Sapnu (Part-2) books and stories free download online pdf in Gujarati

સપનું (ભાગ-૨)

સપનું (ભાગ-૨)
રોજ સાંજનો એજ સિલસિલો ચાલુ જ રહ્યો. શિખાએ તૃપ્તિને સમજાવવાનો ફરી એક વખત વ્યર્થ પ્રયત્ન કરી જોયો.
શિખા : ''તૃપ્તિ, તું જે કરે એ સમજી વિચારીને કરજે. હું તો તને હજુ પણ ના જ પાડુ છું કે આમાં આગળ ના વધતી.''
તૃપ્તિ : ''શિખા, મેં બહુ જ વિચાર્યું છે, જાણું છું કે આ નિર્ણય કદાચ ખોટો હોઈ શકે છે. પણ હવે પીછેહઠ કરી શકું એમ નથી.''
શિખા : ''ઓકે, જો હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું. તું જેમાં ખુશ હોઇશ એમાં હું તને સાથ આપીશ. મને તને સમજાવવા જેવું લાગ્યું એટલું સમજાવી દીધું. હવે તું કે એમ, બસ ?'' ( બંને ફ્રેન્ડ એકબીજાને ખુશીથી વળગી પડી.)
શિખા : ''બોલ, હવે તું ચેતન સાથે કેટલું આગળ વધી છે ?''
તૃપ્તિ : ''અમે હજુ આગળ વધ્યા નથી. ચેતન બહુ શરમાળ છોકરો છે અને નવમું ભણેલો છે. ઘરની પરિસ્થિતિના લીધે એ ભણવાનું છોડીને કામે લાગી ગયો હતો. એ એના પપ્પા મમ્મી સાથે અહીં નજીકમાં જ ક્યાંક રહે છે. પપ્પા કાંઈ કામ કરતા નથી. બહુ જ દારૂ પીવે છે. અને મમ્મી બીજાના ઘરના કામ કરવા જાય છે. ચેતન અને એના મમ્મી જે કાંઈ કમાય એ એના પપ્પા ઝગડો કરીને લઇ જાય છે. ચેતન એની લાઈફમાં બહુ જ દુઃખી છે.''
શિખા : (ચિંતાથી) ''યાર, તને લાગે છે કે તું એની સાથે ખુશ રહી શકીશ ? તારી લાઈફ જો અને એની લાઈફ જો. તારા ફેમિલીનું તો વિચાર...! ઘરે ખબર પડશે તો શું થશે ? એ લોકો ક્યારેય તારો આ નિર્ણય સ્વીકારશે નહીં.''
તૃપ્તિ : ''શિખા, હવે તારે તો મને સાથ જ આપવાનો છે, તું મારુ મોરલ ડાઉન ના કર.''
શિખા : ''એ પણ તને તારા જેટલો જ સાચો પ્રેમ તને કરે છે કે નહીં એ કેમ ખબર પડે ?''
તૃપ્તિ : ''મેં એની આગળ મારા પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. એણે પણ મને સમજાવીને આ સંબંધમાં આગળ વધવાની ના પાડી હતી. એની આંખોમાં મારા પ્રત્યેનો પ્રેમ મેં જોયેલો છે. પણ એની પરિસ્થિતિના લીધે એ આગળ વધી શકતો નથી.''
શિખા : ''તો હવે ? તારા પપ્પા-મમ્મીનું તે વિચારી લીધું ?''
તૃપ્તિ : ''હા, મને તો લાગે છે કે મને જે ગમશે એમાં એમનો વિરોધ નહીં જ હોય. અને જો ના પાડશે તો હું ભાગીને પણ ચેતન જોડે લગ્ન કરી લઈશ.''
શિખા : (આંખ મિચકારતી) ''ઓહ..!! તો પાગલપન આટલી હદે વધી ગયું છે એમ ને ??''
બંને જણા મસ્તીમાં એકબીજાને ઓશિકાથી મારી રહ્યા.
એક સાંજે તૃપ્તિએ ચેતન સાથે શિખાની ઓળખાણ કરાવી.
તૃપ્તિ : ''શિખા, અહીં આવ, આ... ચેતન... ચેતન, આ...શિખા મારી બેસ્ટ ફ્રેન્ડ..''
