HELP - 3 books and stories free download online pdf in Gujarati

HELP - 3

પ્રકરણ 3.ધારા નુ મોત

બેલા હતપ્રભ થઈને સાંભળી રહી.તેનું શરીર બરફ જેવું ઠંડુંગાર બની ગયું. “ HELP , HELP “ શબ્દો તેના કાનમાં ઘંટનાદની જેમ ગુંજવા લાગ્યા.ક્ષણોના આઘાતમાંથી જેવી બહાર આવી તેનું ધ્યાન આલોક પર ગયું.આસ્થા આલોકને સાંત્વન દઇ રહી હતી. બાજુમાં ઉભેલો વેઇટર બગડેલા ટેબલ ને લઇને ચિંતિત હતો .આલોકે માથું ઊંચું કર્યું અને બોલ્યો.

“સોરી ,સોરી આઈ એમ ફીલિંગ વેરી ગિલ્ટી ! સિનિયર ઓફિસર આગળ હુ નિર્ભય છું. મને સુગ નથી એ બતાવવા ખૂબ યત્ન કરીને કંટ્રોલ રાખ્યો. પણ ફરી આ બનાવ યાદ કરતાં હું મારી જાતને કંટ્રોલ ન કરી શક્યો ! આસ્થા, પહેલી લાશ જોઈ આટલી બદતર હાલતમાં ! એ નરાધમનો જીવ કેવી રીતે ચાલ્યો હશે આટલી કરપીણ હત્યા કરતા ! આસ્થા આલોક નો હાથ પકડી રેસ્ટોરેન્ટ માંથી બહાર લઈ ગઈ. બેલા હજી અવાચક મુદ્રામાં હતી. છતા તે હિંમત કરીને બોલી –‘ રિલેક્સ આલોક તું ખુબ જ સેન્સેટિવ છે .ધીમે ધીમે આ બધાની આદત પડી જશે .આખા રસ્તે તે એક્ટીવા પર વિચારતી રહી –“ પોતાના આયનામાં લખેલા HELP ના શબ્દો જોગાનુજોગ હતો કે આ ઘટના સાથે કોઈ કનેક્શન છે !કેમ સવારથી આટલો થાક અનુભવાતો હશે ? કેમ મનમાં આટલો મૂંઝારો થાય છે ? પોતે વધુ સુપર સ્ટીશીશીયસ તો નથી બની રહી ને ! આ વાત આસ્થાને કહુ કે ના કહુ !શું કરું ?”

આ તમામ મૂંઝવણ વચ્ચે તે ઘરે પહોંચી ત્યારે આઠ વાગી ચૂકયા હતા. ઘરે પહોંચતા જ વિમળાબેન બોલ્યા-‘ બેલા આજે વહેલા જમી લઈશું ! નીચેવાળા અનુરાધા બેને નાસ્તો કરવા અને ચીટ- ચેટ માટે આમંત્રણ આપી ગયા છે. પાડોશીઓ જોડે તો મેળાપ રાખવો પડે એ જ તો આપણા ખરા સગા ! બાકી તારા પપ્પાના સગા હરી હરી ! કેમ દીક્ષિત સાહેબ કંઈ બોલતા નથી ?

મોબાઇલમાં પરોવાયેલા જયંત દીક્ષિત એટલું જ બોલ્યા ‘ તું સાચું જ કહે છે.’

નવ વાગે 304 નંબરના રૂમની ડોરબેલ તેમણે વગાડી નીકળતા પહેલા બેલાએ ટકોર કરી-‘ મમ્મી ધ્યાન રાખજે ! તુ શરૂ જ ના પડી જતી.’

દીકરીના વિધાન સામે તેમણે મોં મચકોડ્યું. મનમાં તો તે બોલ્યા ‘ખાનદાનીનો બધો ઈજારો તે અને તારા બાપાએ જ રાખ્યો છે.’

