Shikshan V S kelavani books and stories free download online pdf in Gujarati

શિક્ષણ V S કેળવણી

નમસ્કાર સારસ્વત મિત્રો. આજે હું એક એવા વિષય પર વાત કરવા માંગુ છું, જે કદાચ આજની શિક્ષણ વ્યવસ્થામાં લુપ્તતાના આરે આવીને ઉભો છે. એ વિષય છે ‘કેળવણી’.

★ પ્રસ્તાવના

આ વિષય કંઇ નવો નથી કે તેનાથી કોઈ અજાણ પણ નથી. તેમ છતાં સૌ તેને નજરઅંદાજ કરે છે. ‘શિક્ષણ’ શબ્દ અંગ્રેજોની દેન છે. શિક્ષિત હોવું એટલે શું ? માત્ર કોઈ ભાષા લખતા કે વાંચતા આવડી જાય એટલે તે વ્યક્તિ શિક્ષિત ? (હા, વ્યાખ્યાતો આવું જ કંઈક કહે છે.) ને આવું સાર્વત્રિક બને એટલે સમૂહ, સમાજ, રાજ્ય કે દેશ શિક્ષિત થઇ ગયો. (પછી ભલે ને તેને કચરા પેટીમાં કચરો નાખવાનું ભાન ન હોય, જાહેર સ્થળોની જાળવણીની પરવા ન હોય.)

વિદ્યાર્થી સ્પર્ધામાં શિક્ષકે લખી આપેલ ‘પર્યાવરણ બચાવો’ વિષય પરની સ્ક્રીપ્ટ કડકડાટ બોલી ગયો એટલે શિક્ષક રાજી. (‘શિક્ષક’ એ નવું લટકણીયું છે, બાકી તો મજા હતી પેલા ‘ગુરુજી’ સંબોધનમાં; જે બોલતાની સાથે જ હ્રદયમાં પુજ્યતાનો ભાવ પ્રગટે) તે સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો એટલે વિદ્યાર્થી રાજી. તેની ટ્રોફીને ઘરમાં શો-પીસ તરીકે રાખી તેના માતા-પિતા રાજી. ને બસ આમ જ સૌ એક-બીજાને રાજી રાખવાની રમત રમીએ છીએ. પણ ખરેખર વૃક્ષોનું જતન કરવાની સમજ તે બાળકોમાં આપણે રોપી શકતા નથી. જ્યાં-ત્યાં કચરો ન ફેંકવાની શિસ્ત તેનામાં લાવી શકતા નથી. માતા-પિતા, ગુરુનો આદર કરવાના સંસ્કારો તેનામાં સીંચી શકતા નથી.

આજે હજારો-લાખો ખરચી માતા-પિતા સારી શિક્ષણ સંસ્થામાં ઉત્તમ સાધન સગવડ વચ્ચે પોતાના બાળકને શિક્ષિત કરે છે, ને શિક્ષણ સંસ્થાઓ આવી સગવડો પોતાના સંકુલમાં હોવાની જાહેરાતો આપી સૌને આકર્ષે છે. ( માફ કરજો, પણ તેની સામે ગાંધીજી અને ગીજુભાઈની કેળવણી આપતી સંસ્થાઓ પ્રત્યે સૂગની નજરે જોવાય છે; ને ક્યારેક મશ્કરી પણ સાંભળવા મળે છે.) વિદ્યાર્થી બિચારો દિવસ-રાત સ્કૂલ અને કલાસીસ વચ્ચે અથડાતો-કૂટાતો ગોખણપટ્ટી કરીને સારા ટકા લઇ આવે છે. સરસ !!! આંમાં કંઈ ખોટું કે ખરાબ નથી. આવા અનેક વિદ્યાર્થીઓ ૯૫% લાવવા છતાં માતા-પિતાની અપેક્ષા કરતાં એકાદ ટકો ઓછો આવ્યાથી કે એક-બે પોઈન્ટ માટે પોતાની પસંદગીની કારકિર્દી ન મેળવી શકવાથી માનસિક તાણ અનુભવે છે. ક્યારેક તો ‘નાપાસ’ જેવો માત્ર ત્રણ અક્ષરનો ટૂંકો શબ્દ સાંભળતાં જ આખું આયખું ટૂંકાવી દે છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા અનેક વિદ્યાર્થીઓ બેકાર ફરે છે અને પોતે આટલા વર્ષો આવા બેકારીના શિક્ષણ પાછળ બગાડ્યા હોવાનો અફસોસ કરે છે. શું તમને નથી લાગતું કે આજની શિક્ષણ વ્યવસ્થામાં કંઈક ખૂંટે છે. એવું તે શું બાકી રહી જાય છે જે ઉચ્ચશિક્ષણ મેળવેલ વિદ્યાર્થી પણ તેનાથી વંચિત રહી જાય છે. એ બાકી રહી જતું છે, ‘કેળવણી’.

