Manavatana Tanavana books and stories free download online pdf in Gujarati

માનવતાના તાણાવાણા

*** માનવતાના તાણાવાણા ***

સિરિયાના ગૃહ યુધ્ધના અસરગ્રસ્તોને શરણાર્થી તરીકે પોતાના દેશમાં માનવતાના ધોરણે આશ્રય આપવા અને તેમને વસાવવા કેનેડા સરકારની જાહેરાત પછી સિરિયાથી આવતા શરણાર્થીઓને આવકારવા અલબર્ટાના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કેનેડાના પ્રધાનમંત્રી, કેનેડાના વિદેશ મંત્રી, અન્ય ગણમાન્ય રાજકીય નેતાઓ, યુનાઈટેડ નેશન્સ હાઈકમિશ્નર ઓફ રેફયુજીસ (UNHCR) કેનેડાના સભ્યો તેમજ વિવિધ એન.જી.ઓ., ખાનગી અને સરકારી સ્પોન્સર્સના સભ્યો હાજર હતા. વિમાન લેન્ડ થયા બાદ યાત્રીઓ ઈમીગ્રેશનની વિધિ પતાવી વિમાનમથકમાં ઉભા કરાયેલ વિશેષ સમિયાણામાં પહોચ્યા ત્યારે સૌએ બધાનું ઉમળકાભેર સ્વાગત કર્યું. આ વિમાનમાં મુખત્વે સ્ત્રીઓ અને બાળકો મળી કુલ ૨૫૫ શરણાર્થીઓ હતા. હવાઈ હુમલાઓમાં ઘાયલ થયેલા લોકોના પાટાપીંડી વાળા શરીરો જોઈ તેમના તરફ અનુકંપા થવી સ્વાભાવિક હતી. શરણાર્થીઓ તેમને મળેલ સન્માન જોઈ ભાવુક થઇ પોતાના દુ:ખોને વિસરી કેનેડાના તેમના યજમાનોને અહોભાવ પૂર્વક નિહાળી રહ્યા. દરેક શરણાર્થીઓને જરૂરીયાત મુજબની રસી આપવામાં આવી અને ત્યારબાદ સરકાર દ્વારા તેમના માટે તૈયાર કરવામાં આવેલા કેમ્પ તરફ રવાના થયા.
કેનેડા સરકારે કેટલાક ખાનગી સ્પોન્સર્સને તેમની અનુકૂળતા મુજબના શરણાર્થીઓને પોતાના ઘરમાં રાખી તેમનું પુન:સ્થાપન અને પુનર્વસન કરવા મંજુરી આપેલ હતી. બેન્જામીન અને તેમની પત્ની તાન્યાને એક ૧૫ વર્ષની દિકરી હતી જે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. તેમની પાસે ખુબ મોટું ઘર હતું અને એક-બે શરણાર્થીઓને આશ્રય આપી તેમનું પુનર્વસનકરી શકે તેવી પોતાને આવક પણ હતી. માનવતાથી પ્રેરાઈ તેઓએ એક શરણાર્થીને દત્તક લઇ પોતાના ઘરે રાખી પુનર્વસનકરવા મંજુરી આપવા સરકારને વિનંતિ કરેલ હતી. કેનેડીયન સરકાર તરફથી તેમને મંજુરી મળતાં તેઓ આજે કોઈ એક બાળકને દત્તક લેવાના ઈરાદાથી શરણાર્થી કેમ્પમાં આવ્યા હતા. કેમ્પમાં શરણાર્થીઓ માટે કેનેડીયન સરકાર તરફથી ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આજે આવેલ શરણાર્થીઓમાંથી તેમણે એક ૧૦-૧૨ વર્ષના બાળકને પોતાના ઘરે રાખી તેનું પુનર્વસન કરવા પસંદગી ઉતારી હતી. તેમણે પસંદ કરેલ બાળકનું નામ શમ્સ અલ રજબ હતું. તે ન્યુરો મસ્ક્યુલર ડીસઓર્ડર (સ્નાયુ જકડાઈ જવા) નામના રોગથી પીડાતો હતો. એક હવાઈ હુમલામાં શમ્શના ઘર ઉપર બોમ્બ પડતાં તેનું ઘર ધરાશાઈ થઇ ગયું હતું. તેનું આખું કુટુંબ કાટમાળ હેઠળ દબાઈ ગયું હતું. તેને રેસ્ક્યુ ટીમ દ્વારા ત્રણ દિવસ પછી કાટમાળ હેઠળથી બેહોશીની હાલતમાં કાઢવામાં આવ્યો હતો. તેને માથામાં ખુબ ગંભીર ઈજાઓ થઇ હતી અને ત્રણ દિવસ સુધી કાટમાળ હેઠળ પડી રહેવાના કારણે તેને ન્યુરો મસ્ક્યુલર ડીસઓર્ડર નો રોગ થયો હતો.
