VEDH BHARAM - 6 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 6

રિષભે કિરીટભાઇને પ્રશ્ન પૂછવાની શરુઆત કરતા કહ્યું “હા તો કિરીટભાઇ પહેલા તમે એ કહો કે તમે એવુ કયા આધારે કહી શકો છો કે દર્શનભાઇએ આત્મહત્યા કરી નથી. ક્યારેક સંજોગો એવા હોય તો ગમે તેવો માણસ તુટી જાય છે.”

આ સાંભળી કિરીટભાઇએ કહ્યું “હું ત્યારથી આ કંપનીમાં છું જ્યારે દર્શનના પપ્પા વલ્લભભાઇ બિઝનેસ સંભાળતાં હતાં. મે દર્શનને મારી નજર સામે આગળ વધતો જોયો છે. તેનામાં એક શિકારી જેવુ ઝનૂન હતું. તેના પપ્પાને બિઝનેસમાંથી હટાવી તે આવી ગયો ત્યારે એક સમયે મે આ નોકરી છોડી દેવાનું વિચાર્યુ હતુ. અને ત્યારે દર્શને મને બોલાવીને કહ્યું હતું કે કિરીટકાકા તમને જ્યારે પણ લાગે કે હું બિઝનેસમાં ચાલુ એમ નથી, ત્યારે તમે કંઇ પણ કહ્યા વિના છોડી જજો. હું તમને નહીં રોકું. પણ ખાલી મારા પપ્પા સાથેના મારા સંબંધને લીધે તમે આ બિઝનેસ છોડી દો છો તે વાજબી નથી. તમે મને એક મોકો આપો હું તમને દેખાડી દઇશ કે પપ્પા કરતા આ બિઝનેસ હું સારી રીતે ચલાવી શકુ એમ છું.” પછી કિરીટભાઇ થોડુ રોકાયા તેના ગળે ડુમો ભરાઇ આવ્યો હતો એટલે તેણે પાણી પીધુ અને ગળુ ખંખેરી આગળ બોલ્યા “ ખરેખર મારે દિલથી કબૂલવુ પડશે કે, તે છોકરાએ કરી દેખાડ્યું. તે તેના પપ્પા કરતા સારો બિઝનેસમેન તો હતો જ સાથે વધારામાં તેનામાં જીતવાનું એક ઝનુન હતું. તેની સામે કેટલીયવાર મોટી મુશ્કેલી આવી પણ તેણે ક્યારેય પાછુ વાળીને જોયુ નથી. જો એવી મુશ્કેલ પરિસ્થિતિમાં એ ના તુટ્યો તો હવે તો કોઇ પ્રોબ્લેમ જ નહોતો. તે શું કામ આત્મહત્યા કરે?” કિરિટભાઇએ વાત પૂરી કરી એટલે રિષભ થોડીવાર એમ જ બેઠો રહ્યો અને પછી બોલ્યો “ઓકે, તમે એવુ માનો છો કે આ ખૂન છે. તો એ કહો કે તમને કોના પર શક છે? એવી કોઇ વ્યક્તિ તમારા ધ્યાનમાં છે કે જેને દર્શનના મોતથી ફાયદો થાય?”

આ સાંભળી કિરીટભાઇ થોડા વિચારમાં પડી ગયા અને બોલ્યા “દર્શન જેવા સફળ બિઝનેસમેનની તો ઘણાને ઇર્ષા થતી હોય છે. અને બિઝનેસમાં ક્યારેક દુશ્મનો પણ બનતા હોય છે. તેમાં કોણ આ કામ કરી શકે તે કેમ કહી શકાય?” કિરીટભાઇનો ગોળગોળ જવાબ સાંભળી રિષભે કહ્યું “એમ નહી દુશ્મની અને કટ્ટર દુશ્મનીની વાત અલગ છે. કોઇ એવો દર્શનનો દુશ્મન છે કે જે ખૂન પણ કરતા અચકાઇ નહી?”

આ સાંભળી કિરીટભાઇ થોડા અચકાયા અને પછી બોલ્યા “દર્શનને એક કટ્ટર દુશ્મન છે અશ્વિન કસવાલા, પણ તે ખૂન કરી શકે કે નહીં તે મને ખબર નથી.” ત્યારબાદ કિરીટભાઇએ હેમલે કહી હતી તે જ આખી વાત રીપીટ કરી અને પછી બોલ્યા “બાકી તો બીજા કોઇ વિશે મને ખ્યાલ નથી.”

