Lockdown- 21 day's - 9 books and stories free download online pdf in Gujarati

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૯


લોકડાઉનનો નવમો દિવસ:

રાત્રે મીરાંને ઉંઘ આવી નહોતી, તે સતત તેના અને સુભાષના સંબંધોને લઈને વિચારતી રહી, વિચારતા વિચારતા જ તે પોતાના ભૂતકાળમાં પહોંચી ગઈ, સુભાષનો પ્રેમ અને તેની ચિંતા કરવાની રીત તેને યાદ આવવા લાગી.

"અમદાવાદ આવ્યાના થોડા સમય બાદ જ લગ્ન પહેલાનો જે સુભાષનો પ્રેમ જોયો હતો તેના કરતા પણ વધારે પ્રેમ સુભાષ મને સાથે રહીને કરતો હતો. નાની નાની વાતે મારી ચિંતા, અઠવાડીએ એકવાર બહાર કઈ જમવા માટે કે ફિલ્મ જોવા માટે અમે બંને જતા, લગ્ન પહેલા મને એમ હતું કે સાસરે હું એકલી કેવી રીતે રહી શકીશ, પરંતુ સુભાષનો પ્રેમ જ એવો હતો કે મને પિયર જવાનું પણ મન નહોતું થતું, દરેક વાતે મારી ચિંતા સતત સુભાષ કર્યા કરતો. એ ઓફિસ જાય અને હું ઘરે એકલી હોઉં ત્યારે એ મને ઓફિસમાંથી દિવસમાં 10 વાર ફોન કરી અને મારા હાલચાલ પૂછતો. મને ચોકલેટ બહુ ભાવતી એટલે એ રોજ સાંજે ઓફિસથી આવતા એક ચોકલેટ લઇ આવતો. પરંતુ ધીમે ધીમે એ બધું જ ઓછું થતું ગયું, હવે ના એ મારા માટે ચોકલેટ લાવે છે, ના મને ઓફિસમાં જઈને ફોન કરે છે. હું પણ હવે તો કોઈ કામ માટે એને માત્ર મેસેજ જ કરું છું."

"પણ આ બધામાં ક્યાંકને ક્યાંક વાંક મારો પણ છે. સુભાષ તો અચાનક બદલાઈ શકે તેમ નહોતો, પરંતુ હું જ ધીમે ધીમે બદલાતી ગઈ, મારા સ્વભાવને બદલતી ગઈ અને એના કારણે જ અમારા સંબંધોમાં આ કડવાશ આવી છે. હું મારા અંદરના અવાજ કરતા મારી મમ્મીનો અવાજ વધુ સાંભળવા લાગી, મારી મમ્મીનું કહ્યું હું વધારે માનવા લાગી અને તેના કારણે જ અમારા વચ્ચેનો સંબંધ આજે આ જગ્યાએ આવીને ઉભો રહ્યો છે."

