Cleancheet - 10 books and stories free download online pdf in Gujarati

ક્લિનચીટ - 10

પ્રકરણ – દસમું/ ૧૦

શેખર હજુ કશું સમજે કે કશું પૂછવા જાય એ પહેલાં અવિનાશ બોલ્યા,
‘હવે આપ બન્ને મારી વાત ધ્યાનથી સાંભળો મેં તમને પહેલાં કહ્યું એ મુજબ મને અથવા અદિતીને કોઈપણ જાતના સવાલ નહી પૂછી શકો. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી.
ઇટ્સ ક્લીઅર. ?

'હું અને અદિતી તમારાં બધાં જ સવાલોના જવાબ આપીશું પણ, તેની સમયમર્યાદા હું અને અદિતી નક્કી કરીશું. બીજી એક વાત આલોકને ટોટલી નોર્મલ થવામાં કદાચ થોડો સમય લાગે પણ ખરો ત્યાં સુધી આપે અદિતીને પુરેપુરો સપોર્ટ કરવાનો રહેશે. કારણ કે આલોક સિવાય સૌ અદિતી માટે સાવ જ અજાણ્યા છીએ.આપ સૌ પર અદિતીનો ટ્રસ્ટ જ આલોકને જેમ બને તેમ જલ્દી સાજો કરવામાં અગત્યનો પ્લસ પોઈન્ટ સાબિત થશે. મીન્સ કે અદિતીને ફેમીલી મેમ્બર જેવી ફીલિંગ્સ આવવી જોઈએ. તમને કઈ પણ પ્રોબ્લેમ અથવા કોઈ કન્ફયુઝન હોય તો કોઈપણ સમયે તમે મને કોલ કરી શકો છો. કોઈપણ સંજોગોમાં આ સમયે આપણા સૌ નો એક જ ટાર્ગેટ છે કે આલોકને શક્ય એટલાં ઓછા સમયમાં પહેલાની માફક બિલકુલ નોર્મલ પોઝીશન પર લઇ આવીશું. અને આ બધું હું એટલા માટે કરી રહ્યો છું કે.. કેમકે આપ મારાં ફેમીલી મેમ્બર જેવા છો અને ખાસ કરીને તો મારાં પ્રોફેશન માટે પણ એક ચેલેન્જિંગ કેસ છે. અને આ બધું હું તમને એટલા માટે કહી રહ્યો છું કે બધો જ આધાર અદિતીને મળ્યા પછી આલોકની યાદદાસ્તમાં કઈ હદ સુધી રીકવરી આવે છે એ તેના પર નિર્ભર છે. આ વ્યૂહરચના હજુ જો અને તો પર આધારિત છે.’ હવે તમે બોલો.'

ખુશીનો માર્યો શેખર બોલ્યો, ‘સર હવે તો પાણી પીવું જ પડશે.’ એમ બોલીને શેખર બે ગ્લાસ પાણી ગટગટાવી ગયો.
ત્રણેય ખુશ થઈને હસ્યા.

