Rasaymay Tejab - 4 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય તેજાબ - પ્રકરણ ૪

કેમ્પસ માંથી નીકળતા ઇન્સ્પેકટર રાણાના મનમાં એક સવાલ ધૂળની ડમરી જેમ ઉડતો હતો. નીતા ભટ્ટ પહેલેથી જ એટલી શાંત ને ગુમસુમ હશે કે કોઈ એવો બનાવ અથવા પ્રસંગને કારણે આવી રીતે બની. પોતાના મનની વાત શિરીષ આગળ મૂકી.
"સર પણ તેના કામમાં અચોક્સાઈ બિલકુલ જોવા મળતી નથી, જ્યારે પહેલા આવ્યા ત્યારે કામનો ડેટા પણ જોયો હતો. અને વિધાર્થીનું પણ એવું જ કહેવું છે કે સમયસર બધું ભણાવે છે." સંતોષકારક જવાબ આપ્યો.
વોચમેન સામે જોતા ત્યાંથી નીકળી ગયા. અને સુરતની શેરીઓમાં મનોજની ઘરે જવા નીકળી ગયા.
સરનામાં મુજબ એ જ ઘર હતું. હનુમાન શેરી, સુરત. પણ ત્યાં તાળું હતું. મનોજના નામ પર સીધો આરોપ લાગી ગયો કે અપરાધી મનોજ જ છે. ત્યાં ઉભા રહી ને પણ શિરીષ પટેલએ ફરી કોલ કર્યો. છતાં હજી પણ ફોન બંધ આવે છે.
"કંપનીની જાણકારી પ્રમાણે એવું કહેવું છે કે લાસ્ટ લોકેશન સુરત સ્ટેશનનું હતું"
ઇન્સ્પેકટર રાણા ધ્યાન થી સાંભળી રહ્યા હતા. ઘર લોક હતું, બહાર રીક્ષા પાર્ક કરેલી હતી.
પહેલા ધ્યાન રીક્ષા પર કેન્દ્રિત થયું. પણ તેમાં કઈ જાણવા ન મળ્યું. બાજુમાં રૂમનો દરવાજો ખુલ્લો હતો.
પૂછતાછ પરથી જાણવા મળ્યું કે ઘણા દિવસથી મનોજ ઘરે નથી આવ્યો. તે ફક્ત એકલો જ રહે છે, બીજું કોઈ સાથે રહેતું નથી. ફરી કેસ ત્યાં અટકી ગયો પણ આ વખતે અર્ધી બાજી જીતી લીધી હોય તેવું લાગ્યું.
હવે તો ફક્ત મનોજની જ શોધખોળ કરવાની હતી. એટલે પોલીસએ ગુજરાતના બધા જ પોલીસ મથકમાં કોલેજના સી.સી.ટી.વી. માંથી લીધેલા ફોટોગ્રાફ મોકલી દીધા સાથે સાથે ગુજરાતના બધા જ ન્યુઝ પેપર, ન્યુઝ ચેનલ, રેડિયોમાં ખબર ફરતી કરી દીધી. ઇન્સ્પેકટર રાણાએ મિશન બનાવી દીધું હતું ગમે તેમ કરી આ અપરાધી ને હવે તો પકડવો જ રહ્યો.
આટલું કર્યા છતાં પણ હજી એક પણ ખબર મળી નથી કે મનોજ અહીં છે. આટલા દિવસ ફોન બંધ અને ગાયબ થયેલો હોવાથી એ તો નક્કી થઈ ગયું હતું કે અપરાધી મનોજ જ છે.
"સર, મનોજનો ફોન હમણાં વડોદરામાં એક્ટિવેટ થયો છે"
શિરીષ પટેલના અવાજમાં જોશ હતો.
વડોદરા પોલીસને જાણ કરવામાં આવી. વડોદરા પોલીસએ થોડી જ મિનિટમાં મનોજને પકડી પડ્યો. આટલા દિવસથી ઠપ થયેલા કેસએ એકાએક વેગ પકડ્યો. થોડીવાર માં ઇન્સ્પેકટર રાણા અને શિરીષ પટેલ, વડોદરા પહોંચી ગયા.
