Samay khub kharab chale chhe - 2 books and stories free download online pdf in Gujarati

સમય ખુબ ખરાબ ચાલે છે. - 2

સમય ખુબ ખરાબ ચાલે છે.

(2)

આશુતોષનો દોસ્ત સહદેવ આર્કીઓલોજીસ્ટ હતો, તેણે એકવાર ચર્ચામાં માહિતી આપેલ કે ધરમપુરની બાજુમાં એક મસ્ત નદી હતી પણ હાલમાં તેમાં પાણી નથી. જોકે પુરાતત્વની દ્રષ્ટીએ મહત્વની જગ્યા છે. ઘણીવાર દુર્લભ ચીજવસ્તુઓ ત્યાંથી મળી આવેલ છે. તેને ઘડાનો વિચાર આવ્યો. આ દેશના રહેવાશીઓ વિવિધ અને પાછી વિચિત્ર માન્યતાઓની પકડમાં છે. ઘડામાં એવું તો વળી શું છે હશે! ખજાનો, ખેર! જે હોય તે, આપણે ત્યાં કામ કરવાનું છે. તેના વિચારોમાં કમાડ ખુલવાના ધડામ અવાજથી ભંગાણ પડ્યું. માલતીએ અંદર પ્રવેશ લીધો, વાહ શું સૌંદર્ય આપ્યું છે ભગવાને! તે મનોમન બોલી ઉઠ્યો. પરંતુ તેણીએ સૌંદર્યપાન અટકાવી દીધું, “ કેમ ટીકી ટીકીને જુઓ છો? આ દેહ તો એક પડછાયો છે, તેમાં કઈ નથી.” તે આ ટકોરથી છોભીલો પડ્યો. “એતો જેને ખબર પડતી હોય એને જ પડે, તે જ કદર કરી શકે, આવ અહી મારી બાજુમાં બેસ. હું અહીંથી જઈશ પછી તને તો યાદ કરતો જ રહીશ.” તે તેની બાજુમાં બેસી અને ધારદાર નજરે તેની સામે જોઈ રહી. આશુતોષ કંપી ઉઠ્યો, તે એના મનના ભાવ કળી ગઈ હોય તેમ ઉઠીને બહાર ચાલી ગઈ, જેવી તે બહાર ગઈ કે અહી આશુતોષની વેદના વધી ગઈ. તે કણસવા લાગ્યો. ઠેકઠેકાણેથી એના જખમોમાથી લોહી અને પરુ વહેવા લાગ્યા. આ હોરર તે જોઈ શકતો નહોતો. તે માલતી અને પરબતને પુકારવા લાગ્યો, કેમકે દર્દ હવે સીમા વટાવી ગયું હતું, અસહ્ય વેદના... ત્યાતો ઘૂંટણ પર બાંધેલ પાટો દબાણવશ ખુલી ગયો. ત્યાંથી પણ લોહી અને ગંધ મારતા પરુના ફુવારા વછુટ્યા. તેમાંથી નાના નાના કીડા ખરવા લાગ્યા અને આખા રૂમમાં દોડવા લાગ્યાં. આ ભયાનક દ્રશ્ય એ પણ તેની સાથે બની રહયું હતું તે તેની ક્લપ્નાની અને જીરવવાની બહાર હતું. તે આખું ગામ ગુંજી ઉઠે એવી ચીસો પાડવા લાગ્યો. ચારેબાજુ ભયંકર અટહાસ્ય સંભળાવવા લાગ્યું. શું આ દ્રશ્ય અને અવાજો તેનો ભ્રમ હતો? શું તે પાગલપનની નજીક પહોચી ગયો છે ? તેના અવાજો સાંભળી બધા ત્યાં આવી ગયા. તેમણે આશુતોષને બરાબર જકડી લીધો.. કેમેકે તે વેદના સહન ન કરી શકતા આમથીતેમ કુદકા મારતો હતો, હુશેનચાચાએ પીળા કલરનું પ્રવાહી તેના જખમો ઉપર રેડ્યું તે એકદમ ચીસો પાડીને બેભાન થઇ ગયો.. હુશેનચાચાએ માલતીને ઈશારો કર્યો. તેણીએ બધા ઘા સાફ કરી, ફરીથી દવા લગાડી પાટા બાંધી દીધા. પછી હુશેનચાચા તરફ જોઈ આંખ મીચકારી અને હસી પણ ખરા.

તે ખંધુ હસ્યા ને બોલ્યા, “અચ્છા તો એવું હતું? એમ! હાહાહાહાઁ, સાલેકી નિયત બિગડ ગઈ થી! હાહાહાહા...” અને ધીમા પગલે તેઓ ત્યાંથી નીકળી ગયાં.

રવાજીકાકાએ પછી માલતીને પોતાની નજીક બોલાવીને તેના કાનમાં કહયું, “છોકરી, તું આ ડામીસ પર નજર રાખજે, તેનો વિશ્વાશ ના કરતી, આ ભાગી જવાની વેતરણમાં છે. આતો સારું થયું કે તે “પેલા’ લોકોની ઝપટમાં આવી ના ગયો, અને આપણે પહેલાં પહોચી ગયાં, નહીતર આ માણસ બચી શકત નહિ અને આપણું કામ કોઈ દિવસ થાત નહિ.”