અવિનાશ બોલ્યા, ‘વાત જ કૈંક આવી હતી એટલે મારે તમને આ સમયે બોલાવવા પડ્યા. અને આટલી સીરીયસ મેટર અને ડીટેઈલમાં આ વાત ફોન પર પ્રોપર રીતે ન થઇ શકે. આઈ થીંક જો આવતીકાલે મારી ધારણા મુજબ જો બધું સમુનમું પાર ઉતરે તો આપણે ૫૦% બાજી જીતી ગયા એમ સમજો. હવે આખો દારોમદાર અદિતી પર ડીપેન્ડ છે. અને કાલે જયારે અદિતી, આલોકની સામે આવશે ત્યારે આલોકનું જે કઈ પણ રીએકશન હશે તેના માટે આપણે અત્યારથી જ મેન્ટલી પ્રિપેર રહેવાનું છે. વી ઓલ ડુ ટ્રાય અવર બેસ્ટ ઓફ ધ બેસ્ટ. બાકી બધું ઈશ્વર પર છોડી દઈએ.પ્લીઝ નાઉ ઇટ્સ ટુ લેટ ફોર ઓલ ઓફ અસ. તો કાલે મળીએ. ઠીક છે.’
ત્રણેય ચેમ્બરની બહાર આવ્યા. ત્યાં
શેખર બોલ્યો, ‘સર એક વાત પૂછું ? થોડુ કન્ફૂઝન છે એટલાં માટે.’
આ શરતો આપની છે કે અદિતીની ?
‘સમજી લ્યો શેખર મારી શરતો પર અદિતી આપની સમક્ષ આવી આવી રહી છે.’
અને શેખર એક વાત મને કહો જ્યાં સુધી આલોક સંપૂર્ણપણે સભાન સ્થિતિમાં ન આવે ત્યાં સુધી જ અદિતીની ઉપસ્થિતિ વિશે કોઈ પ્રશ્નોતરી નથી કરવાની તો તેમાં આપણા તરફ થી શું દાવ પર લાગ્યું એ મને કહેશો ? દાવ પર તો આલોકની જિંદગી લાગેલી છે અને આ કપરાં સમયમાં અદિતી જ આપણા માટે સંજીવની સાબિત થશે.’
અવિનાશના સચોટ સવાલ સામે શેખર નિરુત્તર રહ્યો. થોડીવાર ચુપ રહ્યા પછી બોલ્યો,
‘સર એક અંતિમ સવાલ પૂછું ?
‘અત્યારથી જ સવાલ પર સવાલ ?’ અવિનાશ એ હસતાં હસતાં પૂછ્યું

પછી બોલ્યા, ‘અચ્છા ઠીક છે પૂછો.’
‘સર, તમે ખરેખર અદિતીને નજરો નજર જોઈ છે ? ’
‘હા,, હા.. હા.. શેખર હું પાગલોનો ડોકટર છું, પાગલ નથી.’
‘સોરી સર,’
'ઓ.કે. ગુડ નાઈટ.'
' ગુડ નાઈટ સર.
શેખર અને વીરેન્દ્ર ઘર તરફ આવવા નીકળ્યા.
કારમાં બેસતાં જ શેખર બોલ્યો,
‘અંકલ મારી સમજમાં તો કઈ નથી આવતું હજુયે.’
‘શું શેખર ?’
‘અવિનાશ એ અદિતીને પહેલાં ક્યારેય જોઈ જ નથી તો આ કંઇ રીતે શક્ય બને, અને અચાનકથી અદિતીની આ રીતે શરતો સાથેની એન્ટ્રી.. મારું દિમાગ સાવ સૂન થઇ ગયું છે.’
‘આ રીતની એન્ટ્રી નો શું મતલબ ?’
‘પણ અંકલ અવિનાશની આટલી શરતો રાખવાનું કારણ મને નથી સમજાતું ? ’
‘જો શેખર, અવિનાશ જોડે આપણા વર્ષો થી હોમલી રીલેશન છે. અને તે જે કઈ પણ કરી રહ્યા છે તે સંબંધને ધ્યાનમાં રાખી અને સમજી વિચારીને કરી રહ્યા હશે ને. તેમાં તેમનો શું અંગત સ્વાર્થ હોઈ શકે ? અને તેમની કોઈ પણ વાતમાં આપણ ને અથવા આલોકને કોઈ નુકશાન પહોંચે એવી તો કોઈ આકરી કે અસંગત શરત તો મૂકી નથી ને. તો તું કેમ આવું વિચારે છે ? તું માત્ર એટલું વિચાર કે અદિતીને શોધીને હારની કગાર પરની બાજીને જીતી લીધી અને સાથે સાથે આલોકની જિંદગી પણ.’
‘પણ અંકલ અવિનાશ એ જ અદિતીને શોધી છે એવું આપણે કેમ કહી શકીએ ?’ અદિતીની આ અણધારી એન્ટ્રી અને કોઈ પણ પ્રશ્ન નહી પૂછવા પાછળ કૈંક મોટું રહસ્ય તો છે જ.’
‘પણ શેખર, ડોકટરે કહ્યું ને કે તે બધાં જ સવાલોના જવાબ આપશે. તું આ સમયે અવિનાશ પર કારણ વગરની શંકા કરે છે.’
‘ઠીક છે અંકલ આપની વાત હું કબુલ કરું છું’ માત્ર ઓપચારિકતા ખાતર શેખર એ વીરેન્દ્રને જવાબ આપ્યો.

