Mathabhare Natho - 40 - last part books and stories free download online pdf in Gujarati

માથાભારે નાથો - 40 - છેલ્લો ભાગ

માથાભારે નાથો (40)

કેતનની આંગળી પકડીને મગન મોટાભાઈના ઘરના દાદર ચડી રહ્યો હતો.મનમાં ઘણો સંતાપ હતો.ભાઈએ પોતાનુ ભલું ઈચ્છયું હતું, પણ પોતે ગેરસમજ કરી બેઠો હતો.આખું વરસ એમ જ પસાર થઈ ગયું. ઘણીવાર ભાઈ અને ભાભીની યાદ આવતી.કેટલા પ્રેમથી મોટાભાઈએ એને રાખ્યો હતો..
અમદાવાદ કોલેજમાં ભણતો હતો ત્યારે ભાઈ હંમેશા નાસ્તો લઈને આવતા.નવા કપડાં લઈને આવતા.પોતે કોલેજમાં ભણતો એ વાતનું કેટલું ગૌરવ હતું એમને..! સાથે હીરા ઘસતા બીજા કારીગરોને એ છાતી ફુલાવીને કહેતા કે મારો ભાઈ અમદાવાદમાં કોલેજ કરે છે...!
વેકેશનમાં એ સુરત આવતો ત્યારે ભાભીઓ પણ રોજ નવી નવી વાનગીઓ બનાવતી. બિચારા મગનભાઈને હોસ્ટેલમાં સારું ખાવા નહીં મળતું હોય એટલે એ બેઉ ભાભીઓ મા જેવું હેત એની પર રાખતી.
પોતાના જુના કપડાં જોઈને ભાઈ ખિજાતા, "આવા કપડાં પહેરીને કોલેજ જવાય..? શહેરના છોકરા તારી ઠેકડી કરતાં હશે. છોકરીયું તો હામું'ય નહીં જોતી હોય.હાલ્ય, તને જીન્સનું પેન્ટ અને ટીશર્ટ લઈ દવ.."
મગનને ભાઈઓની પરિસ્થિતીનો ખ્યાલ હતો. ક્યારેય ખોટો ખર્ચો મગન કરતો નહીં. જીન્સ અને ટીશર્ટ કરતા સાદા અને સસ્તા કપડાં પહેરીને એને કોલેજ જવામાં ક્યારેય શરમ નડી ન્હોતી.ઘરની સ્થિતિ પ્રમાણે રહેવાની સમજ એને હતી. કોલેજમાં છોકરીઓની દોસ્તી ખર્ચાળ હોય છે એવી સમજણને કારણે એ નાથા જેવા દોસ્તોને ગ્રૃપમાં જ રહેતો..
બાપાના પૈસે તાગડધિન્ના અને રખડપટ્ટી કરતા વિદ્યાર્થીઓથી મગનને સખત નફરત હતી.
રૂમનું બારણું ખુલ્લું જ હતું. મોટાભાઈ પલંગમાં લુંગી અને ગંજી પહેરીને બેઠા હતા.ભાભી રૂમના ખુણામાં આવેલી ચોકડીમાં બેસીને કપડાં ધોઈ રહ્યાં હતાં.
કેતન દાદર પૂરો થયો એટલે લોબીમાં દોડ્યો..
"પપ્પા..પપ્પા...ચાચુ આવ્યા..ચાચુ આવ્યા..''
એ અવાજ સાંભળીને મોટાભાઈ એકદમ ઉભા થઈને લોબીમાં આવ્યાં. કેતન એમના પગે વળગી પડ્યો..
મોટાભાઈ મગનને જોઈ રહ્યા.એ જ સાદો શર્ટ અને એવું જ ઢીલું પેન્ટ એણે પહેર્યું હતું. પગમાં પણ એના જુના સ્લીપર જ મગને પહેર્યા હતા..!
એ કપડાં પહેરતો હતો ત્યારે નાથાએ એને કહ્યુ હતુકે, "મગના..આવા જુના કપડાં શું કામ પહેરે છે...? હવે એ કપડાં પહેરવાની તારે જરૂર નથી...જીન્સ અને શોર્ટ શર્ટ પહેર..અને બુટ મૂકીને આ સ્લીપરીયા કેમ પહેર્યા..?"
"દોસ્ત, આજે હું મારા ભાઈ પાસે જઉં છું.. ભાઈને મળવા..એમની સેવા કરવા..એમને મારો ઠાઠમાઠ બતાવવા નહીં.ભાઈને સારા કપડાં પહેરાવીને જ હું સારા કપડાં પહેરીશ.. એમને એમ ન લાગવું જોવે કે હું એમની ઉપર દયા કરું છું..તને ખબર છે..? નાથા, મોટાભાઈ કોઈપણ સંજોગોમાં કોઈની આગળ હાથ લાંબો નથી કરતાં.હું એમની આગળ ઠાઠમાઠ કરીને જઉં તો એમના મનમાં લઘુતાગ્રંથી ઉત્પન્ન થાય.. પછી એ આપણી મદદ ન સ્વીકારે.એમને એવું લાગે કે મારી પાસે બે પૈસા થયા છે એનો હું દેખાડો કરું છું કે અભિમાન કરું છું તો પછી એમને માઠું લાગી જાય.."
