Human helpless against nature books and stories free download online pdf in Gujarati

પ્રકૃતિ સામે માનવ લાચાર

Study nature, love nature,
stay close to nature.
It will never fail you.

મિત્રો, પ્રકૃતિ વિશે તો આપણે સૌ કોઈ બધુજ જાણીએ છીએ છતા પણ અજાણ હોઈ તેવી રીતે વર્તન કરી રહ્યા છીએ. આથી મારે તમને થોડા શબ્દોમાં પ્રકૃતિના વિવિધ પાસાઓની વાત કરવી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રકૃતિના ઘણા બધા સારા પાસા છે તો સામે તેમને ખરાબ પાસાની કળીઓ પણ ખીલવી રાખી છે. પ્રકૃતિ અનંત છે અને માનવી પ્રકૃતિના ખોળામાં બેઠેલ એક સામાન્ય અંગ છે. તેથી તો આપણે પ્રકૃતિનું માપન કરી શકવા માટે અસમર્થ છીએ.
" પ્રકૃતિ છે તો જીવન છે અને જીવન છે તો આપણે સૌ કોઈ છીએ." આ કહેવત એટલે કહેવી પડે છે કે મનુષ્ય અત્યારે પ્રકૃતિની વિરુદ્ધમાં પગલા ભરી રહ્યો છે. જો આ પ્રક્રિયા ચાલુજ રહેશે તો તેનું પરિણામ પણ ભંયકર આવશે. આપણે કોઈ જાણતા જ નથી કે આ જ પ્રકૃતિના લીધે તો આપણા આ પહાડ જેવા નિર્જીવ દેહાત્મામાં જીવ નો સંચાર થાય છે. બધાજ પ્રાણીઆત્મા ને પ્રકૃતિની જરૂર છે અને પ્રકૃતિને પણ પ્રાણીજીવ ની જરૂર છે. આ પ્રાણીજીવ વગર પ્રકૃતિ પણ સુની લાગે છે. મનુષ્ય, પશુ-પંખી, વૃક્ષો, પહાડો, છોડ, ઝરણા, જીવ-જંતુ, જળ વગેરે પ્રકૃતિના અંગો છે. તેઓ આ પ્રકૃતિના ખોળામાં એકસાથે હળીમળીને ખેલી રહ્યા છે અને પ્રકૃતિ રૂપી મા ના ખોળામાં સુરક્ષિત પણ છે.


મનુષ્ય પ્રકૃતિની સામે એક ડગલું પણ ભરી શકતો નથી, કારણકે પ્રકૃતિનું માપન કરવું અશક્ય છે. પ્રકૃતિ કેટલી છે, કેવી છે અને કેટલા સમય માટે છે તે આપણે માપી શકતા નથી. તેથી તો આપણે પ્રકૃતિ સામે બાથભીડી શકતા નથી.

