A Living Chattel - 6 books and stories free download online pdf in Gujarati

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૬)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ

ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા

ભાગ - ૬

જ્યારે તેને એવું લાગ્યું કે કદાચ તેને ઠંડી લાગી રહી છે ત્યારેતો તે પોતાની જાતને અત્યંત અસમર્થ માણવા લાગ્યો. લીઝા સતત વરંડામાં જઈને સામે શું થઇ રહ્યું છે એ જોઇને તેના રૂમમાં આવીને તેના વિષે બોલીબોલીને તેને હેરાન કરતી રહી. રાત્રીભોજના સમયે તેણે રાઈનો મલમ લગાડ્યો. હે વાચક, આ બધું કેટલું કંટાળાજનક હોત જો મારી હિરોઈનના ઘરની સામે પેલી વિલા ન હોત! લીઝાએ આખો દિવસ વિલાને જોઈ અને આખો દિવસ હસતી રહી, ખુશ થતી રહી.

રાત્રે દસ વાગ્યે ઇવાન પેત્રોવીચ અને મિશુત્કા માછલીઓ પકડીને પરત આવ્યા અને નાસ્તો કર્યો. રાત્રે બે વાગ્યે તેમણે રાત્રીભોજ કર્યું અને સવારે ચાર વાગ્યે તેઓ બગીમાં જ ક્યાંક નીકળી ગયા. સફેદ ઘોડા વિજળીની ગતિએ તેમને દૂર લઇ ગયા. સાત વાગ્યે કેટલાક મુલાકાતીઓ તેમને મળવા આવ્યા, આ બધા જ પુરુષો હતા. તેમણે મધ્યરાત્રી સુધી વરંડાના બંને ટેબલો પર પત્તાં રમે રાખ્યા. એક પુરુષે ખૂબ સુંદરરીતે પિયાનો વગાડ્યો. મુલાકાતીઓએ રમતો રમી, જમ્યા, દારુ પીધો અને ખૂબ હસ્યા. ઇવાન પેત્રોવીચ ખડખડાટ હસ્યો અને એ બધાને તેણે એકદમ જોરથી આર્મેનિયાના જીવન અંગે કહ્યું જેથી આસપાસની બધીજ વિલાઓ તેને સાંભળી શકે. વાતાવરણ અત્યંત પૌરુષત્વથી ભરેલું હતું અને મિશુત્કા મધ્યરાત્રી સુધી જાગ્યો.

“મિશા ખૂબ ખુશ છે, એ રડી નથી રહ્યો,” લીઝાએ વિચાર્યું, “એટલે એને એની મમ્મા યાદ નથી. એટલે એ મને ભૂલી ગયો છે!”

અને લીઝાનો આત્મા અત્યંત દુઃખી થવા લાગ્યો. તેણે આખી રાત રડતા રડતા વિતાવી. તેને તેના નાનકડા આત્માએ ચિંતા, દુઃખ અને ગુસ્સા તેમજ મિશુત્કાને ચુંબન કરવાની ઈચ્છાથી ઝાડી નાખી. સવારે તે માથાના દુઃખાવા અને આંખમાં આંસુ સાથે ઉઠી. તેના આંસુને ગ્રોહોલ્સકીએ તેને પોતાના માટે થઇ રહેલા દુઃખ તરીકે લઇ લીધું.

“ના રડ પ્રિયે,” તેણે તેને કહ્યું, “મને આજે સારું લાગે છે, છાતીમાં થોડું દુઃખે છે, પણ એવી ચિંતા જેવું કશું નથી.”

જ્યારે તેઓ ચ્હા પી રહ્યા હતા ત્યારે સામે આવેલી વિલામાં બપોરનું ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. ઇવાન પેત્રોવીચ પોતાની પ્લેટ સામું જોઈ રહ્યો હતો જેમાં હંસના માંસ સિવાય બીજું કશુંજ ન હતું.