શમ્શના કુટુંબમાં તેના ઉપરાંત માતા-પિતા, એક નાની બહેન અને એક નાનો ભાઈ એમ પાંચ જણ હતા. તેના કુટુંબના અન્ય સભ્યો અંગે હાલ તેની પાસે કોઈ જાણકારી ન હતી. ન્યુરો મસ્ક્યુલર ડીસઓર્ડર રોગના કારણે તેને હલન ચલનમાં ખુબ તકલીફ પડતી હતી. બીજાના સહારા વિના તે પોતાની રોજિંદી ક્રિયાઓ કરવા અસમર્થ હતો. બેન્જામીન અને તાન્યાએ સૌ પ્રથમ શમ્શને અલબર્ટાની મશહુર સેન્ટ જોસેફ ઓકઝીલીયરી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કર્યો. તેઓ શમ્સની પોતાના દિકરાની જેમ કાળજી લેતા હતા. સારવારથી શમ્સ ધીરે ધીરે સાજો થવા માંડયો હતો. દર મહિને છેલ્લા વિક એન્ડ વખતે તેમની દીકરી જુલીયા ઘરે આવતી ત્યારે તે પણ શમ્શને મળવા પોતાના પેરેન્ટ્સ સાથે હોસ્પિટલ જતી. શમ્શ જુલીયાને જોઈ ખુશ થઇ જતો. શમ્સ અને જુલીયા વચ્ચે ભાઈ બહેન જેવો સ્નેહ હતો. સતત છ માસની


સારવાર પછી શમ્શ નોર્મલ થયો. હોસ્પીટલમાંથી રજા મળતાં શમ્શ પોતાના દત્તક માતા પિતાના ઘરે પરત આવ્યો. હવે તે કોઈના પણ સહારા વિના એકલો હરીફરી શકતો હતો, સ્પષ્ટ બોલી શકતો હતો અને લખી પણ શકતો હતો. સિરીયાની રાષ્ટ્રીય ભાષા અરબી હોવાથી શમ્શે અરબી ભાષામાં શિક્ષણ મેળવ્યું હતું. તે ભાગ્યું તૂટ્યું અંગ્રેજી પણ જાણતો હતો.
બેન્જામીન અને તાન્યાનું ઘર ૧૦ એવન્યુ નોર્થ ઈસ્ટમાં હતું. ઘર સામે એક વિશાળ રસ્તો હતો. શેરીના વળાંક પાસે એક નાનકડો બગીચો પણ હતો. જયારે જુલીયા ઘરે આવે ત્યારે શમ્શ તેની સાથે તે બગીચામાં રમવા જતો. બીજા કેટલાક તેની ઉંમરના બાળકો સાથે તેને દોસ્તી પણ થઇ હતી. શૈક્ષણીક વર્ષ શરુ થતાં શમ્શને એક શાળામાં દાખલ કરવામાં આવ્યો. તે ધીરે ધીરે અંગ્રેજી ભાષા શીખતો હતો અને ભણતો હતો. સિરિયાના ડામાડોળ સામાજિક વાતાવરણ અને પોતાના કુટુંબથી વિખૂટા પડવાનાં કારણે કે તેને માથામાં થયેલ ગંભીર ઈજાના કારણે તેને ભણવામાં રસ પડતો ન હતો. ભણવામાં તે હોશિયાર પણ ન હતો. બેન્જામીન અને તાન્યા તેને ભણવામાં રસ લેતો કરવા માનસિક રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરતા હતા.
