Corona kathso -2 books and stories free download online pdf in Gujarati

કોરોના કથાઓ - 2

કોરોના કથા 2

તે દૂર સુદૂર ક્ષિતિજમાં નજર નાખી ઉભો હતો. નજર પહોંચે ત્યાં સુધી બસ નિરવ એકાંત. બધું જ ભેંકાર. કોરોનાને કારણે લોકડાઉનનો આ ત્રીજો તબક્કો હતો. વાતાવરણ ઘણું શુદ્ધ થઈ ગયું હતું. હજુ દોઢ મહિના પહેલાં સાંજે સૂર્ય આથમે એટલે ક્ષિતિજના છેડેથી કાળાશ ડોકિયું કરતી અને જલ્દીથી છલાંગ લગાવી આકાશ પર છવાઈ જતી. આજે તો સાંજ પડી ત્યારે રતુંબડી સંધ્યા, પીયુ સામે આવતાં લજ્જા ભરી કોઈ યૌવનાના શરમ ભરેલા ગાલ જેવી ગુલાબી લાલ છેક ક્ષિતિજના અંત સુધી દેખાતી હતી. અત્યારે તો રાત પડી હતી અને એ પણ પૂનમ આસપાસની ચાંદની રાત. પરોઢ થવાની થોડી જ વાર પહેલાં હોય તેવું વાદળી કાળું આકાશ દેખાતું હતું અને ચાંદની સુમસામ રસ્તાઓ પર હળવેથી પોતાનો સુંવાળો હાથ પસરાવી રહી હતી.


આવું આવું કોને સૂઝતું હશે, કવિઓનો જ થોડો ઇજારો છે? પ્રકૃતિ ભલભલા મગજોની બંધ પાંખડીઓ ખોલી પૂરું વિકસિત કમળ ખિલાવે. તે તો પોલીસ હતો. પોલીસ એટલે તો કરડો જ હોવો જોઈએ. મોટી મૂછો હોય, કદાચ મોં પર શીળીના ડાઘ હોય, આંખો સતત ડરાવણી લાલઘૂમ જ રહેતી હોય, એ તો શબ્દચિત્ર. પોતે 2020ની સાલનો પોલીસ હતો. સારો એવો દેખાવડો હતો. આર્ટ્સમાં ગુજરાતી ભાષામાં પોસ્ટ ગ્રેજ્યુએટ. એટલે એકાંત, ચાંદની જોઈ એને મગજમાં આ વિચારો આવવા સ્વાભાવિક હતા.


સારી સારી સિરિયલો જોઈ, મિત્રો સાથે ઓનલાઈન ચેટ કરી જનતા પોઢવાની તૈયારી કરતી હતી. ભલે સહુ મીઠી નિંદ્રા માણતાં સુએ. પોતે અને અન્ય પોલીસ છે જ ને આખી રાતો ને આખા દિવસો એમની માટે જાગતા! એમાંનું કોઈ કાયમ માટે સુઈ ન જાય એટલે ઊંઘ નામનો શબ્દ ભૂલી પોતે જાગતો હતો.


એવામાં દૂરથી કોઈ સફેદ ઓછાયો આવતો દેખાયો. તે સતર્ક થઈ ગયો. ભૂત? ચાંદની રાતે? એ તો સ્મશાનમાં હોય એમ કહેવાય છે. આ નિરવ રસ્તાઓ પર કોઈ આત્મા ફરતો હશે? એ ઓછાયો તો આગળ અટકી ગયો. લે, આ આકાર તો નાનો થયો. નજીક કોઈ પ્રકાશ પુંજ પણ રેલાયો. એ જગ્યાએ ઊંચાં ઘટાદાર વૃક્ષોની હરોળને કારણે હોય કે કુદકા મારતા વાંદરાઓથી વાયર ખેંચાઈ ગયા હોય, સ્ટ્રીટલાઈટ બંધ હતી. વાતાવરણ અતિ સ્વચ્છ હોઈ ચાંદની રાતમાં પોતે દોઢેક કિલોમીટર જેટલે દૂર જોઈ શકતો હતો. પેલી લાઈટ વળી બંધ થઈ. સફેદ આકાર નજીક આવવા લાગ્યો.

કોણ મરવાનું થયું છે કે આટલી રાતે ? એને ભાન નથી કે સાંજે સાત થી સવારે સાત સુધી નીકળવાનું નથી? તે પોતાની લાકડી (સર્વિસ સ્ટીક) આડી પકડી એ તરફ ચાલ્યો. પેલો આકાર વળી દેખાતો બંધ થયો. ક્યાં ગયો? બાઈનોક્યુલર હોત તો સારું રહેત. પણ અંધારામાં એ પણ કેટલું કામ આપત?


