Aadhunik Karn - 2 books and stories free download online pdf in Gujarati

આધુનિક કર્ણ - 2

જું હું ચાલતો જ હતો ને મને અડધા વાળવાળા ડોસાજી દેખાયાં. એ વળી પાછા કોણ?
હું જ્યારે પણ માર્કેટમાં જતો, એ વૃદ્ધ હમેશા એક ખૂણે નીચે રુમાલોનું બંડળ લઈને બેસેલા દેખાતા. હાથ રુમાલોને હાથમાં લઈ એ સવારથી સાંજ સુધી ત્યાં જ બેસેલા રહેતા અને હાથ લંબાવી લંબાવીને બધાને રુમાલો દેખાડતા.
જોકે માર્કેટમાં ઘણી બધી દુકાનો હતી ને એવામાં પાછા આ રોડ પર બેસેલા પાસેથી રુમાલ કોણ લે? આ બધાં જ વિચારોને મનમાં લઈને હું આગળ વઘ્યો.
ભગવાન જાણે મને કેમ એ વડીલ પ્રત્યે એક અલગ જ લાગણી બંઘાઈ ગયેલી અને દર વખતે હું જ્યારે પણ નીકળું એમને જોઈને જ નીકળતો હતો. જોકે, મેં પોતે કોઈ 'દિ પણ એમની પાસેથી ખરીદી કરી નહોતી.
બે પગલાં આગળ ભરતાં રમેશની ચંપલોની દુકાન આવી ને રમેશે મને જોતા જ બૂમ પાડી, " એ લાલીયા! અહી તો આય, જૂનાં મિત્રો માટે થોડું તો સમય કાઢતા શીખો સાહેબ! "
એમ પણ મને મોડું તો થઈ જ ગયેલું તો કેમ ના અહીં જૂનાં મિત્રને મળતો જાઉં, આ વિચારોની સાથે જ હું રોકાઈ ગયો અને સફાઇ આપવાનું શરુ કર્યું, " એ ના! આ તો આજકાલ કામ વધારે છે એટલે "
" હા તું ને તારું કામ... સારી રીતે સમજું છું હું. "
રમેશ એ મારો નાનપણનો મિત્ર! એના અને મારા પપ્પાની દુકાનો સાથે જ હતી, એકબીજાની સામસામે. અમે બેઉ એકસાથે આ જ માર્કેટમાંથી નાનપણમાં નિશાળે જતાં અને સાથે જ પાછાં આવતા. નાનપણની એ મીઠી યાદો તરત મારા હૈયામાં પસરી ગઈ.
જોકે, રમેશે હવે અંકલની જગ્યાએ દુકાન આગળ સંભાળી લીધી હતી.
" બોલ, આ બાજુ કેવી રીતે આવવાનું થયું આજે? "
મારી તંદ્રા તૂટતા જ મેં રાકેશ સામે જોયું.
" તને તો ખબર જ છે કે આ સંસ્થા માટે આવતા બધા જ પૈસાનું હિસાબ હું જ સાચવું છું, અને મહેશ કાકા એ વળી અમાને કાયમ માટે સૌથી વધારે દાન દેનાર વ્યક્તિ છે. એવામાં મારે તો સામેથી જ ચાલીને આવું પડેને પૈસા લેવા માટે આ આધુનિક કર્ણ પાસે.
" આધુનિક કર્ણ? આ પાછું ક્યારે થયું. " એક કટાક્ષ ભર્યુ સ્મિત આપતા રમેશ બોલી ઉઠયો.
" કેમ એવું તો શું થયું? "
" કઈ નહીં, છોડ ને એ બધું. તું બોલ, શું લઈશ? "
મારી ચ્હા પીવાની અધુરી ઈચ્છા યાદ આવતાં જ મેં કીધું, " યાર, બધું મૂકી તું તો ફક્ત જીવરામ ની ચા પીવડાવી દે, ને એ પણ મસાલાવાળી. " મારે પણ ચ્હા પીવાની ઈચ્છા તો હતી પણ ત્યાં મેં સંકોચ કરીને કઈ ના બોલ્યો પણ આ તો મારા સૌથી પ્રિય મિત્ર ની દુકાન હતી.
" અલા ભાઈ, તે માગ્યું તોય શું, ચ્હા? "
" ભાઈ, આ જીવરામ ની ચા આગળ તો સોમરસ પણ કઈ નથી. "
" ભલે! " કહેવાની સાથે જ રમેશે એક છોકરાને કાકાની લારી પરથી ચ્હા લાવા મોકલ્યો.
દુકાનનું બારણું ખૂલતા જ મારી નજર ફરી એ વૃદ્ધ પર પડી. એ રમેશ ની દુકાન પરથી સારી રીતે દેખાતાં હતા. લોકો એમને જોવાનું ટાળી સામેથી પસાર થઈ જતાં અને ગાડીઓનું આવવું જવું ચાલુ જ હતું. આટલું હોવા છતાં પણ એ વૃદ્ધના એજ ઊર્જા થી રુમાલો વેચવાના પ્રયત્ન ચાલૂ જ હતાં. હાથોને ઊઠાવી ઊઠાવીને પોતાના રંગીન રુમાલો ને એ લોકોના ધ્યાનમાં લાવવા માટે પ્રયત્ન કરતા હતા.
આ જોઈને હું મારા પોતાના જ અલગ વિચારોમાં તલ્લીન થઈ ગયો હતો અને કુતૂહલવશ એ જ બાજુ જોતો હતો. અત્યારે હું વિચારતો જ હતો ને છોકરાએ મારી સામે ચ્હાનો કપ લાવી મને આપવા હાથ લંબાવી દીધું.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


મિત્રો, મેં ખૂબ જ ટુંક સમયમાં આ વાર્તાનો બીજો ભાગ લખી નાખ્યો.
કોણ હતાં આ વૃદ્ધ ? અને એ કેમ આ રીતે રુમાલો વેંચતા.
શું એમના પરિવારમાં કોઈ પણ ન હતું?
જાણવા માટે વાંચો આ વાર્તાનો આવનારો અંક...
મારા લખાણ વિષે મને ચોક્કસ તમારા વિચારો જણાવો.
ધન્યવાદ,
જય માતાજી.
પ્રથમ શાહ