Chalo, aapne chinta kariae books and stories free download online pdf in Gujarati

ચલો, આપણે ચિંતા કરીએ, મોદીસાહેબ બિચાકડા એકલા કેટલુંક કરે?

ચલો, આપણે ચિંતા કરીએ, મોદીસાહેબ બિચાકડા એકલા કેટલુંક કરે?

કેટલાક લોકોને સતત ભયંકર વિચારો જ આવે રાખતા હોય. રોપ વેમાં બેઠા હોય તો એમને વિચાર આવે કે અબઘડી જ આ રોપ વેનો તાર તૂટી જશે તો શું થશે? હિમાચલ પ્રદેશમાં પહાડોની કરાડો પરના સર્પાકાર રસ્તાઓ પરથી પસાર થતા હોય તો વિચાર આવે કે ડ્રાઈવરને ઝોકું આવી જશે તો શું થશે? અગિયાર માળની બિલ્ડિંગમાં ટોપ ફ્લોર પર હોય અને વિચાર આવે કે સાલો અત્યારે ભૂકંપ આવી જાય તો શું થશે? ચણી બોર ખાવા જતા હોય અને વિચાર આવે અંદરથી ઈયળ નીકળશે તો શું થશે? ઈવન ટોઈલેટ સીટ પર બેઠા હોય અને હિટરની સ્વિચ ચાલુ હોય તો વિચાર આવે કે હિટરના નળનું ગરમ લ્હાય જેવું પાણી ટોઈલેટના પ્રેશરમાં આવવા લાગશે તો શું થશે? આવા લોકોની સાથે આપણે થોડી વાર બેસીએ તો આપણને થવા લાગે કે સાલું આની સાથે વધારે વાર બેસીશ તો મારું પોતાનું શું થશે?

આવો જ બીજો એક સવાલ છે કે શું લાગે છે? એકચ્યુલી, આપણે ત્યાં થતી મોટાભાગની ચર્ચાઓમાં ફેવરિટ ટાઈમપાસ જ એ હોય છે કે શું લાગે છે? ઘણા લોકોને વોટ્સએપના નોટિફિકેશનની જેમ આ 'શું લાગે છે?' પ્રકારના સવાલો થયે રાખતા હોય છે. જેમ કે આ કંગના અને રિતિકનું શું લાગે છે? આ વખતે શું લાગે છે, ભાજપ આઈ જશે? જો આવા જ સવાલ પ્રોપર અમદાવાદમાં પુછાય તો કંઈક એવા હોય કે બોસ, શું લાગે છે ભાજપનું? આ વખતે થોડું અઘરું લાગે છે નૈ? શું લાગે છે બોસ, આજની મેચનું? જેવી ચૂંટણી કે મેચ પતે કે તરત 'સંસારમાં પરિવર્તન સિવાય કશું કાયમી નથી' -ના ન્યાયે પેલા સવાલોમાંથી બોસ શબ્દ સિવાયનું બધું પરિવર્તિત થઈ જાય. તેઓ અગાઉ પોતે જ ગામ આખાને પૂછેલા સવાલનો જવાબ એટલા કન્વિક્શનથી આપે કે સાંભળનારાઓ છક થઈ જાય. તેઓ કહે કે, 'હું તો પેલ્લેથી જ કહેતો હતો કે મોદી છે ત્યાં સુધી કોંગ્રેસના દાળિયાય ના આવે. અઘરું તો ગઈ વખતે પણ ક્યાં નહોતું? મને તો ખબર જ હતી કે ગમે તેવું વાતાવરણ હોય, પણ મોદી છેલ્લી ઘડીએ કંઈક એવું ગતકડું કરશે કે આખું વાતાવરણ જ ભાજપની તરફેણમાં પલટાઈ જશે.' મેચવાળા સવાલના જવાબમાં કહેશે કે, 'આપણને તો ખબર જ હતી બોસ કે ભારત હારી જવાનું. ફોરેનની પીચો પર આપણા બેટ્સમેનોનું કામ જ નહીં. એ નબળાઓ ભારતમાં જ ચાલે! લા ભઈ, જો તને ખબર જ હતી તો અત્યાર સુધી અમારા મગજની મેથી કેમ મારતો હતો?

અમારા એક મિત્રને કાયમ એક જ સવાલ સતાવતો રહેતો કે, 'બોયેંગે ક્યા ઓર ખાયેંગે ક્યા?' એનો વિચારવાયુ અતિશય ઊંચે ચડી ગયેલો. એને સતત એ વાતની ચિંતા થયે રાખતી કે જમીનો જે રીતે સતત બિનખેતી થઈ રહી છે એ જોતાં ટૂંક સમયમાં એવો સમય આવી જશે કે ખેતી કરવા માટે જમીન જ નહીં બચે. જો જમીન જ નહીં બચે તો ખેતી ક્યાં કરીશું અને જો ખેતી જ નહીં થાય તો ખાઈશું શું? બોયેંગે ક્યા ઓર ખાયેંગે ક્યા? તમે નહીં માનો, પણ આવું બધું સાંભળ્યા પછી મને પણ સતત બે દિવસ સુધી એવું થયા કરતું હતું કે, 'બોયેંગે ક્યા ઓર ખાયેંગે ક્યા?'

આ જ રીતે બાળપણમાં અમને સતત ક્રૂર સવાલો થતા રહેતા. વિરમગામમાં કાકાના ગેરેજમાં જ્યારે પહેલીવાર ખબર પડી કે થીનર કેટલું જ્વલનશીલ પ્રવાહી છે ત્યારે અમે કુતૂહલવશ એ જાણવા માગતા હતા કે થીનરનું આખું ટેન્કર સળગાવ્યું હોય તો કેવડી મોટી આગ લાગે? ગેસ વેલ્ડિંગની ગન જોઈને અમને સવાલ થતો કે આ ગરમાગરમ ગન કોઈને અડાળી દીધી હોય તો એને કેવું ચાંભુ પડી જાય? એક વાર પ્લગ સાફ કરવાનું મશીન જોઈને અમે ભોળાભાવે પૂછેલું કે, 'આ પ્લગ અંદર નાંખવાના કાણામાં કોઈની આંગળી ખોસી દીધી હોય તો કેવી મજા આવે?' આ વાતની કાકાને ખબર પડતાં એમણે એ જ કાણામાં અમારું ભોડું જ ઘુસાડી દેવાની ધમકી આપેલી. જેના કારણે અમે અમારી અંદરના કુતૂહલો ડામી દીધા. આઈ મિન, બાળસહજ કુતૂહલો સારી ચીજ છે, પણ ભોડાના ભોગે તો નહીં જ. હોવ...હમ્બો...હમ્બો...!

એની વે, પણ ઘણી વાર કંઈ જ કામધંધો ન હોય ત્યારે વિચારે ચડી જવાનો કે ચિંતા કરવાનો ધંધો કરવાથી મસ્ત ટાઈમપાસ થાય છે. થોડી ચિંતા આપણે પણ કરવી જોઈએ. મોદીસાહેબ એકલા તો બિચાકડા કેટલુંક કરે? દેશ માટે આપણી પણ કંઈ ફરજ ખરી કે નહીં? આપણે અમથે અમથા ચિતા, સોરી ચિંતાએ ચડી જવાનું કે હે ભગવાન, હે ભોળાનાથ, હે કાળિયા ઠાકર, હે હજાર હાથવાળા, શું થશે આ દેશનું? નરેન્દ્ર મોદીનું શું થશે? રાહુલ ગાંધીનું શું થશે? 'ગેમ ઓફ થ્રોન્સ'માં હવે શું થશે? ગુજરાતી ફિલ્મ 'શું થયું?'નું શું થશે?

જો સાયન્ટિફિક ચિંતાઓ કરવી હોય તો વિચારવાનું કે આકાશમાં આ ઓઝોનનું ભગદાળું (મોટું બાકોરું) વધુ મોટું થશે તો સાલું આપણુ શું થશે? વિચાર કરતા કરતા છેક ઓઝોનના પડ સુધી ઊંચે ન ચડવું હોય તો સમુદ્રમાં ઘટી રહેલી વ્હેલ અંગેની ચિંતામાં સમુદ્રના પેટાળ જેટલા જ ઉંડાણમાં ગરકાવ થઈ જવું. હિમાલયના પીગળતા ગ્લેશિયર્સથી ભવિષ્યમાં કઈ નદીઓમાં કેવા પૂર આવવાની શક્યતા છે એ વિચારે ચડી જવું. ભાખરા નાંગલ ડેમ વિસ્તારમાં 8 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવશે તો શું થશે? એની ચિંતા કરવી. બૌદ્ધિક ચિંતક બનવું હોય તો ગુજરાતી સાહિત્યમાં વધતા જતા સામાજિક નિસબતના લોપ કે ઘટતા જતાં ઊંડાણ વિશે મનન કરવું. એક રાફેલ વિમાનની કિંમતથી દેશના કેટલા ભૂખ્યાજનોના જઠરાગ્નિ ઠારી શકાયા હોત? એની ત્રિરાશિ માંડીને આખા ગામને સંભળાવે રાખવી. વિશ્વભરમાં ચાલતા જાત જાતના વાદના વિવાદો અંગે મનોમૈથુન, સોરી મનોમંથન કરે રાખવું. હોવ...હમ્બો...હમ્બો...!

ઈન શોર્ટ, પોતાના ઘર-પરિવાર સિવાય આખી દુનિયાની ચિંતા કરવી. આવા જગપંચાતો વિશેની ક્યાંક સાંભળેલી એક જૂની જોક મને બહુ ગમે છે. નવરાભાઈ પંચાતિયાને દુનિયા આખીની પંચાત કરવા જોઈએ. એટલું જ નહીં, પણ ઘરે આવીને પાડોશી કરસનકાકા કામઢાને સંભળાવવા પણ જોઈએ. કરસનકાકાને પોતાના કામ-ધંધા સિવાય બહારની દુનિયાની વધુ ખબર હોય નહીં.

એક દિવસ નવરાભાઈ આવીને કરસનકાકાને કહે કે, 'કાકા ખબર પડી? 'અ'ભાઈની છોકરી 'બ'ભાઈના છોકરા સાથે ભાગી ગઈ!' કાકા કહે, 'ખબર નહીં હોં ભાઈ.' નવરાભાઈએ કહ્યું, 'શું તમે પણ કાકા આખો દિવસ ઘરકૂકડા થઈને પડ્યા રહો છો! થોડા બહાર નીકળતા જાવ તો બે વાતો જાણવા મળે.' નવરાભાઈએ વળી એક દિવસ બહારથી ઘરે આવીને કરસનકાકાને કહ્યું, 'કાકા ખબર પડી? 2 હજારની નવી નોટમાં ચીપ લાગેલી છે. કોઈએ બહુ નોટો ભેગી કરીને જમીનની અંદર સંતાડી હશે તો એ સેટેલાઈટને સિગ્નલ મોકલી દેશે!' કાકા કહે, 'ખબર નહીં હોં ભાઈ.' નવરાભાઈ કહે, 'કાકા ક્યાં સુધી આમ કૂવામાંના દેડકા જેવા જ રહેશો? થોડા બહાર નીકળો તો દુનિયા વિશે થોડું જાણવા મળે.'

નવરાભાઈ પંચાતિયાના આ રોજ રોજના ટોન્ટથી કરસનકાકા કામઢા બરાબરના ગળે આવી ગયેલા. એક દિવસ નવરાભાઈ જેવા ઘરે આવ્યા ત્યારે તેઓ કંઈ બોલે એ પહેલાં જ કરસનકાકા બોલ્યા કે, 'છગન કચરા વિશે ખબર પડી કે નહીં?' નવરાભાઈએ પુછ્યું કે, 'છગન કચરો કોણ વળી?' કરસનકાકાએ કહ્યું કે, 'એ રોજ તમે જાવ પછી તમારા ઘરે જ પડ્યો-પાથર્યો હોય છે. ક્યારેક ઘરે અને ઘરવાળીમાં પણ ધ્યાન આપો તો ખબર પડે કે ત્યાં કોણ રોજ સર્જિકલ સ્ટ્રાઈક કરી જાય છે?' હોવ...હમ્બો...હમ્બો...!

ફ્રી હિટ :

કામ, કામ સે પ્યાર, પ્યાર સે કામ મેં કહીં પ્યાર તો રહે હી ગયા... વો ભી તો કરના હૈ, અપની જિંદગી સે, અપને બેટે સે..! (ફિલ્મ 'શેફ'માં સૈફઅલી ખાનનો એક ડાયલોગ)