Mathabhare Natho - 28 books and stories free download online pdf in Gujarati

માથાભારે નાથો - 28


"ટો ટમે એમ કેવા માંગટા છો કે માડી દિકડીને બિલકુલ જ હમજન નઠ્ઠી પડટી છે ? અને કોઈ બે કાઠયાવાડી છોકડા એને ભોલવીને યુઝ કરી લાખહે એમ ? મને એમ કે'વની કે ટમે ટમારા મનમાં શું હમજટા મલે ? ઓ મેડમ આ દિકડી મારી દિકડી છે..
ટમે હજુ આ ચંપકલાલ કાંટાવાલાને ઓલખતાં ની મલે.. ઉભો ને ઉભો ચીરી મુકું હાં... કે ! બોલો શું કેટા છો ?"
ચંપક અને ચમેલી મિસ તારીણી દેસાઈને મળવા આવ્યા હતા. ચમેલીને વારંવાર મગન અને નાથા સાથે ફરતી જોઈને એ ખિજાતા હતા.અને એની ફરિયાદ ચમેલીએ એના તાત ચંપકને કરી હતી. ચંપક ગોટાવાળો ગોટા તળતો તળતો ગોટે ચડ્યો હતો.એના દિલમાં તારીણી ને મળવાનું તેલ ઉકળવા માંડ્યું હતું. ચંપકને લાગી રહ્યું હતું કે કોઈપણ એકલી રહેતી સ્ત્રીને મારા સાથની જરૂર હોય જ !
તારીણીના ફ્લેટની ડોરબેલ દબાવીને ચંપક આતુરતાથી બારણું ખુલવાની રાહ જોતો ઉભો હતો અને "મેરા પિયા ઘર આયા.. હો રામજી મેરા પિયા ઘર આયા..." એ ગીત ગણગણતા કમર હલાવી રહ્યો હતો. સાંજના પાંચ વાગ્યા હોઈ હજુ હમણાં જ તારીણી દેસાઈ બપોરનો આરામ કરીને ઉઠ્યા હતા.અને ચા નાસ્તો ડ્રોઈંગ રૂમમાં લાવીને બીસ્કુટને બટકું ભરીને ચાનો પ્રથમ ઘૂંટડો ભર્યો ત્યાં જ ડોરબેલ વાગ્યો.મેઇનડોરના હોલમાંથી એક આંખે આંગુતક કોણ છે એ જોઈને એમને નવાઈ લાગી હતી. ચમેલી એના પિતાને લઈને અહીં આવી શકે એ માનવામાં આવે તેવી વાત નહોતી.
તારિણીએ દરવાજો ખોલ્યો કે તરત જ ચંપકે છાંટેલા જલદ અને તીવ્ર ગંધવાળા સેન્ટની સ્મેલ એમના નાકમાં અને ચંપક આવકારની રાહ જોયા વગર ઘરમાં ઘુસી ગયો હતો. ચમેલી પણ "હેલો મેમ..સોડી ટુ ડિસ્ટર્બ યુ..'' કહીને ચંપકની પાછળ પાછળ સોફા પર જઈ બેઠી હતી.
તારિણીએ દરવાજો ખુલ્લો મૂકીને આ બન્નેને અહીં આવવાનું પ્રયોજન પૂછ્યું એટલે ચંપકલાલે નાસ્તાની ડિશમાંથી એકસાથે ત્રણ બિસ્કિટ એના ઉંદરના દર જેવા મોમાં ઠુસાવીને ઉપર મુજબ સવાલ ઉપર સવાલ કર્યા. અને તારીણી જાણે તળાયેલું ગોટું હોય એમ ખાઈ જતી નજરે જોઈ રહ્યોં.બોલતી વખતે બિસ્કિટની પેસ્ટ પ્રવાહી બનીને એના ચહેરા પર ઉડી હતી એ ડાબા હાથથી લૂછીને એ હાથ પેન્ટ સાથે લૂછયો.
તારીણીને આ અડબુથ ચંપક અને એની મૂર્ખ છોકરી ઉપર ખૂબ જ ગુસ્સો આવતો હતો.કમને એને બારણું ખોલવું પડ્યું હતું. ચંપક એની ફાંદ ઉપર હાથ અને હોઠ ઉપર જીભ ફેરવતો બેઠો હતો.એના સવાલનો શું જવાબ આપવો એ તારીણીને સૂઝતું નહોતું.
