Mathabhare Natho - 33 books and stories free download online pdf in Gujarati

માથાભારે નાથો - 33

માથાભારે નાથો (33)
"જોરુભા, આમ ચકલા
ચુંથે ભૂખ નહીં ભાંગે..આમ જોવો નરશી માધાના કારખાનામાં તિજોરી છે..
માલિકોર રૂપિયા હમાતા નથ..પાનસો પાનસોની અને હજાર હજારની નોટું ના બંડલના બંડલ પડ્યા સે...તમે કાંયક પ્લાન કરો..
આપડે આખી તિજોરી જ ઇની માને દવ, ઉપાડી લેવી.."ભીમાએ જોરુભાને તિજોરીની વાત કરીને ખોંખારો ખાધો.અને 135નો મસાલો ચોળવા લાગ્યો.
જોરુભાને તિજોરીની વાતમાં રસ તો પડ્યો.પણ એ કામ કંઈ સહેલું નહોતું.કારખાનાની તિજોરી બહુ વજનદાર હોય..અને કોઈ રીતે એ તુટે એવી બિલકુલ ન હોય..જોરુભા કોઈ કામ સમજ્યા વિચાર્યા વગર કરતો નહીં..
"તારી જાતના ભીમલા... હાળાવ તમે કઈ જાતના છો..જેનું ખાવ છો એનું જ ખોદતાં તમને શરમ આવવી જોવે..નરશી માધા જેવા શેઠિયાઓ તમારી જેવા કેટલાય હલકટનું પેટ પાળે છે..તમેં હરામખોરો કારખાના બદલી બદલીને એ લોકોએ આપેલી બાકીનું બુચ મારો છો..અને હવે એટલાથી પેટ નથી ભરાતું તમારા લોકોનું તે હવે આખી તિજોરી ઉપાડી લેવી છે ઈમ ? તારી મા, એ તિજોરી કેટલા મણની હોય છે ઈનું ભાન છે ? એને ઊંચી કરતા જ તારી આંબળ છટકી જાહે..અને પકડાશો તો પોલીસવાળા
મારી મારીને લાલ કરી દેહે..કોઈ દી પાટલા ઉપર તારી #lડ ટેકવી નહીં હક.." જોરુભા ખીજાયો.
જોરુભા સૌરાષ્ટ્રનો કાઠી દરબાર હતો. ભલે નાની મોટી નાગાઈ એ જરૂર કરી લેતો પણ એની અંદર સચ્ચાઈ ઠાંસી ઠાંસીને ભરી હતી..નાના અને ગરીબ કારીગરોને, કોઈ કારખાનેદાર કનડગત કરે તો એને મદદ કરતો.કોઈને ગાળ દેવી પડે તો પણ એ પાછો પડતો નહીં. મોટા કારખાનાઓને એ ખૂબ માનની નજરે જોતો..
પણ પૈસા આખરે એક એવી ચીજ છે જેને માટે માણસ ક્યારેક માણસાઈ છોડી દેતો હોય છે.અને એનું કારણ એને ગળી જવા અજગરની જેમ મોઢું ફાડીને પાછળ દોડતી એની જરૂરિયાતો હોય છે..એને પહોંચી વળવા મથતો માણસ આખી જિંદગી દોડતો રહે છે પણ મૃગતૃષ્ણા જેવી એ અપેક્ષાઓ કદી સંતોષાતી નથી..!
નરશી માધાના કારખાનમાંથી એની આખી તિજોરી ઉઠાવવાનો પ્લાન ઘડીને એને પાર ઉતારવાનું કામ એ કોઈ નાની માના ખેલ નહોતા. એમાં રહેલા જોખમો અને પરિણામોનો જોરુભાને ખ્યાલ હતો.
માણસને ગીધની જેમ ઠોલી ખાતા પોલીસ અને વકીલોની નાગચુડનો ઘણો અનુભવ જોરુભા ધરાવતો હતો.કોર્ટ કચેરીમાં ન્યાય માટે ટળવળતા અને નિચોવાઈ અનેક માણસોને ખુવાર થતા એણે જોયા હતા..છતાં પણ જોરુભા ગરમ ખુન ધરાવતો અને
અણીના સમયે સમજણ ભૂલી જનારો જુવાન હતો.