"આ બધાની શરૂઆત પણ શૈલીના જન્મ બાદ જ થઇ, શૈલીના જન્મ બાદ હું મારા પિયરમાં હતી, અને પિયરમાં જ મારી મમ્મીએ એ આ બધી બાબતો મારા કાનમાં પરોવી હતી. તેને કહ્યું હતું કે: 'હવે તો તમે બે ના ત્રણ થયા છો, ક્યાં સુધી ભાડાના ઘરમાં રહેશો? હવે તો પોતાનું ઘર લઇ લો.' ગામની જમીન વેચવા માટેની સલાહ પણ મારી મમ્મીએ જ મને આપી હતી, અને મારી મમ્મીએ જ મારા મગજમાં આ બધું લઇ આવી હતી, નહિતર હું તો સુભાષના પ્રેમમાં જ ડૂબેલી હતી, મને સુભાષનો સ્વભાવ, તેનો પ્રેમ અને કાળજી લેવાની રીત પસંદ હતા. પરંતુ મારી મમ્મીનું કહેવું ખોટું પણ નહોતું. ભવિષ્યનો વિચાર કરવા જતા અમારી પાસે કઈ ના હોવાનું અનુમાન પણ હું તેનાથી લાગવી શકું છું, પરંતુ શું આજ રસ્તો હતો? બીજી કોઈ રીતે પણ સુભાષને મનાવી શકાતો હતો ને? પ્રેમથી પણ આ વાત એને સમજાવી શકાતી હતી, પરંતુ શૈલીને લઈને આમદાવાદ આવ્યા બાદ મારા મગજમાં જાણે શું ભૂત વળગી ગયું હોય તેમ નાની નાની બાબતોને લઈને સુભાષ સાથે ઝગડતી રહી. પરંતુ હવે તેને એક અવસર મળ્યો હતો, પોતાની ભૂલોને પણ સુધારવાનો અને એક નવી રીતે જીવનની શરૂઆત કરવાનો, અને આ તકને હું છોડવા નથી માંગતી, બાકી બચેલા દિવસોમાં હું સુભાષ સાથે પહેલા જેવો સંબંધ પાછો બનાવવા આ દિવસોમાં હું પણ પ્રયાસ કરીશ."

મીરાંને ઊંઘ નહોતી આવી રહી તેને ઘડિયાળમાં જોયું તો સવા ત્રણ વાગ્યા હતા. પરાણે તેને સુવાનો પ્રયત્ન કર્યો અને ક્યારે આંખ મીચાઈ ગઈ તેની ખબર જ ના રહી, ઉઠીને મીરાંએ ઘડિયાળમાં જોયું, સાડા નવ થઇ ગયા હતા, રોજ 8 વાગે ઉઠી જતી મીરાં આજે મોડી ઉઠી, મોડા ઊંઘ આવવાના કારણે વહેલું ઉઠાયું નહીં. શૈલી હજુ સુઈ રહી હતી, સુભાષ બેડમાં નહોતો, ફટાફટ તે બહાર નીકળી સુભાષ ટીવી સામે બેસીને સમાચાર જોઈ રહ્યો હતો.

બહાર નીકળીને તેને સુભાષને કહ્યું: "સોરી ઉઠવામાં થોડું મોડું થઇ ગયું, ચા બનાવું ને?"

સુભાષે હસતા મોઢે મીરાંને જવાબ આપતા કહ્યું: "વહેલા ઉઠીને આપણે કામ પણ શું છે, હમણાં તો ઘરમાં જ રહેવાનું છે ને !, ચા પીવાનું બહુ મન થયું છે, હું બનાવવાનો હતો, પરંતુ તું સુઈ રહી હતી એટલે મેં ચા ના બનાવી, તું બનાવ પછી આપણે સાથે પીએ."

મીરાં ચહેરા ઉપર સ્મિત સાથે રસોડામાં ચા બનાવવા માટે ચાલી ગઈ, સુભાષ સમાચાર જોવા લાગ્યો. "આજે કોરોનાના ઘણા ઓછા કેસ જોવા સામે હતા. આજે સમાચારમાં માત્ર 94 નવા કેસ જાહેર થયાના સમાચાર હતા. જેના કારણે સુભાષને થોડી રાહત થઇ. મીરાંને રસોડામાંથી આવતા જોઈને તેને ચેનલ બદલી અને ગીતોની ચેનલ લગાવી.