"મારે કંઈ બોલવું નથી. આ તો તમારી છોકરીના ભલા માટે મેઁ કહ્યું. તમને યોગ્ય ન લાગ્યું હોય તો હવે નહીં કહું. હવે તમે જઈ શકો છો.."તારીણીએ ગુસ્સે થઈને કહ્યું.એટલે ચંપક મુંજાયો.એને એમ હતું કે તારીણી માફી માગશે..એટલે એને માફી આપીને પોતે એની ઉપર મોટો ઉપકાર કરશે.અને એ ઉપકારના ભાવ નીચે દબાઈને એના દિલમાં પણ ભાવ જાગશે..અને એનો સ્વભાવ બદલાશે.પણ અહીં તો પેલીના હાવભાવ બદલાયા હતા ! અને એ જાવ જાવ કરવા માંડી હતી...!
ચંપકે તારિણીના દિલના દરવાજા ખુલે નહીં તો તોડવા અને એ માટે હાથ પણ જોડવા એવું નક્કી કર્યું હતું. કોઈપણ રીતે એ તારિણી છોડવા માંગતો નહોતો. ચમેલી તારિણીનો ગુસ્સો જોઈને ડરી ગઈ અને આંખમાં આંસુ ભરી ગઈ !
"ડેડી..ચાલો..આપ્પને જઈએ. મેમને સોડી બોલી ડેવ..!" ચમેલીએ ચંપકનો હાથ પકડીને કહ્યું.
એ જોઈને ચંપકનું હૈયું હાથ ન રહ્યું.વધુ એક બિસ્કિટ મોં માં મૂકીને સળગતી મીણબત્તીના પીગળેલા મીણ જેવા અવાજે એ બોલ્યો.."ટું જડા બહાડ માડી વેટ કડની..મેં જડા મેમને એક બે વાટ કહેવા માગટો છું.."
"ઓ હેલો મિસ્ટર ગોટાવાળા કે લોટાવાળા જે હોય તે..મારે તમારી એક બે વાત તો શું એક શબ્દ પણ સાંભળવો નથી..ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ..તમારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની...જાવ છો કે વોચમેનને બોલાવું ?" પોતાનો નાસ્તો પરમિશન વગર મોંમાં ઓર્યે જતા ચંપકને એક તમાચો મારી દેવાનું એને મન થતું હતું.
તારીણીના ગુસ્સાથી ચંપક કાળોમેંશ થઈ ગયો. મોઢામાં ઓગાળેલું બિસ્કિટ ખારું ધુધવા જેવું થઈ ગયું.પોતાની પુત્રીની હાજરીમાં આ વાંઢી પોતાનું આવું હળાહળ અપમાન કરશે એવું એણે ધાર્યું નહોતું.
"કોઈ વાંઢો ની મલે.. ટમે એક સજ્જન માનસનું અપમાન કડી રહ્યા છો..મેં તો આપને મડડ કડવાની ભાવના ધડાવતો છું.તમે એકલા છો તો સફડમાં સાઠ મલી જાટ પણ તમે તો અજાનટા જ તમાડા ભાગ્યને ઠોકડ માડી બેઠાં..આટલું કઠોડ વડતન ટમે કડશો એવી અપેક્ષા ની ઉટી..કોઈનું ડીલ ટોડીને ટમને કડી સુખ ની મલે.. ટમે ખીલીને કડમાઈ ગયેલું ફૂલ હોવા છટા પન મેં સુંઘવા તૈયાડ છું..પન.. ટમે.." ચંપકે ઉભા થઈને આવડી એવી ઉપમા સાથે એના દિલમાંથી વહેતાં વહેણની વાત ચમેલીની હાજરીમાં જ કહી દીધી.અને ઝેરનો ઘૂંટડો ગળતો હોય એમ બિસ્કિટ ગળી ગયો.
પોતાને ખીલીને કરમાઈ ગયેલું ફૂલ કહી રહેલા આ મોટી ફાંદવાળા ફરસાણના વેપારીની વાત સાંભળીને તારીણીની આંખોમાંથી તણખા ઝર્યા.
