Shatranjna Mohra - 2 books and stories free download online pdf in Gujarati

શતરંજના મોહરા - 2

શતરંજના મોહરા

પ્રકરણ - ૨

‘શું મને અંદર આવવાનું નહીં કહે આરઝૂ ? ' અમેયના અનુનયભર્યા પ્રશ્નથી આરઝૂ ઝબકી હતી.

એણે બાજુ પર ખસી જતા અમેયને ફ્લેટમાં અંદર આવવા જગ્યા કરી આપી.

તરત આરઝૂ અંદર કિચનમાં પાણી લેવા ચાલી ગઈ. જઇ રહેલી આરઝૂને જોઇ અમેયના હૈયેથી એક પ્રલંબ નિ:સાસો સરી પડેલો.

એણે જીગરફાડ પ્રેમ કર્યો હતો આરઝૂને, હજી પણ કરતો હતો. છતાં આજે કેવા વિચિત્ર સંજોગોમાં એને અહીં આવવું પડેલું.

'આ મીઠાઈનું બોક્સ છે. ખાસ મમ્મીએ તમારે ત્યાં આપવા કહ્યું હતું. ' અમેયે આરઝૂનાં હાથમાંથી પાણીનો ગ્લાસ લેતા કહ્યું.

'સરસ, ખૂબ અભિનંદન ' આરઝૂથી કહેવાઈ ગયેલું. અમેય કોઈક પણ રીતે ખુશ છે અને એ સમાચાર આપવા એ મીઠાઈના બોક્સ સાથે આવ્યો - એ વાત એનાં માટે ખુશીપ્રેરક હતી.

જો કે અમેય માટે એ જણાવવાનું ઘણું અઘરું હતું કે એ શા કારણસર મીઠાઈનું બોક્સ લઈને આવ્યો હતો.

અમેય પરણી ગયો હોવા છતાં આરઝૂનો એનાં પ્રત્યેનો અનુરાગ હજી એવો ને એવો હતો. અમેય બાદ બીજા માટે વિચારવાનું એનાં માટે અસંભવ હતું.

અમેય માટે આજે પણ એનાં મનમાં રહેલી લીલીછમ લાગણીઓથી જ્ઞાત તમન્ના ક્યારેક એનાં પર અકળાઈ ઉઠતી અને કહેતી, ' દિ, તારાથી તો તોબા - તોબા ! આ બ્રેક-અપ અને રિલેશનશિપના જમાનામાં તું હજીય તારું પાંચ વર્ષ પહેલાનું બ્રેક -અપ હૈયે લગાડીને ફરી રહી છે. તું અમેય -અમેય કરતી રહી અને એ સાલ્લો પરણી પણ ગયો. ' આરઝૂ - તમન્નાથી માત્ર સાત મિનીટ મોટી હોવા છતાં તમન્નાએ એને 'દિ' નાં સંબોધનથી પોતાનાથી ઊંચા સ્થાને સ્થાપી હતી.

તમન્નાના ઉકળાટ સામે આરઝૂ હંમેશ વિચારતી કે શું કોઈને સાચા હૃદયથી પ્રેમ કર્યો હોય તો, એ બીજે પરણી જાય કે કોઈ કારણસર તરછોડી દે તો શું કરેલો પ્રેમ ભુલાવી દેવો એટલો શક્ય હોય છે ખરો ? વળી અમેયનાં પોતાના તરફ રહેલાં પ્રેમમાં અવિશ્વાસને તો ક્યારેય સ્થાન ન હતું.

આરઝૂ માટે અમેયને ભૂલવો બિલકુલ સહેલો ન હતો. જ્યારથી એ સમજતી થઇ, ત્યારથી અમેયને ચાહતી હતી. જો કે પ્રેમનો એકરાર તો અમેયે જ કરેલો.

એકમેકના નજીકના સગા થતાં હોઈ એમને કુટુંબના મેળાવડાઓમાં, વારે-તહેવારે, પ્રસન્ગોપાત મળવાનું થતું રહેતું.

એમાંય યુવાવયે બંનેયને એક કોલેજમાં સાથે ભણવાનું થતાં ખુબ નજીક આવી ગયા હતા.

આરઝૂ દેખાવે સુંદર હતી જ, સ્વભાવે પણ હસમુખ અને નમ્ર હોવાથી મીઠડી લાગતી. એની નિર્દોષ મોટી કાળી આંખોવાળા ચહેરાને જોઈને પહેલી નજરે કોઈને કલ્પના પણ ન આવે કે આટલી સીધી, સરળ અને સાદી યુવતી પ્રેમમાં પડી શકે.

એનાં વર્તન અને વ્યવહારમાં ભારોભાર સૌમ્યતા અને ઋજુતા છલકતી. એટલે જ તો બિચારો અમેય એની લાગણીઓનો એકરાર કરતા ગભરાતો હતો કે ક્યાંક આરઝૂ એનાં પ્રેમનાં પ્રસ્તાવથી નારાજ નહીં થઇ જાય ને ? એ એનાં પ્રેમને ઠુકરાવી નહીં દે ને ?

