Hu Jesang Desai - 4 books and stories free download online pdf in Gujarati

હું જેસંગ દેસાઈ.. ભાગ ૪

ભાગ 4 - -
કહેવાય છે કે, પંખીને ઉડવા માટે ખુલ્લા આસમાનની જરૂર પડે છે તેવી જ રીતે ઉછળતા કુદતા તથા થિરકતા યુવાનને યોગ્ય રાહબરની જરૂર હોય છે. જ્યારે કોઇ પણ યુવાનને યોગ્ય દિશા ચિંધક વ્યક્તિ કે એવી કોઇ સંસ્થા મળી જાય ત્યારે દરેક યુવાન તેનામાં રહેલી આવડત અને કુશળતાને આસાનીથી યોગ્ય દિશામાં વાળી-મરોડી નવસર્જનના પગથિયા ભણી આગેકુચ કરી જાય છે ! દરેક વ્યક્તિમાં કંઇક ને કંઇક કલા અને કારીગરી છુપાઇ હોય છે, પણ જ્યારે એને વ્યક્ત કરવાનો મોકો મળે છે ત્યારે એ ઉભરાઇ ઉભરાઇને બહાર આવે છે. ગમે તે ક્ષેત્રની કોલેજ હોય પણ આ કોલેજકાળ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ મોજ-મજા કરવા આવતા હોય છે જ્યારે ઘણા પોતાની કાટખુણાવાળી જિંદગીને ગોળ કરવા આવતા હોય છે!
અગાઉના ભાગમાં મે જણાવ્યુ તેમ ધો. 12 સુધીનો અભ્યાસ રાધનપુર ખાતે પુર્ણ કર્યા પછી એચ.એસ.સી. માં 75 ટકા સાથે ઉત્તિર્ણ થયો.ત્યાર પછી મહેસાણા નજીક હેડુવા (રાજગર) ગામની સુવિધા પીટીસી કોલેજમાં પી.ટી.સી.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો ! અહી કોલેજના એક જ કેમ્પસમાં પીટીસી, સીપીએડ તથા બીએડના શિક્ષણસંસ્થાનો હતા. જે તે વખતે સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવો અને તેના નિયમાનુસાર શિક્ષક બનવા માંગતા પીટીસી અને સીપીએડ કોલેજના તાલીમાર્થીઓ માટે છાત્રાલય નિવાસ ફરજિયાત હતો.હું અગાઉ પણ બે વર્ષ છાત્રાલયમાં રહી ચુક્યો હતો પણ અહી નવાઇની વસ્તુ એ હતી કે, અહી ભણવાનું અને રહેવાનું એક જ સાથે હતુ ! જેમ પહેલાના સમયમાં ઋષિમુનિઓના આશ્રમોમાં શિક્ષા અને દીક્ષા જોડે જ મળતા તેમ આ કોલેજમાં પણ અભ્યાસ અને નિવાસ એક સાથે જ હોઇ પ્રાચીન ઋષિમુનિના આશ્રમની પ્રતિતિ થયા વગર ના જ રહે !
