param ane pihu - 2 books and stories free download online pdf in Gujarati

પરમ અને પિહુ - યસ, આઇ અન્ડરસ્ટેન્ડ ડિઅર - 2

...(૧)...

"તારો જવાબ હા હશે કે ના, મને ખબર નથી. પણ એક વાત ચોક્કસ કહીશ કે તું પહેલા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. મેં તને પ્રેમ કર્યો છે પણ કદાચ તે એ રીતે ક્યારેય વિચાર્યું જ ન હોય તેવું બને. આજે હું તને પ્રપોઝ કરવા જઈ રહ્યો છું, મને ખબર નથી આના પછી તારું રીએકશન કેવું હશે. કદાચ તું હંમેશા માટે મારા થી દુર જતી રહીશ, કદાચ તું માત્ર દોસ્તી સુધી સીમિત રહેવા માંગતી હોઈશ કે કદાચ તું મારું પ્રપોઝલ સ્વીકારી લઈશ.

તારી જિંદગી પહેલા તારી પોતાની છે અને માત્ર તને જ હક છે એના વિશે નિર્ણયો કરવાનો. તું આરામ થી વિચારી ને જવાબ આપવા માંગે તો પણ મને વાંધો નથી. તારો દરેક જવાબ મને મંજૂર રહેશે અને એનાથી આપણા અત્યારના સંબંધ માં કોઈજ ફરક નહીં પડે. જો તને મંજૂર હોય તો આવી ને મને ગળે લગાડી લેજે અને ન મંજૂર હોય તો બસ એક સ્માઈલ આપી દેજે. હું તારી રાહ જોઇશ.
- તારો પરમ"

આ શબ્દો હતા પરમ એ પિહું ને પરીક્ષા પહેલા લખેલા પત્રના, જેનો જવાબ પરમ ને તે દિવસે નહોતો મળ્યો. પછી પિહુ એ લગ્ન ની કંકોત્રી મોકલી અને સાથે પરમ ને જવાબ પણ મળી ગયો. પરમ અને પિહુ વચ્ચે જે સમજણ ભર્યા સંબંધો હતા એના લીધે પરમ ને બહુ દુઃખ થયું ન હતુ, પણ હા, એ ચોક્કસ થોડો ડિસ્ટર્બ થયો હતો.

ત્યારબાદ થોડા જ દિવસોમાં પરમ એ પોતાની જિંદગી ને વધુ બહેતર બનાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા. એક સંબંધ માં મળેલી નિષ્ફળતા એ તેના બીજા સંબંધ પર કોઈ ખાસ અસર પહોંચાડી ન હતી. તે બધું જ બાજુ પર મૂકીને પોતાના સપના પુરા કરવા તરફ ધ્યાન આપવા લાગ્યો. ફોટોગ્રાફી ના શોખ ને તેણે પોતાનો વ્યવસાય બનાવી લીધો. થોડો સમય સ્થાનિક ફોટોગ્રાફર પાસેથી વ્યવસાયિક તાલીમ લીધા બાદ તેણે એક વિદેશી પ્રખ્યાત ફોટોગ્રાફર સાથે કામ કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા અને તેમાં તે સફળ પણ થયો. તે વિદેશ ચાલ્યો ગયો.


...(૨)...

આ બધું બન્યા ને બે વર્ષ જેવો સમય વીત્યો. વિદેશમાં ખૂબ પૈસા કમાયા બાદ પરમ હવે ભારત માં રહીને કંઇક કરવા માગતો હતો. એ ભારત પરત ફર્યો. બરાબર એ સમયે જાન્યુઆરી મહિનામાં લગ્ન સરાની મૌસમ ચાલતી હતી. અને એને વિચાર આવ્યો યુનિક વેડિંગ ફોટોગ્રાફી નો. તેણે એવા લોકો જે મોંઘી ફોટોગ્રાફી અને આલ્બમ ના ખર્ચાઓ કરી શકે તેમ ન હોય તેવા વ્યક્તિઓ માટે ઓછા બજેટ માં સારી સેવા આપવાનું નક્કી કર્યું. પોતાની ટ્રેનીંગ નો ભરપુર લાભ એને મળ્યો. જોત જોતામાં એ તેના શહેર માં ખૂબ પ્રખ્યાત બની ગયો. આખા શહેર માંથી મિડલ ક્લાસ ફેમિલી ના ઓર્ડર એને મળવા લાગ્યા.

