Lockdown Experiences and learnings books and stories free download online pdf in Gujarati

લોક ડાઉન અનુભવો અને શીખ - Work from Home

આજે જૂનાગઢમાં બેસીને એક કર્મચારી દિલ્હી, મુંબઈ, પુને, નોઈડા આ બધી જગ્યાએ ના લોકો ને કનેક્ટ કરીને અમારા બેંગ્લોરના ક્લાયન્ટ માટે કામ કરી રહ્યો છે આ હકીકત છે માનીએ કે ન માનીએ


અને આપણે lockdown ની અસર કહીએ કે ટેકનોલોજીનો કમાલ કહીએ હકીકત તો એ છે કે આજે ઘણા બધા કર્મચારી નિષ્ઠાથી ઈમાનદારીથી અને પૂરી જવાબદારી થી પોતાના ઘરેથી પોતાની સંસ્થા માટે નું કામ કરી રહ્યા છે


કદાચ થોડા સમય પહેલાં જો આપણે આ વાત કહી રહ્યા હોત તો કદાચ કોઈ આ વાતને માને જ નહીં પણ આજે જે સંસ્થાઓ વર્ક ફ્રોમ હોમ આપવા માટે તૈયાર નહોતી આજે એમની જોડે બીજું કોઈ જ વિકલ્પ નથી પણ એમના કર્મચારીને ઘરેથી કામ કરવું એ જ એકલો વિકલ્પ છે


હું તો માનું છું કે વર્ક ફ્રોમ હોમ કે ઘરેથી કામ આ એક બહુ જ મોટો બદલાવ છે આપણી કાર્યપદ્ધતિમાં અને આવતા સમયમાં આપણે જે રીતે કામ કરીએ છે અને જે રીતે સંસ્થાઓ કામ કરે છે ,જે રીતે સરકારો કામ કરે છે ,જે રીતે દુનિયામાં કામ થઈ રહ્યું છે , તેમાં ઘણો બદલાવ આવશે. આજે કોઇપણ માણસ દુનિયાના કોઇપણ ખૂણામાં બેસીને બીજા માણસ જોડે જાણે સામે જ બેઠું હોય એ રીતે વાર્તાલાપ અને ચર્ચા કરી શકે છે , ધંધામાં આજે એ નથી રહ્યું કે તમે મને મળવા આવો તો જ આપણે કામ થશે આજે એકબીજાને પર્સનલી મળ્યા વગર ઘણા બધા કામ થઈ રહ્યા છે.


વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓ અને સંસ્થાઓ બંને માટે લાભકારક પુરવાર થઈ રહ્યું છે , ઘણી બધી સંસ્થાઓ વર્ક ફ્રોમ હોમ ના ફાયદાઓ જોઈને તે તેમની કુલ કાર્યક્ષમતા માંથી ૨૫ થી ૩૦ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે લાંબા ગાળામાં વિચારી રહી છે.


આ વર્ક ફ્રોમ હોમ ના લીધે આપણી ઘણી બધી ધારણાઓ અને માન્યતાઓ કદાચ ખોટી પડી છે. વર્ક ફ્રોમ હોમ ના થોડા ફાયદા વિશે વાત કરીએ:


૧. કર્મચારી ઘરેથી શ્રેષ્ઠ કામ કરી શકે: કર્મચારી ઘરેથી કોઈ દિવસ સારું કામ ન કરી શકે આ માન્યતા ઘણા વર્ષોથી સંસ્થાઓ અને સંસ્થા ચલાવતા લોકોની હતી , હંમેશા તેમને એવું લાગતું હતું કે જ્યારે આપણે કર્મચારીને ઘરેથી કામ આપીશું ત્યારે એ ઘરેથી એટલી નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારી થી કામ નહીં જ કરે, આજે આપણે જોઈ રહ્યા છે છેલ્લા 40 દિવસથી મોટાભાગની સંસ્થાઓના કર્મચારી ઘરેથી જ કામ કરી રહ્યા છે અને ખૂબ લાભકારી પરિણામો જોઈ રહ્યા છે. હું એમ કહું તો ખોટો નથી કે આ વર્ક ફ્રોમ હોમ થી કર્મચારી અને સંસ્થા ચલાવનાર વચ્ચેનો ભરોસો ઘણો વધી ગયો છે.