ચેતન શરમાઈને ફક્ત નાનકડું એક સ્મિત આપી શક્યો.
હવે તો રોજ સાંજે ચેતન, તૃપ્તિ અને શિખા થોડીવાર સાથે બેસતાં. ચેતનને સવારી મળતાં એક આંટો મારી આવીને ફરી પાછો એમની સાથે બેસી જતો. ચેતન પણ તૃપ્તિને દિલથી પ્રેમ કરે છે, એ શિખાએ અનુભવ્યું. તૃપ્તિએ ઘણીવાર કહેવા છતાં ચેતન ક્યારેય એની પાસેથી આર્થિક મદદ સ્વીકારતો નહીં. અને હંમેશા હકીકત સમજાવવાનો પ્રયત્ન કરતો રહેતો.
એ શિખાને પણ તૃપ્તિને સમજાવવા કહેતો, ''શિખા, હું તૃપ્તિને પ્રેમ કરું છું, પણ એને દુઃખી જોઈ નહીં શકું. મારી એવી પરિસ્થિતિ નથી કે ભવિષ્યમાં હું એને ખુશ રાખી શકું. એ ભલે ક્યાંય પણ હોય એ ખુશ રહેશે તો મને ખુશી થશે.''
શિખાએ પણ પોતે આ બધું સમજાવી ચુકી હોવાનું જણાવી બંનેએ એ વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું.
ડિસેમ્બરના નાતાલના પાંચ દિવસની રજા લઇ તૃપ્તિએ ઘરે જઇ પોતાની મમ્મીને આ વિશે વાત કરવાનું વિચાર્યું. અને મમ્મી પોતાને સપોર્ટ કરશે જ એવાં સપના જોઈ ખુશી ખુશી પેકીંગ કરી ઘેર જવા ઉપડી.
ઘરે ગયાના બીજા દિવસે સવારે પપ્પા કોઈ કામથી બહાર ગયા હતા. બંને ભાઈઓ ઓફીસ જવા નીકળી ગયા.
મમ્મીને રૂમમાં લઇ જઇ પલંગ ઉપર બેસાડી, ''મમ્મી, મારે તને કંઈક કહેવાનું છે''
મમ્મી : ''બોલને બેટા, શુ જોઈએ છે તારે ?''
તૃપ્તિ : (શરમાઈને) ''મને કંઈ જોઈતું નથી. મને એક છોકરો ગમે છે.''
મમ્મી : (તૃપ્તિના હાથમાંથી પોતાનો હાથ છોડાવતા) ''કોણ ?''
તૃપ્તિ : (પહેલીવાર લાગ્યું કે મમ્મી સાથ નહીં આપે પણ કીધા વગર પણ હવે ચાલશે નહીં ) ''હું P G માં રહું છું ત્યાં નજીકમાં જ રહે છે.''( ચેતનની હકીકત હવે કઈ રીતે કહેવી, એની મૂંઝવણ થવા લાગી હતી )
મમ્મી : ''તારી સાથે જ ભણે છે ? એના મમ્મી-પપ્પા શુ કરે છે ?''
તૃપ્તિ : ''ના...'' (આગળ હવે બોલવા અસમર્થ હતી)
મમ્મી : ''તો તું મળી કઈ રીતે એને ? કેટલો ટાઈમ થયો ? જે હોય તે સાચે સાચું કહી દે. તને કેટલા વિશ્વાસથી ત્યાં આગળ અભ્યાસ કરવા મોકલી હતી ? અને તે .....?''
તૃપ્તિની આંખમાં પાણી આવી ગયા પણ એની આંખના આંસુ હવે મમ્મીની આંખમાંથી દડી પડ્યા...એણે મનોમન નક્કી કરી લીધું કે હવે જે થાય એ, પણ સાચેસાચુ બધું જ કહી દેવું...
ચેતન વિશેની બધીજ માહિતી તૃપ્તિએ રોતાં-રોતાં મમ્મીને કહી સંભળાવી. મમ્મીને આંખે અંધારા આવવા લાગ્યા.