ચાલોને, થોડા વર્ષો પાછળ જઈએ અને આપણી ભવ્ય કેળવણીની પાઠશાળાઓને સમજીએ. ક્યારેય કોઈ આશ્રમોમાં મોટા બિલ્ડીંગો હતા ? કોઈ આશ્રમમાં ઉચ્ચ ફી હતી ? જાહેરાતોનાં બેનર હતા ? સાધન-સુવિધા હતી ? ઇનામો કે ટ્રોફીઓ હતી ? છતાં દુનિયાને વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠોની ભેટ તો ભારતે જ આપી હતી. (ને અંગ્રેજોનાં શાસનના પરિણામે જ સૌને માટે શિક્ષણ મેળવવું શક્ય બન્યું છે, સાધન-સુવિધા દેશમાં આવી છે તેવા ગર્વથી ગુણગાન ગાઈએ છીએ. પણ આપણી ભવ્ય પાઠશાળાઓનો ભોગ લેવાયાનો કે પ્રાચીન ગ્રંથોનો નાશ પણ એ જ અંગ્રેજોએ કર્યો હોવાનો લેશમાત્ર પણ વસવસો નથી આપણને.) તે આશ્રમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાનાં દાખલા નથી. બેરોજગાર રખડતા હોવાનાં કોઈ પૂરાવા નથી. આવું કેમ ?

એનો જવાબ છે ત્યાં શિષ્યને (વિદ્યાર્થીને !!!) માત્ર શિક્ષિત જ કરવામાં ન આવતા, પરંતું તેમને કેળવણી આપવામાં આવતી. એ કેળવણી જે તેને જીવનનાં દરેક તબક્કે ઉપયોગી થતી. આજે હું અને તમે બધા જ એવી સિસ્ટમમાં છીએ જ્યાં આપણે પરિણામને ધ્યાનમાં રાખીને જ સતત દોડતા રહેવાનું છે. પણ આવા માહોલ વચ્ચે પણ થોડી પળો ચોરીને આપણે કેટલાક એવા કામો જરૂર કરી શકીએ જે બાળકને જીવન સંગ્રામમાં ઢાલની જેમ (તલવારની જેમ નહિ) કામ આવી શકે.

★ સ્વચ્છતા

“પહેલું સુખ તે જાતે નર્યા” આ વાક્ય કંઈ આજ-કાલની મેડીકલ ક્ષેત્રની નવી શોધ નથી. આતો વર્ષોથી સાંભળવા મળતું વાક્ય છે. આપણે તેને માત્ર સુવિચાર ન બનાવતા તેને બાળકોમાં સદાચાર બનાવીએ. કપડાની અને શરીરની સ્વચ્છતા કેમ રાખવી તેની સમજણ આપીએ. મેલા કપડા કે ગંદા શરીરે આવનાર બાળકને ધમકાવી ઘરે કાઢી મુકવાના બદલે તેના માથા પર પ્રેમથી હાથ ફેરવી તેને સ્વચ્છતાનું મહત્વ સમજાવીએ. ક્યારેક વાળ બરાબર ન રાખનાર વિદ્યાર્થીને કહેવા કરતાં આપણે જ આપણા કાંસકાથી તેના વાળ બરાબર કરી આપીએ. આ પાઠ બાળક જીવનભર નહી ભૂલે. શક્ય હોય તો વર્ગખંડમાં જ (પ્રાથમિક સારવાર પેટીની સાથે જ) સોય-દોરો, બટન, અરીસો, નાખકાંપણી અને કાંસકો વગેરેની પેટી રાખીએ તો કેવું સારું.
વર્ગખંડ કે મેદાનની સફાઈ કરવાનાં માત્ર હુકમો ન આપતા ક્યારેક આપણે પણ હાથમાં સાવરણો લઈએ. (પછી મજાલ છે કોઈ વાલીની કે પોતાના બાળકો પાસે સફાઈ કારાવતાં હોવાની ફરિયાદ લઈને આવે. ફરિયાદ લઈને આવનાર વાલીનું માથું પણ શરમથી જૂકી જશે.) મને ખબર છે આ વાંચી તમારા નાકનું ટેરવું ચડી ગયું હશે. તમે કહેશો કે બસ હવે બાકી રહ્યું તે હવે સાવરણો પણ પકડીએ !!!! જ્યારે શાળાનો દરેક શિક્ષક નિયમિત મેદાનની સફાઈ કરતો જોવા મળશે તે દિવસે ‘સ્વચ્છતા અભિયાન’ નામશેષ થઇ જશે. કચરો કચરાપેટીમાં જ નાખો એવા ભાષણની જરૂર નહી રહે. કારણ કે ભોળા બાળકોમાં હંમેશા આપણું જ પ્રતિબિંબ ઝીલાતું હોય છે.

