Evil dead books and stories free download online pdf in Gujarati

Evil dead

Evil dead

બકુલ ડેકાટે

કોવિડ 19 બીમારીને કારણે ઘરમાં લોકડાઉન થઈને રહેવું સૌથી સલામત તકેદારી ગણી શકાય. પણ જો આવી જ કોઈક ભયંકર બીમારીથી બચવાના ઉપાયરૂપે તમે શહેરની ભીડભાડ ત્યજી જંગલ જેવા વિસ્તારમાં આવેલી એક લાકડાની કેબીનમાં સ્વેચ્છાએ લોકડાઉન થવા આવ્યા હોવ અને એ ઘરમાં જ કોરોના વાઇરસથીયે ભયંકર આપત્તી તમને મારવા તમારી પાછળ પડી જાય તો...
જો હું પૂછું કે કેટલાયે 2013માં રિલીઝ થયેલી મૂવી Evil Dead જોઈ છે તો શક્ય છે કે બે-ચાર હાથ હવામાં ઉઠી પણ જાય. પણ જો હું એમ પૂછું કે 1981માં (મારા જન્મ કરતા પણ પહેલાની) સેમ રૈમી દ્વારા લેખિત અને નિર્દેશિત ફિલ્મ Book of the Dead કેટલાયે જોઈ છે તો કદાચ એક પણ હાથ તેમના સ્થાનેથી ઇંચભર પણ નહીં ઉઠી શકે.
એવીલ ડેડ જોઈ ચૂકેલા મિત્રો એક વાતે જરૂર સહમત થશે કે ફિલ્મનું નામ Book of the dead વધુ બંધબેસતું આવે છે. એ જ રીતે સિફતપૂર્વક હું બીજી વાત ઉપર પણ તમને મારા મત સાથે સહમત કરીશ કે આ ફિલ્મ બધાં માટે નથી. ના, આમાં કોઈ ન્યુડિટી નથી, પણ ચીતરી ચડાવનાર દ્રશ્યોની ભરમાર જરૂર છે. સાથોસાથ રહસ્ય અને રોમાંચનો ચરચરાટ પણ મબલખ છે. અહીંયા હું કહેવા માંગીશ કે જો તમે લોકલ ટ્રેનમાં ચડો તો ધક્કામુક્કી અને ભીડભાડ જ મળશે. એ જ રીતે હોરર ફિલ્મમાં(એમાંય ખાસ હોલિવુડની ફિલ્મમાં) જુગુપ્સાપ્રેરક દ્રશ્યોનાં, ધબકાર ચૂકાવી દે એવા અણચિંતવ્યા ફફડાટ દર્શકોને ધ્રૂજાવી દેવા અધીરા હોય છે. આંખોનું મટકુંય ના મારવાની ઈચ્છા ધરાવતા હોવા છતાં પાંપણો ભીંસીને બંધ આંખે અને ખુલ્લા કાને ચીસાચીસ સાંભળી લેવી પડે એવી કાળજી બાહોશ ડાયરેક્ટર દ્વારા પ્રત્યેક દ્રશ્યમાં રાખવામાં આવતી હોય છે.
2013માં થિયેટરના પડદે ઝીલાયેલી એવીલ ડેડની બધી જવાબદારી પોતાના ખભે ઉપાડીને દર્શકોની રૂંવાટી ઊભી કરનાર વ્યક્તિ Fede Alvarez/ફેડ અલ્વારેઝ ફિલ્મનો ડાયરેક્ટર છે. લગભગ ચાલીસીએ પહોંચેલો આ ડાયરેકટર youtubeનાં માધ્યમથી આગળ આવેલો ટેલેન્ટેડ ફિલ્મમેકર છે. (Youtube vs. Tiktok વિવાદ કોને યાદ આવ્યું, ભાઈ) Aaron Morton/એરોન મોર્ટન નામના ફાડું સિનેમેટોગ્રાફર તેના વિઝ્યુઅલ ઇમેજીનેશન અને એંગલ કૌશલ વડે ફિલ્મને અલગ જ લેવલે લઈ ગયો છે. અલબત્ત, ફેડ અલ્વારેઝ અને રોડો સાયગુએસ નામના સ્ક્રીનપ્લે આર્ટિસ્ટ વગર બધું જ નકામું હતું. એટલે તેમને પણ બિરદાવવા રહ્યાં.
