VEDH BHARAM - 3 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 3

રિષભે વસાવાને કહ્યુ “તમે દર્શનના મોબાઇલની છેલ્લા એક મહિનાની કોલ ડીટેઇલ્સ કઢાવો. મને પાકો વિશ્વાસ છે કે તેણે આત્મહત્યા નથી કરી પણ તેનું ખૂન થયુ છે.” આ સાંભળી વસાવા ચોંકી ગયો અને બોલ્યો “સોરી સાહેબ પણ મને એ જાણવામાં રસ છે કે તમે આ તારણ પર કઈ રીતે પહોંચ્યાં?”

આ સાંભળી રિષભે વસાવા સામે હસીને કહ્યું “પેલા તમે આ દર્શનના મોબાઇલની કોલ ડીટેઇલ્સ કઢાવતા આવો પછી હું તમને એ સમજાવીશ. અને એક વાત ખાસ ધ્યાન રાખજો કે આપણે શું કરીએ છીએ તે મિડીયાને ખબર ન પડવી જોઇએ. મિડીયાને હું જ સંભાળીશ.”

“ઓકે સર.” એમ કહી વસાવા ત્યાથી નીકળી ગયાં.

બે કલાક પછી વસાવા આવ્યા ત્યારે તેના હાથમાં દર્શનની કોલ ડીટેઇલ્સની ફાઇલ હતી. તે તેણે રિષભને આપતા કહ્યું. “સર આ ફાઇલમાં દર્શને છેલ્લા એક મહિનામાં કરેલા અને તેના પર આવેલા બધાજ કોલની ડીટેઇલ્સ છે. રિષભે ફાઇલ લઇને કહ્યું “તમે બેસો આપણે આ આખી ડીટેઇલ્સમાંથી વારંવાર આવતા કોલ ચેક કરવા પડશે અને ખાસ તો કાલે રાતે દર્શને કોની સાથે વાત કરી છે તે ચેક કરવી પડશે.”

આ સાંભળી વસાવા બેસી ગયાં અને અને બંને કોલ ડીટેઇલ્સ ચેક કરતાં ગયાં. આ માસમાં ત્રણ નંબર હતા જેના પર દર્શને વારંવાર કોલ કર્યા હતા. અને તેના પરથી પણ કોલ આવ્યા હતા. તેના પર રિષભે માર્ક કર્યા અને પછી ગઇકાલના કોલવાળા નંબર રિષભે જોયા તો તેમા બે નંબર તો એ જ હતા જે નંબર પરથી વારંવાર કોલ આવ્યાં હતા. એટલે રિષભે તેના સિવાયના એક નંબર પર માર્ક કર્યુ અને પછી લીસ્ટ વસાવાને આપતા કહ્યું “તમે આ ચાર નંબર કોના છે તે તપાસ કરાવો.” અને પછી થોડુ આગળ વધતા બોલ્યો “અત્યારે ઓફિસમાં જેટલા વ્યક્તિ છે, તે બધા માટે ટિફિન મંગાવી લો.” એમ કહી રિષભે ખિસ્સામાંથી પાંચસો રુપીયા આપતા કહ્યું “તમે પણ જમીને જ આગળ તપાસ કરવા જજો.” વસાવાએ પૈસા લેવાની થોડી આના કાની કરી એટલે રિષભે કહ્યું “વસાવા સાહેબ મારે લીધે તમે બધા અહી રોકાયા છો તો તમને બધાને મારે જમાડવા તો પડે જ ને.” અને તમે ચિંતા નહી કરો આ બધા બીલ હું કમિશ્નર સાહેબ પાસેથી પાસ કરાવી લઇશ.” આ સાંભળી વસાવાસાહેબ હસતાં હસતાં જતાં રહ્યાં.

રિષભ તેની ઓફિસમાં બેઠો હતો ત્યાં અભય આવ્યો અને તેણે રિપોર્ટ આપતા કહ્યુ “સર, ક્રાઇમ સીનની બધી પ્રોસેસ પતી ગઇ છે. અને ત્યાંની બધી વસ્તુ ફોરેંસીક ટીમે જોઇ લીધી છે અને સેમ્પલ પણ લઇ લીધા છે. એકાદ દિવસમાં તેનો રીપોર્ટ આવી જશે. દર્શનનો મોબાઇલ અને બીજી ઘણી બધી વસ્તુ ફોરેંસીક ટીમ ફિન્ગર પ્રિન્ટ ચેક કરવા લઇ ગઇ છે. આ તેનુ લીસ્ટ છે. અને સીસી ટીવી ફુટેજ ચેક કર્યુ પણ તેમા ગઇકાલનું રેકોર્ડીંગ થયુ નથી. છતા આગળના દિવસનુ રેકોર્ડીંગ આ સીડીમાં લાવ્યો છું” એમ કહી અભયે એક કાગળ અને સીડી રિષભને આપ્યા. રિષભે સીડી ટેબલ પર બાજુમાં મુકી દીધી અને લિસ્ટ ધ્યાનથી જોયુ. થોડીવાર લીસ્ટ જોયા પછી તેને ટેબલ પર મૂકતા બોલ્યો “ગુડજોબ ચૌધરી સાહેબ. આ બધી વસ્તુ આપણને પાછી ક્યારે મળશે?”

