badlaav books and stories free download online pdf in Gujarati

બદલાવ

"બદલાવ."

તેરા સાથ હે તો...મીના ગીત ગણગણતી બાથરૂમમાંથી નીકળી. મયુર તેને આશ્ર્ચર્યથી જોઇ રહ્યો અને બોલ્યો, "અરે! વાહ આજ તો મેડમ બહુ ખુશ છે." મીના હસીને બોલી, "હા, મયુર આપણા લગ્નના દસ વર્ષ થઇ ગયા. પણ ક્યારેય આપણે આટલો સમય શાંતિથી સાથે રહ્યાં નથી. તારી નોકરીમાં તું સવારે સાત વાગે નીકળી જતો તે રાત્રે આઠ વાગે પાછો આવતો. રવિવારે બીજા ઘણાં કામ પતાવવાના હોય. આથી થોડો સમય પણ નિરાંતે બેસીને વાત કરવાનો ન મળતો. આપણી જિંદગી મશીન જેવી થઇ ગઇ હતી. રાત્રે તું થાક્યો પાક્યો આવે અને ફ્રેશ થઇને ફ્રી થાય ત્યાં આપણી ધરા તારી રાહ જોઇને સુઇ ગઈ હોય! પૈસા અને બધી સગવડો છે છતાંય કંઈક ખૂટતું હોય એવું હંમેશા મને લાગતું. પણ અચાનક આ કોરોના વાયરસના સંક્રમણથી જાણે આખું વિશ્વ થંભી ગયું. અને જુદાજ પ્રકારનો બદલાવ આવી ગયો, આ મહામારીથી લોકોને ફરજીયાત ઘરમાં પુરાઇ રહેવાની ફરજ પડી. કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓને 'વર્ક ફોમ હોમ' આપીને આ વાયરસથી બચવાનો લાભ આપ્યો. આથી તું બે મહિનાથી ઘરમાં રહીને તારું કામ કરે છે અને અમને સમય પણ આપે છે, વર્ષોથી મને જે કંઇક ખટકતું હતું એ કમી જાણે આ વાયરસને લીધે પૂરી થઇ, આપણી ધરા પણ કેટલી ખુશ છે. તું એની સાથે રમે છે ત્યારે એના ચહેરા પરની ખુશી જોઇને મને પણ શેર લોહી ચઢે છે. "મયુર હસીને બોલ્યો, "હા, મીના તારી વાત બિલકુલ સાચી છે. હું ક્યારેય ઘરમાં ધ્યાન આપી શક્યો નથી. તે ધરા અને મારા માતા-પિતાની જવાબદારી પણ એકલા નિભાવી છે. આ લોકડાઉનના બે મહિનામાં મને પણ ઘણું સમજાયું છે. તું સવારના છ વાગ્યાથી ઊઠીને રાતના બધા સુઇ જાય ત્યાં સુધીની તમામ જવાબદારી એકલા સંભાળતી. મને એમ હતું કે ઘરના કામમાં બીજુ શું હોય? પણ હવે મને સમજાય છે. ઓફિસના કામ કરતાંય ઘરની જવાબદારી નિભાવવી બહુ અઘરી છે. એમાં ક્યારેય રવિવાર પણ નથી આવતો."
મીના મનમાં વિચારવા લાગી. ચાલો મયુરને હવે કદર તો થઈ. મારા માટે એટલુંયે બસ છે. અને આ બે મહિનાથી તો ઘર કામમાં પણ મદદ કરે છે. રસોઇ પણ શીખી ગયો, ભલે આ વાયરસથી કરોડો રૂપિયાનું દેશને નુકસાન થયું હશે. ઘણાં લોકો મૃત્યુ પણ પામ્યા. પણ માણસ જીવવાનુંજ ભૂલી ગયો હતો, એ ઇશ્વરે આ મહામારી દ્વારા ફરીથી જીવતાં શીખવ્યુ. વળી વિકાસની લ્હાયમાં પ્રકૃતિનો દાટ વાળ્યો હતો, શુધ્ધ હવા મળવી પણ મુશ્કેલ થઇ ગઇ હતી. તો અસહ્ય ગરમીને લીધે તમામ જીવ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા, પ્રદુષણે હદ વટાવી હતી. કહે છે ને અતિને ગતિ નથી હોતી. માણસ ન અટક્યો તો ઇશ્વરે રસ્તો કરી દીધો. આ પૃથ્વી ફક્ત મનુષ્ય માટે નથી પરંતુ તમામ જીવો માટે છે એ માણસ ભૂલી ગયો હતો. માણસ બે મહિના ઘરમાં રહ્યો તો પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઊઠી છે. નદીઓના પાણી શુધ્ધ થઇને વહી રહ્યાં છે. સાબર, હરણ, વાંદરા જેવા પ્રાણીઓ ઘણી જગ્યાએ રસ્તા પર કોઇ જાતના ડર વગર વિહરવા લાગ્યા છે. ટી.વી.માં એ આવા સમાચાર જોતી ત્યારે ખુશ થઇ જતી. એટલામાં એને કોયલનો મીઠો ટહુકો સંભળાયો એ દોડીને બાલ્કનીમાં ગઈ. દૂર એક ઝાડ પર કોયલ મીઠાં ટહુકા કરી હતી. અને તેની બાલ્કનીમાં ચકલીએ એ.સી.ના બોક્સમાં માળો કરી બે બચ્ચાંને જન્મ આપ્યોૃ હતો. મીનાએ માળામાં જોયું તો બંને બચ્ચાં ડોકું બહાર કાઢી જાણે તેને જોઇ રહ્યાં હતા અને આભાર માની રહ્યાં હતાં! મીના ત્યાં રોજ ચણ અને પાણી મૂકતી. ઘણાં વર્ષો પછી તેણે પોતાની બાલ્કનીમાં પંખીને જોયાં હતા.!

કુસુમ કુંડારિયા. જૂનાગઢ.