આ સાંભળી રિષભે કહ્યું “ઓકે, દર્શનના કોઇ અફેયર્સ હતા?” અને પછી કિરીટભાઇને સમજાયુ નહીં એવુ લાગતા રિષભે ચોખવટ કરતા કહ્યું “દર્શનના કોઇ છોકરી અથવા સ્ત્રી સાથે નાઝાયઝ સંબંધ હતા?” આ સાંભળી કિરીટભાઇના ચહેરાના હાવભાવ બદલાઇ ગયાં અને તે બોલ્યાં “ના.” અને પછી થોડુ રોકાઇને બોલ્યા “કદાચ હોય તો મને ખબર નથી.” કિરીટભાઇના હાવભાવ પરથી રિષભને લાગ્યુ કે તે કંઇક છુપાવે છે. રિષભે આગળ પુછતા કહ્યું “દર્શન સાથે તમારે પારિવારિક સંબંધ છે એટલે તેના બધા ફેમિલી ફંકશન કે એ સિવાય પણ તમારે તેના ઘરે જવાનું થતું હશે, બરાબરને?”

કિરીટભાઇને કંઇ સમજાયુ નહીં કે રિષભ હવે શું પૂછવા માગે છે એટલે તેણે કહ્યું “હા, મારે ઘણીવાર તેના ઘરે જવાનુ થાય છે પણ તેનુ શુ છે?”

“દર્શનના તેની પત્ની સાથેના સંબંધ કેવા હતા?” આ સાંભળી કિરીટભાઇ ચોંકી ગયાં હવે તેને રિષભના પ્રશ્નનો મતલબ સમજાઇ ગયો હતો એટલે તેણે કહ્યું “અરે સાહેબ તે બંને તો એકબીજા સાથે ખૂબ ખુશ હતા. તે બંને વચ્ચે કોઇ પ્રોબ્લેમ નહોતો.”

“દર્શનના પત્ની ક્યારેય અહીં ઓફિસ પર આવતા?” રિષભે પુછ્યું.

“ક્યારેક, બે ચાર મહિને એકાદ વાર. કોઇ ખાસ કામ હોય તો અથવા કોઇ ફંક્શન હોય તો તે આવતી.” કિરીટભાઇએ કહ્યું.

“કિરીટભાઇ એક વાત કહો આ દર્શનભાઇ જમણા હાથથી લખતા કે ડાબા હાથથી?” રિષભે પૂછ્યું.

આ સાંભળી કિરીટભાઇને નવાઇ લાગી પણ તેણે જવાબ આપતા કહ્યું “દર્શન જમણેરી હતો. તે બધા જ કામ જમણા હાથે કરતો.”

“ઓકે કિરીટભાઇ હવે છેલ્લો પ્રશ્ન “ પરમ દિવસે રાત્રે એટલે કે 18 તારીખે રાત્રે 8 થી 12 વચ્ચે તમે ક્યાં હતા?” રિષભે પૂછ્યું.

આ સાંભળી કિરીટભાઇ થોડુ વિચાર્યુ અને પછી કહ્યું “લગભગ નવ વાગ્યા સુધી હું અમારી નવી સાઇટ પર હતો અને પછી ત્યાંથી ઘર ગયો. અને પછી હું બહાર નીકળ્યો જ નથી.”