ભીમજીને ધમકાવ્યો હોવા છતાં એ જોરુભાની નબળી નસ જાણતો હતો.. જોરુભાના શોખ અને ઠાઠમાઠથી જીવવાના અભરખા એનાથી અજાણ્યા નહોતા.અને ભીમજી એ પણ જાણતો હતો કે જો તિજોરી ઉઠાવવાની થાય તો જોરુભા જ ઉઠાવી શકે એમ હતો..!
ભીમજીએ તિજોરી નામનો ગોળ જોરુભાની કોણીએ લગાવ્યો ત્યારે પાનના ગલ્લાવાળો કાન દઈને આ વાત સાંભળતો હતો એની સરત ભીમા કે જોરુભાને રહી નહોતી..
જોરુભા, ભીમાને ખખડાવીને રામા ભરવાડ
ના તબેલા પર ચાલ્યો ગયો હતો. નરશી માધાની તિજોરી પગ કરી જવાની હતી એ હવે લગભગ પાક્કું થઈ ગયું હતું..!
* * * * * * * * * * *
ચંપક કાંટાવાળો કેટલાય દિવસથી જોતો હતો કે ચમેલી અડધી પાગલ હોય એવું વર્તન કરી રહી હતી.
ક્યારેક ખૂબ આનંદમાં તો ક્યારેક ખૂબ ઉદાસ થઈ જતી.એનો કોઈ નાથો નામનો દોસ્ત હતો અને એને અકસ્માત થયો હતો..
પોતાની દીકરીને ખુશ રાખવા ચંપક પણ પાછો પડ્યો ન્હોતો. હોસ્પિટલમાં એડમિટ કરવા જરૂરી રૂપિયા સહેજ પણ ખચકાટ વગર એણે કાઢી આપ્યા હતા. જોકે એના મિત્રોએ એ રૂપિયા ખૂબ ટૂંક સમયમાં સભાર પરત કર્યા ત્યારે ચંપક સમજ્યો હતો કે નાથો અને મગન નામના કાઠિયાવાડી છોકરાઓ કોઈ ધનવાન બાપના નબીરા હતા.અને ચમેલી વારંવાર જે મગનની વાત કરતી હતી એ મગન કોઈ એરો ગેરો નથ્થુ ખેરો ન્હોતો બલ્કી હીરા ઉધોગનો ઉગતો સિતારો હતો..! પોતાના પચાસ હજાર એક જટકે એણે પાછા આપી દીધા હતા અને મહાવીર હોસ્પિટલના વીઆઇપી રૂમમાં એના દોસ્તની ટ્રીટમેન્ટ કરાવી રહ્યો હતો !
"માડી દિકડી માડા જેવી જ હોશીયાડ નિકડી..! મેં બી આ હાથની જેવી હંસાને એના બાપની મિલ્કટ હાટુ માડા પ્રેમના લપસના માડગ પડ ચલાવી
ઉટી..અને પહી ફસાવીને માલામાલ ઠેઇ ગેલો જ ને વડી..! ચમેલીએ બી પેલા કાઠયાવાડીને ફસાવેલો લાગટો છે..એ પન આ હંસાની માફક પૈહાવાલો મલે.. માડે માડા આ ભાવી જમાઈડાજને મળવું પડહે.." એમ વિચારીને ચંપક હોસ્પિટલ આવ્યો ત્યારે મગન નાથાની રૂમમાં નરશી માધાની તિજોરી વિશે વાતો કરી રહ્યા હતા !
ચંપકને જોઈને નાથો વિસ્મય પામ્યો. એણે ક્યારેય ચંપકને જોયો ન્હોતો.પણ નાથાને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી પચાસ હજાર લઈને આવેલા ચમેલી તાતને મગને પિછાણ્યો હતો. ચમેલી જેવી ગોળમટોળ બાળાનો જનક પણ એવું જ મોટું ટીપડું હતો એ જોઈને મગનને નાથાની ગંભીર પરિસ્થિતિમાં પણ હસવું આવ્યું હતું..પણ એ હાસ્ય એના હોઠ સુધી આવ્યું નહોતું..
નાથાનું ધ્યાન દરવાજામાં હતું અને મગન દરવાજા તરફ પીઠ રાખીને બેઠો હતો.
"બોલો ભાઈ..કોનું કામ છે ?" પોતાની રૂમમાં બન્ને બરસાખને ઘસાઈને પ્રવેશેલા ચંપકને નાથાએ પૂછ્યું એ સાથે જ મગને પણ અવળું ફરીને ચંપકને જોયો..
