Aatmnirbhar Bharat abhiyan books and stories free download online pdf in Gujarati

આત્મનિર્ભર ભારત અભિયાન


થોડા સમય પેહલા જ આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી હતી તે શું હતું અને આપણે શું ફાળો આપી શક્યે તે વિશે આ નિબંધ લખેલ છે.
શાંતિથી વાંચવા વિનંતી.

🌼🌼🌼🌼🌼🌼🌼નિબંધ 🌼🌼🌼🌼🌼🌼🌼

India goes local : how can we contribute to Atmanirbhar Bharat Abhiyan???
આપણે કેવી રીતે ફાળો આપી શકીએ આત્મનિર્ભર ભારત અભિયાનમાં??

આત્મનિર્ભર એટલે શું?
પોતાના પર નિર્ભર,
પોતાના પર નિર્ભર એટલે પોતાની કાબિલિયત પર નિર્ભર,
પોતાની કાબિલિયત પર નિર્ભર એટલે પોતાના વિશ્વાસ પર નિર્ભર અને
પોતાના વિશ્વાસ પર નિર્ભર એટલે
પોતાના સર્જન પર નિર્ભર.

ટૂંકમાં આજ વાત છે આત્મનિર્ભર ભારતમાં જેમાં આપણો દેશ ભારત પોતાના પર પોતાની કાબિલિયત પર પોતાના વિશ્વાસ સાથે પોતાના સર્જન પર નિર્ભર બનવાનો પ્રયત્ન કરશે.

આપણે અહીં એમ પણ કહી શકીએ કે જો આપણે જ આગિયો બની જઈએ તો પ્રકાશની શોધમાં ન નીકળવું પડે અને વધારેમાં બીજાને પણ પ્રકાશ આપતા થઈ જઈએ.

કેમ આત્મનિર્ભર ભારતની ઘોષણા કરવામાં આવી? તેનું ફક્ત એક જ કારણ છે કે ભારતને સ્વનિર્ભર બનાવવાનું છે. આપણા ભારતને એક મોટું મેન્યુફેક્ચરિંગ હબ એટલે કે મોટું ઉત્પાદન કેન્દ્ર બનાવવાનું છે. જેમાં ભારત પોતાની જરૂરિયાતો અને માંગ પ્રમાણે ચીજવસ્તુઓ અને સેવાઓનું જાતે જ ઉત્પાદન કરે અને સાથે જ એક મોટો આયાત કરનાર દેશ નહીં પણ નિકાસ કરનાર દેશ બની બીજા દેશ માટે પણ ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે.

આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ૧૨ મે ૨૦૨૦ના રોજ,
આત્મનિર્ભર ભારત અભિયાનની ઘોષણા કરી હતી જેમાં આત્મનિર્ભરતાના પાંચ સ્તંભોની જાહેરાત કરી હતી તેની સાથે જ એક અદભૂત નવીન વાક્ય કહ્યું હતું

Vocal for Local

જેનો અર્થ થાય છે પોતાની જ બનાવટો વાપરો તેમજ પોતાની બનાવટોનો ગર્વ ગર્વથી પ્રચાર પણ કરો.

હવે વાત છે Localની તો આ કોરોના મહામારીના સમયમાં આપણે લોકલ એટલે કે સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક માર્કેટિંગ, સ્થાનિક માંગ અને સ્થાનિક સપ્લાય ચેઇન (supply chain)નો ખૂબ મોટો પરિચય કરી ગયા. એક નાનું ઉદાહરણ જે દેશમાં કાલે N-95 માસ્ક ન જેવા બનતા હતા ત્યાં આજે દેશનાં નાના સીટીમાં પણ માસ્ક બનવા લાગ્યા અને લોકો ખરીદવા પણ લાગ્યા આ એક ખૂબ જ સકારાત્મક ઉદાહરણ હતું આપણા દેશ માટે.

