Aalasu no pir books and stories free download online pdf in Gujarati

આળસુનો પીર (હાસ્યલેખ)

આળસુનો પીર.

નવરાત્રી શરુ થવાને હજી અઠવાડિયાની વાર હતી. એક સમી સાંજે અમારી સોસાયટીની ઉત્સાહી યુવાન બહેનો ગરબાના નવી નવી જાતના સ્ટેપ્સ શીખવા સોસાયટીના ક્લબ હાઉસમાં ભેગી થઇ હતી. અમે સીનીયર સીટીઝન બહેનો એમના ગરબાના નવી સ્ટાઈલના સ્ટેપ્સ જોવા ઉત્સુકતાપૂર્વક ખુરશીઓમાં બિરાજમાન હતી. લગભગ પંદર મિનીટ રાહ જોવા છતાં ઉર્વશી ન આવી એટલે મિતાલીએ એને ફોન કર્યો, આખી રીંગ વાગી ગઈ છતાં ઉર્વશીએ ફોન ઉપાડ્યો નહિ, એટલે મિતાલી અકળાઈ અને બોલી, ‘કોણ જાણે શું કરી રહી છે, ફોન પણ ઉપાડતી નથી’ ‘એને વોટ્સ એપ પર મેસેજ કર’ ઉમાએ કહ્યું. ‘અરે, જે વ્યક્તિ ફોન નથી ઉપાડતી, તે મેસેજ શું જોશે ?’ ઇલાએ વ્યંગમાં કહ્યું..

‘જવા દો ને, એ ઉર્વશી તો છે જ લેટ લતીફ ! સીરીયલ - તારક મહેતાકા ઉલટા ચશ્મા - ના જેઠાલાલ જેવી.’ નિરાલીએ પોતાનો મત વ્યક્ત કર્યો. ‘તમારા લોકોની વાત સાચી છે, ઉર્વશી હંમેશા મોડી આવે છે, અને આપણો ટાઈમ બગાડે છે, દરેક કામમાં એનું - હોતા હૈ ચાલતા હૈ - જેવું જ ખાતું હોય છે, સાવ આળસુની પીર છે’ બધા બોલતા હોય ત્યારે અવની શા માટે બાકી રહી જાય ? એણે પણ પોતાનો બળાપો વ્યક્ત કર્યો. ઉર્વશી આવી એટલે બધી બહેનોએ એને મોડી આવવા બદલ ઠપકો આપવામાં પાંચ મિનીટ કાઢી, અને પછી ગરબાની પ્રેકટીસ શરુ કરી.

‘મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે...’ આ જાણીતા ગીતના શબ્દોના લય અને તાલ પર અમારી સોસાયટીની બહેનો અવનવા સ્ટેપ્સ પર ગરબા કરવા લાગી. સામાન્ય સંજોગોમાં આ જોઇને મારું મન પણ મોર બનીને થનગાટ કરવા લાગે, પણ આજે મારું મન પ્રેકટીસ કરતી છોકરીઓના નવા નવા સ્ટેપ્સ જોવા કરતાં પણ એમના દ્વારા બોલાયેલા બે શબ્દો - ‘આળસુની પીર’ મા વધુ રોકાયેલું હતું. ‘મને જ્યાં સુધી (જેટલું) ગુજરાતી આવડતું હતું, ત્યાં સુધી જઈને (મનમાં) મેં જોયું તો ‘પીર’ શબ્દનો અર્થ મુસ્લિમોમાં ‘ઓલિયો’ એટલે કે ‘સંતપુરુષ’ કે ‘પવિત્ર પુરુષ’ એવો થતો હતો. કચ્છમાં હિંદુઓમાં પણ આ શબ્દ ‘પીર’ એટલે ‘સાધુપુરુષ’ કે ‘મઠધારી’ એવો થાય છે, ક્યાંક ‘ઘરડો પુરુષ’ એવો પણ એનો અર્થ થાય છે.