શમ્સના આગમનના લગભગ દસ માસ પછી પવિત્ર રમઝાન માસનું આગમન થવાનું હતું. બેન્જામીન અને તાન્યાને ઇસ્લામ ધર્મ વિષે કોઈ વિશેષ જાણકારી ન હતી. રમઝાન માસના રોઝા અને અન્ય ઇબાદતો કરવામાં શમ્શને તકલીફ ન પડે તે હેતુસર બેન્જામીન અને તાન્યા એક દિવસે પોતાના રહેઠાણથી થોડીક દુર આવેલ અક્રમ જુમ્મા મસ્જીદમાં જઈ મૌલાના પાસેથી રમઝાનના રોઝા અને અન્ય રમઝાનની ઇબાદતો વિષે જાણકારી મેળવી. પરત ફરતી વખતે તેઓ એક કુરઆન શરીફ પણ શમ્શ માટે ખરીદ કરી લેતાં આવ્યા. કુરઆન શરીફ જોઈ શમ્શ ખૂબ ખુશ થયો અને તેનું પઠન કરવા લાગ્યો. રમઝાન માસના પ્રારંભે બેન્જામીન અને તાન્યાએ શમ્શને કંપની આપવા એક દિવસનો રોઝો પણ રાખ્યો. રોજ સવારે તાન્યા ખુબ જતનથી શમ્શ માટે તેને ભાવતી વાનગી બનાવી સેહરીમાં પીરસતી. શમ્શ મનમાં ને મનમાં તાન્યાનો આભાર માની રોઝા અદા કરતો અને તેમની તંદુરસ્તી માટે અલ્લાહ રબ્બુલ ઈજ્જતને દુઆ કરતો. શમ્શ ઇફતારી માટે રોજ સાંજે મસ્જીદમાં ચાલ્યો જતો અને મોડી રાત્રે તરાહવીની નમાજ અદા કરી પરત આવતો. તે રોજ બપોરે સ્કુલેથી પરત આવી ખુબ સરસ અવાજે કુરાનનું પઠન કરતો. તાન્યા તન્મય થઇ કુરઆનની આયતો સાંભળતી. કુરઆનના પઠન પછી રોજ શમ્શ તાન્યાને પઠનનો સારાંશ સંભળાવતો. તાન્યા પણ બાઈબલમાંથી કોઈ પ્રેરક પ્રસંગ શમ્શને સંભળાવતી આમ રમઝાન માસ પસાર થવા લાગ્યો.
હજુ ઇદના તહેવારને દસ દિવસની વાર હતી પરંતુ તાન્યા ઇદની ઉજવણી અર્થે શમ્શ માટે બે જોડી નવા કપડાં ખરીદી લાવી. તે જોઈ શમ્સ રડવા લાગ્યો. તાન્યાને લાગ્યું કદાચ તેને કપડાં ગમ્યા નથી તેથી તે રડવા લાગ્યો હશે.
થોડીવારે શમ્શ શાંત થયો ત્યારે તાન્યાએ તેના રડવાનું કારણ પૂછ્યું તો તેણે ગળગળા આવજે જણાવ્યુ “ગઈ સાલ ઈદ વખતે મારા અબ્બુ ફકત મારી બહેન ગઝાલા માટે જ એક જોડી નવા કપડાં લાવ્યા ત્યારે મેં પણ નવા કપડાં લેવા માટે ખૂબ જીદ કરી હતી. મારા અબ્બુએ મને વચન આપ્યું હતું કે ઇન્શા અલ્લાહ આવતી સાલની ઇદના દિવસે તે બે જોડી નવા કપડાં મને લાવી આપશે. મારા અબ્બુની વાત આજે સાચી પડી છે ઈદ માટે આજે મારી પાસે બે જોડી


નવા કપડા છે પરંતુ મારા અબ્બુ મારી સાથે નથી તેથી મને રડવું આવી ગયું હતું.” આ વાત સાંભળી તાન્યાના આંખના ખૂણા પણ ભીના થઇ ગયા. તેણે શમ્શને પોતાના આગોશમાં સમાવી લીધો. શમ્શ ફરીથી રડી પડ્યો.