"ચમેલીના પપ્પા છે.."કહીને મગને ચંપકને આવકર્યો
"આવો આવો.. વડીલ.."
મગને સ્ટીલનું સ્ટુલ ચંપકને બેસવા આપ્યું. પણ એ સ્ટુલની સપાટી પોતાની વિશાળ બેઠક માટે અપર્યાપ્ત જણાતાં ચંપકને એની ઉપર બેસવું અનુકૂળ ન લાગ્યું.
"ઠીક છે..ઠીક છે...ચાલહે..
કેમ છે ટમાડી ટબિયટ..?
મને ટો ખબર જ ની ઉટી..
તે ડા'ડે ચમ્મુ ડોડતી ડોડતી આવી ને રડવા લાયગી..મેં પુછા કે કેમ રડે છે પન જવાબ હો ની આલટી મલે..એટલે મેં ટર્ટ જ હમજી ગેલો કે નક્કી કંઈક ગોટાલો ઠેઈ ગેલો ઓહે..ટો જ એવી એ આટલી રડે..
પછી મેં એને શાન્ટ પાડીને પૂછ્યું ટો કે કે મારો ડોસ્ટ બોવ ટકલીફમાં છે..ટે મેં ટો ટર્ટ જ બેહાડીને બઢું જ પુહસુ..એ વખટે ટો મેં ડુંકાન પડ બેઠલો ઉટો..પણ ચમ્મુ આવી એટલે મેં ટર્ટ જ એનું મોં જોઈ લેવ..જો જડા બી આમટેમ હોય ટો ટર્ટ જ મને ખ્યાલ આવી જ જાય.
કે કંઈક લોચો પડેલો મલે.. એ ડાડે પન એવું જ ઠયેલું...એટલે મેં ટર્ટ જ એની પાછળ પાછળ ડાડર ચયડો..એવી એ ઘડમાં ઘૂસીને ટર્ટ જ રડવા લાગેલી એટલે મેં ટર્ટ જ હમજી ગેલો કે કંઈક લોચો વાગેલો મલે..એ પાછી એની માને કંઈજ ના બોલે..બઢઢું મને જ કેય.. જે બી કેહવું હોય એ મને જ કેય.. હાં કે ! પપ્પાની બોવ જ વ્હાલી મલે..એ એના રૂમમાં જ ચાલી ગેલી એટલે મેં હમજી ગેલો કે કંઈક લોચો પડેલો મલે.."
ચંપકનો લોચો અવિરત પડવા માંડેલો જોઈને નાથો અકળાયો..ચંપક નાથાના કોટ પાસે ઉભો રહીને એકધારો ચમેલી દ્વારા પોતાને કઈ રીતે જાણ થઈ એ વાતનું મંગલાચરણ કરી રહ્યો હતો અને એના મોંઢામાંથી થુંક ઉડીને નાથા પર છંટકાવ પામી રહ્યું હતું..
"મગન તમે લોકો જરા બહાર બેસોને પ્લીઝ મારુ માથું દુઃખે છે..." નાથાએ આ ''લોચો'' દૂર લઈ જવા
મગન સામે જોઇને કહ્યું..
"આવો વડીલ આપણે જરા બહાર બેસીને વાત કરીએ..પેશન્ટની તબિયત નાજુક છે.." મગને ચંપકનો જાડો હાથ પકડીને બહાર તરફ ખેંચ્યો..
"બડાબડ છે...કોઈ વાંઢો ની મલે.. જલ્ડી સાજા ઠેઈ જાવ પછી આવો આપડે ટાં
ગનપટના હુરટીના ગોટા એકડમ જ પ્રખ્યાટ મલે..આપને ખમન અને લોચ્ચો બી રાખીએ છીએ.." થુંકનો વધુ એક આછો ફુવારો નાથા ઉપર ઉડાડીને ચંપકે પોતાનું મોં દરવાજા તરફ ફેરવ્યું.
સ્વાતિ એ વખતે રૂમમાં દાખલ થઈ રહી હતી. મહાકાય ચંપકને જોઈને એ એકબાજુ ખસી.ચંપક એની સામે જોઇને હસ્યો.
