Aene mane aapelu chhellu phool books and stories free download online pdf in Gujarati

એણે મને આપેલું છેલ્લું ફૂલ...







એણે આપેલું છેલ્લું ફૂલ..

આજે જાન્યુઆરીની ઠંડી સવાર હતી. આજે સવારથી જ કંઈક અલગ અનુભવ થતો હતો. જાણે એ આજે ફરીથી મળશે. હા, ફરીથી... એ અત્યાર સુધી કેટલીય વાર મળી છે મને અને જયારે મળી ત્યારે કંઈક નવી જ દેખાઈ છે મને. એ છે જ એવી... એકદમ માસુમ ચહેરો, સસલી જેવી ભોળી, થોડી શરમાળ ખરી અને પુરેપુરી ઘેલી મારાં માટે.! હા... મારાં માટે ઘેલી જ છે એ.

આજે આવે છે એ ડભોઇ મામાના લગ્નમાં. મને હજુ સુધી કોલ કે મેસેજ નથી આવ્યો એનો. અત્યાર સુધી એવું નથી બન્યું કે એ ડભોઇ આવી હોય અને મને કહે નહીં. પરંતુ, આજે નહીં આવે એનો મેસેજ કે કોલ ડભોઇ પહોંચ્યાનો.. મને વિશ્વાસ છે એટલો તો એના પર. કારણ પણ એવુ જ છે.. છેલ્લી વાર મળી ત્યારે જ બોલી હતી "આજ પછી હું આવીશ તો તને જણાવીશ નહીં કે હું આવું છું.. ખોટું તારી જિંદગીમાં તોફાન આવે એવું હું ક્યારેય ના કરી શકું. હવે તું એકલો નથી રાધા..તારી સાથે હવે એક જિંદગી જોડાઈ ગઈ છે.." આટલુ બોલી એ ત્યાં મારી પાસે હંમેશાની જેમ જ પીછું અને ચોકલેટ મૂકીને નીકળી ગઈ. હંમેશની જેમ હસતો ચહેરો પણ એની આંખોમાં આવીને અટકેલું એ આંસુ જેને એ છૂપાવવા મથતી હતી એ એની જાણ બહાર હાજરી પુરાવી ગયું.!

હું એટલે રાધેય જોશી અને એ એટલે પરીક્ષા પુરોહિત. પરીક્ષા નામ તો બીજા બધા માટે, મારા માટે તો મારી પરી.! એ હસતી હોય ત્યારે હરી પરી અને ગુસ્સો કરે ત્યારે લાલ પરી. લગભગ દસ વરસથી ઓળખું છું પરી ને. ના..ઓળખું નહીં પણ જાણું છું એને. દસ વરસથી તો પરિચયમાં આવ્યા, ઓળખતા તો નાનપણથી અમે બંને એકબીજાને. એ નાની હતી ત્યારે એના મામાના ઘરે આવતી વેકેશનમાં, ત્યારે અમે ખુબ સાથે રમતા.. એ લગભગ મારા ઘરે જ હોય. મારું ઘર એના મામાના ઘરની સામે જ. હું નાનપણથી જ ધમાલિયો ને જિદ્દી અને પરીની નજરમાં કહું તો થોડો બુદ્ધુ પણ ખરો. જ્યારે પરી શાંતિપ્રિય માણસ પરંતુ ગુસ્સો તો ખરો જ. ખોટું સહન ના કરે. અમે જેમ જેમ મોટા થયા તેમ અમને એકબીજાની કંપની ગમવા લાગેલી. અમે વર્ષમાં એકાદ બે વાર જ મળતા, વેકેશનમાં જ.. એ આવે એટલે આખા ફળિયામાં ખબર પડે કે પરી આવી છે. બધાને મળી આવે ને કેમ છો, જય શ્રી કૃષ્ણ કરી ખબર અંતર પૂછી આવે. મારા ઘરે તો છેલ્લે જ આવે. એ જાણે કે, આ માણસ કુંભકરણ જેવો છે. હજુય ગાદલામાં જ પડ્યો હશે ને એણે જ જગાડવો પડશે. એ કરે પણ એવું જ. મારા ઘરમાં આવીને મારા પર દાદાગીરી કરે. મારે કેટલું સુવાનું એ પણ એજ નક્કી કરે. એ આવે એટલે મારે જલ્દી જાગી જવાનું, નહીં તો આવી બન્યું મારું. હું સૂતો હોય અને એ જોઈ જાય તો થઇ ગ્યું કલ્યાણ મારું. આવીને પાણીની ડોલ જ માથા પર રેડી દેવાની. હું બાથરૂમમાં નાહવા જાઉં ત્યારે બહારથી બારણું બંધ કરવું ને જ્યાં સુધી હું એને લીલી બદામ લાવી આપીશ એવું વચન ના આપું ત્યાં સુધી બારણું ના ખોલે. હવે તો મોટા થયાં એટલે કોલથી કે મેસેજથી કહી દે, "હું આવું છું ડભોઇ.." એટલે હું બચી જાઉં એની મારામારીથી.