તૃપ્તિ : ''મમ્મી...મમ્મી...તું કંઈક તો બોલ...પ્લીઝ મમ્મી...મને સાથ આપીશ ને? બોલ ને...'' (આજીજી કરતી તૃપ્તિ મમ્મીને વળગી રહી)
મમ્મીએ હળવેકથી એને અળગી કરતા કહ્યું, ''પપ્પાને ફોન કરીને ઘરે બોલાવ ''
હવે તૃપ્તિના પેટમાં ફાળ પડી. મમ્મીએ જીદ પકડી રાખી અને બીજા કોઈ જવાબ આપ્યા વગર શૂન્યમનસ્ક બેસી રહી. તૃપ્તિએ પપ્પાને ફોન કરીને ઘરે બોલાવવાની હિંમત કરી નહીં. બપોરે પપ્પા આવ્યા...ઘરનું વાતાવરણ જોઈ અનુમાન લગાવી જ લીધું કે કંઈક અજુગતું બન્યું છે, '' તૃપ્તિ, શુ થયું બેટા ? બધું ઠીક તો છે ને ??''(એમણે તૃપ્તિ અને એના મમ્મી બંને સામે વારાફરતી જોયા કર્યું ) તૃપ્તિના મમ્મી પાસે આવીને થોડો મગજ પરનો કાબૂ ગુમાવતા, ''શુ થયું બીના, કહીશ કે આમજ બેઠા રહેશો ?''
બીના(તૃપ્તિના મમ્મી)એ શબ્દો ગોઠવતાં ગોઠવતાં વાતની શરૂઆત કરી. તૃપ્તિ ખૂણામાં ઉભી ઉભી પપ્પાના રિએક્શન જોઈ રહી. વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તો પપ્પા ગુસ્સાથી લાલ થઈ ગયા હતા છતાં કંટ્રોલ કરી તૃપ્તિને પૂછ્યું, ''હવે આગળ શું વિચાર્યું છે તમે ?''
તૃપ્તિ : (ગભરાતા અને રડતાં-રડતાં) "મારે....ચેતન સાથે.... લગન....."
હજુ વાક્ય પૂરું કરે ત્યાં સુધીમાં તો પપ્પાએ આવીને એવો જોરદાર લાફો મારી દીધો કે તૃપ્તિ રૂમમાં પડી જ ગઈ. મમ્મી તો કાંઈ બોલી શકે એ સ્થિતિમાં જ નહોતા. પપ્પાએ પણ હવે જુવાન છોકરીને મારવાનું માંડી વાળી રૂમની બહાર નીકળી ગયા. રાતે બંને ભાઈઓ ઓફિસેથી આવ્યા. પપ્પાએ બધી વાત કરી. ભાઈઓએ તૃપ્તિને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તૃપ્તિએ સામે કોઈ જવાબ આપ્યો નહીં. ઘરમાં હવે તૃપ્તિને અમદાવાદ નહીં જવા દેવાનું અને બીજે ક્યાંક એના લગ્ન ગોઠવી દેવાનું નક્કી કર્યું. ચેતન પાસે મોબાઈલ હતો નહીં એટલે એને આ વિશે કોઈ જાણ ના હતી. અને આખો દિવસ મમ્મીનો પહેરો હવે વધી ગયો હતો. જ્યાં પણ જતા ત્યાં તૃપ્તિને સાથે જ લઇ જતા. એને ઘરે પણ એકલી પડવા દેતા નહીં.
રજાઓ પુરી થઈ ગઈ હોવા છતાં પરત ના આવતાં શિખાએ તૃપ્તિને ફોન કર્યો. મમ્મી નાહવા ગયા હોવાથી તૃપ્તિને વાત કરવાનો સારો એવો મોકો મળી ગયો. શિખાને બધી વાત ટૂંકમાં કહી સંભળાવી અને ચેતનને આ બાબતે જાણ કરવા કહ્યું. સાંજે શિખાએ ચેતનને મળીને વાતની ચર્ચા કરી.
ચેતને તો આમ જ થવાનું છે એમ પહેલા જ વિચારી લીધું હતું. એણે શિખાને કહ્યું, ''મને આ વાતનું જરાય દુઃખ નથી..દુઃખ ફક્ત એટલું જ છે કે મારા લીધે તૃપ્તિનો અભ્યાસ અટકી ગયો અને એના મમ્મી-પપ્પાનો એના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. એની સાથે વાત થાય ત્યારે કહેજે કે મને યાદ કરીને જરાય દુઃખી ના થાય. એના મમ્મી-પપ્પા ક્યારેય એની સાથે ખોટું થવા દેશે નહીં એટલે સારી વ્યક્તિ સાથે ખુશ રહે.''
