jaane-ajaane - 60 books and stories free download online pdf in Gujarati

જાણે-અજાણે (60)

આટલાં વર્ષોનાં ઘણાં પ્રશ્નો અતિતની ચાદર ઓઢી બેઠાં છે. આ બદલાયેલાં જીવનમાં તે કેટકેટલાં વમળોને મનમાં જ શાંત પાડી રહી છે તે હવે ધીમી ગતિ એ બહાર આવવા જ રહ્યા.

આખો દિવસ પસાર થઈ ચુક્યો હતો અને રાત દરવાજે ઉભી હતી. અને વધતી રાતની સાથે નિયતિની ચિંતા વધી રહી . ઘરમાં એકદમ સન્નાટો છવાયેલો હતો. બધાં કોઈકની જાણે રાહ જોઈ બેઠાં હોય એમ લાગી રહ્યું. એટલામાં નિયતિનાં પિતાએ પોતાની બાળપણ જેવી હરકત સાથે ધીમેથી શેરસિંહ નાં કાન નજીક જઈ પુછ્યું " કોની રાહ જોવાય છે?.." અને શેરસિંહે તેમને મોં પર આંગળી બતાવી ચુપ કરી દીધાં. એટલાંમાં ઘરનો દરવાજો ખખડ્યો . અને ધીમેથી કદમો ઘરમાં પડ્યાં. દબાયેલાં પગે ચાલવાની કોશિશ સાથે ઓછામાં ઓછો અવાજ કરતાં તે છોકરી ઘરમાં પ્રવેશી. નીચી ડોક કરી પોતાનાં પગનાં અવાજને ન્યૂનતમ કરવામાં ધ્યાન દેતી એ છોકરીનાં ખુલ્લાં ટૂંકા વાળ તેનાં માંથેથી નીચે લટકતાં હતાં. સ્કીનટાઈટ જીન્સ અને ટૂંકું ટોપ સાથે એક ફેશનનું બૅગ લટકાવેલી તે છોકરીએ પોતાનું માથું ઉંચું કર્યું અને બધાને સામેં ઉભેલાં જોઈ તે ત્યાં જ રોકાય ગઈ.

અમીથી તદ્દન વિરુદ્ધ પ્રતિભાવ આપી રહેલી આ છોકરી બીજું કોઈ નહીં વંદિતા હતી. અને થોડી ગુસ્સે ભરાયેલી નિયતિએ કહ્યું " વંદિતા.... ટાઈમનું ભાન છે?... કેટલાં વાગ્યા છે ?.." અને વંદિતાએ અકડ સાથે પોતાનું ઘડિયાળ જોઈ કહ્યું " હા... 8 વાગ્યા છે.. તો?... " " તો?... ખરેખર તું પુછે છે!... તારી કૉલેજ પાંચ વાગ્યે છુટી જાય છે... તો તને આટલું મોડું કેમ થયું?..ક્યાં હતી અત્યાર સુધી?" નિયતિનાં અવાજમાં ગુસ્સા કરતાં ચિંતા વધારે સંભળાય રહી . પણ વંદિતાને નહિ. તેને તો જાણે કોઈ વાતનો ફર્ક જ ના પડતો હોય તેમ તેણે નિયતિની વાત સાંભળી- ના સાંભળી કરી નાખી. અને કહ્યું " આ મારી લાઈફ છે.. મારે જ્યાં ફરવું હશે ત્યાં ફરીશ. અને હું તમને કોઈ પણ જાતની ચોખવટ કરવી જરૂરી નથી સમજતી. રોજ રોજનાં આ કકળાટ છે તમારાં. કેમ મને મારાં હાલ પર નથી છોડી દેતાં?.. કેમ બધી વાતમાં તમારે માંથું મારવું હોય છે?. હું કોઈ દિવસ તમારી વાતમાં બોલું છું?.. પુછું છું કશું પણ?.. તો તમને કેમ બધું જાણવું હોય છે?.. હવે હું નાની નથી. હું મારી જાતનું ધ્યાન રાખી શકું છું. " વંદિતા તો નિયતિ પર વરસી પડી અને પોતાનાં રૂમમાં જવાં લાગી એટલે શબ્દ તેની સામેં આવી હાથ બતાવી તેને રોકી અને વંદિતા થોડી નીચી જૂકી એટલે બોલ્યો " વંદુ.... તું તો છા ગઈ..!... મમ્માં ને જ ચુપ કરાવી દીધી!..." અને વંદિતા અને શબ્દે એકબીજાનાં હાથમાં તાળી મારી વંદિતા ચાલી ગઈ. તેની પાછળ શબ્દને જતાં જોઈ નિયતિએ ભાર દેતાં કહ્યું " શબ્દ... પાછો આવ... રાત ઘણી થઈ છે. Go to your room ... અને આ શું છે?. વંદુ એટલે શું?.. એ તારી માસી છે. ઈજ્જત કરતાં શીખ. " " but મમ્માં વંદુએ જાતે જ કહ્યુ છે કે મને માસી નહીં બોલાવવાની. " નાનાં અમથાં શબ્દનાં નિર્દોષ વાતો આગળ નિયતિ પણ કશું બોલી ના શકી. અને નિયતિ અને અમી એકબીજાને એકીટશે જોઈ રહ્યાં. કહેવામાં તો તે ચુપ હતાં પણ તેમની આંખો ઘણુંબધું કહી રહી . અને નિયતિ પણ ત્યાંથી ચાલી ગઈ.

