Charanbai books and stories free download online pdf in Gujarati

ચારણબાઈ


સોરાષ્ટ પંથકમાં આવેલ ઝુલાશણ ગામને પાદરે ગોચરમાં બે પાળિયા છે. એક અશ્વસવાર નો છે અને બીજો પાળિયા કોઈ સ્ત્રીનો છે. એના સાથે બાળકો પણ છે . એકને કેડમાં તેડેલું, બીજાને આંગળીએ વળગેલુ છે.

ઘણા લોકો ના મોઢે સાંભળેલી આ વાત વર્ષો પૂરાણી વાત છે.
વૈશાખ ના ધોમધખતા તાપમાં કચ્છ ના રણ તરફથી એક ચારણી બાઈ ચાલી આવી રહી હતી. એની સાથે બે બાળકો પણ હતા. ચારણી એની ભેંસો હાંકીને પોતાના વતનમાંથી નીકળી હતી. એને જોઈને લાગતું હતું કે વાટમાં ખાવાનું નહીં મળ્યુ હોય. કેડે બેઠેલા બાળકે માની છાતી ચૂસી ચૂસીને ગાભા જેવી કરી નાખી હતી. આંગળીએ ટિંગાડેલુ બાળક ભેંસના દૂધ પર નભે આવતું હતું. રણમાં ચારા વગર ભેંસો પણ માર્ગમાં મરતી આવતી હતી. ચારણીએ માથે ધાબળો અગે કાળી લાયનુ કાપડું અને ગાઢા રંગમાં રંગેલ ચોળિયાની જીમી પહેર્યાં હતા. ડોકમાં મઢવાળી માતાનું લોકેટ, હાથમાં રૂપાના સરલ અને પગમાં સૂતરના દોરા જેવી પાતળી રૂપાના વાળાની કાંબીઓ એ એના દાગીના હતા. દૂર થી બાઈ સંસારનાં વસમી પરિસ્થિતિમાં હોય એમ ઉદાસીન જણાતી હતી.

બાઈ જયારે ઝુલાશણ ગામને સીમાડે આવી ત્યારે એના હૈયાની મૂંગી વેદના સરખી સાંજ નમતી હતી. તે સમયે ત્યા એક અશ્વસવાર એની સામે આવીને ઉભો રહ્યો. બાઈને કાંઈક અણસાર આવ્યો . પણ બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું:,

" ભાઈ મારો વીરો શાદૂળ આયર આ ગામમાં છે કે નહીં?"

પ્રશ્ન સામે પ્રશ્ન છૂટે છે.

"કેવા છો તમે, બાઈ?"

"અમે ચારણ છયેં, ભાઈ"

"ત્યારે શાદૂળ આયર તમારો વીર કયાંથી??"

"બાપ,બહુ પહેલાનો મેં એને વીર કીધો છે. ચૌદ વર્ષનાં વનવાસ થયો અમે એકબીજાને મળ્યાં નથી. ઓણ અમારે કચ્છમાં દુકાળ પડયો ને ઘરવાળો પાછા(મરણ) થયા. મને મારો વીરો સાંભળ્યો થયુંકે ભેંસો હાંકીને આયર પાસે જાઉં તો કાળ ઊતરી જવાય. હજી સુધી એક ટીપું પાણીયે મોમાં નથી નાખ્યું. હશે, જેવી મઢવાળી માતાજીની ઈચ્છા. ફકર નહિ.
ભગવાને ભાઈ ભેળા કરી દીધા."

પોતે ધોડિયે સૂતી હતી તે દિવસે પોતાના માવતરનું મવાડુ સોરઠ દેશમાં નીકળેલું. માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડ ને થડ પડેલું તાજું અવતરેલા બાળકને રોતું દીઠેલ. દુકાળ બળતો હતો, માવતર પેટના છોરુને રઝળતાં મેલી પોતાના બચાવ ગોતતા ભમતા હતાં. માયા મમતાની અણછૂટ ગાંઠો પણ છૂટી પડતી એવા કાળમુખા દુકાળને ટાણે ચારણી ના મા-બાપે આ છોકરાને તેડી લીધું અને માએ પોતાની દીકરીને વછોડીને પારકા દીકરાને ધવરાવી ઉછેર્યો હતો, મોટો કમાતો કર્યો, પરણાવ્યો હતો. એજ ધર્મનો ભાઈ શાદૂળ આયર.
નોખાં પડયાં તે દિ કહીને ગયેલા કે, "બહેનબા, જરુર પડે તે દિન હાલી આવજે. " આજ વખાની મારી બહેન એ શાદૂળ નું ઘર ગોતતી આવી છે.

અશ્વસવાર થોડા વિચારમાં પડી ગયો. પછી એ બોલ્યો
"અરે બહેનબા, શાદૂળને તો પાછો(મૃત્યુ) થયો મહિનો થયો."

