Corona kathao - 8 books and stories free download online pdf in Gujarati

કોરોના કથાઓ - 8

લીલુડાં પાન ફરકયાં

નિકિતા તેનાં મયુરીમાસીને ઘેર નોકરીની પરીક્ષા આપવા આવી. નિકિતાની મમ્મીએ તેમની જૂની સહેલી માસીને ખાનગીમાં ફૂંક મારી હતી તેમ નિકિતા માટે છોકરો દેખાય તો એ પણ જોઈ રાખવાનો હતો. નિકિતા રાતની ટ્રેઇનમાં આવી. પરીક્ષા ત્રણ દિવસ પછી હતી પણ એકવાર સેન્ટર જોઈ લેવું જરૂરી હતું અને છેલ્લી નજર નાખવા આગલાં વર્ષનાં પેપરોની બુક માસીનાં શહેરની બજારમાંથી લેવી હતી.

રાતે નિકિતા આવી અને સવારે ઉઠીને માસીને મદદ કરાવવા કિચનમાં પણ પહોંચી ગઈ. માસી, માસા તો રાજીરાજી થઈ ગયાં.

નિકિતાએ ચા બનાવી અને વાંચવા બેસતા પહેલાં માસીની બારી પાસે ગઈ. બારી ઉપર એક મુરઝાવા આવેલ મનીપ્લાન્ટની વેલ હતી. નિકિતાએ તરત એમાં પાણી નાખતાં કહ્યું, "લાવો, હું આવી છું તો આ વેલની કાયાપલટ કરી દઉં."

માસા ઉભાઉભા વેલ સામે જોઈ રહ્યા હતા. 'કર તારાથી થાય તો કરામત. એ તો કોણ જાણે કેમ, આવી ને આવી જ રહે છે.

તારી જેવી નાજુકડી, રૂપકડી કરી દે.'

સોળે કળાએ ખીલેલી વેલી જેવી નિકિતા માસા સામે જોઈ મીઠું સ્મિત આપી રહી.

તે વેલ સામે, માસા તેની સામે અને માસી તણખા ઝરતી આંખે માસા સામે જોઈ રહ્યાં.

ત્યાં તો બેલ વાગી. નિકિતા, માસી જાય તે પહેલાં બારણું ખોલવા દોડી. એ બહાને જે એ યુગલ વચ્ચે તારામૈત્રક રચાતું.

તેણે બારણું ખોલ્યું તો સામે ફૂટડો, ગોરો યુવાન કાળું બેગપેક લઈને ઉભેલો. અંદર માસા માસીનું તારામૈત્રક ન રચાયું પણ આ બે યુવાન હૈયાંની આંખો મળી.

'માસી, કોઈ આવ્યું છે.' તે ટહુકી ઉઠી.

અંદરથી એ બન્નેની દ્રષ્ટિ દરવાજા પર પડી.

'લે, નિમિત્ત? તું ઓચિંતો આવ્યો ને કાંઈ?' માસા બોલી રહ્યા.

'મારે એક મિટિંગ છે. અહીં સાહિત્ય પરિષદમાં મારી એક વાર્તાને ઇનામ મળ્યું તે લેવા.' બોલતાં નિમિત્ત છાતી ફુલાવી ટટ્ટાર થઈ નિકિતાના ચહેરા પર શું પ્રતિભાવ આવે છે તે જોઈ રહ્યો. ખાસ કાંઈ ન દેખાયા. તે નિરાશ થયો ત્યાં નિકિતા જ કહે, 'વાઉ. ગ્રેટ.'

એક ક્ષણના વિલંબ વગર નિમિત્તે હાથ લંબાવ્યો. (કોની સામે! કહેવાની જરૂર ખરી?)

"હાય. આઈ એમ નિમિત્ત કાપડિયા."

એક ક્ષણ રહી નિકિતાએ હાથ મિલાવ્યો. "હું નિકિતા. મયુરીમાસી મારી મમ્મીનાં ખાસ ફ્રેન્ડ છે."

નિમિત્ત એ કોમળ સ્પર્શ મમળાવી રહ્યો અને નિકિતા હળવેથી હાથ છોડાવી અંદર જતાં "તો માસી, હવે ચાર કપ ચા મુકું" કહેતી દોડી ગઈ. બેય પુરુષો મનમાં વિચારી રહ્યા કે આ તો હવામાં ઉડી રહી.