વાત કરવા અમારે કોઈ વિષય કે કારણ ના જોઈએ. બસ એમ જ ચાલુ પડી જઈએ. પણ આ વખતે વાત કંઈ રીતે ચાલુ કરવી એ સમજ નથી પડતી, વિષય હોવા છતાંય.." એનો સામનો કેવી રીતે કરીશ.? એને શું કહીશ.? એને પણ મારી જેમ જ મુંઝવણ થતી હશે ને.!?" એવા કેટકેટલાં પ્રશ્નોનું મનમાં ઘમાસાણ ચાલતું હતું. પરિસ્થિતિ જ કંઇક એવી ઊભી થઈ હતી અમારી વચ્ચે તો.. દરવખતે નાનામાં નાની વાત અમે એકબીજાને જણાવતા પણ આ વખતે આટલી મોટી વાત હું એને જણાવું ત્યાં સુધી એને એ વાતની જાણ થઈ ગઈ હતી. અને વાત પણ કેવી હતી.! મારા લગન નક્કી થયાની વાત.. મેં કંઈ આશયપૂર્વક વિદ્યા સાથે મારા સગપણની વાત નહતી છૂપાવી, પણ બધું અચાનક જ બની ગયું. વિદ્યાના પરિવારને મારો પરિવાર ઓળખતો હતો. એ મારા ફોઈના જેઠની દીકરી હતી. બંને પરિવાર તો રાજી જ હતા આ સંબંધ માટે અને વિદ્યાને તો જે પરિવારની મરજી એ જ એની મરજી, બસ મારી પસંદગી જ જણાવવાની હતી. જ્યારે હું વિદ્યાને મળવા ગયો ત્યારે એને ના પાડવા કોઈ કારણ ના જણાયું. સુંદર, ભણેલી અને સમજદાર લાગી હતી મને એ.. અને તરત જ ગોળધાણાની વિધિ પતાવી દેવામાં આવી. એ રાતે જ હું આ વાત પરીને કહેવાનો હતો પણ ત્યાં તો...

આજે પણ પરી મને મળવા તો આવી. પણ હા, પહેલા જેવો ઉમળકો ન હતો એના અવાજમાં.! હાથમાં હાથ મિલાવીને બોલી, "કેમ છે રાધા..!? સગાઇ નક્કી થયા ના ખુબ ખુબ વધામણાં..અભિનંદન.. ક્યાં છે...!? ભાભીજી નો ફોટો તો બતાવ વાંદરા.." આટલું બોલતા તો એ અટકી ગઈ, જાણે શબ્દોના મળતા હોય એને વાત કરવા આજે.! અને એની આંખમાં ઝાકળ દેખાયું. પહેલા ભલે હું ના સમજી શક્યો પણ આ વખતે હું સમજી ગયો આ ઝાકળના ઝળહળવાનું કારણ, એની લાગણી...

પરી આજ દિવસ સુધી કાંઈ બોલી જ નથી એના દિલની વાત મારી સામે. જયારે મળ્યા ત્યારે કેટકેટલીય વાતો કરી હશે એણે, પણ કોઈ દિવસ એના મનની વાત ના કહી મને. હંમેશા મળતી ત્યારે હું દૂર હોવ કે એની નજીક મને અપલક નજરે નીરખ્યા કરે. હું પૂછું પણ ઘણીવાર, "શું જોવે છે મારી બાજુ..!? " તો કહે, "મારી આંખો.. મારી મરજી, મારે જે જોવુ હોય એ જોવું, તારે શું.. !?" આ જ શબ્દો હોય એના, અને હું પછી નિ:શબ્દ. શું બોલાય મારાથી એની સામે..!! હું પહેલાથી જ એની સામે હારી ગયો છું..