રિષભ આગળ કંઇ પૂછે તે પહેલા એક માણસ ઓફિસમાં દાખલ થયો અને તેણે કિરીટભાઇ સામે જોઇને કહ્યું “સાહેબ, ચાર નંબરની ઓફિસ તૈયાર કરી દીધી છે.” આ સાંભળી રિષભ ઊભો થયો અને કિરીટભાઇ સાથે હાથ મિલાવતા બોલ્યો “ઓકે થેંક્યુ યુ કિરીટભાઇ હવે અમે તમારા સ્ટાફ મેમ્બરને થોડી પૂછપરછ કરી લઇએ. પણ એકવાત ધ્યાન રાખજો કે અમે જ્યાં સુધી પૂછપરછ પૂરી ન કરીએ ત્યાં સુધી કોઇ ઓફિસ છોડીને જાય નહીં.” અને પછી થોડુ રોકાઇને બોલ્યો “આ દર્શનની ઓફિસ મારે જોવી છે.” આ સાંભળી કિરીટભાઇ ઊભા થયા અને રિષભ સાથે બહાર નીકળ્યાં. રિષભે બહાર ઊભેલા હેમલ અને વસાવાસાહેબને કહ્યું “તમે બંને ચાર નંબરની ઓફિસમાં જઇ પૂછપરછ કરો. હું તમારી સાથે થોડીવારમાં જોડાઇશ.” આટલુ કહી રિષભ કિરીટભાઇ સાથે દર્શનની ઓફિસ તરફ ગયો. દર્શનની ઓફિસ જોઇ રિષભ આભો બની ગયો. અંબાણી અને અદાણી જેવી જ આ ઓફિસ હતી. આમ તો આને ઓફિસ નહી પણ સ્યુટજ કહી શકાય. મોટી ઓફિસમા સામે એક મોટુ ટેબલ જેની પાછળ દર્શનની એક આધુનિક સોફા જેવી ચેર હતી. આ ચેર પાછળ આખુ કાચનુ પાર્ટીશન હતુ ત્યાથી સુરતનો મુખ્ય રસ્તો દેખાતો હતો. આ ઓફિસની સાથે અટેચ્ડ બીજો એક રુમ હતો. રિષભ તેમા દાખલ થયો અને જોયુ તો ત્યાં એક સોફા કમ બેડ હતો. તે રુમ સાથે એટેચ્ડ કિચન અને બાથરુમ હતું. રિષભ આખી ઓફિસને નજર વડે સ્કેન કરતો હતો. આખી ઓફિસ ફરીને રિષભ દર્શનના મોટા ટેબલ પાસે આવ્યો અને ડ્રોઅર ચેક કરવા જતો હતો, ત્યાં કિરીટભાઇએ કહ્યું “સર, એ તમે ના કરી શકો તમારી પાસે સર્ચ વોરંટ નથી.” આ સાંભળી રિષભ હસ્યો અને બોલ્યો “મારે કોઇ ઓર્ડરની જરુર પણ નથી. તમારે જેને ફોન કરવો હોય તેને કરીલો. ત્યાં સુધીમાં હું અહી બધુ ચેક કરી લઉ છું.” આટલુ બોલીને રિષભ પાછો બધુ ચેક કરવા લાગ્યો. આ જોઇ કિરીટભાઇનો મગજ ગયો અને તેણે ફોનમાંથી એક નંબર કાઢી ડાયલ કર્યો અને ઓફિસની બહાર નીકળ્યા. ફોન પૂરો કર્યો ત્યારે કિરીટભાઇના ચહેરા પર આ સેંટ્રલી એસી ઓફિસમાં પણ પરસેવો બાઝી ગયો હતો અને હવે તેને આ રિષભ ત્રીવેદી કોણ છે? તે બરાબર સમજાઇ ગયુ હતું. તે ફરીથી ઓફિસમાં ગયાં. તેને જોઇને રિષભે કહ્યું “ઓકે, મારુ કામ પતી ગયુ છે. તમે ફોન કરી લીધો?” આ સાંભળી કિરીટભાઇ નીચુ જોઇ ગયાં જિંદગીમાં પહેલીવાર એક એવા ઓફિસરનો સામનો થયો હતો જે કોઇથી ડરતો નહોતો. કિરીટભાઇની સ્થિતિ જોઇને રિષભ મનોમન હસ્યો અને પછી કિરીટભાઇના ખભ્ભા પર હાથ મુકીને બોલ્યો “મે તમને પહેલા જ કહ્યુ હતુ કે જો તમે ઇચ્છતા હોય કે દર્શનનો ખૂની પકડાય તો તમારે મારા પર પૂરો વિશ્વાસ મૂકવો પડશે. તમારા ધંધાની સિક્રેટ વાતો પણ કહેવી પડશે અને હું તે સિક્રેટ જ રાખીશ.” આટલુ બોલી રિષભ ત્યાંથી બહાર નીકળી ચાર નંબરની ઓફિસમાં ગયો.

