tunkma ghanu - 2 books and stories free download online pdf in Gujarati

ટુંકમાં ઘણું (ભાગ-૨)

નમસ્કાર મિત્રો, ટુંકમાં ઘણું એ માઈક્રોફિક્સન ટાઈપ નાની અસરકારક વાર્તાઓનો સંગ્રહ છે. ક્યારેક નાની વાતોમા પણ મોટો બોધપાઠ છુપાયો હોય છે, જરૂર છે એ બોધપાઠ સમજવાની. આ વાર્તાઓ તમે ક્યાંક અનુભવી હશે, ક્યાંક સાંભળેલી હશે, તો ક્યાંક જોયેલી અથવા વાંચેલી પણ હશે. 'ટુંકમાં ઘણું ભાગ-1' પછી આ બીજો સંગ્રહ છે. આવી અસરકારક નાની વાર્તાઓને વાંચો અને માણો.

(૧) ત્વરિત નિર્ણય

દુશ્મન દેશના કિનારા ઉપર ઊતરતાં જ જયારે સેનાપતિએ ઠોકર ખાધી, ત્યારે તરત જ તેણે એક મુઠ્ઠી ભરીને રેતી લઇ લીધી અને "ફતેહની આ નિશાની છે" એમ કહીને તેણે મુઠ્ઠીને ઊંચી કરી બતાવી, અને તે રીતે પોતાની સેનામાં અપશુકનની અંધશ્રદ્ધા પ્રસરતી અટકાવી લીધી.

(૨) કિંમતી રત્નો


મહિલા મંડળમાં રત્નો વિશે ચર્ચા ચાલતી હતી ત્યારે એક મહિલાએ લશ્કરમાં ફરજ બજાવતા પોતાના બંને પુત્રોના ફોટા દેખાડતા ગર્વથી કહ્યું કે "મારા અને દેશના કિંમતી રત્નો તો આ બે છે."

(૩) પ્રેમપ્રશ્ન

સવારના પહોરમાં નાસ્તો પીરસતી પત્નીએ પોતાના વ્હાલા પતિને પુછ્યું કે "એક જ શબ્દમાં મારુ વર્ણન કરવાનું હોય તો શું કરો?" પત્નીએ પૂછતાં તો પૂછી લીધું પણ પછી જવાબ સાંભળવા તલપાપડ થઇ અને દિલના ધબકારા એકદમ જ વધી ગયા. પતિએ પત્ની સામે સ્મિત કરીને આંખોમાં આંખો પરોવીને એવી રીતે જોયું કે હજારો ફૂલો એ સ્મિત જોઈને ખીલી ઉઠે અને પછી એક શબ્દ બોલ્યો: "મારી". આ વાતને ઘણા વર્ષો વીતી ગયા છે, કહેવાની જરૂર નથી કે એ પછી ક્યારેય તેણીએ બીજો પ્રેમપ્રશ્ન પૂછ્યો નથી. જરૂર છે ખરી!?

(૪) નાના કામો

પ્રથમથી જ મોટી મોટી તકો અને સહાયતાઓ તથા મોટા મોટા કામોને ઇચ્છનારાઓને એક ફારસી કહેવત ઉપદેશ આપે છે કે "હમણાં નાના નાના કામો પુરી કાળજીથી કર, એટલે મોટા કામો તને એની મેળે જ શોધતા આવશે."

(૫) અસંતોષ

એકવાર એક ભિખારીને લક્ષ્મીદેવી મળ્યા અને તેને કહ્યું કે "હું તારી ઝોળી ફાવે તેટલા સુવર્ણોથી ભરી દેવા તૈયાર છું; પરંતુ શરત માત્ર એટલી જ છે કે, તેમાનું જેટલું જમીન પર પડશે તે સઘળું તરત જ ધૂળ થઇ જશે." તે ભિખારીએ પોતાની ઝોળી ઉઘાડી અને તેમાં સુવર્ણોનાં સિક્કા ભરવા મંડ્યા. ઝોળી સંપૂર્ણ ભરાઈ ગઈ તોપણ તે સંતુષ્ટ થયો નહિ અને વધારે ને વધારે લોભ જાગતા વધુ ને વધુ સિક્કા માગ્યા કર્યા. છેવટે સિક્કાના દબાણથી ઝોળી ફાટી ગઈ અને બધું જમીન પર પડીને ધૂળ થઇ ગયું!

(૬) તક

ચિત્ર પ્રદર્શનમાં એક દેવીના ચિત્રમાં મોં વાળથી ઢાંકેલું હતું, તેના પગ ઉપર પાંખો હતી. જોનારે ચિત્રકારને પૂછ્યું કે "આ દેવી કોણ?"

ચિત્રકારે કહ્યું "તક"

"તેનું મોં કેમ ઢાંકેલું છે?"

જવાબ મળ્યો કે "જયારે માણસની પાસે તે આવે છે, ત્યારે તે ભાગ્યે જ તેને ઓળખે છે."

"તેના પગ ઉપર પાંખો કેમ છે?"

"કારણકે, તે તરત જ છટકી જાય છે અને એકવાર તક જાય તે ફરી મળતી નથી."

(૭) સારી ચીજ

એક આધ્યાત્મિક ગુરુએ શિષ્યોને પૂછ્યું કે "આપણી પાસે રાખવા લાયક વધારે સારામાં સારી ચીજ કઈ છે?"

એકે કહ્યું "સારી નજર", બીજાએ કહ્યું "સારી સોબત", ત્રીજાએ કહ્યું "સારા પડોશી", ચોથાએ કહ્યું "સારો મિત્ર". આ બધા જવાબોથી ગુરુને સંતોષ ના થયો ત્યારે તેના માનીતા શિષ્યે છેલ્લે કહ્યું કે "સારું હૃદય, કેમકે બીજી બધી વસ્તુઓ કરતા સારું હૃદય ઉત્તમ છે.” ગુરુએ જવાબ સાંભળી સંતોષપૂર્વક હાસ્ય કર્યું.

(૮) સુખી દાંપત્યજીવન

"શું મેં તને ક્યારેય કહ્યું છે કે હું તને ખુબ ચાહું છું?" પતિએ પૂછ્યું.

"ના, પણ બીજા બધાએ મને આ વાત જુદી જુદી રીતે કહી છે ખરી!" પત્નીએ આંખ મિચકારતા કહ્યું.

લગ્નજીવનના ૨૫ વર્ષ પછી પણ આવી મીઠી રકઝક અને બાળકો જેવા રમતિયાળ રહેવાના લીધે જ બંનેનું દાંપત્યજીવન આટલું સુખમય હતું.

***સમાપ્ત***

-Sagar Vaishnav

નાની અસરકારક વાર્તાઓ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આશા રાખું છું કે આપને આ વાર્તાઓ પસંદ આવી હશે તો Please મારા આ નાનકડા સંગ્રહ ને તમારો યોગ્ય પ્રતિભાવ(Review) આપજો.