એક દિવસે ટેલીવિઝન પર સિરિયાના શરણાર્થીઓ વિષે એક ડોક્યુમેન્ટરી પ્રસારિત થઇ રહી હતી. તાન્યા અને શમ્શ સાથે બેસી તે ડોક્યુમેન્ટરી નિહાળી રહ્યા હતા. વિવિધ કેમ્પોમાં વસાવવામાં આવેલા શરણાર્થીઓની વિગતો તેમના ફોટાઓ સાથે દર્શાવવામાં આવી રહી હતી. શરણાર્થીઓના ખર્ચને પહોચી વળવા લોકોને છુટા હાથે દાન આપવા અપીલ પણ કરવામાં આવી રહી હતી. ડોક્યુમેન્ટરીના અંતમાં હાથ પગ વિનાના એક ત્રણેક વર્ષના બાળકનો વિડીયો દર્શાવવામાં આવ્યો. હવાઈ હુમલામાં તેના હાથ અને પગ સખત રીતે ઘાયલ થયા હતા તેથી તેનો જીવ બચાવવા ડૉકટરોને તેના હાથ અને પગ મૂળમાંથી કાપી નાખવાની ફરજ પડી હતી. તે બાળક હાલ તંદુરસ્ત હતું અને યુનાઈટેડ નેશન્સ હાઈકમિશ્નર ઓફ રેફયુજીસ (UNHCR)ના ટોરંટો ખાતેના કેમ્પમાં તેનો ઉછેર થઇ રહ્યો હતો. આ કેમ્પમાં મોટાભાગે પાંચ વર્ષથી નીચેના આવા ડીસ-એબલ (ખોડખાંપણ વાળા) બાળકોનો ઉછેર કરવામાં આવી રહ્યો હતો. કેમ્પમાં બનાવેલ નાનકડા બગીચામાં બાળકોના મનોરંજન માટે હિંચકા, ચકડોળ અને લપસણી વિગેરે મુકવામાં આવેલ હતા. આ અપંગ બાળક કોઈના પણ સહારા વિના પોતાની દાઢીનો ટેકો લઇ ખુબ મહેનત કરી લપસણીના એક પછી એક પગથિયાં જાતે ચઢી લપસવાની મજા માણતું દર્શાવવામાં આવ્યું હતું. જો કોઈ તેને લપસણીના પગથિયાં ચડવામાં મદદ કરે તો મદદ સ્વિકારવાની તે ના પડી દેતો. પોતે સંઘર્ષ કરી વારંવાર પોતાની દાઢીના ટેકાના સહારે લપસણીના એક પછી એક પગથિયાં જાતે ચડી લપસણીની મજા માણી ખુશ થતો હતો. તેના ચહેરા પરનું વિજયી હાસ્ય જોઈ પ્રેક્ષકો પણ ખુશ થતા હતા. તે બાળકના માતા પિતા વિષે કોઈ માહિતી કેનેડીયન સરકાર પાસે ન હોવાથી તેની વિગતો મેળવવા સરકાર દ્વારા આ વિડીયો ટેલીવિઝન પર દર્શાવવામાં આવ્યો હોવાનો સંદેશો મૂકી જો કોઈની પાસે આ બાળક વિષે કોઈ વિગતો હોયતો સરકારને ડોક્યુમેન્ટરીમાં જણાવેલ ટેલીફોન નંબર પર પૂરી પાડવા વિનંતી કરવામાં આવી હતી.
શમ્શ તે વિડીઓ જોઈ એકદમ રડવા લાગ્યો. તેણે તાન્યાને કહ્યું ,” તે તેના નાના ભાઈ નાસિર જેવો છે. મને લાગે છે કે કદાચ તે નાસિર જ છે. નાસિરના હાથ પગ સલામત હતા પરંતુ આ વિડીયોમાં તેના હાથ પગ કપાએલા છે માટે હું ચોકકસ કહી શકું તેમ નથી પરંતુ જો હું તેને રૂબરૂ જોવું તો ઓળખી જાઉં.” તેણે તરતજ ટોરંટો જઈ નાસીરને મળવાની જીદ પકડી. તાન્યાએ પોતાના ટેલીવિઝનમાં રેકર્ડ થયેલા પ્રોગ્રામમાંથી સરકારે જાહેર કરેલ ટેલીફોન નંબર પર ફોન જોડી તેની પાસે આ બાળક વિષે કઈક માહિતી હોવાનું જણાવ્યું અને તે આવતી કાલે કેમ્પમાં રૂબરૂ આવી માહિતી આપશે તેવું પણ જણાવ્યું.