બપોરે બે વાગે જીપ ફરીથી ઉમરા પોલીસ ચોકી તરફ દોડી રહી હતી. પાંચ છ કલાકની પૂછપરછ પછી રિષભે દર્શનની ઓફિસ સીલ કરાવી. ત્યારબાદ તે લોકો ત્યાંથી નીકળી ગયાં જતા પહેલા બધાજ સ્ટાફ મેમ્બરની પૂછપરછ તે લોકોએ કરી લીધી હતી. હવે તે લોકો થાક્યા પણ હતા અને ભુખ પણ લાગી હતી એટલે તે લોકોએ જીપને સીધી ઉમરા પોલીશ સ્ટેશન પર લીધી. હેમલે એક કોંસ્ટેબલને કહી ચાર ટીફીન મંગાવી લીધા હતા. જમીને રિષભે કહ્યું “ઓકે એકાદ કલાક રેસ્ટ કરી લો પછી આપણે ફરીથી અહી મારી ઓફિસમાં મળીએ છીએ.”

કલાક પછી અભય, હેમલ અને વસાવા ત્રણેય રિષભની ઓફિસમાં બેઠા હતા. વસાવાએ વાતની શરુઆત કરતા કહ્યું “સર, , મે તમને પૂછેલુ કે તમને કેમ ખબર પડી કે આ ખૂન છે તેનો જવાબ તમે આપ્યો નથી.” આ સાંભળી રિષભના ચહેરા સ્મિત આવી ગયુ અને ટેબલ પડેલી એક પેન વસાવાને આપતા રિષભે કહ્યું “લો, આ પેનને ચાકુ સમજી તમે તમારી નસ કાપવાનો પ્રયત્ન કરો.” આમા વસાવાને કંઇ સમજાયુ નહી પણ તેણે રિષભે કહ્યું હતુ તેમ એક હાથમા પેન લઇ બીજા હાથની નસ પર કાપો પાડતા હોય તે રીતે ફેરવી. આ જોઇ રિષભે વસાવાને કહ્યું “તમે આમા એક વાતની નોંધ લીધી મે તમને જાણી જોઇને ડાબા હાથમા પેન આપી હતી છતા તમે તે પેન જમણા હાથમા લઇ ડાબા કાંડા પર ફેરવી. આવુ શું કામ કર્યુ?” આ સાંભળી વસાવાને નવાઇ લાગી પણ તેને કંઇ સમજાયુ નહી એટલે તેણે કહ્યું “ખબર નહી સર મે તો એમ જ આ કર્યુ.” આ સાંભળી રિષભે કહ્યું “એક્ઝેટ હુ તમને આજ કહેવા માગુ છું કે , તમે નેચરલી જ આ ક્રિયા કરી. તમે જમણેરી છો એટલે અનાયાસે જ કોઇ પણ કામ કરવા માટે તમે તમારા જમણા હાથનો ઉપયોગ કરો છો, ડાબાનો નહી. દર્શનના ફાર્મહાઉસમાં તમે તેનો એક ફોટો છે તે જોયો હશે, જેમા દર્શન જમણા હાથથી લખતો હોય છે. અને કિરીટભાઇ પાસેથી પણ મને જાણવા મળ્યુ છે કે દર્શન પણ તમારી જેમ જ જમણેરી હતો. તેથી તે સ્વાભાવિક રીતે જ બધા કામ કરવા માટે જમણા હાથનો ઉપયોગ કરે. તેથી દર્શન બ્લેડ પકડવા જમણા હાથનો ઉપયોગ જ કરે અને તો પછી નસ ડાબા હાથની જ કપાવી જોઇએ.પણ દર્શનની જમણા હાથની નસ કપાયેલી છે.” આટલુ બોલી રિષભ રોકાયો એટલે વસાવાએ કહ્યું “સર, હવે મને સમજાઇ ગયુ. તમે એમ કહેવા માગો છો કે દર્શને જાતે નસ કાપી નથી પણ બીજા કોઇએ તની નસ કાપી છે.” અને પછી થોડુ રોકાઇ વસાવા બોલ્યા “સર, તમારી નિરીક્ષણ શક્તિ જોરદાર છે.” આ સાંભળી રિષભે સ્મિત કર્યુ અને પછી અત્યારની વાત પર આવતા કહ્યું “હા તો બોલો જોષી સાહેબ અને વસાવા સાહેબ આજની પૂછપરછ પછી તમે શું તારણ કાઢ્યું.” આ સાંભળી હેમલે કહ્યું “સાહેબ વાતની શરુઆત કરતા પહેલા મારી અને અભયની એક રીક્વેસ્ટ છે કે તમે અમને નામથી જ બોલાવો. તમે ઉમરમાં અને પોસ્ટ એમ બંને રીતે અમારા વડીલ છો.” આ સાંભળી રિષભ હસી પડ્યો અને બોલ્યો “આમ તો હું કોઇને તુકારાથી બોલાવતો નથી પણ તમે બંને મારા નાનાભાઇ જેવા છો એટલે મને તે મંજુર છે. તો બોલ હેમલ તુ શું વિચારે છે?”

