Viprani Videshyatra - Nepal Pravas - 4 books and stories free download online pdf in Gujarati

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૪

સ્વયંભુ પર્યાવરણ પાર્કની મુલાકાતે
~~~~~~~~~~~~~~~~~~~~

ગુહ્યેશ્વરીદેવીના મંદિરથી અમે પહોંચ્યા સ્વયંભુ પર્યાવરણ પાર્કમાં.

તદ્દન અલગ ધર્મ અને તદ્દન અલગ સંસ્કૃતિની ઓળખમાં

ભગવાન પશુપતિનાથથી ભગવાન બુદ્ધ તરફ

હિન્દુધર્મ અને બૌદ્ધધર્મ

બે અલગ ધર્મ બંનેય ધર્મના નિયમો અલગ બંનેય ધર્મોની લિખિત - અલિખિત નીતિરીતિઓ અને માન્યતાઓ અલગ પણ આશ્ચર્યજનકરીતે બંનેય ધર્મનો મુખ્ય ઉપદેશ શાંતિ અને ભાઈચારાની વિચારધારાને વરેલા જે લગભગ એક જ !

પહેલા પહોંચ્યા સ્વયંભુનાથ પર્યાવરણ પાર્ક પર

સોનેરી ધાતુએ મઢી ત્રિમૂર્તિ

જેમાં વચ્ચોવચ્ચ ભગવાન બુદ્ધની પદ્માસનમાં બેઠેલી મુદ્રાની ભવ્ય મૂર્તિ

જેની ઊંચાઈ લગભગ ૬૦ ફૂટ જેટલી હશે

પણ આ પાર્ક લગભગ ૪૦ ફૂટ ઊંચી ટેકરી પર હશે એટલે જમીનથી લગભગ ૧૦૦ ફૂટ ઊંચી મૂર્તિ

જમીન પર ત્રણેય મૂર્તિઓ લગભગ ૩૦૦ ફુટના વ્યાપમાં વિસ્તરેલી હશે

સેંકડો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની હાજરી છતાંયે તદ્દન શાંત વાતાવરણ.

એક અજબ અનુભૂતિનો અહેસાસ.


ત્રિમૂર્તિની નીચે બનાવેલી રંગબેરંગી પથ્થરની કોતરણીદાર પેનલમાં પૃથ્વીનો અને અથવા સ્વર્ગનો ભાર પોતાના હાથથી અથવા માથા પર વહન કરતા હાથી, કૂતરો વગેરે જેવા પ્રાણી સહીત માનવ આકૃતિઓનો સમૂહ છે.

ત્રિમૂર્તિની પાછળના ભાગમાં મંજુશ્રીનું નાનકડુ મંદિર. અને જમણી તરફ અને પાછળના ભાગમાં અપાર વનરાજી. વનરાજીના કારણે આ વિસ્તારમાં સેંકડો નિરુપદ્રવી વાનરોની હાજરી છે.

અનુભવ છે કે હરદ્વારમાં વાનરો તમારા હાથમાંથી પ્રસાદની અને અથવા અન્ય થેલી ઝૂંટવીને લઈ જાય છે. જયારે ગોકુલ અને વૃંદાવનમાં કેટલાક લેભાગુઓ દ્વારા કેળવેલા વાનરો પોતાને સ્માર્ટ માનતા માણસોના પહેરેલા ચશ્મા સિફતતાથી કાઢીને લઇ જાય છે. એ ચશ્મા પાછા લેવા તમારે જે તે વાનરના ટ્રેઈનરને ઓછામાં ઓછા ૩૦૦ થી ૫૦૦ રુપીયા આપવા પડે છે.

આપણા ચશ્માધારી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની ગોકુલ અને વૃંદાવન મુલાકાત સમયે લાખો રુપીયા ખરચી આવો કોઈ બનાવના બને તેની તકેદારી રખાઈ હતી.

અહીંના વાનરો નિરુપદ્રવી છે કોઈ વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુ ઝૂંટવતા નથી કે કોઈનાયે ચશ્મા લઈને ભાગી જતા નથી.

વાનરોની હાજરીના કારણે આ જગ્યાને "મંકી મંદિર" તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંજુશ્રી મંદિર નાનુ પણ ખુબ સુંદર છે. આશ્ચર્યજનક અને ઉડીને આંખે વળગે એવી બાબત એ હતી કે અહીં મંદિરની દાનપેટી બાજુમાં આવેલા વૃક્ષના થડમાં જડી દેવાયેલી જોવા મળી.

અમારા ટેક્ષીચાલક બ્રાહ્મણમિત્ર રાજનનું કહેવું હતું કે તમે પાસપોર્ટ સાથેની પૈસા ભરેલી બેગ મારી ગાડીમાં મૂકી દો અને હું ગાડી ખુલ્લી મૂકીને ગમે ત્યાં જાઉં તો પણ કોઈપણ વ્યક્તિ એ બેગને અડશે પણ નહિ

આ નેપાળના સંસ્કાર છે.

આપણા દેશમાં આ પ્રયત્ન તો બહુ ભારે પડે પાસપોર્ટ, પૈસા અને બેગ તો ઠીક છે કદાચ ગાડી પણ ના મળે.

આપણે ત્યાં સંસ્કારીતાની મોટી વાતો જ થતી હશે કે ?!

જે હોય તે. કદાચ મંદિરમાં વચ્ચે નડતરરૂપ ના થાય એટલા માટે તિજોરીને ઝાડના થડમાં આકર્ષકરીતે સજાવાઈ હોય.

પ્રવેશદ્વારથી તે છેક પાછળ વનરાજીમાં પ્રવેશવાના દ્વાર સુધી આખાયે પરિસરની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી.

સ્થાનિકો સહીત સેંકડોની સંખ્યામાં આવતા પ્રવાસીઓ છતાંયે ક્યાંય ખાણીપીણીના કાગળ કે ખાણીપીણીની ડીશો, પ્લાસ્ટિકના કાગળ કે ઝભલા, વપરાયેલી પાણીની કે ઠંડાપીણાની બોટલ અરે કાગળની એક ચબરખીનું નામનિશાન નહિ !

ફરી નોંધીએ , ના ભિખારીઓ કે ના લારી ગલ્લા. આપણે ત્યાં તો જાહેર જગ્યાઓએ ભિખારીઓના ઝુંડના ઝુંડ રખડતા હોય કોઈ તમારો હાથ કે કોઈ તમારા પહેરેલા કપડા ના ખેંચે તો જ નવાઈ.


વર્ષ ૨૦૦૩માં એક પર્યટનની જગ્યા તરીકે આ જગ્યાને સરકાર દ્વારા વિકસાવાયી હતી

પ્રવાસન ઉદ્યોગ અને પર્યટકો પર નભતા દેશની સરકારે આવો અભિગમ રાખવો યોગ્ય જ ગણાય

ઈ.સ.પૂર્વે ૫૬૦ વર્ષ પહેલા ગૌતમબુધ્ધનો જન્મ લુમ્બિની, નેપાળમાં થયો હતો. બોધિગયામાં તેમને જ્ઞાન લાધ્યું હતું અને તેમનું દેહાવસાન ખુશીનગરમાં.

નેપાળ નાનકડુ રાષ્ટ્ર પણ વિશ્વના બે મહાન ધર્મો સાથે સંકળાયેલું.

લુમ્બિની ભગવાન ગૌતમ બુદ્ધની જન્મભૂમિ અને જનકપુરી માતા સીતાની જન્મભૂમિ.

જનકપુરી કે જે સીતાના પાલકપિતા રાજા જનક અને પાલકમાતા રાણી સુનયનાની ભૂમિ.

ભગવાન રામનું શ્વસુરગૃહ

અને હિમાલય ભગવાન શિવનું કાયમી રહેઠાણ.

રામાયણકાળના વિશ્વવંદનીય મહાપુરુષો અને ગૌતમબુદ્ધ કાળના વિશ્વવંદનીય મહાપુરુષોના પગલા પડેલ મહાન ભૂમિ પર પગ મુકવાનો લ્હાવો એ નાની સુની વાત તો ના જ કહેવાય ને !

આમ તો નિયમ "હેલ્પ યોર સેલ્ફ" છે.

પણ આવી જાહેર જગ્યાઓએ તમે પ્રવાસે હો ત્યારે તમારા સહપ્રવાસીઓને તેમના ફોટા પાડવામાં મદદ કરવી પડે છે અને તમારા ફોટા પાડવા તેમની મદદ લેવી જ પડે છે.

સામાન્યરીતે ભલેને તમે સ્વકેન્દ્રી અને અતડા કે માણસ ગંધારા જ કેમ ના હો !

ગઈકાલના એપ્રિલફુલના ભૂખમરા પછી આજે ઉત્કંઠા, કૌતુક અને આનંદનો ઉપવાસ હતો

આજે સવારથી અત્યારસુધીમાં કાંઈ ખાધું નહોતું

અને એ વાત યાદ પણ નહોતી અને એ વાતનું દુઃખ પણ નહોતું

અવિવાહિત સારથી મિત્ર રાજન ઘેરથી લગભગ પાંચેક વાગે રોજ નીકળી જતો અને સાથે પોતાનું ટિફિન લેતો આવતો.

અને પોતાના પિતા માટે જમવાનું બનાવતો આવતો

ઘરમાં એ અને એના પિતાજી બે જણ જ હતા.

એની મોટી બહેન લલિતપુર પાટણમાં રહેતી તેના બનેવીના અવસાન બાદ તે પોતે જમીનમકાનની દલાલી કરતી તેની બહેનને એક દીકરો અને એક દીકરી હતા.

લલિતપુર પાટણમાં તેનું પોતાનું ઘર હતું.

સારથી મિત્ર રાજનના પિતા ભારતીય લશ્કરમાંથી નિવૃત થયેલા ૨૦૧૪માં એમને મળતું પેંશન ભારતીય રૂપિયામાં લગભગ રૂ.૩૫૦૦૦ જેટલુ હતું.

નવા સ્થળો, નવો દેશ, નવી દુનિયા જોવાની તાલાવેલી જે હતી

પગ હજુ થાક્યા નહોતા, આંખો હજુ અતૃપ્ત હતી અને મન હજુ ભરાયું નહોતું

સ્વયંભુનાથના દર્શને
~~~~~~~~~~~~~~