અમી થોડીવારમાં નિયતિનાં રૂમમાં જોવાં ગઈ કે શું નિયતિ ઠીક છે કે નહી!.. નિયતિ બારીની બહાર નીચે રોડ તરફ જોઈ પોતાનો ખભો જોડેની દિવાલે ટેકવી ઉભી હતી. કશુંક વીચારી રહી હતી. પાછળથી અમી અંદર આવી અને બોલી " દીદી.... ઠીક છો તમેં? " નિયતિ કશું બોલી નહીં એટલે તેણે વધાર્યું " દીદી.. તમનેં ખબર તો છે તેનો સ્વભાવ કેવો છે!.. તેને કોઈ વાત, કોઈ માર થી કોઈ ફર્ક નથી પડતો. તે એકદમ પથ્થર બની ગઈ છે. પણ તે જે બોલે છે તેમાં તેનો કોઈ એવો મતલબ હોતો નથી. અરે તેને તો ભાન પણ નહીં હોય કે તે શું બોલે છે!. તો તમેં કેમ તેની વાતને ગંભીરતાથી લઈ લો છો?.. " છતાં નિયતિ ચુપ ઉભી હતી. અને બસ એકીટશે બહાર જોતી રહી. અમીએ આટલું બોલવાં છતાં નિયતિએ એક ક્ષણ પણ તેની તરફ નજર નહતી ફેરવી. એટલે અમી એ એકવાર ફરીથી કોશિશ કરી. અને કહ્યું" દીદી કશુંક તો બોલો. હા હું જાણું છું કે કેટલીક ઘટનાઓ એવી બની છે કે જેનાં પછી આપણાં બધાં પાસેથી કશુંક ને કશુંક છીનવાઈ ગયું છે. પણ આપણે બધાં જે છે એમાં ખુશ રહેતાં શીખી ગયાં છે ને!.. આટલાં વર્ષોની મહેનત પછી આખરે આપણું જીવન સામાન્ય થઈ રહ્યું છે ને. તો ફરીથી એ બધી વાત...." નિયતિએ અમીને અટકાવી પોતાની પાસે બોલાવી. અને કહ્યું " જો અમી... બહાર જો. " બહાર એક કુતરું હતું જે તેનાં નાનાં નાનાં બચ્ચાને ચાટીને વ્હાલ કરી રહ્યું હતું. અને જ્યારે બીજું અજાણ્યું કુતરૂં તેની નજીક આવ્યું એટલે તે મોટું કુતરું જોર જોરથી ભસવા લાગ્યું. આ ઘટના અમીએ જોઈ પણ તેને ખબર નહતી પડી રહી કે નિયતિ કેમ આ કુતરાંને બતાવી રહી છે. આ જોઈ નિયતિએ સમજાવ્યું " જો અમી... આ જાનવર છે તો પણ તેમને ખબર પડે છે કે જ્યારે પોતાનાં બચ્ચા પર બીજાં કૂતરાંનો ખતરો હોય તો તેનું રક્ષણ કરવું જ રહ્યું. અને અત્યારે જ્યારે વંદિતા પર બાહ્ય આવરણને કારણે નુકસાન થવાનો ભય છે તો મારે તેનું રક્ષણ કરવું જોઈએ. અને આટલાં વર્ષોથી હું પ્રયત્ન પણ કરું છું પણ તું જોવે છે ને... તે દિવસની ઘટના પછી વંદિતાએ મારી સાથે વાત કરવાનું જ મુકી દીધું છે. એ ગામડું છોડતાની સાથે જાણે વંદિતા અંદરથી જ મરી ચુકી છે. તે દિવસથી આજ સુધી તેણે મારી સાથે સરખી રીતે વાત નથી કરી. પહેલાં પહેલાં તો મને લાગ્યું કે કદાચ થોડાં દિવસ ગુસ્સો રહેશે પછી બધું સામાન્ય થઈ જશે. પણ ના... તેનો ગુસ્સો તો ક્યારે નફરતમાં ફેરવાય ગયો મને તો ખબર જ નથી. અને ક્યાંક ને ક્યાંક મારી જ ભૂલ હતી. કે જ્યારે તેને મારી જરૂર હતી, તેને એક હુંફાળી થાબકીની જરૂર હતી કે કોઈક તેને કહે કે બસ વંદિતા આ દિવસો પણ સુધરી જશે. અને બધાં દુઃખ પણ ધોવાય જશે. બસ જરૂર છે થોડી ધીરજની... બસ આટલું જ તો કરવાનું હતું. પણ ના... મારી પાસે તો ટાઈમ જ નહતો. મને તો પૈસા કમાવવાની પડી હતી. હું બધું જાણવાં છતાં તેની તરફ ધ્યાન જ ના આપી શકી. એ જાણતાં હોવાં છતાં કે વંદિતાનું નાજુક નિર્મલ મન તૂટી ગયું છે તેને સહારાની જરૂર છે છતાં હું તેનો સહારો ના બની શકી... અ...અને... જો... આજે શું હાલત થઈ ગઈ છે તેની!..." નિયતિ પોતાની પરનો કાબુ ગુમાવી બેઠી અને પોક મુકી રડી પડી. જુનાં ઘાવ દેખાય એટલાં દર્દ આપે તેવી વાત કંઈક નિયતિ જોડે પણ બની રહી. તેનાં મનનાં ઘાવ કોઈને દેખાતા તો નહતાં પણ આજે તેનું દર્દ નિયતિનાં મનથી અમીનાં મન સુધી પણ પહોંચી રહ્યું હતું. અને અમીનાં આંખમાં પણ આંસુ આવી ગયાં. તેનો અવાજ માંડ માંડ નિકળી રહ્યો અને તેણે નિયતિનો સહારો બનતાં કહ્યું " બસ...બસ... એમાં તમારો શું વાંક હતો દીદી?.. એ સમય જ એવો હતો . આપણે આ શહેરમાં તદ્દન નવાં હતાં અને જેટલાં પૈસા હતાં તે પુરતાં નહતાં. જો એ સમયે તમેં પૈસા કમાવવાનું ના વિચારતાં તો કદાચ આપણે આ શહેરમાં વધારે ટકી પણ ના શકતાં. અને બીજી વાત... એ દિવસે જે થયું તેનાંથી બધાનાં મન ભટકાયેલાં હતાં. અને જો વંદિતાનું મન તૂટ્યું હતું તો તમારૂં શું?.. તમેં તો પુરેપુરાં જ તૂટી ગયાં હતાં. છતાં પણ તમેં પોતાને સંભાળ્યા અને અમને પણ સાચવ્યા. વંદિતાને ક્યારેય આ વાતનું ધ્યાન જ નથી. એટલે તેને પોતાનું જ દુઃખ અને તકલીફ દેખાય છે. પણ તમેં ચિંતા ના કરો હું તેની સાથે વાત કરીશ. " " ના..ના.... તું કોઈ વાત ના કરતી. હું જાતે જ કોઈ માર્ગ શોધી લઈશ. " નિયતિએ કહ્યું. અને વધાર્યું " હું ઠીક છું. તું જા પોતાનું કામ કર. અને વંદિતાને કંઈક જમવાનું આપી દેજે. ખબર નહીં તેણે કશું ખાધું હશે કે નહી.!" અને અમી તેની વાત માની ત્યાંથી ચાલી ગઈ.