ઘરે આવ્યા. સમય થયો રાત્રીના ૧:૨૫
શેખરની ઊંઘ ઉડી ગઈ હતી. વાસ્તવિકતા અને કાલ્પનિક વિચારધારા પર તર્ક- વિતર્કના સામ સામા મનોમંથનનો દૌર શરુ થયો. શેખરને હજુયે અવિનાશ એ ઘડેલી વ્યૂહ રચના પર વિશ્વાસ નહતો આવતો. શેખર ને થયું કે આવતીકાલે બપોરે ૧૨ વાગ્યા પછી છેલ્લી ઘડી એ અવિનાશ નું કદાચ એવું નિવેદન પણ આવે કે સોરી... અદિતી આવવાની જ હતી પણ કોઈ કારણોસર અચાનક જ જતી રહી. અને સવાલ નહી પૂછવાની શરત કોની હશે .. અદિતીની કે ડોક્ટરની ? કે પછી શરતની આડમાં કોઈ સાઝીશ ? શરતોના આધારે અદિતીની એન્ટ્રી થાય છે તેનો મતલબ કે કોઈ મોટી ગેમ રમવવાની જબરદસ્ત પૂર્વભૂમિકા બંધાઈ રહી છે એ વાત તો ચોક્કસ છે. શું હશે ? કોની વ્યૂહરચના ? શેના માટે આ બધી રમત ચાલે છે ?
જ્યાં સુધી અદિતી આલોકની સામે ન આવે અને આલોક તેને ન ઓળખી બતાવે ત્યાં સુધીનો સમય આવી અસમંજસથી ભરેલી અટકળોમાં જ વિતાવવાનો રહ્યો. રાત્રીના છેલ્લાં પ્રહરની શરૂઆત થતાં શેખર ઘસઘડાટ ઊંઘી ગયો.

સવારે ૯:૩૦ વાગ્યે માંડ આંખ ખુલી. ફ્રેશ થવા ગયો ત્યારે કઝીન બ્રધરે મેસેજ આપ્યો કે અંકલ ઓફીસ જવા નીકળી ગયા છે અને તમને કોલ કરવાનું કહ્યું છે.

થોડીવાર પછી આલોક પણ જાગી ગયો એટલે શેખર એ તેને ફ્રેશ થવા કહ્યું..એટલે આલોક એ પૂછ્યું .. ‘આદિતીને ગોતવા જવાનું છે ને ?’
થોડીવાર આલોક સામે જોઈ રહ્યો.
પછી બોલ્યો, ‘હા, મારા પ્યારેલાલ. આજ તો તારી રાજકુમારીનું કૈક ને કૈક તો ફાઈનલ કરીને જ આવવું છે. હવે તો મને લાગે છે આજે તો તારી અદિતી માતા ધરતી ચીરીને પણ પ્રગટ થવી જ જોઈએ.’
“એટલે ?’
‘એટલે કે તું મોરલા જેવો તૈયાર થઇ જા તારી જાન જોડવાની છે આજે.’ હા..હા.. હા..
અરે કઈ નહીં તું ફટાફટ તૈયાર થઈ જા પછી બ્રેકફાસ્ટ કરીને નીકળીએ એમ.’