“હું ખૂબ ખુશ છું,” ગ્રોહોલ્સકીએ બગરોવ સામે જોતા જોતા કહ્યું, “મને આનંદ થાય છે કે તેના જીવનમાં ખુશી છે! મને આશા છે કે તેની આસપાસ રહેલું આટલું સુંદર વાતાવરણ તેના દુઃખને ઓછું કરવામાં જરૂર મદદ કરશે. તું જરા એમની નજરથી દૂર રહેજે લીઝા! કદાચ એ લોકો તને જોઈ ન જાય... હાલપૂરતો તો હું તેની સાથે ચર્ચા કરવા માટે તૈયાર નથી... ભગવાન એનું ભલું કરે! આવી શાંત જગ્યા પર ક્યાં ઝઘડો કરવો?”

પરંતુ રાત્રીભોજ આટલું સરળતાથી પસાર ન થયું. રાત્રીભોજ દરમ્યાન એવી વિચિત્ર પરિસ્થિતિ આવીને ઉભી રહી જે ક્યારેક તો થવાનીજ છે તેનો ગ્રોહોલ્સકીને ડર હતો. લીઝા અચાનક જ મૂંઝવણમાંથી બહાર આવી અને ગ્રોહોલ્સકી તેના ટેબલ નેપકીનથી પોતાનો ચહેરો સાફ કરવા લાગ્યો. સામેની વિલાના વરંડામાં તેમણે બગરોવને જોયો. તેના બંને હાથ જાળી પર ટેકવેલા હતા અને તે તેમની સામે એકીટશે જોઈ રહ્યો હતો.

“અંદર જ લીઝા, અંદર જ,” ગ્રોહોલ્સકીએ ધીમેથી કહ્યું. “મેં તને કહ્યું હતુંને કે આપણે આજે અંદર જ જમીશું? ખબર નહીં પણ તું કેવી છોકરી છે કે તને...”

બગરોવ સતત તેમની સામે જોતો જ રહ્યો, જોતો જ રહ્યો અને અચાનક જ બુમો પાડવા લાગ્યો. ગ્રોહોલ્સકીને તેનો ચહેરો આશ્ચર્યથી ભરપૂર લાગ્યો.

“શું એ તું જ છે? ઇવાન પેત્રોવીચે બૂમ પાડી, “તું? તું અહીં પણ છે?”

ગ્રોહોલ્સકીએ પોતાની છાતી પર પોતાની આંગળી ફેરવી અને એવું કહેવાનો વિચાર કર્યો કે, “મારી છાતી નબળી છે એટલે હું આટલી દૂરથી આટલા મોટા અવાજે બૂમ નહીં પાડી શકું.” લીઝાનું હ્રદય જોરથી ધડકવા માંડ્યું અને સમગ્ર ભૂતકાળ તેની નજર સમક્ષ આવી ગયો. બગરોવ તેના વરંડામાંથી દોડીને રસ્તો ક્રોસ કરીને અમુક જ સેકન્ડમાં એ જ વરંડાની નીચે આવીને ઉભો રહી ગયો જ્યાં ગ્રોહોલ્સકી અને લીઝા રાત્રીભોજ કરી રહ્યા હતા. આ બંને તેતરની જેમ ફફડી રહ્યા હતા.

“કેમ છો તમે?” તેણે લાલચટક ચહેરા સાથે શરુ કર્યું, તેના બંને હાથ તેના પેન્ટના ખિસ્સામાં હતા. “તમે બંને અહીંયા? તમે બંને અહીંયા પણ?”

“હા, અમે બંને અહિયાં પણ...”

“તમે લોકો અહીં કેવી રીતે આવ્યા?”

“કેમ? તું અહિયાં કેવી રીતે આવ્યો?”

“હું? બહુ લાંબી વાત છે, જેમ સામાન્ય રીતે બનતું હોય છે એવુંજ બન્યું હતું, મિત્ર! પણ તું બહાર ન આવતો, તું તારું ભોજન કરી લે! હું ત્યારથી, ઓર્યોલ રાજ્યમાં રહેતો હતો, ત્યાં મેં એક એસ્ટેટ ભાડે લીધું હતું. અત્યંત ભવ્ય એસ્ટેટ હતું એ! પણ તું તારું રાત્રીભોજ પતાવી દે! હું ત્યાં મે મહિનાના અંત સુધી રોકાયો, પણ હવે મેં એ છોડી દીધું છે... ત્યાં બહુ ઠંડી પડતી હતી અને... એટલે ડોક્ટરે મને સલાહ આપી કે તું ક્રિમીયા જઈને રહે એટલે...”