૨. ઇન્ટરનેટ: આ વર્ક ફ્રોમ હોમ ના લીધે જાણે આ મારો મોબાઇલ ફોન અને ઈન્ટરનેટ તો મારું કામ કરવા માટેનું સાધન બની ગયા છે, આજે દેશના દરેક ખૂણામાં , શહેરમાં અને ગામડામાં માં વસતા નાગરિકને એ વાતનો વિશ્વાસ છે કે જો એની જોડે ઇન્ટરનેટ હશે તો એ ગમે ત્યાંથી પોતાને ગમતું અને પોતાની ક્ષમતા વાળું કામ કરી શકશે, એવું હંમેશા કહેવાય છે કે ઇન્ટરનેટ લોકોને જોડે છે અને ઇન્ટરનેટ હોય તો કોઈ પણ બેરોજગાર ન રહી શકે , આ વાત કદાચ આવતા સમયમાં સાચી થતી દેખાઈ રહી છે. ઘણા બધા ગ્રામીણ વિસ્તારોમાં કોલ સેન્ટર, ડેટા પ્રોસેસિંગ સેન્ટર - આ બધી સેવાઓ માં ઘણા બધા યુવાઓને આજે નોકરી મળી રહી છે.


૩. સ્કીલ ડેવલપમેન્ટ: આવતા સમયમાં અભણ એને નહીં કહેવાય કે જેને લખતા વાંચતા નથી આવડતું પણ એ કહેવાશે કે જેની જોડે કામ કરવાની આવડત નહીં હોય, જેમ દુનિયા બદલાઇ રહી છે, કામ કરવાના તરીકા પણ બદલાઈ રહ્યા છે જેમાં અવનવી જુદી જુદી કાર્યશૈલી પદ્ધતિઓ ની જરૂર છે, કદાચ લખતા વાંચતા તો ઘણા બધા ને આવડશે પણ જે આ નવી નવી કાર્યશૈલીની પદ્ધતિઓ શીખશે એ જ આવતા સમયમાં ખૂબ આગળ વધશે હશે. આ સમયમાં લોકો ઘરે રહીને ઘણું બધું શીખી રહ્યા છે ,ઘણી બધી સંસ્થાઓ કેટલા બધા જુદા જુદા કાર્યક્રમો અત્યારે શીખવા માટે મફતમાં આપી રહી છે અને એનો લાભ દુનિયાભરમાં ઘણા બધા લોકો લઇ રહ્યા છે.


૪. પર્યાવરણ: અત્યારે જ્યારે આખી દુનિયાના મોટા ભાગના દેશો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે ,ત્યારે આપણા પર્યાવરણ પર તેની ખૂબ જ સારી અસર થઇ રહી છે. હમણાં જ એક રિપોર્ટમાં વાંચ્યું કે આપણા ઓઝોન લેયર નું હીલિંગ થઈ રહ્યું છે, ઘણા બધાએ સોશિયલ મીડિયા પર ફોટા જોયા જ હશે કે પંજાબથી હિમાલય દેખાય છે, રસ્તા પર કોઈ ધમધમતા સાધનો નથી , ઓફિસમાં ચાલતા એસી નથી ,અત્યારે ફેક્ટરીઓ ના ભુંગળા માંથી ધુમાડો નથી નીકળી રહ્યો, વિમાન નો અવાજ પણ અટકી ગયો છે, કે નથી રેલગાડી નો અવાજ્. સવારે કલરવ કરતા પક્ષીઓનો મધુર અવાજ , સૂર્યોદય અને સૂર્યાસ્ત નો નજારો, ખબર નહિ આવું ફરીથી ક્યારે આપણને જોવા મળશે. કાલ્પનિક છે પણ જો દર વર્ષે ૩૦ દિવસ આપણે આવી જ રીતે આપણા ઘરેથી કામ કરીએ તો પર્યાવરણને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે.