એ ગુસ્સે થઈને ધ્રુજવા લાગી. એને શું કહેવું એ સૂઝતું નહોતું. કેવી અને કેટલી ગાળો દેવી એનો નિર્ણય એનું મગજ કરી શકતું નહોતું.ચમેલી પણ એના બાપની વાત સાંભળીને વિચિત્ર નજરે ચંપકને તાકી રહી.એટલે ચંપકે એને બહાર જવા ઈશારો કર્યો.આજ એ પોતાની લાગણીઓ રજૂ કરીને પ્રેમની માંગણીઓ કરી જ લેવા પર તુલ્યો હતો. પણ એ ઘર ભુલ્યો હતો એની એને બિચારાને ખબર ન્હોતી. કારણ કે એ પ્રેમમાં પડવાને બદલે પ્રેમમાં ખાબક્યો હતો !!
ચમેલી ડોક નીચી નમેલી રાખીને બહાર નીકળી ગઈ. ઓંહ્યક...ઓંહ્યક...કરીને શીંઘડા ઉલાળી રહેલા પાડા ઉપર તરાપ મારવા તૈયાર થયેલી સિંહણ જેમ તારિણી ચંપકને તાકીને ઉભી હતી.એની આંખોમાં સળગી રહેલી આગની પરવા કર્યા વગર એનું દિલ હરવા એ હસ્યો...
"જુઓ..મેમ, એમ ગુસ્સો કડવાથી પડીસ્થિતિ નઠ્ઠી બડલાવાની..હું તમને એકડમ સાચ્ચો પ્રેમ કડતો છું..ટમને માડા આ જાડા શડીડ પ્રટયે અનગમો હોય તો ટમે બી એટલા યંગ ની મલો.. પડસ્પડ એટલી ખામી તો ચલવી લેવાય..ટમે હા કેવ તો મેં કાલઠી જ જિમ જોઈન્ટ કડવા..તમાડા માટે જાન બી કુડબાન છે..બાકી લવ છે તો છે..તમને પુડેપુડો
સંટોસ ન મલે તો ના કહી ડેજો.. અટાર હુદ્ધિમાં ટમને કોઈએ ની આપેલો ઓહે.. મેં ટમને માડા ડીલમાં સ્ઠાન આપી ડિઢું છે..એટલે જ આ બઢઢું કીઢું છે..હવે ટમે ના કેટા ની પ્લીઝ..."
તારિણી પારાવાર નફરતથી ચંપકને તાકી રહી.એના હાથમાં જો બંધુક હોત તો ચંપકના દિલમાં બધી જ ગોળીઓ ધરબી દેત.." શું સમજે છે આ લબાડ એના મનમાં..
મારી જેવી પ્રોફેસરને પ્રેમ કરવાની વાત કરતા આને બિલકુલ લાજ કે શરમ નથી..પાછો સંતોષ આપવાની વાત કરે છે, કોઈએ ન આપ્યો હોય એવો..!! નાલાયક..હરામી સાલ્લો...પલળી ગયેલો કોથળો..આ લબાડ ફરસણનો વેપારી..એક ભજીયા તળનારો.. મૂર્ખ અને ગોળમટોળ છોકરીનો બાપ.."તારિણીને રસિકલાલ દવેએ ચંપક માટે વાપરેલી ઉપમા યાદ આવી. મગજમાં વિચારોનું ઘમાસાણ મચ્યું હતું. ગુસ્સાથી એનું મગજ ફાટ ફાટ થતું હતું..
એને શાંત ઉભેલી જોઈને ચંપક ચમક્યો.
"તારિની માડી વાત પડ વિચાડ કડી રહી છે..એ પન માડી ઉપડ મડી રહી છે.."એમ એમ સમજીને એ તારિણીનો હાથ પકડવા આગળ વધ્યો..
ક્યારેક મૌનને મુક સંમતિ માની લેવામાં આવે છે એ વાત તારિણીને યાદ આવી. "હવે જો હું કંઈ નહીં કરું કે કંઈ નહીં કહું તો આ રાસ્કલ આગળ વધતા પણ અચકાશે નહીં.." તારિણી તરત જ રસોડામાં દોડી. ચંપકનું હૈયું ધક ધક કરવા લાગ્યું.
"જો જો કેવી શડમાઈ ગઈ..વાહ ચંપક દિકડા....
આખડે ટેં શિકાડ કડી જ નાયખો...ચાલ અટયાડે ટો એક બે કિસ કડી લેવ.. આગડનો પોગડામ પછીઠી ગોઠવહું.."એમ વિચારતો ચંપક પણ રસોડા તરફ આગળ વધ્યો.