એક દિવસ એને એક ફોન આવ્યો.
' હલ્લો, પરમ બોલે છે?'
' હા, બોલું છું, આપ કોણ?'
' પરમ, હું મિલન બોલું છું, મારે રિસેપ્શન ની ફોટોગ્રાફી માટે તમને મળવું હતું.'
' જી, બિલકુલ. સાંજે મારી ઓફિસ પર આવી શકો તો ત્યાં મળીએ '

ઔપચારિક મિટિંગ પછી પરમ એ ઓર્ડર લઈ લીધો. મિલન એ પરમ ને ઇન્વિટેશન કાર્ડ આપ્યું. "રિસેપ્શન સેરેમની ઓફ મિલન એન્ડ માનસી". ઇન્વિટેશન કાર્ડ જોઈ પરમ ને પીહુ નું બ્લેન્ક કાર્ડ યાદ આવી ગયું. પણ પરમ પોતાની લાઈફ માં ખૂબ જ વ્યસ્ત થઈ ગયો હતો અને બધું જ પાછળ છોડી આવ્યો હતો. ભૂતકાળ ના વિચાર થી એને બહુ ફરક ન પડ્યો. કાર્ડ માં દર્શાવેલ સમય પહેલા જે તે સ્થળે એ પહોંચી ગયો.

લગ્ન ની હલચલ, દોડાદોડી, ઢોલ નગારા અને શરણાઈ ના સૂર, આ બધું જ પરમ ને એક અલગ આનંદ આપતું. જેના લીધે એની ઓળખ બની હતી એમાં ક્યાંક આ સુરો અને આ હિલચાલ વણાયેલા હતા. તેણે પોતાનું કામ શરૂ કર્યું એટલા માં એક અવાજ સંભળાયો. આટલા શોર બકોર માં પણ પરમ ના કાન એ અવાજ તરફ મંડાયા. વર્ષો પહેલાં સાંભળેલો અવાજ ફરી વખત એને કાને પડ્યો. કંઇક તો ખાસ હતું એ અવાજ માં, એટલે જ તો એ માહોલ માં પણ પરમ નું ધ્યાન એ અવાજ તરફ દોરાયું હતું.

સામે જોયું તો એજ જાણીતો ચહેરો, જેને વર્ષો પહેલા પરમ રોજ જોતો હતો, આંખો બંધ કરતા જ જે ચહેરો સામે આવી જતો હતો. આજે પણ એ ચહેરા માં કોઈજ ફરક નહોતો. ઘડી ભર માટે તો પરમ અવાક બની ગયો. બેગ માંથી કંકોત્રી કાઢી ફરી વખત નામ સરનામું વાંચ્યા. ક્યાંક એ ખોટા સરનામે તો નથી આવી ગયો ને એવો પ્રશ્ન એણે મનમાં પૂછી લીધો. પણ ના, એ બરાબર જગ્યા એ જ હતો. એટલા માં ન્યુલી વેડેડ કપલ આવી પહોંચ્યું સ્ટેજ પર. દુલ્હન નો ચહેરો જોઈ પરમ બધું જ પામી ગયો. માનસી એટલે પિહૂ ની સાથે એના સ્કુટર પર રોજ ક્લાસિસ સુધી આવતી પીહું ની ફ્રેન્ડ.

માનસી ને પણ ખબર ન હતી કે આ ફોટોગ્રાફર એ બીજો કોઈ નહિ પણ પિહુુ નો બેસ્ટ ફ્રેન્ડ હશે. ફરી એક વખત ભૂતકાળ નું પુનરાવર્તન થવા જઈ રહ્યું હતું. ફરી એક વખત પિહુ પરમના જીવન માં આવી હતી. જેને એ યાદ પણ નહોતો કરતો એ, એનો પ્રેમ આજે ફરી વખત એની સામે હતો. શું કરવું એ એને ન સમજાયું. તરત એણે વાત ઉચ્ચારી.

