AARYA : WEB REVIEW books and stories free download online pdf in Gujarati

AARYA : WEB REVIEW

આર્યા : તું બન જા શેરની

સપ્ટેમ્બર 2010, ડચ ભાષામાં "penoza" નામે એક વેબસિરિઝ આવેલી. એ વેબસિરિઝમાં થોડું ભાંગ-તૂટ કરી, થિંગડાં લગાવી ને હોટસ્ટાર વાળાએ "Aarya" વેબસિરિઝ બનાવી. લગભગ હોટસ્ટાર પર આવેલી બધી વેબસિરિઝ કોઈને કોઈ સિરીઝની નકલ જ છે. પણ હા, બધી સ્ટોરી મજેદાર અને કંટાળારહિત છે. એટલે કે, ક્વૉલિટી જાળવી રાખેલ છે.

જેમ love અને warમાં બધું જ શક્ય છે તેમ હવે પોતાના પરિવારને બચાવવા પણ બધું જ શક્ય અને સત્ય છે. તમારા ઘર પર કોઈ આફત ફાટી પડે, તમને કોઈક ફસાવવા તૈયાર હોય તો તમે શું કરશો?? કઈ હદ સુધી સહન કરશો?? અને કઈ હદ સુધી પરાક્રમ કરી શકશો?? ખૂન કરી શકો?? અફેર કરી શકો?? લાંચ-રૂશ્વત લઈ કે આપી શકો?? બે નંબરી ધંધો??? હા, જયારે ઠેસ આપણને વાગે ત્યારે જ આ બધું સમજાય. વાત અહીં એ જ છે.

જયારે વાત પરિવારને બચાવવાની આવે ત્યારે સંસ્કારનો ભાર બાજું પર મૂકીને ખરાબ થઈ જવામાં જ ભલાઈ.

આર્યા એટલે સુસ્મિતા સેન. 2015માં બંગાલી ફિલ્મ "નિર્બાક"(સ્પીચલેસ) આપ્યાં બાદ ફરી સ્ક્રીન પર જાદૂ કર્યો છે. સુસ્મિતા સેને એમની લોકચાહના મુજબ વધુ ફિલ્મો કરવા જોઈએ પરંતુ એ નથી કરતી. કારણ?? એ જિંદગી જીવે છે. એને પરિવાર સાથે રહેવું અને એને પોષણ આપવું ખૂબ ગમે છે. પરંતુ આ વેબસિરિઝમાં એમની એક્ટિંગ ચમકાટ મારે છે. મતલબ કે આખી સિરીઝ પોતાના ખભે લઈને દોડી છે.

આર્યાનો પતિ તેજ સરીન, એનો ભાઈ સંગરામ અને એક મિત્ર જવાહર આ ત્રણેય મળીને દવાનો ધંધો કરતાં હોય છે. અને દવાનાં બહાને અફીણ પણ પધરાવતાં હોય છે. જે વાત આર્યાને ખબર ન્હોતી. આર્યા પહેલેથી આવા બે નંબરી કામોની વિરોધી. એને તો બસ, એક સારો લીગલ બિઝનેસ હોય અને એનાં 2 છોકરા અને એક છોકરી બધાં સુખીથી રહેતા હોય એ જ ગમતું. સંગરામ એક દિવસ 300 કરોડની ડ્રગ-ડીલ કરી આવે, જે તેજ ને નથી ગમતું. અને એ 300 કરોડ બીજા કોઈના નહિ પરંતુ શેખાવતના હોય છે. જે વિલન-બિઝનેસમેન.

હવે સ્ટોરી વળાંકો લે છે. આર્યાની બહેનની સાદી પછી તેજનું ખૂન થવું, સંગરામનું ડ્રગ્સ સાથે પકડાવું, 300 કરોડનો ડ્રગ્સ ચોરી થઈ જવો, તેજનું ખૂન આર્યાના નાના દીકરા આદીએ લાઇવ જોયું, દવાખાનામાં તેજનું અવસાન, ખૂનનો આરોપ જવાહર પર, પોલીસ તપાસ શરૂ, આર્યાના પપ્પાના લફરાઓ અને એનો જલવો, સંગરામનું જેલમાં જવું, અને આર્યાનું ઘર ચેકીંગ થવું, તેજે એક પેન-ડ્રાઇવ આર્યાને આપેલી એ પેન-ડ્રાઇવ પાછળ પોલીસનું પડવું, કારણ કે, એમાં સંગરામે અને જવાહરે કરેલાં કાળા ધંધાની માહિતીઓ હતી. જેવો તેજ મર્યો કે સંગરામે 300 કરોડની ડીલ તેજના નામે ચડાવી. એટલે કે, સ્ટોરી એવી ગૂંચવાઈ કે આર્યા કેન્દ્રમાં આવી જાય.

સમય બધાને બદલાવી દે છે. જે વસ્તુથી આર્યા દૂર ભાગતી એ જ વસ્તુની એ એકદમ નજીક આવી ગઈ. તેજના ખૂનીને પકડવામાં લાગેલી આર્યા હવે બધું કરવા લાગી. શેખાવત સાથે બિઝનેસ, ખૂન-ખરાબા, પોલીસને પણ રમાડતી, અને પરિવારને પણ સાચવતી. અને એનાં પપ્પાને પણ...!!

નારી તું ના હારી એટલે આર્યા. ક્યાંક હાથ જોડીને તો કોઇકના પગ તોડીને, ક્યાંક પ્રેમનું નાટક કરીને તો ક્યાંક પરિવારની ઢાલ બનીને એ બધાનો સામનો કરે છે. અને આ લડાઈમાં એનો સાથ આપે છે દૌલત. જે એના પપ્પાનો ખાસ માણસ હોય છે. એક તરફ શેખાવતનો દબાવ, પોલીસની નજર, જવાહરનાં સળી-સંચા, સંગરામની ઉલટી ગેમ, અને આદિની માનસિક સ્થિતિ. સ્ટોરીમાં એક સમયે આર્યાનો આખો પરિવાર અડીખમ બનીને લડતો હોય છે. પોતાના પરિવારને બચાવવામાં કઈ સાચું કે ખોટું નથી હોતું. બસ, એને બચાવવાનો હોય છે. છેલ્લે ઘણા રહસ્યો ખૂલે છે. ધ્યાનથી બધું જોશો તો તમે પણ રહસ્યો કહી શકશો નહીં તો લાસ્ટ એપિસોડમાં બધું આવે જ છે.

9 એપિસોડ એટલે વચ્ચે સ્ટોરી ખેંચાઈ ગઈ એવું લાગે જ. પરંતુ એક જોવા જેવી સિરીઝ છે. બધાની એક્ટિંગ પકડી રાખે એવી. અને સુસ્મિતા સેનની કમાલ તો લાજવાબ. અને હા, નાના છોકરા આદિની એક્ટિંગથી તમે પ્રભાવિત થઈ જશો. એનો રોલ પણ મૂખ્ય છે.

છેલ્લે એક ડાયલોગ સાથે સ્ટોરી પુરી થાય છે કે, "હર બાર બાત સહી ઔર ગલત કી નહીં, બલકી ગલત ઔર કમ-ગલત કી હોતી હૈ..."

અને હા, સિઝન-૨ પણ આવશે જ હો...!!

- જયદેવ પુરોહિત

Www.jaydevpurohit.com