જ્યારે પ્રથમ દિવસે કોલેજમાં હું દાખલ થયો ત્યારે મને એક વાતની બહુ ઉંડેથી હાશ મળી કે,કોલેજનું કેમ્પસ લગભગ દસેક વિઘામાં પથરાયેલ હતુ. એમાં લગભગ પાંચસોએક છાત્ર-છાત્રાઓનું સંખ્યાબળ ધરાવતી બી.એડ, સી.પી.એડ તથા પીટીસી એમ કુલ ત્રણ કોલેજ તથા તેને સંલગ્ન છાત્રાલયો હતી.અમારી પીટીસી કોલેજ ઉપરના માળે અને તેના બરાબર નીચેના ભાગે સામુહિક ભોજનાલય તેમજ તેનાથી દસેક ડગલા દુર રહેવાની છાત્રાલય !! વળી, છાત્રાલયના આગળના ભાગે એક મોટો સભાખંડ અને વચમાં એક નાનકડો ઉદ્યાન, જેની ધરોમાં બેસી અમે કેટલીય સાંજ પોતાના સહાધ્યાયીઓ સાથે બેસી જીવનની સારી-નરસી પળો વિતાવેલ. બગીચાની એકદમ બાજુમાં જ કોલેજ બહાર જવા-આવવાની નાનકડી કેડી અને તેની બીજી બાજુએ કોઇ રાષ્ટ્રીય કક્ષાના સ્ટેડીયમ કરતા પણ મોટુ કહી શકાય એવું રમતગમતનું મસ-મોટુ મેદાન;જેનો મોટે ભાગે દિવસના સમયે સી.પી.એડ કોલેજના તાલીમાર્થીઓના અધ્યયન-અધ્યાપન માટે વપરાશ થતો પરંતુ સાંજે તો તમામ ફેકલ્ટી એનો સહીયારો ઉપયોગ કરતા ! કહેવાય છે કે, જીવવા માટે કોઇ પણ સચેતન જીવની સર્વસામાન્ય જરૂરીયાત હવા અને હુંફની જ હોય. અમોને અહીં કુદરતી ખુલ્લા વાતાવરણની હવા મળતી અને મિત્રોની હુંફ હતી ! અમારી તો એના કરતા કોઇ વિશેષ જરૂરિયાત પણ ન હતી.
સૌથી યાદગાર વર્ષ અમારૂ બીજા વર્ષનો અભ્યાસક્રમ અને અભ્યાસક્રમના ભાગરૂપે કરેલો મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોનો આંતારરાજ્યીય પ્રવાસ હતો.પ્રવાસ જવાને માંડ અઠવાડીયાની જ વાર હશે ત્યાં 26 નવેમ્બર 2008ના રોજ સમાચાર મળ્યા કે અજમલ કસાબ અને તેના સાથી 10 આતંકવાદીઓએ પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI તેમજ આતંકી ફેક્ટરી લશ્કર-એ-તોયબા સાથે મળી દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ શહેર પર ગોઝારો ત્રાસવાદી હુમલો કરેલ છે.દેશ આખો ચિતાતુર બની મુંબઇ તરફ મીટ માંડીને બેઠો હતો.આતંકવાદીઓ તેમના આકાઓ સાથે મળી મુંબઇ શહેરમાં સ્લીપર સેલની મદદથી મુંબઇના પોર્ટ વિસ્તારોમાં બોંબ ધડાકા કરી આખા શહેરને તબાહ કરી મુક્યુ હતુ. દેશના સુરક્ષા જવાનોની સાથે નિર્દોષ નાગરિકોની નિર્દયપણે કત્લેઆમ થઇ રહી હતી. નરીમન હાઉસ અને તાજ હોટેલને આતંકવાદીઓએ બાનમાં લઇ લીધેલ તેમજ નિષ્ઠુર આતંકીઓ દ્વારા હુમલામાં ફસાયેલા દેશ-વિદેશના નાગરિકોને બેરહેમીથી બંદુકના નાળચેથી કત્લેઆમ કરી કાયરતાપુર્ણ કૃત્ય આચરી રહ્યા હતા. છત્રપતિ શિવાજી ટર્મિનશ અને ટ્રાઇડેન્ટ હોટલ પણ લોહિયાળ બની ચુકી હતી. આતંકીઓને ઠાર કરવા સુરક્ષાદળોએ હાથ ધરેલ ઓપરેશન બ્લેક ટોર્નેડો સતત ત્રણ દિવસ ચાલેલ તથા એટીએસના જાંબાઝ અધિકારી હેમંત કરકરે સહિત 5 સુરક્ષા જવાનોએ શહીદી વહોરી અસંખ્ય લોકોના જીવ બચાવ્યા હતા. આ હુમલાની વિશ્વભરમાં ઠેર-ઠેર ટીકા થઇ રહી હતી. હુમલાના દસેક દિવસ પછી અમે મુંબઇની તાજ હોટેલની મુલાકાત લીધેલી. કડક સુરક્ષા પહેરો હોવાથી અમને હોટલ અંદર જવાની સખત મનાઇ હતી છતા બહારથી તુટેલા કાચ અને સળગેલી દિવાલો જોઇ શરીરમાં કમકમાટી થઇ જાય એવા દ્રશ્યો હતા. હું ગેટ-વે ઓફ ઇન્ડિયાથી તાજ હોટેલને પ્રથમ વાર જોઇ રહ્યો હતો પણ મારા મનમાં દેશના આ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન હોટેલ જોયા પછી ખુશી થવાને બદલે ભારોભાર વસવસો અંતરમાં સ્થાન કરી ગયેલ ! આ એ જગ્યા હતી જ્યાં એક અઠવાડીયા અગાઉ 164 જેટલા નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તથા અનેકો ઘાયલ થયેલ ! કોણ જાણે કેમ પણ આ ગોઝારા સ્થળને જોયા પછી એના તરફ ફરીથી મોં સુધ્ધા કરવાની ઇચ્છા ન થઇ. મુંબઇ સહિત અમે એ વખતે ગોવા, મહાબલેશ્વર, નાસિક, શિરડી જેવા અસંખ્ય સ્થળોની મુલાકાત પણ લીધેલી !! એ સાત દિવસનો પ્રવાસ પુર્ણ કર્યા પછી અમે કોલેજ પાછા ફર્યા ત્યારે સળગતી તાજ હોટેલની એક તસવીર પણ સાથે લઇ આવેલ.
વિતાવેલ કોલેજના દિવસોને યાદ કરૂ તો અત્યારે ભલે કોલેજને અમે ભૌતિક રીતે જોઇ શક્તા નથી પણ અંતરના અજવાળે હું હજી પણ એ વિદ્યામંદિરના દર્શન કરી શકુ છું. અહીયા ફક્ત પુસ્તકીયું જ્ઞાન જ નહી પરંતુ જીવન જીવવાની કળાનું અફાટ શિક્ષણ પીરસવામાં આવતું ! અહીના પ્રાધ્યાપકો દેશના નિર્માણ અને દેશનું ભાવિ જેની પાસે કેદ થવાનું હતુ એ તમામ ભવિષ્યના ભવિષ્યવેત્તાઓને સર્જનના સરનામાની નવી દિશા તરફ દોરી જનાર હતા. જીવન ઉપયોગી આ જ પ્રવૃત્તિઓથી સુવિધા કોલેજનું કેમ્પસ રાત દિવસ ધમધમતુ રહેતુ ! અહી ભણવા-ભણાવવાની સાથે ભારતની ભાતીગળ લોક સંસ્કૃતિના તમામ મુલ્યોની સાથે અધ્યેતાના જીવનના સર્વાગી વિકાસની પ્રવૃત્તિઓ પર જોર આપવામાં આવતુ.અસરકારક જીવન જીવવા માટેના તમામ રસ્તાઓની દિશાઓ મોટે ભાગે મિત્રોના સાથ સહયોગથી જ જાણવા અને માણવા મળેલ, જેને આધારે આ સૃષ્ટિની વેદનાઓ અને સંવેદનાઓ આજે પણ સચોટ રીતે અનુભવી – સમજી શકુ છુ ! આ બે વર્ષના જીવનકાળ તથા અધ્યયન-અધ્યાપનના સમયગાળામાં અમારૂ સૌથી વધારે ઘડતર અને ચણતર થયેલ. અભ્યાસક્રમ દરમિયાન દર વર્ષે આવતી ઇન્ટર્નશીપમાં 10 થી 15 દિવસ માટે બહારના આંતરીયાળ ગામડાઓમાં રહેવાનુ હોય. જેમાં પ્રથમ વર્ષની ઇન્ટર્નશીપ અમે વડનગર તાલુકાના સુલેપુર ગામમા તથા બીજા વર્ષની ઇન્ટર્નશીપ પાલાવાસણા ખાતે કરેલ.આ બે વર્ષ દરમિયાન હું ઘણા લોકોને મળ્યો. મને હંમેશા અલગ અલગ પ્રકારના સ્વભાવ અને રહેણીકહેણી ધરાવતા લોકોને મળીને આનંદ જ આવે છે.એ તમામમાં રહેલી સારપને જ યાદ રાખી શકું છુ એના માટે હું કુદરતનો ઘણો આભારી છું ! મારા અમુક લેક્ચરરોએ મારા વિચારો અને મારા જીવન પર ઘણી જ મોટી છાપ છોડી છે પણ એ આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. એટલે એ બધાના અહી નામ લખી અગાઉની શાળાનાં શિક્ષકોની નારાજગી વહોરવાનું મુર્ખામીભર્યુ કામ અહી હું નહી કરૂ !