“હા કાકા તમે ફોગટની ચિંતા ના કરો હું એની ઉપર બાજ નજર રાખીશ, જોકે “પેલા” ખવીશોને આનું ગરમ ગરમ લોહી પીવાની મજા આવત નહિ”, કાકા! માલતીએ મજાક કરી.

“હા, બેટા આપણે કઈ બહુ સારા નથી. જોકે બીજો માણસ પણ મળી જાય... પણ વર્ષો લાગી જાય. સમયની કીમત હોય છે.”

આશુતોષ જયારે ભાનમાં આવ્યો ત્યારે ઓરડામાં કોઈ નહોતું. તેણે જોયું કે તેના જખમો પરની પટ્ટીઓ બદલાઈ ગઈ છે અને હવે ત્યાં કોઈ દર્દ પણ નહોતું, સાલું વિચિત્ર કહેવાય! એકદમ શું થવા લાગે છે? કઈ ખબર પડતી નથી. કે પછી મારો ભ્રમ છે! તે વિચારવા લાગ્યો. તે હળવેકથી ઉભો થયો અને બારીની બહાર નજર ફેરવી. ચારે બાજુ રાત્રીએ અંધકારની ચાદર ઓઢી લીધી હતી. દુર દુર ચીબરીના અવાજો વાતાવરણમાં ભયાનકતા પ્રસરાવી રહ્યા હતાં. તેણે સહેજ ડોકી ઉંચી કરી આકાશ તરફ જોયું તો અગણિત તારલાઓ ટમટમતા હતાં.

તેને અચાનક એવો અહેશાસ થયો, કે તેની સેવા ચાકરી કરતી આ ટોળકી તેને અહીંથી પરત જવા દેવા માગતી નથી!! વાતમાં દમ લાગતાં તેના શરીરમાં ભયનું લખલખું પસાર થઇ ગયું. તો તો હું ગુજરી જાઉં ! આજીવન કેદખાનું! હું અવશ્ય પાગલ થઇ જાઉં. હે ભગવાન હવે કોઈ મને બચાઓ. આ જગ્યા જ સારી નથી લાગતી. ધીરે ધીરે એને એમ લાગવા માંડ્યું કે કોઇપણ ભોગે આજની રાતે જ અહીથી ભાગી જવું નહીતર આજીવન અહી કેદ ભોગવવી પડશે. તેણે વિલંબ કર્યા વિના કપડા બદલી લીધા. અને હળવેકથી બારણું ખોલી ચારેબાજુ નજર ફેરવી તે બહાર નીકળી ગયો. અંધારામાં ચંદ્રની રોશનીની સહાય લઇ આમતેમ જોતો જોતો તે ગામની બહાર આવી ગયો. તેણે હાશકારો અનુભવ્યો અને તેનો ડર પણ થોડોઘણો સમી ગયો હતો. તેના શરીરમાં પણ દર્દ નહોતું, કોઈ પીડા નહી. મનોમન ખુશી અનુભવતો ચાલતો જ રહ્યો. ઘણું ચાલ્યો, કદાચ પાચ સાત માઈલ કાપ્યાં હશે. હવે એને લાગ્યું કે તે ગામથી ઘણે દુર સુધી પહોચી ગયો હતો. દુર દુર તેને એક લાઈટ દેખાઈ. નજીક આવતાં જ માલુમ પડ્યો કે ત્યાં પેટ્રોલ પંપ છે. પ્રથમ તો એને આરામ કરવાનું જ સુજતુ હતું, છુપો ભય અને ચાલવાનો શ્રમથી તે થાકીને લોથપોથ થઇ ગયો હતો. તેની નજર એક ખુણામાં ઢાળેલા ખાટલા પર પડી. તેને નિરાત થઇ અને ત્યાં જઈ બેસી ગયો આજુબાજુ જોયું કે કોઈ વાંધો તો નહિ લે ને ! ધીરે ધીરે તેણે શરીરને લંબાવ્યું ને પડતાં વેત તે નીંદરમાં સરી પડ્યો. લગભગ અડધી કલાક થઇ હશે ને તે એક ટ્રકના અવાજથી જાગી ગયો, અને સહસા બેઠો થઇ ગયો. તેણે જોયું તો ટ્રક ફીલિંગ પોઈન્ટ નજીક આવતાં જ બે એટેન્ડટસ નજીક દોડી ગયા. ડીઝલ પુરાવતા ખાસ્સી વાર થઇ અને ટ્રક અવાજ કરતો એની મંજિલ તરફ રવાના થઇ ગયો. આશુતોષમાં થોડું જોર આવ્યું હતું અને તેણે પેલા એટેન્ડટસ પાસે જઈ મોબાઈલ ફોન માટે રીક્વેસ્ટ કરી. તેને ફોન પણ મળી ગયો. તેને સહદેવના નબર મોઢે હતાં. સહદેવ તેનો અવાજ સાંભળી ખુશ થઇ ગયો હતો અને તેને જણાવ્યુકે કે તે તરત જ તેને લેવા માટે નીકળશે. જોકે તે પહેલાં તેને મોટી મોટી ચોપડાવેલી પણ ખરા! હા! એ તેનો હક હતો, સાચો મિત્ર હતો. એનો ગુસ્સો એ એનો પ્રેમ વ્યક્ત થયો હતો. આ નોર્મલ સોશિઅલ બિહેવિયર હોય છે દોસ્તો વચ્ચે. અને આમ જુઓ તો તે ગાળો ખાવા લાયક પણ હતો. કેમકે તમે અચાનક કોઈને કહ્યા વિના પંદરેક દિવસ ગાયબ થઇ જાવ તો અંગત લોકોની શું હાલત થાય તે કલ્પી શકાય છે. તો સામે આવું રીએક્શન આવે જ. આથી સહદેવની ઢગલાબંધ ગાળો ખાઈને પણ આશુતોષ ખુશ હતો, આજે એને અહેશાસ થયો કે ચાલો આપણી જિંદગીનું કોઈના માટે મહત્વ તો છે! તે મનોમન ખુશ થતાં પાછો ખાટલામાં જઈને આડો પડ્યો. હવે ઊંઘી ન જવાય, સવાર પડવામાં બહુ વાર નહોતી. બસ હવે થોડીકવારમાં સહદેવ આવી જાય એટલે મુશ્કેલીઓનો અંત. બહુ યાતનાઓ વેઠી અને માનસિક ટોર્ચર તો નફામાં ભોગવ્યું . એના આવા શાંત અને આરામદાયક વિચારોમાં એક ભયાનક કુતરાએ ભંગાણ સર્જ્યું. બરોબર તેની સામે ફક્ત બે ફૂટ દુર રહી એક વિકરાળ અને કદાવર કુતરો તેની સામે ઘુરકિયાં કરતો હતો, એ નક્કી નહોતું કે કઈ ક્ષણે તે એના પર હુમલો કરશે ! જો તે અસંખ્ય બચકા ભરી લેશે તો એની શું હાલત થશે એ વિચારે એના શરીરમાં ભયનું લખલખું પસાર થઇ ગયું, તે તન અને મનથી ધ્રુજી રહ્યો. અને એ ભયાનક કુતરાએ જોર જોરથી ભસવાનું ચાલુ કરી દીધું. તે એકદમ સ્થિર થઇ ગયો, જાણે પત્થર! જો હલે કે કઈપણ ચેષ્ટા કરે તો ડાઘીયો તેના ઉપર જંપ મારે એવી એને ખાતરી હતી.. ત્યાતો અવાજ સાંભળી પેલા બે પંપવાળા આવી પહોચ્યાં તેની મદદે. તેઓએ હોકારો પડકારો કરી કુતરાને ત્યાંથી હાંકી કાઢ્યો. તેણે હાશ ! અનુભવી, સાલું જીંદગીમાં અજાણ્યા હોવું એ પણ એક અભિશાપ છે!