"શેલ વી સ્ટાર્ટ?"
"ઓહ, યસ!"
તરત જ મિલન એ મોઢું હલાવી ને ફોટોગ્રાફી શરૂ કરવા કહ્યું.
પરમ ના મગજ માં સવારથી બસ એક જ વિચાર ચાલી રહ્યો હતો, પિહુ સાથે વાત કરવી કે નહીં? કરવી તો શું?

ઘણા બધા પ્રશ્નો એ પરમ ને ઘેરી લીધો.
'શા માટે આજે હું અહી આવ્યો?'
'શું પિહુ હજુ પણ મારી સાથે ફ્રેનડશીપ રાખશે?'
'તે એકલી આવી હશે? એનો પતિ આવ્યો હશે?'
'એ મને એના પતિ સાથે મળાવશે?'
'એને એના પતિ સાથે સુમેળ તો હશેને? હું એને મળીશ તો એ બન્ને ને કોઈ તકલીફ નહી થાય ને?'
' આમ તો હું એને નહી બોલવું, રિસેપ્શન પતાવી ને તરત નીકળી જઈશ, એને કોઈ તકલીફ ન થવી જોઈએ '....

બધું પત્યા પછી પરમ નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. એટલા માં મિલન આવ્યો અને કહ્યું - તું માનસી નો કોમન ફ્રેન્ડ જ છે ચાલ અમારી સાથે જ જમી લે. પરમ ની ઈચ્છા ન હતી પણ પિહુને મળવાનો મોકો છૂટી જશે એવું વિચારી એ બધાની સાથે જ જમવા બેસી ગયો. વાત માંથી વાત કાઢી પરમ એ પિહુને એના પતિ વિશે પૂછી લીધું. પિહુ એ કહ્યું કે એના લગ્ન થયા જ નથી. લગ્ન ના એક સપ્તાહ પહેલા પિહુને એના પતિના અન્ય કોઈ સ્ત્રી સાથે ના સંબંધો ની ખબર પડી અને તેણે સગાઈ તોડી નાખી.

આ પછી બન્ને વચ્ચે ચર્ચા શરૂ થઈ.
"તો આ વાત તે મને શા માટે ન કરી? હું કંઇક સમાધાન શોધી લેત"
" હું ખૂબ જ ડિસ્ટર્બ હતી અને ઉપરથી મેં તને લગ્ન માં આવવાની ના પાડી હતી એટલે આ બધી વાત હું તને ક્યા હક થી કરતી?"
" કમ ઓન યાર! તું એ ભૂલી ગઈ કે આપણે બેસ્ટ ફ્રેન્ડ્સ હતા? એક વાર યાદ તો કર્યો હોત મને."
" ચલ છોડ એ બધું, થવાનું હતું એ થયું. તું કહે શું ચાલે છે, તું તો બહુ ફેમસ થઇ ગયો છે યાર"
........
........
.......
મોડી રાત સુધી બન્ને રિસેપ્શન ના સ્થળ પર જ વાતો કરતા રહ્યા. એક બીજાના નંબર લીધા અને પછી છુટ્ટા પડ્યા. પરમ ને એના વર્તન થી જરાય મનદુઃખ નથી થયું એ વાત જાણી પિહુ ને નિરાંત થઈ. એને સ્માઈલ કરવાનું એક રિઝન મળી ગયું.


...(૩)...

પરમ પણ એકલો હતો અને પિહુ ના પણ લગ્ન તૂટી ગયા હતા. પરમ હવે સંસાર શરૂ માંગતો હતો. પોતાનો પ્રેમ ફરી એક વખત એના જીવન માં પાછો આવ્યો છે એમ વિચારી એ ખૂબ ખુશ હતો. પિહુ હવે ફરીથી પરમ ને મળવા લાગી. બન્ને ની કેમેસ્ટ્રી ફરી થી જામવા લાગી હતી.

ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો હતો અને વેલેન્ટાઇન વીક પણ શરૂ થવા માં હતું. વીક નો પહેલો દિવસ એટલે કે રોઝ ડે ના દિવસે પરમ એ પિહુ ને મળવા બોલાવી પણ પિહુ એ બીજા દિવસે મળવા આવવાનું પ્રોમિસ આપ્યું. અને કહ્યું કે કાલે તને હું એક સરપ્રાઇઝ આપીશ.

બીજા દિવસે પ્રપોઝ ડે હતો. પરમ અત્યંત રોમાંચિત થઈ ગયો. પિહુ એને આવતી કાલે પ્રપોઝ કરશે એ વિચારથી એને આખી રાત ઊંઘ ન આવી. સવારે ૮ ક્યારે વાગે એની રાહ જોતો જોતો એ પથારી માં આળોટવા લાગ્યો. આમતેમ પડખા ફરવા લાગ્યો. રાત્રી ના એ ૬ કલાક એને ૬ સદી જેવા લાગ્યા. બીજા દિવસે સવારે ૬ વાગ્યે ઉભો થઇ ફટાફટ તૈયાર થઈ એ મિટિંગ પ્લેસ પર પહોંચી ગયો. વારે ઘડીએ ઘડિયાળ તરફ જોયા કરતો. ૮:૦૦, ૮:૦૫, ૮:૧૦ થઈ પણ પિહુ ન આવી. પરમ એ ફોન કર્યા પણ એણે ઉઠાવ્યા નહી. એટલે ધીરજ ના ફળ મીઠા હોય એમ સમજી એની પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.

એટલા માં પિહુ ત્યાં આવી. પરમ કંઈ બોલે એ પહેલા જ એણે એની માફી માંગી લીધી અને આંખો બંધ કરવા કહ્યું. પરમ આંખો બંધ કરીને ઉભો રહી ગયો. પિહુ એક પગે નીચે બેસીને એને રેડ રોઝ આપીને હમણાં બોલશે કે "વિલ યુ મેરી મી?" અને હું પણ એને મોટેથી "યસ, આઇ વીલ" કહી દઈશ એવું વિચારતો હતો ત્યાં જ પિહુ એ પરમ ને આંખ ખોલવા કહ્યું.

પરમ એ આંખો ખોલી ત્યાં સામે એક ત્રીજો ચહેરો દેખાયો. પિહુ એ પરમ ને કહ્યું "આ હિરેન છે, અમે માનસી ના મેરેજ વખતે મળ્યા હતા. ત્યારથી એ મને પસંદ કરે છે અને મારી સાથે આખી જિંદગી વિતાવવા માગે છે. "
"હિરેન, આ પરમ છે, મારો બેસ્ટ ફ્રેન્ડ. એક માત્ર એવી વ્યક્તિ જે આજ સુધી મને સમજે છે."
"પરમ, જ્યારે આપણે મળ્યાં ત્યારે જ હું તને એની સાથે મળાવવા માંગતી હતી. પણ મને ડર હતો કે કદાચ તું મને નહી સમજી શકે તો? પણ એટલા દિવસો માં મને સમજાઈ ગયું કે હું તારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છું.
હું પણ હિરેન ને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. અને હા! આ વખતે પહેલી કંકોત્રી તને આપીશ અને તારે આવવાનું જ છે.
આઇ હોપ, યુ વિલ અન્ડરસ્ટેન્ડ."

"ઓહ! કોન્ગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ."

પોતાના પેન્ટ ના ખિસ્સા માં છુપાવી રાખેલી વીંટી પરમના હાથ માંજ દબાયેલી રહી ગઈ અને ફરી એક વખત એ માત્ર એટલું જ બોલી શક્યો - "યસ! આઇ અન્ડરસ્ટેન્ડ ડિઅર."


- પાર્થ ગઢવી 'પરમ'