તૈયાર થઈને બન્ને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતાં હતા ત્યાં શેખર વીરેન્દ્રને કોલ જોડ્યો..
‘ગૂડ મોર્નિંગ અંકલ ’
‘હા, શેખર બ્રેક ફાસ્ટ કર્યો ?’
‘હા, એ જ કરી રહ્યા છીએ.’
‘સાંભળ, તું આલોકને લઈને અહીં ઓફિસ પર આવી જા પછી અહીં થી બધાં સાથે જ ૧૨ વાગ્યા પહેલાં નીકળીએ.’
‘ઓ.કે..’

આલોકને તેના પેરેન્ટ્સ સાથે વાત કરાવવી જરૂરી હતી.એટલે શેખર એ ઇન્દ્રવદનને કોલ જોડ્યો. નેટવર્ક પ્રોબ્લેમના કારણે ન લાગ્યો. થોડીવાર પછી બે થી ત્રણ વાર પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ. એટલે પછી યાત્રાની શુભેચ્છા, તબિયતનું ધ્યાન રાખવા માટેના સૂચનો અને નેટવર્ક પ્રોબ્લેમના કારણે હમણાં વાત નહી થઇ શકી એટલે સાંજે અથવા રાત્રે નિરાંતે વાત કરશે એવો સંદેશો ટાઇપ કરીને શેખર એ ઇન્દ્રવદનને સેન્ડ કર્યો.

૧૧: ૫૦ વાગ્યે શેખર, આલોક અને વીરેન્દ્ર ત્રણેય ડો. અવિનાશના કેર યુનિટ પર આવી પહોચ્યા. શેખરના ધબકારાની ગતિ અનિયંત્રિત હતી. આલોકને કોઈ જ વાતથી અવગત કરાયો નહતો. વીરેન્દ્ર એકદમ સવ્સ્થ હતા.

ત્રણેય વેઈટીંગ લોન્જના સોફા પર ૮ થી ૧૦ મુલાકતીઓની સાથે ગોઠવાઈ ગયા.
તેઓ આવી ગયા છે એવો સંદેશો શેખર એ અવિનાશની કેબીનમાં મોકલાવ્યો. પ્રત્યેક મીનીટની સાથે સાથે વધતો જતો શેખરનો ઉચાટ અને ચહેરાના હાવભાવ જોઇને વીરેન્દ્ર એ મંદ મંદ હસતાં ઈશારાથી ફૂલ રહેવા સમજાવ્યું.

સમય ૧૨: ૧૭ મિનીટ. અવિનાશની ચેમ્બરમાં જવાનું સુચન અપાયું. ચેમ્બરમાં એન્ટર થતાં જ શેખરે જોયું તો અવિનાશ એકલા જ હતા. ત્રણેય ચેર પર ગોઠવાયા. આલોક સાથે હાથ મિલાવતા અવિનાશ બોલ્યા,
‘હાય.. જેન્ટલમેન. હાઉ આર યુ ?’
આલોક હાથનો ઈશારો કરીને બોલ્યો, ‘સારું.’
પછી ધીમા સ્વરે શેખરને પૂછ્યું, ‘આ ભાઈ કોણ છે ?’
શેખર એ કહ્યું, ‘દોસ્ત બસ થોડી વાર વેઇટ કર બધું જ સમજાઈ જશે.’
ચેમ્બરમાં આવ્યા પછી શેખરનું ધ્યાન ત્રણ વાર વોલ ક્લોક પર ગયુ. તેની નોંધ લઇ રહેલાં અવિનાશ એ સ્માઈલ સાથે શેખરની સામે જોઇને કહ્યું, ‘હેય યંગ મેન યુ આર ટુ નર્વસ. કંટ્રોલ યોર હાર્ટ બીટ્સ જસ્ટ રીલેકશ એન્ડ વેઇટ ફોર ફયુ મિનીટ્સ. ઓલ વીલ બી ગૂડ.’

