Panipat - Film review books and stories free download online pdf in Gujarati

પાનીપત - ફિલ્મ રીવ્યુ

પાનીપત : યે યુદ્ધ યાદ રહેગા, મગર યે ફિલ્મ...

આપણને ઐતિહાસિક ફિલ્મો જોવી ગમે છે પરંતુ એક શરતે , એ ફિલ્મ સંજયલીલા ભણસાલીએ બનાવેલી હોવી જોઈએ. 'બાજીરાવ મસ્તાની' ફિલ્મ હજી આપણે ભૂલ્યા નથી અને 'રામલીલા' ફિલ્મનો નશો હજી ઉતર્યો પણ નથી. એટલે કે ભણસાલી બેનરે એક લેવલ સેટ કરી દીધું. હવે એ લેવલની ફિલ્મ, એ અંદાજમાં ન બતાવવામાં આવે તો, સ્વભાવિક છે એ ફિલ્મ યાદગાર તો ન જ બને.

હા, વાત કરી રહ્યો છું ફિલ્મ પાનીપત. ગયા શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મ કઈ ખાસ ચર્ચા જગાવી ન શકી. સંજય દત્તને હિસાબે ફિલ્મ થોડી જીવતી રહે છે. હવે આવી ફિલ્મોમાં દર્શકોને જકડી કઈ રીતે રાખવા?? એ મહત્ત્વનો ભાગ હોય છે. કારણ કે, ઈતિહાસ લોકોને ખબર છે. આખી સ્ટોરી લોકો પાસે પણ છે, ફિલ્મમાં દેખાડે એના કરતાં વધુ હશે. એટલે માત્ર સ્ટોરીથી દર્શકો પકડમાં ન આવે. એટલે આવી ફિલ્મોમાં પરફેક્ટ સ્ટારકાસ્ટ જોઈએ, જોઈએ અને જોઈએ જ. 'પાનીપત' ફિલ્મની સ્ટારકાસ્ટ સારી જ છે જો અર્જુન કપૂરને નજરઅંદાજ કરીએ તો. પરંતુ ફિલ્મમાં મેઈન હોરોને કઈ રીતે નજરઅંદાજ કરવો..!!

આશુતોષ ગોવારીકરે લાંબી સફર કરી લીધી છે બોલીવુડમાં. એમની ફિલ્મો માણવા જેવી હોય છે. રિસર્ચ કરેલી સ્ક્રિપ્ટને સારી રીતે પડદા પર દેખાડવામાં ફાવટ છે. પરંતુ આ ફિલ્મ બધી રીતે ક્યાંયને ક્યાંક અધૂરી લાગે. ઇતિહાસનું થોડું ઊંડાણ બતાવ્યું પરંતુ દર્શકોને લાંબા સમય સુધી યાદ રહે તેવી આ ફિલ્મ ન બની. સંજય દત્તે 'એહમદ શાહ'નાં રોલમાં બખૂબી અદાકારી દેખાડી છે તો ક્રિતી સેનને પણ પોતાનાં ભાગે આવતું ફિલ્મ સારી એકટ કર્યું. બીજા ઘણા પાત્રો દમદાર છે. એ બધાં વચ્ચે અર્જુન કપૂર નવો નિશાળીયો જ લાગે.

હવે આવા હિસ્ટોરીકલ ફિલ્મને હિટ કરવા ફિલ્મમાં શું હોવું જ જોઈએ?? સૌપ્રથમ તો ગીત-સંગીત, અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક. આ ફિલ્મમાં એકપણ એવું ગીત નથી કે તમારી જીભે ચોંટી જાય. "મેં દિવાની..મસ્તાની હો ગઈ..." આ ગીતનો રણકાર હજી તરોતાજા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બહુ ખાસ નથી. પછી VFX ઇફેક્ટસ... એટલે કે ગ્રાફિક્સ. Vfxનો ઓછો ઉપયોગ ફિલ્મને મજેદાર નથી બનાવતું. અને ત્રીજી સૌથી મહત્ત્વની બાબત.. ડાયલોગ્સ... અને ડાયલોગ્સ બોલવાની ખુમારી...

ઘણા ડાયલોગ્સ વજનદાર રીતે રજૂ થઈ શકતાં હતા પરંતુ એ સામાન્ય રીતે જ રજૂ થયા. અથવા અર્જુન કપૂરના મોઢે સામાન્ય જ લાગ્યાં. એટલે કે ફિલ્મ સાવ બકવાસ નથી હો. સંજય દત્તની એક્ટિંગ જલસો કરાવશે તો બીજા નાના કિરદારો પણ ફિલ્મને જીવંત રાખે છે. ક્રિતી સેનન આવા પાત્રોમાં બીજા ફિલ્મોમાં જોવા મળે તો નવાઈ નહિ. અર્જુન કપૂર મને નથી જ ગમતો એવું નથી પરંતુ ખરેખર આવા સદાશિવ રાવવાળા ખુમારીભર્યા પાત્રમાં એમની એક્ટિંગ સાવ હળવી જ રહે છે.

પાનીપત ફિલ્મ બનાવવામાં ઘણી રિસર્ચ કરી હશે કેમ કે ફિલ્મમાં ઘણો ઊંડો ઇતિહાસ પણ દેખાડ્યો છે. ફિલ્મ પ્રત્યે અણગમો થાય એવી હજી એક બાબત છે. એ છે ફિલ્મની લેન્થ. ત્રણ કલાકની આ ફિલ્મ અંતે કંટાળાજનક લાગે. સ્ટોરીને વધુ ખેંચી છે. 140 જેટલી મિનિટોમાં ફિલ્મો આજકાલ સારી રીતે પુરી થઈ જાય છે ત્યારે આ 173 મિનિટની ફિલ્મ મેરેથોન દોડ જેવી લાગે. જો સંગીત દમદાર, સ્ટારકાસ્ટ વજનદાર અને ગ્રાફીલ્સ આંખે ચોંટી જાય એવા હોત તો આ ફિલ્મ 180 મિનિટ હોત તો પણ હિટ થઈ જાત. માત્ર સંજય દત્તના ખંભે આવી ફિલ્મો સુપરહિટ ન બની શકે.

પોઝિટિવ એ કે, નાના છોકરાઓ ટીવીમાં કે ગમે તે રીતે ફિલ્મ જોશે ત્યારે આપણા ઇતિહાસથી પરિચિત તો થશે. પાનીપતનું યુદ્ધ આપણે સૌ ભણ્યાં. પરંતુ જયારે બાળકો આ ફિલ્મ જોશે ત્યારે એમને ભણેલું યાદ આવી જશે. એ બાબતે આવી ફિલ્મો અચૂક બનવી જ જોઈએ. ફિલ્મ જેટલી ધમાકેદાર હોવી જોઈએ એવી નથી પરંતુ ટીવીમાં આવે ત્યારે જોઈ લેવા જેવી ખરી.

બાકી સંજય દત્તનો જલવો અડીખમ...

- જયદેવ પુરોહિત

Www.jaydevpurohit.com