હવે મૂળ મુદ્દાને ન્યાય આપીએ. મૂળ મુદ્દો એટલે પાંસળીઓમાં ભીંસ અનુભવતા હૃદયના ધબકાર વધારી દે એવો પ્લોટ. એડ્રીનાલિન ગ્રંથિને તેજ ગતિએ સ્રાવ કરવા માટે મજબૂર કરે એવો સુપરનેચરલ હોરર પ્લોટ.
ફિલ્મની શરૂઆત થાય છે એક યુવતીને લાકડાંની કેબીન સુધી ઢસડી જતાં નરધમોની હેવાનિયતથી! નિર્દોષ લાગતી યુવતીનો સગો પિતા જ તેની દીકરીને નરબલી આપવા માટે શેતાની કલ્ટ(સંપ્રદાય)ના લોકોને સાથ આપે છે. બધાં લોકોની સાથે તેનો પિતા પણ એવું માને છે કે તેની દીકરી મનુષ્ય નથી, પણ કોઈ રાક્ષસ, એવીલ કે Demon/ડિમન છે. સુજ્ઞ વાચકોને આગળ કહેવાની જરૂરત નથી લાગતી કે લાકડાંની કેબિનમાં શું થયું હશે?
Demon શબ્દને લેખકે અથવા તો ડાયરેક્ટરે ખૂબ સરસ રીતે Acrostic શૈલીમાં રજૂ કર્યો છે. એક્રોસ્ટિક એ કાવ્યનો એક પ્રકાર છે, જેમાં દરેક પંક્તિનો પ્રથમ અક્ષર લઈને એક સ્પેલિંગ અથવા તો સંદેશ બને. એવું માનવામાં આવે છે કે એક્રોસ્ટિક શબ્દ ફ્રેન્ચ ભાષાના શબ્દ 'Acrostiche' પરથી ઉતરી આવ્યો છે. અલબત્ત, ઉમેદવારી નોંધવા માટે લાઈનમાં લેટિન અને પ્રાચીન ગ્રીક ભાષા પણ લાલ આંખો સાથે ઊભી છે.
જો તમે ફિલ્મના દરેક પાત્રના નામનો પ્રથમ મૂળાક્ષર અલગ તારવશો તો તમને એક શબ્દ મળશે. હવે ફિલ્મના પાત્રોના નામ વાંચો : David Allen, Eric, Mia Allen, Olivia અને Natalie. કયો શબ્દ બન્યો પ્રથમ મૂળાક્ષરથી? જી, હા. "Demon."
ફિલ્મના મુખ્ય પાત્ર છે મિયા એલન અને ડેવિડ એલન. બંને ભાઈબહેન છે. ડેવિડ તેની બહેનને ખૂબ પ્રેમ કરતો હોય છે. પણ મિયા ડ્રગ્સને પ્રેમ કરતી હોય છે. વ્યસ્તતા અને તણાવથી પનારો છોડાવવા માંગતી તે ડ્રગ્સના રવાડે ચડીને ક્યારે બંધાણી બની જાય છે, તેની જાણ તેને પણ નથી રહેતી. ડેવિડ તેની સારવાર કરાવે છે. ખૂબ કાળજી લે છે છતાં તેની તબિયતમાં સુધારો નથી થતો. ત્યારે ડેવિડ ડ્રગ્સની લત છોડાવવા તેને કોઈક જંગલની એક અવાવરું લાકડાંની કેબિનમાં લઈને આવે છે. જ્યાં નરબલી અપાયેલી ડિમન છોકરીનું ભૂત વાસ કરે છે. એવી કેબિનમાં ડેવિડની પ્રેયસી નતાલિયા અને મિયાના દોસ્તાર એરિક તથા ઓલિવિયા પણ વેકેશન માણવા પહોંચી જાય છે. જોકે તેમને માણવા મળે છે હચમચાવી નાખે એવી સુપરનેચરલ અને હોરર ઘટનાઓનો ઓવરડોઝ!
હિરોઇનને હેરોઇનથી બચાવવા માટે કેબિનમાં વસવાટ કરતા પાંચેય જણને અનાયાસે જ તેમના પાલતું કૂતરાંની મદદથી એક ગોપિત ભોંયરું જડી આવે છે. ભોંયરામાં કેટલાક પ્રાણીઓના શવ, ભંગાર અને ચામડાના કવરવાળું 'Naturom Demonto' નામનું એક શેતાની પુસ્તક મળે છે. કોઈને જાણ ન થાય એ રીતે એરિક તે પુસ્તક પોતાની બેગમ સેરવી લે છે.
