Maro hawaiyatrano anubhav books and stories free download online pdf in Gujarati

મારો હવાઇયાત્રાનો અનુભવ

આજકાલ એરલાઇન્સ કંપનીઓ વચ્ચેની હરિફાઇના લીધે હવે વિમાનનું ભાડું 2AC ટ્રેનની ટિકિટની લગોલગ પહોંચી ગયું છે જેથી મારા જેવા મધ્યમવર્ગના વ્યક્તિ માટે સહપરિવાર હવાઇયાત્રા શક્ય બની શકી છે.મારો આઠ વર્ષનો દીકરો ખૂબ જ એક્સાઇટેડ હતો.સોમવારની વહેલી સવારની ચાર વાગ્યાની એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી.અમે રાતના અઢી-પોણા ત્રણ વચ્ચે એરપૉર્ટ પહોંચ્યા.મિત્રએ એરેન્જ કરેલ ગાડી અમને એરપોર્ટ ડ્રૉપ કરી ગઇ.ડોમેસ્ટિક ટ્રાવેલિંગ તો ડોમેસ્ટિક એરપોર્ટ પરથી જ હોય ને? (આ તો શું કે આપણે એકાદ બે વાર અગાઉ આવી ઉડણ જાતરા એકલાં એકલાં કરેલી એટલે મનમાં ફ્રિક્વન્ટ ફ્લાયર હોવાનો ફાંકો હોય ને?)અમે સરદાર વલ્લભભાઇ પટેલ એરપૉર્ટ,અમદાવાદના ટર્મિનસ-1 પર આગળ વધ્યા. એન્ટ્રી પોઇન્ટ પર પહોંચ્યા તો અમને કહેવામાં આવ્યું કે અમારી ફ્લાઇટ તો ઇન્ટરનેશનલ એરપૉર્ટ એટલે કે ટર્મિનસ-2 પરથી છે!! મેં ટિકિટમાં જોયું તો એમાં એ જ વીગત હતી.ભૂલ મારી જ હતી.બહાર આવી ઑટો રીક્ષા પકડી અમે ફટાફટ નજીકમાં જ આવેલ ટર્મિનસ-2 પહોંચ્યા. બૉર્ડિંગ પાસ મેળવી આગળ વધ્યા.પ્રતિ વ્યક્તિ એક હેન્ડબેગ એલાઉડ હોઇ અમે માત્ર એક જ બેગ ચેક-ઇન બેગેજમાં મૂકી.સવારની ઠંડીના લીધે મેં તાજું જ ખરીદેલું જેકેટ પહેરેલું.મુંબઇ સ્નેહીજનોને આપવા લીધેલ ફૂડ આઇટમ્સ હતી.દીકરા ધ્યેયની રમકડાંની ગન પણ હેન્ડ બેગમાં હતી.મોટાભાગે ઘરનું જ પાણી પીવાની ટેવ હોવાના લીધે બે બૉટલ સાથે હતી! બૉર્ડિંગ પાસ આપતી વખતે અમને મીઠા ઠપકાની જેમ કહેવાયું હતું "Sir,you are already late. Please do hurry" અમે સિક્યુરિટી ચેક માટે આગળ વધ્યા એટલે અમને કહેવામાં આવ્યું કે "trolies are not alowed inside"વાતેય સાચી હતી,હેન્ડબેગ તો હાથમાં જ હોય ને? ઊંઘ અને મુસાફરીથી થાકેલ ધ્યેય પાસે હેન્ડ બેગ ઉંચકવાની આશા વ્યર્થ હતી તેથી મેં બન્ને બેગ ઉંચકી તેને સાથે લીધો.રશ્મિ તેની હેન્ડબેગ સાથે લેડિઝ રૂટ પર આગળ વધી.બેગ સ્કેનમાં મોકલી અમે સિક્યુરિટી ચેક માટે ગયા તો અમને જેકેટ ઉતારી સ્કેનમાં મૂકવાની સૂચના મળી.એ કરી આગળ વધ્યા તો અમારી એક બેગ physical verification માટે અટકાવવામાં આવી હતી.પંદરેક મિનિટના વ્યાયામ બાદ એમાં ટૉય ગન છે એટલે એ રોકવામાં આવી છે એ સમજાયું. ફૂડ આઇટમ્સ પણ ચકાસવામાં આવી. ધ્યેયની ટૉય ગન લઇ લેવામાં આવી જેથી તે રડવા લાગ્યો.એરપૉર્ટ પરના ભલા ઑફિસરે બીજા બાળકોના રમકડાં પણ આ રીતે લઇ લેવામાં આવ્યા છે એ સમજાવી તેને શાંત કરવાની કોશિશ કરી.રશ્મિની હેન્ડબેગમાં પાણીની બે બૉટલ હોઈ એક કઢાવડાવી લેવામાં આવી હતી. આ સઘળા ચક્રવ્યૂહ ભેદીને અમે ગેટ-4 પર બૉર્ડિંગ માટે પહોંચ્યા.મને એમ હતું કે હાશ! પત્યું! પણ મારી એ ધારણાને ખોટી પૂરવાર કરવાનું જાણે આજે એરપૉર્ટ ઑથોરિટીઝે બીડું ઝડપ્યું હતું.પેનલ ડિસ્પ્લેમાં AI030 Boarding.. નું સ્ટેટસ આવતું હોવાં છતાં એમિરાત એરલાઇન્સની એક ઇન્ટરનેશનલ ફ્લાઈટને પ્રાથમિકતા આપવાની હોઇ અમને ગેટ-4 પાસે ખાસ્સી 25-30 મિનિટ રાહ જોવડાવવામાં આવી અને એ પણ કોઇ સિટીંગ અરેન્જમેન્ટ વિના માત્ર ઊભા ઊભા! સરકારી વ્યવસ્થા અસરકારી તો કેમ થઇ શકે? આખરે અમે ઑન બોર્ડ થયા!!