"ટમે અહીં નર્સ છો કે ? જુઓ ટમે છે ટે બડાબડ ઢીયાન આપજો..આ માડા ખાસ સબંઢી મલે.. તમને મેં ખુશ કરી કાઢા.. નો પ્રોબ્લેમ..કોઈ પન લોચો ની પડવો જોવે..ખાસ ઢીયાન આપવું જ પડહે..હું હમજયા.." ચંપકે સ્વાતિને પણ આછો ફુવારો માર્યો..
કોણ જાણે શું ખાઈને આવ્યો હતો આજ.. ચંપકના મોમાંથી થુંક ઉડતું હતું..નાથો ભંયકર રીતે કંટાળ્યો હતો..જો આ ગોળીયો ઇન્સાન ચમેલીનો બાપ ન હોત તો ક્યારનો લોચો પાડી દીધો હોત નાથાએ..પણ આખરે એ મગનનો સસરો થવાનો છે એમ સમજતો હોવાથી નાથો ચૂપચાપ એને સહન કરતો રહ્યો..પણ સ્વાતિ તો એક નર્સ હતી..
"ઓ મિસ્ટર.. તમે મોં આડો હાથ રાખો.. તમારા મોં માંથી થુંક ઉડે છે..અહીં જીવાણું ફેલાય.. વાયરસ ફેલાય..માણસ બીમાર છે સમજ પડે છે કે નહીં.અને તમારે મને સૂચના આપવાની જરૂર નથી..ચાલો બહાર નીકળો.." સ્વાતિ હજુ રૂમની બહાર જ ઉભી હતી. ચંપક બહાર નીકળે પછી જ એ અંદર જઈ શકે એમ હતી.સ્વાતિએ ખીજવાઈને કહ્યું એ ચંપકને ખરાબ લાગ્યું. નાથા અને પોતાના ભાવિ જમાઈની હાજરીમાં એક બે બદામની નર્સે અને ઉતારી પાડ્યો એનું એને લાગી આવ્યું હતું..
"ઓ..જડા વ્યવસ્થિટ રિટે વાટ કડવાની.. ટું હજુ મને ઓલખટી ની મલે.. હું ચંપક કાંટાવાલા..એક ફરિયાડ કડવા તો તું નોકડીથી હાઠ ધોઈ બેઠવા...ઢીયાનમાં રાખજે.."ચંપક ખીજાયો.
મગન એનો એક હાથ પકડીને બહાર તરફ ખેંચી રહ્યો હતો. નાથો ડોળા કાઢીને મોં બગાડીને બેઠો હતો..સ્વાતિ પણ ગાંજી જાય એમ ન્હોતી.
"તો જાવ ને મહાશય..તમે એક નહીં દસ અરજી કરો..અમારી ફરજ અમે સમજીને જ કામ કરીએ છીએ..તમારા મોઢામાંથી થુંક ઉડે છે..તમે કોણ છો..
ચાલો બહાર નીકળો.. તમારી હાજરી પેશન્ટ માટે હાનિકારક છે..ચલો બહાર નીકળો.."સ્વાતિએ છેલ્લું વાક્ય જોરથી કહ્યું અને ગુસ્સાથી ચંપકને જોઈ રહી..
ચંપક એની હાકલથી થોડો ગુંચવાયો. પોતાની વધુ બેઇજ્જતી થાય એ પહેલાં બહાર નીકળવું જરૂરી છે એ એને સમજાયું. અને જમાઇરાજ પણ બહાર તરફ દિશા સૂચન કરી રહ્યા હતાં..
"ઠીક છે..પન ઢીયાન .."
"ઓ વડીલ..પ્લીઝ..મારું માથું દુઃખે છે..યાર..જાવને બહાર મગન સાથે બેસીને તમારો લોચો બહાર ખેંચી કાઢો.." નાથાએ કંટાળીને કહ્યું એટલે ચંપક ફરી બરસાખ સાથે ઘસાઈને સ્વાતિ સામે ડોળા ઘુમાવતો બહાર નીકળ્યો..
સ્વાતિ પણ મોં બગાડીને અંદર આવી. ચંપકની પાછળ મગન પણ બહાર નીકળી ગયો હોવાથી સ્વાતિએ દરવાજો બંધ કરી દીધો..એ જોઈને ચંપક મગનના મોં પર ફુવારો છોડીને ઓચાર્યો , "ટમે આ નર્સ લોકોનું ઢીયાન રાખજો
સાલી બહુ જ ખટરનાક હોય છે..અંડડ શુ ચાલી રહ્યું છે એ જોઈ લેવાનુ.. નહિટડ લોચો પડી જહે.."
