commando 3 - Movie reviews books and stories free download online pdf in Gujarati

કમાન્ડો 3 - ફિલ્મ રીવ્યુ

કમાન્ડો 3 : ...ના, સિર્ફ ભારતવાદી

હવે ફિલ્મોના પણ એપિસોડ(સિકવલ) શરૂ થઈ ગયા. ભાગ ૧-૨-૩ હવે દર ત્રીજી ફિલ્મના બને છે. કમાન્ડો ફિલ્મ બહુ હિટ નહોતી રહી પરંતુ લોકોના દિલ જીત્યા હતા. વિદ્યુત જામવાલાની એક પહેચાન બની હતી. પછી કમાન્ડો 2 આવ્યું, ઠીકઠાક રહ્યું અને હવે કમાન્ડો 3....

બૉલીવુડ પાસે એક ચવાયેલો અને છવાયેલો વિષય છે ભારત-પાકિસ્તાનનો. અઢળક ફિલ્મો બની અને હજી બનશે. વાત એક જ હોય છે બસ પ્રસ્તુત થોડી જૂદી રીતે કરવામાં આવે છે. આ ફિલ્મમાં પણ ભારત-પાકિસ્તાનની જ વાર્તા છે પરંતુ આ ફિલ્મમાં કોઈ દેશને દોષી બતાવવામાં આવતો નથી. હવે બોલીવુડની નજર થોડી બદલાય રહી છે, હિન્દૂ-મુસ્લિમ ભાઈભાઈ વાળી વિચારધારા તરફ આગળ વધી રહ્યા છે અને જે આતંક ફેલાવે એ વ્યક્તિને બદનામી આપે છે, નહિ કે આખા દેશને. મરજાવા ફિલ્મમાં પણ હિન્દૂ-મુસ્લિમ બંને તરફ સમાન બેલેન્સ બતાવ્યું છે અને આ ફિલ્મમાં પણ બંને ધર્મના લોકોના દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે.

ડાયરેકટર આદિત્ય દત્તે એક જોવાલાયક એક્શન ફિલ્મ આપી છે. એક્શન હોય એટલે દમદાર ડાયલોગ્સ પણ હોવા જ જોઈએ તો જ દર્શકોમાં સિટીઓ વાગે. સ્ટોરી આમ સામાન્ય છે પરંતુ જે રીતે રજૂ કરવામાં આવી એ રીત ગમે એવી છે. ઘણા મુદ્દાઓને તમાચો માર્યો છે.

બુકાર અન્સારી નામે વિલન. જે પોતાના નાના છોકરાની સામે જ ઘણાને ખલાસ કરતો હોય અને પોતાના છોકરાને બાળપણથી જ આતંક તરફ વાળવાની ટ્રેનિંગ આપતો હોય છે. પરંતુ બાળકને આ જરાય ગમતું નથી. સિક્રેટ એજન્ટો દ્વારા ખબર પડે છે કે અન્સારી ભારતમાં કડાકાભડાકા કરવા માંગે છે. ત્યારે વિદ્યુત જામવાલા એટલે કે કરણવીરસિંહ ડોગરાની એન્ટ્રી થાય છે. કમાન્ડો હોય એટલે શક્તિ પ્રદર્શન તો ખરું જ. બસ, પછી મિશન અન્સારી શરૂ. લંડનમાં જઈ છુપાયેલા અન્સારીને પકડવાનો. મિશનમાં કુલ 4 ઓફિસર. બે હિરોઇન એટલે કે બે લેડી કમાન્ડો અને એક કોમ્પ્યુટર માસ્ટર.

એક્શન અને એક્ટિંગ સારી છે અને ડાયલોગ્સ ફિલ્મને જીવંત રાખે છે. વિદ્યુતને આવા રોલ શોભે છે. બાકી બે હીરોઈને પોતાના ભાગે આવેલું કામ સરસ રીતે કર્યું છે. વિલન તરીકે ગુલશન દેવૈએ પોતાની એક સારી છાપ છોડી છે.

ફિલ્મની શરૂઆતમાં દાદાગીરી કરતાં પહેલવાનો પર લાત મારી અને એ રીતે મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય પણ આપ્યું. જે વર્તમાન સમયમાં ખૂબ જરૂરી છે. બાકી, ફાઈટીંગ મજેદાર... મસાલેદાર... ધમાકેદાર...

"હિન્દુસ્તાની હિન્દૂ હો યા મુસલમાન... અબ કિસીને ઉંગલી કી.. તો હાથ જોડેગા નહિ... તોડેગા...." આવા ડાયલોગ્સ ફિલ્મમાં જુસ્સો ભરે છે તો "काफी जज़्बाती हो... ना, सिर्फ भारतवादी...." આવા દેશભક્તિભર્યા ડાયલોગ્સ પણ છે. ટૂંકમાં ફિલ્મ વન ટાઈમ વૉચ....

આ ફિલ્મ મોટી કમાણી તો નહિ કરે પરંતુ કમાન્ડો 4 આવશે એવી ચાહના જગાવશે. વિદ્યુતને અહીંથી મોટી ફિલ્મ મળે એવી શક્યતાઓ બનશે. કદાચ, મોટા સુપરસ્ટાર સાથે એક્શન કરવાનો મોકો મળે. વિદ્યુત આવા કમાન્ડો ટાઈપ અને સ્પાય ટાઈપ રોલમાં ફિટ થઈ જાય છે.

આ ફિલ્મ ગમશે એનું કારણ એ પણ હશે કે, આ ફિલ્મમાં પાકિસ્તાનને પણ દોષી નથી બતાવાયું. જે આતંક ફેલાવે છે એમને જ પાઠ ભણાવવામાં આવ્યા છે. દેશભક્તિની વાચા આપનારું અને આપણા રક્ષકો પર ગર્વ કરાવનારું એક મજેદાર ફિલ્મ એટલે કમાન્ડો. એક વખત મજા આવે એવી એક્શન ફિલ્મ..

લ્યો, અંતે એક બે ડાયલોગ્સ માણો..

"પહલે પરદોમેં છુપા કરતા થા.. અબ મર્દો મે..."

"નસલ યા ફસલ બરબાદ હોતી હૈ તો પુરા દેશ બરબાદ હોતા હૈ..."

હવે મળ્યાં નવી ફિલ્મ સાથે... નવી વાતો સાથે... નવા પાત્રો સાથે ...

- જયદેવ પુરોહિત