સ્વયંભુનાથ પાર્કથી ખુદ સ્વયંભુનાથ તરફ

બુદ્ધની ભૂમિ

લોકોક્તિ પ્રમાણે ભગવાન ગૌતમબુદ્ધ ૧,૦૦,૦૦૦ વર્ષ જીવ્યા


જયારે ઈતિહાસમાં થયેલી નોંધ પ્રમાણે ભગવાન બુદ્ધ 480 BCE થી 400 BCE સુધી પૃથ્વી પર હાજરાહજૂર હતા

પોતાના જીવન દરમ્યાન છેલ્લા શ્વાસ સુધી એમનો પ્રયાસ વિચારો દ્વારા પોતાના અનુયાયીઓના વાણીવર્તનની શુધ્ધિનો રહ્યો.

સત્ય અને અહિંસાનો રહ્યો.

અને આ બાબતો ભગવાન ગૌતમબુદ્ધના ઉપદેશમાં મુખ્ય રહેતી.

અન્ય લોકોક્તિ પ્રમાણે ઘણાબધા બુદ્ધ થઈ ગયા જેમાંના દિપાંકર યુગો પૂર્વે થઈ ગયા અને સૌથી છેલ્લા બુદ્ધ એ ગૌતમબુદ્ધ છે.

ગૌતમબુદ્ધ પોતે સિદ્ધાર્થ ગૌતમ અને શાક્યમુનિ તરીકે પણ ઓળખાય છે.

ગૌતમબુદ્ધ પછી મૈત્રેયીના નામે ભગવાન બુદ્ધ તરીકે જન્મ લેશે એવી માન્યતા પ્રચલિત છે

એવું મનાય છે કે લગભગ ૨૦૦૦ વર્ષ પહેલા કાઠમંડુ ખીણ એક મોટું સરોવર હતું એની વચ્ચોવચ્ચ એક મોટું કમળનું ફૂલ ઉગેલું હતું. બોધિસત્વ મંજુશ્રીએ પોતાની તલવારથી એ સરોવરના પાણીને વહેણ આપ્યું ત્યારે એ મોટું કમળ આ જગ્યાએ જ રહી ગયુ અને જેણે સ્વયંભુ સ્તૂપ આકાર મેળવ્યો.

જે આજે સ્વયંભુનાથ તરીકે ઓળખાય છે

કાદવમાં ઉગતા કમળનું મહત્વ હિન્દુધર્મ સાથે બૌધ્ધધર્મમાં, શીખધર્મમાં અને જૈનધર્મ વત્તાઓછા અંશે સ્વીકારાયું છે.

કમળ ઉર્ફે પદ્મ એ પવિત્રતાનું પ્રતીક મનાય છે.

હિન્દુધર્મમાં કમળ બ્રહ્મા, વિષ્ણુ, કુબેર, લક્ષ્મી અને સરસ્વતીની ઉપાસનામાં ઉપયોગમાં આવે છે.

ભગવાન વિષ્ણુ જયારે યોગનિદ્રામાં હતા ત્યારે તેમની ડુંટીમાંથી કમળનું સર્જન થયું એવી માન્યતા આજેય પ્રચલિત છે. ભગવાન વિષ્ણુનું એક નામ "કમલાક્ષી" પણ છે.

બૌધ્ધધર્મમાં કમળને અષ્ટમંગલમાં સ્થાન અપાયું છે.

કાદવમાં ખીલતું હોવા છતાંયે કાદવથી અલિપ્ત રહેતા કમળને શરીર - આત્મા, વાણી અને વિચારોની પવિત્રતા સાથે જોડવામાં આવે છે.

એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધ જ્યાં પણ વિહાર કરતા તે વિસ્તારોના સરોવરો અને તળાવોમાં કમળના ફૂલ આપોઆપ ઉગી નીકળતા !

૧૯૯૩માં નેપાળની જે તે સરકારે આ જગ્યાનું ઐતિહાસિક મહત્વ સમજી અને આ જગ્યાનો યોગ્ય વિકાસ કરી આ જગ્યાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં દાખલ કરાવી. આજે દિવસભર અહીં હજારો પ્રવાસીઓ નિયમિતપણે આ જગ્યાએ આવે છે.

કાઠમંડુ સ્થિત સ્વયંભુનાથ મંદિરની મુલાકાત ઈ.સ.પૂર્વે ૩૦૦માં ખુદ સમ્રાટ અશોકે કરી હોવાનું નોંધાયું છે.

ત્યારે જે મૂળ મંદિર હશે એ તો કાળની થપાટોમાં નષ્ટ થઈ ગયું હશે.

જેનો જીર્ણોદ્ધાર નેપાળના રાજા માનદેવે ૪થી સદીમાં કરાવ્યો હતો.

જોવાની ખૂબી એ છે કે નેપાળમાં ના હુણો ઘુસ્યા છે ના મોગલો છતાંયે ઈતિહાસમાં વારંવાર આ મંદિરને કુદરતીરીતે નુકશાન થયાનું નોંધાયું છે.

૧૯૨૧માં તેનો સંપૂર્ણપણે જીર્ણોદ્ધાર કરાયો હતો

એ પછી ૨૦૧૦માં ફરી સંપૂર્ણપણે જીર્ણોદ્ધાર કરાવાયો.

૨૦૧૧માં વીજતાંડવમાં વીજળી પડતા આ જગ્યાનો મોટાભાગનો હિસ્સો નષ્ટ થઈ ગયો

ફરી મંદિરનું સમારકામ અને નવીનીકરણ

પણ ફરી એપ્રિલ ૨૦૧૫ના ભયાનક ધરતીકંપમાં હતા ત્યાંના ત્યાં.

ભગવાનની ભૂમિ ક્યારેય શાપિત હોઈ જ ના શકે પણ આ જગ્યાને વારંવાર થતા નુકશાનની વાતો તમને એકવખત તો વિચારતા કરી જ મૂકે.

સેંકડો માણસોની હાજરી છતાંયે ના કોઈ ઘોંઘાટ ના કોલાહલ

દિપાંકર બુદ્ધ, સામાન્યરીતે બેઠેલી મુદ્રામાં હોય છે જયારે અહીં સ્થપાયેલી ભવ્ય મૂર્તિ ઉભી મુદ્રામાં છે જે પોતાના જમણા હાથથી ભક્તો, અનુયાયીઓ અને સમગ્ર પ્રજાને આશીર્વાદ આપતી મુદ્રામાં છે.

દિપાંકર બુદ્ધની અહીં સ્થાપિત ભવ્યમૂર્તિ એક જ શિલામાંથી કોતરી બનાવાઈ છે.

દિપાંકર બુદ્ધને ભગવાનને વેપારીઓ, ધંધાદારીઓ અને ઉદ્યોગપતિઓના ખાસ ભગવાન ગણવામાં આવે છે.

મોટાભાગે દરિયા કિનારે અને નદી કિનારે જ્યાં જળમાર્ગે વેપારધંધા અને માછીમારી મોટાપ્રમાણમાં થતા હોય ત્યાં કિનારા પર દિપાંકર બુદ્ધ ભગવાનની મૂર્તિ અવશ્ય જોવા મળે છે.

એવું મનાય છે કે જળ આફતોમાં દિપાંકર બુદ્ધ ભગવાન અવશ્ય મદદ કરે છે અને લોકોને બચાવે છે.

આ વાત સાંભળી ત્યારે જગડુશા અને હરસિદ્ધ માતાના પરચાની વાતો યાદ આવી ગઈ

અહીં નાનકડુ મ્યુઝિયમ પણ છે જેમાં ભગવા વસ્ત્રધારી ભગવાન બુદ્ધની શયનમુદ્રાની મૂર્તિ પણ ભવ્ય છે.

જમીનથી હજારો ફૂટ ઉપર આવેલી આ જગ્યાએથી કાઠમન્ડુ ખીણનો નજારો જોવા જેવો છે.