“ઓહ એટલે તું બીમાર છે?” ગ્રોહોલ્સકીએ પુછપરછ કરી.

“હા... એવું તો કાયમ લાગતું જ હોય છે, પહેલાની જેમજ... અહિયાં અને અહિયાં કશુંક ખડખડ થતું હોય એવું લાગે છે.” ‘અહિયાં’ શબ્દ બોલવાની સાથે ઇવાન પેત્રોવીચે પોતાનો એક હાથ પેન્ટના ખિસ્સામાંથી બહાર કાઢ્યો અને પોતાના ગળાથી પેટના મધ્યભાગ સુધી આંગળી દ્વારા ઈશારો કર્યો.

“તો તમે બંને પણ અહીં જ છો... બરોબર છે... આ બહુ સુંદર જગ્યા છે. કેટલા સમયથી અહીં છો?”

“જુલાઈ મહિનાથી.”

“ઓહ, અને તું, લીઝા? તું કેમ છે? મજામાં છે ને?”

“એકદમ મજામાં,” લીઝાએ જવાબ આપ્યો પણ તેને ક્ષોભ થઇ રહ્યો હતો.

“તને મિશુત્કાની યાદ આવતી હશે નહીં, તને એમ લાગતું હશે કે હું તને એની સાથે નહીં મળવા દઉં હેં ને? એ મારી સાથેજ છે... હું એને નિકિફોર સાથે સીધો જ અહીં મોકલી દઈશ. વાહ, બહુ સારું, તો હું રજા લઉં? મારે એક જગ્યાએ જવાનું છે... મેં ગઈકાલે પ્રિન્સ તેર-હાઈમાઝોવ સાથે ઓળખાણ કરી હતી; બહુ આનંદી વ્યક્તિ છે, મને લાગે છે કે એ આર્મેનિયન છે. તો એણે આજે કોર્કેટ પાર્ટી રાખી છે; અમે આજે આખો દિવસ કોર્કેટ રમવાના છીએ, તો ચાલો હું જાઉં? આવજો, બગી મારી રાહ જુએ છે...”

ઇવાન પેત્રોવીચ ગોળ ફર્યો, પોતાની માથું હલાવતા તેણે તે બંનેને આવજો કર્યું અને ઘર તરફ દોડી ગયો.

“દુઃખી માણસ,” ગ્રોહોલ્સકીએ કહ્યું, પેલાને દૂર જતા જોઇને તેણે નિસાસો નાખ્યો.

“તને કઈ દ્રષ્ટિએ એ દુઃખી લાગ્યો?” લીઝાએ પૂછ્યું.

“તેણે તને જોઈ પણ તું એની છે એવો કોઈજ દાવો તેણે ન કર્યો!”

“મુર્ખ!” લીઝાએ મનમાં વિચાર્યું, “એકદમ મુર્ખ!”

સાંજ પડી એ પહેલા લીઝા મિશુત્કાને ભેટી રહી હતી અને એને ચુંબનો કરી રહી હતી. પહેલીવાર તો એ બાળક થોડો ગભરાયો પણ પછી જ્યારે તેને જામ આપવામાં આવ્યો ત્યારબાદ તે સતત સ્મિત કરતો રહ્યો.

પછીના ત્રણ દિવસ ગ્રોહોલ્સકી અને લીઝાએ બગરોવને ન જોયો. એ આખો દિવસ ક્યાંક જતો રહેતો હતો અને માત્ર રાત્રેજ ઘરે પરત આવતો હતો. ચોથે દિવસે તે રાત્રીભોજના સમયે ફરીથી તેમની પાસે આવ્યો. તે આવ્યો અને તેણે બંને સાથે હાથ મેળવ્યા, અને ટેબલ પાસેની એક ખુરશી પર બેઠો, તેનો ચહેરો અત્યંત ગંભીર હતો.

“હું એક ખાસ કામ માટે તમારી પાસે આવ્યો છું,” તે બોલ્યો. “આ વાંચ.” અને તેણે ગ્રોહોલ્સકીને એક પત્ર પકડાવી દીધો. “વાંચ અને જોરથી વાંચ!”