તારિણીને પોતાની બાહોમાં લઈને એના હોઠ ચુમવા ઉતાવળા થયેલા ચંપકને એકાએક ઘુમવાનો વારો આવશે એ ખબર નહોતી.બાહો ફેલાવીને રસોડાની રાહોમાં રસ ટપકાવતા ચંપકના કપાળમાં રસોડામાંથી છુટેલી સાણસી ધડિંગ લઈને ભટકાઈ.એની પાછળ જ વાટકાઓ વછૂટ્યા. ઊંધા ત્રિકોણ જેવું ચંપકનું માથું એ વાટકા પ્રહરોથી ભમવા લાગ્યું. કપાળમાં સાણસીએ લોહી કાઢ્યું હતું.ચૂમવા ચાલેલા ચંપકના દિલમાં પ્રગટેલો પ્રેમ હવાના ઝોંકાથી દીવો ઓલવાઈ જાય એમ તરત જ ઓલવાઈ ગયો.અને "ચુંથાઈ" જવાનો ડર વ્યાપી ગયો. તારિણી માની નથી એમ ચંપક માને એ પહેલાં જ "તારી માને..."એવી ગાળે તારિણી
ના ગળામાંથી ગતિ કરી.
એ સાંભળીને ચંપકની મતિ ફરી..પોતાની ઢોળાઈને હતીનોતી થઈ ગયેલી પ્રેમની લાગણીઓની લાશ ઉઠાવીને એ બારણાં તરફ ભાગ્યો. એની આંખે અંધારા આવી રહ્યા હતા..
મગજ ચકરાવે ચડ્યું હતું..
તારિણીએ એને ભાગતો જોઈને વેલણ ધારણ કર્યું. અને ચંપકનું મારણ કરવા દોટ મૂકી.
સોફાની બેઠક વટાવીને બારણાં તરફ ગતી કરી રહેલા મહાકાય મદનીયા જેવા ચંપકની પીઠ ઉપર વેલણના વહાલનો વરસાદ વરસવા લાગ્યો. એના હાથ ઉપર, માથામાં અને પીઠ ઉપર વેલણ વરસ્યું. ચંપકના કપાળમાં અને માથામાં ઢીમચાઓએ બહુમતિવાળી સરકાર રચી.
બારણાં બહાર નીકળીને ચંપકે ગાડી ચોથા ગેરમાં નાખી. તારિણીના ફ્લેટની બહાર તરત જ દાદર હતો.દાદરના પગથીયાઓ એ ચંપકના પગને પોતાની છાતી પર જીલવાનો ઇન્કાર કર્યો હોય કે પછી ચંપકે પગોને પહોળી છલાંગ મારવાના આદેશો આપી દીધા હોય..રામ જાણે. ચંપક ગોળમટોળ બનીને દાદરમાં ગબડી પડ્યો. દાદર ઉતરવા કરતા આ રીતે તાત્કાલિક વધુ દૂર જઈ શકાશે એવો સંદેશો કદાચ એના ઊંધા શંકુ આકારના પગોએ ઊંધા ત્રિકોણાકાર માથામાં રહેલા મગજને મોકલ્યા હોય એવું બને !
"સાલલ્લા..આ...આ..આ.
રાસ્કલ...શું સમજે છે તું મને... હું તારી જેવા લબાડ સાથે..? હરામખોર.. નાલાયક..કુત્તા...સાલા
ભેંસા..." તારીણી દેસાઈ વિફરેલી વાઘણની જેમ ચંપક ઉપર તૂટી પડ્યા હતા.
"ઓ...માં..આ..મરી ગીયો.. રે..." ચંપક દાદરના રમણામાં ઢગલો થઈ ગયો હતો. ચમેલી દોડીને આવી અને દેસાઈના હાથ પકડી લીધા.
"મેમ..સોડી..સોડી મેમ.. માડા ડેડીઠી ભૂલમાં બોલાઈ ગિયું હોય ટો..
આઈ એમ એક્સ્ટીમડલી સોડી ફોડ ધેટ..પ્લીઝ હવે ની માડતા.."
ચમેલીએ આંખમાં આંસુ સાથે કરેલી વિનવણીથી તારિણી, મારિણી મટ્યા.
