હતા, પિતા - પતિ અને અંતે બાળક પણ !

દેવયાની એક અટપટી માયા હતી. વગદાર અને અતિ શ્રીમંત પિતાની અઢળક સાહ્યબી સાથે ઉછરેલી, મોઢે ચડાવેલી એક માત્ર મોહિની સમાન થોક રૂપની સામ્રાજ્ઞિ એટલે દેવયાની !

એ જેટલી રૂપાળી હતી એટલી જ તુંડમિજાજી અને બંડખોર હતી. સગા બાપની પણ શરમ ન ભરે એટલી એ બંડખોર હતી.

જો કે નિયતિ કોઈને છોડતી નથી એ ન્યાયે દેવયાનીએ પણ એની ઈચ્છા વિરુદ્ધ કેટલાય સમાધાન કર્યા હતા, જે એનાં માટે સમાધાન હતું, તો કોઈના માટે એ જીવન-મરણનો પ્રશ્ન હતો. જે મહોરું એનાં માટે ‘સૈનિક’થી વિશેષ ન હતું, એ બીજા માટે ‘રાજા’ સમાન હતું.

***

સહજનો કોલ આવ્યાં બાદ તમન્નાની નજર સમક્ષ વારંવાર બે ચહેરા ઝબકી જતા હતા.

એ બન્ને પ્રત્યે ખેંચાણ અનુભવી રહી હતી. મોનીટરની સ્ક્રીન પર ઉભરે એમ એનાં મનની સ્ક્રીન પર ઘડીક સહજનો આકર્ષક - ખુશખુશાલ ચહેરો દેખાતો તો બીજી જ પળે એની બેન આરઝૂનો સૌમ્ય, શાંત અને ઉદાસીન ચહેરો એને પોતાના તરફ ખેંચતો, ભીતર સુધી ખળભળાવી જતો હતો.

***

બે વાર કોલબેલ ઉપરાઉપરી રણક્યા બાદ આરઝૂ ફ્લેટનો દરવાજો ખોલવા ઉભી થઇ હતી. નહિતર તો એ એનાં રૂમની બહાર ભાગ્યે જ નીકળતી. ઘરે કોઈ ન હોઈ એને અંતે દરવાજો ખોલવા આવવું પડ્યું.

દરવાજો ખોલતા, બિલકુલ સમક્ષ અમેયને ઉભેલો જોઈ એ સ્તબ્ધ થઇ ગયેલી.

જેની સાથે એનાં બબ્બે વાર નક્કી થયેલાં લગ્ન મોકૂફ રહ્યાં હતા એ અમેયને ઉભેલો જોઈ એક ક્ષણ માટે એ સ્તબ્ધ થઇ ગઈ હતી તો બીજી પળે એને આવકારવા માટે એની અંદર જાણે ખુશીઓનો સમુદ્ર ઘૂઘવી ઉઠ્યો.

આ પળે એકાએક એને તમન્નાની ચેતવણી યાદ આવતાં એ કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કર્યા વગર સ્થિર ઉભી રહી ગઈ, ચિત્રવત જાણે !

ક્રમશ :

'મોહરા શતરંજનાં ' લઘુનવલના પ્રથમ પ્રકરણના સમાપન સાથે વાચકોને ખ્યાલ આવી ગયો હશે કે આ કથાના મુખ્ય પાંચ પ્યાદાઓ છે - તમન્ના, આરઝૂ, સહજ, અમેય અને દેવયાની ! તમન્નાએ તય કરી લીધું છે કે ગમે તે રીતે યેનકેન પ્રકારેણ એ એની હતાશામાં ગરકાવ થઇ ગયેલી બેન આરઝૂની જિંદગી પાટા પર ચડાવીને જ રહેશે. એનાં માટે એ કંઇ પણ કરવા તૈયાર છે. એ શું કરશે એ જોવા પ્રકરણ - ૨નો ઇન્તઝાર કરશો.