બીજી તરફ અમી વંદિતા માટે જમવાનું લઈ રુમમાં પ્રવેશી ત્યાં તો વંદિતા પહેલેથી જ જમવાં બેસી ગઈ હતી. અને તે અને શબ્દ જાણે પાક્કા મિત્રો હોય તેમ હસી હસીને વાતો કરી રહ્યા હતાં. વંદિતાનો સ્વભાવ શબ્દ તરફ તદ્દન જુદો જ હતો. જાણે આખી દૂનિયાનું લાડ લડાવતી હોય છતાં જતાવવાં ના માંગતી હોય તેમ બતાવતી રહેતી. શબ્દ પણ તેની સાથે એકદમ ફ્રેન્ડ બની ને જ રહેતો. તેની સાથે હસતો, રમતો અને બંને એકબીજાની સાથે પોતાની બધી વાતો પણ કહેતાં. આ જોઈ અમીને હંમેશાં પેલી જુની વંદિતાની યાદ આવતી. એ વંદિતા કે જે આવો વ્યવહાર એક સમયે રેવા સાથે કરતી હતી. અને બસ અમી ત્યાં દરવાજે જ તેમને જોતી ઉભી રહી ગઈ. અને વિચારવાં લાગી " વંદિતા ભલે ગમેં તેટલી નારાજ થઈ જાય દીદી થી. પણ તે શબ્દને નકારી નથી શકતી. અને કદાચ આ જ એક હોપ છે , એક આશ છે કે બધું પહેલાની માફક થઈ જાય. વંદિતા અને દીદી વચ્ચે જે વાતને લઈ ને આ દરાર પડી છે તે વાત બંને ભૂલી પોતાનો પ્યાર જે એકબીજા પર છે તે બતાવવાં લાગે. ..... ભગવાન.... પ્લીઝ એટલું કરી દેજો. " અને એટલામાં વંદિતા તેને જોઈ ગઈ અને અમીને અંદર બોલાવી. અને ત્રણેવ મસ્તીએ ચડી ગયાં જાણે કશું થયું જ ના હોય તેમ ફરીથી વાતાવરણ હળવું બની ગયું.