હજુય યાદ છે.. જયારે પરીના માસીના દીકરા નીરવની જનોઈના આગલા દિવસ રાતે ગરબાની રમઝટ ચાલતી હતી. મમ્મી - પપ્પાને વહેલા ઘરે જવું હોવાથી હું એમને લઈને ત્યાંથી થોડો વહેલો નીકળી ગયો અને જેવો જવા માટે ગાડીમાં બેઠો ને સામેથી પરી આવતી દેખાયી. એના ખુલ્લા વાળ હવામાં ઉડીને વારે વારે એના ચેહરા ઉપર આવી જતા હતા જેને એ હળવેથી કાનની પાછળ ખસેડતી હતી. કાયમ પોની બાંધેલા વાળ રાખતી પરી આજે ખુલ્લા વાળમાં એકદમ અલગ લાગતી હતી. કદાચ પહેલી વાર હું એને આમ ધ્યાનથી જોઈ રહ્યો હતો. એણે જાંબુડી રંગનો અનારકલી ડ્રેસ ને કાનમાં મોટા ઝૂમખાં પહેર્યા હતા. આંખોમાં કાજલ, હોઠ પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક ને કપાળમાં નાની કાળી બિંદી.. શું જોરદાર લાગતી એ દિવસ તો પરી. જાણે કોઈ અપ્સરા જેવી સુંદર લાગતી હતી એ. લાગતું હતું કે એ દિવસે મારો વારો હતો એને નિહાળવાનો. હું એને મનભરીને દેખું એ પહેલા એ મારી ગાડી પાસે આવીને ઉભી રહી ને કાંઈ જ બોલ્યા વગર બધાની નજર ચૂકવી એના હાથમાં રહેલું પરબીડિયું મારી ગાડીની સીટ પર મુક્યું, મને ઈશારો કર્યો અને મમ્મી પપ્પાને જય શ્રી કૃષ્ણ કરીને નીકળી ગઈ. મેં એ પરબીડિયું લીધું ને બધાથી છુપાવીને સીટ પાસે નીચે મૂક્યું અને ગાડી ઘર બાજુ ભગાવી. ઘરે પહોંચીને એ પરબીડિયું સ્ટડી ટેબલ પર મૂક્યું ને ફ્રેશ થવા ગયો. બહાર નીકળીને હજી તો એને હાથમાં લઉં છું અને મારા મિત્રનો ફોન આવ્યો અને વાતો વાતોમાં કલાક ક્યાં થઈ ગયો એની ખબર જ ના પડી ને હું એ પરબીડિયું ખોલ્યા વિના જ ઊંઘી ગયો.

જનોઈના દિવસે સવાર સવારમાં પરી મને જગાડવા આવી. "ઉઠને રાધા.. સવાર થઈ, અમને પાર્લરમાં મૂકી જા ને, જલ્દી કર.! અમને મોડું થયું છે ને ત્યાં નીરવ પાસે પણ કોઈ નથી તું જલ્દી જા, નહીં તો નીરવ કંઈક ખાઈ લેશે. તું જાણે છે ને એને કે એનાથી ભૂખ્યા નથી રહેવાતું.! તારું કીધેલું જ માનશે નીરવ. ઉભો થાય છે કે..."

"હા.. લી.. ચાંપલી.. મને ખબર છે નીરવને ઉપવાસ કરાવવાનો છે તે. તું લાલ પરી ના બનીશ. આ ચાલ્યો નાહવા. નાહીને પાઠ કરી આવું છું.. ત્યા સુધી શાંતિ રાખ.." મેં આળસ મરોડતા કહ્યું..

"હેં..!! હજુ અર્ચા ભભુત કરશે..!? આજે, અત્યારે રાવણ ના બનીશ.." મારો જવાબ સાંભળીને તરત જ એના આવા પ્રત્યાઘાત આવ્યા.

"તું.. જા.. લી.. રાવણ વાળી.. હું રાવણ લાગુ છું તને..?? મેં ક્યાં કોઈ સીતામાતાનું હરણ કર્યું, તે તું મને રાવણ રાવણ કહીને બોલાવ્યા કરે..??" આટલું બોલતા બોલતા હું નાહવા ગયો ને બહારથી થોડી વાર સુધી પરીનો જોરજોરથી હસવાનો અવાજ આવતો રહ્યો.