★ શિસ્ત

સૌથી મોટો શિસ્તનો પાઠ આપણે આપણા વર્તનથી જ વિદ્યાર્થીને ભણાવી શકીએ છીએ; નહીં કે ભાષાણો કે લાકડી દ્વારા.

આપણે દરરોજ વર્ગખંડમાં દાખલ થતા જાતે જ આપણું ટેબલ-ખૂરશી સાફ કરીએ. આપણા ઉપયોગના તમામ પુસ્તકો, રજીસ્ટર વગેરેને વ્યવસ્થિત કવર ચઢાવીને રાખીએ. (વર્ષની શરૂઆતમાં પુસ્તકને કવર કેમ ચઢાવવું તેનાં એક-બે તાસ લઈએ તો કંઈ વાંધાજનક નથી) ટેબલ પર ચોક, ડસ્ટર, પુસ્તકો અને સ્ટેશનરી દરરોજ ચોક્કસ સ્થાન પર જ ગોઠવીએ. આવું કરવાથી ક્યારેક કોઈ વસ્તુ તેના સ્થાન પર નહી હોય ત્યારે વિદ્યાર્થી જ ત્યાં ગોઠવી દેશે. આવું નિયમિત જોનાર પચાસ વિદ્યાર્થીમાંથી પંદર વિદ્યાર્થીઓ પોતાના ઘરે પોતાની ચીજ-વસ્તુ વ્યવસ્થિત ગોઠવવા લાગશે.

બોર્ડને જાતે જ સાફ કરીએ. શાળાનાં કમ્પ્યુટરને ઘરમાં આપણા કમ્પ્યુટરને સાફ કરીએ છીએ તેમ સાફ કરીએ. (આપણા ઘરની બારીઓ પર રહેલ ધૂળને ઉડાવતા હોઈએ તેમ નહી !!) વર્ગખંડમાં કોઈ ન હોય ત્યારે કે રજા પડતા આપણે જ લાઈટ-પંખા બંધ કરીએ. વીજળી બચાવોના ભાષણની સરખાણીમાં તમારા આ વર્તનથી બીજા પચાસ ઘરોમાં વીજળી બચાવવાના શ્રીગણેશ થઇ જ જશે. મધ્યાહન ભોજન જમ્યા બાદ બધા જ વિદ્યાર્થીઓ સાથે હરોળમાં ઉભા રહી આપણી થાળી જાતે જ ધોઈ લઈએ. (થાળી ધોવાનો લાભ હંમેશા વિદ્યાર્થીને જ આપીએ એ જરૂરી નથી!!) ને મધ્યાહન ભોજનની થાળીઓ બાળકો પાસે સાફ કરાવવી કે સંચાલકની જવાબદારી એવી ચર્ચા આપણી અને સમાજની અધૂરી કેળવણીની પેદાશ છે.

આપણે તો સાવધાન-વિશ્રામ, ઉપર હાથ, માથે હાથ, અદબ-પલાઠી, મોઢા પર આંગળી, કતારબંધ ચાલો બસ આને જ શિસ્ત માની બેઠા છીએ. ઉપરની એક પણ વાતને આપણે ભાગ્યે જ શિસ્ત માનીએ છીએ.