ગ્રોહોલ્સકીએ આ મુજબ વાંચ્યું:

“મારા પ્રિય અને પ્રેમાળ, કદીય ન ભૂલાય તેવા પુત્ર ઈઓન! મને તારો એ પ્રેમથી ભરેલો પત્ર મળ્યો જેમાં તે તારા વૃદ્ધ પિતાને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ક્રીમીયામાં આવવાનું આમંત્રણ આપ્યું છે જેથી હું સ્વચ્છ હવામાં જીવી શકું અને તેનું અદભુત કુદરતી સૌંદર્ય જોઈ શકું. આ પત્રના જવાબમાં મારે રજાઓ લેવી કે નહીં તે વિચારી રહ્યો છું અને હું એમ કહેવા માંગુ છું કે હું તારી પાસે જરૂર આવીશ પરંતુ લાંબા સમય માટે નહીં. મારા મિત્ર ફાધર ગેરાસીમ એ હવે નબળા અને માંદા માણસ બની ગયા છે અને તેમને બહુ લાંબા સમય માટે એકલા રાખી શકાય તેમ નથી. મને તારા માતા-પિતાને યાદ કરવાની લાગણી વિષે પણ જ્ઞાન છે, તને તારા પિતા સાથે સમય પસાર કરવામાં આનંદ આવે છે અને તું કાયમ તારી માતાને તારી પ્રાર્થનાઓમાં યાદ પણ કરતો હોય છે જે એકદમ યોગ્ય પણ છે. આપણે ફેઓડોસિયામાં મળીએ. તને પ્રશ્ન થશે કે ફેઓડોસિયા વળી કેવું નગર હશે? પણ મને લાગે છે કે તને એ ગમશે. તારા દાદી જ્યારે તું નાનો હતો ત્યારે તને જ્યાં લઇ ગયા હતા એ જગ્યાનું નામ છે ફેઓડોસિયા તું મને ત્યાંથી તારે ઘેર લઇ જજે. તે લખ્યું છે કે ભગવાનની તારા પર એટલી બધી કૃપા વરસી છે કે તને બે હજાર રુબલની લોટરી લાગી છે. મને એ વાતનો ખૂબ આનંદ પણ છે. પણ હું એ વાતનો ક્યારેય સ્વીકાર નહીં કરી શકું કે તે નોકરી છોડી દીધી કારણકે નોકરીનું પણ આગવું મહત્ત્વ હોય છે; અત્યંત શ્રીમંત વ્યક્તિ પણ કોઈને કોઈ કામધંધો કરતો જ હોય છે. મારા આશિર્વાદ પહેલા પણ તારી સાથેજ હતા અને આગળ પણ રહેશેજ. ઈલ્યા અને સર્વોઝ્કા એન્દ્રોનોવ તને ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તું તે બંનેને દસ-દસ રુબલ મોકલીશ તો સારું રહેશે કારણકે તેમની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી છે.

તારો પ્રેમાળ પિતા,

પ્યોત્ર બગરોવ, પાદરી.”

ગ્રોહોલ્સકીએ આ પત્ર જોરથી વાંચ્યો, એ અને લીઝા બગરોવ સામે પ્રશ્નાર્થભરી નજરે જોવા લાગ્યા.

“તને ખબર પડી આ શું છે?” ઇવાન પેત્રોવીચે અચકાઈને બોલવાનું શરુ કર્યું. “શું તું મારી એક મદદ કરી શકીશ લીઝા? મારી ઈચ્છા છે કે તું એમની સામે ન આવ તો સારું, તું એમની નજરથી દૂર જ રહેજે. મેં તેમને લખ્યું હતું કે તું ઈલાજ માટે કૌકાસસ ગઈ છે. જો તું એમને મળીશ તો... તને ખબર છે ને....આ બહુ વિચિત્ર છે... પણ...”

“હા હું સમજી શકું છું.” લીઝા બોલી

“આપણે જરૂર એમ જ કરીશું,” ગ્રોહોલ્સકીએ કહ્યું, “જો એ આટલી બધી તકલીફ વેઠીને અહીં આવતા હોય તો આપણે શા માટે થોડી તકલીફ ન વેઠી શકીએ?”

==:: અપૂર્ણ ::==