Smart chintu ane smart phone - 5 books and stories free download online pdf in Gujarati

સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૫. ચીંટુ - નવી દુનિયા ભણી એક કદમ

૫. ચીંટુ - નવી દુનિયા ભણી એક કદમ

"આજે સાંજે ફરવા જઈએ તો કેવું?? અને પાછા ફરતા થોડી ખરીદી પણ થઈ જશે." મમ્મીની વાત ને આગળ વધારતાં પપ્પાએ ઉમેર્યું, " હા, એવું કરીએ. સાંજે આજે બહાર જ જમી લઈશું." બહાર જવાની વાત ચીંટુના કાને શું પડી કે અંદરની રૂમમાંથી દોડીને આવી પહોંચ્યો - સીધો મમ્મીની પડખે. કાલીઘેલી ભાષામાં " મમ્મી મારે આવવું છે..!"

"મારા દિકરા ને શું ભાવે? શુ ખાવું છે - પીઝા..? મન્ચુરિયન..? " મમ્મીના પ્રશ્નનો જવાબ ચીંટુ આપે એ પહેલાં તો પપ્પાએ જ પ્રશ્ન પૂછીને એક સીમા રેખા બાંધી દીધી. "પીઝા ખાઇસુને બેટા..? ... "હા, મને પીઝા ખાવાની ઈચ્છા છે"

મંચુરિયનનું પત્તુ એમ જ કપાઈ ગયું. આમેય બાળકની પસંદગી ભાવમાં તણાઈને તૈયાર થતી હોય છે પછી એ નિશ્ચિત ને કાયમી આકાર લેતી હોય છે.

પણ, મમ્મીના નવા વિચારે ચીંટુ ને નવી દિશામાં વાળ્યો. "પંજાબી ડીશનો આઈડિયા કેવો રહેશે? પનીરની સબ્જીખાવાની ઈચ્છા થઈ છે..એટલે..!" પપ્પાની પહેલા જ ચીંટુ એ વિચારને વધાવી લીધો. મમ્મીની એકદમ નજીક પહોંચી ગયો. મમ્મીએ એને ઊંચકી લીધો. "પનીર ભુરજી ખાવી છે કે પાલખ પનીર, મારા બેટાને? પપ્પા સમજી ગયા કે આજે "આપણો પીઝા મહોત્સવ" ઉજવાઈ રહયો..! ચીંટુને આમાં કાઈ લાંબી સમજ તો પડે નહીં. જે પણ બોલો એનું પુનરાવર્તન કરે, પછી પીઝા હોય કે મન્ચુરિયન કે પછી પનીર!

આવી વાતચિતમાં ચીંટુને અંદરની રૂમમાં પલંગ પર મુકેલા મોબાઈલની સહેજ પણ યાદ ન આવી. વાત કરતા કરતા, પપ્પાએ ચીંટુને ઊંચકી લીધો.."જમ્પિંગમાં જઈશુંને? લપસણી.., હિંચકા,...! ગમે ને તને?

"ચાલોને જઈએ, પપ્પા..! મમ્મી, ચાલોને....!" ચીંટુને હવે રાહ જોવી મુશ્કેલ લાગતી હોય તેમ કાકલૂદી ચાલું કરી.." મને બગીચામાં જવું છે.. લઈ જાવ ને...જમ્પીગમાં..."

મમ્મીએ, એને સમજાવતા સમજાવતા, પપ્પાના હાથમાંથી ઊંચકીને નીચે ઉતાર્યો..." બેટા, હજુ વાર છે. બપોરે જમ્યા પછી થોડું સુઈ જવાનું, પછી જવાનું! આપણે સાંજે જવાનું છે, અત્યારે નહીં.. મારે ઘણું કામ છે હજુ." ચીંટુનું મોં, સો ડીગ્રી તાવ ચડ્યો હોય એમ, સાવ લેવાઈ ગયું, પણ, મમ્મીએ એક જ ઝાટકે તાવ ઉતારી દીધો.." જા.. જોતો મારો ફોન ક્યાં છે? જા.. શોધી લાવ.. તારા પપ્પાને કે કોઈ નવી ગેઇમ કરી આપે." મોબાઈલથી બાળકને કંટ્રોલ કરી શકાય એવું માંથી વિશેષ કોણ જાણી શકે?

ટગુ ટગુ ચાલમાંય રાજકુમાર જેવું શૂરાતન આવ્યું હોય તેમ ચીંટુ તો બે ઘડીમાં ફોન લઈને આવી ગયો. ફોન મુકયો પપ્પાના હાથમાં. "પપ્પા, ગેઈમ..! ગેઇમ કરી આપોને..!

પપ્પાએ એમ કર્યું પણ ખરું. ચીંટુને નવી ગેઇમમાં થોડી વાર મઝા તો પડી. પણ, એનું ધ્યાન વારે વારે પપ્પાના ફોનમાં જાય. પપ્પાના મોબાઇલમાં ચાલતાં અને બદલાતા રહેતા જુદા જુદા અવાજો, ગીતો, સંવાદો - ચીંટુ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. "કઈંક તો નવીન છે..!" એ ભાવ રોકી શકાય તેમ નહોતો એટલે પોતાનો ફોન બાજુએ મૂકી પપ્પાની બાજુમાં વળગી પડ્યો...! નવું જોવા જાણવાની ઉત્સકતા અને તાલાવેલી બાળકમાં સહજ હોય છે. બાળકને સારા-નરસમાં કાઈ સમજ ન હોય, પણ જિજ્ઞાસાની તીવ્રતા ઘણી હોય!

પપ્પાના 'પીઝા મહોત્સવ' ની તો હવા થઈ તી, પણ પોતાનાં મોબાઈલમાં ચાલતા 'ટિકટોક'નુય એવું ના થાય એટલે એણે ચીંટુના ફોનમાંય ટિકટોક ચાલુ કરી તેને સોફાનાં બીજે ખૂણે લગાડી દીધો.

ટિકટોકની દુનિયા એટલી ગઝબ હતી કે ચીંટુને એ પણ ભુલાઈ ગયું કે સાંજે જમપીંગ જમપીંગ નો કાર્યક્રમ છે. બેઠક્ખંડ બે બે બાજુએથી ટિકટોકના અવાજથી ગુંજવા લાગ્યો હતો. ચીંટુને લાગ્યું હશે કે આટલી રંગીન દુનિયા બીજે ક્યાંય નહીં હોય! મોબાઈલ સ્ક્રીન પર ચાલતા દ્રશ્યો ચીંટુના ચહેરા ઉપર જાણે ઉછળી રહ્યા હતા - બીજી બાજુ તેનાં પપ્પાના ચહેરા પર પણ!

- કેતન વ્યાસ