Samarpan - 4 in Gujarati Fiction Stories by Nidhi_Nanhi_Kalam_ books and stories PDF | સમર્પણ - 4

Featured Books
Categories
Share

સમર્પણ - 4


આગળના ભાગમાં જોયું કે દિશા લાઇબ્રેરીમાં પુસ્તક ખોલતાં જ પોતાના ભૂતકાળમાં રીતેષ સાથેની મીઠી મુલાકાતોમાં સરી જાય છે. રીતેષે જાહેરમાં મૂકેલાં પ્રસ્તાવની પોતે કરેલી સ્વીકૃતિને જાણે કે નજરસમક્ષ માણે છે. એ સમયે હજાર રહેલા, એ બંનેની રોજની મુલાકાતોના સાક્ષી રહેલાં દરેકે એ પ્રસ્તાવને લાગણીસભર સમારંભ બનાવી દીધો હતો. બંનેએ પોતપોતાના ઘેર પોતાના જીવનસાથીની પસંદગી વિશે જણાવતાં, અકારણ અડચણ ના બનતા બંને પરિવારોએ સહર્ષ સ્વીકૃતિ સહ નાનકડો સમારંભ ગોઠવી બંનેના લગ્ન નક્કી કર્યા હતાં. સુખની છોળોમાં એ દિવસ પણ જલ્દી જ આવી જતાં, લગ્ન પછીની પહેલી ભેંટ રૂપી રીતેષ ફરી દિશાને ગમતી ચોકલેટ રેપર ઉપર કંઈક ખાસ લખીને આપે છે. હનીમૂન માટે બંને પોતાના સપનાઓને વધારે રંગીન બનાવી, વાસ્તવિકતામાં ફેરવવા, ''બાલી'' ઉપડી જાય છે. લગ્નના પાંચ વર્ષ પછી રુચિનો જન્મ બંને પરિવારોમાં અનહદ ખુશીનો માહોલ ઉભો કરી દે છે. રુચિનું નામ યાદ આવતાં જ દિશા સફાળી સપનામાંથી ફરી હકીકતમાં આવીને ઉતાવળે ઘેર જાવા રવાના થાય છે. રુચિએ મેગી બનાવી ખાઈ લીધી હોવાથી દિશા પોતાની બધી જ અકળામણ એના ઉપર ઠાલવે છે, જોકે રુચિ, એ સમયે દિશાને સંભાળી લઈ, ફરી એને એકલવાયું ના લાગે એનું ધ્યાન રાખવાનું પ્રોમિસ આપે છે. થોડા દિવસ પછી બંને થોડે દુર આવેલા કુદરતી સાનિધ્યમાં આખો દિવસ ફક્ત એકબીજાને સમય આપવા માટે એક મંદિરે જવાનું ગોઠવે છે...

સમર્પણ - 4

દિશા : ''રુચિ આપણે આવી રીતે ક્યારેય આવ્યા નથી. મને લાગે છે કે આવવું જ જોઈએ. કેટલું સરસ વાતાવરણ છે. દુનિયામાં જાણે આપણે બે એકલા જ હોઈએ એવું લાગી રહ્યું છે. મન થાય છે કે બેસી જ રહીએ.''
રુચિ : ''હા મમ્મી, મેં પણ આવું તો કોઈ દિવસ વિચાર્યું જ નહીં. હું મારા ફ્રેન્ડ્સ સાથે ફરવા જતી રહું છું. ફિલ્મો જોવા જઉ છું. તે ક્યારેય રોક-ટોક નથી કરી. પણ મેં તારું તો ક્યારેય વિચાર્યું જ નહીં. કે તને પણ મન તો થતું જ હશે ને ? પણ હું જાણું છું કે હું તને ટાઈમ જ નથી આપતી.'' (એની આંખમાં પાણી આવી ગયા)
દિશા : ''અરે, ગાંડી...મને થોડી હવે આવું બધું ગમવાનું હતું ? તને ખુશ જોઈને મને કેટલી ખુશી થાય છે એ તું નહીં સમજી શકે.. તું હરે-ફરે, તૈયાર થાય, કંઈક લેવાની જીદ કરે આ બધા સામે હું તારી બધી જ ફરમાઇશો પુરી કરી શકું છું એજ મારી સૌથી મોટી ખુશી છે.''