“સર, એક તો પેલા નિખિલ જેઠવા અને અશ્વિન કસવાલાની પહેલા પુછ્પરછ કરવી પડશે. બાકી સ્ટાફ મેમ્બર પાસેથી બીજી કોઇ માહિતી મળી નથી. પણ મને લાગે છે કે તે લોકો નોકરી જવાના ડરથી કંઇ બોલતા નહોતા.” આ સાંભળી રિષભે વસાવા તરફ જોઇને કહ્યું “બોલો વસાવા સાહેબ તમારુ શું માનવું છે?”

“મારુ પણ માનવુ છે કે હેમલ કહે છે તે સાચુ છે.” આ સાંભળી રિષભે કહ્યું “ગૌરવ અને કિરીટ વિશે તમારુ શું માનવુ છે તે લોકો કેટલુ સાચુ કહેતા હતા?”

આ સાંભળી વસાવાએ કહ્યું “સર, ગૌરવ તો સાચુ કહેતો હતો એવુ લાગ્યુ પણ કિરીટ સાથે તો તમે વાત કરી છે એટલે તેના વિશે અમે કંઇ કહી શકીએ નહીં.”

આ સાંભળી રિષભે કહ્યું “ઓકે, અત્યારે તો આપણી પાસે બે સસ્પેક્ટ છે. એક પેલો નિખિલ જેઠવા અને બીજો અશ્વિન કસવાલા.” અને પછી હેમલ તરફ જોઇને બોલ્યો “હેમલ આ અશ્વિન કસવાલા ક્યાં મળશે તે તપાસ કર. આજે જ તેને મળવુ પડશે.” અને પછી અભય તરફ જોઇને રિષભે કહ્યું “હા બોલ અભય તારા તરફથી શું નવા સમાચાર છે?”

“સાહેબ પેલા કોલ લીસ્ટમાં જે નંબર છે તેમા એક તો અઠવાલાઇન્સના કોઇ ટેલીફોન બુથનો છે બીજો દર્શનની પત્નીનો છે, ત્રીજો દર્શનની ઓફિસનો છે અને ચોથો કોઇ કબીર કોઠારીનો છે.”

આ સાંભળી રિષભ બોલ્યો “ ઓકે તુ પેલા ટેલીફોન બુથ પર તપાસ કર કે ત્યાંથી કોલ કોણે કર્યો હતો અને કબીર કોઠારી કોણ છે તે પણ તપાસ કર.”

“ઓકે સર.” અભયે ઊભા થતા કહ્યું અને પછી જવા માટે દરવાજા તરફ આગળ વધ્યો ત્યાં રિષભે કહ્યું “અભય પેલા ફાર્મહાઉસના ચોકીદાર પાસેથી કોઇ માહિતી મળી?” આ સાંભળી અભય પાછો વળ્યો અને બોલ્યો “ના સર પણ તેની વાત પરથી એટલી ખબર પડી કે દર્શન આ ફાર્મ હાઉસનો ઉપયોગ શરાબ અને શબાબની મજા માણવા માટે કરતો હતો. આ દર્શન પાટલુનનો ઢીલો હતો. છોકરીઓ તેની કમજોરી હોઇ શકે.” આ સાંભળી રિષભ વિચારમાં પડી ગયો કે જો આ સાચુ હોય તો તેની ઓફિસની કોઇ મહિલા કર્મચારી પાસેથી કોઇ માહિતી કેમ ન મળી. આ વિચાર આવતા જ રિષભે ફરી એકવાર તેની ઓફિસની મુલાકાત લેવાનું નક્કી કરી નાખ્યું. અને પછી તેણે વસાવાને જે કહ્યું તે સાંભળી વસાવા ચોંકી ગયો.

-----------***************------------------****************-----------------------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પુરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM