Spandano Dilna Tame -2 books and stories free download online pdf in Gujarati

સ્પંદનો દિલના તમે - 2

'ઘણા વર્ષો પછી એમનો એક ખત આવ્યો,
એમ લાગ્યું કે વિપક્ષમાંથી એક મત આવ્યો.'
-મિલન કુમાર

'તારી છોકરી તારા જેવી જ લાગે છે. ને એટલી જ શરમાળ , ઓછા બોલી, ને તારા જેમ જ જગ્યા ન મેળવીને ઊભી રહેતી. તેં એને મારા વિશે કોઈ વાત પણ ન કરી નિશાંત? ' એ પ્રોમિસ પણ તોડ્યું.'

ઘણા વર્ષો પછી ઈન્બોક્સમાં પડેલો આ મેસેજ અને એના શબ્દો તમારા મનમાં ઘૂમરાયા કરતા હતા નિશાંત..
સપના મુજબનું ઘર હતુ, ઘરની બહાર હરિયાળો બગીચો, ઝૂલો અને ઝૂલામાં લગાવેલો સુશોભિત લેમ્પ બધું જ અપેક્ષા મુજબ હતું. હા એ લેમ્પ આજે બંધ હતો. કશા ચોક્કસ કારણ વગર. પત્ની સીમા પણ હોંશિયાર, સારું ભણેલી અને સંતાનમાં પણ અપેક્ષિત એક વ્હાલસોયી પુત્રીના પિતા છો તમે નિશાંત. ક્યાંય કશું ખૂટતું નથી કદાચ પણ પાછલા વર્ષોની એક યાદ આવીને તમને તમારી કમી અને અધૂરપનો અહેસાસ કરાવી ગઈ છે. અંધારા ઓરડામા બેસી રહેવાની તમારી બહુ જૂની આદત છે નિશાંત, અને એ પણ ચૂપચાપ. હા ધીમા અવાજે ગીતો વાગતા હોય. આજે ગીતો બંધ હતા, કારણકે એમના વિકલ્પ સ્વરૂપે મેસેજના શબ્દો દિલોદિમાગમાં ફરી રહ્યા હતા નિશાંત. અને એમાં એ ગમતાં ગીતો પણ ખલેલ પહોંચાડે એ તમને મંજૂર ન્હોતું નિશાંત.