બારીમાંથી તાજી હવાની લહેર આવી. મનીપ્લાન્ટનાં પાન ફરકયાં.

નિમિત્ત દેખાવ કરવામાં તો ઉસ્તાદ હતો. 'આંટી' ને પહેલાં અને 'અંકલ'ને પછી નીચે વળી ચરણસ્પર્શ કરી હાથ કપાળે અડાડી રહ્યો.

'પપ્પાનો તમારી ઉપર ફોન હતો. કોઈ કારણે કટ થઈ ગયો. આમ તો સાંજે ઇનામ વિધીનું ફંક્શન છે ને પછી સીધા નીકળી જવું છે. પપ્પા કહે ઓવરનાઈટ જર્ની છે તો ફ્રેશ થવા મંદાર અંકલને ઘેર જજે. સોરી, તમને તકલીફ આપી."

તે અંકલને આમ કહેવા જાય ત્યાં નિકિતા ચા લઈને આવી એટલે છેલ્લું વાક્ય અંકલને બદલે તેની સામે જોઈ કહ્યું. જવાબમાં એજ સ્મિત. સ્મિત જેવું સ્મિત. મીઠું, સલૂણું, કે મારકણું તીખું જે વિચારવું હોય એ વિચારાય એવું.

ચારેય ડાઇનિંગ ટેબલ પર ચા પીવા બેઠાં.

"તું તો.. ઓળખે છે ને, મારા અમદાવાદના પાર્ટનર સોમેશનો સન છે."

મયુરીબહેન (હવે મયુરી કહેશું.) મોં ફૂંગરાવી આ ઓચિંતા આવેલા મહેમાન સામે જોઈ રહ્યાં. સાલો હતો તો જોવો ગમે એવો. તેના ટીશર્ટમાંથી ડોકાતાં બાવડાંના મસલ્સ પર મયુરીની દ્રષ્ટિ એક ક્ષણ ચોંટી રહી. પંખામાં કોઈ ખેતરમાંના પાકની જેમ ઉડતા, લહેરાતા તેના વાળ પર પણ દ્રષ્ટિ પડી.

મંદારની દ્રષ્ટિ મયુરી પર પડી પણ તેમાં કોઈ ભાવ ન હતો.

આમેય એ બે એકબીજા સામે કદાચ ભાગ્યે જ જોતાં, જુએ ત્યારે આંખોમાં ખાસ ભાવ ન ડોકાતો.

"ચાલો, હું ફ્રેશ થવા જાઉં. પછી કાલબાદેવી તરફ જવું છે. બુક્સ લેવી છે." કહેતી નિકિતા સ્કર્ટ સરખું કરતી ઉઠી. કદાચ તેની બેય ક્રિયા નિમિત્તને ઉચિત સંદેશો આપવા હતી.

ટીવી પર રામદેવજીનાં આસનો શરૂ થયાં.

નિમિત્ત તરત પોતાની બાકીની ચા ગટગટાવી ખાલી કપ મુકવા, 'આંટી'નાં 'હં, હં, રહેવા દે' ને અવગણી કીચનમાં ગયો. કોઈને ઘેર તકલીફ ઓછી આપવી એવું, અને નિકિતા રસોડામાં પોતાનો કપ મુકવા ગઈ એ પણ કારણે. સાંકડી સીંક પાસે બેય ફરી સ્પર્શ્યા.

મયુરી એ તરફ ડોક લંબાવી જોઈ રહ્યાં.

'આંટી'ને આ નવો યુવાન કદાચ ગમ્યો, કદાચ નહીં. પણ તેનું આગમન ગમ્યું નહીં.

છતાં રહીરહીને તેની સામે નજર જવા લાગી.

નિમિત્તે ટીવી સામે ઉભી નીચે નમી અંગુઠા પકડ્યા અને સૂર્યનમસ્કાર કરવા લાગ્યો. બીજાં આસનો શરૂ કર્યાં. મયુરીએ વળી મોં બગાડ્યું. ' જોયો ન હોય તો મોટો પહેલવાન. પેલીને ઈમ્પ્રેસ કરવા કરે છે. મારા ઘરમાં આવા વાંદરાવેડા ક્યાંથી શરૂ થયા!' કહેતી એક રોષ ભરી નજર નિમિત્ત અને મંદારભાઈ તરફ નાખી. તો પણ નિમિત્તના સૌષ્ઠવ ભર્યાં શરીર પર તેની એક ક્ષણ નજર ચોંટી રહી. તેઓ 'હું' કરી છણકો કરતાંકિચનમાં ચાલ્યાં ગયાં. મંદારને આ 'ઉટપટાંગ' હરકતોમાં રસ ન હતો.