અનુરાધા જયસ્વાલે પ્રેમાળ હાસ્ય સાથે દીક્ષિત ફેમિલી નું સ્વાગત કર્યું .ડ્રોઇંગ રૂમની શોભા બેલા જોઈ જ રહી. દરેક વસ્તુ કેટલી પરફેક્ટ રીતે સજાવટ કરી છે .ઘરમાંથી નાસ્તાની ડીસો અને આઈસક્રીમ સર્વ કરતાં અનુરાધા જયસ્વાલ બોલ્યા-‘ માફ કરજો ! પિનાકીન જયસ્વાલ ,મારા હસબન્ડ આપણી વચ્ચે સામેલ નહીં થઈ શકે. લોયર છે ને !એક અગત્યના કેસ માટે હાલજ બેંગલોર જવાનું થયું છે.

બેલા દિવાલ પર ટાંકેલા પિનાકીન જયસ્વાલ અને અનુરાધા જયસ્વાલના સુંદર પોર્ટેટ તરફ જોઈ રહી .10 * 12ની ફ્રેમમાં ચિત્રકાર ના હાથ વડે આબેહૂબ બનાવેલું ચિત્ર હતું. કેસરી કલર નો ઝભ્ભો અને લેંઘો ગળામાં રુદ્રાક્ષની માળા, ગોળ મટોળ ચહેરો ,મોટુ લલાટ. પિનાકીન જયસ્વાલ વકીલ ઓછા સાધુ વધારે લાગ્યા બેલાને.

‘તો જયસ્વાલ સાહેબ વકીલ છે ! કયા પ્રકાર ના કેસો લડે છે ?ડિર્વોસના કેસ લડે છે કે નહીં.’ બેલા સામે જોઈ આંખ મિચકારતા જયંત દીક્ષિત બોલ્યા .

‘ મોટેભાગે જમીનના કેસો વધારે હેન્ડલ કરે છે. પછી જેવો સમય.’

‘અનુરાધા બેન તમારા બાળકો ક્યાંય દેખાતા નથી. બહાર એર્બોડ છે કે શું !’ ઘણા સમયથી મનમાં ઘૂંટાતો સવાલ વિમળાબેને પૂછી જ લીધો.

અનુરાધા જયસ્વાલ ની તેજસ્વી આંખો માંથી ચમક અદ્રશ્ય થઈ ગઈ. ક્ષણિક વાર બધાથી નજર ચુકવીને તે ભોંયતળિયે જ તાકી રહ્યા.બેલા અને જયંત દીક્ષિત બંને એને લાગ્યું કે વિમળાબેને ખોટો સવાલ પૂછી લીધો છે.બેલા મનમાં અકળાતા બોલી’ આ મમ્મી કાયમ બાફી જ મારે છે !’

સાડી નો પાલવ આંગળીઓ વચ્ચે વધુ ભીંસાયો. દાંતની મજબૂત પકડ હોઠ પર બની. એકાદ પણ આંખો મીંચી તે બેલા સામે જોઈને બોલ્યા