પ્રકૃતિ એ એક સૌંદર્યરૂપ સાંકળની કળી છે આ કળી તેનું કામ નિયતસમયે કરે છે. તેનું સમયચક્ર પણ નિશ્વિત છે. પરંતુ મનુષ્યરૂપી મહાદાનવે આ સૌંદર્યવાન રૂપમાં કાળાડાઘ કરવાનું શરૂ કરી દીધું છે. મનુષ્ય પ્રકૃતિ ના ચહેરા ઉપર પ્રદુષણ ના કાળા ટીલકા કરીને તેના ચહેરાના નિખારને નિસ્તેજ કરી રહ્યો છે. જેવી રીતે કોઈ પદમણી નારના ચહેરાને ખીલરૂપી ડાઘ તેના રૂપને ઝાંખું કરી દે છે અને તે સ્ત્રીને પોતાનું રૂપ જોવું ગમતું નથી તેવીજ રીતે પ્રકૃતિને પણ આ કાળા ડાઘ કાંટાની જેમ ખૂંચી રહ્યા છે. આથી પ્રકૃતિએ પણ અંતે કંટાળીને પોતાના નિખારને લાંછન લગાડનાર મનુષ્ય સામે પોતાનો ગુસ્સો ઠાલવવાનું શરૂ કરી દીધું છે. તેને પોતાનો સાચો રંગ બતાવવા માંડ્યો છે અને તે પણ અનિયમિત સમયે. જેથી હવે મનુષ્ય લાચાર બનીને તે સહન કરતો થઈ ગયો છે. કેમકે મનુષ્ય તેનો સામનો કરવા માટે અસમર્થ છે. પ્રકૃતિએ પોતાના ખરાબ પાસા બતાવ્યા છે અને જો આ મનુષ્યરૂપી દાનવનું સંકટ કાર્ય શરૂજ રહેશે તો પ્રકૃતિ હજી પણ પોતાના ખરાબ પાસા વધારે મુક્ત કરીને મનુષ્યને પોતાની જ પાથરેલ જાળ માં બાંધી દેશે. આથીજ તો મનુષ્યને હવે પ્રકૃતિ સામે એટલેકે પ્રકૃતિના આ કાળા કહેર સામે ટકવું અશક્ય થઈ ગયું છે. તેથીજ તે તેમને સહન કરતો થઈ ગયો છે અને કહેવત પડી ગઈ છે કે " પ્રકૃતિ સામે માનવ લાચાર ".
હવે, આપણે પ્રકૃતિના આ ખરાબ પાસાની વિગતવાર વાત કરીશું કે જેમાં મનુષ્ય લાચાર બનીને જીવી રહ્યો છે.

મિત્રો, આપણે પ્રકૃતિના કેટલાક ખરાબ પાસાઓ તો આપણી નારીઆંખે જોઈએ છીએ. જેવા કે ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, જ્વાળામુખી, ત્સુનામી, હિમસ્ખલન વગેરે. આ બધા નમૂનાઓ અનિયમિત સમયે પોતાનો રંગ બતાવવાનું શરૂ રાખે છે. હવે, આપણે આ બધા પાસાઓની વિગતવાર ચર્ચા કરીએ અને આપણે બતાવી દઈએ કે પ્રકૃતિ સામે માનવ કેવી રીતે લાચાર છે.

જ્યારે વર્ષાઋતુ આવે છે ત્યારે પૃથ્વી પરનો ખેડૂત લાચાર થઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે " હે, પરમપિતા પરમાત્મા ! આ વર્ષની વર્ષા અમને સારી આપજો." ખેડૂતની આ પ્રાર્થના તો શરૂજ રહે છે પરંતુ વરસાદ ક્યારેક વધારે આવે છે તો ક્યારેક સાવ નહિવત અથવા તો પડતોજ નથી. આમ, જ્યારે વરસાદ નહિવત પડે છે ત્યારે ખેડૂતને પોતાનો વાવેલો પાક નિષ્ફળ જાય છે અને ધીમે ધીમે જમીન પણ સૂકી બનતી જાય છે અને એ જમીનમાં પાણી વગર એક અન્નાનો દાણો પણ ઉગતો નથી. આવા સમયે ખેડૂત માથે હાથ દઈને બેસી રહે છે અને ત્યારે ખેડૂતની આંગળી પકડીને તેમને ઉભો કરનાર કોઈ હોતું નથી. અંતે ખેડૂત લાચાર બનીને પ્રકૃતિની આ માયાને સહેતો રહે છે. હવે તેની વિરુદ્ધ જ્યારે જરૂર કરતા વધારે વરસાદ પડે છે ત્યારે ખેડૂતોનો બધોજ પાક ધોવાય જાય છે અને ફળદ્રુપ જમીનના બધાજ ઉપયોગી કણો પાણી વાટે નદી-નાળામાં વહી જાય છે. જે જમીન પણ પછી કોઈ કામની રહેતી નથી અને ખેડૂતોને પોતાનું ધાર્યું ઉત્પાદન મળતું નથી. આમ, ખેડૂત આ સમયે પણ પ્રકૃતિ સામે લાચાર બનીને જીવતા શીખી ગયો છે.