ઉર્વશીને આમાંનો એક પણ અર્થ બંધબેસતો નથી. તો પછી એને અવનીએ ‘આળસુની પીર’ કહી એનો અર્થ મારે શું કરવો ? ‘આ આળસુની પીર એટલે એનો અર્થ શું થાય રમીલાબહેન?’ મેં મારા ખુરસીપડોશી રમીલાબહેનને પૂછ્યું. પહેલાં તો એ મારી સામે શંકાભરી નજરે તાકી રહ્યા, પછી એમને મારું ગંભીર મોં જોઇને લાગ્યું કે હું મજાક નથી કરતી, પણ સીરીયસલી પૂછી રહી છું, એટલે એમણે ખુલાસો કર્યો, ‘આળસુની પીર એટલે જેને કોઈ કામ કરવાનું ન ગમે, સ્વભાવે જે આળસુ હોય એવી વ્યક્તિ.’ ‘પણ પીર શબ્દનો અર્થ તો સાધુ, સંત કે પવિત્ર માણસ એવો થાય છે, એ પ્રમાણે જોઈએ તો ઉર્વશી આળસુની પીર એટલે કે આળસુની સંત એવો અર્થ થાય કે નહીં ?’ મેં રમીલાબહેનને બીજો સવાલ કર્યો.

“તમારે ‘મમ મમ’ થી કામ છે, કે પછી ‘ટપ ટપ’ થી ?” અમારી સોસાયટીમાં વાદવિવાદમાં માહેર એટલે કે એક્સપર્ટ ગણાતા રમીલાબહેને મને પ્રતિપ્રશ્ન કર્યો. ‘એટલે ? હું કંઈ સમજી નહિ.’ મેં મારું માથું ખંજવાળતા એમને પૂછ્યું. ‘એટલે એમ કે ‘આળસુની પીર’ શબ્દના મેં આપેલા અર્થનું અર્થઘટન કરવા બેસશો, તો ‘પીર’ શબ્દના અર્થ કરતાં પહેલાં તમારે ‘આળસ’ શબ્દનો અર્થ શોધવો પડશે.” રમીલાબહેને મૂછ વગર મૂછમાં મંદ મંદ હસતા મને કહ્યું.

‘એ કામ તો હું ઘણા સમય પહેલાં જ કરી ચૂકી છું.’ મારો જવાબ સાંભળીને હવે રમીલાબહેન માથું ખંજવાળવા લાગ્યા, પછી ધીરેથી બોલ્યા, ‘અચ્છા ?’ ‘હા, Laziness is nothing more than the Habit of resting before you get tired.’ મેં હસીને એમને કહ્યું. રમીલાબહેન પોતાની મોટી મોટી આંખો ઝીણી કરીને મારી સામે તાકી રહ્યા, એટલે મને લાગ્યું કે એ મારી વાત સમજ્યા લાગતાં નથી. એટલે પછી મેં એમને મારી વાત ગુજરાતીમાં સમજાવતા ઉત્સાહથી કહ્યું, ‘મતલબ કે આળસ એ બીજું કંઈ જ નહિ પણ થાક્યા પહેલાં આરામ કરવાની ટેવ માત્ર છે.’