Vocal to Local વાળી વાત એવું નથી કે ફક્ત ૨૦૨૦ માં જ બહાર આવી પરંતુ આપણા ઇતિહાસમાં પણ તેનો ઉલ્લેખ છે જ્યારે લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા હતા તે સમયે બંગાળના ભાગલા સાથે જ બીજી ચળવળે પણ ખૂબ આગ પકડી હતી જે હતું સ્વદેશી આંદોલન અથવા કહું તો સ્વદેશી ચળવળ જ્યારે બંગભંગ અંતગર્ત,
૧૬ ઓક્ટોબર ૧૯૦૫ માં તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન અપાયું હતું. વિદેશીમાલ નહીં વાપરવાની લોકોએ જાહેરમાં પ્રતિજ્ઞા લીધી હતી અને ઇંગ્લેન્ડના કાપડ કે ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી ખાદી અને સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાનો નિર્ણય લીધો હતો જેથી ભારત દેશની આયાતમાં ઘણો ઘટાડો થયો હતો અને પાછળથી ગાંધીજીએ પણ સ્વદેશી આંદોલનના ભાગરૂપે જ ૧૯૨૦માં "ખાદી ચળવળ" ઉપાડી હતી જેમાં ખાદી બનાવવાનો, ખરીદવાનો અને પહેરવાનો ખૂબ પ્રચાર કર્યો હતો તેમજ આઝાદી પછી પણ ઇન્દિરા ગાંધી સરકાર સમયમાં ચોથી પંચવર્ષીય યોજનામાં ભારતને “આત્મનિર્ભર” બનાવવાનો ઉલ્લેખ કરાયો હતો.

અંગ્રેજોનો સમય જ એવો હતો કે ચળવળ ક્રાંતિમાં જ ફેરવાઈ જાય એટલે બહિષ્કાર મોટા પાયે થતો હતો પરંતુ આજના જમાનામાં આપણે વિદેશી ચીજવસ્તુઓ કે સેવાઓનો બહિષ્કાર નથી કરવાનો અને વાસ્તવિક રીતે એવું કરાય પણ નહીં. આતો હતી પહેલાની વાત પરંતુ જો આજની વાત કરું તો પતંજલિ પણ તેવી જ રીતે સ્વદેશી વસ્તુઓ પર નિર્ભર થવા વર્ષોથી પ્રયત્ન સાથે પ્રચાર કરી રહી છે. જે એક ખૂબ જ સારી વાત છે. આપણે પણ એવુંજ કંઈ કરવું જોઈએ.


અહીંયા વાત આવે છે આપણે કેવી રીતે ફાળો આપીશું આત્મનિર્ભર ભારત અભિયાનમાં તો સૌપ્રથમ તો આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર જેમ આપણને શીખવે છે વસુધૈવ કુટુંબકમ


તે ક્યારેય નથી ભૂલવાનું અર્થાત આપણે આખી દુનિયાને આખા વિશ્વને એક પરિવારની નજરથી જોવાનું છે. કોઇ દેશને પાછળ નથી પાડવો કે કોઈ દેશથી આગળ નથી આવવું પરંતુ બધાની નજરમાં ભારત દેશને અવ્વલ બનાવવાનો છે.આપણે આવનારા સમયમાં અંતર્મુખી દેશ નહી બનીએ એટલે કે ફક્ત આપણો દેશ આપણા દેશમાં જ અને આપણા દેશ માટે જ ઉત્પાદન કરે અને તેનો જ વપરાશ પણ કરે એવું નહીં પરંતુ પોતાના દેશ સાથે સાથે અન્ય દેશોને પણ નિકાસ કરી મદદ કરીશું અને તેમને પણ સાથે લઈ ચાલીશું.

આત્મનિર્ભર ભારતનો વિચાર ખૂબ જ નવીન અને ભારતના સુંદર વિશાળ ભવિષ્યની ઝાંખી છે. પહેલાના સમયથી જ ભારતને "સોનેરી ચીડીયા" કહેવાય છે કારણ પહેલેથી ભારત મરી-મસાલાથી લઈને ઘણી બધી ચીજવસ્તુઓના વેચાણ અને નિકાસમાં અવ્વલ હતું. આપણો દેશ ભારત એવું નથી કે ફક્ત આયાત જ કરે છે નિકાસમાં પણ અમુક ક્ષેત્રે ભારત પ્રથમ ક્રમે આવે છે. આપણો દેશ ઘણી બધી વસ્તુઓ બહારથી આયાત કરે છે જેમાં મુખ્ય વાત કરું તો તેલ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, મશીનો , કેમિકલ, ફાર્માક્યૂટિકલ્સ વગેરે જેમાંની ઘણી બધી વસ્તુઓ આપણે જાતે બનાવી શકીએ છીએ છતાં આપણે મોટી સંખ્યામાં આયાત કરવી પડે છે કારણ આપણા દેશમાં તે મહત્વની વસ્તુઓનું ઉત્પાદન જ નથી થતું.