હવે, જયારે બધુજ સારૂ હોય છે એટલે કે વરસાદ પણ માપસર હોય છે અને આબોહવા પણ ખુશનુમા હોય છે ત્યારે અચાનક જ વાવાઝોડું ખાપકી પડે છે અને ખેડૂતોના લીલાછમ ખેતરોને વેરાન વગડા જેવા ઉજ્જડ બનાવીને ચાલ્યું જાય છે. વાવાઝોડું આવે એટલે ખેડૂતોએ ઉગાડેલ પાક, માનવીના મકાનો, વૃક્ષો વગેરેને માઠી અસર પહોંચે છે. જ્યારે ભયંકર વાવાઝોડું ત્રાટકે છે ત્યારે તો બધુજ ફંગોળાય જાય છે અને કહેવું પણ મુશ્કેલ થઈ જાય છે કે આ જગ્યા કોઈની માલિકીની હતી કે નહીં. એવી વિકરાળ પરિસ્થિતિ નું નિર્માણ થઈ જાય છે. થોડા વર્ષો પહેલાજ અમેરિકામાં આવેલા વાવાઝોડાની વાત કરીએ તો આ ભયંકર વાવાઝોડાના કારણે કરોડો લોકો બેઘર થઈ ગયા હતા તો કેટલાય લોકોને મોત મળ્યું હતું તો કેટલાય લોકો પરિવાર વિહીન થઈ ગયા હતા. આમ આ ભયંકર વાવાઝોડાએ અમેરિકામાં તબાહી મચાવી દીધી હતી અને ભયંકર જાનહાની થઈ હતી. આવીજ પરિસ્થિતિ આપણા દેશમાં પણ ઉભી થતી રહે છે. જેની સામે આપણો દેશ પણ ઢાલ બનીને ઉભો રહેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ વાવાઝોડું બધુજ જડમૂળથી ઉખેડીને ચાલ્યું જાય છે અને માનવ આ તબાહી ને જોતો જ રહી જાય છે અને તેમને લાચાર બનીને સહન કરતો રહે છે. પણ તેમની સામે બાથભીડી નથી શકતો. કારણકે આ અનંત પ્રકૃતિની લીલા છે. તેમની આ કાળાડાઘ રૂપી સૌંદર્યની ઝલક છે. જે માનવીને પોતાનુ બેડોળ રૂપ બતાવી રહ્યું છે અને માનવી તેને કોઈ પણ કોસ્મેટિક આઈટમનો ઉપયોગ કરીને પણ તે ડાઘ દૂર નહીં કરી શકે. પરંતુ તે આ રૂપને સહન કરતા શીખી જશે અને લાચાર બનીને પ્રકૃતિના કોપને હસ્તામુખે આવકાર દેતો રહેશે.

હવે જ્યારે ભૂકંપની વાત કરીએ તો વર્ષ 2001 મા ગુજરાતના કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપને કારણે ખુબજ મોટી જાનહાની થઇ હતી. આ ભૂકંપ ત્યારે આવ્યો હતો કે જ્યારે આખો દેશ 26મી જાન્યુઆરી ના દિવસે ઉજવાતા પ્રજાસતાક દીનની ઉજવણીમાં મશગૂલ હતો અને સવારમાં ભૂકંપે તેમનો પ્રતાપ બતાવ્યો. બધીજ ઇમારતો ધરાશાયી થઈ ગઈ , લાખો લોકો બેઘર થઈ ગયા , હજારો માણસોને પોતાની જાન ગુમાવવાનો વારો આવ્યો હતો , કેટલાય લોકો વિકલાંગ થઈ ગયા, તો કેટલાય લોકો કાટમાળ નીચે દબાયને ભગવાનને વ્હાલા થવા ચાલી નીકળ્યા હતા. ચારેબાજુ તબાહિના જ દ્રશ્યો જોવા મળતા હતા અને ચારેકોરથી પોતાના સ્વજનોથી દુર થઇ ગયેલા લોકોના રડવાના અવાજથી વાતાવરણ ગંભીર બની ગયું હતું. આવી વિકરાળ પરિસ્થિતિનું નિર્માણ કરીને ભૂકંપ તો પોતાના માર્ગે નવા શિકારની શોધમા ચાલી નીકળ્યો અને પાછળ લાશોના ઢગલા અને તેની આજુબાજુ આંસુ સારતા રડમસ ચહેરાઓ નું કરૂણ વાતાવરણ છોડતો ગયો. પરંતુ શું થાય ? માનવી શુ કરી શકે ? આનો જવાબ માત્ર એટલોજ છે કે " સહન કરવું ". અને આપણે જોયું પણ ખરું કે આવી ભયંકર સ્થતિમાં માનવી તેમને સહેતોજ રહયો ને ! તેમની સામે ભાથભીડીને તેમને રોકી તો ના જ શક્યો ને !