રુચિ : ''મમ્મી, હું એટલી પણ નાની નથી કે તું સમજાવે એમ સમજી જઉ, મારી ભૂલ હું સમજુ છું અને હવે એ હું સુધારીશ પણ ખરી. તને બધે જ મારી સાથે હરતી-ફરતી ને હસતી-રમતી કરી દઈશ તું જોઈ લેજે.''
દિશા : ''બસ હો.. આ ઉંમરે હવે એ બધું ના શોભે..''
રુચિ : (ખોટો ગુસ્સો કરતાં) ''ના શું શોભે ? તું અભણ થોડી છું ? ભણેલી-ગણેલી ફોરવર્ડ મમ્મી છે તું તો. પપ્પા સાથેના હનીમૂનના ફોટા મેં જોયેલા છે હો... એમાંજ દેખાઈ આવે છે તું કેટલી મસ્તીખોર હોઇશ.''
દિશા અચાનક હસતી-હસતી ગંભીર બની ગઈ. વાતને ફેરવી લેતા કહ્યું, ''ચાલ પ્રસાદ જમી લઈએ''
રુચિ દિશાની પાછળ ચાલવા લાગી. લાઈનમાં ઉભા રહી, શાક-દાળ-ભાત અને લાડવાનો પ્રસાદ લઇ મંદિરની પંગતમાં બેસી જમી લીધું. સેવાના ભાગ રૂપે મંદિરમાં એઠું નહીં મુકવાનો અને થાળી-વાટકા જાતે ધોવાનો નિયમ હતો. અમુક લોકો શ્રદ્ધાથી બીજાના વાસણ પણ ધોઈ આપતા. આ નિયમની ખબર નહીં હોવાથી રુચિએ થાળીમાં બાકી રાખેલો લાડવો, થાળી મુકવા જવા વખતે ત્યાં ઉભેલા દાદાજીએ થાળી મુકતાં પહેલા ખાઇ જવાની ફરજ પાડી. ત્યારે રુચિ અકળાઈ. દિશા સહેજ દૂર ઉભેલી મલકાતાં-મલકાતાં એને જોઈ રહી.
રુચિ એ મો મચકોડતા કહ્યું, ''શુ હસે છે ? આવું તો કઈ હોતું હશે ? ના ખાવું હોય તોય પરાણે ખાવાનું ?''
દિશા : ''સાચી જ વાત છે એમની. ના ખાઈ શકાય એમ હોય તો થાળીમાં લેવું જ ન જોઈએ ને ?''
રુચિ : ''બીજી વાર લેવા જવું ના પડે એટલે લઇ લેવાનું જ હોય, થોડુંક જ બાકી હતું તોય ખાવું પડ્યું.''
દિશા : ''રુચિ, દુનિયામાં લગભગ આપણાં જેવા જ લોકો છે જેમના માટે આ અર્ધો લાડવો કે કોળિયો દાળભાતનું કોઈ મહત્વ નથી. પણ એવા લોકો પણ છે કે જેમને આટલું પણ નસીબમાં નથી હોતું. દરેક જણ જો અન્નનો બગાડ અટકાવે, અથવા વધેલું ફેંકી દેવાના બદલે કોઈને પ્રેમથી જમાડી દે તો દુનિયામાં કોઈ ભૂખ્યું ના સુવે.''
રુચિ મમ્મીની વાત ને ધ્યાનથી સાંભળી રહી, ''હા મમ્મી, એ વાત તો તારી સાચી જ છે. પણ મેં કોઈ દિવસ આવું વિચાર્યું જ નથી. હવેથી હું પણ અન્નનો બગાડ નહીં કરું.''
રુચિને નજીકના બગીચામાં મોર દેખાતાં, દિશાનો હાથ પકડી લગભગ ખેંચતી બગીચા તરફ દોડી. ત્યાંતો મોર દૂર જતો રહેતા બંને જણા નજીકની એક ગોળાકાર બેઠક ઉપર બેઠાં. હસતાં-હસતાં બંનેની નજર ફરી એક વાર મળી ગઈ.
રુચિ : ''મમ્મી, તું હસતી હોય તો કેટલી સુંદર લાગે છે યાર... એટલે જ તો તારા લવ મેરેજ છે...પપ્પા તો તારા પર ફિદા-ફિદા રહેતાં હશે... નહીં ? કેટલાં દિવસે તું આવી રીતે ખુલીને હસી હોઇશ હે ને ?''
રીતેષની વાત આવતાં જ દિશાની આંખમાં પાણી ફરી વળ્યું અને ગળે ડૂમો બાજી ગયો.
રુચિ : (દિશાની એકદમ નજીક આવી ગઈ) ''મમ્મી, શું થયું ??? કેમ આમ અચાનક ??? પપ્પાની યાદ આવી ગઈ ???''
દિશાથી રુચિને વળગીને રડી પડાયું. રુચિએ પણ એને મન ભરીને રડવા દીધી.
(હળવેકથી દિશાને અળગી કરતાં) રુચિ : ''મમ્મી, શુ થયું છે તને ? હું થોડા દિવસોથી જોઉં છું કે તું સાવ સુન-મુન થઈ ગઈ છે. તારી આંખો પણ ગમે ત્યારે છલકાઈ જાય છે...પપ્પાની યાદ આવે છે કે બીજું કોઈ ટેંશન છે તને ?''
દિશા : ''બસ એમજ..ચાલ હવે ઘેર જઈશું ?''
રુચિ : ''ના, ઘેર જઈશું તો તું આ વાત નહીં કરે...ઘેર તો તું કામમાંથી જ નવરી નથી પડતી.. કંઈક ને કંઈક કામ શોધી જ લે છે... અને હું હવે મોટી થઈ ગઈ છું મમ્મી... આપણે હવે ફ્રેન્ડ્સ છીએ...તું મારી સાથે વાત શેર કરી શકે છે...હું તને સમજી શકીશ..''
દિશા : (ખોટું હસવાનો પ્રયત્ન કરતાં) ''હા હો...બહુ મોટી થઈ ગઈ છે તું તો...ઘરનું કાંઈ કામ તો આવડતું નથી. ''
રુચિ : (ચિડાઇ જતાં) ''મમ્મી... તું હવે એ કામની લપ ના કર.. હું કહું છું એ વાત કર... સાચું કહે મને..શુ વાત છે ? તું કેમ આમ ઉદાસ રહ્યાં કરે છે ?''
દિશા : ''રુચિ તને કહેવાય કે નહીં, હું નથી જાણતી પણ મને હમણાંથી બહુ એકલું ફિલ થાય છે. આઠ વર્ષના લગ્ન જીવનમાં મેં ક્યારેય દુઃખ જોયું નથી... એ પહેલાં પપ્પાના ઘેર પણ હું નાની અને લાડકી હોવાથી ક્યારેક કોઈ તકલીફ પડી નથી. ''
રુચિ દિશાને બોલવા દઈ એની સામે જ જોયા કરતી હતી. આજે એને મમ્મીનું મન પૂરેપૂરું જાણી જ લેવું હતું.