બીજા દિવસે બેન્જામીન અને તાન્યા શમ્શ સાથે ટોરંટોના શરણાર્થી કેમ્પમાં પહોંચ્યા ત્યારે મેનેજમેન્ટના સભ્યો તેમની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. નાસિર તે વખતે સૂતેલો હતો. શમ્શે તેને ઓળખી લીધો. તે તેનો ભાઈ જ હતો. તેણે હળવેથી તેના માથે હાથ ફ્ર્વ્યો અને રડતી આંખે તેના વાળમાં પોતાની આંગળીઓ ફેરવવા લાગ્યો. નાસિરે પોતાની આંખો ખોલી તો તેની નજર શમ્શ પર પડી. તે પોતાના ભાઈ શમ્શને ઓળખી ગયો અને એકદમ સફાળો બેઠો થવા ગયો પરંતુ હાથ પગ ન હોવાથી તે બેઠો થઇ શકયો નહિ. માછલીની જેમ સરકતા નાસિરને શમ્શે પોતાના ખોળામાં ખેંચી લઇ તેને વહાલ કરવા લાગ્યો. તેમને જોઈ રહેલા તમામની આંખોના ખૂણા ભીના થઇ ગયા.શમ્સ અને નાસિર ઘણા


સમય સુધી એક બીજાને વળગી વહાલ કરતા રહ્યા. નાસિર હજુ સ્પષ્ટ બોલી શકતો ન હોવાથી તેની કાલી ઘેલી બોલીથી શમ્સને ફરીયાદ સાથે વહાલ કરતો રહ્યો.
શમ્સ પાસેથી કેમ્પ મેનેજમેન્ટે નાસિરની વિગતો મેળવી. શમ્શ નાસિરને બગીચામાં પેલી લપસણી પાસે લઇ ગયો અને ઘણીવાર સુધી પગથિયાં ચડી લપસણી પર લપસવાની મજા માણતા ભાઈને ભાવ વિભોર આંખે જોતો રહ્યો.
બપોર પછી બેન્જામીન અને તાન્યા પરત ફરવાની તૈયારી કરતા હતા અને શમ્શ નાસિર સાથે ગમ્મત કરી રહ્યો હતો, તેવામાં એક પિસ્તાલીસ વર્ષની બાઈનું ઝડપી આગમન થયું. તેના પહેરવેશ પરથી તે સિરિયન જણાતી હતી. તેણે મેનેજમેન્ટને અરબીમાં જણાવ્યુંકે તેનું નામ સારા છે અને ટેલીવિઝન પર ડોક્યુમેન્ટરીમાં જે અપંગ બાળક દર્શાવવામાં આવ્યું છે તેની તે માતા છે. તે બાઈનો આવાજ સાંભળી શમ્શ એકદમ તેના તરફ ફર્યો. તેને જોઈ તે એકદમ અમ્મી અમ્મી કહી તેને વળગી પડ્યો. બંને જણા રડવા લાગ્યા. નાસિર પણ પોતાની અમ્મીનો અવાજ સાંભળી માછલીની જેમ સરકતો સરકતો તેની પાસે પહોચવાની કોશિશ કરવા લાગ્યો. સારાએ નાસિરને ઉપાડી પોતાની છાતીએ વળગાડી દીધો અને તેના મુખારવિંદ પર સ્નેહના ચુમ્બનોનો વરસાદ વરસાવી દીધો. ફરી એક વાર શરણાર્થી કેમ્પમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યાં. વિખૂટા પેડેલા બાળકોને પોતાની છાતીએ ચોપી ઘણીવાર સુધી સારા રડતી રહી અને તેમના માથે હાથ ફેરવતી રહી.