ત્સુનામી ની વાત કરીએ તો દરિયામાં આવતો એક ભયંકર ભૂકંપ એટલે ત્સુનામી. જેના કારણે દરિયાનું પાણી જમીન પર ફરી વળે છે અને દરિયો ભયંકર મોજા લેતો થઈ જાય છે. જેથી દરિયાની આજુબાજુનો વિસ્તાર આ પુરઝડપે આવતા પાણીમાં ગરકાવ થઈ જાય છે. જ્યારે ભયંકર તોફાનો સમુદ્રમાં ઉપડે છે ત્યારે પણ આજ પરિસ્થતિ જોવા મળે છે અને કરોડો લોકોની જાન ઉપર ખતરો મંડાયેલો રહે છે અને તેમા પાણીના વહેણમાં દૂર દૂર સુધી ફંગોળાયેલા લોકોને શોધવા પણ મુશ્કેલ બની જાય છે. શુ આ સ્થતિ માં માનવી તેમની સામે ખડેપગે ઉભો રહી શકશે ? શું આ બનાવ બનતો રોકી શકશે ? ના, ના, ના ! અરે દોસ્તો, માનવી હમેંશા તેમની સામે લાચાર બનીને જ જીવવા સિવાય બીજું કશુંજ કરી શકે એવી દશા માં નથી.

હિમસ્ખલનમાં પણ કઇંક આવુજ જોવા મળે છે. તેમાં પણ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ માં આવેલા બર્ફીલા પહાડો પૃથ્વી પરની વધી રહેલી ગરમીના લીધે ઓગળે છે અને તેના પાણીનો પ્રવાહ જમીન ઉપર આવે છે. જે અતિ વેગીલા પ્રવાહ ને લીધે આજુબાજુનું બધુજ ધોવાય જાય છે અને પાછળ ફક્ત સુની એકલવાય જમીન રહે છે બાકીનું બધુજ ધોવાયને દરિયામાં ગરકાવ થઈ જાય છે. શુ આમા લોકોના મૃત્યુ નહીં થતા હોય ? શું આમા લોકો બેઘર નહીં થતા હોય ? પરંતુ શું કરવું. માનવ તો પ્રકૃતિના આ કોપ સામે લાચાર છે, તે કંઈજ કરી શકતો નથી.

આમ, આવા તો અનેક રુદ્ર સ્વરૂપ પ્રકૃતિના છે જેમાં માનવ પાસે પ્રકૃતિને સહન કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને માનવી હંમેશા હંમેશા અને હંમેશા લાચાર બનીને જીવતો રહેવા સિવાય કશુજ નહીં કરી શકે.


મિત્રો, આ લાચારીને રોકવાનો એક માત્ર ઉપાય છે. જો મનુષ્ય પ્રકૃતિની આ સૌંદર્યરૂપી કળીઓને પાછી સ્વચ્છ કરશે તો આપણે આ લાચારીને રોકી શકશું. આપણે જાણીએ જ છીએ કે આપણને જેમ આપણું સૌંદર્ય વ્હાલું છે તેમ પ્રકૃતિને પણ છે. જો આપણે પ્રકૃતિના સૌંદર્ય ઉપર કાળા ડાઘરૂપી કલંક લગાડશું તો તે પણ કાંઈ શાંત થોડીને રહેશે ? તેથી જ આપણે હવે સમજુ જીવની માફક આ પ્રદુષણને રોકીને પ્રકૃતિને પાછુ પોતાનું સૌંદર્ય પ્રદાન કરવું જ પડશે. અને તો જ આપણે પાછા આપણી આ માતા સમાન પ્રકૃતિના ખોળામાં શાંતિથી ખેલીકુદી શકીશું.

જય હિન્દ, જય ભારત