અને લો ! સહદેવ તેજીથી જીપમાં આવી પહોચ્યો. એના માથે મસ્ત સફેદ હેટ હતી. તે બ્લ્યુ જીન્સ અને મરુન શર્ટમાં સરસ લાગતો હતો. તેણે ચારેબાજુ નજર કરી જાણે આશુતોષને શોધતો હોય, મિત્રને મળવાનો ઉત્સાહ તેના ચહેરા પર જણાઈ આવતો હતો. તે જાણે મૂંઝાયો હોય તેમ ત્યાં જ ઉભો રહ્યો, શું તે નજરમાં આવ્યો કે નહિ! ક્ષણો વીતતી ચાલી અને આશુતોષને કંટાળો આવતો હતો, તેની ધીરજ ખૂટી ગઈ હતી. તેણે હાથ હલાવી જોરથી બુમ મારી, “એ આંધળા આ બાજુ, અહી અહી...” અચાનક સહદેવે તેની તરફ જોયું, ઘડીક એમેનેમ ઉભો રહ્યો, જાણે કઈ દેખાયું ન હોય કે કઈ સંભળાયું ન હોય, વહેલી સવારનો પ્રકાશ પણ નહીવત હતો. અંતે તેની નજર પડી જ્યાં પડવી જોઈતી હતી ત્યાં.

“ઓહ! વાહ! વાહ! એ રહ્યો ભાગેડું ! ખુણામાં શું કરે છે અલ્યાં !“ તે ચુપ રહયો, તેનામાં બોલવાની તાકાત નહોતી, તેના ગળે ડૂમો ભરાઈ ગયો હતો. પેલાએ નજીક આવીને બોલવાનું ચાલુ જ રાખ્યું, “એકલો એકલો અહી ખાટલામાં શું કરે છે? આટલા દિવસ ક્યાં મરી ગયો હતો? ના કોઈ મેસેજ અને ના કોઈ કોલ? તારી જાતને શું સમજે છે?”

આશુતોષે પોતાને સ્વસ્થ કરી હસતાં હસતાં જવાબ આપ્યો, “કલેકટર.“

“યસ, વાય નોટ! કેમ નહિ! તું ક્લાસ-વનમાં પ્રમોટ થયો એટેલે તું સત્ય જ વધ્યો છે! ચાલ હવે વન અને ટુ પછી કરીશું, પ્રથમ તો તને મારા ફલેટે લઇ જાઉં, ત્યાં તું આરામ કરજે. તારા ઘરે બધું અખળ ડખળ હશે, ધુળો ચડી ગઈ હશે! હાહાહાહા ...”

“ચોક્કસ, મારે આરામ જ કરવો છે.”

‘આરામ કરી નાસ્તો પણ કરી લે જે, ફ્રીજમાં બધું જ હશે.”

“કેમ તું નહિ હોય? કયાંક જવાનો છે.“ આશુતોષે પૂછ્યું.