સારા પાસેથી બેન્જામીન અને તાન્યાને જાણવા મળ્યું કે પોતાના રહેઠાણ પર થયેલા હવાઈ હુમલામાં તેના પતિ અબ્દુલ્લાહ અલ રજબ અને તેની દીકરી ગઝાલાનું સ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું. તે પોતે પણ પણ ઘાયલ થઇ હતી. શમ્શ અને નાસિરની હયાતી બાબતે તેની પાસે-કોઈ માહિતી ન હોવાથી તેમની ભાળ કાઢવા તેણે જુદી જુદી હોસ્પિટલ અને શરણાર્થી કેમ્પની મુલાકાતો લીધી. દરમ્યાન કેનેડીયન સરકારે સીરિયાના અસરગ્રસ્તોને પુનર્વસનની જાહેરાત કરતાં તે અન્ય શરણાર્થીઓ સાથે કેનેડા આવી ગઈ.
સારા શરણાર્થી કેમ્પના સત્તાવાળાઓને પોતાના બંને બાળકો સાથે રહેવા દેવા કાકલુદી કરવા લાગી. તેઓ મજબુર હતા કેમકે આ કેમ્પમાં ફક્ત પાંચ વર્ષથી નીચેના અપંગ બાળકો સિવાય કોઈ અન્યને રહેવા દેવાની પરવાનગી ન હતી. શમ્શને બેન્જામીન અને તાન્યાએ દત્તક લીધેલ હોઈ સારાના હવાલે કરવામાં કાનૂની મુશ્કેલી હતી. બેન્જામીન અને તાન્યાને શમ્શ, સારા અને નાસિરને માનવતાની દ્રષ્ટિએ છુટા પાડવા યોગ્ય ન લાગ્યું. તેમણે તેમના અન્ય મિત્રો સાથે ફોન પર વાત કરી ત્રણેય શરણાર્થીઓને પોતાના ઘરે વસાવવાની તૈયારી દર્શાવી અને તે માટે સરકારની મંજુરી માગતી અરજી પણ કરી. મંજુરી મળવામાં એક અઠવાડિયાનો સમય નીકળી ગયો તે દરમ્યાન ઇદનો તહેવાર આવી ગયો.
કેનેડામાં ઇદની કોઈ રજા હોતી નથી પરંતુ તે વર્ષે ઇદનો તહેવાર રવિવારના દિવસે આવેલ હોવાથી અને શરણાર્થીઓની કેનેડામાં આ પહેલી ઈદ હોવાથી કેનેડા સરકારે પણ શરણાર્થી કેમ્પોમાં ઇદની શાનદાર ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું. જુલીયા પોતાના ધર્મના ભાઈ સાથે ઈદ મનાવવા ખાસ ઘરે આવી હતી. જુલીયા, તાન્યા અને બેન્જામીને અલબર્ટાની મશહુર અક્રમ જુમ્મા મસ્જીદમાં જઈ શમ્શ સાથે ઈદ મનાવી. તેઓ મસ્જીદમાં પકવવામાં આવેલ


સેવૈયાની મીઠાસ માણતા હતા ત્યારે સારા અને નાસિરને તેમની સાથે રહેવા દેવાની સરકારની મંજૂરી આપતો સંદેશો તેમને મળ્યો. શમ્સને ઇદના આ ખુશીના દિવસે પોતાની માતા અને ભાઈ સાથે રહેવાની પરવાનગીનો સંદેશો મળવાથી તેની આંખોમાં ખુશીના આંસુઓનો વરસાદ વરસવા લાગ્યો. તાન્યાએ શમ્સની માનસિક સ્થિતિ સમજી તેને પોતાની છાતીએ વળગાડી આશ્વાશન આપ્યું. બેન્જામીન શમ્શના માથે હાથ ફેરવતાં ફેરવતાં વિચારવા લાગ્યો કે શમ્શ માટે ઇદનો આનાથી વધારે સારો તોહફો શું હોઈ શકે !!
બેન્જામીન અને તાન્યાનો આ માનવીય અભિગમ જોઈ અલ્લાહ પણ ચોકકસ ખુશ થયો હશે.
****