જેમ ફ્રેન્કેઇનસ્ટાઈનના અંગોને સિવવાને કારણે ટાંકાના નિશાન દેખાતા હોય છે, એવા જ નિશાન તે કાળા જાદુના પુસ્તક પર હતાં. જિજ્ઞાસાવશ એરિક તે પુસ્તક ખોલે છે અને ભયજનક ચેતવણીને અવગણીને અંદરના કેટલાક ગૂઢ શબ્દોનું ઉચ્ચારણ કરે છે. જેને કારણે શેતાની શક્તિઓ પુસ્તકની કેદમાંથી મુક્ત થઈ જાય છે.
એરિક દ્વારા અજાણતાંમાં થયેલી નાનકડી ભૂલને કારણે ત્યારબાદ શરૂ થાય છે અગોચર ઘટનાઓની વણથંભી વણઝાર!
ઉપરોક્ત ઘટનાને કારણે માનસિક રીતે ભાંગી ગયેલી મિયાને રક્તથી લથપથ એક છોકરી વારંવાર દેખાય છે. જેની જાણ તે બધાંને કરે છે. પણ ડ્રગ્સ છોડી દેવાને કારણે તેને આભાસ થઈ રહ્યો છે એવું તેના મિત્રો અને ભાઈને લાગે છે. પરિણામે તેઓ તેની વાતો પર વિશ્વાસ નથી કરતાં. એટલે જ કંટાળીને તે કાર લઈને ત્યાંથી ભાગી નીકળે છે. કાળા અંધકારમાં ધુમમ્સ ઓઢીને સૂતા રસ્તામાં તેને ફરીથી એ જ જુગુપ્સાજનક છોકરી નગનાવસ્થામાં દેખાય છે. અચાનક થયેલાં ડરામણા આભાસને કારણે તેની ગાડી એક ઝાડ સાથે અથડાઈ જાય છે. તે ઝાડની વેલ જેવી ડાળખીઓ મિયાને પકડી લે છે અને તેના પર બળાત્કાર કરે છે. મિયાના શરીર પર ભૂતિયા શક્તિએ કબજો કરી લીધો છે, એવું ડાયરેક્ટર અહીંયા દર્શાવી રહ્યાં છે.
કેબિનમાં પરત ફરેલી મિયા હવે મનુષ્યને બદલે કાળા જાદુના કળણમાં ખૂંપી ગયેલી એક શેતાન હતી. એક દિવસ તે પાલતું કૂતરાંને હથોડી વડે મારી નાખે છે, ત્યારે ડેવિડને શંકા જાગે છે અને તે બહેનની સારવાર માટે તેને હોસ્પિટલમાં લઈ જવા માંગે છે. પણ મિયામાં રહેલો શેતાન જીવ ત્યારે હાથમાં બંદૂક સાથે ધમકી ઉચ્ચારે છે, કે તમારામાંથી કોઈ જીવિત નહિ બચી શકે અને ફાયરિંગ કરે છે.
તે સમયે બધાંની મદદથી ડેવિડ તેની બહેનને ભોંયરામાં કેદ કરે છે અને બારણાં પર જાડી સાંકળ બાંધી દે છે. જોકે અમંગળ ઘટનાઓ અટકતી નથી. એક બાદ એક મોત થાય છે. ત્યારે એરિક કબૂલાત કરે છે કે તે પુસ્તકને કારણે જ અઘટિત ઘટનાઓ ઘટી રહી છે. એરિક જણાવે છે કે પુસ્તકના લખાણ પ્રમાણે આ તમામ ઘટનાઓ ત્યારે જ અટકશે જ્યારે મિયાને જીવતી દાટવામાં આવશે!
શું થાય છે આગળ? ફિલ્મ લાંબી છે, એક એક દ્રશ્યમાં બેચેની અને ભયાનકતા ઠાંસીઠાંસીને ભર્યા છે. નાકનું ટેરવું ચડી જાય અને ઊબકાના ઉછાળા આવે એ રીતે આગળના દ્રશ્યો સરકતા રહે છે. એક ભાઈની લાચારી અને બહાદુરી શેતાન સાથે બાથ ભીડે છે. એક બહેનની હાલત ઝોમ્બી જેવી થઈ જાય છે. પણ આ વાર્તાનો અંત શું આવે છે?
એ જાણવા માટે તો તમારે ફિલ્મ જોવી જ રહી.
એક સલાહ રાત્રે ના જોતા. સવાર અથવા બપોરનો સમય ઉચિત રહેશે.

Image source - deadcelluloid. co. uk