★ સદગુણ અને સંસ્કાર

વર્ગખંડમાં મારપીટ તો ભૂલી જ જઈએ. (કાયદાનાં ડરથી નહી; ઈશ્વરનાં ડરથી.) બાળકોને નાના-મોટા ઠપકા કે સજાની સામે ફરિયાદ લઈને આવનાર માતા-પિતા એ આ અંગ્રેજ શિક્ષણની પેદાશ છે. ને એ પણ ન ભૂલવું જોઈએ કે બાળકોને ઢોરમાર મારતા શિક્ષકો પણ આ અંગ્રેજ શિક્ષણની જ પેદાશ છે. ક્યારેક એવું બનતું હોય છે કે વિદ્યાર્થીનાં અમુક વર્તનથી કે ગેરશિસ્તથી ખૂબ જ ગુસ્સો આવે. ત્યારે આપણે ફક્ત એક જ મીનીટ આંખો બંધ કરી બેસી જઈ ગુસ્સાને ઠંડો પાડીએ. વર્ગખંડમાં બધા જ વિદ્યાર્થીની સામે જ આંખો બંધ કરી બેસી રહીએ. (યાદ રાખજો વર્ગખંડની બહાર ન ચાલ્યા જતાં.) ગુસ્સો શાંત થયા પછી બાળકોને સમજાવજો કે તમે શા માટે આંખો બંધ કરીને બેસી રહ્યા હતાં. મને નથી લાગતું કે આવા શિક્ષકનાં સાનિધ્યમાં રહેલ વિદ્યાર્થી ભવિષ્યમાં પોતાનાં માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની કે સંતાન પર હાથ ઉપાડી શકે.

કોઈ વિદ્યાર્થીના માતા-પિતા કે વાલી વર્ગખંડમાં આવે તો ઉભા થઇને તેને તેમનો આદર કરીએ. તેમને બેસવાનું કહીને પછી જ આપણે બેસીએ. આપણી બોટલમાંથી જ તેને પાણી આપીએ. (નહી કે કોઈ પાસે મંગાવીએ.) તોફાની કે ઠોઠ વિદ્યાર્થીના વાલી હોય કે પછી ફરિયાદ કરવા આવેલ વાલી હોય તેની સાથે પ્રેમથી વાત કરીએ. યાદ રહે અહીં પણ ગુસ્સો શાંત રાખવાનો છે. આવું હંમેશ માટે તમારું વર્તન જોનાર વિદ્યાર્થી ઘરે આવનાર મહેમાન કે વડીલોનો આદર કરશે જ તેમાં તલભાર પણ શંકા નથી.

વિદ્યાર્થીને ભાઈ કે બહેનના માનાર્થક સંબોધનથી જ બોલવાનો હઠાગ્રહ રાખીએ. આપણી વિનમ્રતા એવી હોય કે બાળક ક્યારેક આપણા ખભે બેસી વાતો કરે. (પરંતુ ગુરુ-શિષ્યનાં સંબંધોની મર્યાદાનો ભંગ ન થાય તે માટે હંમેશા જાગૃત રહેવું.) સંસ્કારોનું સિંચન કરતી બોધપ્રદ વાર્તાઓ પ્રાર્થનાસભામાં જરૂરથી કહીએ. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઇસુ, પયગંબર, ગુરુનાનક, કબીર, તુલસીદાસ, સીતા, શબરી, કુંતા, મીરાં, હનુમાન, પ્રહલાદ, ધ્રુવ, શ્રવણ વગેરે વિશેની વાર્તાઓ કહીએ કે અઠવાડિયામાં એક દિવસ આવી ફિલ્મ બતાવીએ. (ભલેને સરકારે બિનસાંપ્રદાયિકતાનાં નામે આવા બધા અભ્યાસક્રમો રદ કર્યા હોય; એ આપણું દુર્ભાગ્ય જ છે.પણ તેની જરૂરીયાત આજે પણ એટલી જ છે જેટલી આપણા દાદાજી કે પિતાજીને હતી.)

★ પ્રકૃતિપ્રેમ

શાળાની ઇકોક્લબ, કિચનગાર્ડન કે ઔષધબાગની પ્રવૃત્તિમાં હંમેશા સક્રિય ભાગીદાર બનીએ. શાળાનું દરેક વૃક્ષ એક કે વધારે બાળકોને (સંખ્યા મુજબ) સોપી દઈએ. દરેક શિક્ષક મિત્રોએ પણ એક વૃક્ષ દત્તક લેવું; જેની માવજત કરવી. દરેક શિક્ષકે પોતાનાં જન્મ દિવસે શાળામાં એક વૃક્ષ રોપવું. પછી વિદ્યાર્થીને કહેવું નહી પડે કે તમારા જન્મ દિવસે ઘરે એક વૃક્ષ રોપજો. (આ પર્યાવરણ વિષયક ચિત્ર-નિબંધ સ્પર્ધાઓ કરતાં અનેક ગણું જરૂરી કાર્ય છે.)