"હા હા તમારી વાત બરાબર છે વડીલ..પણ એ નર્સ ખુબ સારી છે..ખૂબ સારી સારવાર કરે છે."મગને ચંપકથી સલામત અંતર રાખીને બેસતા કહ્યું.
"ટો વાંઢો ની.. બાકી કંઈ બી નખડા કડે તો કહી ડેજો.. મેં જોઈ લેવા..."
પછી મગનને પગથી માથા સુધી જોઈને આગળ ચલાવ્યું, " ટમારું નામ જ મગન ને ? ચમ્મુ ઘની વખટ વાટ કડતી છે તમાડી.. ટે
ડાડે હો મને કેય કે પપ્પા ચાલો માડી સાઠે.. મગનના મીટડનું એક્સીડેન્ટ થયેલું મલે..અને પૈહા પન જોશે..
મેં ટર્ટ જ એને લઈને આવી ગયેલો.." અવિરત ફુવારામાં પલાળેલા શબ્દો મગન તરફ ઉડવા લાગ્યા.
આ પોટલું કઈ રીતે તે દિવસે હોસ્પિટલ પહોંચ્યું એની રજે રજ માહિતી રજૂ કરી રહ્યું હતું.મગનને એની વાતમાં જરા પણ રસ નહોતો. એને અંદર સ્વાતિ અને નાથાના ગોઠવાઈ રહેલા ચોકઠામાં રસ હતો પણ ચંપક એનો રસ રેલાવી રહ્યો હોવાથી મગન સલવાયો હતો..
"હા..હા..મને ખબર છે વડીલ..તમે પૈસા લઈને આવી ગયા હતા.તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.. ચાલો હવે મારે પણ જવું પડશે.." મગને છટકવા માટે કહ્યું.એ સાંભળીને ચંપકે અટહાસ્ય કરીને મગનનો હાથ પકડીને ખેંચ્યો.મગન લથડીયું ખાઈને ચંપકની અડોઅડ એની બગલમાં દબાઈ ગયો..ચંપકે એનો હાથ મગનના ખભા ફરતે વીંટાળી દીધો.. મગન અજગરના ભરડામાં ફસાયેલા વાછડાની જેમ છૂટવા માટે હવાતિયાં મારવા લાગ્યો..કારણ કે ચંપકની બગલ પોતાની સ્પેશિયલ બદબુ મગન માટે મરણતોલ બની રહી હતી..
"અરે..યાડ જવાય છે.માડે તમાડી સાઠે કેટલીક અગટયની વાટ કડવાની મલે.. શું છે કે ચમ્મુ માડી એકની એક કાલજાના કટકા જેવી દિકડી છે..અને માડું સડવસ્વ માડી દિકડી જ છે..મેં માડા જાનથી પન વઢું એને ચાહટો છું..ચમ્મુને ખુશ કડવા માટે માડા જાન ની બી પડવા ની કરટો છું..
એની આંખમાં મેં કડી આંસુ ની જોયા..અને જોઈ બી ની શકું..એ તમને પસન્ડ કડતી છે..એક બાપ ટડીકે હું બઢું સમજટો છું..
નાટ જાટમાં હું માનટો નઠ્ઠી..માડી દિકડીને ખુશ રાખી શકે એવો કોઈ બી યુવાન માડો જમાઈ બની શકે છે...એક બાપની એવી જ ઈચ્છા હોય એ ટમે બી હમજી શકો છો.." મગનને બગલમાં દબાવીને ચંપક એક બાપ બની ગયો.એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.મગને ચંપકનો હાથ હળવેથી ખસેડયો અને થોડો દૂર જઈને બેઠો.
ઢીલા પડી ગયેલા ચંપકની
એને દયા આવતી હતી.
હવે આને સાચી વાત કહેવી કે નહીં એ વિચારે મગન મુંજાયો..સાલું સમય સર આની આંખ ઉઘાડવી જ પડશે. એકવાર જો આના ભરડામાં ભરાયો તો ખલાસ.પલંગમાં ગાદલું પાથરવાની જરૂર નહીં રહે અને હું આની જામેલી ચમેલી નામના ગાદલામાં ગોટો વળી જઈશ.."