“લગભગ તો કાલે મળી જશે. પણ મોબાઇલમાંથી ડેટા કવર કરવા માટે ટાઇમ લાગશે એટલે તે કદાચ બે દિવસ પછી મળશે.” અભયે કહ્યું.

“ પેલા ચોકીદારની કોલ ડીટેઇલ્સ ચેક કરી?” રિષભે પૂછ્યું.

“હા, તે સાચુ બોલતો હતો. તેના કોલ ડીટેઇલ્સમાં દર્શનનો નંબર બતાવે છે. પણ મે તેની આખી કોલ ડીટેઇલ્સ કઢાવી નથી. જો જરુર હોય તો કઢાવી લઉં.”

“ના, ના તેની જરુર નથી. આ ફોરેન્સીકવાળાએ મોતનું કારણ શું કહ્યુ છે?” રિષભે પુછ્યું.

“એ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. બધા જ ટેસ્ટ ચાલે છે. હજુ એકાદ દિવસ થશે રિપોર્ટ આવતા.” અભયે કહ્યું.

“ઓકે તો હવે તમે સવારથી કામ કરો છે એટલે એકાદ કલાક ફ્રેસ થઇ જાવ પછી મને અહી મળજો. અને તમે કંઇ ખાધુ કે નહી?” રિષભે પુછ્યું.

“હા સર, હમણાં રસ્તામાં નાસ્તો કર્યો.” અભયે કહ્યું.

“ આ નોકરીમાં સમયનું કોઇ ઠેકાણુ નથી પણ આ બધામાં પેટનુ પણ ધ્યાન રાખવાનું. ઓકે તો તમે જઇને થોડા ફ્રેસ થઇ જાવ.”

આ સાંભળી અભય ત્યાંથી જતો રહ્યો. અભયે મનોમન રિષભની પ્રશંસા કરી. નીચેના માણસોની પરવા કરતા ઉપરીઓ બહુ ઓછા હોય છે. તેણે રિષભ વિશે સાંભળ્યુ હતુ કે તે ખૂબ સ્ટ્ર્રીક્ટ છે એટલે તેના આગળના અનુભવ પરથી તેણે વિચાર્યુ હતુ કે આ એસ.પી પણ પોતાની મનમાની કરશે અને નીચેના લોકોને દબડાવશે. પણ રિષભનો કામ પ્રત્યેનો અભિગમ અને તેના સ્ટાફ પ્રત્યેનો લગાવ જોઇ અભયને તેના માટે થોડુ માન થયું. છતા અત્યાર સુધીના અનુભવે તેને તરત જ રોક્યો “તુ અંજાઇ જા મા ભાઇ આતો હજુ પહેલો જ દિવસ છે. આ સાહેબના પણ ખાવાના અને દેખાડવાના દાંત જુદા જ હશે.” અભયની અંદરથી અવાજ આવ્યો. આ વિચાર આવતા જ અભય હસી પડ્યો અને મનોમન બોલ્યો “ જે હોય તે મારે તો આ કેસ પુરતો જ આ સાહેબ સાથે પનારો છે.” અને પછી પોતાના ટેબલ પર જઇને બેઠો અને એક ચા મંગાવી.

આ બાજુ પી.એસ આઇ હેમલ જોષી દર્શનની માહિતી એકઠી કરી રહ્યો હતો. તેણે તેના સોર્સનો ઉપયોગ કરી દર્શનના બધા બિઝનેસ અને તેના ઘરની માહિતી એકઠી કરી. આ બધી માહિતી હજુ સુધી તો એવી જ હતી કે જે બધા જાણતા હતા. રિષભે પણ તેને પ્રાથમિક માહિતી મેળવવાનુ જ કહ્યુ હતુ છતા હેમલ હજુ બે વર્ષ પહેલા જ પી.એસ.આઇ તરીકે જોડાયો હતો એટલે હજુ તેને આ ડીપાર્ટમેન્ટની હવા લાગી નહોતી. દર્શન જરીવાલનો બંગલો મોટા વરાછામાં આવેલો હતો. અચાનક હેમલને તેના મિત્ર મિતુલની યાદ આવી. વરાછા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ મિતુલ પટેલ પી.એસ.આઇની ટ્રેઇનીંગમાં હેમલ સાથે હતો. હેમલે મિતુલને ફોન લગાવ્યો અને કહ્યું “યાર તારા એરીયાનો એક કેસ મારી પાસે છે તેમાં તારી થોડી મદદની જરુર છે એટલે તને મળવુ છે. આ સાંભળી મિતુલે કહ્યું “અરે ભાઇ બોલને ક્યાં મળવું છે? જમવાનું બાકી હોય તો આપણે સાથે જ જમીએ. એ બહાને ઘણા સમયે સાથે જમીશું. આ સાંભળી હેમલે કહ્યું “ઓકે મને તો કોઇ પ્રોબ્લેમ નથી પણ તારા સીડ્યુલમાં કોઇ પ્રોબ્લેમ નથી ને?”