"ઉઠાવ તારા બાપને અહીંથી..નાલાયક છે તારો બાપ...એને પૂછજે કેમ મેં એને માર્યો છે.અને હવે પછી કોઈ દિવસ મને મળવાની કોશિશ કરી છે તો જીવતો નહીં રહેવા દઉં"
તારિણી ગુસ્સાથી ધ્રુજી રહી હતી.
ચમેલીએ બળ કરીને બાપને ઉભો કર્યો. ગડથોલીયું ખાઈને ચંપકે શર્ટ પેન્ટ બગાડી મુક્યું હોવા છતાં એ દીકરીએ એનું મોં ન બગાડ્યું.અને "ચાલો પપ્પા, જે ઠયું તે ઠયું, તમાડે એની સાઠ્ઠે બબાલ કડવાની જડુડ ન્હોટી.. એ લેડીઝ છે એટલે ટમે માડ ખાઈ લીઢો ઓહે એ મને ખબડ છે, બાકી કોઈની ટાકાટ ની મલે.." એમ કહી ચંપકને સારું લગાડયું.
સ્કુટરની પાછલી સીટ લપસણી થઈ ગઈ હતી.ચમેલી લીવર આપે એટલે ચંપક લસરીને પાછળ તરફ ખસતો હતો.પણ સ્કુટરના સ્પેર
વ્હીલને કારણે પાછલી સીટનો કબજો ચંપકે જાળવી રાખ્યો હતો. માથામાં અને કપાળમાં તાજા જન્મેલા ઢીમચાઓથી વેદનાના સણકા ઉઠી રહ્યા હોવા છતાં ચંપક મનોમન ખુશ થઈ રહ્યોં હતો.."આજ જે ડુંશ્મની છે એ આવટી કાલે ડોસ્તીમાં ફડી જહે..મને ભલે ટેં વેલન અને સાનસી ઠી માડેલો મલે પણ ટું મને ભૂલી ની શકે..હું ટને બવ જ લવ કડતો છું એ દુનિયા હો જાનસે..ટારા હાઠને સ્પરશેલું વેલન અને સાનસી મને પન સ્પરશી..
બસ ટાડા તડફથી મને જે મયલું એ મારા માટે કિંમટી જ છે..તાનીની આય લવ યુ..."
ચંપક ઘરથી થોડે દુર સ્કૂટર પરથી ઉતરીને ઝડપથી દુકાનની બાજુનો દાદર ચડીને શરીરના શુદ્ધિકરણ માટે બાથરૂમમાં ઘુસી ગયો.કમર નીચેના ભાગથી એ ઘણો નારાજ થયો હતો. યુદ્ધના મેદાનમાં એ ભાગે દગો દીધો હતો.
નાહીને નવા કપડાં પહેરીને એ નીચે આવ્યો ત્યારે ચમેલીએ દુકાનમાંથી પાણીની ડોલ અને પોતું લઈને સ્કુટરની પાછલી સીટ સાફ કરી નાખી હતી. ગોટા તળતા કારીગરને કબૂતર ચરકી ગયું હોવાનું બહાનું ચમેલીએ માંડ માંડ ગળે ઉતાર્યું હતું !
ફેમિલી ડોકટરને એક્સીડેન્ટ થયું હોવાની વાત ગળે ન ઉતરતા થોડુંઘણું અર્ધસત્ય જણાવીને સારવાર લઈને બાપ દીકરી ઘેર આવ્યા ત્યારે હન્સા "હાય હાય...કેમ કડતા આવું ઠયું..?" એમ ગભરાઈને પૂછતી રહી અને આંખોમાંથી આંસુ લૂછતી રહી..!
* * * * * * * * * * *
પાનની દુકાને મગને ત્રણ મસાલા પાનનો ઓર્ડર આપીને રમેશને કહ્યું, "હવે બયરા ઘોડ્યે રોવાનું બંધ કર..અને રાઘવને પૂછ કે એને કળા કરી છે કે નહીં. મકાન માલિકના ઘરના શાંતાબેને એને મારી શૂટકેસ માંથી પૈસા કાઢીને ખિસ્સામાં મુક્તા જોયો હતો.અને રાધવો તને મળવા આ અગાઉ પણ આવ્યો હતો એટલે એ રાઘવાને ઓળખે છે..તને એ જે રીતે તાગડધિન્ના કરાવે છે એ જોઈને મને તું આ વાત જાણતો હઈશ એવી શંકા ગઈ હતી.એ બદલ રમેશ, આઈ એમ સોરી..પણ હું રાઘવને નહીં છોડું.ભલે એ માલ મારો ન્હોતો.. કદાચ હું એ માલ નરશી માધાને પાછો પણ આપી દેત..રાઘવાએ આવી રીતે દોસ્તની બેગમાંથી ચોરી કરવી જોઈએ નહીં.."