‘ મારે એક પુત્રી હતી બિલકુલ બેલા જેવી. બેલા ની ઝેરોક્ષ કોપી જ જોઈ લો . ‘ ધારા ! ધારા જયસ્વાલ ! એના દાદાએ નામ રાખ્યું હતું. બહુ લાડકી હતી તે દાદાની. બાર કોમર્સ માં ૮૮ ટકા લાવી હતી. સ્કૂલમાં અવ્વલ .સી.એ બનવા નું સપનું હતું તેનું. દરેક ચીજનો શોખ .મ્યુઝિક હોય કે સ્પોર્ટ્સ દરેક માં ભાગ લેતી. અને જૂની વસ્તુઓ નું કલેક્શન કરવાનું તો ગાંડો શોખ. જૂની ટિકિટો જુના સિક્કાઓ બધું સાચવીને રાખે. રસ્તામાં કોઈ ગરીબ દેખાય તો મારા કે પિનાકીન પાસે ફરજિયાત પૈસા અપાવે .કહેતી સમાજસેવા વગરની જિંદગી શું કામની !કેટલા ખુશ હતા અમે ત્રણ જણા! ઈશ્વર પાસે કોઈ અપેક્ષા નહોતી. પણ કુદરતને કદાચ અમારું એ સુખ મંજુર નહોતું. ટી.વાય બીકોમ ના છેલ્લા વર્ષમાં એક બહેનપણીની પાર્ટીમાં ગઈ હતી. પિનાકીન એ કહ્યું રાત્રે મોડું થશે હું તને લેવા આવી જઈશ. તે બોલી કમઓન પાપા !હું હવે એટલી નાની નથી. અને આપણે ઇન્ડિયા ના સૌથી સેફ સ્ટેટ ગુજરાતમાં રહીએ છીએ .કાશ તેની વાત ન માની હોત ! પાર્ટીમાંથી પાછાં ફરતી વખતે કોઈ બેફામ કારચાલકે તેની કાર નીચે ધારાને કચડી નાખી. કદાચ એ ઊભો રહ્યો હોત !મેડિકલ ને જાણ કરી હોત તો એ બચી જાત. પણ એને એમ જ તરફડતી મૂકીને એ જતો રહ્યો. ધારા અમારી દીકરી અમે એને ના બચાવી શક્યા !આમ બોલતા અનુરાધા જયસ્વાલ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. વિમળા દીક્ષિતને લાગ્યું કે ખોટો વિષય છંછેડાઈ ગયો. બેલા કિચનમાંથી પાણી લેવા ગઈ, બેલા ના હાથમાંથી પાણી લેતા અનુરાધા બેન બોલ્યા.’માફ કરજો મારે આટલા ઢીલા ન થવું જોઈએ. મેં તો મારી આપવીતી કહી ને તમારી સાંજ બગાડી નાખી. પણ બેલાને જોઈને ફરી એ યાદ આવી ગઈ.

ત્રણે માટે હવે નાસ્તાની ડીશો ફિકકી હતી. આડીઅવળી વાતો ચાલતી રહી, થોડીકવાર પછી અનુરાધા બેન પાછા નોર્મલ બની ગયા. બેલા ના મનમાં બીજી જ ગડમથલ ચાલી રહી હતી. હમણાં થોડા કલાક પહેલાં જ આ લોકો પાસેથી સાંભળેલો ખુનનો કિસ્સો !અત્યારે અનુરાધા જયસ્વાલ પાસે સાંભળેલું ધારાના અકસ્માતનું વૃતાંત !ન જાણે કેમ તે પોતે આ બધા સાથે કનેક્ટ થઇ રહી છે. વિમળાબેનના આશ્ચર્ય વચ્ચે બેલા બોલી.-‘ શું ધારાનો રૂમ જોઈ શકું ?’

અનુરાધા જયસ્વાલ આનંદથી બેલાને ધારાના રૂમમાં લઈ ગયા. ધારાના બધા જ સંભારણા એ રૂમમાં કેદ હતાં. બેલા ધારાની તસવીરોને જોઈ જ રહી. એ જ નાક !એ જ નકશો !બેલાની આબેહૂબ પ્રતિકૃતિ ! દૂરથી જોનારને તો બંને સરખી જ લાગે. હા પણ થોડાક તફાવત ચોક્કસ હતા. ધારા ના વાળ ખૂબ લાંબા હતા. બેલાને લાંબા વાળ બિલકુલ ગમતા નહિં. એ કાયમ તેને આફતરૂપ લાગતા. ધારાનું કપાળ બેલાની સરખામણીમાં નાનુ અને આંખોનો રંગ જરા વધારે તપખીરીયો. બેલા ના આગળના દાંત વાંકાચૂકા અને પેલી ના જાણે બીબા માંથી બહાર કાઢ્યા હોય તેવા એક સરખા. પણ બંનેને ડ્રોઈંગ નો શોખ હતો. અને જૂની એન્ટીક વસ્તુઓ ભેગી કરવાનો પણ. ડુપ્લીકેટ ખાલી પિક્ચરો માં જ હોય છે એવું નથી. રૂમની વસ્તુઓ અનુરાધા જયસ્વાલે બેલા ને ખૂબ હરખથી બતાવી. બેલા અને વિમળાબેનની આનાકાની છતાં ધારાના અમુક બ્રેસલેટ અને કાંડા ઘડિયાળ તેઓએ બેલાને આપીને જ રહ્યા.