દરરોજ રીસેસમાં વૃક્ષની નીચે જ ભોજન લઈએ. દાતરડી લઈને બાળકો સાથે બગીચામાં નિંદામણ દૂર કરીએ. શાળાનાં શક્ય તેટલા વૃક્ષોના નામ અને ઉપયોગના લેબલ લગાવવા. કોઈપણ પર્યાવરણ કે કૃષિ વિષયક પાઠ ચાર દીવાલના વર્ગખંડ વચ્ચે નહી પણ ચાર દિશાઓવાળા ખુલ્લા આકાશ નીચે જ ભણાવીએ. અઠવાડિયામાં ઓછામાં ઓછો એક તાસ તો વૃક્ષોની નીચે જ લઈએ.

વૃક્ષો માટે જૈવિક ખાતર કેવી રીતે બનાવવું તે શાળામાં જ બાળકોને શીખવીએ. વધારાનાં વહી જતાં પાણીને વૃક્ષો સુધી પહોચાડવાની વ્યવસ્થા કરીએ. એક દિવસ મેદાન કે બગીચાનાં વૃક્ષો અને છોડનો પરિચય કરાવીએ. તેનું કદ, આંકાર, ફળ-ફૂલ, પાન, ડાળીઓ અને ખાસિયતોનો પરિચય આપીએ. દરેક વૃક્ષો કે છોડ પર દરેક ઋતુમાં થતી અસરોનું નિરીક્ષણ કરવાનું કહી તેવું બનવા પાછળના કારણો જણાવીએ.

★ સમાપન

આ જ છે સાચી કેળવણી; જે આપણે ભૂલતા જઈએ છીએ. હા, તેના કારણો આર્થિક, સામાજિક, ભૌતિક, નીતિવિષયક કે સ્વભાવગત હોઈ શકે. મૂર્ખતાની હદ તો ત્યારે આવે છે જ્યારે દુનિયાને વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠોની ભેટ આપનાર ભારતનાં શિક્ષણવિદો શિક્ષણમાં સુધારો લાવવા પાશ્વાત્ય દેશોની શિક્ષણ પદ્ધતિનો આભ્યાસ કરી તેને અમલી બનાવવાનાં અખતરા કરે છે. ને પાંચ-દસ વર્ષ પછી જાહેર કરે છે કે આ શિક્ષણ પદ્ધતિ સંપુર્ણપણે નિષ્ફળ ગઈ છે, હવે નવી દાખલ કરો. પણ એ અખતરો જે સમયે થયો તે એક પેઢીનો ભોગ લેવાયો તેના માટે જવાબદાર કોણ ??? (આમ પણ ભારતમાં કોઈ ગુના માટે કોણ જવાબદાર છે એ સાબિત જ ક્યાં થાય છે.) શું આપણે રાહ જોઈશું કે કોઈ પાશ્વાત્ય શિક્ષણવિદ રીસર્ચ કરી જાહેર કરે કે ભારતની પ્રાચીન શિક્ષણ પદ્ધતિ જ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ છે. હવે કોઈ ચર્ચા, દલીલો કે બચાવ પ્રયુક્તિઓ શોધવાને બદલે આ દિશામાં નક્કર પુરુષાર્થ કરીએ. રવિશંકર મહારાજ (સેવા), વિનોબા (સમર્પણ), શિવાજી(રાષ્ટ્રપ્રેમ), ગાંધીજી (નાયીતાલીમ) અને રવીન્દ્રનાથ ટાગોર (શાંતિનિકેતન) વગેરેને પૂજ્ય બનાવી પૂજવા કરતા તેમને જાણીએ, સમજીએ અને જીવીએ. ચાલોને, શિક્ષણની સાથે-સાથે કેળવણી પણ આપીએ; શિક્ષક મટી પાછા ગુરુપદ પામીએ.

કોરડિયા વિપુલભાઈ ભોળાભાઈ ‘માનવ’
અભ્યાસ: M.A., B.Ed.
ઈ-મેઈલ: vipulkoradiya91@gmail.com
Blog: vipulkoradiya.blogspot.in