Agnipariksha - 3 books and stories free download online pdf in Gujarati

અગ્નિપરીક્ષા - ૩

અગ્નિપરીક્ષા-3 ચિંતા ટળી

મારા મામાનું ઓપરેશન ચાલી રહ્યું હતું. ઓપરેશન થિયેટર ની લાલ લાઈટ હજુ ચાલુ જ હતી. દેવિકા તો ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. એ કોઈ રીતે છાની રહેવાનું નામ જ લેતી નહોતી. મારા મામી એને છાની રાખવાની વ્યર્થ કોશિશ કરી રહ્યાં હતા. અને દેવિકા ને જોઈ જોઈને અમે બધા પણ રડી રહ્યા હતા. દેવિકા આમ પણ પહેલેથી જ એના પિતા ની વધુ નજીક હતી એટલે એના પિતા ને કંઈ થાય તો એ સહન જ ન કરી શકે. એનું રોવાનું બિલકુલ બંધ જ નહોતું થતું.
મારા બંને મામીઓ અને મારી મમ્મી અમને બધા બાળકો ને હિંમત આપી રહ્યા હતા.
*****
મારા પપ્પા અને મારા મામા ક્યારે ઓપરેશન પૂર્ણ થાય એની રાહ જોઈ રહ્યા હતા. અને ઓપરેશન થિયેટર ની લાલ લાઈટ બંધ થઈ. હા, ઓપરેશન પૂર્ણ થયું હતું. ડૉક્ટર બહાર આવ્યા અને એમણે મારા પપ્પા ને કહ્યું, "ચિંતા જેવું કંઈ નથી. ઓપરેશન સફળતા પૂર્વક પાર પડ્યું છે. અને ડૉક્ટર સાહેબ ની તબિયત પણ ખૂબ સારી છે. પણ થોડો સમય તમારે બધાં એ એમનું ધ્યાન રાખવું પડશે. તો રિકવરી પણ ઝડપથી આવી જશે."
હવે અમે બધા એ હાશકારો અનુભવ્યો.
*****
દિવાળી વેકેશન પૂરું થઈ ગયું હતું. અમે હું, મારી મમ્મી, મારા પપ્પા અને નિશિતા પાછા જામનગર આવી ગયા હતા. મારા ડૉક્ટર મામાની તબિયત સુધારા પર હતી. સમય વીતતો ચાલ્યો. મારા મામા ને હવે સંપૂર્ણપણે રિકવરી આવી ગઈ હતી. અમારા બધાં ની ઉપર થી ખતરો ટળી ગયો હતો. ફોન પર અમારી બધાની વાતો થતી રહેતી. આજે મારા ડૉકટર મામા ને જામનગર મિટિંગ હતી. એમાં એ આવવાના હતા. સાથે દેવિકા પણ આવવાની હતી. એણે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં એ શાળા લેવલે પહેલો નંબર આવી હતી એટલે આજે એને રાજ્ય લેવલ ની સ્પર્ધામાં મોકલી હતી જેના માટે એણે જામનગર આવવાનું હતું.
*****
દેવિકા રાજય લેવલ ની સ્પર્ધામાં પણ જીતી ગઈ હતી. અને મારા મામા ની મિટિંગ પણ પૂરી થઈ ગઈ હતી. બપોરે જમીને પછી મારા મામા અને દેવિકા ફરી દ્વારકા જવા રવાના થવાના હતા. જમતાં જમતાં અમે ત્રણેય બહેનો એ ખૂબ વાતો કરી.
*****
સમય વીતતો ચાલ્યો. અમે બધા હવે મોટા થવા લાગ્યા. 26 જાન્યુઆરી 2001 નો એ દિવસ હતો. હું ત્યારે દસમાં ધોરણ માં હતી. મારા પપ્પા ત્યારે દિલ્હી કોન્ફરન્સ માં ગયા હતા. અને નિશિતા ધ્વજવંદન માટે શાળા એ ગઈ હતી. આજથી બધા એસ ટી ડી ફોન મફત થવાના હતા. આ બાજુ નીતિ ની લગ્નની ઉંમર થઈ ગઈ હતી. એના માટે માંગા આવતા.
*****
અમારા ફોનની રિંગ વાગી. મારી મમ્મી એ ફોન ઉપાડ્યો. મારા મામા નો મીઠાપુર થી ફોન હતો. એમણે મારી મમ્મી ને સારા સમાચાર આપ્યા. હા, નીતિ માટે એમણે એક છોકરો પસંદ કરી લીધો હતો. છોકરો આયુર્વેદિક ડૉક્ટર હતો. છોકરાનું નામ મનસ્વી હતું. મારી મમ્મી એ ખુશી વ્યક્ત કરી. અને ફોન મૂકયો. મારી મમ્મી એ જેવો ફોન મૂકયો એવું બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. થોડીવાર તો અમને સમજ જ ન પડી કે, આ શું થઈ રહ્યું છે? ધરતી ધ્રુજવા લાગી હતી. હા, એ ભૂકમ્પ નો તીવ્ર આંચકો હતો.
અનેક થાંભલાઓ પડી ગયા હતા. કેટલાય ઘર પડી ગયા હતા. ફોન ની લાઈનો તૂટી ગઈ હતો. બધો જ સંપર્ક ઠપ થઈ ગયો હતો. લાઈટ પણ ચાલી ગઈ હતી. ખૂબ જ નુકશાન થયું હતું. ઘરે હું અને મમ્મી બંને એકલા. પપ્પા દિલ્હીથી આજે પરત આવવાના હતા. નિશિતા પણ હજુ સ્કૂલેથી આવી નહોતી.
*****
નિશિતા હવે સ્કૂલેથી આવી ગઈ હતી એટલે અમારી અડધી ચિંતા ઓછી થઈ ગઈ હતી. પણ મારા પપ્પા નો સંપર્ક હજુ થતો નહોતો. હું તો ખૂબ જ રડવા લાગી હતી. હું આમ પણ પહેલેથી ઢીલી એટલે મને પપ્પા ની ચિંતા થાય. પણ મારી મમ્મી ખૂબ પોઝિટિવ એટલે એ અમને બંને બહેનો ને હિંમત આપે.
*****
આ બાજુ મારા પપ્પા અમદાવાદ પહોંચી ગયાં હતાં. અને એમને જાણ થઈ કે, ગુજરાતમાં ભૂકમ્પ આવ્યો છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. એ પણ ચિંતા માં હતા. મારા પપ્પા નો આમ પણ થોડો ચિંતાવાળો સ્વભાવ અને એમાંય અમારા સંપર્ક તૂટેલા. એટલે એ પણ ખૂબ ચિંતામાં. એમને અમારી ખૂબ ચિંતા થઈ રહી હતી.
*****
શું અમારો અને મારા પપ્પાનો સંપર્ક થશે? શું આ ભૂકંપ અમારા કોઈ માટે નુકશાનકારક નીવડશે? શું અમારા પરિવાર ને એક ઓર અગ્નિપરીક્ષા માંથી પસાર થવું પડશે?
*****