મનોમન વિચારીને એ બોલ્યો, "જુઓ વડીલ, હું અને ચમેલી માત્ર દોસ્તો જ છીએ..માત્ર દોસ્તો.. સમજ્યા ? ચમ્મુ મારી એક સારી દોસ્ત છે..દોસ્ત..! તમે યાર કંઈક ઊંધું ચતુ ના સમજી બેસશો..તમે જે વિચારો છો એવું કંઈજ નથી..."
મગનની વાત સાંભળીને ચંપક થોડીવાર એની સામે જોઈ રહ્યો..
"ટો એમ વાટ છે..પન ચમ્મુ કેટી ઉટી કે ટમે બન્ને એકબીજાને પસન્ડ કડો છો..."ચંપક નિરાશ થઈને બોલ્યો..
"મેં ક્યાં ના પાડી..એક દોસ્ત તરીકે અમે એકબીજાને પસંદ કરીએ જ છીએ પણ પ્રેમ નથી કરતા..જે તમે વિચારો છો એવું કશું જ ની મલે" મગને ચંપકની કોપી કરતા કહ્યું..
"ઓ..હો..હો...એમ વાટ છે..સોડી હો..યંગમેન.. અમાડા જમાનામાં ટો આવી ડોસ્તી ની ઉટી..પન હવે તમે લોકો...હે..હે..હે."
ચંપકે ઉભા થઈને મગનના ખભે હાથ પછાડ્યો...
"બરાબર છે, વડીલ. એટલે જ મેં ખુલાસો કર્યો. ચમેલી મારી દોસ્ત છે એને હમેંશા મારી એક સારી દોસ્ત રહેશે.." મગને કહ્યું.
"કશો વાંઢો ની બેટા.. મને જડા એ લાગેલું.." કહીને ચંપક નિરાશ થઈને ચાલવા લાગ્યો..
એની પીઠ પાછળ મગન બબડયો, "ચમ્મુ ડાર્લિંગ મારા દિલના દરવાજે ટકોરા મારીને અંદર ઘૂસવા માંગે છે પણ મારા દિલમાં એક દોસ્ત તરીકે જ રહેશે.. મારા દિલની રાણી તો કોઈ ઓર જ હશે.."
ચંપક ગયો એટલે મગને દરવાજાને હળવેથી ધક્કો માર્યો. અંદરનું દ્રશ્ય જોઈને એનું દિલ ખુશ થઈ ગયું..
નાથો સ્વાતિની ગરદન પકડીને એના હોઠ ચૂમી રહ્યો હતો..અને સ્વાતિ પૂરેપૂરો સાથ આપી રહી હતી.સ્વાતિની પીઠ મગન તરફ હતી એટલે દરવાજો ખુલવાના અવાજે એ ઉભી થવા ગઈ પણ નાથાએ એને જકડી રાખી હતી..
નાથાએ મગનને થમ્સ અપની સંજ્ઞા કરીને બહાર જવા ઈશારો કર્યો..એટલે મગને તરત જ બહાર નિકળીને દરવાજો બંધ કરી દીધો..
"મારો બેટો..ધાર્યા બહાર નીકળ્યો..નાથિયો સાલ્લો મને બનાવી ગયો..કેમ કરાય..કેમ પુછાય...વિચાર છે કે નહીં... વગેરે મને પૂછીને જાણે એને કંઈ ભાન જ પડતી ન હોય એમ સાવ ડફોળ હોવાનો ઢોંગ કરતો રહ્યો અને ઠેઠ પહોંચી ગયો..''મગન ખુશ થઈને હસી પડ્યો.
* * * * * * * * * * * * *
"રેસમાં દોડતા ઘોડા, રેસ જીતવા માટે દોડતા હોય છે એમની ઉપર રેસ જીતવાનું માનસિક પ્રેશર હોય છે..જ્યારે હરિયાળા મેદાનમાં પોતાની મરજીથી દોડતા ઘોડાના મન એકદમ પ્રફુલ્લિત હોય છે..હું એવો હરિયાળા મેદાનમાં નિરાંતે ચરતો અમે મન થાય ત્યાં હરતો ફરતો ઘોડો છું..અને તું પણ એ રમણીય વિસ્તારમાં અનોખી અદાથી તારું પૂંછડું હવામાં ફંગોળીને લહેરાવી રહી છો અને અમે તારી આ અદાના દીવાના છીએ..શા માટે તું તારા જીવનને માણતી નથી.મારી વાત તું માન,પ્રેમના પંથને તું હજુ જાણતી નથી...એકલવાયું જીવન તો સૂકા રોટલા જેવું સ્વાદ વગરનું જ હોય છે..તારા સુકાઈ જતા આવરણો તને એકલતાની ઊંડી ખાણમાં લઈ જઈ રહ્યા છે..તું મારો હાથ પકડી લે..હું તને રંગીન દુનિયાની સફરે લઈ જવા માંગુ છું...જ્યાં માત્ર સુખ, આનંદ અને પ્રેમના અગણિત ઉપવનો છે..