'પપ્પા, આ આલ્પેનલિબેના બે રેપરમાંથી એક જ કેમ છે? બીજું શાયદ મમ્મીએ આમતેમ ફેંક્યુ લાગે છે. પૂછતી આવું? '
ડસ્ટબીનમાં કચરો ફેંકવા આવેલી અવનીએ તમને પૂછતાં કહ્યું. પાછલા વર્ષોની સફરમાંથી અચાનક પરત આવી ગયા તમે નિશાંત. અવનીની વાત સાંભળી અને સમજ્યા પણ ખરા.
'તને બહુ શોખ છે મમ્મીને પૂછવાનો કંઈ? પછી કંઈ શેર કરવાનું આવે ત્યારે પપ્પાને ના શોધીશ. જા પૂછી આવ એને.
તમે ધીમેથી નારાજગીના સૂરમાં કહ્યું. '
અવની ફસાઈ. 'પપ્પા આવું તો કેમ ચાલે ?'
'હું તમારી લાડલી દીકરી છું.'
' ને તમે મારાથી છુપાવ્યું?'
'જા તારી મમ્મીનું કામ પૂરું કરાવ. એની સિરિયલ ચાલું થવામાં દસ મિનિટની વાર છે હવે.'
'ઓકે આવું જ છું.' અવનીએ જવાબ આપ્યો.
'ને સાંભળ, શરબત બનાવતી આવજે, મસ્ત.'
તમને શરબતની ટેવ હતી નિશાંત, પહેલા જાતે જ બનાવતા. પણ અવનીના આવ્યા પછી તમારા ઘણા કામો એણે ઉપાડી લીધા હતા. અને એમાંથી એક આ શરબત બનાવવાનું. અવની અંદર ગઈ. ફરી નજર ઘર, આંગણુ, બગીચો, શેરી, શહેર બધુ પાર કરીને યાદોની દુનિયામાં ફરી વળી.
શું કહું અવનીને?
કહેવુ તો હતું જ નિશાંત. બધું જ કહેવું હતું. પણ અણધાર્યા આવી ચઢેલા કેટલાક ઉતારચઢાવો. સીમાની ફરિયાદો. ને અવનીને હિંમત પૂરી પાડવાના સ્વપ્નોમાં એ અવસર જ ન મળ્યો નિશાંત. કે તમે એને એ વ્યક્તિ વિશે કહી શકો જે આજે અવનીનો ચહેરો જોઈને તમારી ઓળખ ઓળખી ગઈ હતી. અવની તમને ખૂબ પ્રેમ કરતી નિશાંત, એના માટે એના પપ્પા એક અદમ્ય સાહસની મૂર્તિ હતા, એક આદર્શ હતા. તમે ઓફિસથી મોડા આવો અને માથુ સ્હેજ ગરમ હોય તો પણ એ આકુળવ્યાકુળ થઈ જતી. તમારા માટે એ સીમાને પણ વઢી નાખતી. અને સીમાના કામનો અડધો બોજ જાતે ઉપાડીને પણ એ તમારી નાની નાની ખુશીઓ અને ચિંતાઓ પર નજર રાખતી. અને સ્હેજ તકલીફ હોય તો તરત તમારા ખોળામાં માથુ મૂકીને સ્ઈ જતી અવની તમારી અનેક અપૂર્તિઓની પૂર્તિ બનીને આવેલ તમારું પહેલું સંતાન હતી નિશાંત.
'ચાલો પપ્પા આ છે શરબત.'
'તમે યાર શરાબ-વરાબ પણ નથી પીતા. નહીંતર તો એ બે પેગ પીવડાવીને સાચુ બોલાવી લેત.'
શું કીધું? તમે ત્રાંસી આંખ કરીને પૂછ્યુ.
'અરે મજાક કરું છું યાર. શું તમે પણ? આઈ એમ પ્રાઉડ ઑફ યુ ડિયર. ચલો હવે લેટ્સ સ્ટાર્ટ.'
અવની આમ શરમાળ. બહાર અજનબીઓ સાથે ઓછું બોલે. પણ સીમા સાથે અને તમારી સાથે તો વધારે જ નિખાલસ.
તમે અંદર સીમા તરફ નજર કરી નિશાંત.
'ડોન્ટ વરી એબાઉટ હર પપ્પા.મમ્મીને બે કલાક લાગશે હવે સિરિયલ પૂરી થતા. તમે સમય ન વેડફો હવે.'
તમારી પાસે કોઈ બહાનું ન્હોતું નિશાંત. અને આજે મોકો પણ સામેથી મળ્યો હતો. વર્ષો પછી એ સમયને વાગોળવાનો. અને એ પણ અવની સાથે.
તમે થોડી વાર ચૂપ રહ્યા. લેમ્પ બંધ હતો એટલે ચહેરો સાફ ન્હોતો દેખાતો. એટલે અવનીની આંખોમાં આંખો પુરાવાની જરૂર ન્હોતી. કે અવની પણ તમારા ચહેરાને સ્પષ્ટ જોઈ શકવા સક્ષમ ન્હોતી.
માથા પર આવી જતી મનિપ્લાન્ટની વેલને હટાવીને તમે શરૂઆત કરી.
'અવની, આલ્પેનલિબે એને એ સમયે પણ બહુ ભાવતી. અને અમારી પ્રથમ વાતનું કારણ અને માધ્યમ પણ આલ્પેનલિબે જ બની હતી. હું બહુ શરમાળ, છોકરીઓથી દૂર ભાગતો, સામે બોલતા પણ ગભરાતો. કોલેજના પ્રથમ વર્ષે જ એ અને હું એક જ ગ્રુપમાં ભેગા થયા હતા. એ એટલી જ નટખટ, દેખાવડી, બોલે તો સંગીત જેવી અને હસે તો ખળખળ ખળખળ ઝરણાં જેવી. એની સાથે તો વાત કરવી સપના જેવી વાત હતી. અને એક દિવસ એણે હાથમાં પહેલી વાર આલ્પેનલિબે મૂકતાં કહ્યું હતું કે 'બોલતા નથી પણ ખાશો તો ખરાને'?અને હું..'
(ક્રમશઃ)
✍મિલન કુમાર