' આરઝૂ, જિંદગીની સફરમાં અંતિમ મંઝિલ સુધી મારો સાથ નિભાવવાના સોગંદ ખાવા તને ગમશે ? ' અમેયે એનાં અવાજમાં ભારોભાર માર્દવતા ઉમેરી એનાં તરફ હાથ લંબાવતા પ્રેમની કાવ્યત્મકતાસભર પ્રસ્તાવના કરેલી.

તરત આરઝૂએ અમેયનો એનાં તરફ લંબાયેલો હાથ સાહી લેતા એની હથેળીઓ ચૂમી લીધી હતી. એની સ્ફટિક સમી સ્વચ્છ આંખોમાંથી બે મોટા અશ્રુબિંદુઓ ખરેલા - જે મૌનપણે ખુશી વ્યકત કરી રહેલાં.

અમેય એ સમયે આશ્ચર્યમુગ્ધ થઇ ગયેલો. આરઝૂ તરફથી આટલા સાનુકૂળ પ્રતિભાવની એને સપનામાં પણ આશા ન હતી. એટલું જ નહીં, સમય વીતતાં એને સમજાયું હતું કે એનાં આરઝૂ તરફ રહેલાં પ્રેમની તીવ્રતા કરતા આરઝૂનો એનાં માટે પ્રેમ વધુ તીવ્ર છે.

એ સમયે એને લાગેલું કે એ દુનિયાનો સૌથી વધુ ખુશનસીબ વ્યક્તિ છે કે એને આરઝૂ તરફથી અગાધ ઊંડાણસભર અને સ્વાપર્ણભર્યો પ્રેમ મળ્યો છે.

એમના સંબંધને એમનાં ઘરનાએ આવકારેલો. અલબત્ત, અમેયના પપ્પાને આ સંબંધ ઓછો રૂચેલો પણ સગા અને સમાજના ડરે એમણે આ સંબંધનો બહુ વિરોધ ન કરેલો કે ન કરી શકેલાં.

આરઝૂ અને અમેયની સગાઇ બહુ ધામધૂમથી થઇ હતી.

આરઝૂ એ દિવસે બહુ ખુશ હતી. એ દિવસની ચોરેલી એકાંત પળોમાં જયારે અમેયે એને આવેશથી એનાં અંકમાં ભીડી હતી ત્યારે એણે સ્નેહપૂર્વક પોતાનું શિર અમેયની વિશાળ છાતીમાં ખૂંપાવી દેતાં કહેલું, ' અમેય, અત્યારે મને એવું લાગી રહ્યું છે કે મારાં જેટલી ખુશનસીબ યુવતી આ દુનિયામાં અન્યત્ર ક્યાંય નથી. '

'ખરેખર ? હું પણ ઈચ્છું છું કે આ પળો અહીં જ થંભી જાય.. ' અમેયે એનાં બાહુબંધને મજબૂત કરતા કહેલું.

એ એમનો સુવર્ણકાળ હતો. એમનાં સુખનો સૂરજ બરાબર મધ્યાહને પ્રકાશી રહેલો અને દુઃખનાં કાળાડિબાંગ વાદળો ત્યારે અચાનક જ, એમ કહો કે કમોસમી ધસી આવેલાં. એને કમોસમી જ કહેવા પડે, અન્યથા ત્રેવીસ વરસનો સંપૂર્ણ તંદુરસ્ત યુવાન કઈ એમ ને એમ ગણતરીના દિવસોમાં યમદ્વારે ન પહોંચી જાય.

***

ચર્ચગેટના રમ્ય દરિયાકાંઠાની વિશાળ ચોપાટી પર પરસ્પર ગોષ્ઠિમાં વ્યસ્ત યુગલોમાંનું એક યુગલ તમન્ના અને સહજનું હતું.

જે ધારણા સાથે તમન્ના સહજને મળવા ગઈ હતી અને ઇચ્છતી હતી એ જ રીતે સહજે સીધી સરળ રીતે એની પાસે લગ્નનો પ્રસ્તાવ મુકેલો, ' તું મારી સાથે લગ્ન કરીશ તમન્ના ? '

તમન્નાનું હૈયું દોટ મૂકી રહ્યું, સહજનો પ્રસ્તાવ સ્વીકારી - એને ભેટવા માટે. પણ એનાં ઘરનાંને એણે આપેલું વચન, સંજોગો અને જવાબદારી એને સહજની પ્રેમવર્ષામાં ભીંજાઈ જવા આડે પ્રતિબંધ ફરમાવી રહેલાં.

'સહજ, સાચું કહેજે ! તું અહીં ઇન્ડિયા આવ્યો ત્યારે તારા મનમાં મારો ખ્યાલ હતો ? ' તમન્નાએ પૂછ્યું.

'સાચું કહું તો 'ના', પણ તું મળી એ પછી કોઈને જ ગમાડી નથી શક્યો. ' સહજે એની લાગણી છુપાવ્યા વગર સ્પષ્ટ કહ્યું.