તારિણી તારું એકલવાયું જીવન તને ખાઈ રહ્યું છે..હું આ જોઈ શકતો નથી..
આવ તું મારી રાહોમાં હવે..
આવ તું મારી બાહોમાં, કહું છું હું રસિક દવે...
આશા રાખું તારા દિલમાં પ્રેમ ઉદભવે..
લે,હાલ્ય હવે..
તારો થવા મથતો અને રસ પૂર્વક તારામાં રસ લેતો રસિક દવે..
નથી સમજાતું કે શું કરવું હવે...
રસિક દવેનો પત્ર વાંચીને તારીણીથી હસ્યાં વગર ન રહેવાયું.
"સાલ્લો બુઢ્ઢો...આદુ ખાઈને મારી પાછળ પડી ગયો છે..સલ્લાના હાથપગ તો ભંગાવવા જ પડશે. કોઈને સોપારી આપીને રસ લેતા રસિકને ઓછામાં ઓછા છ મહિનાનો ખાટલો આવે એવું કરવું પડશે.." તારીણીએ વિચાર્યું. કારણ કે રૂબરૂમાં તો એ રસિકનો બચ્ચો આડું અવળું બોલીને બકવાસ કરતો અને મગજની પથારી ફેરવી નાખતો હતો.
તારિણીને નાથો અને મગન યાદ આવ્યાં. ઘણા દિવસોથી ચમેલી પણ દેખાતી નહોતી.."હા એ બે છોકરાઓ કદાચ આ રસિકને સીધો કરી શકે એવા છે..પણ એ બન્નેને ક્યાં પકડવા..હા ચમેલીને ખબર હોય ખરી..પણ ચમેલીના ઘેર ફોન કરવામાં પેલો ચંપક ચોટશે એવું જોખમ હતું..
એકાએક તારીણીને એક વિચાર આવ્યો.એના હોઠ ઉપર સ્માઈલ આવી ગયું.
એણે ચંપકના ઘેર ફોન લગાડ્યો..
"હેલો..ઓ.."અવાજમાં શક્ય હોય એટલી સુગર ભેળવીને તારીણીએ હેલો કર્યું..
તે દિવસની જેમ જ બપોરનો સમય હતો. ચંપક પોતાના મહાકાય પેટને લઈને ઓછીકું બગલમાં દબાવીને ઘોરતો હતો..
બપોર વચ્ચે કોઈપણ ફોન કરે એ ચંપકને બિલકુલ ગમતું નહીં.."બેન@# કોન બપોડ વચ્ચે રિંગ માડતું છે.."સુરતી ગાળ બોલીને ચંપકે રીસીવર કાને લગાડયું.
અંધારા ઓરડામાં એકાએક અજવાળું પથરાઈ જાય એમ ચંપકના
દિલો દિમાગમાં ઉજાસ છવાઈ ગયો...
કાનમાં તારીણીના અવાજની મધુર ઘંટી બીજી અને ચંપક પલંગમાં ઉછળી પડ્યો. રીસીવર હાથમાંથી છટકીને ઉલળી ગયું..ચંપકે ઝાપટ મારીને રીસીવર પકડ્યું..
"હા...હા...હેલો...હેલો....
તાનીની મેડમ..ચંપક બોલટો છું...બોલોની..કેમ યાડ કડયો..?"
"હેલો ચંપકજી.." સામેથી ફરીવાર જાણે કે રૂપાની ઘંટડી રણકી..
ચંપકની આંખમાં રહી સહી ઊંઘ પણ ઉડી ગઈ..
તાનીની મેડમનો ફોન આવ્યો છે..ખડા બપોડે મને યાડ કડટી છે..હું મૂડખ
નો સડડાડ ઘોડતો છું..અને એવી એ માડી યાડમાં ઝૂડતી છે..બપ્પોડે પણ સુટી ની મલે..
"હયલો..તાનીની મેડમ..