પાઈપોથી ઉભી કરેલી આડશો ના હોય તો કદાચ તમને ઉડાડીને સાથે ઉપાડી જાય તેવો પવન.

અમે સાંજના સમયે ત્યાં હતા કદાચ રાત્રીના સમયે કાઠમંડુ ખીણ જયારે લાઈટોના ઝગમગતી હશે ત્યારે અહીંથી દેખાતો નજારો ખુબ જ અદભુત હશે.

બાજુમાં ખાસ જગ્યામાં ઉભી કરાયેલી નાનકડી દુકાનોમાં વેચાણાર્થે મુકાયેલી ભગવાનની મૂર્તિઓ અને અન્ય મૂર્તિઓ.

સાથે જ વેચાતા જાતજાતના ચહેરાના મહોરા.

જો કે આ યુગમાં સામાન્યપણે દરેક માણસ પોતાના મોં પર પોતાનું જ પણ જગતને ગમે એવું મહોરું ચઢાવીને જ ફરતો હોય છે

ત્યારે આવા બનાવટી મહોરા કોણ ખરીદતું હશે ?!

સાથે સાથે એમ પણ કહેવાય જ છે કે

કળિયુગમાં ચહેરા જ વેચાય છે તો મહોરા તો વેચાય જ ને !

એક માન્યતા પ્રમાણે દુનિયાભરમાં કુલ ૪૨૦૦ જેટલા ધર્મો છે

જેમાંથી ગણતરીના ધર્મો વિષે જ આપણને સામાન્ય જાણકારી છે.

કદાચ હું અને તમે હિન્દુધર્મના, જૈનધર્મના, બૌદ્ધધર્મના, ઈસાઈધર્મના કે ઈસ્લામધર્મના ધર્મસ્થળોની મુલાકાતે ગયા હોઈશું

પણ જે તે ધર્મની પૂજા અર્ચનાથી અજાણ હોવાના કારણે જે તે ધાર્મિક જગ્યાઓએ આપણા હાથ જોડીને આંખો બંધ કરીને પ્રાર્થનાની મુદ્રામાં આપણું મસ્તક અવશ્ય ઝુકાવીએ છીએ.

આ જગ્યાએથી ખસવાની જરાયે ઈચ્છા થતી જ નહોતી પણ સવારે પાંચ વાગ્યાથી પોતાના ઘરમાંથી નીકળેલા અમારા સારથી રાજનનો વિચાર આવ્યો

અને અમે રાત્રે આઠેક વાગે હોટલ પર પરત આવ્યા.

સવારથી અત્યાર સુધી ભટક્યા પણ જમવાનું યાદ ના આવ્યું કે હાથે કરીને એ જોખમ લેવાનું ભૂલી ગયા પણ હવે તો ...... ફ્રેશ થયા પછી નજીકમાં કોઈ રેસ્ટોરન્ટમાં જવાનું વિચારી બાથરૂમમાં જતા જ એકદમ પીળો પેશાબ જોઈને શંકા ગઈ ક્યાંક "કમળો" તો નહિ થયો હોયને ?

પછી યાદ આવ્યું કે રોજ ૭-૮ લીટર પાણી પીનારાએ આ બે દિવસમાં બે ત્રણ લીટર પાણીયે નથી પીધું તો પછી બીજુ શું થાય !

હોટલના માલિક અને યુવામિત્ર ધ્રુવ લામસેલ પાસેથી માહિતી મેળવી કાંતિ રોડ કે બેન્ક રોડ પર આવેલી રેસ્ટોરન્ટ અશોક શોધવા નીકળ્યા.

રાતનું અંધારું અને અજાણી ગલીયો

ઠેબા અને ઠોકરો ખાતા અને પડતા આખડતા પૂછતા પૂછતા અમે રેસ્ટોરન્ટ સુધી પહોંચ્યા.

રેસ્ટોરન્ટ કમ સ્વીટ માર્ટ, પહેલા મેનુ જોઈ બે કટલેસ અને પછી બે ઉત્તપ્પા લાવવાનો ઓર્ડર એકસાથે આપી દીધો.

મીઠાઈ એ મારી નબળાઈ એટલે કાઉન્ટર પર જઈ બે રસમલાઈ ઉઠાવી લાવ્યો.

રસમલાઈ પૂરી કરી અને કટલેસ આવી

ઓહ !

કટલેસનું કદ જોઈને તો હું આશ્ચર્યચક્તિ થઈ ગયો.

આપણી સારામાં સારા રેસ્ટોરન્ટ કે હોટલમાં આવે એનાથી ડબલથીયે મોટુ કદ સમજોને હેડંબા કે ભીમ જેવું કદ અને એવી એક નહિ બે કટલેસ.

એ ખાતા જ ધરાઈ ગયા.... હવે પેલા ઉત્તપ્પા તો ઓર્ડર પ્રમાણે લાઈનમાં જ હતા કાઉન્ટર પર એ ઓર્ડર કેન્સલ કરવા વિનંતી કરી એ ભાઈએ નમ્રતાથી કહ્યું આમ તો ઓર્ડર કેન્સલ નથી કરતા પણ જો કોઈ અન્ય ગ્રાહકનો ઉત્તપ્પાનો ઓર્ડર આવશે તો અમે જરૂર કેન્સલ કરીશું.

રાતના લગભગ ૯:૩૦ અને રેસ્ટોરન્ટ બંધ કરવાનો સમય હતો. કોઈ નવા ગ્રાહકની સંભાવના સાવ નહિવત હતી અને આવનાર ગ્રાહક ઉત્તપ્પાનો જ ઓર્ડર આપે એ તો શક્ય જ ના હતું

પણ આશ્ચર્યજનકરીતે એક ભાઈ આવ્યા અને એ જ ઓર્ડર આપ્યો અને અમે અડધા બચી ગયા.

૨ રસમલાઈ, ૨ કટલેસ અને ૧ ઉત્તપ્પાના મેં નેપાળી રૂ. ૧૯૦ રૂપિયા ચૂકવ્યા.

અગત્યની વાત એ હતી કે જે ક્વોલિટી અને જે કોન્ટીટીમાં ખાદ્યવસ્તુઓ પીરસાઈ હતી એ ક્વોલિટી અને એ કોન્ટીટી કદાચ આપણા કોઈ રેસ્ટોરન્ટ આપતા નથી અથવા આપી શકતા નથી

કદાચ આપણા રેસ્ટોરન્ટની નફાકારકતા અને નફાનું ધોરણ ખુબ જ ઊંચું હશે !

રસ્તા પર લોકોની પાંખી હાજરી અને નહિવત અવરજવર

કદાચ ભારતના કોઈક ગ્રામ્ય વિસ્તારની પોળ જેવો માહોલ

પણ સ્ટ્રીટલાઈટનો સદંતર અભાવ

રહેઠાણ કમ હોટલ / ગેસ્ટહાઉસનો વિસ્તાર

અને જે તે રહેઠાણમાંથી જે તે હોટલ કે ગેસ્ટહાઉસના દરવાજેથી પ્રકાશનો નાનકડો શેરડો પણ બહાર ના એવી વ્યવસ્થા

કદાચ વીજળી ખુબ મોંઘી હશે !

આવ્યા તા એ જ રસ્તે ફરી અંધારામાં ઠેબા ખાતા અમારી હોટલ સુધી પરત થયા.

આવતીકાલે વહેલી સવારે ૪ વાગે નીકળી હિમાલયના પહાડોમાંથી ઉગતા સુરજ દાદાના દર્શને નગરકોટ જવાનું હતું.

આજેય ફરી થાકેલા પાકેલા છેક રાતના અગિયાર વાગે પથારી ભેગા થયા

.