નાહીને ઉતાવળમાં સંધ્યા પાઠ કરી હું પરીને મુકવા પાર્લર ગયો ને ત્યાંથી નીરવ પાસે. એ આખો દિવસ જનોઈમાં જ નીકળી ગયો. પરબીડિયું તો યાદ જ ના રહ્યું. સાંજે બટુક યાત્રા નીકળવાના સમયે હું રૂમમાં કપડાં બદલવા આવ્યો ત્યારે જોયું કે પરબીડિયું ગાયબ હતું. બધે જ શોધ્યું પરબીડિયું, ક્યાંય ના મળ્યું. ક્યાં ખોવાઈ ગયું હશે પરીનું પરબીડિયું..?? હું તો બેબાકળો બનીને બેસી રહ્યો ઘરના ખૂણામાં.

ના રેહવાય ના સહેવાય જેવી પરિસ્થિતિ હતી મારી.! એટલામાં પરી આવીને મને આમ બેસેલો જોઈ બોલી, "રાધા.. ઓ.. રાધા.. આમ કેમ ખૂણામાં બેઠો છે.!? બહાર ચાલ બધા તને શોધી રહ્યા છે.. શું થયું છે.. !? બોલ જો... " પરીનો અવાજ સાંભળતા મને ભાન આવ્યું કે હું એકલો જ ઘરના ખૂણામાં બેઠો છું ને પરી સામે ઊભી છે. મેં પરીને પરબીડિયા વાળી બધી વાત કરી. પરીએ મને કહ્યું, "અરે.. એમાં શું આટલા બધા ગાંડાવેડા કરે છે..!! ખોવાયું તો ખોવાયું મળી જશે ચિંતા ના કર.."

"તું તો એવી વાત જાણે કશું ખોવાયુ જ નથી." મેં કહ્યું.. "મળી જશે કીધુંને.. એ નહીં મળે તો હું બીજું એવુ જ નવું લાવી આપીશ બસ, પણ તું ઉદાસના થઈશ. ચાલ.. બહાર નીરવ રાહ જોવે છે.." તે દિવસ તો હું પરી વાત માનીને ઘરની બહાર નીકળી ગયો હતો પણ મને એ ના સમજાતું હતું કે એ પરબીડિયું ક્યાં ગયું..?? એ પહેલું ને છેલ્લું પરબીડિયું હતું મારાં માટે પરીનું. ત્યાર બાદ બે દિવસમાં પરી એના ઘરે પાછી જતી રહી. એ હતી ત્યાં સુધી મેં એને પૂછ્યા કર્યું કે શું હતું એ પરબીડિયામાં પણ દરેક વખતે એ કોઈને કોઈ બહાનું બતાવીને જવાબ ટાળી દેતી.

પાછળથી મને સમજાયું કે પરીનું એ પરબીડીયું ગાયબ કેમ થયું.? મેં તો એને ટેબલ ઉપર જ મૂક્યું હતું, તો પછી..!? પરીના ગયાના આઠ દિવસ પછી જ્યારે હું એને મારું ને વિદ્યાનું નક્કી કર્યું એ ખુશખબર આપવા ફોન કરવા જતો હતો ને મારો હાથ ટેબલ પર પડેલા પુસ્તક જોડે અથડાયો અને એ નીચે પડ્યું. હું એને લેવા નીચે નમ્યો તો જોયું કે એ લાલ રંગનું, ચોરસ, મસ્ત કંકોતરી જેવી ડિઝાઈન વાળું પરબીડિયું નીચે જ પડ્યું હતું. એ પુસ્તકમાંથી જ પડ્યું હશે કદાચ.. મેં એને હાથમાં લીધું તો અંદર કંઇક ખૂંચતું હોય એવું લાગ્યું. મેં એને ધીરેથી ખોલ્યું તો એમાં એક કાગળ હતો ને એક ફૂલ હતું. કાગળને ચાર ગડી કરી મુકેલો હતો અને એના પર એક સરસ હથેળીમાં સમાઈ જાય એટલું નાનું, વાસી, કરમાઈ ગયેલું પણ મસ્ત ગુલાબનું ફૂલ હતું. જેની ખુશ્બુ પરબીડિયું ખોલતા જ આવતી હતી. પુસ્તકના છેલ્લા પાને હતું એ એટલે જ કદાચ આટલા દિવસથી ના દેખાયું. મને સમજતા વાર ના લાગી કે આ પરબીડિયું અહીંયા ક્યાંથી આવ્યું ને કોણે મૂક્યું હશે. આ પરબીડિયું જોઈને હું સાચે ખુબ જ ખુશ થયો. પણ હજુ એ દુવીધામાં હતો કે, "પરીએ મને આ કેમ આપ્યું હશે? એમાં એવું તો શું હશે કે એને આમ કાગળ લખવાની જરૂર પડી, અને અંદર ગુલાબનું ફુલ.!? અત્યાર સુધી એણે મને ચોકલેટ કે પીછું જ આપ્યું છે. આ કબાટમાં કાગળ નીચે રહ્યા એના આપેલા બધા મોરપીંછ. અને આ બાજુમાં રહ્યા એના ચોકલેટ ના કાગળિયા.. પણ એણે મને ફૂલ કેમ આપ્યું હશે..!?"