તમન્નાનાં અંતરમનના ખૂણે એક તીવ્ર કસક ઉઠી. એને શમાવવાની કોશિશ કરતાં બોલી, ' પણ હું ન મળી હોત તો , તું કદાચ બીજીને પણ પસંદ કરી શક્યો હોત - ખરું ને ?'

પોતે જેમ તમન્નાને ચાહે છે એમ તમન્ના પણ એને પસંદ કરે છે એવો સહજને વિશ્વાસ હતો. પણ, અત્યારે એને લાગી રહ્યું કે કદાચ એ જેમ સમજી રહ્યો છે, એવી બાબત કદાચ નથી. કેમ કે આટલી વાતચીત પરથી એને એટલો તો અંદાજ આવી ગયો કે તમન્ના એનાં પ્રસ્તાવનો જવાબ નકારમાં આપવા માટે પૂર્વભૂમિકા બાંધી રહી છે.

એ સહેજ હતાશ થયો અને બોલ્યો, ' તમન્ના, તું કહે છે એ તો બંને પક્ષે શક્ય છે. તું પણ જો ક્યાંક પરણી ગઈ હોત તો અત્યારે મને મળવા આવી હોત ? '

'સહજ, તે સાચું કહ્યું. હું હજી સુધી નથી પરણી એનું એક કારણ છે. સાંભળવું છે એ કારણ ? '

સહજ તત્પર થઈ રહ્યો એ સાંભળવા માટે.

***

સહજને મળીને ઘરે આવેલી તમન્ના વિફરી હતી. કેમ કે આજે એનાં ઘરે, એની ગેરહાજરીમાં અમેય આવેલો. એટ્લે એ અમેય પર બરાબર બગડી હતી. એમાં પણ, અમેય જે મીઠાઈનું બોક્સ આપવા આવેલો- એ એનાં ઘરે પુત્ર-જન્મ થયા બદલ આપવા આવ્યો હતો, એ જાણી વધુ મિજાજ ગયો હતો.

' દિ, એની અહીં આવવાની હિંમત કેવી રીતે થઇ ? '

'તનુ, બહુ ગુસ્સો સારો નહીં. એની મમ્મી એ કહેલું એટલે એ આપવા આવેલો. ' આરઝૂ સમજાવી રહેલી તમન્નાને.

' દિ, કઈ માટીની બનેલી છે તું ? ઉફ્ફ.... જેને લીધે આજે તારી આ હાલત છે- એ વ્યક્તિની વાત પણ બીજું કોઈ તારી જગ્યાએ હોય તો કરે નહીં અને તું ? આજની તારીખે પણ તને એનામાં કોઈ ખોટ નથી લાગતી. ' તમન્નાનો જવાળામુખી શાંત એમ થોડો થાય !

'સમય, સંજોગો અને પરિસ્થિતિ બધું જયારે ફંટાઈને માણસની વિરુદ્ધ જઈ રહ્યાં હોય તો કોઈ શું કરે ?' આરઝૂ બોલી.

તમન્ના શાંત થઇ ગઈ. આરઝૂને નવાઈ લાગી. તમન્ના શાંત એટલે થઇ ગયેલી કે કંઈક આવું જ સાંજની મુલાકાત વેળાએ સહજ બોલ્યો હતો કે, ' જે રીતે આરઝૂના લગ્ન થતા અટકી ગયા, એમાં મને તો અમેય કરતાં એનાં પ્રતિકૂળ સંજોગો અને સમય વધુ જવાબદાર લાગે છે. '

પણ તમન્નાની ફરી ફટકી, એ વિચારે કે એક વાર માની લેવાય કે સમય -સંજોગો તરફેણમાં ન હોય,પણ બીજીવારયે ?

ના, બીજીવાર એની 'દિ'ને ઠોકરે ચડાવનારને એ માણસ બીજા માટે ભલે દેવ સમાન હોય,પણ એને હું તો ક્યારેય માફ નહીં કરું. કાયમ માટે મારે 'દિ'નાં જીવનના આ અધ્યાય પર હવે પૂર્ણવિરામ મૂકવું જ છે. 'દિ' ની જેમ સંજોગો-સમયનાં રોદણાં મારે નથી રડવા કે નથી એને રડવા દેવા.

આજે એની સહજ સાથેની મુલાકાત અને અમેયની આરઝૂ સાથેની મુલાકાતે એનો સંકલ્પ ઓર મજબૂત કર્યો હતો.

ક્રમશ:

(આવતાં પ્રકરણ - ૩ માં ' દેવયાની જયરાજ તન્ના 'ની વિધિવત ધમાકેદાર એન્ટ્રી પડશે. જેનું નામ માત્ર ઝંઝાવાત સર્જવા પૂરતું છે. એ કેવી રીતે અમેય -આરઝૂની જિંદગીમાં પહેલાં અને હાલ સહજ -તમન્નાની જિંદગીમાં વંટોળ લાવી રહી છે,એ વાંચવા માટે તૈયાર રહેજો. )