''ભાઈનો આટલો બધો ખ્યાલ છે તો છોલાવાને એમને છોડીને આવતો રીયો'તો..?" નાથાએ એના મિજાજ પ્રમાણે કહ્યુ હતુ.
એકદમ નખાઈ ગયેલા મોટાભાઈને જોઈને મગનની આંખો ભરાઈ રહી..ઉતાવળો ચાલીને એ મોટાભાઈના પગમાં નમ્યો..
મોટાભાઈએ એને બંને ખભા પકડીને ઉભો કર્યો. એમની આંખો બોલી રહી હતી..મગનને ઘર છોડી જવા બદલ ઠપકો આપી રહી હતી. મગન એમના ગળે વળગ્યો. ભાઈએ પણ એને બાથમાં લઈને ભીંસ્યો..
"ગાંડા.. આમ..આમ...ઘર મૂકીને........."
પરસોત્તમનભાઈના ગળે ડૂમો ભરાઈ આવ્યો.
''મને માફ કરો..ભાઈ.....હું ન સમજવાનું સમજીને ઘર છોડી ગયો હતો.." મગને રડતાં રડતાં કહ્યુ.
ભાભી પણ બારણામાં આવીને ઉભા હતાં. એમની આંખો પણ વરસી રહી હતી..
"મગનભાઈ, અમારું બોલ્યું માફ કરજો. અમે તમને ખાવાની ના પાડી..અરે. રે..એવું બોલતા અમારી જીભ કેમ કપાઈ નો ગઈ..અમને શું ખબર કે તમને આટલું બધું ખોટું લાગી જશે.."
મગન આંખમાં અશ્રુઓ સાથે બે હાથ જોડીને ભાભીના પગમાં નમી પડ્યો. ભાભીઓના કટુ વચન સાંભળીને એ આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયો હતો એ એને યાદ આવ્યું..
"ભાભી, કંઈ ન બોલશો..હું જ અણસમજુ હતો..."
ભાભીએ મગનને ઉભો કરીને પલંગ પર બેસાડ્યો. પરસોત્તમભાઈ પણ સાથે બેઠા. નાનકડો કેતન મગનના ખોળામાં ચડી બેઠો હતો.પાછળ આવેલા નાથો સજળ નેત્રે આ દ્રશ્ય જોઈ રહ્યો હતો.
"હવે ભરતમિલાપ પૂરું થયું હોય તો ભાઈ તમે તૈયાર થાવ. આપણે ડોકટર પાસે જવાનું છે..!" કહી નાથો અંદર આવ્યો. સૌ હસી પડ્યા.
પરષોત્તમભાઈને સુરતના શ્રેષ્ઠ જનરલ સર્જનની હોસ્પિટલમાં દાખલ કરીને એમના આંતરડામાં થયેલી ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. સ્વસ્થ થયેલા ભાઈ સાથે જ હવે મગન રહેવાનો હોવાથી રચના સોસાયટીમાં જ એક મકાન ભાડે રાખવામાં આવ્યું.
નાથા અને મગને રાઘવની મદદથી નવું કારખાનું શરૂ કર્યું. પરસોત્તમભાઈ પણ એ કારખાનું સાંભળવા લાગ્યાં.
નાથાએ હીરા બજારમાં હીરાનો વેપાર સરસ રીતે કરવા માંડ્યો અને પેલી નર્સ સ્વાતિ સાથે લગ્ન કરી લીધા. નાથના લગ્નમાં બધા મિત્રોએ ખૂબ જ આનંદ કર્યો..!
રાઘવની નાની બહેન કોલેજમાં અભ્યાસ કરતી હતી.એનો કોલેજનો અભ્યાસ પૂર્ણ થયો એટલે રાઘવે રમેશ પાસે મગનને પોતાનો જીજાજી બનાવવાની ઈચ્છા પ્રગટ કરી. રમેશ અને નાથાએ આ સબંધ માટે મગનને રાજી કરીને સોનામાં સુગંધ ભેળવી.મગનના લગ્ન પણ રંગેચંગે કરવામાં આવ્યા.
ચમેલી પણ પોતાની લાગણીઓ ખાળીને મગનના લગ્નમાં ખૂબ નાચી. ચંપક કાંટાવાળા, તારીણી દેસાઈ અને રસિક દવે વગેરે મહાનુભાવોએ મગનના લગ્નમાં સહકુટુંબ હાજરી આપી.