"નક્કી આ પરી મારી સાથે કંઈક મજાક કરી છે, ખોલવો જ નથી કાગળને. ભલે રહ્યો.. મારી પાસે આવશે ત્યારે પાછો આપીશ. એણે મને હેરાન કરવા જ આમ કર્યું હશે. નહીં તો શું જરૂર એને પરબીડિયું આપીને પછી સંતાડી દેવાની..!!" એક બાજુ કાગળમાં શું લખ્યું હશે એ જાણવાની આતુરતા અને બીજી બાજુ થોડો ગુસ્સો.. આખરે ગુસ્સા ઉપર આતુરતાનો વિજય થયો અને મેં એ કાગળ ખોલીને વાંચવા માંડ્યો.

જેવું વાંચવાનું ચાલુ કર્યું એવો જ હું સ્તબ્ધ થઈ ગયો. અને મને એ પરબીડિયું છુપાવવાનું કારણ પણ મળી ગયું. એ કદાચ નહતી ઈચ્છતી કે હું એની સામે એની લાગણીઓ વાંચું. એટલે જ એવી રીતે છૂપાવીને ગઈ કે મને મોડે થી એ પરબીડિયું મળે. અને મને એ એ મળ્યું, પણ ત્યારે બહુ જ મોડું થઈ ગયું હતું..!!

એ પરબીડિયામાં પરીની લાગણીઓ હતી.!! હા.. એની મારા માટેની લાગણીઓ.!! એ અબોલ લાગણીઓ જે એણે આજ દિવસ સુધી વ્યક્તના કરી. એની આંખો સદાય મને કંઈક કહેવાનો પ્રયત્ન કરતી હોય એવું લાગ્યું પણ એણે શબ્દોથી ક્યારેય કશું વ્યક્ત ના કર્યું. આજે મને એના શબ્દો યથાર્થ લાગ્યા, ' બુદ્ધુ ..!!' એ મારા માટે પોતાની ભીતર લાગણીનો અફાટ દરિયો લઈને જીવતી રહી અને હું બુદ્ધુ ખરેખર એને સમજી જ ના શક્યો.!

કેટલાય સમય સુધી હું એમ જ ઊભો રહ્યો.. હાથમાં એક પરબીડિયું, એક લાગણીથી છલોછલ ભરેલો પત્ર અને એક ગુલાબનું ફૂલ લઈને.. હા, આ વખતે પીંછુ નહોતું. એની કોમળ લાગણીઓ દર્શાવતું એક ફૂલ હતું. એના તરફથી મળેલું છેલ્લું ફૂલ...



©હરિતા ભટ્ટ

*****

મારો સ્ટોરી લખવાનો પહેલો પ્રયત્ન છે. સ્ટોરી લખવાના આ સફરમાં મારાં didu (shefali shah) ના મદદથી હું ઘણું શીખી સુધારો કરી શકી છું. છતાં મારાં લખાણ માં ક્યાંક ભૂલો પણ જોવા મળશે. જો આમાં કોઈ ભૂલ હોય તો કહેવા વિનંતી.. રેટ આપી ને અભિપ્રાય આપજો..

જય શ્રી કૃષ્ણ..