તેઓ વાત ખાતર નિમિત્તને કહે, 'પરમદિવસે જનતા કરફ્યુ તમારે ત્યાં કેવોક રહેલો?'

ચક્રાસન કરતો નિમિત્ત શ્વાસ ભરી 'જોરદાર' એટલું જ બોલ્યો.

ત્યાં ટીવી પર જાહેર થયું- "આજે 11 વાગ્યે મોદીજીનું દેશને સંબોધન."

નિકિતા નહાઈને આવી. કદાચ પુરુષવર્ગનું ધ્યાન ખેંચવા જ ધીમેથી ગણગણવું શરૂ કર્યું.

મંદાર સદ્યસ્નાતા યૌવના સામે જોઈ રહ્યા. ઘરમાં ઘણે વખતે રોનક આવી. તેમણે મીઠું સ્મિત કર્યું. નિકિતાએ યજમાનને પલાળતું ખાસ સ્મિત કર્યું. નિમિત્તે ત્રાંસી દ્રષ્ટિએ સૌન્દર્યપાન કરી લીધું. બેત્રણ પોઝ ઊંડા શ્વાસ સાથે કર્યા જેથી એ સદ્યસ્નાતાની ફોરમ તેના નાકમાં થઈ દેહમાં પ્રસરે. તે ઉભો થઈ નહાવા દોડ્યો ત્યાં મંદારે 'મોંઘેરી મહેમાન' ને વિવેક કર્યો- "હું કાલબાદેવી બાજુ જ જાઉં છું. મારી કારમાં ચાલો. ઉતારી દઈશ."

નિમિત્ત ટુવાલ કાઢતો પાછો આવ્યો. "સવારે કાર મુંબઈના ટ્રાફિકમાં ભરાઈ જશે. હું સાંજે મારા પ્રોગ્રામમાં જવાનો છું. અત્યારે મારે પણ ફોર્ટ બાજુ ટ્રેઇનમાં જવા વિચાર છે."

નિકિતા સામે જોઈ કહે, "એક થી બે ભલાં. વાતવાતમાં રસ્તો કપાઈ જશે."

નિકિતાને તો ધર્મસંકટ થયું. યજમાનને ખુશ રાખે કે આ નવી મૂર્તિને ખુશ કરે?

"અંકલ, તમારી ઓફિસ કઈ જગ્યાએ છે?"

મયુરીથી રહેવાયું નહીં. "અરે એ તો ગ્રાન્ટરોડ બાજુ છે."

"અંકલ, તમે તકલીફ રહેવા દો. હું પહોંચી જઈશ. જો સિલેક્ટ થાઉં તો પેઇંગ ગેસ્ટમાં રહી આવજા કરવી જ પડશે ને!"

મંદારે મયુરી સામે દાંતીયા કર્યા. મનમાં કહે, "મૂંગા નહોતું મરાતું? જલી ગઈ ડોસલી."

મયુરી વયનાં વનમાં હતી. હજી એમતો જોવી ગમે એવી કાયા હતી. પાડોશીઓ નજર નાખતા અને પડોશણો એ જોઈ છણકા કરતી. મંદારને તો ઘરકી મુર્ગી દાલ બરાબર હતું.

નિકિતા તૈયાર થાય ત્યાંતો નિમિત્ત ઘસીઘસીને નહાઈ ફોરતો આવી પહોંચ્યો. ડીયો છાંટયું ને વળી 'આંટી'એ નાકનાં ફણાં સંકોચ્યાં. નિમિત્તે જાણી જોઈ નિકિતાને આગળ જવા દીધી. થોડી વાર રહી પોતે નીકળ્યો અને સ્ટેશન સુધીમાં નિકિતાને પકડી પાડી. કે નિકિતાએ જાણી જોઈ પોતાને પકડાવા દીધી.