પોતે જ શાદૂળ આયર હતો, પણ કપટ કરી બેઠું.

બાઈને પોતાના કાન ઉપર ભરોસો નથી થતો, એણે વારેવારે પૂછ્યું ...

"મારો વીરો શાદૂળ પાછો થયો??? ના, ના, થાય જ નહિં "

બાઈ ગાંડી થઈ ગઈ હોય એમ લવવા માંડી હતી. ..

" હે ખરું, પાછો થયો?? શાદૂળ પાછો થયો???"

એમ ધૂન ચડવા લાગી. આંખો ના ડોળા ફાડીને ચારણી આકાશ, ધરતીને અને ઝાડપાન ને પૂછવા લાગી કે,
" મારો વીરો શાદૂળ પાછો થયો??"

અશ્વસવાર શાદૂળ ને થર થર કંપારી વછૂટયો. ધણુંય મન થયું ત્યાંથી નાસી છૂટવાનું, પણ આ શું? એ અશ્વની લગામ પણ હલાવી ચલાવી ન શકયો. ધરતી સાથે અશ્વના ડાબલા જાણે જડાઈ ગયા હોય. લગભગ પાગલ જ બનેલી ચારણીએ ઘૂમટો તાણી ને ચોધાર આંસુ પાડતાં પાડતાં મરશિયા ગાવાનું શરૂ કર્યું...

"હે ભગવાન! તે તો મારા કાળજા કેરો કટકો મારો વીરો શાદૂળ ને લઈ ને, મારી નસો તે વીંધી છે. "

"પહાડ જેવા મારો ધણી મર્યો. મારા ઘર ભાંગી ગયાં. વરસાદે પણ રઝળતાં કર્યા. રઝળતાં રઝળતાં હેરાન થઈ ગયાં હવેતો.
જેની છેલ્લી આશા રહી હતી તે શાદૂળ વીર ને પણ રોળી દીધાં. "

"આશા હતી કે, શાદૂળ વીરો દુકાળ પાર ઉતરાવી દે, ત્યાં તો શાદૂળ! અમારા વિસામા! તે તો અમને રસ્તે રઝળાવ્યાં."

" હે મઢવાળી માં જેને આધારે અમે ઊભા હતા તે ડાળ જ ભાંગી પડી. હવે કર્મમાં કાળો દુકાળ જ રહ્યો. "


જેમ જેમ મરશિયા કહેવાતા ગયા, તેમ તેમ શાદૂળ અશ્વસવાર પથ્થર બનવા લાગ્યો. ડાબલા થીજી ગયા, અશ્વ ની આખી કાયા કઠણ કાળમીંઢ જેવી બની ગઈ, ઊપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું. છાતી સુધી પથ્થર બની ગયો ત્યારે શાદૂળ ના મોમાંથી કારમી ચીસ નીકળી ગઈ.


" બહેનબા, ખમૈયા કરી જા , હું જ તારો વીર છું હું જ શાદૂળ આયર . મે ઘોર પાપ કર્યું. હવે મારી પર દયા કરી જા"

હવે વાત ચારણી બાઈના હાથમાં નહોતી રહી. એના રોમ રોમમાં જાગી ઉઠેલું સત હવે શમે એમ નહતું. તીર હાથમાંથી છૂટી ગયું હતું.

બાઈ બોલી ..
"હે મારા વીરા , કપાસનાં છોડમાંથી કપાસ વિણાઈ ગયો હોય અને ખેડૂતે ખેતર ભેળવી દીધું હોય,તો તો પાણી પાઈ ને એને કોળવી શકીએ. ફરી એમા કપાસનો ફાલ આવે. પણ કપાસ ના છોડની સાંઠી જ સુકાઈ ગયા પછી એમા કંઈ થઈ શકતું નથી. એ રીતે, હે વીર! તારા જીવનની સાંઠી જ સુકાઈ ગઈ. એટલું પાપ તારામાં વ્યાપી ગયું, કે ચાહતા છતાં એમા ફરીવાર જીવ મૂકી ન શકું. "

આખો અશ્વસવાર નિર્જીવ પથ્થર બની ગયો. મરવા ટાણે જયારે તેને ચારણી એ ભોંય પર સુવાડયો ત્યારે ચારે તરફની દિશાઓ માંથી જાણે મરશિયા ગવાતાં હોય એવું લાગતું હતું


"હે મારા વીરા મારા સાચા સગા! મારો સો ગાઉનો આખો ય પંથ નિષ્ફળ નીવડ્યો. "

ચારણીબાઈ આટલું બોલીને એ પણ છોકરાઓ સાથે પથ્થર ની પૂતળી બની ગઈ. એ દિવસે ઝુલાશણ ગામને પાદરે ગોચરમાં ભેંસો સાંજને ટાણે એકલી ભાંભરતી રહી.






✍કૃણાલમેવાડા