નગરકોટ, ઉગતા સૂર્યના દર્શને

~~~~~

હજુ રાત્રે ૧૧ વાગે સુતા હતા અને વહેલી સવારે પોણા ત્રણ વાગે જાગી ગયા

આજે નગરકોટના પ્રવાસે જવાનું હતું

નગરકોટ એક "સનરાઈઝ પોઈન્ટ"

અમારા સારથીના કહેવા પ્રમાણે અમે વહેલી સવારે ૦૩:૪૫ વાગે હોટલ છોડી દીધી અને અંધારઘેરા રસ્તા પર અમારા રથની અને સારથીની રાહ જોતા ઉભા રહયા

જો તમને નવી જગ્યાઓએ ફરવાની નવી જગ્યાઓને જોવાની નવી જગ્યાઓને જાણવાની અને નવી જગ્યાઓ માણવાની તાલાવેલી હોય તો થાક, ઊંઘ અને આરામ ભૂલવા જ રહ્યા.

બાકી થાક, ઊંઘ અને આરામ તો હરહંમેશ તમારો પીછો જ નહિ છોડે.

વહેલી સવારે થામેલના મુખ્ય બજારમાં અમે અને અમારા જેવા વિદેશી પ્રવાસીઓ અંધારામાં પોતાના રથની અને સારથીની રાહ જોતા ઉભા હતા

એ અંધારા ચીરીને દૂરથી આવતી દેખાતી ગાડીઓની લાઈટોના શેરડા દરેક પ્રવાસીઓને પોતાનો જ રથ હોવાનો આભાસ ઉભી કરતી હતી

આંખો આંજી દે એવા લાઈટોના શેરડામાં ગાડી, ગાડીનો નંબર કે ગાડીના ડ્રાઈવરને કળવા ખુબ અઘરા જ નહિ પણ અસંભવ હતા

સમયનો પાક્કો એવો અમારો સારથી મોડો પડ્યો હતો.

અને દિલ સ્વયંને મનોમન સવાલો પૂછવા લાગ્યું

શા માટે રાજનને મોડુ થયું હશે ?

કોઈ ખાસ કારણ હશે કે ?

એ નહિ આવે તો ?

શું આજે નગરકોટનો કાર્યક્રમ પડતો મુકવો પડશે કે ?

વગેરે વગેરે

સરકણો સમય તો ઝડપથી સરકતો જ રહ્યો

સારથી રાજનનો ફોન નંબર હતો

પણ વહેલી સવારે PCO થોડા જ ખુલ્લા હોય !

ત્યારે એ વાતનું ભાન થયું કે અમદાવાદી હોવાના કારણે કરકસર અને કંજુસાઈને આગળ કરીને કાઠમંડુ એરપોર્ટ પરથી Local SIM કાર્ડ ના લઈને ભૂલ કરી હતી

જો કે ગણતરી તો સાચી જ હતી કે ૧૨ - ૧૫ દિવસમાં આવા મોકા કેટલા આવે ?

ગતરાત્રે એકબીજાની સંમતિથી ઠરાવેલ સમય કરતા રાજન લગભગ ૧૮ - ૨૦ મિનિટ મોડો આવ્યો

આવતાની સાથે જ એણે મોડુ થયા બદલ ક્ષમા માંગી

અમને ઝડપથી ગાડીમાં બેસવાની સૂચના આપી કહ્યું

"બાકીની વાત હું ચાલુ ગાડીમાં કરીશ."

ગાડી બજારમાંથી નીકળીને SAARCના મુખ્યાલય નજીક પહોંચી અને રાજને જણાવ્યું કે રાત્રે એના પિતાજીની તબિયત અચાનક બગડી હતી

એથી સવારે એ અવઢવમાં હતો કે અહીં આવવું કે નહિ

પણ તેના પિતાજીએ આગ્રહવશ રાજનને વર્ધીમાં આવવા જણાવ્યું.

મેં રાજનને પોતાના પિતાજીની સેવાસુશ્રુષા માટે પોતાના ઘેર પરત થવા જણાવ્યું પણ તેણે નનૈયો ભણ્યો અને કહ્યું કે લલિતપુરથી મારી મોટી બહેનને મેં બોલાવી લીધી છે

એ સવારે ૯ વાગ્યા સુધીમાં પહોંચી જશે

અમે બેંકરોડ પર હતા.

એરપોર્ટ તરફ જતી અને પ્રવાસીઓને અન્ય સ્થળોએ ફરવા લઈ જતી ટેક્સીઓ સિવાય રસ્તા પર કોઈ વાહનવ્યવહાર ના હતો

શહેરના રસ્તે ના દૂધવાળા, ના છાપાવાળા, ના પાન મસાલાના ગલ્લા, ના ચાની લારીઓ

સુમસામ શહેર અને અંધારું ચીરીને ભાગતી દોડતી ટેક્ષીઓની લાઈટોના શેરડા જ !

ક્યાંયે કોઈ લાઈટ નહિ ના કોઈ સ્ટ્રીટ લાઈટ. મોટાભાગનું શહેર DG સેટ પર કે ઇન્વર્ટર પર જ ધબકે. ના માત્ર કાઠમંડુ પણ આખુંયે નેપાળ. હાઈડ્રોપાવર એકમાત્ર વીજળીનો સ્ત્રોત.

હવે અમે હાઇવે પર હતા

પણ ક્યાંય કોઈ ઢાબા નહિ, ક્યાંય કોઈ હોટલ નહિ, ક્યાંય કોઈ ચા નાસ્તાના સ્ટોલ નહિ ક્યાંય કોઈ પણ પાનમસાલાના ગલ્લા નહિ

.

.

બસ જયારે તમે ઉગતા સૂર્યને જોવા તમારી કારમાં ઊંચે ને ઊંચે જતા હો છો ત્યારે એ પર્વતમાળાના મજૂરી કરી પેટ ભરતા મહેનતકશ લોકો પોતાના રોજિંદા અર્થોપાર્જન માટે પર્વતમાળાના ઢોળાવે ચાલીને નીચે ઉતરતા દેખાય છે.

એ સ્વાવલંબી લોકો માટે ઉગતા સુરજ કરતા કુટુંબનો રોટલો અગત્યનો છે.

નગરકોટ

+૪૦૦૦ની વસતી અને લગભગ + ૯૦૦ ઘર .

સામાન્ય ગરીબડી પ્રજા.

ખેતીવાડી સિવાય અન્ય વ્યવસાય ઓછા.

તળેટીથી પહાડી સુધી નકરા જંગલ.

ત્યાંથી તળેટીમાં નીચે જવા અપૂરતી વાહનવ્યવસ્થા

નગરકોટ, કાઠમંડુ થી ૩૫ કિલોમીટર અને અમારી હોટલથી લગભગ ૪૫ કિલોમીટર પૂર્વ દિશામાં આવેલું નાનકડુ નગર.

એવી જગ્યા કે જ્યાંથી નેપાળમાં આવેલી હિમાલયની કુલ ૧૩ પર્વતમાળાઓમાંની ૮ પર્વતમાળાઓ તમે નરી આંખે નીરખી શકો.

સમુદ્રતળથી લગભગ ૮૦૦૦ ફૂટ ઉપર.

કોઈક જમાનામાં બાહરી આક્રમણોથી બચવા આટલી ઊંચાઈએ અને આટલી પર્વતમાળાઓ વચ્ચે સલામતી અને સુરક્ષિતતા માટે કોટબંધ નગરની રચના કરાઈ હશે.

મૃત્યુનો ડર રાજાને જ વધારે હોય !

એમાંયે જયારે ૧૪ મી કે ૧૬ સદીની વાત કરીયે તો માનવસમાજ અવિકસિત દશામાં ટોળાશાહીમાં હથિયારો સાથે કથિતરીતે સમૃદ્ધપ્રજાને રંજાડી અને લૂંટ ચલાવતો ત્યારે તો આ ડર ચરમસીમાએ જ હોય ને !

કાળાન્તરે આ સ્થળ નેપાળના રાજવી કુટુંબના હવાખાવાનું આરામદાયક સ્થળ બની ગયું.

અત્યારે એ એક આંતરરાષ્ટ્રીય હિલ સ્ટેશન છે.

નગરકોટ નેચરવોક ઉપરાંત પેરા ગ્લાયડિન્ગથી પર્વતરાજ એવરેસ્ટ સહીત હિમાલયના વિહંગાલોકનની સગવડ.

આમ તો નગરકોટના રસ્તે ફંટાતા પહેલા જો ધુળીખેલ તરફ આગળ વધીયે તો અરનીકો રાજ્યમાર્ગ પર નેપાળ સીમા પર "કોદરી" છેલ્લું ગામ

બસ એનો બીજો દરવાજો આપણા પ્રધાનસેવકના પરમમિત્ર Xi Jinpingના ચીનના દરવાજે ખુલે

પણ આપણે ક્યાં એની સાથે ખમણ - ઢોકળાના સંબંધ......

હા એની ઘરવાળી Peng Liyuanની ઝલક જોવાની ઈચ્છા ખરી પણ મારી ઘરવાળી મારી સાથે જ હતી અને પેલો અમેરિકામાં નડયો તો એ Visa નો પ્રોબ્લેમ મનેય નડે જ ને !

કાઠમંડુ થી ચીનની સરહદ ૧૨૦ કિલોમીટર છેટે પણ અરનીકો હાઈવે નેપાળનો સૌથી દુર્ગમ પહાડી રસ્તો.

૧૨૦ કિલોમીટર એટલે આમ તો અમદાવાદ - વડોદરા જેટલું જ અંતર થયું

આપણા યુવાનીયાઓ આપણા રસ્તે તો એ દોઢેક કલાકમાં પસાર કરી નાખે

બાકી અહીં એ પસાર કરતા ઓછામાં ઓછા +૬ કલાક થાય

વળી એમાંયે જો રસ્તે કોઈ વાહન ખોટવાયેલું પડ્યું હોય, લેન્ડ સ્લાઈડીંગના કારણે રસ્તો બંધ હોય કે ધરતીકંપ જેવી કુદરતી હોનારતોના કારણે રસ્તાને નુકશાન થયું હોય તો દિવસોના દિવસો લાગી જાય.

જ્યાં સુધી અન્ય વૈકલ્પિક રસ્તોનું નિર્માણ ના થયું ત્યાં સુધી સપ્ટેમ્બર ૨૦૧૪માં એ લેન્ડ સ્લાઈડીંગના કારણે સતત ૫૦ દિવસ બંધ રહ્યો હતો

ફરી વખત એ એપ્રિલ ૨૦૧૫ના ધરતીકંપના કારણે છેક ઓગસ્ટ ૨૦૧૫ સુધી એ બંધ રહ્યો.

અને અમે પહોંચ્યા નગરકોટ.

વાગ્યા 'તા સવારના ૫:૦૦.

હજુ લોકોની ભીડ ઓછી હતી એટલે ઊંચાઈ પર સરસ જગ્યાએ ગોઠવાઈને સૂર્યની એની દિનચર્યાએ નીકળવાની રાહ જોવા લાગ્યા.

ઠંડી પ્રમાણમાં વધુ હતી

અને એમાંયે વહેલી સવાર ઊંચાઈ પર વહેતો ઠંડો પવન.

બસ હું અને મારી ઘરવાળી અને અમારી નજીકમાં ઉભેલો એક ન્યુઝીલેંડથી આવેલો યુવાન અમે ત્રણ જણ ત્યાં સ્વેટર, જેકેટ, ધાબળા કે ઘુસા વગર હતા.

હાડ ધ્રુજાવતી ઠંડીમાં સવારે ૦૫:૦૦ વાગ્યાથી ૮૦૦૦ ફૂટની ઉંચાઈ પર હું એની રાહ જોઈને ઉભો હતો

અસમંજસમાં એ કે મોં બતાવવુ કે નહિ

સામે હું હતો એટલે શરમથી કે ઘરના અન્ય કોઈક કામ કે અન્ય કોઈ કારણસર એણે છેક ૦૫:૫૫ સુધી મોં બતાવવાનું ટાળ્યું

પછી ક્યાંકથી મને જોઇ જ લીધો હશે અને એને થયું હશે કે અરે આ તો પેલો "નાદાન" દીપક છે અને એણે ધીમેકથી મોં બહાર કાઢયું

અને પછી તો એ શરમ વગર ઝડપથી બહાર આવી ઉભો

હા ભાઈ હું નગરકોટ , નેપાળ,"સન રાઈઝ" પોઈંટની વાત કરૂં છું !!!!

બસ રાહ એને ઉગતો જોવાની હતી પછી તો એ રોજબરોજની માફક સાવ સામાન્ય અને તેજસ્વી પાછો ગરમીથી ભરેલો.

નેપાળના જ કોઈક અંતરિયાળ ભાગમાંથી આવેલું એક ૨૫ - ૩૦ જણાનું પ્રવાસીગૃપ.

અમે બે. પાંચ સાત વિદેશીઓ.

બસ અમે આટલા લોકોએ એ દિવસે ત્યાં ઉભાઉભા ઉગતા સૂરજને વધાવ્યો.

ના ખાણીપીણીના સ્ટોલ ના લારીગલ્લા.

સનરાઈઝ પોઈન્ટ પરથી નીચે આવ્યા અને અમારા સારથી, રાજન, સાથે આગળના પ્રવાસે જોતરાયા.

સારથી રાજનને સૂચના આપી કે તે ગાડી શક્ય એટલી ધીરે ચલાવે જેથી અમે તળેટીમાં ભગવાને વેરેલી સુંદરતાની સમૃદ્ધતા અમે માણી શકીયે.

વિદેશી મિત્રો જે વહેલી સવારે પોતાની ટેક્ષીઓમાં આવ્યા હતા તે પાછા ફરતા ખીણના રસ્તે દોડતા કે જોગિંગ કરી નીચે ઉતરતા નજરે ચઢયા એમની ટેક્ષી એમનો પીછો કરતી ધીમેધીમે એમની વાંહોવાંહ હળવેકથી ચાલતી જોઈ.

કદાચ અહીંથી છેક કાઠમંડુ સુધી લગભગ ૩૫ - ૪૦ કિલોમીટર સુધી એ લોકો આમ દોડતા જ જશે એવું અમારા ટેક્ષીચાલક રાજનનું કહેવું હતું.

માથે "ડોકા" લગાવેલી કોઈપણ જાતના મેકઅપ વગર અપ્રતિમ સુંદરતાને વરેલી સ્ત્રીઓની આવનજાવન અને ખીણની સુંદરતા બંને જોઈને ખરેખર અમે મંત્રમુગ્ધ થઈ ગયા.

સમયનો અભાવ અને અન્ય સ્થળો જોવાની અદમ્ય ઈચ્છાએ ના છૂટકે એ સ્થાન છોડવું પડયું.

અને અમે ભક્તાપુર તરફ વળ્યાં


.

ભક્તાપુર એક જીવંત પ્રાચીન ધરોહર