ઠીક. તેઓ સાથે બજારમાં કે જ્યાં પણ ઘુમતાં હોય- એ દરમ્યાન મોદીજીએ લોકડાઉન જાહેર કર્યું. આજે રાત્રે 12 પછી બધું બંધ. દુકાનદારો અને ગ્રાહકો એની જ વાત કરવા લાગ્યા. નિકિતા તો ઘેર જવા નીકળવા તૈયાર થઈ ગઈ. પહેલાં માસીને ઘેર જઈ સામાન તો લેવો ને?

નિમિત્ત સાથે જ હતો. તેણે નિકિતા સાથે છે એ જણાવ્યા વગર 'અંકલ'ને ફોન કરી દીધો કે ઇનામ સમારંભ બપોરે બે વાગે છે અને તરત પોતે સામાન લઈ જે મળે તેમાં અમદાવાદ રવાના થઈ જશે. નિકિતા લોકલ પકડવા ગઈ અને નિમિત્ત તેને મુકવા ગયો. પણ ભીડ તો કલ્પના બહારની હતી. કહે એકાદ કલાક રહીને જાઉં. નિમિત્તે તેને લંચ કરાવ્યું અને પોતાની સાથે ઇનામ સમારંભમાં લઈ ગયો. 'હમ, તુમ ઔર ટેક્ષી'. જે એક શ્રોતા તાળી પાડવા મળી.

બેય સાથે જ ટેક્ષી પકડવા ઊભાં.

ઇનામ સમારંભ સમયસર થઈ ગયો. કાલથી જાણે ક્યામતની રાહમાં દેશ ઘરોમાં કેદ થઈ જવાનો હતો.સાંજ પડી ગયેલી. કોઈ ટેક્ષી ઉભે નહીં. વળી લોકલમાં હૈયેહૈયું દળાય તેવી ભીડમાં એકબીજાને ચંપાઈને આવ્યાં.

આગળ પાછળ ઘરમાં પ્રવેશ્યાં.

નિકિતા નીકળવાની તૈયારી કરતી હતી ત્યાં માસી ઉપર એની મમ્મીનો ફોન આવ્યો કે ટ્રાવેલની બસ ઉપડતી નથી. રાતે ઉપડે તો મધરાત પછી ગામે પહોંચે નહીં. તેની ટિકિટ બે દિવસ પછીની હતી કેમકે પરીક્ષા બે દિવસ પછી હતી. મયુરી કહે કે તો તે અહીં જ રહી જાય એ જ સારું રહેશે.

નિમિત્ત બેગ પેક કરી સ્ટેશને તો ગયો. તેની પાસે રિઝર્વેશન ન હતું. લો, ટ્રેઇન પણ કેન્સલ.

બધાં સુવાની તૈયારીમાં હતાં ત્યાં બેલ વાગી. બેડરૂમમાંથી મયુરીએ દોડીને ડોર ખોલ્યું- સામે નિમિત્ત ઉભો હતો.

"સોરી આંટી. કોઈ પણ રીતે હું જઈ શક્યો નહીં. કાલે મારા ફ્રેન્ડની કારમાં સુરત પહોંચાય તો ત્યાંથી અમદાવાદ પહોંચવા કંઈક કરીશ."

આંટી તો કાપો તો લોહી ન નીકળે એવાં થઈ ગયાં. સુવાનું શું કરવું? બીજા બેડરૂમમાં તો નિકિતાને મોકલી હતી.

"ડોંટ વરી. આંટી, હું અહીં સોફા પાસે નીચે સુઈ રહીશ." કહી તે બેગપેક મૂકી બેસી ગયો. આંટીએ ન છૂટકે જમીને આવ્યો છે કે શું એ પૂછ્યું અને નહોતો જમ્યો એટલે આંટી કઈંક બનાવવા કિચનમાં જતાં હતાં ત્યાં અંદરથી અવાજ સાંભળી નિકિતા આવી. પોતાની સાથે લાવેલ નાસ્તો નિમિત્તને એક ડીશમાં આપી ગઈ. નિમિત્તે સોફા ઉપર રાત કાઢી.

સવાર. આવી કમસે કમ ત્રણ વીકની સવાર, સાંજ, રાત પડવાની હતી. બે અજાણ્યાં જુવાન છોકરાં પોતાને ઘેર ફસાઈ પડેલાં. પોતે સખીને શું જવાબ દેશે? મયુરી ચિંતામાં પડી ગયાં.