મગનની વાત સાંભળીને રમેશ ચોંકી ઉઠ્યો.
"જો એમ હોય તો ચાલ અત્યારે જ આપણે એને ફોન કરીએ. એની બાજુના ફ્લેટમાં ફોન છે એનો નંબર મને રાઘવાએ આપ્યો છે.." કહીને રમેશ STD તરફ ચાલ્યો.
નાથો અને મગન પણ રમેશની સાથે દોરવાયા. રચના શોપિંગમાં જ એક STD બુથ હતું,રાઘવનો નંબર વેઇટિંગમાં લખાવીને ત્રણેય બેઠા.
"રાધવો પહેલેથી ચોરી તો કરતો જ હશે.નરશી માધાનો ઘણો માલ એણે સગેવગે કર્યો હશે.પેલા રામાં ભરવાડે એને પકડ્યો હતો.આજ એણે આપેલા હીરાના પેકેટમાં પચ્ચીસ હજારનો નફો થયો..." નાથાએ આજે બજારમાં બનેલી વાત કરી.
મગનને ખબર હતી કે નાથો હવે હીરા બજારમાં દલાલી અને હીરા લે વેચ શીખવાનો હતો.એટલે જ એણે કારખાનામાં બેસીને કામ શીખવાનું નક્કી કર્યું હતું. ભવિષ્યમાં પોતે કારખાનું સંભાળશે અને નાથો પરચેજ અને સેલિંગ સંભાળશે,એવું બન્નેએ નક્કી કર્યું હતું.
"ચાલો, તમારો વારો આવી ગયો છે.."STD વાળાએ રમેશને બોલાવ્યો એટલે STD બુથમાં ત્રણેય ઘૂસ્યા. રમેશે નંબર ડાયલ કર્યો.
સામે છેડેથી ફોન ઉચકાયો એટલે બાજુમાંથી રાઘવને બોલાવી આપવાનું કહીને રમેશે મગન સામે જોયું.
થોડીવારે રાઘવ લાઈન પર આવ્યો એટલે એના ખબર અંતર પૂછીને રમેશે ગંભીર થઈને પૂછ્યું, "રાઘવ તને એક વાત પૂછવાની છે..તું સાચો જવાબ આપીશ તો આપણી દોસ્તી જળવાઈ રહેશે..નહિતર...
"રમેશ, તારે કંઈ પૂછવાની જરૂર નથી..હું કાલે સુરત આવું છું.તારે જે પૂછવાનું છે એની મને ખબર છે..ફોનમાં જવાબ આપવો શક્ય નથી..કાલે આપણે મળીએ છીએ.." કહીને રાઘવે ફોન મુકી દીધો.
રમેશે, રાઘવ કાલે રૂબરૂ આવવાનો હોવાની જાણ મગન અને નાથાને જણાવી. મગનને એ ગમ્યું.
ત્રણેય રૂમ પર આવીને રાઘવની વાતો કરતા કરતા સુઈ ગયા.
બીજે દિવસે રાઘવ આવી ગયો.એની સાથે એક મોટું પોર્ટફોલિયુ હતું એ બાજુમાં મૂકીને એ બોલ્યો.