બોલોની..." ચંપકનું હૈયું જોર જોરથી ધડકવા લાગ્યું..
"ચંપકજી..કેમ છો મજામાં ?" તારિણીએ ફરી ટંકોરી બજાવી.
"હો હો હો...એકડમ મજ્જામાં છું..બોલો..ટમે કેમ છો..અમ્મે ટો ટમને બોવ જ યાડ કડટા છે.."
"તમે મને મળવા આવશો..? મારે તમારું ખાસ કામ છે..પ્લીઝ.." તારીણીએ રણકારમાં શણગાર ભેળવ્યો..
ચંપકનું હૈયું હાથ રહેતું નહોતું..તાનીની મેડમ બોલાવટી છે..પ્લીઝ કહેટી છે..ચંપકીયા..ટાડા ટો નહીબ જ ખુલી ગેલા મલે..
''અત્યાડે જ આવટો છું.. પન ટે ડાડે તમે વેલન નો છુટ્ટો ઘા કડેલો..પહી મને
ઢકકો બી મારેલો...મને એ વાટનું બોવ જ ખોટ્ટઉ લાગેલુ મલે.. મેડમ..આ વખટે બી એવું તો ની કડોને..?" ચંપકને છેલ્લી મુલાકાત યાદ આવી..
"ઓહ સોરી ચંપકલાલ..એ દિવસે જે બન્યું એ પછી મેં ખૂબ વિચાર કર્યો..તમે ઘણા સારા માણસ છો.મારે તમારી મદદની જરૂર છે..તમે સાંજે પાંચ વાગ્યે મારા ઘેર આવશો ? એકલા..?''
"હેં..? એકલો આવું ? ટમે બી એકલા જ હસો ? સાંજે આવું ? " ચંપક જાણે કે હવામાં તરતો હતો..આનંદના અતિરેકમાં જરા જોરથી બોલાઈ ગયું.
અને બાજુમાં આરામ ફરમાવતી હન્સા હલીને ખલબલી મચાવવા તૈયાર થઈ હતી એ ધ્યાન બહાર રહી ગયું..દીવાલ પર ચોંટેલા ચકલા જેવા એના નાકના ફોયણા ફૂલી ગયા હતા. હન્સા,તારીણી મેડમને મળવા ઉતાવળા થયેલા ભરથારને ભારે હવે ભારે પડવાની હતી..આ પહેલા પણ બન્ને બાપ દીકરી ક્યાંક કમાણી કરી આવ્યા હોવાની માહિતી એને દુકાનમાંથી પ્રાપ્ત થઈ હતી...
* * * * * * * * * *
રામો ભરવાડ અને જોરુભા મોહનનગરના નાકે પાનના ગલ્લે બેઠા હતા..ભીમજીએ આપેલી માહિતીના આધારે નરશી માધાના કારખાનેથી આખી તિજોરી ઉપાડવાની ફુલપૃફ યોજના ઘડાઈ ગઈ હતી.
"નંદુ ડોશીની વાડીમાં નરશી માધાનું ખાતું છે. ભીમલો સાથે જ આવશે એટલે આપડે ગોતવું નહી પડે.. રાતે અઢી વાગ્યે પડીએ..કારખાનાના મેન ગેટ ઉપર કલેપ્સીબલ ગ્રીલ મારી છે અને ત્રીજા માળે એનું કારખાનું છે. ભોંયતળીએ વાહન પાર્કિંગ છે પહેલે અને બીજે માળે બીજા બે કારખાના છે.. રાતે અમુક કારીગરો કારખાનામાં જ સુવે છે..
એટલે ગોકીરો નો થાય ઈનું પણ ધ્યાન રાખવું પડશે.. તિજોરી તોડવાનું આપડું કામ નહીં એટલે ઉઠાવીને મેટાડોરમાં ચડાવી દેશું..
ઓસામા ઓસા દહથી બાર જણ હોય તો માંડ ઉપડે એટલી ભારે હશે કદાસ..મેં તો કોય દી ભાળી નથી..રાતે તીજા માળેથી ઉતારીને ટેમ્પામાં ચડાવી દેવી અટલે કામ પૂરું..પણ લઈ ચ્યાં જાશું ઇ તમે કયો..!''
રામ ભરવાડે પોતાની બુદ્ધિ પ્રમાણે યોજના સમજાવી. જોરુભા એને તાકી રહયા...
(ક્રમશ :)