Antim Vadaank - 9 books and stories free download online pdf in Gujarati

અંતિમ વળાંક - 9

અંતિમ વળાંક

પ્રકરણ ૯

ઈશાને થોડીવાર પહેલાં સોહમે મીતના અપહરણના બનાવનું જે વર્ણન કર્યું હતું તે જ વર્ણન શબ્દશઃ પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ કર્યું.

“ઓહ... આઈ સી. શું નામ છે તમારું?”

“ ઇશાન ચોકસી”. “હા.. તો ઇશાન ચોકસી, તમારે કોઈની સાથે વેર કે દુશ્મનાવટ જેવું કઈ ખરું ?”

“ઇન્સ્પેક્ટર સાહેબ, ઇશાન છેલ્લા ઘણા સમયથી લંડનમાં રહે છે. તેને અહીં કોની સાથે દુશ્મની હોય?” મોટાભાઈ અકળાઈને બોલી ઉઠયા.

“મિસ્ટર, તમે આ ભાઈના શું થાવ છો? તમારું શું નામ છે?” ઈન્સ્પેક્ટરે અણગમાથી પૂછયું.

“જી, મારું નામ આદિત્ય ચોકસી છે. ઇશાન મારો નાનો ભાઈ છે”.

“મિસ્ટર આદિત્ય ચોકસી, માણસ લંડનમાં રહેતો હોય એટલે તેને અહીં કોઈની સાથે દુશ્મનાવટ ન હોઈ શકે? તમને એ તો ખબર છે ને કે હવે ડીજીટલ યુગમાં દુનિયા બહુ નાની થઇ ગઈ છે”.

“જી.. સાહેબ, પણ પ્લીઝ આપ તાત્કાલિક કાંઇક કરો”. મોટાભાઈ કુણા પડયા.

“અરે ભાઈ, હું તાત્કાલિક કાંઇક કરવા માંગું છું તેના ભાગ રુપેજ તમારા ભાઈને સવાલ કરી રહ્યો છું , જેના જવાબમાં વચ્ચે તમે કુદી પડો છો”.

“સોરી સાહેબ,વાસ્તવમાં અમે અત્યારે એટલા બધા ટેન્શનમાં છીએ કે વાત જવા દો”. મોટાભાઈનો અવાજ રૂંધાઇ ગયો.

અચાનક રાઠોડ સાહેબનો મોબાઈલ રણક્યો. મોબાઈલ પર ડિસ્પ્લે થઈ રહેલા નામને જોઇને જ રાઠોડ સાહેબ જાણેકે એલર્ટ થઇ ગયા. ફોન ઉપાડીને સામેથી બોલનાર વ્યક્તિની વાત સાંભળીને તેઓ જવાબમાં બોલી રહ્યા “જી સર, યસ સર.... યસ સર. ”

રાઠોડ સાહેબના ચહેરાના બદલાયેલા ભાવ જોઇને બંને ભાઈઓને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે સામા છેડેથી કોઈક મોટા સાહેબ બોલી રહ્યા છે. રાઠોડ સાહેબે ફોન પર વાત કરતી વખતે માત્ર ઉભા થઇને સેલ્યુટ કરવાનું જ બાકી રાખ્યું હતું. ફોન પરની વાત પૂરી થયા બાદ રાઠોડ સાહેબે અતિશય નમ્રતાથી કહ્યું “તમો બંને પહેલાં કહેતા કેમ નથી કે તમે આ વાતની જાણ પોલીસ કમિશ્નર સાહેબને કરીને પછી અહીં FIR માટે આવ્યા છો”. રાઠોડ સાહેબે બેલ મારીને પટાવાળાને ચા નો ઓર્ડર આપ્યો. મોટાભાઈ આશ્ચર્યથી કાંઇક બોલવા ગયા પણ ઈશાને તેમનો જમણો હાથ દબાવીને ઈશારા વડે જ શાંતિ રાખવા જણાવ્યું.

“તમારા બાળકનો ફોટો આપો” ચૌહાણ સાહેબે ઇશાનને કહ્યું.

ઈશાને તેના મોબાઈલમાંથી મિતનો લેટેસ્ટ ફોટો કાઢીને બતાવ્યો. ચૌહાણ સાહેબે તરત જ તે ફોટાની કલર પ્રિન્ટ કઢાવી લીધી.