"મને ખબર છે રમેશ..ગમે ત્યારે તમે લોકો, મને આ પૂછવાનો જ હતો. તું પૂછ એ પહેલા જ મારે તમને લોકોને જણાવી દેવાની જરૂર હતી. તમે મુંબઈ આવ્યા ત્યારે જ મને કહેવાની ઈચ્છા હતી.પણ મારી હિંમત ચાલતી નહોતી.. દોસ્ત, રામાં ભરવાડના તબેલામાંથી નાથા અને મગને જ મને છોડાવ્યો છે એ હું જાણું છું..હું એક દિવસ સાંજે તારી રૂમ પર આવ્યો'તો.. એક પેકેટ તારી જાણ બહાર મેં તારા થેલામાં નજરે ન ચડે એમ છુપાવ્યું હતું. એ લેવા માટે ફરીવાર હું આવ્યો ત્યારે તમારી રૂમમાં કોઈ જ નહોતું. મને તારા ઠેલામાંથી તો કશું જ મળ્યું નો'તું પણ માળીયામાં પડેલી જૂની શૂટકેશમાંથી મને જબરજસ્ત માલ હાથ લાગ્યો હતો, અને દસ
હજાર રોકડા..રમેશ તમને લોકોને સાચું લાગશે કે નહીં એની મને ખબર નથી પણ એ માલ અને રૂપિયામાંથી હું ખૂબ મોટો ધંધો કરી શક્યો છું અને એ ધંધામાં મેં ત્રણ જણને ભાગીદાર બનાવ્યા છે એ ત્રણ જણા એટલે તું, નાથો અને મગન..રમેશ એ માલ નરશી માધાએ મારી પાસેથી જ તફડાવી લીધો હતો..એનો માલ મેં લઈ લીધો હતો એના પણ કારણો હતા..મગનની એ શૂટકેશમાંથી નીકળેલો માલ પંદર લાખથી વધુ રૂપિયાની કિંમતનો હતો. જો મેં એ ન લીધો હોત તો તમે લોકો પ્રમાણિકતાનું પૂંછડું બનીને નરશી માધાને કદાચ પાછો પણ આપી આવેત..
મગન, મેઁ ચોરી અવશ્ય કરી છે પણ મારી દાનત ખોરી નથી કરી..નરશી માધા કોઈ સતવાદી હરિશ્ચંદ્રની ઓલાદ નથી..ચોરના ઘેર ચોરી કરવામાં કોઈ પાપ નથી..એટલે મેં એનો અને એની જેવા ઘણા ચિટરો સાથે ચિટિંગ કર્યું હતું. પંદર લાખના માલમાંથી પચ્ચીસ લાખ બનાવ્યા છે એમાં મેં મારો ખર્ચો કે પગાર ગણ્યા નથી. દોસ્ત એ પચ્ચીસ લાખમાં આપણે ચાર સરખા ભાગીદારો છીએ..છ લાખ પચ્ચીસ હજાર પ્રમાણે તમારા ત્રણેયના અઢાર લાખ પંચોતેર હજાર હું લઈને આવ્યો છું..લ્યો ગણી લો.." કહીને રાઘવે પેલું પોર્ટફોલિયુ ખોલીને નોટોના બંડલો બહાર કાઢ્યા. પાંચસો અને અને હજારની નોટોના એ બંડલો જોઈને ત્રણેયની આંખો પહોળી થઇ ગઇ..નાથાએ ઉભા થઈને રૂમનું બારણું બંધ કરી દીધું. એ જોઈને રાઘવે આગળ ચલાવ્યું.
"જો તમે ધંધો શીખીને વધુ રૂપિયા કમાવા માગતા હોય તો આવી જાવ મારી સાથે..હું તમને બધી જ કળા શીખવાડી દઈશ. આજે હું જે કંઈ પણ છું એ, મગન તારા કારણે છું..
નાથા...તેં રામા અને નરશીને પોલીસથી જે રીતે બીવડાવ્યા હતા એની મને ખબર પડી હતી..મેં ચોરી કરી છે..તમારો ગુનેગાર છું..હજુ પણ તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે મને સજા કરી શકો છો.."
રાઘવની વાત સાંભળીને અને એણે કરેલા રૂપિયાના ઢગલાને જોઈને ત્રણેયના મોં સિવાઈ ગયા..અને એક બીજાના મોં સામે તાકી રહ્યાં.
"આ રૂપિયા ઉપર મારો બિલકુલ હક નથી. રમેશે મને આ રૂમમાં આશરો આપ્યો છે.મેં કોઈપણ જાતની મહેનત કરી નથી.અને મફતનું અને વગર મહેનતનું હું લેવા માગતો નથી..એટલે મારો ભાગ હું જતો કરું છું.જે માલ મગનના હાથમાં આવી ગ્યો'તો અને રમેશની રૂમમાં એ સંતાડયો હતો..