પાંચ મિનીટ્સ પછી શેખરના બેઠકની પાછળના ભાગેથી કેબિનને અડીને આવેલી અવિનાશની પ્રાઇવેટ ચેમ્બરમાંથી ત્રણ સ્ત્રીઓ એ એન્ટ્રી કરી. માત્ર શેખરનું ધ્યાન જ એ તરફ ગયું.
ડાબી અને જમણી તરફની બંને ગર્લ્સ યંગ હતી.વચ્ચેની લેડી અવિનાશની સમવયસ્ક હતી.
અવિનાશ એ તેઓની તરફ હાથ દોરીને પરિચય કરાવતા કહ્યું કે.. ‘આ છે મારા વાઈફ સ્મિતા અને......’ હજુ આગળ અડધો શબ્દ પણ બોલવા જાય કે કોઈ કશું સમજે એ પહેલાં તો... જમણી તરફની ગર્લ્સને જોતાં વ્હેત જ આલોક,

‘અદિતી................’ ના નામની રીતસરની ચીસ સાથે દોડી અદિતીને વળગીને રડવા લાગ્યો.

૨૯ એપ્રિલથી લઈને અત્યારની ઘડી સુધી શંકા- કુશંકા. તર્ક- વિતર્ક,
સવાદ- વિસંવાદ, છળ- કપટ, પોકળ કલ્પનાતીત, ષડ્યંત્ર અને સપનાઓ જેવી કૈક વિસંગતતા જે ધારણાઓની ધરી પર અસંતુલિત થઈને ફરતી હતી તે એક જ ક્ષણમાં આ દ્રશ્યની સાથે સ્થિર થઈને ચોંટી ગઈ. અને એ દ્રશ્યની સાથે સાથે સૌના ચહેરા પર એક સમાન પ્રશ્નચિન્હ અંકિત થઇ ગયો..

હવે શું ?

શેખરની આંખો ભીની થઇ ગઈ. કૈક કેટકેટલી’યે ગેરસમજણ અને કાવતરાના ગંધનું ઘડીભરકમાં બાષ્પીભવન થઇ ગયું. મગજમાં ભારેખમ થઈને ભમતી ભ્રમણાઓ નો ભાંગીને ભુક્કો થઇ ગયો. ચકરાવે ચડાવતાં વિચારોચક્રોની ગતિ સ્થગિત થઇ ગઈ. જે અદિતી ગઈકાલ સુધી સૌના માટે એક સવા લાખનો સવાલ અને કડવો કોયડો હતો એ જ અદિતી આજે મનગમતા ગળ્યા શીરા જેવો સરળ જવાબ બની સૌના ગળે ઉતરી ગયો. હવે આલોક વિચારશૂન્ય થઇ ગયો.

અવિનાશ એ સૌ ને ઈશારો કરીને સમજાવ્યું કે, અદિતી અને આલોક બન્ને ને એકબીજાને તેમની રીતે કમ્ફર્ટ થઇ ને રીલેક્શ થવા દો.

અવિનાશ એ સ્મિતાની સાથે પેલી ગર્લને ઈશારો કરીને બેસવા કહ્યું અને સ્મિતાને કહ્યું, ‘સ્મિતા પ્લીઝ ઓર્ડર સમથિંગ હોટ ઓર કોલ્ડ ડ્રીંક્સ ફોર ઓલ.’ પછી અવિનાશ એ શેખર અને વીરેન્દ્રને તેની પ્રાઇવેટ ચેમ્બરમાં તેની સાથે આવવાનું કહ્યું. આલોક અને અદિતી બન્ને એકબીજાને વળગીને અશ્રુ સારતાં રહ્યા. સ્મિતા એ બન્ને ને એક તરફ સોફા પર બેસાડ્યા.