વડોદરા પોલીસને મળ્યા પછી સીધા મનોજ પાસે ગયા. મનોજને સામે બેસાડ્યો, શિરીષ પટેલ અને રાણા સાહેબ સામે કડકતાથી બેઠાં.
ગોળી જેમ પહેલો સવાલ ફેંક્યો. "નીતા ભટ્ટનું મર્ડર શું કામ કર્યું"
"સર.... સર.. મેં નથી કર્યું"
"અત્યારે મગજ એકદમ ચસકી ગયું છે, આટલા દિવસનો ગુસ્સો આ ડંડા મારફતે બહાર આવી જશે"
"ના, સર મને કોઈ જ ખબર નથી" રડતા રડતા બોલી રહ્યો હતો.
"તો સુરત છોડી શું કામ ભાગી ગયો" રાણા એકદમ જોરથી બોલ્યા.
"સર હું ડરી ગયો હતો. મને ખબર હતી, મારા પર જ આવશે કેમકે નીતા મેડમ મારી સાથે જ ક્યારેક હસીને બોલતા..."
"શિરીષ. આ જ્યાં સુધી સાચું ના બોલે ને ત્યાં સુધી રોકાતો નહીં" બોલતા ઇન્સ્પેકટર રાણા બહાર નીકળી ગયા.
"હજી સમય છે બોલી જા સાચું" દંડો ઉપાડતા શિરીષ પટેલ બોલ્યા. પછી દંડો ફટકારવાનું શરૂ કર્યું. એક પછી એક કોઈ રીઢા જાનવર ને મારે તેવી રીતે માર માર્યો. અને મનોજની પીઠ માર ખાતી રહી. જીભ પણ એક જ શબ્દ બોલતી મેં નથી કર્યું.. મેં નથી કર્યું. અડધા કલાક આ ચાલ્યું પછી શિરીષ પટેલ બહાર આવ્યા. ઇન્સ્પેકટર રાણા વડોદરા પોલીસ સાથે બેઠા હતા. ત્યાં જઈ એક નકાર ઈશારો કર્યો.
* * *
સુરતની જેલમાં મનોજ બંધ હતો. ત્યાં અચાનક કંઈક યાદ આવતું હોય તેમ ઇન્સ્પેકટર રાણા અને શિરીષ પટેલને બોલાવ્યા.
"બોલ શું કબૂલાત કરે છે"
રાણા મુખમાંથી આગ ફેંકતા હતા.
"સર, જે બનાવ બન્યો આગળના એક બે દિવસ પહેલા જ્યારે હું મેમ ને મુકવા માટે જતો હતો. ત્યારે મેમ એ એક જગ્યા પર રીક્ષા ઉભી રખાવી હતી, ત્યાં બિલ્ડીંગના પહેલા માળે કશું લેવા ગયા હતા. અને નીચે આવ્યા ત્યારે એક બેગમાં કોઈ કાચની બોટલ હતી કદાચ તેમાં એસિડ જ હતું."
"તને કેમ ખબર એસિડ હતું"
"તે કોઈ લેબોરેટરી છે"
"જો તારી વાત જરા પણ ખોટી નીકળીને તો આ વખતે એક પણ હાડકું સાજુ નહીં રહેવા દઉં"
બોલતા બોલતા ઇન્સ્પેકટર રાણા બહાર નીકળી ગયા.
* * *
"સર તેની વાત સાચી છે, નીતા ભટ્ટ ત્યાંથી એસિડ લીધું હતું. દુકાનદારએ બિલ પણ આપ્યું હતું. આ રહી તેની કોપી."
"આટલું ખતરનાક એસિડ આસાનીથી કેમ મળી ગયું"
"સર તેની તપાસ ચાલુ છે, દુકાનદારનું એવું કહેવું છે કે નીતા ભટ્ટ એ એવું જણાવ્યું કે હું કોલેજની પ્રોફેસર છું એટલે પ્રયોગ માટે એસિડ જોઈએ છે"
ઇન્સ્પેકટર રાણાના હાથમાં એસિડ વહેચ્યાનું ડુપ્લિકેટ બિલ હતું, તેને જોઈ રહ્યા હતા. મહદઅંશે કદાચ મનોજ અપરાધી ન પણ હોય.