માત્ર અડધા કલાકમાં મિતની સંપૂર્ણ વિગતો પોલીસના ચોપડે અને કોમ્પ્યુટરમાં ચડાવી દેવામાં આવી. “ઇશાનભાઈ, તમે બીલકુલ ચિંતા ના કરશો. તમારા દીકરાનો ફોટો અને આ FIR માત્ર દસ જ મીનીટમાં દેશભરના તમામ પોલીસસ્ટેશનમાં ડિસ્પ્લે થશે. ગુજરાત પોલીસ પર ભરોસો રાખજો. મિતનો વાળ પણ વાંકો નહી થાય”.

“જી, સાહેબ”. ઈશાને ઉભા થઇને રાઠોડ સાહેબ સાથે હાથ મિલાવ્યા. બંને ભાઈઓ પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા ત્યાં જ ઇશાનના સેલફોનમાં અજાણ્યો ફોન રણક્યો. “ પોલીસ કમિશ્નર દવે બોલું છું “

“જી અંકલ .. આપના એક જ ફોનથી તાત્કાલિક FIR ની તમામ વિધિ પૂરી થઇ ગઈ છે. મારા મિતને કઈ ના થાય તે જોવા વિનંતી”. ઇશાનની ફોન પરની વાત પર થી બાજૂમાં જ ઉભેલા મોટાભાઈને એટલો તો ખ્યાલ આવી ગયો કે થોડી વાર પહેલા ઇન્સ્પેકટર રાઠોડને ફોન કરનાર પોલીસ કમિશ્નર દવે સાહેબ સાથે ઇશાન વાત કરી રહ્યો છે. ઈશાને પોલીસ કમિશ્નર ને “અંકલ” કેમ કહ્યું તે મોટાભાઈને સમજાયું નહોતું. ઇશાન આગળ બોલી રહ્યો હતો “આમ તો અમે મિતનો ફોટો અહીં ફરજ પરના ઇન્સ્પેકટર રાઠોડસાહેબને આપ્યો જ છે. છ વર્ષની ઉમર,એકદમ ગોરો વાન,ગોળ ચહેરો. લાંબા વાળ .. ”બોલતાં બોલતાં ઇશાન ઢીલો પડી ગયો. સામે છેડેથી “ઓકે ઓકે “બોલીને દવે સાહેબે ફોન મૂકી દીધો. પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં જ ઇશાન છાતી પર હાથ રાખીને નીચે બેસી પડયો. મોટાભાઈએ ભાંગી પડેલા ઇશાનને ટેકો આપીને ઉભો કર્યો. “ઇશાન, આપણા મિતનો વાળ પણ વાંકો નહી થાય. ઈશ્વર તેનું રક્ષણ કરશે. આપણે કોઈનું ક્યારેય ખરાબ કર્યું નથી. કોઈ આપણું પણ ખરાબ કરશે નહી”. ઇશાન મોટાભાઈને વળગીને રડી પડયો. થોડી વાર બાદ ઇશાન હળવો થયો એટલે મોટાભાઈએ પૂછયું “ઇશાન, પોલીસ કમિશ્નર સાથે સાથે તારે કઈ રીતે ઓળખાણ ? વળી તું તો તેમને અંકલ કહેતો હતો”. મોટાભાઈએ એકટીવા સ્ટાર્ટ કરતાં પૂછયું.

ઇશાન મોટાભાઈને હજૂ જવાબ આપવા જાય તે પહેલાં જ તેનો સેલ ફોન રણકી ઉઠયો. ઈશાને શર્ટના ઉપલા ખિસ્સામાંથી સેલફોન કાઢયો. મૌલિકનું નામ ડીસપ્લે થતું હતું. “એક મિનીટ .. મોટાભાઈ, લંડનથી મૌલિકનો ફોન છે. સામે છેડેથી મૌલિક બોલી રહ્યો હતો. “ઇશાન, તારો મેસેજ મળ્યો કે તરતજ મેં કાકા સાથે વાત કરી લીધી છે”. હા.. મૌલિક,તેમનો ફોન અમારા એરિયાના પી. આઈ. રાઠોડ સાહેબ પર અમે પોલીસ સ્ટેશનમાં બેઠા હતા ત્યારે જ આવ્યો હતો. એફ. આઈ. આર. કરાવીને અમે બહાર નીકળ્યા કે તરત જ તેમનો ફોન મારા પર પણ આવી ગયો છે... યાર, મારી તો મતિ મૂંઝાઈ ગઈ છે”. ઇશાનની આંખ ભીની થઇ ગઈ. “ઇશાન, ચિંતા ના કર. મીતને કાંઈ જ નહિ થાય. આપણે કોઈનું કાંઈ બગાડયું નથી. ભગવાન આપણું પણ કાઈ જ બગડવા નહિ દે. ધીરજ રાખજે અને ભાભીને પણ હિંમત આપજે”. મૌલિકનો ફોન કટ થયા બાદ ઈશાને કહ્યું “મોટાભાઈ, ઘરેથી નીકળતી વખતે એકટીવાની પાછળની સીટ પર બેસીને મેં પહેલું કામ મૌલિકને મેસેજ મેસેજ કરવાનું કર્યું હતું. મારો મેસેજ વાંચીને મૌલિકે તરત તેના કાકા જેઓ અહીં પોલીસ કમિશ્નર છે તેમને ફોન કરી દીધો હતો.