“ના ભાઇ એ તો બધુ ગોઠવાઇ જશે. તું ક્યારે આવે છે?” મિતુલે પુછ્યું.

“હુ નજીકમા જ છું. દશેક મિનિટમાં તુ કહે ત્યાં પહોંચી જઇશ.”

“તુ સરથાણા જકાતનાકા પાસે આવેલ હોટલ અમીધારામાં આવી જા. હું પણ દશેક મિનિટમાં પહોંચુ છું.”

દશ મિનિટ પછી હોટલ અમીધારાના કોર્નર ટેબલ પર બંને મિત્રો સાથે બેઠા હતા. આ હોટલ મિતુલના દૂરના કાકાની હતી એટલે મિતુલે પહેલાથી જ શાંતિથી વાત થાય તેવુ કોર્નર ટેબલ બૂક કરાવી દીધુ હતું. બંનેએ બેસીને પહેલા ઓર્ડર આપ્યો અને પછી મિતુલે વાતની શરુઆત કરતા કહ્યું “હા, હવે બોલ આમ અચાનક કેમ મારી યાદ આવી ગઇ?”

“ભાઇ તારા એરીયાનો એક કેસ મારી પાસે આવેલો છે. આજે સવારે ડુમસમા આવેલા ફાર્મ હાઉસમાં એક લાશ મળી છે. તે લાશ દર્શન જરીવાલની છે.”

આ સાંભળતા જ મિતુલ ચોંકી ગયો અને બોલ્યો “દર્શન જરીવાલ એટલે ડાઇમંડ કીંગ દર્શન જરીવાલ?”

“હા એ જ દર્શન જરીવાલ. હજુ મિડીયાને ખબર પડવા દીધી નથી. પણ એ કેસ મારા સ્ટેશનના અંડરમાં છે એટલે તેના માટે જ તારી મદદની જરુર છે.” હેમલે મિતુલને કહ્યું.

“કેસ કોણ તું લીડ કરે છે?” મિતુલે થોડા આશ્ચર્યથી પુછ્યૂં.

“ના ભાઇ આવા કેસમાં આપણા હાથ ટૂંકા પડે. ઉપરથી એક એસ.પી ત્રિવેદીસાહેબ મૂકાયા છે. તેણે મને આ માહિતી માટે મોકલ્યો છે.” હેમલે ચોખવટ કરતા કહ્યું.

“કોણ રિષભ ત્રિવેદી?” મિતુલે પુછ્યું.

“હા એ જ તું ઓળખે છે તેને?” હેમલે નવાઇ પામતા કહ્યું.

“ના ભાઇ ઓળખતો નથી પણ તેનું નામ ખૂબ સાંભળ્યુ છે. તેના વિશે એવુ કહેવાય છે કે તેની પાસે કેસ જાય એટલે સોલ્વ થવાની ગેરંટી મળી જાય છે.” મિતુલે સાંભળેલી વાત કહી.

“હા મે પણ તેના વિશે બહુ સાંભળ્યુ છે. આ કેસમાં જોઇ પણ લઇશું.” હેમલે પણ સહમત થતાં કહ્યું.

“પણ મે તો સાંભળ્યુ છે કે તે બહું સ્ટ્રીક્ટ છે. તને કેવુ લાગ્યુ તેને મળીને?” મિતુલે સીધો જ સવાલ કરી દીધો.

“જો સાચુ કહું તો સ્ટ્રીક્ટ તો નહીં પણ પહેલી મુલાકાતમાં તેના જેવુ બનવાનું મન થાય તેવા લાગ્યાં. આપણા જેવા માટે રોલ મોડલ છે. પણ આ તો બાહ્ય દેખાવ છે અંદરથી તો કોણ કેવુ છે તે કેમ ખબર પડે. જોઇએ આ કેસમાં કેવો અનુભવ થાય છે.” હેમલે પણ અભયની જેમ જ કહ્યું.