ઉપલા માળે તેઓ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે વિમળાબેનને પોતાના દૂર દૂરના કુટુંબમાં બનેલી આવી ઘટનાઓ સાંભરી આવી. જયંત દીક્ષિતને તે ફરજિયાત સાંભળવા બેસવું પડ્યું. બેલા તેના રૂમમાં ગઈ ડ્રેસીંગ ટેબલ માં અનુરાધા જયસ્વાલે આપેલી ચીજવસ્તુઓ ગોઠવી. ઘડીવાર આઈના ની સામે જોઈ નિર્દોષ સવાલ પૂછી બેઠી.

તું બેલા છે કે ધારા ? પોતાના જ વિચારે તેને હસવું આવી ગયું. આખા દિવસના થાકે તે તરત નિદ્રાના શરણે જતી રહી .

*****************************************************************

સવારે ઊઠીને તેણે પહેલું કામ આસ્થા પાસેથી આલોક નો નંબર લેવા નું કર્યું. આ કેસમાં આગળ શું તપાસ ચાલી રહી છે એ જાણવા તે ઉત્સુક હતી. આલોકના whatsapp પર તેણે મેસેજ અને એક બે વાર કોલ પણ કર્યો. આલોક તરફથી કોઈ જવાબ આવ્યો નહીં. છેક સાંજે સાત વાગ્યે આલોક નો ફોન આવ્યો. બેલા એ તરત પૂછી લીધું.’ આ કેસમાં તપાસ કેટલી આગળ ચાલી ? કોઈ નવા કલુ મળ્યા ?’

‘ બેલા તને કેમ આટલો રસ છે ?’. બેલાને પોતાનો અનુભવ કહેવો હતો .એ ડ્રેસિંગ ટેબલના ખાનામાં લખાયેલા હેલ્પ ના શબ્દો !

પણ હજી પોતાને જ આ વાતની જોગાનુજોગ લાગતી હતી તે એટલું જ બોલી. ’જિજ્ઞાસાવત !’ આલોકે આજના દિવસની વાત શરૂ કરી.

‘ આજે તો આખો દિવસ નિરાલી શાહના કેસના દોડધામમાં જ ગયો. આ ઉપલા અધિકારી તો સાવ જડસુ છે. બને એટલી જલ્દી તપાસ કરવાના બદલે ચા નાસ્તામાંથી ઊંચા નથી આવતા. આટલા સમયમાં તો સાચો ખૂની ફરાર પણ થઈ શકે. નિરાલી ના મમ્મી પપ્પા ને બોલાવવા, આજુબાજુના બયાન લેવામાં જ આખો દિવસ કાઢી નાખ્યો. મેં કહ્યું “સર મોબાઈલ રેકોર્ડ કાઢીને તપાસ કરીએ જલ્દી કોઈ કલુ મળી જશે “ તો મારી ઉડાવવા લાગ્યા. “લાગે છે કે ક્રાઈમ પેટ્રોલ બહુ જોવે છે તું છોકરા ! અહીંયા આપણે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર ફોલો કરવી પડે છે . કોર્ટમાં વકીલો આગળ જવાબ અમારે આપવાના થાય છે.”બસ વાત જ કાપી નાખી.’

‘આજુબાજુના પાડોશીઓના બયાન પરથી કોઈ માહિતી મળી.?’

‘ બિલકુલ નહીં ! નિરાલી એકાકી જીવન માં માનનારી હતી. તેની રૂમ પાર્ટનર બીજી સિટીમાં શિફ્ટ થઈ ગઈ છે. સીસીટીવી કેમેરા છે નહિ ! વોચમેને કે બીજા કોઈએ અજાણ્યા માણસને આવતા જતા જોયો નથી. કાલે એની ઓફિસમાં તપાસ કરીશું. ત્યાંથી કોઈ માહિતી મળે.

આલોક ના કથનથી બેલા નિરાશ થઈ ગઈ. તે ફોન મુકવા જતી હતી. ત્યાં આલોક એ કહ્યું – ‘પોસ્ટમોટમ રિપોર્ટ આવી ગયો છે.’

‘ શું છે એ ?’ બેલા હવે પછીના શબ્દો સાંભળવા જાતને એકાગ્ર કરી.

‘ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પ્રમાણે નીરાલી ના શરીર પરના તમામ ઘા, ઉજરડા ધારદાર છરી જેવા નોકીલી વસ્તુથી થયા છે.બંને કાંડાની નસ કાપી નાખવામાં આવી ,તેનાથી લોહી એટલું વહી ગયું કે નિરાલી તરફડીને મૃત્યુ પામી. મળવાનો સમય પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે

“ એક વાગ્યાનો બતાવે છે !” બાકીનું વાક્ય બેલાએ આવેશમાં પૂરું કરી નાખ્યું

‘ હા ! તે ક્યાંથી સાચું અનુમાન કર્યું ? રાતના આઇમીન સવારના એક વાગ્યાની આસપાસ જ હશે.’ આલોકે આ બોલતા ફોન મુકયો પણ તે અચંબામાં ચોકક્સ હતો.

ફોન મૂકી બેલા પોતાના બેડરુમમાં ગઈ.દિવાલ ઘડિયાળ સામે જોયું.તે સાડા સાત નો સાચો સમય બતાવી રહી હતી. હાજરી પુરાવવા તેણે નાદ પણ કર્યો.

‘અનબિલીવેબલ !શું છે આ બધું !મારે કોઈને તો વાત કરવી જ પડશે. ચલ આસ્થાને કરવા દે.’

વળી પાછી બેલા ના મનમાં ગડમથલ ચાલુ થઈ. આ કોઈ જોગાનુજોગ જ હશે ! આખા ભારતમાં એક વાગ્યે કદાચ હજારો ઘડિયાળ બંધ થઈ જતી હશે. ટેકનિકલ ખામીના કારણે કે પાવર પુરા થવાના લીધે ! પોતાના જ વિચારને મનમાં ઘૂંટી તે બાલ્કનીમાં ઊભી રહી. ઠંડો પવન આવી રહ્યો હતો. બેલાના વિચારોને શાતા મળી, ત્યાં જ તેની નજર તેની બિલકુલ નીચેની બાલ્કની માં ઉભેલા પિનાકીન જયસ્વાલ પર ગઈ. ઉપરથી ચહેરો તો સ્પષ્ટ દેખાતો નહોતો પણ કદ અને બાંધા પરથી તે પિનાકીન જયસ્વાલ જ હશે, તેવુ તેણે અનુમાન કર્યું. “અરે આ શું તેમના હાથમાં ચમકી રહ્યું છે ?”

પિનાકીન જયસ્વાલ હાથમાં એક ધારદાર છરી રમાડી રહ્યા હતા. અનુરાધા જયસ્વાલ નો સાદ સંભળાયો તે પિનાકીનને અંદર બોલાવી રહ્યા હતા. એક જોરદાર લાત બાલ્કનીમાં ટાંગેલા લોખંડના સળિયા ઉપર તેમણે મારી .પળવારતે છરી સામે જોઈ રહ્યા, અને નજીકના કુંડામાં તે છરી છુપાવી તે અંદર જતા રહ્યા.

બેલા નું મગજ ફરી વિચારના ચગડોળે ચડી ગયું. પિનાકીન જયસ્વાલ નું આ વર્તન ખરેખર વિચિત્ર હતું.