~~~~

ભક્તાપુર, નેપાળ. ૧૪મી સદીથી ૧૬મી સદી સુધીનું નેપાળનું પાટનગર.

આપણી સંસ્કૃતિ અને આપણી સાંસ્કૃતિક ધરોહર મોહન જો ડેરો, ધોળાવીરા કે લોથલ સાથે લુપ્ત થયેલી છે.

ખંડિત હાલતમાં આપણે યુગો પુરાણી સંસ્કૃતિના અવશેષો શોધી કાઢયા છે અને એ અવશેષોથી તાગ મેળવી જે તે સમયની સંસ્કૃતિ, સામાજિક રહેણીકરણી, રીતિરિવાજ, શિક્ષણ, ધંધારોજગારની વિગતો મેળવવા મથીએ છીએ.

વાત હજુ કાલની જ છે પણ એ શોધાયેલી સંસ્કૃતિ જમીનની નીચે ધરબાયેલી પડી છે.

જેના અવશેષોના સહારે આજે આપણે સદીયો પુરાણી એ સંસ્કુતિના તાગ મેળવવાના પ્રયાસો કરીયે છીએ

જેના અવશેષોના સહારે આજેય આપણે જે તે પ્રજાની બુદ્ધિમતા, બુદ્ધિક્ષમતા, વિકાસ અને વિકાસશીલતાના તાગ મેળવવા પ્રયત્નશીલ છીએ

હજુ આજેય ગઈકાલે જ સમુદ્રમાં લુપ્ત થયેલી સોનાની દ્વારકાની ભાળ નથી મેળવી શકતા અને ગોતાખોરો વર્ષોથી એ શોધવા જુદીજુદી જગ્યાએ દરિયામાં ગોતા અને ગોથા જ ખાય છે.

ભાઈ ડૂબેલું ટાઇટેનિક થોડુ જ છે કે તરત મળી આવે એ તો આખી દ્વારકાનગરી છે.

કદાચ વર્ષોથી દરિયાના પાણીમાં રહેતા સોનાએ એનો ચળકાટ છોડી દીધો હોય અને અથવા એ મૂળજગ્યાએથી ખસતી ખસતી બીજે ક્યાંક જઈને સ્થિર થઈ હોય !

સમજોને જેવો ડોક્ટર એવું દર્દનું નિદાન એમ જ અહીં જેવો સંશોધનકર્તા એવી સંશોધનની વિગતો.

જોકે એ સંશોધનપ્રાપ્ય ભૂતકાળની હકીકતોના વર્તમાનમાં કહેવાયેલા અનુમાન માત્ર ગણવા રહ્યા.

આપણે વાત જમીન પર આજેય સચવાયેલી ,૧૪મી સદીથી ૧૬મી સદી સુધી નેપાળની રાજધાની રહેલા ભક્તાપુરની વાત કરીયે છીએ.

ભારતથી નેપાળ પ્રવાસે આવતા હિંદુઓ આ સ્થળનો પ્રવાસ ટાળે છે કારણ કે અહીં મોટાભાગના મંદિરો અપૂજ છે, અને અહીં જોવાલાયક માત્ર પ્રાચીન ધરોહર જ છે.

કદાચ એ પણ કારણ હોઈ શકે કે ભારતથી આવતા પ્રવાસીઓ પેકેજ ટુરમાં આવતા હોય અને ટુર ઓર્ગેનાઈઝર આવી જગ્યાઓ હાથે કરીને બતાવવાની ટાળતા હોય !

જે કારણ હોય તે પણ વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં તેનો સમાવેશ થયો હોવાથી અહીં ૯૫% વિદેશીપ્રવાસીઓ જ જોવા મળે છે.

કાઠમંડુથી લગભગ ૧૩ કિલોમીટરના અંતરે આવેલું પ્રાચીન શહેર.

દરિયાની સપાટીથી લગભગ ૧૪૦૦ મીટર ઊંચે વસેલુ એ શહેર, ભડગાંવ ઉર્ફે ભક્તાપુર.

ભક્તાપુર દરબાર ચોક આજે + ૫૦૦વર્ષ પછીએ એ સમયની ભવ્યતાની વાતો કહે છે.

ભક્તાપુર દરબાર ચોક જેમાં દરબાર ચોક, દત્તાત્રેય ચોક, તૌમાધિ ચોક, અને પોટ્ટરી ચોકનો સમાવેશ થાય છે.

ભક્તાપુર આજે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ હેઠળ સચવાયેલી જગ્યા છે.