“અચ્છા, એટલે તું પોલીસ કમિશ્નર સાહેબને અંકલ કહેતો હતો”. મોટાભાઈએ એકટીવા સ્ટાર્ટ કર્યું હતું.

બંને ભાઈઓ ઘરે આવ્યા ત્યારે ઉર્વશી,ભાભી અને બાળકો તેમની રાહ કાગડોળે જોઈ રહ્યા હતા. તમામ સભ્યોની આંખમાં એક જ પ્રશ્ન ડોકાતો હતો.. શું થયું? “ઉર્વશી, અત્યારે તો એફ. આઈ. આર. કરાવી દીધી છે. જોગાનુજોગ મૌલિકના કાકા દવે સાહેબ જ અહીં પોલીસ કમિશ્નર છે. તેમની સાથે પણ ફોનમાં વાત થઇ ગઈ છે. દેશભરના પોલીસ સ્ટેશનમાં મિતનો ફોટો પહોંચી ગયો છે. અહીંનો લેન્ડલાઈન ફોન પોલીસે રેકોર્ડીંગ પર મૂકી દીધો છે. પોલીસ તપાસ ચાલુ થઇ ગઈ છે”. ઇશાન એક શ્વાસે બોલી ગયો.

અચાનક સોહમ રડવા લાગ્યો “આ બધું મારે કારણે જ થયું. હું જ મિતનું બરોબર ધ્યાન ના રાખી શક્યો. કાશ હું તેને ગાર્ડનમાં રમવા માટે લઇ જ ન ગયો હોત તો કેવું સારું હતું?” ઈશાને સોહમને વળગીને કહ્યું “બેટા, એ તો થવાનું હોત તો આપણી સોસાયટીના કોમન પ્લોટમાંથી પણ થયું હોત. હવે તો આપણે સૌએ મિત હેમખેમ પાછો ઘરે આવી જાય તે માટે શ્રધ્ધાપૂર્વક ભગવાનને પ્રાર્થના જ કરવી રહી”. આદિત્યભાઈ અને ભાભી મનોમન ઇશાન ની ધીરજને અને સોહમ પ્રત્યેના તેના હકારાત્મક વલણને વંદન કરી રહ્યા.

બહાર અંધારું થઇ ગયું હતું. મિતના અપહરણને ચાર કલાક જેટલો સમય વીતી ગયો હતો. લેન્ડલાઈન ફોનની રીંગ વાગે એટલે બધાના જીવ ઊંચા થઇ જતા હતા. દરેકના મનમાં ભૂખનું સ્થાન ચિંતાએ લઇ લીધું હતું. ક્યાં હશે મિત? ગુંડાઓ તેને ત્રાસ તો નહિ આપતા હોય ને ? ફૂલ જેવો મિત રડી રડી ને કેવો થઇ ગયો હશે? ઘરના તમામ સભ્યોએ આખી રાત અજંપામાં જ વિતાવી. ઉર્વશીની આંખો રડી રડી ને લાલ થઇ ગઈ હતી. બે વર્ષના મિતને દત્તક લીધો ત્યારથી આ ચાર વર્ષ દરમ્યાન ઉર્વશીએ ચાર કલાક માટે પણ મિતને આંખથી દૂર રાખ્યો નહોતો.

સવારે દરેક અખબારના લોકલ ન્યુઝના પાના પર હેડલાઈન હતી.. ‘એન આર. આઈ. ઇશાન ચોકસીના છ વર્ષના પુત્ર મિતનું ધોળા દિવસે થયેલું અપહરણ”

ક્રમશઃ