ભારત કોઈપણ ઉત્પાદન કેન્દ્ર માટે ખૂબ જ સારો છે કારણ વધુ વસ્તી, મોટો વિસ્તાર, અને મોટી માંગ. મારા મતે આપણે જ આ ત્રણ પાસાનો મહત્તમ ફાયદો ઉઠાવીને ભારતને એક મોટું ઉત્પાદન કેન્દ્ર બનાવવું જોઈએ અને બીજા વિકસિત દેશો એટલે જ આગળ છે કારણકે તેઓ પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓનું જાતે ઉત્પાદન કરે છે માટે કોઈના પર નિર્ભર નથી બનતા અને ઓછી આયાત કરે છે આમ સ્વાવલંબી બની તેઓ વિકસિત દેશની ગણતરીમાં આવે છે. તો આત્મનિર્ભર ભારત આપણને પણ એ જ દિશામાં લઈ જઈ રહ્યું છે જ્યારે આપણે વિકાસશીલમાંથી એક દિવસ વિકસિત દેશ બનીશું. આપણે પણ સ્વાવલંબી બનીશું અને જાતે ઉત્પાદન કરીશું જેમાં ભારતની માટીની સાથે આપણા મજૂરોના પસીનાની સુગંધ પણ હશે.

મોદી સાહેબે આત્મનિર્ભર અભિયાનમાં 5 મુખ્ય સ્તંભોની જાહેરાત કરી હતી જેમાં પહેલું અર્થતંત્ર છે. આ કોરોના મહામારીના સમયમાં આખી દુનિયાના અર્થતંત્રને ખરાબ અસર થઈ છે. જેનાથી ઉપર આવવાની આત્મનિર્ભર ભારત અભિયાન એક પહેલ ગણાવી શક્યે. મહત્વના મુદ્દાની વાત કરીએ તો આપણે Form to Fork નો અભિનવ અપનાવાનો છે. જેનો મતલબ છે ઉત્પાદનના શરૂઆતના પગલા એટલે કાચી વસ્તુમાંથી છેક અંતિમ વસ્તુ સુધીની બધી જ પ્રક્રિયા આપણે આપણા દેશમાં કરવાની છે એટલે કે કાચી વસ્તુ પણ હવે આયાત કરવાની જગ્યાએ જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે જેથી આપણા દેશનું ઉત્પાદન પણ વધશે અને આયતમાં પણ ઘટાડો થશે અને આ બધું થોડી ઝડપથી એટલે કે મોદી સાહેબ પ્રમાણે Quantum Jump સાથે કાર્યક્ષમ અને ગુણવત્તાનું ધ્યાન રાખી આગળ આવવાનું છે. આ તો થઈ મોટી વાત અર્થતંત્રને ઉપર લાવવાની પરંતુ મોટા ઉદ્યોગો જ નહીં સામાન્ય નાના વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને સ્થાનિક ખેડૂતો , ગૃહઉદ્યોગોને સાથ આપી તેમની જ અનેક સ્વદેશી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવાની છે એટલે કે આપણે નાની નાની કડીઓ જોડવાની છે.

થશે શું આનાથી??