૫. પારિવારિક સ્નેહ અને લાગણીઓ: કદાચ આપણા દોડતા જીવનમાં સમયના અભાવમાં આપણે આપણા પોતાના પરિવારથી ઘણા દૂર થઈ ગયા હતા, કદાચ એક જ ઘરમાં રહેતા હતા એક બીજા જોડે વાતો જ ઓછી કરતા હતા, પોતાના માતા-પિતા સાથે , ભાઈ બહેન સાથે, ધર્મપત્ની સાથે , પુત્ર-પુત્રી સાથે જાણે હંમેશા સમય ઓછો જ પડતો હતો. પણ મને ખાતરી છે કે છેલ્લા 40 દિવસથી તમારી જોડે પૂરતો સમય છે જે તમે તમારા પરિવાર જોડે પ્રેમથી વિતાવી શકો છો. બધી જૂની યાદોને તાજી કરો અને ખૂબ જ પ્રફુલ્લિત થઈ જાવ. આ વર્ક ફ્રોમ હોમ નું પરિણામ છે.


૬. સર્જનાત્મક શોખ: આ પરિસ્થિતિનો ઘણા બધા લોકો પોતાના સર્જનાત્મક શોખ પૂરા કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે, ઘણા બધા પુરુષો રસોડામાં જાતભાતની નવી વાનગીઓ બનાવી રહ્યા છે, કોઈ પોતાનું જૂનું ચિત્ર બનાવવાનું શોખ ફરીથી પૂરો કરી રહ્યા છે, કોઈ પોતાનું ધૂળ ખાતું ગીતાર કાઢીને કોઈ ધૂન બનાવી રહ્યું છે , કોઈ કલમ અને ડાયરી લઇને પોતાની કવિતાઓ ને શબ્દ આપી રહ્યા છે, કોઈ પોતાની મનગમતી ચોપડીના ચાર પાનાં વાંચી રહ્યું છે. પોતાની ઘણી બધી સર્જનાત્મક વસ્તુઓ જે બાકી હતી અને પૂરી કરવાનો આ સમયમાં ફાયદો લઈ રહ્યા છે.


૭. વસુધૈવ કુટુમ્બકમ: આજે જાણે અમેરિકામાં , ફ્રાન્સમાં, સ્પેનમાં , ઇટલીમાં, જર્મનીમાં કે પછી આપણા દેશના બીજા રાજ્યમાં પણ કોઈ લોકોનું કોરોના થી મૃત્યુ થાય છે તો જેમ કે આપણને ખૂબ જ આઘાત અને દુઃખ લાગી રહ્યો છે. હું માનું છું ત્યાં સુધી કદાચ આજ પહેલા વિશ્વ આટલું જોડે બંધાયું નોતું જેટલું આજે બંધાયેલું છે. આજે એક દેશ બીજા દેશના દુઃખમાં જોડે ખભા થી ખભો મિલાવીને લડાઈ લડી રહ્યું છે. આપણા માટે આપણા નજીકના સફાઇ કર્મીઓ, પોલીસ, મેડિકલ સ્ટાફ આ બધા માટે જાણે એકદમ જ ખૂબ બધી લાગણીઓ ઉભરાઈ ગઈ છે, કદાચ આપણને આ અહેસાસ ના થાત જો આપણે વર્ક ફ્રોમ હોમ ના કરી રહ્યા હોત.


આપણે ગુજરાતીઓએ ઘણી બધી મહામારીનો સામનો કર્યો છે ,પછી એ દુકાળ હોય, ભૂકંપ હોય કે પછી આ કોરોના હોય, ગુજરાતી હંમેશા પોતાની ખમીર અને સકારાત્મક શક્તિ થી હંમેશા બધી જ મહામારીને પાછળ છોડીને અડીખમ આગળ વધ્યું છે - જય જય ગરવી ગુજરાત.



લી.

જપન શાહ