એકાદ ટ્રક નજીકથી પસાર થઈ. તેણે ટ્રકને સીટી મારી રોકી. પોતે રસ્તો બંધ કરતી બેરીકેડથી આગળ આવી ચુકેલો. એ બેરીકેડ ચાર રસ્તાનાં જંકશન પર જ હતી, જ્યાં પોતે ઉભેલો. આ સફેદ ઓળો દેખાતાં પોતે સોએક મીટર આગળ આવી ગયેલો. ટ્રકવાળાએ ટ્રક ઉભી રાખી પરમીટ બતાવી. તેણે પાછળ ટ્રકમાં જોયું. એક શહેરનાં માર્કેટયાર્ડથી આ શહેર ઓળંગી બીજાં હજુ પચાસેક કિલોમીટર દુરનાં શહેર તરફ ઘઉંનો જથ્થો લઈ જતી ટ્રક હતી. કાંઈ વાંધાજનક ન હતું.

ટ્રકને જવા દેતા પહેલાં તેણે પૂછ્યું કે આગળ એ ડ્રાઈવરે કોઈ વ્યક્તિ આ તરફ આવતી જોયેલી? ડ્રાઇવરે ના પાડી. હાસ્તો, ટ્રકની ફૂલ લાઈટમાં રસ્તે કોઈ હોય તો દેખાય જ ને! ટ્રક તો આગળ રવાના થઈ તેણે ફરી આગળ નજર નાખી.


ફરીથી એ આકાર નજીક આવતો દેખાવા લાગ્યો. લે, આ તો ફરી ઊંચો થયો, ખૂબ ઈંચો. એકાદ મિનિટ જેવું સ્થિર રહ્યો અને પાછો પોતાની તરફ આવવા લાગ્યો.


પોલીસ માટે વૈશાખની બળબળતી બપોર અને મધરાતમાં કોઈ ફેર નથી. પગ બળે કે ઝંઝાવાત જેવો વંટોળ ફૂંકાય, ગમે તે પરિસ્થિતિ સરખી. ફરજ એટલે ફરજ. લોકો જીવે અને એ માટે ઘરમાં રહે, એ નથી રહેતા એ માટે એમને ઘરમાં રાખવા પોતે અને પોતાના સાથીઓ ગમે તેવું એકાંત સહન કરી આ રીતે રસ્તે ઉભે. આવો અનુભવ પોતાના કોઈ સાથીને થયો હશે ખરો?


તેને સાચે જ ડર લાગવા માંડ્યો. હૃદયના ધબકારા વધી ગયા. દૂરથી કુતરાઓનું ટોળું ભસાભસ કરી રહ્યું. ઓચિંતાં અમુક કુતરાં મોટેથી રડતાં સંભળાયાં. તેને અવાજો પરથી લાગ્યું કે કૂતરાં આકાશ તરફ જોઈ ભસતાં હતાં. પેલો સફેદ ઓળો એ તરફથી જ આવી રહ્યો હતો. હવે એકદમ ઝડપથી. કદાચ જમીનથી થોડો ઊંચે રહીને.


તેણે એ ઓળા તરફ જવા કોશિશ કરી. જાણે પગ જમીન સાથે જડાઈ ગયા હોય તેવું લાગ્યું. તેના પગ ધ્રુજવા લાગ્યા. આસપાસ બે ત્રણ કિલોમીટર સુધી બીજી બેરીકેડ કે ચોકી ન હતી.


તેણે પોતાની પાસે ખિસ્સામાં રાખેલ નાની બોટલમાંથી પાણીનો છેલ્લો ઘૂંટ ભર્યો. પાણી એકદમ ગરમ થઇ ચુકેલું. તેનાં સુકાઈ ગયેલાં થૂંકથી થોડો જ વધુ મોટો અંતિમ ઘૂંટડો તેનું સુકાતું ગળું ભીંજાવવા પૂરતો ન હતો.


પેલો આકાર એકદમ ઝડપથી તેની તરફ આવી રહ્યો. ત્યાં ઓચિંતી લાઈટો ગઈ. દૂર દેખાતાં મકાનોની રહીસહી ટમટમતી લાઈટો અને થોડો ઘણો નામ પૂરતો પ્રકાશ આપતી સ્ટ્રીટલાઈટો પણ બંધ થઈ ગઈ. પેલા ઓળા ઉપરથી થોડે ઊંચે કઈંક સફેદ ઉડયું અને ચંદ્રના પ્રકાશમાં થોડું ચમકી રહ્યું. વળી એ દેખાતું બંધ થઈ ગયું.


હવે તેને બરોબરની બીક લાગવા માંડી. અધૂરામાં પૂરું એ તરફ રસ્તાની સાઈડે એ ઓળાની આસપાસ સફેદ ધૂમ્ર સેર પણ દેખાઈ. તેનું આખું શરીર થોડી વાર સખત ધ્રુજયું પણ તેણે શરીર ખેંચી, મુઠીઓ વાળી શરીરને ફરી તંગ કર્યું અને ફરી ઢીલું કર્યું. આખા શરીરમાં ઝડપથી ગરમાગરમ રક્તસંચાર થઈ રહ્યો. તેણે લાકડી પરની પોતાની પકડ મજબૂત કરી. તેણે ફરી આજુબાજુ જોયું. બીજી બધી બાજુ નિરવ શાંતિ, જાણે પૃથ્વીને ગળી ગયેલું ઘોર અંધારું અને એ એક જ બાજુથી ઝડપથી પોતાની તરફ આવતો એ આકાર. હવે તો સફેદ વસ્ત્ર પણ ફરકતું દેખાવા માંડ્યું.


તેણે તાકાત એકઠી કરી હાંફ રોકી સીટી મોંમાં રાખી અને જોરથી ફૂંક મારતાં વગાડી.


આકાર નજીક આવ્યો. એ રસ્તાની સાઈડેથી બેરીકેડમાં ઘુંસ્યો અને ધીમો પડ્યો. પોતે દોડીને એ ભૂલભુલામણી જેવી પતરાંઓની બેરીકેડમાં બીજે છેડેથી ઘુંસતો દોડ્યો. પેલો આકાર બેરીકેડ ઓળંગી બહાર નીકળી ઉભો રહ્યો.


તે પોતાની સ્ટીક પર પક્કડ જમાવતો એ પતરાંની ભૂલભુલામણીમાંથી બહાર નીકળ્યો. સામે છેડે એક મનુષ્ય આકૃતિ દેખાઈ. લે, એ તો એક સ્ત્રી હતી! બહુ સુંદર નહીં તો કુરૂપ પણ નહીં, યુવાન નહીં તો માજી પણ નહીં. પીઠ પાછળ વ્યવસ્થિત વાળ ઓળેલી તેની બ્રાઉન વાળની પોનીટેઇલ સફેદ ગાઉન કે કોટ પર લહેરાતી હતી. દેહ્યષ્ટિ થોડી પુષ્ટ કહી શકાય પણ સપ્રમાણ. અંધારામાં પણ ધ્યાન ખેંચતાં ગોરા હાથ ગાઉનની અર્ધી બાંય નીચે ધ્યાન ખેંચતા હતા. તેણે માસ્ક પહેરેલો તેમાંથી ચશ્માં અને તેની પાછળ સુંદર આંખો ડોકાતી હતી.

તે ભૂત ન હતી. કોઈનું પણ ધ્યાન ખેંચે તેવી સ્ત્રી હતી.


તેનું ધ્યાન પડ્યું. એ સ્ત્રીના હાથમાં એક કાળી બેગ હતી. તેણે પૂછ્યું કે આટલી રાતે એકલી નીકળી પડેલી, પ્રમાણમાં યુવાન અને આકર્ષક દેખાતી એ સ્ત્રી કોણ હતી.


સ્ત્રીનો જવાબ તૈયાર જ હતો. કાળી રાત્રે કે બળબળતી બપોરે ભેંકાર રસ્તે કોણ નીકળે, કોને નીકળવું પડે? બે જ પ્રકારના લોકો- તેના જેવા પોલીસ અને.. એમના જેવા ડોક્ટર! બન્ને કોરોના વૉરીયર્સ હતાં.


સ્ત્રીએ કાર્ડ બતાવ્યું. કોલ રેકોર્ડ અને વોટ્સએપ મેસેજ બતાવ્યો. અહીંથી હજી થોડે દુર એક બંગલાઓની સોસાયટીમાં એક યુવતીને સમયથી થોડી વહેલી પ્રસુતિ પીડા ઉપડેલી. તે એમની પેશન્ટ હતી. તેઓ આવ્યાં તે રસ્તે ચારેક કિલોમીટર તેમની હોસ્પિટલ તો હતી જ. અત્યારે કોઈ સ્ટાફ આવી શકે તેમ ન હતું.


તો પોતે જોયું તેમ ઉડતું કપડું, કાયા નાની મોટી થવી, લાઈટ, સફેદ ધુમાડો- આ બધું શું હતું?


ડોક્ટર હસ્યાં. આવું ઘોર અંધારું, સુમસામ એકાંત, મોડી રાત્રી, બધું કોઈને પણ કાંઈ પણ જોતાં માનસિક ડર પેદા કરે જ.


તેમણે સમજાવ્યું. પેશન્ટની સ્થિતિ સાંભળી સમયસૂચકતા વાપરી તેઓ પોતાનાં એક્ટિવા પર નીકળી અહીં આવતાં હતાં. એક ચાર રસ્તે બેરિકેડ વટાવતાં નીકળ્યાં અને આગળ એક્ટિવા કોઈ કારણે સ્લીપ થઈ ગયું. ઉભું કરતાં જોયું કે ઓવરફ્લો થતાં એ બંધ પડ્યું હતું. પોતે કોઈ વાહનને હાથ કરે એમ વિચાર્યું ત્યાં યાદ આવ્યું કે લોકડાઉનમાં સોસાયટીમાં રમવા તેમનો પુત્ર સ્કેટિંગ કરતો હતો અને એ સ્કેટિંગ શૂઝ મહાભારત શરૂ થઈ જતાં ડેકીમાં મૂકી ઘરમાં આવી ગયેલો. એ સ્કેટિંગ શૂઝ અત્યારે આશીર્વાદરૂપ બન્યા. પોતે એને કારણે ઘણી ઝડપથી આવતાં દેખાયેલાં. રસ્તે મોટો સ્પીડબ્રેકર આવતાં તેઓ રસ્તાની સાઈડમાં ઉતરેલાં એટલે નીચે જતાં દૂરથી નાનાં થયાં હોય તેવું લાગ્યું. આગળ રસ્તો સાઈડમાંથી નીકળાય એવો હતો પણ ડામર રોડ પર એક થી બીજા છેડે વાન પાર્ક કરી દેવાયેલી. એટલી વાર પોતે એ સ્કેટિંગ શૂઝ કાઢી વાન પર ચડી હળવેથી નીચે ઉતરેલાં એટલે વાન પર હોય ત્યારે ખૂબ ઊંચાં લાગે.એકાદ વખત તેમણે મોબાઇલની ટોર્ચ આમથી તેમ ફેરવેલી તેના પ્રકાશનો શેરડો દૂરથી પ્રકાશિત ઓળા જેવો લાગ્યો હશે. નજીક આવતાં પોલીસની સીટી સાંભળી પોતે સ્કેટિંગ શૂઝ કાઢી ચાલવા લાગ્યાં એટલે ફરી ધીમાં.

હા, પેલો સફેદ ધુમાડો બાજુની સોસાયટી પાસે કોઈએ રસ્તાને છેડે કચરો સળગાવેલો તેનો હતો જે પોતે પણ જોયેલો.


પોલીસે રાહતનો શ્વાસ લીધો. તે ડોક્ટરને સલામ કરવા ગયો તો તેઓ કહે કે સલામ તો તમને કરવી જોઈએ. આટલી રાત્રે આવાં ડરામણાં વાતાવરણમાં એકલા ડ્યુટી કરો છો. તે પોલીસે કબુલ કર્યું કે પોતે બપોરે બે વાગ્યાથી અહીં હતો અને સવારે આઠ સુધી અહીં જ રહેવાનો હતો.

ડોક્ટરે પોતાની પાસેની બોટલમાંથી તેને પાણીનો ઘૂંટ આપ્યો. બોટલ દર્દીની આકસ્મિક પરિસ્થિતિ માટે હતી પણ અહીં તો બીજા કોઈને રાહતનાં બે બુંદ પાવાનાં હતાં.


થોડી વારમાં સાહેબને ફોન થયો અને એક કોરોના યોદ્ધો બીજા યોદ્ધાને એક નવું જીવન લાવવાની લડાઈ લડવા ઘોડા કે રથ પર નહીં, પોતાની લોન પર લીધેલી બાઇક પર લઈ જઈ રહ્યો હતો.


ઉપરથી પૂર્ણ ચંદ્ર તેમને બિરદાવતું સ્મિત આપતો હતો અને અંધારું તેમના પર છત્ર ધરી રહ્યું હતું.

-સુનીલ અંજારીયા