નાના-મોટા ગૃહઉદ્યોગો ખુલશે,MSME ને પણ પ્રોત્સાહન મળશે અને આપણા જ દેશના લોકોને રોજગારી મળશે અને લોકો આત્મનિર્ભર બનશે. આપણા દેશના લોકોની આવક વધશે અને ધીમે ધીમે એક ઘર પછી એક સમાજ અને અંતે આખો દેશ આત્મનિર્ભર બનશે .આર્થિક રીતે ઉપર આવતા લોકોનું જીવનધોરણ સુધરશે એટલે માથાદીઠ આવક અને GDP માં પણ સારો એવો સુધારો થશે જે આપણું લક્ષ્ય છે અને જે દેશમાં આત્મનિર્ભર લોકો વધારે હોય તે દેશની સમૃદ્ધિ જોવા જેવી હોય છે અને દયાનંદ સરસ્વતીએ પણ કહ્યું હતું સ્વદેશી રાજ્ય હંમેશા સર્વોપરી અને ઉત્તમ હોય છે. આ વાતે કહેવા માંગીશ કોઈના બનાવેલ રસ્તાએ ચાલવાનું ન વિચારી આજે આપણો કાચો તો કાચો રસ્તો બનાવવાનો પ્રયત્ન કરીએ શું ખબર કાલે આપણો કાચો રસ્તો પાકો બને અને લોકો આપણા રસ્તે ચાલતા થઈ જાય.
બીજા સ્તંભમાં વાત કરી હતી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની છે કે કેવી રીતે આપણે વિશ્વમાં આધુનિક ભારતની ઓળખ બનાવીશું.ત્રીજી વાત સિસ્ટમ એટલે કે સુંદર સંચાલનની સાથે નવી નવી ટેકનોલોજી વિકસાવીને ૨૧મી સદીના સપના સાકાર કરીશું જેમાં આપણો ફાળો કહું તો ઇન્ફોરમેશન ટેક્નોલોજી એન્જિનિયર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, વગેરેનો ઉપયોગ કરી આપણે નવી નવી કામયાબીઓ મેળવી શકીએ છીએ અને આજકાલ તો ભારતમાં પણ લોકો અવનવું ભણીને ખૂબ જ કુશળ થઈ રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે આપણા દેશમાં અઢળક આવડત તો છે પરંતુ આવડત પ્રમાણે અવસર ન મળતા બધા બહારના દેશોમાં જવાનું પસંદ કરે છે. આપણે જોયું હશે કે બહારના દેશોમાં મોટી મોટી કંપનીઓમાં સીઇઓ તરીકે ભારતીય બેઠા હોય છે. તો આત્મનિર્ભર ભારત અભિયાન બહુ જ બધી સુવર્ણ તકો લઇને આવ્યું છે જેમાં આપણે બધાએ સમર્પિત થવાનું છે અને પોતાના દેશને આત્મનિર્ભર બનવાનો છે.
પછી ડેમોગ્રાફી વિશે વાત કરી હતી એટલે કે વસ્તીવિષયક અને અંતિમ સ્તંભ માંગ દર્શાવ્યો હતો. વસ્તીની વાતમાં આપણે બીજા ક્રમે આવીએ છીએ તેમાં પણ આપણી પાસે યુવાનો બહુ જ મોટી સંખ્યામાં છે એટલે કે સૌથી વધુ યુવા શક્તિ ધરાવતો આપણો દેશ ભારત છે.
યુવાનોને સાત શબ્દોમાં કહું તો …..
યુવાપેઢી બદલશે ઓળખાણ આત્મનિર્ભર બનશે ભારત મહાન.
આત્મનિર્ભર દેશ બનાવવા માટેની મોટી જવાબદારી આપણા જેવા યુવાનોની છે. આપણે નવીનતમ વિચારો અને ઉત્સાહ સાથે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન તો કરવું જ જોઈએ જેની આપણે આયાત કરીએ છે અને વધારેમાં નિકાસ કરી શકીયે તેવી વસ્તુઓ અથવા બહારના દેશોમાં જેની માંગ વધુ હોય તે વિકસાવવી જોઈએ આમ કરવાથી આપણા દેશની માંગ સંતોષાશે અને આપણી આયાતનો આંકડો નીચે તો પડશે જ અને નિકાસનો આંકડો વધતો જશે એની સાથે નવી નવી ટેકનોલોજી, નવા નવા ઉપકરણો, નવા નવા મશીનો બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જે આપણા દેશને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે અને બધા જ આપણા ભારતીય યુવાઓમાં કઈક ને કઈક અલગ વાત છે જ તે બધા દેશોએ સ્વીકાર્યું છે , મિત્રો યુવાની બરાબર છે પણ સમય પોતાના વિકાસ દેશના વિકાસમાં પણ આપો ટિક્ટોક જેવી એપ્લિકેશનો તમારા કિંમતી સમય સાથે તમારી પ્રગતિ પણ રોકી રહી છે તે પણ સમજો.

વાસ્તવિક વાત એ પણ છે કે ક્યારેક-ક્યારેક સ્વદેશી વાપરવામાં ગુણવત્તાનો પ્રશ્ન આવે છે ક્યારેક સર્વશ્રેષ્ઠ સ્વદેશી વસ્તુ ન પણ હોય તેવું પણ બની શકે પણ કહેવા માંગીશ કે આપણે ક્યારેય સ્વદેશી ચીજવસ્તુઓની ચાહ રાખી જ નથી તો પછી ભારતીય કંપનીઓ ઉત્સાહથી એમની વસ્તુઓ ક્યાંથી સુધારે??
તમે સ્વદેશી બનો, સ્વદેશી અપનાવવાનું શરૂ કરો. સો ટકા તમને સંતોષદાયક ચીજવસ્તુઓ બનાવવાની ભારતમાં તાકાત છે જ.