રમીલાબહેન ખુરશીમાંથી ઉભા થયા, ‘હું જરા પાણી પીને આવું છું.’ એમ કહીને તેઓ પાણી પીવા ગયા. વળતી વખતે મારો પડોશ છોડીને તેઓ ઉર્મિલાબહેનની બાજુમાં બેસી ગયા. હું તો ‘આળસ’, ‘પીર’ અને ‘આળસુના પીર’ શબ્દો વિષે વધુ ઊંડાણપૂર્વક એમની સાથે ચર્ચા કરવા માંગતી હતી, પણ એમને કદાચ મારી સાથેના જ્ઞાનવર્ધક સંવાદને બદલે ગરબાના નવા નવા સ્ટેપ્સ જોવામાં વધારે રસ હતો, એવું મને એમના હાવભાવ અને વર્તન પરથી લાગ્યું. એટલે પછી મારુ ‘આળસુ’ નહીં પણ ‘ઉધમી’ એવું મન ફરી ‘આળસુની પીર’ શબ્દના અર્થ વિશે વિચારવાના કામે લાગ્યું, ઘણો બધો વિચાર કર્યા પછી મને લાગ્યું કે - ‘આળસુની પીર’ શબ્દનો કંઈ અર્થ નથી, મતલબ કે આ શબ્દપ્રયોગ જ મને તો ખોટો લાગ્યો.. સાચો શબ્દ ‘આળસની પીર’ અથવા ‘આળસુઓની પીર’ એવો હોવો જોઈએ, ખરું કે નહીં ?

તમે કહેશો કે ‘આ અર્થ - અનર્થ ની લમણાઝીંક છોડો અને છોકરીઓના ગરબાના નવા નવા સ્ટેપ્સમાં ધ્યાન આપો તો પોસીબલ છે કે તમને પણ એમાંના બે ચાર સ્ટેપ્સ આવડી જાય, અને પછી દર વર્ષે મારો છો તેવા (વાંદરા જેવા??) ઠેકડા મારીને આજુબાજુના લોકોને ઘાયલ કરવાને બદલે કે પછી બે ચાર નાના છોકરાઓને જમીન પર પાડી દેવાને બદલે તમે પણ માફકસરના, એટલે કે જોવામાં થોડા સહ્ય થાય એવા ગરબા કરી શકો.’ તમારી વાત સાચી હશે, પણ એક લબ્ધપ્રતિષ્ઠિત(??) લેખિકા તરીકે મારે ગરબાના નવા સ્ટેપ્સ શીખવા કરતા પણ શબ્દોના સાચા અર્થ શોધવા તરફ, વર્ષોજુના આ શબ્દપ્રયોગ ‘આળસુની પીર’ પર, આળસ આવતી હોય તો તે છોડીને પણ વધુ ધ્યાન આપવું જોઈએ, એમ મને તો લાગે છે.

પ્રસિદ્ધ હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે એમના લેખ ‘પેરેડાઈઝ લોસ્ટ’ માં લખ્યું છે, ‘આ પૃથ્વી પર જે કેટલાંક સ્વર્ગીય સુખો છે એમાં એક સુખ છે – જીવાત્માને કશું કરવું ન પડે તે. આવો જીવાત્મા બીજાનાં કામો તો ન જ કરે, પણ પોતાના કામો પણ બીજાં પાસે કરાવે.’ એમનો આવો મત જાણ્યા પછી મને યાદ આવ્યું કે, હું નાની હતી, ત્યાં સુધી મારા તમામ કામો મારી મમ્મી જ કરી આપતી હતી, અને મને તે ગમતું પણ હતું. રતિલાલભાઈની જેમ જ મને પણ એમાં ‘સ્વર્ગીય સુખ’ નો અનુભવ થતો હતો. પણ પછી – ‘હવે તું મોટી થઇ, દાંતે બ્રશ જાતે કર’ એવું મમ્મીએ ભાર દઈને કહ્યું, એટલે ન છુટકે મેં બ્રશ જાતે કરવાનું શરુ કર્યું. થોડા સમય પછી, ‘હવે તું મોટી થઇ તારા વાળ તું જાતે ઓળ.’ એવું મમ્મીએ કહ્યું એટલે એ કામ પણ મેં કરવા માંડ્યું. એમ જેમ જેમ હું મોટી થતી ગઈ, તેમ તેમ એક પછી એક મારા કામો મમ્મીના કહેવાથી હું મારા માથે લેતી ગઈ.