* * * * *

રામા ભરવાડ અને ખેમાની મંડળીએ તિજોરીને ગેસ કટરથી મહામહેનતે કાપી હતી. જ્યારે એ તિજોરી ખુલી ત્યારે એમાંથી નીકળેલા મોટા પડીકાઓ જોઈને બધાના મોં ખુલ્લા રહી ગયા હતા.
રામા ભરવાડને તો હીરામાં કંઈ ગતાગમ પડતી ન્હોતી. ખેમાએ એ પડીકા ખોલીને સફેદ અને ચોરસ હીરા હાથમાં લીધા હતા. થોડીવારે એની આંગળીઓ પર સહેજ ચીકાશ લાગવા લાગી.એ હીરા શરીરની ગરમીથી સહેજ ઓગળતા હોય એમ લાગ્યું....!
ખેમો ચમક્યો. એને એક દાણો લઈને મોંમાં મુક્યો..
"અલ્યા ડોબા..હીરા નથી ભાળ્યા..? ક્યાંક ખાઈ જાતો નહીં.." રામાએ ખેમાને ટપાર્યો ત્યારે ખેમાનું મોઢું જોવા જેવું હતું..
એના મોંમાં પ્રસરી ગયેલા ગળપણથી એના ચહેરાનો રંગ ઉડતો જતો હતો..
"કેમ શું છે..કેમ અલ્યા કાંઈ બોલતો નથી.."
જોરુભાએ ખેમાને હલબલાવ્યો.
"ચા બનાવો..ચા...નરશી માધાએ ખાંડના પડીકા મોકલ્યા છે..આ હીરા નથી ખાંડ છે.લ્યો ગળ્યું મોઢું કરો બધા..." કહીને ખેમાએ પડીકું નીચે મૂકી દીધું.
રામાએ તિજોરીમાં એક કાગળ પડેલો જોયો.એ કાગળ લઈને જોયું તો એમાં કંઈક લખેલું હતું.
રામાને તો વાંચતા આવડતું ન્હોતુ એટલે એ કાગળ બે ચોપડી ભણેલા જોરુભાએ જ વાંચ્યો.
"મારા પ્રિય ચોર ભાઈઓ, ભીમજી મૂછ અને તેના સાથીદારો....આપની મહેનત કાબીલે તારીફ છે. આવડી મોટી તિજોરી ઉઠાવી જવાનું પરાક્રમ સૌથી પહેલા કરી બતાવવા બદલ ચોરોની દુનિયામાં તમને આગળ પડતું સ્થાન પ્રાપ્ત થશે. આપ સૌની મહેનત સાવ વ્યર્થ ન જાય એ માટે એક કિલો ખાંડના અલગ અલગ પડીકાઓ મોકલું છું.જેના સરખા ભાગ પાડીને વહેંચી લેજો.કોઈ અંદરોઅંદર લડતા ઝઘડતા નહીં. આદું- એલચી નાખીને સરસ મજાની ચા બનાવીને પી લેશો..
ભીમજી મૂછ, તું હીરા લેવા મારી પાસે આવ્યો ત્યારે જે નજરે તિજોરીમાં પડેલો માલ અને રૂપિયા તું જોતો હતો એ મેં જોયું હતું...બસ ત્યારથી મને તિજોરીમાં જોખમ રાખવું જોખમી લાગ્યું હોવાથી મેં એની વ્યવસ્થા કરી હતી.જો એ માલ તમારા હાથમાં આવ્યો હોત તો તમે માલામાલ અને અમે પાયમાલ થઈ જાત.જે નરશી માધા તમારી જેવા હજારો કારીગરોના પેટ પાળે છે..