દિશા : ( રડી ના પડાય એની કાળજી લેતા ) ''તું ત્રણ વર્ષની હતી ત્યારે તારા પપ્પા હાર્ટ-એટેકમાં ફક્ત 33 વર્ષની નાની જ ઉંમરમાં મને છોડી ગયા. ત્યારથી નસીબ અવળું ફરી ગયું. બધું જ હતું મારી પાસે, રૂપિયા, ગાડી, મા-બાપની ખોટ પુરે એવા સાસુ-સસરા અને તું...જ્યારથી તારા પપ્પાએ બિઝનેસ સંભાળી લીધો ત્યારથી જ તારા દાદાએ એમનો બિઝનેસ વધારવા લંડનમાં પણ ઓફીસ બનાવી. અમને બંનેને લંડન સ્થાયી થવા જણાવ્યું. પરંતુ રીતેષને પહેલેથી દેશપ્રેમના લીધે ત્યાં સ્થાયી થવાનો નિર્ણય પસંદ પડ્યો નહીં. એ કહેતો, ''વિદેશ તો ફરવા જ જવાય બાકી રહેવાની મજા ભારત જેવી ક્યાંય નહીં.'' એટલે છેલ્લે તારા દાદા-બા ત્યાં સ્થાયી થયા. એમના ગયા ના બે વર્ષમાં જ રીતેષને એટેક આવ્યો. સવારે એટેક આવ્યો અને સાંજ સુધીમાં તો એણે શ્વાસ મૂકી દીધા. રીતેષને તું બહુ જ વહાલી હતી. એની છેલ્લી ઘડીમાં એણે તારા માથે હાથ રાખી મને વચન લેવડાવ્યું હતું કે તને સારું ભણાવીને વ્યવસ્થિત ઘેર વળાવીશ. બધા જ મેડિકલ રિપોર્ટ નોર્મલ હોવા છતાં રીતેષ જીવી શક્યો નહીં અને પહેલા જ એટેકમાં એનું મૃત્યુ થયું. ''(કાળજી લેવા છતાંય દિશાની આંખમાંથી પાણી વહી રહ્યા હતા. )
રુચિ : ''મને લાગ્યું જ હતું મમ્મી, કે તને પપ્પાની બહુ જ યાદ આવે છે..તો પછી આપણે દાદા-બા પાસે લંડન કેમ નથી જતા રહેતા ???''
દિશા : ''તારા દાદાએ કહ્યું હતું, પણ રીતેષની ઈચ્છા પ્રમાણે તને અહીં જ ભણાવવાનું અને અહીં જ પરણાવવાનું મેં વચન લીધું હતું.'' (થોડું સ્વસ્થ થતાં) ''ચાલ હવે બહુ મોડું થઈ ગયું છે પછી વાત કરીશું.''
રુચિ : ''પછી ક્યારે મમ્મી, તે તો મને મેઈન વાત તો કરી જ નહીં.''
દિશા : ''અરે પણ, વાત તો ઘેર જઈને પણ થશે બેટા... ટાઈમ તો જો...ચાલ ઉઠ..''
બંને જણા રસ્તામાં જ જમવાનું પતાવીને ઘેર આવ્યા.
ઘેર આવીને પણ રુચિએ દિશાને વાત ભૂલવાડવા જ ન દીધી. નાહીને ફરી પાછી એજ વિષય પર ચર્ચા કરવા બેસી ગઈ.
દિશા : ''રુચિ, તું કેમ આમ કરે છે?, મને કાંઈ નથી થયું. બસ ક્યારેક યાદ આવી જાય તો આંસુ નીકળી પડે બીજું કાંઈ નથી''.
રુચિ : ''મમ્મી... તું ક્યાં સુધી મને નાની સમજીશ ? હે ? તને એમ લાગે છે કે હું તને નઈ સમજી શકું ? કે એમ લાગે છે કે મારામાં બુદ્ધિ નથી એટલે ના કહેવાય કાઈ મને ? બોલ જોઉં..''
દિશા : ''પાગલ, તારા જેટલી બુદ્ધિ તો ભગવાને કોઈને આપી જ નઈ હોય, અને જો તું ના સમજી શકે તો બીજું તો કોણ સમજી શકવાનું હતું મને ? આ ઉંમરે આવું થયા કરે બેટા.''
રુચિ : ''એટલી પણ ઉંમર નથી થઈ ગઈ તારી, કે તું પોતાની જિંદગી વિશે વિચારવાનું જ મૂકી દે. અને અત્યારની આ ઉંમરની વાત નથી મમ્મી, મેં તને કેટલીય વાર સાવ શૂન્યમનસ્ક થઈ જતાં જોઈ છે. પણ તને હું પૂછી નહોતી શકતી. હવે તો તું કહી જ શકે ને મને ? તારે કોઈ એવી ફ્રેન્ડ પણ નથી કે તું એની પાસે હળવી થઈ શકે. Trust me મમ્મી કહી તો જો. તું જેમ દુનિયાની best mom છે એમજ મને પણ દુનિયાની best daughter બનવાનો chance આપ please.''
વધુ આવતા અંકે...