બન્ને જીપમાં ગોઠવાયા. “ના, હું નહિ હોઉં, તને ડ્રોપ કરી હું મારી સાઈટ પર ચાલ્યો જઈશ, ત્યાં મારી ટીમને ગાઈડલાઈન આપી એક કલાકની અંદર પાછો આવી જઈશ.”

સવારના ધુમ્મસમાં જીપની ગતિ ધીમી હતી. સામે વિજન પુઅર હતું. ઝડપ વધે તો અકસ્માત થઇ જાય. “પણ તું આટલા વહેલા સાઈટ પર જઈ શું કરીશ?” આશુતોષે પ્રશ્ન કર્યો.

“અરે! દોસ્ત અમારું ખનન કાર્ય વહેલા ચાલુ થઇ જાય છે અને તે પહેલાં જરૂરી માર્ગદર્શન પણ આપવું પડે, વધુમાં આજે બે ફોરેનર્સ પણ વિજીટમાં આવવાના છે! એની વે ! હું મારું ફોડી લઈશ પણ તું તારો રીપોર્ટ તૈયાર રાખજે કે આટલા દિવસ તે શું કાળા ધોળા કર્યા, હાહાહાહા..” જરાક અજવાળું વધતા સહદેવે લીવર દબાવ્યું.

બંને દોસ્તો વાતો કરતાં કરતાં અંતે એપાર્ટમેન્ટ પર આવી પહોચ્યાં, પણ વચમાં ક્યાય આશુતોષે પોતાના અકસ્માતની વાત કરી નહિ, એણે વિચાર્યું કે સાંજે નિરાતે ડીનર ટાઈમે વાત કરીશ. .

થોડીવારમાં તેઓ સાતમા માળે ફ્લેટ પર પહોચી ગયા. પાંચ મીનીટમાં સહદેવે તેને ફલેટથી અવગત કરાવી દીધો, કઈ ફેસીલીટી ક્યા આવેલી છે તે બતાવી દીધું જેથી પોતાની ગેરહાજરીમાં આશુતોષને કંઈપણ તકલીફ ન પડે. વોશરૂમ, બેડરૂમ, કિચન, ફ્રીજ તમામ સુન્દર અને સ્વચ્છ હતાં.

સહદેવ રવાના થયો ત્યારે સવારના ૭.૩૦ થયા હતાં. તેના ગયા પછી આશુતોષે ગરમ હુંફાળા પાણીથી સ્નાન કરી લીધું. આમ કરી તેણે ઘણી શક્તિ પરત મેળવી. તે બેડરુમમાં જઈ સુઈ ગયો. ઊંઘમાં સરી પડતાં એને વાર ન લાગી. છેક બપોરે ચાર વાગ્યે સહદેવ આવ્યો. સાથે જમવાના પાર્સલ પણ લાવ્યો હતો. “સોરી દોસ્ત મોડું થઇ ગયું, પેલા ફોરેનર્સ સાથે વધુ સમય થઇ ગયો, આપણને એમનું અંગ્રેજી આવડે નહિ, એમના ઉચ્ચારણ ઝડપી અને ન સમજાય એવા હોય!, તને ખુબ ભૂખ લાગી હશે નહિ?”

“ના ના યાર, તું આવ્યો તેની દશ મિનીટ પહેલાં જ જાગ્યો હતો, પેપર વાંચતો હતો, ડોન્ટ વરી યાર!” આશુતોષે ઠંડકથી કહ્યું.

“હા, હવે તારી વાત તો કર અલ્યા! તું કયા ગાયબ હતો? મેં તો પોલીસ ફરિયાદ પણ કરી છે તારા ગુમ થયાની.”

“એવું કર્યું તે ! ચાલ કઈ વાધો નહિ, એક્ચ્યુઅલી તને તો ખબર છે કે મારું પ્રમોશન થયું હતું ને હું મારી અન્ડરમાં આવનાર વિસ્તારની મુલાકાતે જઈ રહ્યો હતો અને અકસ્માત થઇ ગયો.”

“અરે આવી ઉતાવળ કરાય ! હજી તો ઓર્ડર હાથમાં આવ્યો નથી ને વિસ્તારની વિઝીટ, એડવાન્સમાં! એવો હરખપદુડો થઇ ગયો હતો, વાહ! તને કઈ બહુ વાગ્યું હોય એમ લાગતું નથી.“

“અરે યાર તું પૂરી વાત તો કરવા દે, જો હું અહીંથી બહુ દુર પણ નહિ ગયો હોઉં કદાચ પચાસેક કિલોમીટર અને મારું વાહન ગડથોલિયા ખાઈ ગયું! બસ પછી મને કઈ યાદ નથી બસ એટલું જ યાદ છે કે મારી જીપ બળીને ખાખ થઇ ગઈ હતી.”

“સરસ, વાહનને સપનું આવ્યું કે ગડથોલીયા ખાઈ જવામાં મજા છે!”

“તું કટાક્ષ ન કર, સામે મને કોઈ જાનવર જેવું દેખાયું હતું. અને એને બચાવવા મેં બ્રેક મારી, કંટ્રોલ ખોઈ બેઠો. અકસ્માત એને જ કહેવાય દોસ્ત!” આશુતોષે સમજાવ્યું.

“ખેર! તું બચી ગયો, તને કઈ ખાસ ઇન્જરી થઇ નથી અને સારો તાજોમાજો લાગે છે એટલે સારું. વધુમાં તને અહી ઊંઘ પણ સારી આવી હોય તેમ લાગે છે,” સહદેવે શાંતિથી પોતાનું મંતવ્ય જણાવ્યું.

