Shraddha ni safar - 4 books and stories free download online pdf in Gujarati

શ્રદ્ધા ની સફર - ૪


પ્રકરણ-૪ મિત્રો ની સફર

શ્રદ્ધા ની શાળા છૂટ્યા ને એક કલાક જેટલો સમય થયો છતાં શ્રદ્ધા શાળાએથી આવી નહોતી એટલે ઘરના બધા સદસ્યો ને એની ખૂબ ચિંતા થવા લાગી. વિશેષ તો શ્રદ્ધા ના દાદીને એની ખૂબ ચિંતા થતી. એમણે ચિંતાતુર સ્વરે પોતાના દીકરાને કહ્યું, "જા, બેટા, તું શ્રદ્ધા ની સ્કૂલમાં જઈ અને તપાસ કર એ હજુ કેમ નહીં આવી હોય? મને એની બહુ ચિંતા થાય છે."
પોતાની સાસુની આવી વાત સાંભળીને તરત જ કુસુમબહેન બોલ્યા, "બા, એટલે જ અમે બંને તમને એને એકલી સાયકલ પર મોકલવાની ના પાડતા હતા પણ તમે જીદ કરી એટલે અમે એને જવા દીધી. એને કંઈક થઈ ગયું હશે તો? એને ક્યાંક અકસ્માત તો???..."
એમને ત્યાં જ બોલતા અટકાવી સરસ્વતી બહેને કહ્યું, "વહુ, શુભ શુભ બોલો. મારું મન કહે છે એને કંઈ નહીં થયું હોય. કૃષ્ણ, તું જા હવે ફટાફટ અહીં કેમ ઉભો છે? જલ્દી શ્રદ્ધા ની શાળાએ જઈ ને એની તપાસ કર. "
"હા, બા જાઉં છું." એટલું બોલી કૃષ્ણકુમાર ત્યાંથી જવા માટે રવાના થયા.
એ પોતાના પાર્કિંગ માં આવ્યા અને એમણે પોતાના સ્કુટરની કીક મારી. હજુ એ કીક મારી જ રહ્યા હતા ત્યાં જ એમણે શ્રદ્ધા ને એક છોકરી જોડે સાઈકલ પર આવતી જોઈ. શ્રદ્ધા ને જોઈને એમણે ખૂબ રાહત અનુભવી અને તરત જ શ્રદ્ધા ને ગળે વળગી પડ્યા અને બોલ્યા, "શું થયું હતું દીકરી? આજે આટલું મોડું કેમ થયું?"
હજુ શ્રદ્ધા કંઈ જવાબ આપે એ પહેલાં જ એની સાથે આવેલી છોકરી એ જવાબ આપ્યો, "કંઈ જ નથી થયું અંકલ. એ તો કુતરાઓ એની પાછળ પડ્યા હતા એટલે એ ખૂબ ગભરાઈ ગઈ હતી. એટલે હું એને મારી સાથે મારા ઘરે લઈ ગઈ હતી. મેં એને બહુ સમજાવી પછી જ એ ઘરની બહાર નીકળી. એ તો સાઈકલ પર ઘરે આવવા જ તૈયાર નહોતી. બહુ મુશ્કેલીથી મેં અને મારી મમ્મી એ એને સમજાવી પછી એ મારી જોડે આવવા તૈયાર થઈ."
આવનાર છોકરી નો પરિચય ન હોવાથી કૃષ્ણકુમાર એ એને પૂછ્યું, "તું કોણ છે?"
પેલી છોકરી એ જવાબ આપ્યો, "અંકલ, મારું નામ વૃષ્ટિ છે અને હું શ્રદ્ધા ની મિત્ર છે."
એનો આ જવાબ સાંભળીને કૃષ્ણકુમાર એ ખૂબ જ આનંદ અનુભવ્યો અને ખુશ થયા અને મનોમન બોલ્યા, "આજે મારી દીકરી એ મિત્ર બનાવી. હંમેશા નિત્યા ના જ મિત્રો ને પોતાના મિત્રો માનતી મારી દીકરી આજે હવે ખરેખર મોટી થઈ ગઈ છે એવું અનુભવાય છે."