મારી સાથેના અત્યાર સુધીના એ તમામ સહાધ્યાયીઓ જેમાં મારા સિનિયર અને જુનિયર- એ બધા મારા માટે હંમેશા શીખવાના પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.પણ તેમના અને મારા સ્વ-અનુભવનું એક તારણ લખવા માંગુ છુ કે, "તમારી અને મારી જનરેશનને અત્યારે કેમ જીવવું એની તો ખબર પડે પણ આગળની જિંદગીમાં કઇ રીતે અને શુ કરવુ એની આપણને જાણ હોતી નથી.કેમ કે મારા અને તમારા કોઇ એવા પ્રયત્નો જ હોતા નથી જે પ્રશ્ન બધા માટે સર્વસામાન્ય છે". આમ તો, હું અગાઉના ભાગમાં પણ કહી ચુક્યો છે કે, હંમેશા મારી છાપ એક આદર્શ વિદ્યાર્થી તરીકેની જ હતી. શરૂઆતમાં થોડુ અઘરૂ રહ્યુ હોવા છતાંય જેમ એક અભિનેતા કોઇ રંગમંચના સ્ટેજ ઉપર પોતાને ચલચિત્રના પાત્રમાં ઢાળવાનો પ્રયાસ કરે છે તેમ મે પણ પોતાને એક વિદ્યાર્થીના પાત્રમાં ઢાળવાની કોશિશ હંમેશા કરી છે તથા તેના પરિણામ સ્વરૂપે હજુ પણ શીખવાની તમન્ના સાથે આજીવન એક વિદ્યાર્થી બનીને રહેવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે. મે પીટીસી પ્રવેશ મેળવ્યો તે અગાઉ મને વર્ગખંડમાં ઉભા થઇ બોલવાના પણ ફાફા થઇ પડતા હતા પણ ધીરે ધીરે સ્ટેજના આકર્ષણે મને ખીચોખીચ ભરાયેલ સભાખંડની વચ્ચે પણ બોલવા મજબુર કરી દીધો હતો ! અનેક યાદગાર અનુભવો અને નવા સંબંધોના મુળિયા રોપી અમારી યુવાનીના પ્રથમ પગથિયે અમે પગ મુકી ચુક્યા હતા.પીટીસી પુરૂ કર્યા પછી શિક્ષણરૂપી બાગનો અધ્યયન –અધ્યાપનનો પાઠ સમાપ્ત થયો હતો અને વાસ્તવિક જીવનનો કર્મનો અધ્યાય ચાલુ થઇ ગયો હતો. સામાજિક જવાબદારીઓના પોટલાની માથે ચડાવવાની સાથે દેશ અને દુનિયા પ્રત્યેના કર્તવ્યોભર્યા ગૃહસ્થાશ્રમની શરૂઆત થઇ ચુકી હતી. (ક્રમશ:)