મિતુલ આગળ બોલવા જતો હતો ત્યાં વેઇટર ઓર્ડર લઇને આવ્યો એટલે તે બોલતો બંધ થઇ ગયો. વેઇટર ઓર્ડર પીરસીને જતો રહ્યો એટલે મિતુલે આગળ વાત કરતા કહ્યું “ હા તો બોલ આમા તારે મારી શું મદદની જરુર છે? “

“જો મારે આ દર્શન જરીવાલની જેટલી બને તેટલી માહિતી જોઇએ છે? તેના ધંધા શુ છે? ઓફિસિયલ અને અનઓફિસિયલ બંને? તેને કોઇ સાથે દુશ્મની છે? અને ખાસ તેના પરિવારની વિગત આટલુ મારે જોઇએ છે. મે થોડી માહિતી મેળવી છે પણ આ તારો એરીયા છે એટલે તારા સોર્સ મારા કરતા વધુ પાવરફૂલ હશે.” હેમલે મિતુલને તેની જરુરીયાત વિશે સમજાવતાં કહ્યું.

“ઓકે હું તને બે કલાકમાં આ બધી માહિતી પહોંચાડી દઇશ. પણ આ દર્શન બહુ મોટું માથુ છે. મે સાંભળ્યુ છે કે તેને આપણા મહેસૂલ મંત્રી સાથે ખૂબ સારા સંબંધ છે. એટલે તમને લોકોને આ કેસ મથાવશે.” મિતુલે હેમંતને ચેતવણી આપતા કહ્યું. ત્યારબાદ બંનેએ જમતાં જમતાં થોડી આડા અવળી વાતો કરી અને પછી છુટા પડ્યાં. હેમલ હજુ ઉમરા પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા તો તેના વોટ્સએપમાં દર્શનની માહિતી મિતુલે મોકલી દીધી હતી. હેમલે વોટ્સએપ પર આવેલ માહિતીને એક કાગળ પર લખી અને બે વાર વાંચી લીધી અને પછી રિષભની ઓફિસમાં ગયો. રિષભે ફોન પર કોઇ સાથે વાત કરતો હતો એટલે તેણે હેમલને ઇશારાથી બેસવાનુ કહ્યું. હેમલ બેઠો અને રિષભને વાત કરતો સાંભળતો રહ્યો. હેમલે વિચાર્યુ કે આ ઓફિસ અને આ ખુરશીતો તેણે રોજ જોઇ હતી પણ આજે આ ખુરશીનો રુઆબ કાંઇક અલગ છે. કહેવાય છે કે ખુરશી માણસનું મૂલ્ય બદલી નાખે છે પણ ક્યારેક માણસ પણ ખુરશીનુ મૂલ્ય બદલી શકે છે. હેમલ હજુ વધુ વિચારે તે પહેલા રિષભે ફોન પૂરો કરી કહ્યું “બોલો જોષી શું માહિતી લાવ્યા છો? કંઇ કામની માહિતી મળી કે નહીં?”

“માહિતી ઘણી મળી છે પણ કામની નીકળે કે નહી તે ખબર નથી.” એમ કહી હેમલે આગળ કહ્યું.

“આ દર્શન જરીવાલ કરોડપતિ માણસ છે અને સુરતનો એક પ્રખ્યાત બિઝનેસમેન છે. તેના હિરાના બે મોટા યુનિટ ‘રાધેશ્યામ ડાઇમંડ’ અને ‘ ઓમ ડાઇમંડ” છે.તેને લીધી તે ડાઇમન્ડ કિંગ તરીકે પ્રખ્યાત છે. આ ઉપરાંત તે સુરતની પ્રખ્યાત કંન્સ્ટ્રક્શન કંપની “શિવાની ડેવલપર” નો માલીક છે. વરાછા રોડ પર આવેલ પોદાર આર્કેડમાં ટૉપ ફ્લોર પર તેની મેઇન ઓફિસ આવેલી છે. દર્શન આ ઓફિસમાં જ બેસતો હતો. બંને ડાઇમંડ યુનિટ મિનિબજારમાં આવેલા છે. જેમા લગભગ બધા મળીને 1000 કારીગરો કામ કરે છે. આ સિવાય તેણે સુરતના ત્રણ મેઇન એરીયામાં જરીવાલ સ્કુલના નામે ત્રણ સ્કુલ પણ ખોલેલી છે. આ બધી તો ઓફિસીયલ માહિતી છે” આટલુ કહીને હેમલ અટક્યો એટલે રિષભે પુછ્યુ “હા, તો બીજી અનઓફિસીયલ માહિતી શું છે? કદાચ એજ આપણાં વધુ કામની માહિતી બની શકે.” ત્યારબાદ હેમલે જે કહ્યું તે સાંભળી રિષભના ચહેરા પર સ્મિત આવી ગયું.

-----------***************------------------****************-----------------------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM