Goldi - 1 books and stories free download online pdf in Gujarati

ગોલ્ડી (ભાગ-૧)

''ગોલ્ડી''
મારી મોસ્ટ ફેવરિટ જગ્યા, હું ફ્રી હોઉં ત્યારે ત્યાં જ જોવા મળું. સરસ મજાની, ઝરૂખા જેવી એક જણ શાંતિથી બેસી શકે અને બે જણને પણ સમાવી શકે એવડી એ મારા ઘરની બારી. રોજિંદા કામ જેવું જ એ પણ મારું કામ જ છે. કંઈક અલગ જ શાંતિનો અનુભવ થાય મને ત્યાં. ક્યારેક કોઈને હસતાં-રમતાં જોઉં, ક્યારેક કોઈના ઝગડાની પણ મજા લઉં. ક્યારેક લીલા પોપટ ગણું તો ક્યારેક ખિસકોલીઓની રમત જોઉં.
આજે પણ હું મારા એ જ અગત્યના કામમાં ખોવાયેલી હતી. સામેના બંધ પડેલા મકાન પાસે એક ટ્રક આવીને ઉભું રહ્યું. મને આજે રોજ કરતાં કંઈક નવું જોવાનો અવસર મળી ગયો. પહેલા એમાંથી એક ભાઈ ઉતર્યા. અંદરથી કોઈકની પાસેથી નાનકડી ઢીંગલીને ઉચકીને નીચે મૂકી. એ પણ મારા જેમજ બધે ફાંફાં મારતી ચાલવા લાગી. ત્યાં ટ્રકમાં બેઠેલા કોઈએ બૂમાંબૂમ કરી મૂકી, ''અરે, ધ્યાન તો રાખો, ઓલી વઇ ગઈ.'' તરત જ એક બહેન ઉતર્યા. મને સામે બારીએ બેઠેલી જોઈ, થોડું મલકયાં અને ઝડપથી એ ઢીંગલીને ઉચકી લીધી.
વારાફરતી બધો સામાન ઉતરવા લાગ્યો. સાથે આવેલા બીજા ત્રણ જણાંએ ફટાફટ એ કામ હાથમાં લઈ લીધું હતું. ઘડીકમાં તો બધું ગોઠવાઈ ગયું. આજથી એક નવું જોવા-જાણવા મળશે એ જિજ્ઞાસાએ ખુશ થતી હું પણ મારા બીજા કામે લાગી.
હવે તો આ રોજનું હતું. આખો દિવસ હું એ ઢીંગલીને એના આંગણામાં રમતી અને એની મમ્મીને પોતાની પાછળ દોડાવતી જોતી રહેતી. સાંજે સોસાયટીના દસેય ઘરની બધી સ્ત્રીઓ પોતપોતાના બાળકોને લઇ નજીકના બગીચે બધાની આઘીપાછી કરવા ભેગી થતી. ત્યાં હવે એ ઢીંગલીની સાથે રમવા હું પણ જતી.
એ ઢીંગલી-પાંચ વર્ષની હની મને બહુ ગમતી. ધીમે ધીમે એના મમ્મી કોશાઆંટી સાથે પણ અમારે સારા સંબંધ થઈ ગયા. હવે તો હું એમના ઘરે પણ હની સાથે રમવા જતી તો ક્યારેક હનીને મારા સિંહાસન પર બેસાડવા લઇ આવતી. અને મારી જેમ જ બધુ અવનવું શીખવાડવાનો ને બતાવવાનો પ્રયત્ન કરતી રહેતી.
મારા ઘરમાં બધા મને ક્યારેક ''ગાંડી છે આ તો'' કહેતા તો ક્યારેક ''ઉછીનું લેવાની આદત છે આને'' એમ કહી દેતાં. ખોટું તો નહીં જ કહેતા હોય, કેમ કે બીજા બધાની જેમ હું બધું જ સાહજિક રીતે સ્વીકારી નથી શકતી. કોઈની તકલીફને કો'ક જ સમજી શકે, જ્યારે હું એને અનુભવી શકતી. જાણે કે એ તકલીફ મારા પર જ વીતતી હોય !
બારીએ બેઠાં બેઠાં ''કેટલા પોપટ કઈ બાજુથી આવ્યા ?'', '' કયો કોની સાથે આવ્યો ?''... એ બંને વચ્ચેના સંબંધ સુદ્ધાં હું મનોમન નક્કી કરી લેતી. તો ખિસકોલીઓમાં પણ, ''કઇ ખિસકોલી બાજકણી છે'', ''કઇ કોને ખાવા નથી દેતી...'' તો કઈ કોની પાછળ લટ્ટુ છે એવા (બીજાની નજરમાં વાહિયાત) વિચારો કર્યા કરતી. ક્યારેક ખિસકોલીઓને હેરાન કરતાં કાગડાને ભગાડવા ટેબલ અને ડંડો લઇને જ્યાં સુધી એ ખરેખર ત્યાંથી દૂર ઉડી ના જાય ત્યાં સુધી બહાર પહેરો ભરતી. સોસાયટી બહાર ફરતાં કૂતરાઓને પણ મેં નામ આપેલાં. પણ એમને ખવડાવવા-પીવડાવવા માટે બધાએ મારો વિરોધ કરેલો એટલે સવારે કોલેજ જતી વખતે હું સોસાયટીના દરવાજા પાસે બિસ્કિટ ખવડાવી દેતી.
હનીને પણ મારી દોસ્તી ફાવી ગઈ હતી. મને પણ એ નિર્દોષ ઢીંગલી સાથે રમવાની ખૂબ જ મજા પડતી.