હજારોની રોજી રોટી પુરી પાડે છે એને ત્યાં જ તમે ખાતર પાડીને એનું સત્યાનાશ વાળી દો તો એની પાછળ કેટલાય રસોડા દેહ ભેગા થઈ જાય... એનું તમને ભાન નથી એટલે જ ભગવાને અમારા જેવા ચકોર અને સાવધાન માણસોને બનાવ્યા છે.. તમે લોકો જો એમ માનતા હોવ કે આ તિજોરી તમે ઉપાડી જશો અને પકડાશો નહીં તો તમે આજે જે ખાંડ ખાવ છો એમ જ ધૂળ પણ ચાટશો. ભીમા મૂછ વિરુદ્ધ ફરિયાદ કરીને તમને બધાને ટૂંક સમયમાં જ જેલભેગા કરવામાં આવશે."
લિખિતન.. તમારો બાપ..ગોરધન ગોઘાણી.

એ કાગળ વાંચીને લાખાના ઘરના એ ઓરડામાં સોપો પડી ગયો. શું બોલવું એની કોઈને સમજણ પડતી ન્હોતી.આખરે રામાએ મૌન તોડ્યું..
"ભીમલાને પતાવી દીધો છે એટલે હવે એ બીક નથી. આ ગોરધન બવ હોશિયાર નીકળ્યો પણ હવે એને'ય જોઈ લેશું.હવે આપણે એમ કરો, પાસળ વાડામાં ખાડો ગાળીને આ તિજોરી દાટી દ્યો. કોઈ હમણે છો મહિના સુધી સુરત જાતાં નહીં.. હાલો જલ્દી કરો.."
"મારા ઘરના વાડામાં હું આ તિજોરી ડાટવા નહીં દવ.તમારે જ્યાં લઈ જાવી હોય નયાં ઉપાડો.
મારા ઘરમાં નહીં. પોલીસવાળા મને મારી મારીને પૂંઠા ફાડી નાખે તો કોઈ વાંહે હાથ દેવા આવો ઇમ નથી.. હાલો અતારે ને અતારે આ તિજોરી આંયથી ઉપાડો.." લાખાને એકાએક બ્રહ્મજ્ઞાન લાધ્યું.
"પણ ઇમ તું અથરો થા માં..અતારે ચ્યાં લઈ જાવી.. હાલો, કોના ઘરે રાખવાની સે ઈ નક્કી કરો ભાઈ.." ખેમાએ કહ્યુ.
"લાખાની વાત સાચી છે. એના ઘરમાં આવું જોખમ રાખી શકાય નહીં.એના ઘરમાં હું.. કોઈના ઘરમાં નો રખાય.હાલો ટેમ્પામાં ચડાવો.. વડોદરા બાજુ કોકના ખેતરમાં ફગાવી દેશું... જે થિયું ઈ થિયું..મને તો પહેલેથી જ આ ધંધો કરવો ગમતો નો'તો..મુકો લપ હવે, ઉઠો બધાં.." કહીને જોરુભા ઉભા થયા.
" ઇમ કરો..સા પાણી તો કરી લેવી.આ ખાંડ આવી સે તો..!" બીજો એક જુવાન બોલ્યો.
રામાએ ઉભા થઈને એને એક લાફો મારતા કહ્યુ, "તારી ##%@ હમણે કવ ઈ.. સાનીમાનીનો ઉભીનો થા..અને ઉપાડો બધું આંયથી.."
આખરે આખું મંડળ વિખાયું. ખાલી તિજોરી ટેમ્પામાં ચડાવતાં બધાને બહુ બળ કરવું પડ્યું.એ તિજોરીનો ભાર એકાએક ખૂબ વધી ગયો હતો.