ત્રણેય રૂમમાં પ્રવેશતા જ શેખર ભાવુક થઈને અવિનાશ ને ભેટીને એકદમ જ ગળગળો થતાં આટલું માંડ બોલી શક્યો,
‘સર., આઈ હેવ નો વર્ડ્સ.’
વીરેન્દ્ર શેખરને સંબોધીને બોલ્યા, ‘આ બધી મુરલીધરની લીલા છે.’
અવિનાશ બોલ્યા, ‘થેંક ગોડ, મને એક જ ડર હતો કે જો આલોક, અદિતીને નહી ઓળખી શકે તો શું થશે.? નાઉ આઈ એમ ૧૦૦% શ્યોર કે આપણે અડધી બાજી જીતી ગયા.’
‘શેખર હવે આલોકને ટોટલી નોર્મલ કરવા અદિતીને આપણા ૧૦૦% આપવાની જવાબદારી આપની રહેશે. અદિતીને શક્ય હોય ત્યાં સુધી અનકમ્ફર્ટેબલ ફીલ ન થાય તેની તકેદારી રાખજો.’
અવિનાશ એ વીરેન્દ્રને કહ્યું, ‘જો વીરેન્દ્ર તમારી પરમીશન હોય તો.. જ્યાં સુધી આલોક નોર્મલ ન થઇ જાય ત્યાં સુધી એ અદિતીની સાથે તમારાં ઘરે જ રહેશે, એ એટલાં માટે કે અદિતીને એક સેફ, ટ્રસ્ટેબલ અને કમ્ફર્ટેબલ ફેમીલી એટમોસ્ફીયર તમારાં ઘરે જ મળી શકશે. અને અદિતીને અજાણ્યા શહેર અને અજાણ્યા લોકોની વચ્ચે ભરોશો અપાવવો એ આપણી ફરજ અને જરૂરિયાત બન્ને છે. મારી અદિતી જોડે બધી જ વાત થઇ ગઈ છે. બાકીની કસર હવે મારી ટ્રીટમેન્ટ અને અદિતીનો પ્રયાસ પુરા કર કરશે.’
વીરેન્દ્ર અવિનાશનો હાથ પકડીને કહ્યું. ‘ડોકટર સાહેબ, અદિતી અને આલોક બન્ને પણ મારાં માટે શેખરની માફક મારા સંતાન સમાન જ છે. આપણે સૌ સાથે મળીને તમારાં વિશ્વાસ પર ખરા ઉતરીશું.’
શેખર એ પૂછ્યું, ‘પેલી છોકરી કોણ છે ?’
અવિનાશ એ કહ્યું, ‘એ અદિતીની ક્લોઝ ફ્રેન્ડ છે સંજના, સંજના પારેખ. અહી જ રહે છે બેન્ગ્લુરુમાં. અદિતીની કોલેજમેટ’

બેન્ગ્લુરુ સ્થિત સંજના પારેખ એટલે ધનાઢ્ય ચીમનલાલ પારેખની એકમાત્ર લાડલી પુત્રી. પિતાજી ચીમનલાલ પારેખ બેન્ગ્લુરુના એક ખ્યાતનામ બિલ્ડરની સાથે સાથે વગદાર વ્યક્તિત્વના ધણી.

વાત કરતાં કરતાં ત્રણેય ચેમ્બર માંથી આવતા પહેલાં વીરેન્દ્ર એ ઘરે કોલ કરી તેમના પત્ની વંદનાને બધું ટૂંકમાં બધું સમજાવી દીધું.
આલોક અને અદિતીનો હાથ પકડીને એક તરફ સોફા પર બેઠો હતો અને આલોક તેને વારંવાર ધીમા સ્વરે સવાલ પર સવાલ પૂછી રહ્યો હતો એટલે શેખર એ તેની પાસે જઈને સમજાવવાની કોશિષ કરવા લાગ્યો એટલે અદિતી એ શેખર સાથે હાથ મિલાવી ‘હેલ્લો’ કહીને હંસતા હંસતા બોલી,
‘શેખર તમે ચિંતા છોડી દો હવે આ મારો મરીઝ છે.’
એ સાંભળીને સૌ હસવાં લાગ્યા. આલોક ચુપચાપ સૌ ના ચહેરા જોયા કર્યો.
અવિનાશ એ સૌ ને એક બીજાનો પરિચય કરાવ્યો. સંજના અને શેખર બન્ને એ એક બીજાને ‘હાય, હેલ્લો’ કહ્યું.
લંચ ટાઈમ પસાર થવાની તૈયારીમાં હતો એટલે સૌ એ છુટ્ટા પડવાનું વિચાર્યું.
અવિનાશ એ વીરેન્દ્ર અને શેખરને કહ્યું.’ બાકીની ડીશકશન આપણે આરામથી કોલ પર કરીશું. ઓલ ધ બેસ્ટ. એન્ડ ટેક કેર.’
અદિતી એ અવિનાશને એક તરફ બોલાવીને થોડું કન્ફયુઝન હતું તે ક્લીઅર કરી લીધું.
અવિનાશ એ અદિતીને કહ્યું. ‘આપ અત્યારે શેખરની સાથે તેમના ઘરે જઈ રહ્યા છો, શક્ય હોય તો સંજનાને પણ આપ સાથે લઇ જઈ શકો છો.’
‘હા , એ અમારી જોડે જ આવી રહી છે .’
સૌ ડોકટર દંપતીનો આભાર માની ને ઘર તરફ રવાના થયા.
વીરેન્દ્ર, શેખર, આલોક ,અદિતી અને સંજના ભવ્ય વિલામાં પ્રવેશતાં જ હાજર સૌ ફેમીલી મેમ્બરે અદિતી અને સંજનાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
આલોક એ હજુયે એ અદિતીનો હાથ પકડી જ રાખ્યો હતો.
શેખર એ આલોકને પોતાની પાસે આવીને બેસવાનું કહ્યું. થોડીવાર અદિતીની સામે જોયા પછી એ શેખર નજીક જઈને બેઠો. વીરેન્દ્રને અગત્યના કામ માટે ઓફિસે જવાનું હોવાથી તે તરત જ નીકળી ગયા.
સૌ એ સાથે લંચ લીધું પછી શેખર એ આલોક, અદિતી અને સંજનાને લઈને ગેસ્ટ રૂમમાં આવ્યો. અદિતીને કહ્યું, ‘મેડમ ઇફ યુ ડોન્ટ માઇન્ડ અદિતી જી, મને થોડુ કામ છે તો હું એકાદ કલાકમાં પરત આવું છું.’

હમમમ... વિચારતા અદિતી બોલી. ઇટ્સ ઓ.કે. સર. બટ ઓન્લી અદિતી બોલો.
‘સર, ? હું કોઈ સર નથી.’
‘તો શેખર જી હું પણ કોઈ મેડમ નથી.’
અને બન્ને હસવાં લાગ્યા.
‘અદિતી, ઠીક છે ?’
‘પરફેક્ટ’
‘તો હું નીકળું છું રાત્રે મળીએ.’
એટલું બોલી વંદના આંટી સાથે થોડી અગત્યની ચર્ચા કર્યા પછી ઓફિસે જવા નીકળી ગયો.

કારમાં જતાં જતાં શેખર વિચારવમળમાં ઘૂમરાતો રહ્યો.કોઈ એક પ્રશ્નનો તાળો શેખરને નહતો મળતો. અવિનાશને અદિતીનું અનુસંધાન ક્યાંથી ને કેવી રીતે મળ્યું ? અથવા તો અદિતી ને અવિનાશનું ? આટલા સમયથી અદિતી બેન્ગ્લુરુમાં શું કરે છે ? શરતો રાખવાનો શું આશય હશે ? બટ રાઈટ નાઉ આલોકનું નોર્મલ થવું ખાસ અગત્યનું છે. એટલે હાલ પુરતું એ દિશા તરફના પ્રયાસોના વિચારોને પ્રાધાન્ય આપવું યોગ્ય લાગ્યું.