એટલે એની જાળવણી જવાબદારી વધી ગઈ છે

અને એ કારણે જ છેલ્લા પાંચેક વર્ષથી ત્યાં પ્રવેશ ફી લાગુ કરાઈ છે.

અહીં એ વાત નોંધી લઈએ કે નેપાળમાં આવતા ભૂકંપોમાં આ જગ્યાએ સૌથી વધુ નુકશાન થાય છે ૧૯૩૪માં કાઠમંડુ ખીણમાં આવેલા ભૂકંપમાં આ જગ્યાએ બહુ નુકશાન થયું હતું અને એપ્રિલ ૨૦૧૫માં આવેલા ભયાનક ભૂકંપમાં પણ આ મેદાની વિસ્તાર સાવ નષ્ટપ્રાય બની ગયો હતો

એપ્રિલ ૨૦૧૪માં અમારા પ્રવાસ દરમ્યાન અમે જોયેલા મોટાભાગના સ્મારકો એપ્રિલ ૨૦૧૫ના વિનાશકારી ધરતીકંપમાં જમીનદોસ્ત થઈ ગયા હોવાના સમાચાર જાણીને બહુ જ દુઃખ થયું

ભવ્ય મેદાનો અને ભવ્ય મેદાનોમાં સચવાયેલી ભવ્યાતિભવ્ય પથ્થર અને કાષ્ઠથી કંડારાયેલી ભવ્ય ઈમારતો

૫૫ બારીવાળો પેલેસ, જે ૧૪મી શતાબ્દીની શરૂઆતે રાજા યક્ષ મલ્લએ બંધાવ્યો હતો

જેનો જીર્ણોદ્ધાર ૧૭મી શતાબ્દીમાં રાજા ભુપતિન્દર મલ્લએ કરાવ્યો હતો.

લાકડામાંથી બનાવેલ મહેલ આજેય સમગ્ર નેપાળમાં સૌથી જૂનામાં જૂનું સ્મારક ગણાય છે.

મહેલનો પ્રવેશદ્વાર સંપૂર્ણ સોનાનો બનેલો છે જેના પર મહાકાળી અને ગરુડના ચિત્રો કંડારેલા છે. કહેવાય છે કે વિશ્વનું આ એકમાત્ર સંપૂર્ણ સોનાનું બનેલ એકમાત્ર છે.

આ પ્રવેશદ્વાર રાજા રંજીતસિંહની દેન છે.

નવાઈની વાત એ છે કે સદીયો પછી આજેય એ દ્વાર પર ના તો અન્ય રાજાઓની, અન્ય સરકારોની કે પ્રજાની નજર બગડી છે.....

બાકી આપણે સોનાનો એ દરવાજો ત્યાં કાં તો કોઈ ઉઠાવી ગયો હોય, એ કપાઈ કપાઈને ચોરાઈ ગયો હોય અથવા કોઈ પેઢીતારણીયો ડુપ્લીકેટ દરવાજો બનાવીને અસલી દરવાજાને ઘરમાં ઘાલી બેઠો હોય !

અમે ગયા ત્યારે મહેલમાં પ્રવેશબંધી હતી બારી અને દરવાજા સંપૂર્ણપણે બંધ હતા.

મહેલના મુખ્ય દરવાજાની સામે જ વત્સલા દુર્ગાદેવીનું મંદિર છે, જે આજે અપૂજ હાલતમાં છે.

વત્સલાદુર્ગા મંદિર ૧૬૭૨માં રાજા જગતપ્રકાશ મલ્લાએ બનાવ્યું અને મંદિરની બહાર આવેલા અદ્વિતીય બે કાંસાના મોટા ઘંટ જે તુળજા અને "બાર્કિંગ ડોગ્સ બેલ" તરીકે ઓળખાય છે તે જડાવેલા.

"બાર્કિંગ ડોગ્સ બેલ" પ્રમાણમાં ખુબ જ નાનો અને લગભગ ૨ થી ૪ ટન વજનનો છે.

જે તે સમયે એ ઘંટ જયારે વાગતો ત્યારે આજુબાજુના સમગ્ર વિસ્તારના કૂતરાઓ એ અવાજથી ડરીને ભસવા ચઢતા એટલે આજેય એ ઘંટ "બાર્કિંગ ડોગ્સ બેલ" તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે.

જયારે તુળજા ઘંટ પ્રમાણમાં મોટો છે જેનું વજન ૫ - ૭ ટન હોવાનું મનાય છે. એ ભાગ્યે જ વગાડતો હશે અથવા કોઈક આકસ્મિક સંજોગોમાં જ તેનો ઉપયોગ થતો હશે. સામાન્યરીતે તેનું અસામાન્ય કદ, વજન અને ઉંચાઈ જોતા એમ લાગે છે.

શહેરમાં પ્રવેશતા જ ૧૦૦ મીટર પછી ડાબી બાજુએ એલીફન્ટ ટેમ્પલ જયાં શિવપાર્વતીનું મંદિર છે. જ્યાં તમને ખજુરાહો શૈલીના અને શ્રેણીના કોતરકામવાળા શિલ્પો નજરે ચઢે.

તેની નજીકમાં ૧૭મી સદીની શરૂઆતે બનેલ ૧૮ હાથવાળી દેવી ઉગ્રચંડી અને ૧૨ હાથવાળા ઉગ્રભૈરવની મૂર્તિઓ છે. બંનેય મૂર્તિના બધાયે હાથમાં હથિયાર સજાવેલા છે. બંને મૂર્તિના ગળામાં માનવ હાથના પંજાની માળાઓ છે.

કહેવાય છે કે એ મૂર્તિ બનાવનાર શિલ્પીઓ એ મૂર્તિઓની નકલ ના બનાવી શકે એ માટે આ મૂર્તિ બનાવ્યા પછી તેમના હાથ કાપી નાંખ્યા હતા !

આહ !

ખુબ જ દુઃખદ ઈતિહાસ !

એ રાજાઓ પણ આજના બની બેઠેલા "મહારાજા" જેવા જ જુલ્મી હશે કે ?

ન્યાતપોલ મંદિર, દુનિયાનું એકમાત્ર સૌથી ઊંચું અને સૌથી મોટું પાંચમાળનું પેગોડા ટાઈપ મંદિર.

જે સંપૂર્ણપણે માટી અને લાકડાથી બનાવેલું છે.

જેમાં સંપત્તિની દેવી "મહાલક્ષ્મી દેવી" બિરાજમાન છે.

૧૭મી સદીમાં રાજા ભૂપતિન્દરે બનાવેલું આકર્ષક અને બેનમૂન સ્મારક છે.

નક્કી એ સમયના રાજાઓ પ્રજાકલ્યાણને પણ ધ્યાને રાખતા હશે એટલે જ લોકો માટે આવા ભવ્ય મંદિર બનાવતા હશે !

સાથે પશુપતિનાથ, બદ્રીનાથ, કેદારનાથ અને રામેશ્વરની પ્રતિકૃતિ સમા શિવમંદિરો. સાથે બે માળનું પેગોડા ટાઈપ ગોપીનાથ મંદિર જેમાં શ્રીકૃષ્ણ, સુભદ્રા અને બલરામ બિરાજમાન છે.

પોટ્ટરી ચોકમાં આજેય કુંભારો ચાકડા લઈને બેસે છે અને માટીના અવનવા વાસણો અને મૂર્તિઓ બનાવે છે.

૧૯૩૪ ના ધરતીકંપ પછી ૨૦૧૫ના ધરતીકંપમાં અહીંના મોટાભાગના સ્મારકો ધ્વસ્ત થઈ ગયા છે,

આ મેદાની જગ્યા પર ના જાણે કુદરતને શું વેર હશે કે વારંવાર આવતા ધરતીકંપમાં સૌથી વધુ નુકશાન અહીંના સ્મારકોને અને હાનિ પ્રજાની જ થાય છે.

કદાચ આ કારણે જ સદીયો પહેલા નેપાળના રાજપરિવારે પોતાની રાજધાની બદલી હોય !

અહીં પણ કેટલીક જગ્યાઓએ ફોટા પાડવાની મનાઈ છે.

શક્યત: એ આદેશને હું પણ અનુસર્યો.

મને એ વાત નથી સમજાતી કે મોટાભાગના કહેવાતા મોટા કે પ્રસિદ્ધ મંદિરોમાં વ્યક્તિગતરીતે ફોટા પાડવાની મનાઈ ફરમાવાઈ હોય છે

જયારે જે તે મંદિરના ગર્ભગૃહનું જીવંત પ્રસારણ TV ચેનલો પર પણ જોવા મળે !

મોટાભાગના કહેવાતા મોટા કે પ્રસિદ્ધ મંદીરો નિશ્ચિત સમય પર જ ખુલે અને એ પણ થોડાક જ સમય પૂરતા જ ખુલે બાકી એ બંધ જ રહે

ઘણીવખત તો જાણે લોકોની ભીડ ભેગી કરવા જ હાથે કરીને જે તે મંદિરોમાં દર્શન બંધ કરતા હોય તેવી અનુભૂતિ પણ થાય

પણ થાય શું તમારે જે તે નિયમોને પાળવા કે અનુસરવા રહયા

બાકી ખરેખર જ જો હિન્દૂધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માંગતા હો તો

ચોવીસે કલાક મંદિર ખુલા જ રહેવા જોઈએ અને

મંદિરમાં અને મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓને ફોટા પાડવાની છૂટ આપવી જોઈએ.