નવી મહેમાન જોઈ ખુશ થયેલા મંદારભાઈને પણ હવે આ સાપનો ભારો સાચવવાની ચિંતા પેઠી. પોતે એનું 'બરાબર ધ્યાન રાખશે.' ખાસ તો સોમેશના પુત્રથી.

પણ વહેતાં પાણી આડી પાળ ક્યાં સુધી બાંધો? ચાલો. થઈ રહેશે.

બીજા દિવસથી કામવાળીઓ બંધ, રામા કે ઘાટી મુંબઈમાં કહેવાય છે તે સોસાયટીએ બંધ કર્યા.

કામ ઘેરથી કરવાનું. બપોરે સહુ જમીને ઊઠ્યાં કે તરત નિકિતા 'ચાલો માસી આપણે વાસણ સાફ કરી લઈએ' કહી માસી સાથે રસોડામાં ગઈ. એનું જોઈ ઘેર કોઈ પણ કામ ન કરતો નિમિત્ત ભીનું પોતું લઈ નિકિતાની જોડાજોડ ટેબલ સાફ કરવા લાગ્યો. એ બહાને ફરી બેય અડકી જવા લાગ્યાં. મયુરીની નજર નિમિત્તની પીઠ પાછળ ખેંચાતી રહી. સાલો છે તો મસ્ત! કોઈ પણ સ્ત્રીનું ધ્યાન ચોંટી રહે એવો. બાપડી નિકિતાનો વાંક નથી. મયુરી પોતે પણ દ્રષ્ટિ ઠેરવી રહ્યાં.

સાંજે સહુ સાથે મહાભારત જોવા બેસતાં. એ જોવા સાથે એક દિવસ 'માસી' નિકિતાનાં માથામાં તેલ નાખવા બેઠી.

માસી નિકિતાનાં માથામાં તેલ નાખી રહ્યાં. થોડી વાર રહી નિમિત્ત કહે મને પણ તેલ આપજો. મયુરીને શુંએ સૂઝ્યું. કહે,"લાવ. તેલ વાળા હાથ છે જ. તને પણ નાખી દઉં." નિમિત્ત થોડા સંકોચ બાદ બેઠો. આંટી તેના ઘટ્ટ ઝૂલ્ફામાં હાથ ફેરવતી રહી. નિમિત્ત તેના પગને ટેકો દઈ બેઠો. મયુરીને તેની સ્નાયુબદ્ધ પીઠનો સ્પર્શ ગમ્યો. મયુરી નિમિતનાં ઝૂલ્ફાઓમાં હાથ ફેરવતી કહે

"તારા વાળ કેવા સરસ છે!"

નિમિત્ત કહે, "આંટી, એમ તો તમારા વાળ પણ છેક નીચે સુધી પહોંચતા લાંબા ને સરસ છે. એક વાત કહું, આંટી, તમે પોતે પણ સરસ છો. મોટી આંખો ને નમણો ચહેરો ધરાવો છો." મયુરી થોડું શરમાઈ. એને કોઈએ પણ ક્યારે આવું કહ્યું હશે? મંદારે તો નહીં જ. નિકિતા તો 'અંકલ' ની બાજુમાં બેસી વાળ ઓળતી હતી, ખભા ઊંચા કરી પાછળ પીન ભરાવતી હતી અને અંકલ તેને કઈંક કહેતાં જોવામાં મશગુલ હતા. મયુરી તેલ નાખતાં ધીમા સ્વરે નિમિત્ત સાથે કાંઈક વાત કરી રહી રહેલાં.

નિમિતે જણાવ્યું કે તે જર્નાલીઝમનો કોર્સ પૂરો કરી ચુકેલો. એક અખબારમાં અહીં જ જોબ માટે મળવા જવાનું હતું. હવે લોકડાઉન પછી વાત.