‘પોતાના કામ પોતે જ કરવા’ એવું ગાંધીજી સહિતના ઘણા મહાન માણસો કહી ગયેલાં.’ એવું અમારા ટીચરે અમને જ્યારે કહ્યું હતું, ત્યારે મેં એમની વાત ‘સુની – અનસુની’ કરી હતી. પણ પછી મમ્મીએ પણ એ જ વાત કહી, ખુબ ભાર દઈને કહી, ત્યારે મમ્મીનું કહેવું સાચું માની લઈને, ‘આળસુની પીર’ ની પદવીથી દુર રહેવા મેં મારા તમામ કામો નછુટકે જાતે કરવા માંડ્યા. ‘બેટા, એવું કહેવાય છે કે - જેણે કામ કર્યું તેણે કામણ કર્યું, મતલબ કે કામગરા લોકો સૌને બહુ ગમે. એટલે તું સાસરે જાય ત્યારે ત્યાં બધાને કામમાં મદદ કરજે.’ મારી મમ્મી અને મારા વિધવા ફોઈએ મારા લગ્ન થવાના હતા તે પહેલા મને આવી સલાહ પણ આપેલી. ‘બધાએ પોતાના કામો પોતે જ કરવાના હોય, તો મારે શા માટે બીજાના કામોમાં મદદ કરવી જોઈએ ?’ મારા મનમાં ઉદભવેલા આ મહત્વના પ્રશ્નને મનમાં જ ધરબી દઈને, મારી મમ્મી, ફોઈ વગેરેની સલાહ માનીને, સાસરે બીજાના કામો પણ મેં કરવા માંડેલા.

’આ દુનિયામાં આપણે કશું જ ન કરવું પડે એવા સ્વર્ગનું નિર્માણ કરવું અઘરું જ નહિ, અશક્ય પણ છે.’ એવી રતિલાલ બોરીસાગરની વાત મને તે વખતે સો ટકા સાચી લાગી હતી. આમ તો મારા પતિદેવ અમારા લગ્ન પહેલા થોડે ઘણે અંશે ‘કામગરા’ હતા, પોતાનું કામ પોતે કરતા હતા. પણ મારા આવ્યા પછી, એમણે જાતે કરવાના કેટલાક કામો મારા પર છોડવા માંડ્યા. શરુ શરૂમાં તો મેં મારી મમ્મી અને ફોઈની સલાહ ધ્યાનમાં લઈને એક ‘સારી પત્ની’ સાબિત થવા અને ‘કામ કરવાથી કામણ થતાં હોય તો એના જેવું રૂડું બીજું શું ?’ એમ વિચારીને એમણે ચિંધેલા કામો ચુપચાપ કર્યા, પણ પછી થોડા વર્ષોના અમારા સહવાસ પછી, થોડીક હિંમત આવવાથી અને એમને ‘આળસુના પીર’ ની ઉપાધિથી બચાવવા, મેં એમના અમુક કામોનો હવાલો પાછો એમને જ સોંપવા માંડ્યો, જે લેવામાં શરૂઆતમાં એમણે થોડી આનાકાની કરી, પણ પછી મને મક્કમ જોઇને અનિચ્છાથી એનો સ્વીકાર કર્યો.

મારા બંને બાળકોને તો મેં નાનપણથી જ અમુક કામો સોંપવાના શરુ કરી દીધા હતા. કામ કરવાનો એમનો ઉત્સાહ વધે અને તે જળવાઈ રહે, એટલે મેં એક ‘પોઈન્ટ સીસ્ટમ’ શરુ કરી હતી. દાખલા તરીકે, ‘પાણીની બોટલ ભરીને ફ્રીઝમાં મુકવાના ૫ પોઈન્ટ’ ‘ડાઈનિંગ ટેબલ ભીના પોતાથી સાફ કરી દેવાના ૫ પોઈન્ટ’ ‘જમીને પોતાની થાળી કિચનના સિન્કમાં મૂકી દેવાના ૫ પોઈન્ટ’ વગેરે વગેરે. મારે એમના રોજેરોજ કરેલા કામોના આ પોઈન્ટ્સ એક નોટમાં લખી રાખવાના, અને મહિનાના અંતે બેમાંથી જેના જેટલા પોઈન્ટ્સ હોય, એ પ્રમાણેના પૈસા (૧૦ પોઈન્ટ્સ નો એક રૂપિયોના હિસાબે ) એમના ગલ્લામાં જમા કરવાના. ખર્ચના માટે જોઈતા પૈસા એમણે એમના પપ્પા પાસે લેવાના, અને પોઈન્ટ્સના જમા થયેલા પૈસા મારે એમના સેવિંગ્સ એકાઉન્ટમાં ભરી દેવાના.