કોશાઆંટીને પણ મારી જેમ ગલુડિયા બહુ ગમતાં. એકવાર સાંજે બગીચાની મિટિંગમાં એમણે નક્કી કર્યું કે જો સોસાયટીના બધા ટેણીયાઓ થોડી-થોડી જવાબદારી લેતાં હોય, તો એક ગલુડિયું ખરીદવું. છોકરાઓને તો પૂછવાનું હોય જ નહીં ! એ બધાએ તો મોટાઓના નિર્ણય આવવાના પહેલા જ હકારો ભણી દીધો.
લગભગ અઠવાડિયા પછી કોશાઆંટી અને વિપુલઅંકલ એક મસ્ત મજાનું લાબ્રાડોર બ્રિડનું એક નાનકડું ગલુડિયું લઇ આવ્યા. હજુ એ બચ્ચું પૂરું ચાલતાં પણ નહોતું શીખ્યું. બે ડગલાંમાં તો ગબડી પડતું. એકદમ મોટા રુછાવાળું ચમકીલા ગોલ્ડન કલરના એ રમકડાનું નામ અમે પડ્યું, ''ગોલ્ડી''.
ગોલ્ડીના આવવાની ખુશીમાં રાત્રે નાનકડી ઉજવણી રાખવામાં આવી. બધાના ઘરેથી સહિયારો ફાળો ઉઘરાવ્યો અને નાસ્તા-કોલડ્રિન્કની વ્યવસ્થા કરવામાં આવી. આજથી ગોલ્ડીને સોસાયટીનું સભ્ય અને હનીના ભાઈ તરીકે ઓળખવાનું નક્કી થયું.
મોટા-નાનાં બધાને જ મજા પડવા લાગી. ગમે ત્યારે જેની પાસે ટાઈમ હોય એ રમાડવા લઇ જતું. રાત્રે સુવા માટે જ એ હનીના ઘરે આવતું. ગોલ્ડી પણ હવે બધાને ઓળખતું થઈ ગયું હતું. ધીમે ધીમે ચાલતા અને પછી તો દોડતાં પણ શીખી ગયું. એનું ધ્યાન રાખવા માટે સોસાયટીના વોચમેનને અલગથી પગાર વધારો કરી આપવામાં આવ્યો. બધાએ એના ખાવા-પીવાની, સવારે બહાર લઈ જવાની બધી જવાબદારીઓ વહેંચી લીધી હતી. ગોલ્ડી હવે બધા જ ભૂલકાઓનો ભાઈબંધ અને બધી જ ઢીંગલીઓનો ભાઈ બની ગયો.
હોળી હોય કે દિવાળી, એની સાથે ઉજવાય એ રીતે જ તૈયારીઓ થતી. હોળીમાં બધાની સાથે એ પણ રંગે રંગાતો અને સાંજે પાણી આવે ત્યારે એ પણ મસ્તીથી ન્હાતો. દિવાળીમાં ફાટકડાથી બહુ બીક લાગતી એને. એના લીધે અવાજવાળા ફટાકડા સોસાયટીમાં આવતા જ બંધ થઈ ગયા. નવરાત્રીમાં એ માતાજીના ફોટા સામે બેસી રહેતો. આજુબાજુ બધા ગરબે રમતા ખેલૈયાઓને જોયા કરતો. રક્ષા બંધનમાં તો બધી જ ઢીંગલીઓ એને રાખડી બાંધતી અને કોશાઆંટી પણ ગોલ્ડી તરફથી બધાને ચોકલેટો આપતા. હવે તો એ નાના-મોટાં કામ કરતાં પણ શીખી ગયો હતો. ડાહ્યા ડમરા છોકરાની જેમ બધાની વાત પણ માનતો. ક્યારેક રિસાઈને ખોટે-ખોટું માન મેળવવાની પણ સમજ પડતી એને.
હું ક્યારેક મારા ઝરૂખેથી એને રમતાં જોઈ વિચારતી રહેતી, ''ગોલ્ડી કેટલું લકી છે કે અહીં આવ્યું અને એની જિંદગી સુધરી ગઈ ! '' આવ્યું ત્યારે મને એ વાતનું દુઃખ હતું કે ગમે તેમ તોય એ એની મા થી વિખૂટું પડીને આવ્યું છે. ''એમને શુ લાગણીઓની સમજ નહીં હોય ?'' ''એને મમ્મીની યાદ નહીં આવતી હોય ?'', '' એની મમ્મી પણ એને યાદ કરતી જ હશે ને ?'' પછી જાતે જ મન પણ વાળી લેતી , ''જે થયું એ સારું જ થયું કેમ કે જો ગોલ્ડી અમારી પાસે નહીં તો બીજા કોઈ પાસે તો જવાનું જ હતું. ત્યાં કદાચ અમારા બધા જેવા સાથીઓ એને ના મળી શકતાં.''
ભગવાન બધું જ બધાને નથી આપી શકતા, પરંતુ અમને ગોલ્ડી આપીને, એની અને અમારી જિંદગીમાં બહુ જ બધી ખુશીઓ ભરી દીધી એજ પૂરતું છે અમારા માટે. એને એની મમ્મીથી વિખૂટો કર્યો પણ સામે આટલો મોટો પરિવાર મળ્યો. અને બધા જ દિલથી એની કાળજી લેતાં. રાત્રે દાદા-દાદીઓ સાથે આંટો મારવાનું પણ એને ખૂબ જ ગમતું. સોસાયટીના દરેકે દરેક સભ્યને એણે પોતાની માયા લગાડી દીધી હતી.
વધુ આવતા અંકે...