એ લોકોની મુવમેન્ટ ખલેલ પાડતી હોઈ નિકિતા ઉઠીને સોફા પર મંદાર અંકલની સાવ બાજુમાં બેસી ગઈ. મંદાર અંકલનું ધ્યાન રડતા નિઃસહાય ભીષ્મમાંથી નિકિતા તરફ દોરાયું. તેને પરીક્ષા વિશે પૂછ્યું. તેનાં ક્વોલિફિકેશન વિશે પૂછ્યું. પોતાના મિત્રની ઓફિસ, જ્યાં નિવૃત્તિ પછી પોતે કન્સલ્ટેશન પણ કરે છે તેને ત્યાં નિકિતાને જોબ માટે પોતે મદદ કરી શકે તેમ કહ્યું. આભારવશ નિકિતા ખુશ થઈ અંકલની વધુ નજીક સરકી. અંકલના મોબાઈલમાં કોઈક ફંક્શન કેમ કરવું તે શીખવી રહી અને અંકલ મોબાઈલને બદલે તેની સામે દ્રષ્ટિ ખોડી રહ્યા.

આવું ને આવું ચાલતું રહ્યું. સિરિયલો સાથે અંતાક્ષરીઓ પણ રમાતી ગઈ.

બે સાવ સૂકાં પર્ણો બે નવાં પર્ણો પરથી પડતી ઝાકળ ઝીલી રહ્યાં.

આમને આમ એ ચાર લોકડાઉનમાં ઘરમાં પુરાયેલાં તેઓ ક્યારે નજીક આવી ગયાં તે ખબર ન રહી.

એક સવારે નિમિત્ત 'વાનરવેડા' એટલે કે આસનો કરતો હતો ત્યાં મયુરી આવી પહોંચ્યાં. નિમિત્ત ને એક ધબ્બો મારતાં હક્કથી કહે , "એક દિવસ આ બધું નહીં કરે તો મસલ્સ ઓછા નહીં થઈ જાય. ચાલ. મને આ માળિયું સાફ કરાવ." નિમિત્ત સીડી ચડી સાફ કરતો હતો, તે પકડીને ઊભેલાં. નજર સતત નિમિત્ત ની માંસલ પીંડીઓ, ગોરા દેહ અને ઝૂલ્ફાઓ તરફ ગયે રાખતી હતી. પોતાને પુત્ર ન હતો. દીકરી-જમાઈ દૂર બેઠેલાં. પણ આ દ્રષ્ટિ એક માતાની નહીં, આકર્ષણની હતી. સુક્કી ભઠ્ઠ બંજર જમીનને કોઈએ પ્રેમના બે શબ્દો સીંચી અંકુરિત કરી હતી. એમાં ક્યાં પોતે સતિત્વનો ભંગ કરે છે? દૃષ્ટિસુખ માત્ર પુરુષો જ લે તેવું થોડું હોય?

નિમિત્ત સીડી ઉતર્યો અને મયુરી ટેકો આપવા નજીક ઊભાં. નિમિત્તે ધૂળ ઝાટકવા તેમની પીઠ થાપથપાવી. તેમને આ ગમ્યું હોય એવું લાગ્યું.

નિકિતાએ ઓનલાઈન પરીક્ષા આપી તેનાં રિઝલ્ટને સમય લાગે તેમ હતું. મંદારભાઈએ મિત્રની ઓફિસમાંનું કામ કરવા નિકિતાને ઓનલાઈન ઇન્ટરવ્યુથી લેવરાવી લીધી. નિકિતા તેમની બાજુમાં બેસી તેમને મોબાઇલની આરોગ્યસેતુ એપ અને અન્ય ફંક્શન શીખવતી હતી. મંદારભાઈ જાણી જોઈ શીખવામાં વાર લગાવતા હતા. એ પછી બે યુવાન પંખીડાં પોતાનું લેપટોપ લઈ અંદર બીજા બેડરૂમમાં જતાં રહેતાં.

મંદારભાઈને ટીવી પર જૂની ફિલ્મો ગમતી. તેઓ નિકિતા સાથે બેસી જોવા લાગ્યા ત્યારે નિમિત્ત તે હાલ એપ્રેન્ટીસ હતો તે અખબારનું કામ મંદારભાઈનાં લેપટોપ પર કરતો હતો. ઇનામ લેવા જ આવ્યો હોય ત્યારે પોતાનું લેપટોપ ક્યાંથી લાવ્યો હોય?