એટલે એમાં રમેશ અને મગન ધારે તો હિસ્સો લઈ શકે..અને મહેનત રાઘવે કરી છે એટલે રાઘવને એની મહેનતનો એક ભાગ મળવો જોઈએ..એટલે મારા ભાગમાં જે વગર મફતના પોણા સાત લાખ રૂપિયા રાઘવ દેવા માંગે છે એ ખરેખર રાઘવને જ એની મહેનતના મળવા જોઈએ..એણે ચોરી જરૂર કરી છે પણ એનો ઈરાદો પચાવી પાડવાનો ન્હોતો..
પણ આપણને દોસ્તો સમજીને એણે આપણો ભાગ રાખ્યો..વાહ રાઘવ વાહ..તારી જેવો દોસ્ત તો દીવો લઈને શોધવા જાવ તોય ન મળે.." કહીને નાથો રાઘવને બેઠા બેઠા જ ભેટી પડ્યો..
પોણા સાત લાખ જેવી માતબર રકમ પોતાને સાવ મફતમાં મળી જતી હોય તો કોણ ના કહે ? પણ નાથો કોઈ અલગ જ માટીમાંથી બન્યો હતો...
રમેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.એણે મગન સામે જોયું.મગનની આંખોમાં રાઘવ આવ્યો ત્યારે જે નફરત એણે જોઈ હતી એને સ્થાને પારાવાર પ્રેમ ઉભરાઈ રહ્યો હતો. નાથાનો ત્યાગ જોઈને મગનની આંખો પણ ભીની થઇ ગઇ હતી..
"આ માલમાં નાથાની જેમ મારો પણ કોઈ હક નથી..કારણ કે આ માલ મગનના હાથમાં જ આવ્યો હતો.અને મગને જ એ સાચવ્યો હતો..એ માલ ચોરાયો પછી મગનને જે વસવસો અને અપાર વેદના થઈ હતી એનો હું સાક્ષી છું. કંઈ કેટલીવાર એના ઉના ઉના નિહાંકા મેં સાંભળ્યા છે..બિચારાને દિવસો સુધી ઊંઘ આવી નહોતી..હાથમાં આવેલો કોળિયો છીંનવાઈ જતા ભૂખ્યો માણસ રડે એમ એનું દિલ રાત દિવસ રડયું છે..ચોરને એણે ખૂબ કોસ્યો છે..હજારો ગાળો પણ દીધી છે એટલે એ માલ અને એમાં થયેલા વધારામાં માત્ર બે જ ભાગીદાર હોવા જોઈએ અને એ બે ભાગીદારો એટલે રાઘવ અને મગન..
નાથાની જેમ હું પણ કોઈજાતનો હક ધરાવતો નથી..મેં આ રૂમમાં મગન અને નાથાને રહેવા દઈને માત્ર મિત્ર તરીકેની ફરજ બજાવી છે..એ માટે મિત્રોની દોલત ઉપર મારો કોઈ હક બની ન શકે.. એટલે મારા ભાગના કહેવાતા એ પોણા સાત લાખ રૂપિયા હું લઈશ નહીં." કહીને એ પણ રાઘવને વળગીને રડવા જેવો થઈ ગયો..અને રાઘવને ગાલ ઉપર એક હળવો તમાચો મારીને હસીને કહ્યું, "હાળા ચોરટા.."
નાથા અને રમેશનો ત્યાગ જોઈને મગનના ગળે ડૂમો બાજી ગયો.આવી ત્યાગની ભાવના વાળા મિત્રો મળવા બદલ ભગવાનનો આભાર મનોમન માની રહ્યો.અને ગઈકાલે રાઘવ વિશે અને રમેશ વિશે જે શંકાઓ કરીને રમેશને રડાવ્યો હતો એ બદલ એને અફસોસ થવા લાગ્યો.રાઘવ,નાથો અને રમેશ એની સામે જોઈને બેઠા હતાં..
મગનની આંખોમાંથી અશ્રુઓની ધાર વહેવા લાગી.એ જોઈને રાઘવે. ઉભો થઈને એની પાસે આવીને એના ખભા પર હાથ મુક્યો. મગન રાઘવને ભેટી પડ્યો.નાથાએ ઉભા થઈને મગને એક તમાચો માર્યો..
"લઈ લે હવે આ ઢગલો.. મારો માલ..મારો માલ..... કરીને રાત દી લોઈ પી ગ્યો'તો.."
પૈસાનો ઢગલો એકબાજુ પડ્યો રહ્યો.અને ચારેય મિત્રો એકબીજાને વળગી પડ્યા..
(ક્રમશ :)