એ બંને ને ઘરમાં લઈ ગયા. અને ઘરમાં આવી બધાને શ્રદ્ધા જોડે જે પણ ઘટના બની હતી એ વિષે વિગતવાર વાત કરી અને બધાં ની સામે જોઈને કહ્યું, "આજે હું ખૂબ પ્રસન્નતા અનુભવું છું કે, આ મારી દીકરી શ્રદ્ધા કે જે ક્યારેય પોતાની બહેન નિત્યા થી છૂટી જ નથી પડી અને એની સખીઓને જ પોતાની સખી બનાવી છે એ શ્રદ્ધા એ આજે પહેલીવાર મિત્રતા ની સફર પર નીકળી ગઈ છે. પછી એમણે વૃષ્ટિ તરફ જોઈને એને પૂછ્યું, "આ ચમત્કાર કેવી રીતે થયો? તું એની મિત્ર કેવી રીતે બની?"
પ્રત્યુત્તર માં વૃષ્ટિ બોલી, "શ્રદ્ધા જ્યારે સાઈકલ પર સ્કૂલથી ઘરે જઈ રહી હતી ત્યારે અચાનક બે-ત્રણ કૂતરાં ઓનું ટોળું ત્યાં આવી જોરથી ભસવા લાગ્યું. કૂતરાઓ ને જોઈને શ્રદ્ધા ખૂબ જ ગભરાઈ ગઈ અને "મમ્મી મમ્મી" એમ જોરથી ચીસો પાડવા લાગી. એની ચીસ એટલી ભયાનક હતી કે, મારી મમ્મી એ ચીસ સાંભળીને તરત બહાર દોડી આવી અને જોયું તો શ્રદ્ધા કુતરાઓથી ડરી ગઈ હતી. મારી મમ્મીએ લાકડી લઈ ને કૂતરાઓ ને ભગાડ્યા પણ શ્રદ્ધા હજુ રડી જ રહી હતી. એટલે મારી મમ્મી એને ઘરમાં લઈ ગઈ ત્યાં જ હું પણ સ્કૂલેથી ઘરમાં આવી ને મેં શ્રદ્ધા ને ત્યાં જોઈ એટલે મમ્મીને પૂછ્યું, "મમ્મી, આ શ્રદ્ધા આપણા ઘરમાં શું કરે છે?"
એટલે મારી મમ્મી એ પૂછ્યું, "તું ઓળખે છે આને?
મેં કહ્યું, "હા, આ મારી સાથે સ્કૂલમાં મારા જ ક્લાસમાં ભણે છે. પણ એને કોઈ મિત્રો નથી એટલે ક્લાસમાં બધા એની મસ્તી કરતાં હોય છે. પણ એ આપણા ઘરમાં શું કરે છે?"
એટલે મારી મમ્મી એ મને જે બનાવ બન્યો હતો એની વાત કરી અને મને પણ એની દયા આવી ગઈ અને મેં એને પૂછ્યું, "શું તું મારી મિત્ર બનીશ?" એટલે શ્રદ્ધા એ હકારમાં માથું હલાવ્યું પછી જે કાંઈ બન્યું એ તો મેં તમને આગળ જણાવ્યું જ છે.
*****
આ વાતને થોડો સમય થઈ ગયો. શ્રદ્ધા ને એક મિત્ર બની હતી એ વાતથી ઘરમાં બધાં ખૂબ જ ખુશ થયા હતા. અને વૃષ્ટિ ની મિત્રતા સમય આવ્યે એના જીવનમાં અનેક મિત્રો નો રંગ ભરવાની હતી એ વાતથી ખુદ શ્રદ્ધા ખુદ પણ અજાણ હતી.
*****
કુશલ ની કોલેજ પુરી થઈ ગઈ હતી અને એ સારી નોકરી ની શોધમાં હતો. નિત્યાનું કોલેજનું ફાઈનલ વર્ષ હતું. અને શ્રદ્ધા હવે બારમાં ધોરણ ની પરીક્ષા આપીને કોલેજમાં દાખલ થવાની હતી. વૃષ્ટિ હવે શ્રદ્ધા ની ખાસ મિત્ર બની ગઈ હતી. બંને જાણે એક દિલ એક જાન હોય એવી એમની દોસ્તી થઈ ગઈ હતી. થોડા સમયમાં જ શ્રદ્ધા ના કોલેજ જીવનનો આરંભ થવાનો હતો.
*****
મિત્રતા ની કેડી તો શ્રદ્ધાએ કરી છે હવે પાર
શું કોલેજ જીવન કેરી કસોટી કરશે એ પાર?
*****