“હા, ઊંઘતો સારી કરી પણ જે તે સમયે મને ઠેક ઠેકાણે વાગ્યું હતું, ઘણી જગ્યાએ લોહી પણ નીકળ્યું હતું. પરંતુ સમયસર સારવાર મળી ગઈ એટલે સારું છે પરંતુ હજી મને ઘૂંટણમાં, પંજામાં અને કોણીએ મટ્યું નથી.”

“અરે મટી જશે દોસ્ત, પણ એ તો કહે તને કોણે સારવાર આપી, કોણે બચાવ્યો, કયા ગામના લોકો હતાં?”

“ધરમપુર, નદીની બાજુનું ગામ કહે છે, મેં પણ પહેલીવાર સાંભળ્યું.”

“હે! કયું ધરમપુર, તું કયા ગામની વાત કરે છે?”

“નોર્થમાં, કલ્યાણપુર જીલ્લો. મારી બદલી ત્યાં જ થઇ છે.” આશુતોષ બોલ્યો.

“અરે મારા વ્હાલા દોસ્ત, ધરમપુર ગામ હતું, હતું ખરા ! અત્યારે નથી!” સહદેવે ટોન્ટ માર્યો.

“વ્હોટ ડુ યુ મીન બાય હતું ખરા” આશુતોષ ઊંચા અવાજે બોલ્યો.

“કલાસવન મંદ બુદ્ધિ, “હતું ખરા” એટેલે ભૂતકાળમાં આવે, યસ, સાત દાયકા પૂર્વે એ ગામ ફ્લડમાં ડૂબી ગયેલ, મોંટી હોનારત હતી. ગામની વસ્તી તમામ તણાઈ ગઈ હતી, પશુઓ, માનવીઓ, સ્ત્રી, પુરુષ અને બાળકો બધું જ એક રાતમાં ગાયબ, જસ્ટ લાઈક મોરબી એન્ડ કેદારનાથ!”

“ઓહ ગોડ!, સહદેવ યાર તું ફેકમફેક ન કર, માન્યું કે એ વિસ્તારનો હું અજાણ્યો છુ પરંતુ હું ધરમપુર વિલેજમાં વીસેક દિવસ રહી આવ્યો છુ, ત્યાની સ્કૂલ, તળાવ બધું જ જોયું હતું, દુકાનોના પાટિયામાં સ્કુલમાં બધે નામ તો ધરમપુર જ હતું...આશુતોષ સહેજ અટક્યો, ઊંડા બે શ્વાસ લઇ તેણે આગળ વાત ચલાવી, “ગામ પણ વસ્તીથી ભરચક, મને લાયબ્રેરી પણ બતાવી હતી માલતીએ. અસંખ્ય પાલતું જાનવરો જેવાકે ઘેટા, બકરા, ગાયો અને ભેંસો તો હોય જ... અને હવેડો.”

“બસ કર ભઈલા, ગામ હોય ત્યાં આ બધું હોય જ, પણ એ બધું એ કાળી રાતે ભયાનક પૂરમાં તણાઈ ગયેલ, માણસો અને ઢોર ઢાંખર, ઘરવખરી... તમામ, અરે મકાનો પણ ધરાશાઈ થઇ ગયા હતાં. દોસ્ત, આ બધું મેં વાંચેલ છે અને આના પર એક ડોક્યુમેન્ટરી પણ બની ગયેલ અને મેં જોયેલ પણ છે. એ જાતની ભયંકર તારાજી ફિલ્મમાં જોઇને પણ આંસુ આવી જાય, એવું કરુણ. ત્યારે અંગ્રેજોનું શાસન હતું. આઝાદીની ચળવળ ચાલુ થઇ ચુકી હતી. ખેર! એ બધું મારા રસનો અને લાઈનનો વિષય છે એટલે મને ખબર છે, તું કોઈ બીજા ગામમાં રહી આવ્યો હોઈશ! હા, બાજુમાં એક ધરમપુર સીટી બની ગયેલ છે પણ મૂળ જગ્યાએ નહિ.” સહદેવે કટાક્ષ કર્યો

“હા બની શકે, એકજ નામના બબ્બે ગામ,” આશુતોષે નિસાસો નાખ્યો.

“હા, પણ મને જો એક વાત યાદ આવી, પરમદિને જ એક પાર્સલ ઇંગ્લેન્ડથી આવેલ છે, મેં અડધુપડધુ ઉપરથી જોયું હતું, એમાં એક જગ્યાએ ધરમપુર વિલેજનો ઉલ્લેખ છે.” સહદેવે ગંભીર અવાજે માહિતી આપી.