Turning crisis into opportunity.
ચાલો ભેગા મળીને આ કોરોના મહામારીને એક અવસર બનાવીએ.
સ્વદેશી બનાવીએ.
સ્વદેશી અપનાવીએ.

આપણી કેન્દ્ર સરકાર ૨૦ લાખ કરોડનું આત્મનિર્ભર ભારત અભિયાનમાં પેકેજની જાહેરાત કરી જે આપણી GDP ના લગભગ ૧૦ ટકા છે. જુદા જુદા ક્ષેત્રોને ખૂબ જ મોટી મદદ કરવા જઈ રહી છે તો જો સરકાર પણ આટલી મોટી મદદ કરવા જઈ રહી હોય તો આપણે પણ બરાબર સાથ આપવો જોઈએ .

. . એક નાનકડી શેમ્પુની બોટલ પર આપણે આપણા માટે સારું ખોટું વાંચી લેતા હોઈએ તો ત્યાં હવે એક આદત વધારવાની છે શેમ્પુ નહીં પણ બધી જ વસ્તુઓ પર Made in India વાંચતા શીખવાનું છે. આપણે બધાએ હવે સ્વદેશી ચીજવસ્તુઓ અને સેવાઓને જ પસંદ કરવાનો અને વાપરવાનો આગ્રહ રાખવાનો છે તેમજ ગમે તે પોસ્ટ મૂકી સમય બગાડતા હોઈએ તેવા પ્લેટફોર્મ પર પણ ભારતીય ચીજવસ્તુઓ અને સેવાઓનો ગર્વથી પ્રચાર કરતા શીખવાનો છે. એક સુજાવ સરકારશ્રીને પણ આપી શકીયે કે આકર્ષિત સ્વદેશી મોલ બનાવાય જેમાં સંપૂર્ણ સ્વદેશી ચીજવસ્તુઓ વેચાતી હોય જેથી કોઈને સ્વદેશી ચીજવસ્તુઓ ઓળખવામાં તકલીફ ન પડે અને સૌ કોઈ સ્વદેશી ખરીદે.

પ્રધાનમંત્રીએ ૨૦૧૪માં Make in India અંતર્ગત ઘણી બધી યોજનાઓની જાહેરાત કરી હતી જે મોટે ભાગે સફળ રહી છે તો આપણે પણ એક વાઇબ્રન્ટ ઈકોનોમી બનાવવાનો પ્રયત્ન કરીએ અને આપણા ભારત દેશને વિશ્વમાં સફળ બનાવીએ.
પૂર્વમાં જોતા કરી લોકોને
પશ્ચિમ સાથે કડીઓ બનાવીએ.

આપણા ખેડૂતો, આપણા કામદારો, આપણા દેશના ઉદ્યોગપતિઓ કે પછી આપણે સૌ નાગરીકો એકબીજાને સાથ આપીએ અને સુવર્ણ ભારતને ભેગા મળી
સ્વર્ણિમ ભારત બનાવીએ તેની સાથે જ વિશ્વ પ્રેમની ચાદર ઓઢી એક નવા સૂર્યકિરણની આશા જગાડી હવે આ local વસ્તુઓને દિલથી અપનાવી તેના પ્રત્યે vocal થઈએ અને તેનો ગર્વ થી પ્રચાર કરી
Vocal for Local
અને પછી
Vocal to Global નો એજન્ડા હાસિલ કરી વિશ્વમાં આપણા દેશની ચીજવસ્તુઓ અને સેવાઓને અમર બનાવીયે.

આપણા બધા ભારતીયોમાં નવીનતા છે, એકબીજાને સાથ આપી, એકબીજાને પ્રોત્સાહિત કરી ચાલો આગળ વધીએ અને આપણા દેશને આત્મનિર્ભર બનાવવાના માર્ગમાં નાનો નાનો ફાળો આપતા થઈએ અને હવે આપણે હોળીના રંગો, ઉતરાયણના દોરા કે પછી દિવાળીના ફટાકડા બધું જ સ્વદેશી વાપરવાની ચાહ રાખીએ.

જય ભારત.
જય હિન્દ.
જયતુ જયતુ ભારતમ.

DJC
દિશા જે. ચૌહાણ
વડોદરા.

#નિબંધ
#આત્મનિર્ભરભારતઅભિયાન
ગમે તો મેહરબાની કરી શેર કરજો.
તમે મારું પેજ ઇન્સ્ટાગ્રામ પર પણ follow કરી શકો છો.
@savicha_sara_vichar.
આભાર. 🙏😇