શિખાએ ફરી તૃપ્તિ સાથે જ્યારે વાત થઇ ત્યારે ચેતનનું કહેલું એને કહી સંભળાવ્યું. તૃપ્તિએ કંઈજ જવાબ આપ્યો નહીં.
દિવસો વીતતાં ગયા એમ તૃપ્તિ મનોમન વધારેને વધારે મૂંઝાઇ રહી હતી.
એક દિવસ રાતે એણે એક નિર્ણય લીધો. સવારે શિખાને ફોન કરી બધું જણાવ્યું. તૃપ્તિ હવે જીદે ચડી હતી. શિખાની આનાકાનીને અવગણીને તૃપ્તિએ એની જીદ પુરી કરી. બપોર સુધીમાં તો એ મમ્મીની નજર ચૂકવીને થોડા રૂપિયા અને કપડાં લઇ અમદાવાદ આવી ગઈ.
શિખાએ ચેતનને બોલાવી લીધો. ચેતને તૃપ્તિની પાછી વળવા માટે ઘણું સમજાવી. પરંતુ તૃપ્તિની જીદ આગળ બધું નકામું હતું. શિખાએ થોડા રૂપિયાની મદદ કરી અને બંનેને રિક્ષામાં પાલડી સુધી મૂકી આવી. ચેતન તૃપ્તિને એના મામાને ત્યાં જોધપુર લઇ ગયો. રસ્તામાં પણ ચેતને તૃપ્તિની ઘણી સમજાવી પરંતુ હવે એ કોઈ વાત માને એમજ નહોતી.
જોધપુર જઈને ત્યાં રહેતા ચેતનના મામાએ પહેલા હકીકત સાંભળી. એ પછી તૃપ્તિની આ પગલાં લેવા પછી ઉભી થઇ શકતી મુશ્કેલીઓ પણ જણાવી.પરંતુ તૃપ્તિ મક્કમ જ રહી હોવાથી એમણે પહેલા કોર્ટ-મેરેજ કરાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા. મામા-મામીને સંતાન ન હોવાથી બંને એકલા જ રહેતા હતાં. પરંતુ તૃપ્તિએ ચેતન વિશે લગભગ બધું જ ઘરે કહી દીધું હોવાથી, જો તૃપ્તિના પપ્પા એની શોધખોળ કરાવે તો પોતે પકડાઈ જાય અને આ બંને જણા મુશ્કેલીમાં મુકાઈ જાય. એ વિચાર કરી મામાએ બંનેના લગ્ન કરાવી, એમના એક મિત્રને ત્યાં મહેસાણા મોકલી આપવાનું નક્કી કર્યું.
ઓળખાણના લીધે કોર્ટની લગ્નવિધિ ઉતાવળે પુરી થઈ ગઈ હવે એક મહિનો બંનેએ તૃપ્તિના પપ્પા-મમ્મી સામે આવવાનું ના હતું. મામાએ બંનેને મહેસાણા જવા માટેની સગવડ કરી આપી. મામીએ પણ થોડા રૂપિયા અને કપડાં આપી બંનેને ખુશીથી વિદાય કર્યા.
મહેસાણા પહોંચતા મામાના મિત્ર કિરીટભાઈને મળવામાં કોઈ મુશ્કેલી નડી નહીં. એમણે ઓળખાણથી એક ભાડે રૂમ રખાવી બંનેની રહેવાની વ્યવસ્થા કરાવી દીધી. જમવા માટે નજીકમાં જ પોતાના ઘેરથી બે ટાઈમ ટિફિન લઇ જવા પણ જણાવ્યું.
ચેતન અને તૃપ્તિના જીવનની એક નવી જ શરૂઆત હતી. તૃપ્તિને એનો સફેદ ઘોડાવાળો રાજકુમાર મળી ગયો હતો. ચેતનને પણ સ્વપ્નમાં પણ ના વિચારી શકે એટલો પ્રેમ કરવાવાળી જીવનસાથી મળી ગઈ હોવાથી ખૂબ ખુશ હતો.
વધુ આવતા અંકે...