બૉઇંગ-787 પ્રકારનું વિશાળ એરક્રાફ્ટ અમારી ઉડાણ માટે તૈયાર હતું. એર ઇન્ડિયાની રિટાયરમેન્ટના આરે પહોંચેલ અનુભવી! એર હોસ્ટેસો તથા મૂછાળા એર હોસ્ટો (મને તો આ જ નામ સૂઝ્યું) એ અમારું સ્વાગત કર્યું. વિમાન પ્રવેશમાં પડેલ અડચણોની તુલનામાં પ્રવાસ ખૂબ આરામદાયક રહ્યો.ધ્યેયને સીટ પરના પેનલ કિઑસ્કમાં રસ પડ્યો એટલે તેણે બધો સમય એ જ યૂઝ કર્યે રાખ્યું. આ ફ્લાઇટમાં Free meal તરીકે એક કપ કેક, વેજ સેન્ડવીચ અને ફ્રૂટ જ્યૂસ સર્વ કરાયા. ફૂડ વૉઝ રિઅલી ગૂડ. સવારે 5:15 વાગ્યે અમારી સવારી મુંબઇ પહોંચી.
સાઇલન્ટ એરપૉર્ટ પર બધું કામ સાઇલન્ટલી ચાલી રહ્યું હતું એટલે મહામહેનતે અમને ખબર પડી કે અમારી ચેકઇન બેગ બેલ્ટ નં.1 પર આવવાની છે.અમે માંડ બેલ્ટ નં.3 ઉપર પહોંચ્યા તો બેલ્ટ 1 અને 2 બંધ હાલતમાં જોવા મળ્યા!! એર ઇન્ડિયા કાઉન્ટર પર ઇન્કવાયરી કરતાં જવાબ મળ્યો - બેલ્ટ નંબર વન નહિ પણ ઇલેવન પર અમારું બેગેજ આવશે. કદાચ આ silent એરપૉર્ટ પર પહેલી વખત 'ઇલે'સાઇલન્ટ હોઇ અમને ઇલેવનના બદલે વન સંભળાયું હશે! અમે જેમ તેમ કરીને બેલ્ટ નં.11 પર પહોંચ્યા.પંદરેક મિનિટ સુધી પટ્ટા પર પ્રદક્ષિણા કરતા બેગેઝિસ નિહાળી હું કંટાળ્યો.પેનલ ડિસ્પ્લે પર હજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ જ બતાવાતી હતી.મેં ફરી ક્વેરી કરી તો મને બેલ્ટ-12 પર ચેક કરવા કહ્યું! ત્યાં પહોંચ્યો તો બેલ્ટ-11 પર જ અમારો સામાન આવવાનો છે એવો સંદેશ સ્ક્રિન પર આવતો હતો. હું ફરી પાછો બેલ્ટ-11 નજીક ગોઠવાયો.આ બધો વખત રશ્મિ અને ધ્યેય એક તરફ ઊભી બાકીની બેગ્ઝનું ધ્યાન રાખતા હતાં.લગભગ બીજી પંદર-વીસ મિનિટ રાહ જોયા બાદ આખરે અમને અમારી બેગ મળી. લોંગ ટર્મની હૉમ લૉન ચૂક્તે થાય ત્યારે જેવી નિરાંત થાય એવી નિરાંત અમને થઇ. સવારે 6:30 વાગ્યે અમે મુંબઇના ઈન્ટરનેશનલ એરપૉર્ટમાંથી બહાર નીકળ્યા.છેલ્લા ચાર કલાકમાં અમે એક કલાક પ્લેનમાં અને એનાથી ત્રણ ગણો સમય એરપૉર્ટ પર વિતાવ્યો હતો.