સમય થયો ૮ પી.એમ. એટલે સંજનાએ અદિતીને કહ્યું, ‘ચલ હવે હું રજા લઉં. બપોરથી તારી જોડે છું તો મમ્મી, પપ્પા પણ વેઇટ કરતાં હશે, તો મારે હવે નીકળવું જોઈએ. આર યુ ફીલ કમ્ફર્ટેબલ અદિતિ ?
‘હમમમ.. મને લાગે છે કે હજુ થોડો સમય લાગશે.’ અદિતી એ જવાબ આપ્યો
‘અચ્છા ચલ બાય હું નીકળું.સી યુ.’
અદિતી બોલી, ‘અચ્છા ઠીક છે, હું તને રાત્રે કોલ કરું, ત્યારે નિરાંતે વાત કરીએ. થેંક યુ સો મચ સંજના. બાય. ટેક કેર, સી યુ.’

આલોક સ્વસ્થ અને શાંત હતો. આલોકની માનસિક વિચારશક્તિની દ્રષ્ટિ એ તેનું મિશન હવે પૂરું થઇ ગયું હતું. કારણ કે કોણ ? ક્યાં ? કેમ ? કેવી રીતે એવા કોઈપણ પ્રશ્નો ઉદ્દભવવાની હવે કોઈ સંભાવના જ નહતી. એનું કારણ એ કે આલોક માટે આ સ્ટેજ પર અદિતી સિવાયનું બધું જ સ્મૃતિભ્રંશ હતું. અદિતી પણ તાત્કાલિક આલોકને કઈપણ પૂછપરછ કરીને તેના પર કોઈ માનસિક દબાણ લાવવા ઇચ્છતી નહતી. વિચારતી હતી કે રાત્રે શેખર સાથે વાર્તાલાપ કર્યા પછી જ ૨૯ એપ્રિલથી લઈને આજ સુધીની આલોકની આ પરિસ્થિતિની કથની જાણ્યા બાદ આલોકની માનસિક સ્થિતિને ક્યાં અને કેવી રીતે કઈ દિશામાં લઇ જઈને સામાન્ય કરવી અને તેનું ડોકટર અવિનાશની સૂચના અને આગાઉ થી નક્કી કરેલા પ્લાન મુજબ પદ્ધતિસરનું કેવી રીતે આયોજન કરવું કે શક્ય એટલા ઓછા સમયમાં આલોકને સાવ સામાન્ય અવસ્થામાં લાવી શકીએ.

રાત્રે સૌ એ ડીનર લઇ લીધા પછી વીરેન્દ્ર એ અદિતીને, પૂછ્યું,
‘અદિતી બેટા, આર યુ કમ્ફર્ટેબલ હિઅર?’
‘જી અંકલ.’
‘કોઈ તકલીફ ?’
‘જી બિલકુલ નહી અંકલ.’
'ક્યારેય પણ કોઈપણ ચીજની જરૂર હોય, અથવા કોઈ તકલીફ હોય તો મને અથવા તારી આંટી યા ડોકટર અવિનાશ કોઈને પણ વિના સંકોચે કહી શકે છે. આ તારું જ ઘર છે એમ સમજી લે.’
‘જી અંકલ.’
‘તારા પેરેન્ટ્સ જોડે વાત થઇ ગઈ છે ?’
‘હા, અંકલ.’
‘ઠીક છે, તમે સૌ વાતો કરો હું મારા રૂમમાં જાઉં છું.ગૂડ નાઈટ. બેટા.’
‘જી,ગૂડ નાઈટ અંકલ.’

ત્રણેય ગેસ્ટ રૂમમાં આવ્યા અદિતી સોફા પર બેસી એટલે આલોક પણ તેની બાજુમાં ગોઠવાઈ ગયો અને શેખર સામેના સોફા પર બેઠો.

શેખરએ વિચારવાનું શરુ કર્યું કે ક્યાંથી વાર્તાલાપના દૌરની શરુઆત કરવી હજુ શેખર તેના વિચાર ને અમલમાં મુકે એ પહેલા અદિતી એ પૂછ્યું, ‘અચ્છા શેખર સૌથી પહેલા તમારાં પરિચયથી આપણે વાર્તાલાપની શરૂઆત કરીએ એ ઠીક
રહેશે ને ?

વધુ આવતીકાલે....

© વિજય રાવલ

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.