* * * * * *

જે દિવસે તિજોરીની ચોરી થઈ એના બે દિવસ પહેલા નવો જ આવેલો કારીગર ભીમજી, હીરાની લેવડ-દેવડ કરતી વખતે ખુલ્લી તિજોરી જોઇ ગયો હતો.
તિજોરીમાં પડેલી નોટોના બંડલ અને હીરાના પડીકાઓ જોઈને એની આંખો પહોળી થઇ ગઇ હતી. ગોરધન ગોઘાણી એક બાહોશ યુવાન હતો.એ જાણતો હતો કે ઓફિસમાંથી આ તિજોરી તોડવી અશક્ય છે પણ એ જોખમ લેવા માગતો ન્હોતો.એણે આ ભીમજી મૂછ વિશે વીરજી ઠુંમરના કારખાનામાં પૂછપરછ કરાવી હતી.એના રામા ભરવાડ સાથેના કનેક્શન વિશે એણે જાણ્યું હતું. આવા માથાભારે અને લબાડ માણસો સાથે સાંઠગાંઠ ધરાવતા ભીમાને કારખાનમાંથી કાઢી જ મુકવો જોઈએ એમ તેને લાગ્યું હતું.
નરશી, વીરજી ઠુંમરનો હરીફ હતો.નરશી એને કોઈપણ હિસાબે પછાડવા માગતો હતો એટલે એના કારખાનામાં જે કારીગરોનું કામ સારું હોય એને ત્યાંથી ઉઠાડીને પોતાને ત્યાં બેસાડી દેવાની ચાલ એણે ખેલી હતી, જે ગોરધનને માન્ય ન્હોતી.નરશી, એનો શેઠ હોવાથી એ નરશીની ઈચ્છા વિરુદ્ધ કંઈ કરી શકે તેમ પણ ન્હોતો.
ગોરધને થોડા દિવસો પૂરતું તમામ જોખમ તિજોરીમાંથી હટાવીને લોકરમાં મૂકી દીધું.. બીજા મેનેજરોને પણ એની ગંધ આવવા દીધી નહીં..ખાંડના પડીકા તિજોરીમાં મૂક્યાં. ભીમજી મૂછ પર જ એને શંકા હતી..એટલે એનું જ નામ લખીને એક કાગળ પણ તિજોરીમાં મુક્યો...

* * * *

જે દિવસે નરશી માધા,નાથા સાથે ઝગડો કરીને આવ્યો અને ભીમજી મૂછની લાશ મળી તે દિવસે સાંજે ગોરધને તમામ માલ સુરક્ષિત હોવાનું જણાવીને નરશીને એક મોટી આફ્તમાંથી બચાવી લીધો. માલ સુરક્ષિત હોવા છતાં નરશીએ પોતે રોડ પર આવી ગયો હોવાનું નાટક ચાલુ રાખીને પોલીસને દોડતી રાખી હતી..