મીરાંને ગીતો સાંભળવા વધારે ગમતા હતા, તે ઘરે જયારે એકલી હોય ત્યારે ટીવીની અંદર ગીતો ચાલતા હોય, મીરાં રસોડામાંથી બેઠક રમ તરફ આવી રહી હતી ત્યારે સુભાષને ગીતોની ચેનલ લગાવતો જોઈને પહેલાના એ દિવસ યાદ આવી ગયા જયારે સુભાષને ટીવીમાં કઈ જોવાનું મન હોય તે છતાં પણ તે ખાસ મીરાંના કારણે પોતાનું ગમતું જોવાનું ટાળી દઈને ગીતોની ચેનલ જ લગાવતો, મીરાંને ખબર હતી કે સુભાષને ગીતો સાંભળવાનો કે જોવાનો એટલો લગાવ નથી, તેના ફોનમાં પણ ક્યારેય કોઈ ગીત ના હોય. પરંતુ મીરાંને ગમતું કરવા માટે તે પોતાના મોબાઈલમાં પણ ગીતો રાખવા લાગ્યો હતો. આજે સુભાષને એ રીતે ગીતોની ચેનલ લાગવતો જોઈને તેના ચહેરા ઉપર હાસ્ય ફરી વળ્યું, સુભાષને ચાનો કપ આપતા વખતે પણ તેના ચહેરા ઉપર શરમ સાથે સ્મિત પણ હતું.

સુભાષ મીરાંના સ્મિતનું કારણ સમજી ગયો, પરંતુ કઈ બોલ્યો નહિ, ચા પિતા હતા ત્યારે જ શૈલી પણ ઉઠીને આવી ગઈ, મીરાંએ તેને પોતાની પાસે બેસાડી અને સુભાષ ઉપર આવેલું વહાલ તેને શૈલીને ચુંબન કરીને વ્યક્ત કર્યું. શૈલીને ચુંબન કરતા જ તેના મનમાં એક બીજો પ્રશ્ન પણ જાગી ઉઠ્યો કે "તેને સુભાષને છેલ્લે ચુંબન કયારે આપ્યું હતું? એ દિવસ યાદ નહોતો, ત્રણ વર્ષ જેટલો સમય તો ચોક્કસ વીતી ગયો હતો, સંબંધોમાં જેમ જેમ કડવાશ આવતી ગઈ તેમ તેમ બંને વચ્ચેનું અંતર પણ ધીમે ધીમે વધતું ગયું હતું. પરંતુ તેને એક પ્રસંગ યાદ આવ્યો જયારે તેને સુભાષને પહેલું ચુંબન આપ્યું હતું, સગાઈ બાદ જયારે બંને મીરાંના એક સંબંધી ના ઘરે લગ્નમાં ગયા હતા, ત્યારે સવારે સુભાષને ઉઠાવવા માટે તેની મમ્મીએ તેને મોકલી હતી, જયારે મીરાં સુભાષને ઉઠાવવા માટે ગઈ ત્યારે રૂમની અંદર સુભાષ સુઈ રહ્યો હતો, આસપાસ કોઈ નહોતું, સુભાષને સૂતો જોઈને મીરાંને તેના ઉપર વહાલ ઉભરી આવ્યું હતું અને હળવેથી તેને સુભાષના ગાલ ઉપર ચુંબન આપ્યું હતું.

મીરાંના ચુંબનની ગાલ ઉપર અનુભવાયેલી ભીનાશથી સુભાષની આંખ ખુલી ગઈ હતી, અને મીરાં એ સમયે શરમાઈને એ રૂમમાંથી ભાગી ગઈ હતી, સુભાષ પણ આ ક્ષણને અનુભવી ખુબ જ ખુશ થયો હતો. પરંતુ આજે ચુંબન તો દૂર રહ્યું બંને એકબીજાનો સ્પર્શ પણ નથી કરી રહ્યા, એક બેડમાં સુવા છતાં પણ બંને વચ્ચે માઇલોનું અંતર છે. મીરાંને ધીમે ધીમે પોતાની ભૂલો સમજાવવા લાગી હતી. ભૂતકાળની એ ઘટનાને યાદ કરી તેના ચહેરા ઉપર પણ અત્યારે સ્મિત ઝળકી રહ્યું હતું.

ચા પીધા બાદ મીરાં રસોડામાં જઈને જમવાનું બનાવવા લાગી, શૈલીને પણ તે પોતાની સાથે જ દૂધ આપવા માટે રસોડામાં લઇ ગઈ. સુભાષને ગીતો ગમતા નહોતા પરંતુ આજે તે ટીવીમાં ગીતો જ ચલાવીને મીરાંને ગમતું કરવામાં લાગ્યો હતો.