“તારા પર આવ્યું? હે ! પણ શું કામ? કૈક ફોડ પાડીને વાત કર તો મને ખબર પડે,“

“એમાં કઈ રોકેટ સાયંસ નથી, તને ખ્યાલ હશે કે છેલ્લા સાત વર્ષથી મેં ખાલી ફાંફા જ માર્યા છે, સાવ કંટાળો આવે એવો સમય… સાવ ડલ પીરીયડ, કોઈ ઉત્સાહ નહિ, આમતો અમારું ક્ષ્રેત્ર જ એવું છે. જોકે તને યાદ હશે કે થોડા મહિનાઓ પૂર્વે અચાનક તું જે ધરમપુરની વાત કરે છે કદાચ એજ હોય! કેમકે લગભગ તાલુકો, એરિયા એજ લાગે છે કે જે ફ્લડમાં નીસ્તેનાબુદ થઇ ગયેલ ત્યાંથી ડાયનોસરનો એક મોટો દાંત મળેલ, તને એ પણ યાદ હશે કે ભારતમાં તો શું પણ આખી દુનિયામાં હલચલ મચી ગયેલ. અને ત્યારથી જ આ તારો નાચીજ ભાઈબંધ મીની સેલીબ્રીટી બની ગયેલ! ટુંકમાં મારો સિતારો ચમકી ગયેલ. “

“હા, હા, એ બધી તો મને ખબર છે યાર, અને મને યાદ છે કે લગભગ બધી ચેનલોમાં તારા ઈન્ટરવ્યું આવેલા, અને અસંખ્ય સમાચારપત્રોમાં કેટલાય દિવસો સુધી તારો ઉલ્લેખ થતો રહેતો હતો. જોકે હવે ટુંકમાં પતાવ તો સારું, મને જાણવાની ત્રીવ ઈચ્છા થઇ છે.“ આશુતોષે અધીરાઈ બતાવી.

“દોસ્ત, એજ કહું છુ, આતો હું ખરેખર નસીબદાર કે જે કારખાનાનું પાયાનું કામ ચાલુ હતું તે મારા મિત્રનું હતું અને તેણે મને તાત્કાલિક બોલાવી લીધો હતો અને અમુલ્ય વસ્તુ ડેમેજ થતા બચી ગઈ હતી.”

“અરે યાર તું કંટાળો ન લાવ, આ બધું જ હું પેપરોમાં વાંચી ગયો છુ, અને એ તારા ભાઈબંધનું નામ પણ મને યાદ છે, કિશોરીલાલ નંદા. પણ હવે તું શોર્ટમાં પતાવ નહિતર બે જીકી દઈશ.”

“આશુતોષ, તું યાર જે ધરમપુર ગામની વાત કરે છે એની જ કૈક રસપ્રદ માહિતી મારી પાસે પેલા પાર્સલમાં આવી છે એવું ચોક્કસ મને લાગે છે. જો પેલું પાર્સલ એ મને કોઈ વિલીંયમ ક્લાર્ક નામના શખ્સે મોકલ્યું છે અને તે પણ છેક ઇંગ્લેન્ડથી, મેં ઉપર ઉપરથી એટલેકે ઝીણવટથી નહિ, બધું જોયું છે તેમાં અમુક ડોક્યુમેન્ટસ, ફોટોગ્રાફ્સ, અને વધુમાં એક દાંત છે!”

“હે ! દાંત, ? કેમ દાંત !”

“અરે યાર મોકલનારે મોકલ્યો છે, એમાં હું શું કરું, હાહાહાહા.. યસ, ડાયનોસરનો દાંત મોકલ્યો છે, સો ટકા તે પેલા અગાઉના દાંતની જ જોડી હોય! “

“આતો ખરેખર મહત્વની વાત છે, તેમ છતાં કોઇપણ માણસ આવો મહત્વનો પુરાવો મફતમાં ન આપી દે, એ પોતે જ સેલીબ્રીટી ન બની જાય.!”

“તારી વાત સાચી હોત તો આ પાર્સલ અહી ન આવ્યું હોત! પાર્સલ સાથે આવેલ લેટર તો મેં વાંચી લીધો છે અને તેમાં જણાવ્યા અનુસાર મોકલનારે તેના દાદાની સૂચનાનું બરાબર સો ટકા પાલન કર્યું છે.“ સહદેવે કહયું.

“પરંતુ આમ અચાનક ધરમપુર પાર્સલ મોકલવાની શી જરૂર પડી? આટલા વર્ષ ક્યા ગુડાઈ રહ્યો હતો એ અંગ્રેજ ?” આશુતોષે પ્રશ્ન કર્યો.

“અરે એતો કદાચ એવું બન્યું હોય કે વિલીંયમ ક્લાર્કના ધ્યાનમાં એના દાદાની ચીજવસ્તુઓ હમણાજ ધ્યાનમાં આવી હોય, અથવા તો ધરમપુરનું નામ જ્યારે વિશ્વભરમાં ગાજ્યું હોય ત્યારે એના કાન ચમક્યા હોય કેમકે એના દાદા ધરમપુર વિલેજમાં રહી ચુક્યા હતાં !!”

“તને એ બધી ક્યાંથી ખબર પડી ?”

“સિમ્પલ ! વેરી સિમ્પલ, મૂર્ખશિરોમણી, વિલિયમે જે પાર્સલ મોકલ્યું છે એમાં આ બધી વાતોને સમર્થન મળે છે, બધા દસ્તાવેજો છે, એમાં ઘણાં ફોટોગ્રાફ્સ પણ છે, ચાલ તને પણ બતાવું.”

“જોઈએ જોઈએ, પણ તું એના દાદાની વાત તો પૂરી કર કે એમાં શું રહસ્ય છુપાયેલ છે?”