* * * * *

ભીખા ચાવાળાને રામાએ એના તબેલામાં કેદ કર્યો હતો. રામો અને લાખો તિજોરીનો વહીવટ કરવા સૌરાષ્ટ્રમાં ગયા ત્યારે ગમે તેમ કરીને એ છટકી ગયો અને સીધો જ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ભીખાએ પોતાનું અપહરણ અને નરશી માધાના કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ખોલીને પોલીસને બધી જ માહિતી આપી હતી.જે એને સાંભળવામાં આવી હતી.
પોલીસે રામા ભરવાડને પકડવા સૌરાષ્ટ્રમાં તપાસ આદરી હતી. દસ દિવસ પછી રામા ભરવાડની આખી ટોળીના સભ્યોને અલગ અલગ ગામડાંમાંથી ઝબ્બે કર્યા હતા.એમના રિમાન્ડ લેતાં વડોદરા પાસેના એક ખેતરના કુવામાંથી તોડેલી તિજોરી પણ મળી આવી હતી.
મુદ્દામાલ મેળવવા માટે કોર્ટમાંથી થર્ડ ડીગ્રી રિમાન્ડને હુકમો મેળવીને પોલીસે રામા ભરવાડ સહિત તમામને મારી મારીને ભીમજી મૂછના ખૂનનો ભેદ પણ ઉકેલી નાંખ્યો પણ નરશી માધાનો માલ મળ્યો ન્હોતો..!

* * * * *

ચંપકની દુકાનમાંથી ચંપકની ગાળો અને ઢોરમાર ખાઈને ભાગેલો કાંતિ તનતોડ મહેનત કરીને એક અચ્છો કારીગર બન્યો હતો.ઘાટનો જોલો કારીગર બનીને એણે રાત-દિવસ હીરા ઘસવા માંડ્યા હતા.
સારી એવી મૂડી એકઠી કરીને કાંતિએ ચંપકની દુકાન સામે જ કાંતિના ગોટા નામની દુકાન શરૂ કરીને ચંપકના હાથે જ એનું ઓપનિંગ કરાવ્યુ હતુ.કાંતિનો દોર-દમામ જોઈને ચમેલીએ એને નવી નજરથી નિહાળ્યો હતો..!
કાંતિના ગોટા ટૂંક સમયમાં જ પ્રખ્યાત થતા કાંતિશેઠ બનીને ફરવા લાગ્યો હતો.
એક દિવસ ચંપક કંટાવાળાના ઘેર જઈ એણે ચમેલીનો હાથ માંગ્યો ત્યારે ચંપક એ હોનહાર કાંતિ પર ફિદા થઈ ગયો.હતો.
કાંતિ અને ચમેલીના લગ્નમાં આવેલા મગન અને નાથાએ ખૂબ સરસ ગિફ્ટ આપીને ડિયર ચમ્મુને સુખી થવાની શુભાષીશ આપી હતી..