બપોરે જમી, શૈલીને સુવડાવી મીરાં અને સુભાષ બેઠક રૂમમાં બેઠા. સુભાષે વાતનો કરવાની શરૂઆત કરતા કહ્યું: "મીરાં, તને ક્યારેક એમ થતું હશે કે હું ગામડાની જમીન વેચવા માટે કેમ તૈયાર નથી થતો, તો પહેલા પણ મેં તને કહ્યું કે એ અમારા પૂર્વજોની જમીન છે, અને પપ્પા પણ એ વેચવા માટે ક્યારેય તૈયાર ના થાય, અને હું પણ એવું જ ઈચ્છું છું કે એ જમીન ના વેચીએ તો જ સારું છું, કારણ કે ભલે શહેરમાં આપણી પાસે ગમે તેટલી મિલ્કત હોય, પરંતુ ગામડે એક ઘર અને એક ખેતર હોવું ખુબ જ જરૂરી છે, શહેરમાં આપણે રહીએ છીએ અને શહેરના જીવનનું કંઈ નક્કી પણ નથી હોતું, કાલે શું થવાનું છે એ તું પણ નથી જાણતી કે હું પણ નથી જાણતો, આજે મારા હાથ-પગ ચાલે છે અને કાલે કદાચ મને કઈ થઇ જાય તો? આજે મારા હાથપગ ચાલે છે એટલું હું કમાઈ શકું છું, કાલે ના કરે નારાયણ અને એ ચાલતા બંધ થઇ ગયા તો? ત્યારે આપણે ગામડે જઈ શકીએ, આપણાથી ના થઇ શકે તો માણસો પાસેથી પણ ખેતી કરાવી શકીએ, અને આજે જો હું આ જમીન વેચી દઉં તો કાલે બીજી જમીન ખરીદવી પણ મુશ્કેલ થઇ જાય, ગામડામાં લોકો જમીન ત્યારે જ વેચે છે જયારે તેમની પાસે કોઈ આરો નથી હોતો, ગામડામાં રહેલું આપણું ઘર અને આપણી જમીન એ સંકટ સમયની એ બારી છે જયારે આપણી પાસે કઈ નહિ હોય."

સુભાષની વાત મીરાંને સમજાવવા લાગી હતી, તેને પણ સુભાષની વાતમાં હામી ભરી, થોડી બીજી સામાજિક વાતો કરી અને મીરાં અને સુભાષ બાપરે સુઈ ગયા, સાંજે પણ શૈલી સાથે રાત્રે મોડા સુધી મઝાક મસ્તી કરીને સુવા માટે ચાલ્યા ગયા, સુતા સુતા મીરાંએ પણ વિચાર્યું કે "સુભાષની વાત તો સાચી જ છે, મેં ક્યારેય એ બાબતે તો વિચાર્યું જ નહોતું, ભગવાન કરે સુભાષને કઈ ના થાય, પરંતુ જો એવી પરિસ્થિતિ થઇ ગઈ તો શું થાય?" આટલું વિચારીને જ મીરાંને કમકમીયા આવવા લાગ્યા, તેને બેડમાંથી માથું ઊંચકી સુભાષ સામે જોયું અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે "સુભાષને કઈ થવા દેતા નહીં" અને પછી સુઈ ગઈ...

(શું મીરાં હજુ પણ પોતાની થયેલી ભૂલોનું પુનરાવર્તન કરશે? શું સુભાષ મીરાંના બદલાતા સ્વભાવને અપનાવી શકશે? શું મીરાં સુભાષ સાથેની નજીકતા વધારવામાં સફળ રહેશે? જાણવામાં માટે વાંચતા રહો "લોકડાઉન-21 દિવસ"નો ભાગ-10)

લે. નીરવ પટેલ "શ્યામ"