ફરી એક વખત એ વાત નોંધવી રહી કે નેપાળમાં પ્રવાસે જાવ ત્યારે સમય લઈને જજો.

ઊંઘ અને થાકને ઘરમાં મૂકીને જજો.

માત્ર ફરવા ખાતર જ નહિ પણ જે તે જગ્યાઓને અને જે તે જગ્યાના ઈતિહાસને માણવા જજો.

શક્ય હોય ત્યાં સુધી કોઈપણ પેકેજ ટુરમાં ના જશો

શક્ય હોય તો સાથે સારા કેમેરાની અને સારા દૂરબીનની વ્યવસ્થા કરવી.

બાકી તો નેપાળ ઈન્ટરનેટ પર મારા વર્ણનથી વિશેષ મોજુદ છે.

મરજી તમારી, મારી ફરજ એટલે કહ્યું જયારે તમે પૈસા ખર્ચીને ત્યાં સુધી જાવ.

ક્યારેક વિચાર આવે છે

હિમાલયમાં ખુદ શિવજીનો વાસ છે

માતા સમાન અને બાસમાસી એવી મોટાભાગની નદીઓના ઉદ્ભવસ્થાન હિમાલયમાં છે

નેપાળ એકમાત્ર હિન્દુરાષ્ટ્ર હતું

નેપાળ પર મોગલોની અને અંગ્રેજોની નજર ક્યારેય પડી નથી કે મોગલોની અને અંગ્રેજોની નજર નેપાળ પર બગડી નથી

છતાં કોપાયમાન કુદરત ત્યાં વારંવાર અને ભયંકર ધરતીકંપ શા માટે કરાવતી હશે ?!

પણ કુદરતને કોણ નાથી શકે ?!


.