મોટા થયેલા મારા બાળકો આ વાત યાદ કરીને હસીને મીઠી ફરિયાદ કરતાં મને કહે છે, ‘મમ્મી, તું અમારું બાળશોષણ કરતી, એટલે કે અમારી પાસે બાળમજૂરી કરાવતી.’ એ લોકો ભલેને એમ કહે, પણ મને તો આમાં બધી રીતનો અને બધાને થતો લાભ જ દેખાય છે. બાળકો સ્વાવલંબી બને, પોતાનું કામ પોતે કરવાનો ગર્વ અનુભવે, એ ઉપરાંત મને કામમાં મદદ મળે, એટલું જ નહિ એ લોકોને બચતનું મહત્વ સમજાય અને સૌથી મહત્વની વાત તો એ કે – ‘આળસુના પીર’ જેવા અપમાનજનક શબ્દોથી તેઓ બચે. તમે જ કહો, આટલા બધા ફાયદા કંઈ ઓછા કહેવાય ?

હવે બાપ બનેલા મારા બંને દીકરા પોતપોતાના દીકરા પાસે, ‘પ્લીઝ બેટુ, ટીપોય પરથી મને રીમોટ આપને’ અથવા, ‘બેટા, મારા માટે કિચનમાથી પાણી લઇ આવને, પ્લીઝ’, ‘બેટા, જલ્દીથી બેડરૂમમાંથી મારો મોબાઈલ લઇ આવ, મારે ઓફિસે જવાનું લેટ થાય છે’ અને મોબાઈલ લેતી વખતે ‘થેન્ક્સ, બેટુ,’ - એમ કામ કરાવતી વખતે ‘પ્લીઝ’ અને પછી ‘થેન્ક્સ’ કહીને પોતાના કામો કરાવે જ છે ને ? આ બધું તો પેઢી દર પેઢીઓથી ચાલ્યું આવે છે, બસ, કામ કરાવવાની રીતમાં થોડોઘણો ફેરફાર થતો રહે છે.

પેઢીઓથી ચાલી આવતી રસમની વાત નીકળી છે, ત્યારે મને એક જોક યાદ આવે છે. અમથાલાલના દીકરા મોન્ટુના પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા, નાપાસ થયો એટલે પપ્પાએ એના કાન આમળીને બે ધોલ મારી. દીકરાએ પૂછ્યું, ‘તમારા પપ્પા એટલે કે દાદા પણ તમને આમ જ મારતા કે ?’ ‘હા, મારતા, બોલ એનું શું છે ?’ અમથાલાલે કહ્યું. ‘અને દાદાના પપ્પા પણ દાદાને આમ જ મારતા ?’ પુત્રએ પૂછ્યું. ‘હા, એ પણ આમ જ મારતા, પણ તારે એ બધું જાણીને શું કામ છે ?’ અમથાલાલે પૂછ્યું. ‘મારે તો ખાલી એ જ જાણવું છે કે - આ ગુંડાગર્દી કેટલી પેઢીઓથી ચાલી આવે છે ?’ મોન્ટુએ કહ્યું.

ઘણા સમય પહેલાં મેં હિન્દીમાં એક પ્રસિદ્ધ પંક્તિ વાંચી હતી, - ‘લડને હોંગે સબકો યહાં અપને અપને યુદ્ધ, ચાહે રાજા રામ હો, ચાહે ગૌતમ બુદ્ધ.’ ભગવાન રામ જેવા મહાન રાજા અને ગૌતમ બુદ્ધ જેવા મહાન ત્યાગી વ્યક્તિએ પણ પોતાના કામો પોતાની જાતે જ કરવા પડે છે, એવો અર્થ સમજાવતી આ પંક્તિ સાચી હશે કે પછી કોઈ મહાન કવિએ એ ભૂલમાં ને ભૂલમાં જ લખી નાખી હશે ? જો પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરની આ વાત - ‘આ પૃથ્વી પર જે કેટલાંક સ્વર્ગીય સુખો છે એમાં એક સુખ છે – જીવાત્માને કશું કરવું ન પડે તે.’ એ સાચું માનવું કે પછી આપણા માટે કોઈના તુચ્છકારમાં બોલાયેલા શબ્દો - ‘આળસુનો પીર’ પર ધ્યાન આપીને કાર્યરત થવું ? મને અહી એક વાતનું બહુ કન્ફ્યુઝન છે - કે શું કરવું અને શું ના કરવું ? ‘રજનીગંધા’ ફિલ્મનું આ ગીત યાદ આવે છે, ‘જાનું ના જાનું ના, ઉલઝન યે જાનું ના, સુલઝાઉં કૈસે કુછ સમઝ ન પાઉં...’

એમ તો એક સંસ્કૃત શુભાષિતમાં કહેવાયું છે કે - ‘ઉધ્યમે ન હિ સિધ્યંતી કાર્યાણી ન મનોરથે, નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા:’ (મતલબ કે - કાર્યો ઉદ્યમ કરવાથી જ સિદ્ધ થાય છે, માત્ર મનોરથ એટલે કે - મનમાં ઇચ્છા કરવાથી નહીં. સુતેલા સિંહના મોઢામાં સામેથી ચાલીને હરણાં પ્રવેશ કરતા નથી.) માટે હે મારા વહાલા વાચક મિત્રો, તમે જો ‘આળસુના પીર’ નહીં હશો, તો જ તમે મારો આ લેખ છેક છેલ્લે સુધી વાંચ્યો હશે, ખરું કે નહિ ?

વહાલા વાચકમિત્રો, લેખના અંતે મારે તમને એટલું જ કહેવાનું કે આટલો લેખ વાંચ્યા પછી પણ તમારા મનમાં ‘આળસુના પીર’ શબ્દના અર્થ વિષે અવઢવ હોય તો આ જોકથી તમારી એ દુર મૂંઝવણ દુર થશે.

એક મંદિરના ઓટલે પાંચ ભિખારીઓ આરામ ફરમાવતા હતા. એક શેઠ ત્યાં આવ્યા અને બોલ્યા, ‘તમારામાંથી જે માણસ આળસુનો પીર હોય તે પોતાની આંગળી ઉંચી કરે, તેને હું આ દસ રૂપિયા આપીશ.’ એક સિવાય બધાએ આંગળી ઉંચી કરી. શેઠે પેલાને પૂછ્યું, ‘તું આળસુ નથી ? તારે પૈસા નથી જોઈતા ?’ આંગળી ઉંચી ન કરનાર ભિખારી બોલ્યો, ‘શેઠ, મારે પણ પૈસા તો જોઈએ છે, પણ એને માટે આંગળી ઉંચી કરવાની મને આળસ આવે છે.’ શેઠે પ્રભાવિત થઈને કહ્યું, ‘સાચો આળસુ તો તું જ છે, લે આ તારા દસ રૂપિયા.’ ભિખારીએ બગાસું ખાતા કહ્યું, ‘શેઠ, મારા ખીસામાં પૈસા મૂકી દો ને, મને હાથ લંબાવવાની આળસ આવે છે.’ સાચો ‘આળસુનો પીર’ આને જ કહેવાતો હશે કે ?

Share

NEW REALESED