આખરે રાત પુરી થઈ અને સવાર પડી. રોજની માફક ફરીથી એ જ હલ્લાબોલી.... ઉઠો , જાગો, સ્કુલ કે કૉલેજ માટે તૈયાર થાઓ, નાસ્તો બન્યો કે નહીં.... ટીફીન ભરાયું કે નહીં... મારી નોટબુક ક્યાં છે.... મારી ડાયરીમાં મમ્માંની સિગ્નેચર રહી ગઈ.... મને પૈસા જોઈએ છે.... અને એવી તો ઘણી બૂમો જે રોજબરોજ ની જિંદગીમાં બધાનાં ઘેર સંભળાતી હોય. જે નિયતિનાં ઘેર પણ ચાલું જ હતી.

રોજની માફક નિયતિ પોતાનાં કૅફે જવાં નિકળી. અને આહાહા... જ્યારે તે પોતાનું લાલ બૂલેટ લઈ ને નિકળતી... તો એવું લાગતું જાણે તેનાં ચહેરાં પર એક તેજ છવાય ગયું હોય. જ્યારે હવામાં લહેરાતાં વાળ તેનાં હેલ્મેટ માંથી બહાર ડોકાચિયા કરતાં તો જાણે એક સુંદરતાની લહેર દોડી ઉઠતી. આસપાસનાં લોકો અને રસ્તા પર જતાં આવતાં લોકો પણ તેને જોઈ દંગ રહી જતાં. પણ નિયતિ તો પાતાની ધૂનમાં , કોઈની પરવાહ કર્યા વગય બસ પોતાનાં રસ્તે ચાલી જ જતી.. ચાલી જ જતી.

વર્ષોથી જે બાઈકનાં સપનાં પાછળ તે ભાગતી રહેતી આજે તેની જ નિયતિ પલટાઈ ને હવે નિયતિ જાતે એ બાઈક પર પોતાનાં સપનાઓ પાછળ ભાગી રહી છે.

પણ તેનાં સપનાં અને તેનું બાઈક તેને ક્યાં સુધી પહોંચાડશે તે જોવું રહ્યું.



ક્રમશઃ