સહદેવે સ્મિત આપી વાતનો દોર સાંધતા શરુ કર્યું, “એટલે જયારે ધરમપુર વર્લ્ડ લેવેલે ગાજતું થયું ત્યારે વિલિયમને એના દાદાની ચીજવસ્તુઓ તપાસવાની ઈચ્છા થઇ બાકી બધું પચાસેક વર્ષથી ભંડકિયામાં પડી રહેલ, આ એ પોતે લેટરમાં જણાવેલ છે, મારું અનુમાન નથી”

“હા, દોઢ ડાહ્યો થઈશ નહિ, આગળ ચલાવ, પછી શું થયું?”

“પછી શું, એને બધી નોંધ મળી ડાયનોસરના દાંત વિષે, એણે ગુગલથી વિગતવાર માહિતી મેળવી કે આ વિષય મને લાગુ પડે છે. તથા એમાં ધરમપુર વિલેજર્સના એ સમયના ફોટો પણ છે, કોઈને કામ લાગે તો ...અને આ પાર્સલ મને આવ્યું એમાં એના મોબાઈલ નબર હતાં, મેં એની જોડે વાત પણ કરી છે. ખુબ સાદો, નિખાલસ માણસ છે આ વિલીંયમ ક્લાર્ક.”

“એ વાત કરી શું કહેતો હતો?” આશુતોષની ઇન્તેજારી વધી ગઈ હતી.

“ઓહ! મારે કઈ બહુ લાંબી ચર્ચા નથી થઇ, એણે એટલું જરૂર કહેલ કે એના દાદા ખુબ લાગણીશીલ હતાં અને ધરમપુર વિલેજમાં લાંબો સમય રહ્યા હતાં અને આ વિસ્તારના પોલીટીકલ એજન્ટ હતાં. તેમજ સંશોધન વૃતિના હતાં. એમને પક્ષીઓ વિષે ખુબ રીસર્ચ કરેલ ...અને એમ કહેતો હતો...”

“બોલને યાર, આગળ ભસને શું કામ અટકી ગયો.”

“એમને... એમને... એ ધરમપુરની એક મહિલા સાથે ઘનિષ્ટ સબંધો હતાં, જયારે ધરમપુર ડૂબવાના સમાચાર મળ્યા ત્યારે એમને અહી આવવા ખુબ વલખાં માર્યા હતાં, પણ એમની ખરાબ તબિયત અને પેરાલીસીસના કારણે એ શક્ય ન બન્યું,” સહદેવે નિરાશાથી કહયું.

“ઓહો એમ! તો એ ઇશ્કી મિજાજ અંગ્રેજ હતાં, અને એ પણ ગામડાની ભોળી બાઈને ફસાવી હતી.” આશુતોષે હળવી મજાક કરી.

“એ તો તેમની અંગત બાબત છે યાર, પણ વિલીયમે એ પણ જણાવ્યુકે એમના લવ અફેર બાબતે ગામ લોકોનો વિરોધ હતો, અને અંગ્રેજ હકુમતનો પણ ખરો. એકવાર એમના પર જીવલેણ હુમલો થયેલ અને માંડ માંડ બચી ગયેલાં. અને એટલેજ એમના દીકરાએ એમને ધરમપુર જવા નહી દીધા હોય. આખું ગામ ડૂબી ગયું હોય તો એમની પ્રેમિકા ક્યાંથી બચી હોય! ખેર! એ એમની આખરી પળોમાં વલોપાત કરતાં હતાં અને અંતિમ પળોમાં ધરમપુરની તમામ યાદો કોઈ યોગ્ય વ્યક્તિને સોપવાની સુચના આપીને દેહ છોડી દીધો હતો. પણ એમના દીકરા, એટલે આ વિલીઅમના ફાધરે કઈ ધ્યાન આપ્યું નહિ.. એટલે ભયંકર આફત આવી પડી હતી.”

“અરે યાર શું વાત કરે છે કેવી આફત?”

“સાચું કહું દોસ્ત,” શ્વાસ લેતા અને જરા અટકીને સહદેવે કહ્યું, “હું કોઈ ગોસ્ટ, ફોસ્ટ કે ભૂતપલીતમાં માનતો નથી.”

“એટલે તું શું કહેવા માગે છે?” આશુતોષે ગંભીર થઇ પૂછ્યું.

“વિલિયમના ગ્રાન્ડ ફાધર ભૂત થયા હતાં અને બધાને રંજાડતા હતાં, ઘરમાં કાયમ નળ તૂટી જાય અને બધે જ પાણી જ પાણી ફેલાય જાય, રીપેર કરાવે, નવી મજબુત લાઈનો નાખે તો એ પણ તૂટી જાય. કોઈને કઈ ખબર ન પડે કે આ બધું શું કામ થાય છે.”

“આતો ગજબ કહેવાય, આ બધું તને વિલિયમે કહ્યું?”

“હાસ્તો, વળી બીજું કોણ કહે!”

“પછી એક ગોસ્ટ ફાઈન્ડરનો સંપર્ક કરવામાં આવ્યો, એણે રસ્તો બતાવ્યો કે દાદાની આખરી ઈચ્છા પૂર્ણ કરો, અને એવો સંકપ્લ કરો કે ઈચ્છા પૂર્ણ કરવામાં આવશે તો પણ રંજાડવાનું બંધ કરશે.”

“હે ! ખરેખર, પછી શું થયું? આશુતોષે કૂતુહૂલવશ પૂછ્યું.