બડા બિષ્ણુના દર્શને

~~~~~

સવારના ચાર વાગ્યાના નીકળેલા લગભગ સાંજે ચાર વાગે હોટલ પર પરત આવ્યા

અમારા સારથી રાજને બે કલાક પછી સાંજે ૬ વાગે ફરી તૈયાર રહેવા જણાવ્યું.

નેપાળ, કે જેને આજેય હું એક હિન્દુરાષ્ટ્ર ગણું છું એને જોવાની તાલાવેલી એવી હતી કે ભૂખ નામનું દરદ અમે સાવ ભૂલી ગયા હતા.

રસ્તામાં મળે તે ફળફળાદિ કે સાથે રાખેલા આચરકુચર ખાઈને દિવસનું ગુજરાન ચાલી જતું

રાતની વાત રાતે !

વચન પ્રમાણે સારથી રાજન સમયસર આવી પહોંચ્યો. અમે રથમાં સવાર થયા.

શહેરને ચીરતો અમારો રથ ઉપાડ્યો શિવપુરીની ટેકરીઓ તરફ

અમે સફર આદરી હતી શિવપુરી નેશનલ પાર્ક તરફ

શિવપુરી નેશનલ પાર્ક, જેનું નામકરણ કાઠમંડુની મધ્યમાં આવેલ છે +૨૮૦૦ મીટર ઊંચા શિવપુરી પર્વત પરથી કરાયું છે.

જો કે અમારી પાસે એ નેચરપાર્ક જોવા જવાનો સમય ના હતો અમે તો "બુઢા નીલકંઠ" ઉર્ફે "બડા બિષ્ણુ"ના દર્શનાર્થે જતા હતા.

થામેલથી લગભગ ૧૦ કિલોમીટર દૂર અને લગભગ ૩૦ મિનિટનો રસ્તો.

હજુ તો હોટલથી એકાદ કિલોમીટર જ આગળ નીકળ્યાને વરસાદ ચાલુ થયો પણ અમારે તો માર્યાદિત સમયમાં નેપાળની હિન્દુ પરંપરાઓ જાણવી હતી અને હિન્દુ મંદિરો ફરવા હતા અને નેપાળને પણ માણવું હતું.

વરસાદની પરવા કર્યા વગર અમારી વણથંભી રથયાત્રા આગળ વધતી રહી.

અમે પહોંચ્યા બુઢા નીલકંઠ

"બુઢા નીલકંઠ" ઉર્ફે "બડા બિષ્ણુ" ઉર્ફે "નારાયણનાથ મંદિર", મંદિર કે જ્યાં ૧૩ મીટરના ઘેરાવાના નાનકડા તળાવમાં ૫ મીટર લાંબી ભગવાન વિષ્ણુની શેષનાગ પર શયનમુદ્રામાં બેસાલ્ટના પથ્થરમાંથી કોતરેલી પ્રતિમા સ્થાપિત કરેલી છે

શું ભવ્ય છે એ મૂર્તિ !

શું પ્રભાવ જે એ જગ્યા નો !

મંદિરના પ્રાંગણમાં પ્રવેશતા જ તમને એ બંનેય વાતની પ્રતીતિ થયા વગર રહે નહિ કે તમે કોઈક દૈવીશક્તિની અસર તળે આવી ગયા છો.

સામાન્ય ભીડ અને વરસતો વરસાદ અને ખુલ્લું મંદિર પણ જેને પ્રભુને નરી આંખે નિરખવો છે એ આ બધાની પરવા થોડો જ કરે. સૌ શ્રદ્ધાળુઓ વરસતા વરસાદમાં પણ પ્રભુચરણને સ્પર્શી આશીર્વાદ લેતા નજરે પડ્યા.

ભલું થજો અમારા સારથી "રાજન"નું કે જેણે અમને આ અદભુત સ્થાન બતાવ્યું અને સ્થાનનો પરિચય આપ્યો અન્યથા અમારી નેપાળયાત્રા અધૂરી જ ગણાત.

આપણા જૂનાપુરાણા મંદિરોની મૂર્તિના ઉદ્દભવસ્થાનની જેમ જ એ મૂર્તિ સાથે પણ એક કથા સંકળાયેલી છે.

ખેડૂત દંપતીને પોતાનું ખેતર ખેડતા આ મૂર્તિ જમીનમાંથી સાંપડેલી.

સાતમી સદીમાં કાઠમંડુના લિચ્છવી રાજા ભીમાર્જુન દેવના સમયમાં વિષ્ણુગુપ્તે આ મૂર્તિની હાલના સ્થળે સ્થાપના કરાવેલી.

દરવર્ષે કારતક મહિનામાં હરિબોધિની એકાદશી (દેવઉઠી અગિયારશ) સમયે અહીં ઉત્સવ અને મેળાનું આયોજન થાય છે, એ સમયે હજારો શ્રદ્ધાળુઓ અહીં ઉમટે છે.

નેપાળના રાજા - મહારાજાઓ અને તેમના પરિવારો માટે આ મંદિરને શાપિત મંદિર ગણાવાય છે.

એવી લોકવાયકા છે કે આ મંદિરે દર્શન કર્યા બાદ રાજા - મહારાજાઓના અને / અથવા તેમના પરિવારોના સભ્યોના તુરંત મૃત્યુ થાય છે

એટલે રાજા - મહારાજાઓ અને તેમના પરિવારોના સભ્યો આ મંદિરે દર્શન કરવા ક્યારેય આવતા નથી.

તેઓએ આ મૂર્તિની નાની પ્રતિકૃતિ શહેરમાં અન્ય સ્થળે સ્થાપિત કરી છે અને તેઓ એ "છોટા બિષ્ણુ"ના દર્શનથી જ મન મનાવે છે.

કદાચ રાજા બિરેન્દ્ર , રાણી ઐશ્વર્યા કે રાજકુમાર દીપેન્દ્રએ ૨૦૦૧માં આ મંદિરે ભૂલથી દર્શન તો નહિ કર્યા હોય ને ?!

ફરી ફરી એ બે ત્રણ વાતનો હું ઉલ્લેખ કરીશ કે

આટલુ મોટુ મંદિર પણ કોઈ ભિખારી નહિ ,

કદાચ સ્વમાની પ્રજા જે મળે એમાં જીવી લેતી હશે પણ ભીખ નહિ માંગતી હોય

કદાચ પ્રશાસન એ ગરીબોને ખાદ્યસામગ્રી અને ખપ પૂરતા નાણા ઘેર બેઠા પહોંચાડતી હશે કે જેથી વિદેશીઓ અને વિદેશી યાત્રાળુઓ સામે પોતાના દેશની છબી ખરાબ ના થાય.

એક અનુકરણીય વિચારણીય મુદ્દો

સ્થાનિક નેપાળી સ્ત્રીઓ મેં અગાઉ કહ્યું એ મુજબ કોઈપણ મંદિરમાં દર્શન કરવા જતા કે કોઈપણ ધાર્મિક મેળાવડામાં જતા કે કોઈક કુટુંબીઓના સારા પ્રસંગે હાજરી આપવા જતા લાલચટ્ટક સાડી અને સોનેરી કે રૂપેરી ચળકતું પોલકુ જ પહેરે છે. કદાચ કોઈક ધાર્મિક આસ્થા આ બાબત સાથે જોડાયેલી હશે ?!

૧૯૬૦ દાયકા સુધી ગુજરાતમાં મંદિરમાં દર્શન કરવા જતા કે કોઈપણ ધાર્મિક મેળાવડામાં જતા કે કોઈક કુટુંબીઓના સારા પ્રસંગે હાજરી આપવા જતા સ્ત્રીઓ સામાન્યપણે રેશમી સાડી કે સોના - ચાંદીના તારથી મઢેલી તારકસબની સાડીઓ પહેરતી એવું મને યાદ છે.

અહીં ફરી પેલી ફોટા નહિ પાડવાની મોકાણ નડી

દુઃખની વાત અને આશ્ચર્યજનક હકીકતએ છે હિન્દુમંદિરોમાં મારે કાં તો ચોર બનવું પડે છે અથવા ભિખારી

ચોરની માફક છાનામાના ફોટા પાડવા પાડે છે

અથવા

ભિખારીની જેમ હાજર જે તે અધિકૃત વ્યક્તિ પાસે ફોટા પાડવાની રીતસર ભીખ માગવી પડે છે !

આ ખુલ્લા મંદિરમાં મને કોઈક અધિકૃત વ્યક્તિ ફોટા પાડતા જોઈ ગયો અને કેમેરો છીનવવા આવી ગયો હતો

મારો સારથી રાજન મારી મદદે આવ્યો

એણે નેપાળી ભાષામાં જે તે અધિકારીને સમજાવી ના માત્ર કેમેરો બચાવ્યો પણ જે તે અધિકારીને ફોટા પાડવા પણ મનાવી લીધા

અને મારુ કામ બની ગયું.

આવતીકાલે વહેલી સવારે અકલ્પનિય અને અદ્વિતીય "માઉન્ટન ફ્લાઈટ"માં હિમાલયની ગિરીકંદરાઓ નીરખવાનો અજોડ કાર્યક્રમ હતો.

જમીનથી ૨૫૦૦૦ ફૂટની ઊંચાઈ પરથી અને હિમાલયના ગિરિશિખરોને ૨૦ - ૨૫ કિલોમીટર દૂરથી નરી આંખે નીરખવાનો મોકો

હિમાલયના ગ્લેશિયરો અને હિમાલયમાં આપમેળે બનેલા કુદરતી સરોવરોને નિહાળવાનો મોકો

એક રોમાંચ !

જયારે પણ નેપાળયાત્રાએ જાવ ત્યારે "માઉન્ટેન ફ્લાઈટ"માં બેસીને હિમાલય દર્શન કરવાનું ચૂકશો નહિ

અને "માઉન્ટેન ફ્લાઈટ"માં હિમાલય દર્શન સમયે એક સારો કેમેરો અને એક સારું દૂરબીન સાથે રાખવું

એક અગત્યની વાત અહીં નોંધવી ખુબ જરૂરી છે તે

દરેક વિમાનમાં દરેક પ્રવાસીને બારી પાસેની બેઠક ફાળવવામાં આવે છે

વિમાન હિમાલય પર્વતમાળાની જમણી તરફથી પોતાનો પ્રવાસ આદરે છે

એટલે જતી વખતે તમને જે તે વિમાનની ડાબી તરફની બારીએથી હિમાલયનો નજારો જોવા મળે છે

અને વળતા જમણી તરફથી હિમાલય પર્વતમાળા નીરખવાનો મોકો મળે છે

વિમાનમાં તમને ટૂંકી વિગતો સાથેનો આખાયે હિમાલયનો રંગીન નકશો અપાય છે

સાથેસાથે વિમાન પરિચારિકાઓ જે તે સમયે જે તે પર્વત અને પર્વતમાળાની વિગતો આપતી રહે છે

તમારે જે તે સમયે તો નકશાને અને વિમાન પરિચારિકાઓ સદંતર અવગણવી રહી

તમારે તો અનિમેષ નજરે માત્ર ને માત્ર હિમાલયને નીરખવાનો છે

જિંદગીમાં આવા મોકા ફરી ફરી મળવા મુશ્કેલ છે.

"માઉન્ટેન ફ્લાઈટ" વિષે નેટ પર માહિતી મેળવેલી અને હોટલ માલીક, મિત્ર ધ્રુવા, સાથે એ બાબત પૂછપરછ કરેલી.

હોટલની બહાર ગલીના નાકે એરબુકીંગ એજન્ટની ઓફિસ ધ્યાને હતી આજે પાછા ફરતા અમે ત્યાં પહોંચી ગયા.

ત્યાં બેઠેલા મિત્ર સૂર્યા થાપા અને માનુનીને અમારો ટૂંકો પરિચય આપી આવતીકાલે "માઉન્ટન ફ્લાઈટ'માં વિહરવાની અમારી ઈચ્છા પ્રદર્શિત કરી

એ મિત્રએ ૪ એરલાઈન્સ કંપની આ રૂટ પર સવારે ૬ થી ૮ દરમ્યાન "માઉન્ટેન ફ્લાઈટ"ની સફર કરાવે છે એ વિગતો આપી

આમ તો અમને ગુજરાતી હોવાની અને અમદાવાદી ગુજરાતી હોવાની એને ખબર પડી ગઈ હતી સાથેસાથે અમારી ખરીદશક્તિ અને જીજીવિષા એ મિત્ર જાણી ચુક્યો હતો

એટલે મિત્ર સૂર્યા થાપાએ જણાવ્યું કે ૩ વિમાનીસેવાઓના વિમાનો નાના અને એક જ એન્જીનના છે જયારે "બુદ્ધા એરલાઈન્સ"નું વિમાન બે એન્જીનવાળુ છે.

એનું કહેવું હતું કે કાઠમંડુથી કાંચનજંઘા સુધીના પહાડી વિસ્તારોમાં ગમે ત્યારે વાતાવરણ બગડી જાય છે અને એક એન્જીનવાળા વિમાનોને ત્યારે મુશ્કેલી પડે છે.

અન્ય એરલાઈન્સની ટિકિટ ૮૦૦૦ રૂપિયાની છે જયારે "બુદ્ધા એરલાઈન્સ"ની ટિકિટ ૧૦૦૦૦ રૂપિયાની છે.

માત્ર બે હજાર રૂપિયા માટે માંડમાંડ મળેલી આ અમૂલ્ય જિંદગી જાણીજોઈને એમ અણધાર્યા જોખમે તો ના જ મૂકાયને !

વળી પરિવારનો, સગાસંબંધીઓનો અને તમારા સરખા મિત્રોનોય વિચાર તો કરવો પડે ને !

એટલે આવતીકાલે સવારની "બુદ્ધા એરલાઈન્સ"ની બે ટિકિટ સવારે ૬ વાગ્યાની પહેલી "માઉન્ટેન ફ્લાઈટ"માં બુક કરાવી

સાથે લઈને નીકળ્યા તા એ રોકડ તો નાનામોટા ખર્ચામાં લગભગ ખતમ થઈ ગઈ હતી ક્રેડિટકાર્ડ હતું તે થોડો સધિયારો રહ્યો.

ફરી કાલેય સવારે ૪ વાગ્યામાં હોટલ છોડવાની.

પણ "ફરવું છે તો ભોગવવું રહ્યું !" એ ન્યાયે ઊંઘ બગાડવી મને તો પોસાસે !

એક આડવાત જે અહીં કહેવી જરૂરી છે તે

ફેબ્રુઆરી ૨૦૦૮ થી જાન્યુઆરી ૨૦૦૯ સુધીમાં મારા ડાબા પગમાં ત્રણ અને જમણા પગમાં એક ઓપરેશન થઈ ચૂકેલા છે અને દરેક ઓપરેશન પછી જે તે ડોક્ટર સાહેબોએ મારા પરિવારને મારાથી ખાનગીમાં જણાવેલું કે આ માણસ હવે જિંદગીમાં ક્યારેય ચાલી નહિ શકે

પણ એ ડોક્ટર સાહેબોને ક્યાં ખબર હતી કે આ બંદો કોઈક જુદી માટીનો છે !

આત્મવિશ્વાસ જેવો કોઈ ડોક્ટર નથી

બાકી તમારા શારીરિક દુઃખને પકડીને બેસી રહો તો નિશ્ચિતપણે જિંદગી હારી જ જાવ

ખુબ જ થાકેલા હતા એટલે એમ હતું કે પથારીમાં પડતા જ ઊંઘ આવી જશે પણ

થાક અને અજંપો નીંદરના વેરી લાગે છે

થાક અને અજંપો તમને ક્યારેક જ સુવા દે બાકી પાસા બદલતા કે પડખા ફેરવતા આખીયે રાત તમને તમારા સગાઓ અને વ્હાલાઓ યાદ કરાવે, તમારા જીવનના સારાખોટા અનુભવો અને બનાવો યાદ કરાવી તમને જાગવામાં શક્ય એટલી મદદ કરે

(ક્રમશઃ)