મુંબઈમાં ઘર તો નાની જગ્યામાં હોય. ગરમીમાં રોજ નિમિત્ત સોફા પાસે નીચે સુવે તેને બદલે દીકરી આવે ત્યારે રાખેલા બેડ, જ્યાં ઘણી વાર મંદાર કે મયુરી બીજા પાર્ટનરને બેડરૂમમાં એકલું મૂકી જઈને સુઈ જતાં, ત્યાં નિકિતા સૂતી હતી. તેણે સૂચવ્યું કે બહાર સુવા તે અને નિમિત્ત એકાંતરે વારો રાખશે. થોડો વિશ્વાસ બેસતાં તેણે જ કહ્યું કે એ રૂમમાં એસી છે. નિમિત્ત અને તે વારાફરતી નીચે પથારી કરી એક બેડ પર અને બીજું નીચે એ જ રૂમમાં સુશે.

બેય મોડી રાત સુધી મંદારનાં લેપટોપ પર કંઈક જોયા કરતાં કે કંઈક વાતો કર્યા કરતાં. શું ચાલી રહ્યું છે તે સાંભળવા બેડરૂમમાંથી બેય પ્રૌઢો કાન સરવા કર્યે રાખતાં. એ માટે એ બે એ નજીક તો આવવું જ પડે ને?

દીકરી પરણીને ગયા પછી બેય ભાગ્યે જ કંઈક વાત કરતાં, એ હવે કોઈ ને કોઈ વિષય પર ગુસપુસ કરવા લાગ્યાં. ક્યારેક મયુરી છણકો કરી લેતાં અને મંદાર તેનો ખભો પકડી મનાવતા. બાજુમાં ખબર ન પડે તેમ.

નિકિતા તો પેલા મની પ્લાન્ટની સંભાળ લેવા લાગી. બાજુમાંથી બારમાસીનો નાનો રોપો પણ લાવીને વાવી દીધો. બહાર તુલસીનું કુંડું તો હતું જ. વેલ મહોરી ઉઠી. સાથે મયુરીબહેન પણ. કોઈ કહે ન કહે, 'મીઠડો' નિમિત્ત તો "વાહ આંટી, જામો છો" તો કહેતો જ.

મંદાર નિમિત્તનું જોઈ એ 'ઉટપટાંગ હરકતો' પૈકી કેટલીક પોતે કરવા લાગ્યા. સાફસુફ કરતી નિકિતા આવી ચડે તો અંકલને 'શાબાશ' કહી પાનો ચડાવતી. પણ મનમાં 'આ ઉંમરે ધ્યાન રાખજો' કહેતી. મયુરીને કાંઈ ફરક પડતો ન હતો. ખબર હતી, આ ઉંમરે રહીરહીને કોને બતાવવા શરીર કસે છે. ગમે તે કરે, ઉંમર ચાડી ખાવાની જ.

નિમિત્તે ઘરની એક વૉલ પર ગ્લોસી પેપરમાંથી કાપેલાં ધોધ, જંગલ અને હિમાલયનાં ચિત્રો લગાવી આપ્યાં.

દીકરી છેક લોસ એન્જલીસથી ક્યારેક ઓનલાઈન થતી. એક વાર તો કહે, "મોમ, ડેડ, તમને લોકડાઉનમાં જાદુગર મળી ગયો છે? મમ્મી તો કેવી ફુલફટાક ગોરી લાગે છે આ ડાર્ક ગ્રીન સાડીમાં! ને ડેડ, તમે ટીશર્ટ કોલરમાંથી લબડી પડેલું પહેરવાને બદલે ઠીકઠાક પહેરો છો. બેય સ્માર્ટ લાગો છો."

તુલસીને માંજર બેસી ગયેલાં. મનીપ્લાન્ટ વધીને બારીમાંથી બહાર ડોકાવા લાગેલો. તેનાં લીલાંછમ પાન પીળી લાઈનોથી શોભતાં હતાં. બારમાસી ગુલાબી ફૂલો આપવા લાગેલી. એની સાથે મેચિંગ ગુલાબી સાડી પહેરી મયુરી પોતાને અરીસામાં જોતાં. આજુબાજુ તેમનો 'પ્રશંસક' દેખાય તો એની તરફ જતાં.

'પ્રશંસક' જો એ બહાને નિકિતા સાથે છૂટ લેવા આંખ આડા કાન થતા હોય તો તેને ઉત્તેજન આપતો.

નિમિત્ત અને નિકિતા સાથે માસ્ક બાંધી દૂધ કે શાકભાજી લેવા જતાં. 'સોશિઅલ ડિસ્ટન્સ' રાખી ચાલતાં ક્યારેક થેલી નીચેથી હાથ મેળવી લેતાં, પછી હાથમાં હાથ મેળવી ચાલતાં. ઘેર આવીને તો ધોવા જ છે ને?

ફરી મોદીજીની સ્પીચ. અનલોક 1 આખરે આવ્યું. એ સાથે હવે આંતરરાજ્ય મુવમેન્ટ શરૂ થાય તેની જ રાહ જોવાની હતી. નિમિત્ત વગર લોકલ કે બસે ચાલતો એને જવું હતું તે અખબારની ઓફિસે પહોંચ્યો. ત્યાં તેનો ઓન ધ સ્પોટ ઇન્ટરવ્યૂ પણ લેવાઈ ગયો. તેને અત્યારે ઇનામના બેઇઝ પર કોલમિસ્ટ અને ક્વોલિફિકેશન મુજબ પત્રકારની નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયો. માસ્ક પહેરી તે પ્રેસ જવા લાગ્યો. પેઇંગ ગેસ્ટની વ્યવસ્થા હમણાં ક્યાંથી થાય? પણ એક કલીગને ઘેર રહેવા ગોઠવી બેગપેક લેવા ઘેર આવ્યો. નિકિતા 'અંકલ' ને ખભે હાથ મૂકી ઉભીઉભી તેમને ડાઈ કરી આપવા તૈયારી કરતી હતી.

જમીને લેપટોપ ઓન કર્યું- એક્ઝામનું રિઝલ્ટ આવેલું. નિકિતા પસંદ થઈ ચુકેલી.

"અંકલ, તો હું કાલથી જતો રહું. નિકિતા લેડી છે. એકલી ક્યાં રહેશે?" નિમિત્તે કહ્યું.

મયુરી એ રહે તો સારું એમ અંદરથી ઇચ્છતી હતી. નિકિતા પોતે જ કહે, "માસી, તમે બહુ વખત કર્યું. હું મારા પપ્પાના એક મિત્રને ઘેર જઈશ. નિમિત્ત તમને બહારનાં કામ માટે ઉપયોગી થશે. માસી તો કામકાજ કરવા ફીટ છે."

મયુરીએ મનમાં કહ્યું, "તારા માસાને ફીટ લાગું તો બહુ થયું."

મંદારને રોજ વસંત ખીલતી તેમાંથી પાનખર આવે એ ન ગમ્યું. આમેય છોકરીને એકલી ક્યાં રાખવી? સોમેશ સમજે એવો છે. નિમિત્ત ભલે જાય.

બન્ને જાય અને ઘર ખાલી થઈ જાય એ કરતાં પેઇંગગેસ્ટ તો એમ, બેય પોતાને ત્યાં રહે છે એમ જ રહે તો? મયુરીને સૂઝ્યું.

રાત્રે મયુરીએ પોતાની સખી સાથે વાત કરી. છોકરો હમણાં તો ક્યાંથી જુએ, પણ એક અમારી સાથે રહે છે, 'મને ખુબ ગમે છે' કહ્યું. સખીએ પોતાની પુત્રીને જ પૂછ્યું. શરમાઈને તેણે પણ પસંદગી દર્શાવી.

હવે મંદાર, મયુરી બરાબરનાં મૂંઝાયાં. દીકરીને વળાવે કે દીકરા માટે વહુ લાવે? કોને ટેમ્પરરી પણ જવા કહેવું?

મયુરીએ જ નક્કી કર્યું- અનલોક પછી પણ જેમ છે તેમ ચાલવા દો. એમનાં મા બાપ સગાઈ જાહેર કરી દે. ભલે આ હજી સુધી સૂક્કાં ઘરમાં એ બે લીલુડાં પાન ફરકતાં.

બારીમાંથી લોકડાઉનમાં શુદ્ધ થયેલી હવાની લહેરખી આવી અને એક સાથે તુલસી બારમાસી, પૂર્ણ વિકસિત મનીપ્લાન્ટનાં અને બે જીવતાં લીલુડાં પાન ફરકયાં.

-સુનીલ અંજારીયા
(કથા બીજ: હવામહલ પર પ્રસારિત નાટક)