“એનું પરિણામ સ્વરૂપે આ પાર્સલ આવ્યું છે, એક ફ્રેમ મઢેલ ફોટો છે તે ધરમપુરની જમીનમાં ઊંડે દાટી દેવાનો છે. અને દાંત યોગ્ય વ્યક્તિ એટલે કે હું – આર્કિઓલોજી ડીપાર્ટમેન્ટ, ઇસ્ટ ઝોન, મને સોપવામાં આવશે. તેમજ બાય ચાન્સ જે બાઈના વારસદાર હોય તો તેને બે લાખ પાઉન્ડ પણ આપવા. જે વિલીયમને ખાતરી થાય પછી ટ્રાન્સફર થાય તેમ છે.”

“પણ તારા કહેવા મુજબ જો આખું ગામ ડૂબી ગયું હોય તો કોઈ વારસદાર બચ્યું જ ન હોય ને!”

“દોસ્ત, નસીબ શું છે તને નથી ખબર, બાય ચાન્સ અગર એમની પ્રેમિકાનું સંતાન કે નજીકની વ્યક્તિ તે ગોઝારી રાત્રે બહારગામ ગયું હોય તો બચી જાય ને!”

“ઓહ! હા ચોક્કસ, એ પોસીબીલીટી ખરી.”

“ખેર! એ બધું છોડ, તને એ બધું બતાવું, ઘણી એન્ટીક આઈટમ્સ છે અને તને ગમે તો ગમતી કોઈ ચીજવસ્તુ રાખી લેજે.”

“ના યાર મારે કઈ ના જોઈએ.” આશુતોષે કહયું.

બંને એક મોટાં ખંડમા આવ્યા. સહદેવે એક મોટું બોક્સ ખોલ્યું, તે બોક્સ કિંમતી લાકડાનો બનાવેલ હતો, તેના ઉપર સુંદર કોતરકામ હતું, જે આર્ટની દ્રષ્ટીએ ઉચ્ચકક્ષાનું હતું.

બોકસમાં પ્રથમ જો ધ્યાન ખેચાય એવી વસ્તુ હોય તો તે ડાયનોસરનો દાંત હતો, અંદાજે આઠ ફીટ લાંબો હતો. એની બાજુમાં એક ગોળ નળાકાર બોક્સ હતું તે સહદેવે ખોલ્યું અને તેમાંથી બધા કાગળો બહાર કાઢ્યા. “ચાલ મને મદદ કરાવ,” તે બોલ્યો.

તમામ કાગળો, દસ્તાવેજો, ફોટોગ્રાફસ, અને જુનવાણી લાકડાની ચીજ વસ્તુઓ ... બધુ બંને જણાએ એક વિશાળ ટેબલ પર ગોઠવ્યું.

અચાનક ડાયનોસરના દાંત તરફ આંગળી ચીંધીને સહદેવ બોલ્યો, “અમને જે થોડાક મહિનાઓ પહેલા દાંત મળ્યો હતો આ એવોજ દાંત છે અને કોઇપણ પરિક્ષણ વિના હું કહી શકું કે બંને એકજ પ્રાણીના હશે, વાહ! ફરીથી મને મીડીયામાં ચમકવાનો મોકો મળશે, પણ આ વખતે જરા નાટકીય ઢબે બધું થશે.” સહદેવે રહસ્યમય રીતે વાત મૂકી.

“એટલે તું કહેવા શું માગે છે?” આશુતોષે પૂછ્યું.

“કોઈને કહેતો નહિ દોસ્ત, પરંતુ સમય ખુબ ખરાબ ચાલે છે, મારા પ્રતિસ્પર્ધીઓને પ્રમોશન મળી ગયા છે અને હું એકજ બાકી રહી ગયો છું.”

“એટલે? એટલે હું સમજ્યો નહિ?’ આશુતોષે પૂછ્યું.

“એટલે કે હું દુનિયાને નહી બતાવું કે આ અલભ્ય દાંત ઇંગ્લેન્ડથી ભેટમાં આવ્યો છે, પણ હું જ તેને ફરીથી શોધીસ! અને બે લાખ પાઉન્ડ પણ હું જ વારસદાર તરીકે મેળવીસ! ”

“કેવી ગાંડા જેવી વાત કરે છે, દાંત તો અહી પડ્યો છે! અને તું ક્યાં એ ગામનો વતની છે.” આશુતોષે અચરજથી પૂછ્યું.

“અરે ભલે દાંત અહી પડ્યો છે, હાહાહાહા... એને પગ આવશે. એ પેલા નદીના પટમાં જ્યાં હાલ ખનનકાર્ય ચાલે છે ત્યાંથી થોડે દુર દટાઈ જશે અને તેમાં તારે મારી મદદ કરવી પડશે, પેલો ફોટોગ્રાફ પણ વિલીયમના દાદાની ઈચ્છા મુજબ દફનાવી દઈશું. રહી વાત બે લાખ પાઉન્ડની! તો એ માટે હું ડુપ્લીકેટ –ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરી દઈશ!” સહદેવ છટાથી બોલ્યો.

“અરે! દફનાવવાની વાત કરી તો યાર યાદ આવ્યું કે મને પણ ગામના લોકોએ એક ઘડો દાટવાનું કામ સોપેલ હતું, પણ હું ભાગી આવ્યો.”

“ભાઈબંધ, એ ગામ નહિ હોય કોઈ બીજું હશે.. ચાલ આપણે ફોટોગ્રાફ્સ જોઈએ એટલે શંકાનું સમાધાન થઇ જાય. અને આ પુરાતત્વ તો મારો વિષય છે.”

*****