* * * * *

તારિણી દેસાઈએ અમેરિકા સ્થિત વિધુર પ્રોફેસર ચંદુલાલ મહેતા સાથે લગ્ન કરીને અમેરિકા ઉડી ગયા પછી રસિકલાલનું જીવન સાવ રસહીન થઈ ગયું હતું..
પોતાના બાગમાં તારીણી દેસાઈ નામની કોયલ ટહુકવાની આશા ઠગારી નિવડતાં રસીકલાલ સાવ રસિકહીન બની ગયા હતા.
ક્યારેક ચંપક કાંટાવાળાની દુકાને આવીને એ જીભનો ચટકો સંતોષે અને જીવનમાં રહી ગયેલા ખટકો ચંપક આગળ વ્યક્ત કરે છે.એ વખતે ચંપક એમને પોતાની દુકાન પાછળની ઓફિસમાં લઈ જાય છે.બંને સમદુખિયા બની એકાદ બાટલીને ન્યાય આપીને જીવનમાં નહીં માણેલો રસ માણવા મથે છે..!
"આચાડય સાહેબ, ટમે સાવ ખાલી નિકડયા મલે.. મેં આચાડય હોટે ટો એ તાનીની મેડમ આજ ડેહાઈ મટીને કાંટાવાલા ઠેઈ ગેઈ હોટે.." કાંટાવાલો કારણ વગર રસિકલાલને કાંટો ઘુસાડીને ગ્લાસ ખાલી કરે છે અને ગરમ ગોટુ ગલોફામાં મૂકે છે..!
(સંપુર્ણ )

મારા પ્રિય વાચકમિત્રો...
માથાભારે નાથાની દસ માસ સુધી સળંગ ચાલેલી આ યાત્રામાં સતત સાથે રહી મને પ્રોત્સાહિત કરવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
મારી અનિયમિતતા સહી લઈને પણ આપ સૌએ મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ આપ સૌનો હું આભારી છું..
ઘણા વાચકો "માથાભારે નાથો" ની આ હાસ્યનોવેલ અહીં સમાપ્ત કરવા બદલ નિરાશ થયા હશે. એ સૌ મિત્રોને આવી જ હાસ્ય વાર્તાઓ આપવાનું વચન આપું છું.
બીજી, એક વાત આપ સૌ આગળ વ્યક્ત કરવાની ઈચ્છા છે. થોડા દિવસોથી "સંતોષ સાંઢિયાર"નામની નોવેલના આઠ પ્રકરણ આપીને મેં આ વાર્તા પ્રતિલિપિ પરથી હટાવી લીધી છે કારણ કે આ નોવેલ પ્રતિલિપિ પર યોજાઈ રહેલી 30k મેરેથોન સ્પર્ધામાં સામેલ હતી. એના નિયમ મુજબ નોવેલ 30,000 શબ્દોની મર્યાદામાં બાંધવી જરૂરી હતી પણ હું એ શબ્દોની મર્યાદામાં રહી શક્યો નહીં અને "સંતોષ સાંઢિયાર" 50,000 શબ્દોમાં પણ હું પુરી કરી શકું એમ ન્હોતો. મારે હાલ પૂરતી આ નોવેલને સ્પર્ધામાંથી હટાવી લેવી જરૂરી હતી પરંતુ હું આપ સૌને નિરાશ નહીં કરું. આ આખી વાર્તાના 20 પ્રકરણો ઓલરેડી લખાઈ ગયા છે.એ નોવેલ પુરી થતાં જ નોવેલ આપ સૌ સમક્ષ રજુ કરીશ..
"માથાભારે નાથો" હાસ્ય નોવેલ 1000થી પણ વધુ વાચકો નિયમિત વાંચી રહ્યાં છે.એ તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપના ચહેરા પર હાસ્યની લકીર ઉત્પન્ન કરવામાં આ નોવેલ જો સફળ થઈ હોય તો આપ એક પ્રતિભાવ અવશ્ય લખશો..જે મિત્રો નથી લખી શકતા એ મિત્રો ( ⭐⭐⭐⭐⭐) ફાઈવ સ્ટાર તો આપશે જ જેથી નોવેલનું રેટિંગ જળવાઈ રહે....એવી હું આશા રાખું તો તે વધુ પડતું નહીં કહેવાય..
મારા વ્હાલા વાચકમિત્રો..
13મી જૂન 2019ના રોજ શરૂ થયેલી આ નોવેલ આજે 18મી એપ્રિલ 2020ના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે નાથો આપ સૌની રજા લઈ રહ્યો છે..
સર્વ વાચકમિત્રોનો સહૃદયી આભાર.... આભાર.. આભાર..🙏 🙏 🙏